Barbrakjishnu - Jaisingh Siddhraj - 27 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

૨૭

કેશવની મનોવ્યથા

ચંદ્રમા ભલે ને વિમાનમાં દોડે, પણ એમ રાણકદેવીની સુંદરતા જોઇને, ઘેલી કવિતાને ચાળે ચડે એવા ગાંડા પાટણના વણિક રાજમંત્રીઓ ન હતા. તેઓ તો તેલ જુએ, તેલની ધાર જુએ ને પછી પગ માંડે. સિંહાસન પાટણનું વર્ષોથી જે પ્રણાલિકાને આધારે ટકતું આવ્યું હતું, એ પ્રણાલિકા તોડી નાખવાનો ખુદ જુવાન રાજાને પણ અધિકાર નથી એમ તેઓ માનતા. એટલે એને બે ઘડી ઘેલાં કાઢવાં હોય તો ભલે કાઢે, બાકી દેવડી પાટણના સિંહાસને ન જ આવી શકે. એ સિંહાસને તો જે આવતું હોય તે આવે. લાટની કન્યા આવે, માલવાની કન્યા આવે, ચેદિરાજની કન્યા આવે. ભીમદેવ મહારાજે ભૂલ કરી હતી – ચૌલાદેવીને લાવવાની, પણ એ તો  ભીમદેવ મહારાજ હતા અને છતાં રાજસિંહાસને ચૌલાનો પુત્ર નહોતો જ આવ્યો. એનો પ્રપૌત્ર ત્રિભુવન આજ પણ એની સાક્ષીરૂપે હતો. દેવડી કોણ છે એની કોને ખબર? એનું કુળ શું? એનો રાજવંશી મહિમા શો? એવા સંબંધથી પાટણની સત્તાના ગૌરવનું શું? જયસિંહ સિદ્ધ્રરાજ બળવાન હતો, પણ પ્રણાલિકા વધારે બળવાન હતી. મુંજાલે તક પકડી. રાજા બર્બરકજિષ્ણુ ઘણો સત્તાશીલ થયો હતો. અમાત્યો ઢીલા પડ્યા હતા. આ સમય હતો – રાજાની સત્તાને નિયંત્રિત કરવાનો. એ લોકપ્રિય હતો. પણ લોક આખી રાજસત્તા નથી. મુંજાલે ઘસીને ના પાડી દીધી. એ સંબંધ ન જ બને. રાજમાતાએ ના પાડી હતી. સાંતૂએ ના પાડી. દંડનાયકે ના ન પાડી, પણ હા ન કહી. સિદ્ધરાજે એ સૌને એક તરફ રાખી દીધા હતા ને દેવડા સાથે એ પોતે જ વાત ચલાવી રહ્યો હતો. કેશવ સેનાનાયક – એને એણે આજ્ઞા આપી, દેવડાને રાજ-દરબારમાં જતો-આવતો કર્યો હતો. પૃથ્વીભટ્ટ ને પરમાર – એમને આજ્ઞા આપી હતી, પાટણમાંથી દેવડો કે દેવડાના કુળનું કોઈ બહાર જી શકે તેમ ન હતું. બર્બરક – એને આજ્ઞા આપી હતી: માલવા અને સોરઠ – બંને સાથે એકીવખતે યુદ્ધ કરવું પડે તો આજ સુધી એકને સાધી બીજાને હંફાવવાનો પ્રયોગ થતો. આજ હવે નવો જ પ્રયોગ કરવાનો હતો – ઠેઠ સોરઠના સીમાડા સુધી કોટકિલ્લા રચવાનો, એમાં થાણા રાખવાનો, માલવાને પણ એમ જ વશ કરવાનું હતું.

એક તરફથી આ પ્રમાણે મહાન યુદ્ધો માટે સિદ્ધરાજે તૈયારી કરી રહી હતી, બીજી તરફથી દેવડાને બોલાવીને, પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી દીધી હતી. પણ દેવડો હા પાડી શક્યો ન હતો, ના પણ કહી શક્યો ન હતો. દેવડાએ દેવડીને સાધવા યત્ન કર્યો હતો, ને સમય લંબાવવો શરુ કર્યો હતો. કૃપાણ રાજાના સંદેશ લઇ જતો-આવતો. કેશવ નાયક રાજાનો વિશ્વાસુ હતો. રાજાની વાત જાણતો ને એની પડખે ઊભો હતો. એણે આ વ્યવહાર કરતાં એક શંકા પડી ગઈ હતી – મહારાજે દેવડાની ઘોડારનું લશ્કરી મહત્વ વધારવા કોટિધ્વજને ત્યાં રખાવ્યો એ ખરું, પણ એવા દેવઘોડાની જવાબદારી ત્યાં કોની? દેવડાનો અતિ વિશ્વાસુ કહેવતો ઠારણ – એ ઠારણના લક્ષણ કેશવને સારાં લાગ્યાં નહોતાં. એણે એમાં ખર્પરકનો હાથ લાગ્યો, એટલે એણે ગુપ્ત વેશે અચાનક દેવડાના વાડામાં રાતે પ્રવેશ કરીને વાત જાણી લેવાની જુક્તિ ગોઠવી. તે રાતે ગયો. પણ આમલી નીચે દેવડી ને લચ્છીનો સંવાદ સાંભળ્યો, એટલે ત્યાં થોભી ગયો. એણે બધી વાત પહેલેથી છેલ્લે સુધી સાંભળી ને પછી એ અલોપ થઇ ગયો. ખેંગાર ઉપર એની નજર પડી ન હતી. ખેંગારે એણે જોયો હતો, પણ ઓળખ્યો ન હતો. ખેંગારને તો મનમાં હજી દેવડાની જ શંકા રહી ગઈ હતી. 

પણ કેશવે લચ્છી પાસેથી જે સાંભળ્યું, એનાથી એનું હ્રદય હચમચી ગયું. એ પોતે યોદ્ધો હતો – મહારાજનો પડ્યો બોલ ઝીલનારો, એની જ પડખે છાયાની પેઠે ફરનારો, એને માટે મરી ફીટનારો. એનામાં એ વીર વિક્રમને જોતો. મંત્રીઓના વિરોધની એણે અત્યાર સુધી એટલા માટે તો દરકાર પણ કરી  ન હતી. એણે તો મહારાજ અવંતીનાથ થાય – એ સ્વપ્નાની મોહિની હતી, પણ આ સ્ત્રી – આ સ્ત્રી તો મહારાજનો સર્વનાશ કરે! અવંતીનાથ થવું તો બાજુએ રહ્યું, પૂરું ગુજરાત પણ ન રહે. મહારાજ જે આકર્ષણથી એના તરફ વળ્યા છે એમાં શું  ભાગ્યનો આવો કોઈ સંકેત હશે? કેશવના મનમાં ઘડભાંજ થવા લાગી.

આ વાત ઉપર તે શાંતિથી વિચાર કરવા માંગતો હતો, એટલે એ કોટિધ્વજની વાત પડતી મૂકી એકદમ બહાર નીકળી ગયો. સીધો ઘેર ગયો. ઘેર જઈને માળિએ ચડીને પહેલા તો એ સૂઈ જ ગયો. સવારે કદાચ મહારાજ એણે બોલાવે તે પહેલા એણે પોતાનો નિશ્ચય કરી લેવાનો હતો. અને નિશ્ચય શાંતિ વિના થાય તેમ ન હતો.

કેશવ જયારે જાગ્યો ત્યારે સવાર થવાને વાર હતી. પણ હજી તેનું માથું ભમતું હતું. જે વાત ઉપર તેણે મહારાજનું પડખું સેવીને તમામ મંત્રીઓની ઉપેક્ષા કરી હતી, આજે એ વાત એના પગ નીચે ભયંકર ખાડો કરીને સામે ડોકિયું કરતી ઊભી હતી. હવે પોતાનું માનબાન એક બાજુ ફેંકીને એણે મંત્રીઓને સાધવા? શું કરવું? આ વાત કોને કહેવી? કોઈને ન કહેવી? રાજાને સર્વનાશ તરફ જવા દેવો, એમ? એણે શું કરવું? કોને પૂછવું? લચ્છી બોલી એ સાચું કે ખોટું? દેવડો તો શા માટે લોભ નો માર્યો એક શબ્દ પણ દેવડી વિરુદ્ધ બોલે? લચ્છીએ કહેલી વિશ્રંભકથા સાચી ગણવી, એમ? એને અચાનક પોતાના પડોશમાં રહેતા રુદ્ર શર્માનું નામ યાદ આવ્યું. રુદ્ર શર્માએ સેંકડો વખત તારા, ચંદ્ર અને સૂર્યને પણ, એમની પળેપળની ગતિની ગણતરી કરીને, પ્રગટાવ્યા હતા અને આથમાવ્યા હતા. એનો અંગૂઠો ટચલી આંગળીએ પહેલે વેઢે આવે, અને મોટામોટા મહારથીઓનાં પણ દિલ ધડકી ઊઠે. ત્રિભુવનપાલ દંડનાયક તો એણે પૂછીને પાણી પીતો. નવે ગ્રહો એના ઘરમાં રહેતા, અને તેઓ પોતે નવે ગ્રહોમાં રહેતા. રુદ્ર શર્માને ઊઠતાંવેંત પકડવા માટે કેશવ સફાળો બેઠો થયો. પ્રાત:વિધિથી પરવાર્યો. પોતાની તલવાર સંભાળી. શ્યામકર્ણ મંગાવ્યો. તે રુદ્ર શર્માને ઘેર ગયો. 

પંડિતજી હજી ઊઠ્યા ન હતા. પંડિતાણી તુલસીના છેડે પાણી પાતાં હતાં. મહારાજના ખાસ અંગત મિત્ર જેવા કેશવ નાયકને અત્યારમાં આવેલો જોઇને કાંઇક મોટી વાત હશે એવા ઉત્સાહે એ અંદર દોડી ગઈ.

‘અરે? તમે આંહીં ઘોરો છો, પણ બહાર તો જુઓ, કોણ આવ્યું છે?’ પંડિતાણીએ રુદ્ર શર્માને હલબલાવ્યા.

‘કોણ છે? મહારાજ છે?’ સૂર્ય-ચંદ્રને હથેળીમાં રમાડનારની છટાથી રુદ્ર શર્માએ પૂછ્યું.

‘ઓ...હો! આને તો કાંઈ પાછો મરડ છે! નહિતર તો જાણે રાજા-મહારાજા જ તમારે ત્યાં આવતા હશે?’ પંડિતાણીએ ફૂંફાડો કર્યો, ‘પંદર વરસમાં તો કોઈ રાજા-મહારાજને આંહીં જોયેલ નથી! હા, મારા બાપને ત્યાં અવંતીપતિ જેવા જોયા છે! આવ્યા છે – કેશવ સેનાનાયક!’

‘કેશવ સેનાનાયક?...’ રુદ્ર શર્માને હમણાંહમણાં એકબીજાના અનેક વિરુદ્ધ ગ્રહો ભેગા કરવા પડતા ને ભેગા થયેલાને પાછા જુદા પાડવા પડતા. એટલે કેશવ નાયકનું નામ સાંભળતાં જ એ સમજી ગયો કે સિદ્ધરાજ મહારાજનું કામ હશે – ને ભલું હશે તો દેવડીની વાત હશે. ગઈ કાલે જ એણે રાજમાતાએ બોલાવીને કહ્યું હતું કે દેવડીના ગ્રહ સાથે પાટણના રાજાના ગ્રહ ન મળે એવી બધા ગ્રહોને સૂચના આપી દેજો! ત્યારથી જ એના તો રામ રમી ગયા હતા. રાજમાતા ને મંત્રીઓ જે ગ્રહોને કાઢી મૂકવા માંગતાં હતાં, એ જ ગ્રહોને રાજા લાવવા માંગતો હતો. એટલે રુદ્ર શર્માનું કામ અત્યારે સહેલું ન હતું. તેઓ બેઠાં થયા, થોડી વારમાં કામ આટોપ્યું. બહાર આવ્યા. તુલસીક્યારાના ઓટલા પાસે કેશવ નાયક એમની રાહ જોતો ઊભો હતો: ‘આવો-આવો સેનાનાયકજી! આજે તો તમે અત્યારમાં, એ શું? હમણાં તો ક્યાંય યુદ્ધ પણ નથી કે વિજયપ્રસ્થાન મૂહૂર્ત લેવાનું હોય!’

‘તમારું એક અગત્યનું કામ પડ્યું છે –’ કેશવે ઓટલા  ઉપર બેસતાં કહ્યું. તેણે સાવધાનતાથી ચારે તરફ દ્રષ્ટિ ફેરવી. પંડિતને વાત ગંભીર લાગી. ‘એક પ્રશ્ન છે!’

‘હા, શું? બોલો ને?’

‘મારું કામ બહુ અગત્યનું છે,’ કેશવનો અવાજ ધીમો હતો. રુદ્ર શર્માને તે આવતી આપત્તિનો સૂચક લાગ્યો. ‘વાત આપણી બેની વચ્ચે જ રહેવી જોઈએ. તમે મારા પડોશી છો, વળી મારા પિતાના મિત્ર છો. આજકાલની વાત તમે જાણો છો નાં?... પણ આપણને કોઈ સાંભળે તેમ નહિ હોય નાં?’

પંડિતાણી ભીંતને લપાઈને ઊભવાની કેશવને શંકા આવી હોય તેમ રુદ્ર શર્માને લાગ્યું. તે બેઠો થયો.

‘આવો ને ત્યારે આંહીં ડેલીએ...’ તે ઊભો થઈને ડેલી તરફ ચાલ્યો. કોઈ વળી ડેલીએ આવીને કેશવને જોવા ઊભો રહે એ કરતાં ડેલીએ બેઠા હોય તો આવતા-જતા ઉપર જ નજર તો રહે. બંને જણા ડેલીએ ગયા. કેશવે બે ક્ષણ રુદ્ર શર્મા સામે જોયું, પછી તેણે અત્યંત ધીમે સાદે કહ્યું: ‘પંડિતજી! કોઈના એવા ગ્રહ હોય કે વિપત્તિ જ લાવ્યા કરે ને નાશ જ સર્જે? એ શી રીતે જણાય?’

રુદ્ર શર્મા શાંત રહ્યો. કેશવ મહારાજ સિદ્ધરાજનો પડ્યો બોલ ઝીલતો હતો એ જાણીતું હતું. રાજમાતાએ કાલે જ કહ્યું હતું, એ વાતનો આની સાથે કાંઈ સંબંધ હશે? રુદ્ર શર્મા પોતાની ટચલી આંગળી ઉપર અંગૂઠો મૂકી ઊંડા વિચારમાં પડી ગયો.

‘સેનાનાયકજી!’ અંતે તે બોલ્યો, ‘ગ્રહો જ્યાં છે ત્યાં કોઈકને આધારે રહ્યા છે. કર્મ પણ છે, ગ્રહો પણ છે, આ પૃથ્વી પણ છે – એ ત્રણે છે ને આપણે પણ છીએ. અરસપરસનો સંબંધ ન હોય, તો આ બધાં શા માટે હોય? મૂલ નક્ષત્ર હોય અને મિથુન, તુલા, કન્યા ને મીન રાશિ હોય, એટલે મૃત્યુલોકે મૂલ હોય, તો સર્વનાશ અનિવાર્ય હોય! એનું પછી કાંઈ શમન ન હોય.’

કેશવ સજ્જડ થઇ ગયો. એણે લચ્છીના મૂળ નક્ષત્રનો પડઘો કાનમાં આવ્યો.

‘પંડિતજી! કોઈને કહો નહિ તો કહું!... આપણે પાટણ – પાટણપતિને બચાવવાનું મહાન કાર્ય કરવાનું છે. આપણે બ્રાહ્મણ છીએ, તમે તો મને જાણો છો. મેં મહારાજને દેવ માન્યા છે...’

‘તમે શું, નગરી આખી જાણે છે, કે તેઓ દેવ છે. બર્બરકને જેમણે વશ કર્યો...’

‘હવે મહારાજ જેના તરફ આકર્ષાયા છે – દેવડી, દેવડાની પુત્રી – એનો જન્મ મૂલ નક્ષત્રમા છે! કોઈને આ ખબર નથી.’

રુદ્ર શર્મા જીભ કાઢી, આંખો ચડાવી, કોઈ મહાન વિપત્તિકર સમાચાર સાંભળ્યા હોય તેમ બે ઘડી ગંભીર થઇ ગયા: ‘કેશવ નાયક! તમે આ રાજમાતાને કહ્યું છે?’

‘પંડિતજી, કોઈને કહેવાની જરૂર નથી. કોઈને કહેવાથી તો વાત વેડફાય તેમ છે. આ મંત્રીઓ બધા જ એમને એમ રહેત ને દેવડી મહારાણી થઇ જાત – મહારાજે મને તો આજ્ઞા પણ આપી દીધી છે. હું મહારાજને જાણું છું. એક વખત એમણે જે વાત મનમાં લીધી, કોઈના પણ ભયથી ડરીને એ વાત કદાપિ નહિ મૂકે. એને મુકાવવાનો રસ્તો બીજો છે. તે હું કરીશ. કોઈને કહેવા જતા તો વાત વળે ચડી જાય... પણ જોજો હો, વાત બીજે જાય નહિ!’

‘એ વિષે નચિંત રહેજો, કેશવ નાયક! આંહીં અમારે ત્યાં તો અનેક ગ્રહો અનેક વખત આવે ને જાય – અમે એમને રમાડીએ, એ અમને રમાડે, પણ એકનો ગ્રહ બીજે જાય નહિ. કોઈનો ગ્રહ કોઈ જાણે નહિ. એ વાત તો આંહીં દટાઈ જ ગઈ સમજો. પણ જોજો... આ નક્ષત્ર – એ ભયંકર છે!’

‘એટલે તો મેં તમને પૂછી લીધું...!’

‘તે ઠીક કર્યું! જન્માક્ષર તો એક આવ્યા છે, કાં રાજાની અધિષ્ઠાત્રી થાય, કાં વિજયકીર્તિ વરે, કાં અમરલોકમાં યશ:કથા કહેવાય!’

‘કોણ છે?’

‘કેશવ નાયકજી! તમને કહેવામાં વાંધો નથી – પણ રાજમાતાએ મોકલ્યા છે – લાટની રાજકન્યા છે! જોજો, બીજે વાત જાય નહિ!’

‘અરે! એ શું બોલ્યા!’

બંને જણા એકબીજાને વાત કહીને જાણે મિત્ર થવા લાગ્યા, પણ અંતરમાં બંનેને પસ્તાવો થતો હતો.

થોડીવાર પછી કેશવ ઘેર ગયો ત્યારે એની મનોવ્યથા વધી ગઈ હતી. પણ એણે પોતાની વાત પોતાના હ્રદયમાં જ સમાવી દીધી, મુંજાલને કે કોઈને કહેવાનો કાંઇક જ અર્થ ન હતો. રાજમાતાનું વલણ તો લાટની કન્યા માટે જ હતું, પણ મહારાજ સિદ્ધરાજ જયસિંહને એમના નિર્ણિત પંથેથી કોઈ પણ પાછા વાળી શકે – કેશવને એ અશક્ય લાગ્યું. એટલે વાત કહેવી એમાં ઘર્ષણ વધે. મહારાજને શી રીતે આ પંથેથી પાછા વાળવા – ને પાછા ન વળે, તો દેવડી સાથેનો સંબંધ શી રીતે અશક્ય બનાવી દેવો એની ચિંતા એને રાત-દિવસ થવા માંડી. એ પોતે એ વિષે જ વિચાર કરી રહ્યો.