Barbrakjishnu - Jaisingh Siddhraj - 25 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

૨૫

એક કોયડો

ખેંગાર જ્યારે પાછો ફર્યો, ત્યારે દેવડાની ડેલી તો બંધ થઇ ગઈ હતી. અંદર તાપણાની આસપાસ બેઠેલા પહેરેગીરોની વાતચીત ચાલતી હતી. એમને બોલાવ્યા વિના જ અંદર પ્રવેશ કરવામાં ખેંગારે સાર દીઠો. ત્યાંથી તે તરત પાછો ફરી ગયો. દેવડાના વાડાના કોટની  રાંગ ફરતે એક આંટો લીધો. ડેલી કરતા પણ ત્યાં અંદર ચારે તરફ પડ વધારે જાગ્રત દીઠું. ‘રાણંગ!’ ખેંગારને વિચાર આવ્યો, ‘આંહીં મફતના આંટા શું કરવા મારવા? સોનરેખને લઇ લે – પેલી આમલીઓના જૂથ દેખાય તે તરફ. ત્યાં અંધારુંય ઠીક છે! ને એણી કોર પડ પણ જાગતું નથી!’

ખેંગારનું અનુમાન સાચું નીકળ્યું. કોટ એ બાજુ ઊંચો હતો, છતાં બે ત્રણ ડાળી કોટ બહાર થઇ નીચે તરફ લટકતી હતી. એ બાજુ માણસોની અવરજવર ભાગ્યે જ થતી. ખેંગાર સોનરેખ ઉપર ઊભો થયો. એક ડાળી હાથમાં આવી: ‘રાણંગ! તું હવે આંહીં થોભતો નહિ, મંદિરમાં જાજે. બાપુ ઊતરતા એ મંદિર, અને હવે સવારે મને આંહીં લેવા આવજે!’

‘પ્રભુ! પણ દેવડાના લક્ષણ મને સારાં લાગ્યાં નથી, હોં!’ રાણંગ બોલ્યો. 

‘આખું પાટણ સામે છે – એમાં એક ઈ વધારે. પણ આજ તો કાંઈ ગયા વિના હાલશે? તું તારે જા!’

ખેંગારના મનમાં સોનલદેનો સંકેત રમી રહ્યો હતો. ગુપચુપ ઊપડી ગયો, એટલે રાણંગ એ ઘટામાં અદ્રશ્ય થઇ ગયો. ખેંગારે ઝાડની ઘટા ઉપરથી જ અંદરની હિલચાલ નિહાળવા માંડી. દેવડાનું મન તો એ ક્યારનોય પામી ગયો હતો. એનું હાલે તો એ ખેંગારને તળ રાખી લ્યે. પણ દેવડી? દેવડીના હ્રદયમાં એણે મમતા, પ્રેમ ને નિર્ભયતા જોયાં હતાં. આજ એ સંકેતસ્થળે ન જાય તો દેવડી એના નામ ઉપર થૂંકે પણ નહિ. એ દેવડીને ઓળખતો હતો. બધે માણસના હાથમાં તલવાર રહેતી, પણ આની તો આંખમાં તલવાર હતી. કોઈને ભીરુ જોતી અને એનામાં હજાર સિંહણનું તેજ પ્રકટતું. ભીરુતા – ભીરુતા એનાંથી જોઈ જાતી નહિ. ખેંગાર એના સાંનિધ્યમાં પોતે કોણ જાણે શું અનુભવતો, પણ જ્યારે-જ્યારે એને જોતો ત્યારે-ત્યારે એને લાગતું કે એને કોઈ અમરેન્દ્રનો વારસો મળ્યો છે. એને માટે મૃત્યુ નથી. એને કોઈ ભય નથી. એનો રણમાં પરાજય નથી. એની સમશેર માટે કોઈ પાસે ઢાલ નથી. આજ તો વળી આ સંકેતસ્થાનમાં દેવડાની મન:સૃષ્ટિનો પણ કાંઈક ખ્યાલ દેવડી આપે તે હતી. પોતાનો ભવિષ્યનો કાર્યક્રમ પણ એમાંથી નક્કી થાય. ખેંગારે સાહસ કર્યું. તે ધીમેધીમે પણ સાવચેતીથી વાડાની અંદર ઊતર્યો.

વાડાની અંદર આવીને છેટેના પડને હજી જાગતું જોઇને એ બે ઘડી ઝાડના થડને ઓથે તદ્દ શાંત જેવો ઊભો રહી ગયો. એને એક શંકા પડી હતી કે વખતે દેવડો આંહીંથી હમણાં ઊપડી જ જાય, તેમ ઊપડી તો જતો નહિ હોય? તો-તો દેવડી આવી રહી. એણે તીક્ષ્ણ દ્રષ્ટિથી આમલીના જૂથના આછી ચાંદનીથી શણગાર્યા અંધારાને જોવા માંડ્યું. પછી એ થડેથડ પાસે ફરી વળ્યો. તે નિરાશ થયો. કોઈ ક્યાંક હતું જ નહિ. નક્કી દેવડાએ સોનલને આંહીં રોકી. પણ એને સોનલની તેજસ્વિતા યાદ આવી. સોનલને આંહીં આવતી રોકી શકે એ પોતે પોતાને જ રોકી શકે. બીજું કોઈ એને રોકી શકે એ એના માન્યામાં આવ્યું નહિ.

એક ક્ષણભર એના મનમાં અમંગળ શંકા ઊઠી: ‘દેવડી –દેવડીને પાટણના સિંહાસનનો મોહ ન થાય?’ પણ એટલી નાનીસરખી શંકાએ એની પોતાની જ ક્ષુલ્લકતા પ્રકટ કરી હોય તેમ એને લાગ્યું, કારણ કે બીજી જ ક્ષણે કોઈકના ધીમાં પગલાંનો અવાજ એના કાને પકડી લીધો. એનું હ્રદય સમુદ્રના તરંગની જેમ હેલે ચડ્યું. દેવડી... એની દેવડી આવી રહી હતી! જેને ત્રિલોકમોહિની કહીએ એવું એ રૂપ હતું. પણ, અરે! આ શું? ખેંગારે એકદમ પ્રગટ ન થવામાં ડહાપણ દીઠું. આ એના સંકેતસ્થાનમાં તે પહેલાં એ પાટણમાં હતો ત્યારે દેવડીને ઘણી વખત મળતો, પણ દેવડી હંમેશા એકલી આવતી. કોઈ દિવસ નહિ ને આજે દેવડી સાથે બીજું કોઈ આવી રહ્યું હતું એ શું? ખેંગારે ત્વરાથી આમલીના થડની પાછળ આશ્રય લીધો. ને દેવડી બીજી બાજુ વળી કે તરત તે પાછો ઉપર જ ચડી ગયો. દેવડીની સાથે કોઈ ડોશી હતી. આ ડોશીને ખેંગારે ક્યારેય દીઠી ન હતી – દેવડીના ઘરમાં પણ એનું મોં જોયું ન હતું. ત્યારે આજે એ ક્યાંથી ફૂટી નીકળી? દેવડી એને સાથે કેમ લાવી હતી? એ કોણ હશે? દેવડાની કોઈ સગી હશે? ખેંગારના મનમાં પ્રશ્નોની પરંપરા ચાલી. તે ગુપચુપ એમની હિલચાલ નિહાળતો રહ્યો.

પણ તેને લાંબો વખત થોભવું પડ્યું નહિ. પોતાને પરિચિત એવો મીઠો, આકર્ષક, કાંઇક જુદો જ – સહેજ માદક, સહેજ કરુણ એવો રણકો આપતો દેવડીનો અવાજ એને કાને પડ્યો: ‘લચ્છી! હવે તું પહેલાં મારી વાત કરી લે – પછી બીજું. આંહીં એકાંત છે. અત્યારે કોઈ આવે તેમ નથી, પહેરેગીરો ને બીજા તો આ આમલીના જૂથમાંથી ભૂતથી એવા ભડકે છે કે આ બાજુ કોઈ ફરકશે જ નહિ. ને એક જણ – આવનાર હતું તે આવત – પણ હવે તે નહિ આવે. બહુ મોડું થયું છે ને જુદ્ધનો મામલો – કોને ખબર, શું હશે?’

‘જુદ્ધનો મામલો?’ લચ્છીએ તેનો એક શબ્દ પકડી લીધો, ‘જુદ્ધનો મામલો – તે એમ કીધું, દીકરી? ત્યારે તો વાત સોએ સો ટકા સાચી નીકળવાની, એમ?’

‘શેની વાત લચ્છી? તું શું કહે છે?’

‘તારી જ વાત છે, દીકરી!’ લચ્છી જાણે પોતાની દીકરીને જ સંબોધી રહી હોય તેમ બોલતી હતી. ખેંગારને ડોશીના આ વર્તનનો ભેદ એકદમ કળવામાં આવ્યો નહિ. ‘મેં તને દિવસ તો છ – એમ તો છ મહિના – આ મારે થાનેલે જેમ બચોળિયું વળગાડે એમ વળગાડી રાખીને વગડેવગડો ખૂંધ્યો છે. જનેતાનો જીવ એમ કાંઈ પોતાને જણ્યાને છોડી દેતાં હાલે? તારા બાપે તો તજી દીધી, પણ તારી માએ છાની રીતે મને મોકલી’તી કે એને ક્યાંક સંતાઈને મોટી કર. પણ શું નસીબ, દીકરી! જ્યાં તને હું લઇ જાઉં ત્યાં જાણે તારી પહેલાં એ પહોંચ્યું જ છે! એક દી ધરાઈને ધાનનો કોળિયો ખાધો નહિ! જ્યાં તું ત્યાં જુદ્ધ: જાણે કેમ તારી સાથે જ એ વળગ્યું હોય! જે ગામમાં હું જાઉં, તેમાં ન હોય ત્યારથી મારામારી ઊભી થાય! આજ તેં જુદ્ધની વાત કરી – ને મને એ સાંભર્યું. ત્યારે તો આંહીં પણ તારી પાછળપાછળ જ એ આવ્યું લાગે છે! જુદ્ધ, દીકરી, જુદ્ધ તારી પાછળ વળગ્યું છે! એને અટકાવજે, નકર તારે નામે જુદ્ધ ચડશે!’

દેવડી એક ક્ષણ બોલી નહિ. તે બોલી ત્યારે એના અવાજમાં છાનું દર્દ હતું.

‘મારી મા- લચ્છી! મારી મા કોણ છે? પહેલી તું મને એ વાત કર! તેં એને જોઈ છે? કેવી છે?’

‘તારી મા તો, દીકરી! ત્રિભુવનને મોહ પમાડે એવી રૂપની નદી છે! તારા શરીરમાં વહેતી સુંદરતાની રેલંછેલ એ તારી માનો અણમોલ વારસો છે. તું સિંધના શેર પરમારની દીકરી. દેવડાજીને તો મેં સોંપી મોટી કરવા. દેવડોજી પછી એ બાજુથી આંહીં આવ્યા. હું ત્યાં રહી કચ્છપંથકમાં. દેવડાજીએ મને કહેવરાવ્યું’તું કે એક આંટો આવી જાજે, એટલે આવી છું.

તું જુદ્ધનું કે’ છે એટલે સંભારી દઉં છું, દીકરી! કે જેના કુળનું ઠેકાણું નથી, જેનું ખોબલા જેવડું તો રાજ તારાં આ ત્રણ ચીર લેવામાં વપરાઈ જાય તેમ છે, જેને આભીર, રબારી ને  ભરવાડનો આધાર છે, જેને દોસ્તી હંમેશા બર્બરકોની રહી છે એવા જૂનોગઢ ઉપર તું નજર માંડે છે? તું શુદ્ધ રાજપૂતી વંશની, રાજપૂતી ગૌરવમાં જન્મેલી, રાજપૂતી પરંપરામાં ઊછરેલી – તું આ કરશે, દીકરી? તું ઉઠીને આ કરે તો આંહીં પણ જુદ્ધ તો આવ્યું જ, એમ ગણવું નાં?’

ખેંગારને એક કૂદકો મારીને ડોશીનું ભોડકું ઉડાવી દેવાનું મન થઇ આવ્યું. તે સમજી ગયો. દેવડાજીએ કાં સોનલદેની સાચી ધાવને તેડાવી હોય કે પછી કોઈને ઊભી કરી હોય, પણ ડોશીની વાણીમાં અદ્ભુત બળ હતું. પોતાનાં માતા-પિતા કોણ છે એ જાણવાની – કે એમને જેણે જોયાં હોય એવા કોઈકને મળવાની – સોનલદેની તાલાવેલી હતી. દેવડાએ એનો ઉપયોગ કર્યો હતો. સોનલને સમજવાની એની આ એક યોજના લાગી.

‘અને આ તારું જૂનોગઢ એ કેવડું? અવંતીનાથ જેવા જેને નામે ધ્રૂજે છે એ પાટણને છોડીને તું જૂનોગઢ જાય, ત્યારે તો રાજાના જોષીએ જે કહ્યું હતું એ જ જાણે સાચું પડવાનું હોય એમ લાગે છે! એમાંથી પાટણને ને જૂનોગઢને જુદ્ધ થાશે ને જૂનોગઢ તારે નામે રોળાઈ જાશે, દીકરી!’

લચ્છીના શબ્દોની અસરકારતા ખેંગારને ખૂંચી રહી. દેવડીનો શુદ્ધ પ્રેમ – જૂનોગઢને રોળાતું રોકવા માટે પણ – એને પાટણ તરફ ધકેલે. ડોશી આગળ બોલવા જાતી હતી – પણ એને કાંઈક અવાજનો  ભણકાર પડ્યો.

‘કોણ છે અલ્યા?’ તેણે બૂમ પાડી. કોઈ બોલ્યું નહિ, તેમ કાંઈ અવાજ પણ આવ્યો નહિ. થોડી વારની શાંતિ પછી ખોટો ભણકારો થયો છે એમ માનીને લચ્છીએ આગળ ચલાવ્યું:

‘રાજજોષીએ, દીકરી! તારે માટે જે વાત જન્મોત્રી વખતે કહી હતી, એ હું તને સંભારી આપું તો તું એમ તો નહિ માને નાં કે મને લચ્છી ભડકાવે છે?’

ખેંગારનો તો શ્વાસ જ અધ્ધર રહી ગયો. આ તો કોઈક એવી વિચિત્ર વૃદ્ધા હતી કે ગમે તેવા દ્રઢ નિશ્ચયને પણ ફેરવી નાખવાની અજબ કુનેહ એની પાસે હતી. પણ એથી વધુ અદ્ધર શ્વાસ તો એને એમ રહી ગયો કે પોતે જ્યાં બેઠો હતો ત્યાંથી થોડે દૂર એક કોઈક બીજો માણસ પણ પોતાની પેઠે જ બેસીને, લચ્છીની આ વાત સાંભળી રહ્યો હતો. એ કોણ હશે? દેવડોજી હશે? જયસિંહ સિદ્ધરાજ પોતે તો ન હોય? પેલો ઠારણ – એણે જોયો હતો – એ  હશે? ક્યાંક મહીડો જ વાંસોવાંસ આવ્યો હોય નહિ? એણે આમથી તેમ જોવા માટે ને જાણવા માટે પ્રયત્ન તો બહુ કર્યો, પણ એને કાંઈ પત્તો મળ્યો નહિ. એ હમણાં આવ્યો કે પહેલેથી જ બેઠો હશે? એ કોણ છે કેવળ અનુમાનથી જ કલ્પવાનું રહ્યું. એને લાગ્યું કે દેવડોજી પોતે જ હોવો જોઈએ. લચ્છીને એણે કામ સોંપ્યું હોય ને પછી એ કામની ખાતરી મેળવી લેવા માટે એ આંહીં બેઠો હોય. પોતાના પ્રત્યે એનું ધ્યાન ગયું હોય તેમ લાગ્યું નહિ. કદાચ એ બીજી બાજુથી હમણાં જ આવ્યો હોય! હમણાં અવાજ આવ્યો એ આ માણસે કર્યો હશે? પણ એણે પોતે હવે ભારે સાવચેતી ને ગુપ્તતા જાળવવાની હતી. તેણે પોતાની જાતને વધારે સંકેલી લીધી. બહુ જ શાંતિથી એ જરાક ઊંચે ગયો ને ડાળીઓની ઘટાનું વધારે રક્ષણ મેળવ્યું.

‘રાજજોષીએ તો એમ કહ્યું હતું કે દીકરી!’ લચ્છી બોલી રહી હતી. ‘જ્યાં તું જાય ત્યાં રાજ નાશ પામે, રાજા નાશ પામે, રાજકુળ નાશ પામે, મહાલયો ખંડેર થાય! એ કાળમુખાની વાણી ખોટી છે, દીકરી મારી! આવું રૂપ ભગવાને એટલા માટે આપ્યું ન હોય. તારે એ વાણી ખોટી પાડવી. ખોટી પાડવી હોય, તો તું પાટણમાં રહેજે, બેટા!’

‘કેમ, પાટણ નાશ નહિ પામે?’

દેવડીના પ્રશ્નનો ઉત્તર લચ્છીએ બહુ જ ચાલાકીથી આપ્યો:

‘ના, પાટણ નાશ નહિ પામે. ને નાશ પામશે – તો પાટણનું જુદ્ધ અવંતી સાથે, ને અવંતીનું પરમારકુળ એટલે તારાં જ સગાં – ઉદય પામશે! પણ જૂનોગઢ – જૂનોગઢ તો રોળાઈ જાશે. ને તને અપજશ મળશે! માલવા ને પાટણ તો જોડી પણ છે. એનું જુદ્ધ થાશે તો એ તારે નામે નહિ ચડે. એ જુદ્ધ કરશે, હારશે, થાકશે, પાછાં બેઠાં થાશે, પણ જૂનોગઢ તો હતું-ન-હતું થઇ જાશે ને તારા નામને મળેલો અપજશ હંમેશનો રહી જાશે!’

‘મારી માનું કુળ કોણ, લચ્છી?’ દેવડીએ અત્યંત વ્યાકુળતાથી પૂછ્યું.

‘તારી માનું કુળ? બેટા! તારી મા દેવડાજી જેવા જ શુદ્ધ ચૌહાણવંશની. તારો પિતા પૃથ્વી-આખી માન આપે એવો પરમારવંશનો. તારો ઉછેર દેવડાજી જેવાને ત્યાં. તેણે મોટી કરનારી હું – હું પણ અણિશુદ્ધ રાજપૂતી ગૌરવ રાખું છું. તું ઊઠીને પાટણ તજી જૂનોગઢ જાશે એમાં તારું કુળ પણ લાજશે! આભીર રાણક જૂનાગઢનો... એનું કુળ શું? એણે કોઈ કુળ નથી!’

‘મારી માની વાત કહે લચ્છી!’ સોનલે કહ્યું. ‘એ કેટલી – મારા જેટલી ઊંચી છે? મને કોઈ દી સંભારે છે ખરી? એણે ખબર છે કે હું આંહીં છું? તું એને છેલ્લે ક્યારે મળી હતી?’

‘દીકરી મારી! તારે માટે હજી સૌની આંખમાં શ્રાવણ-ભાદરવો ચાલે છે!’ લચ્છીના અવાજે ખેંગારને હવે એક નવું સત્ય સમજાયું. આ ડોશી પોતાનો નિરવધિ પ્રેમનો હક્ક સ્થાપિત કરવા આકાશપાતાળ એક કરી રહી હતી. સોનલને એ તુંકારી રહી હતી. એ પણ એ જુક્તિનો જ અંશ હતો. અત્યારે આંહીં બીજો બેઠો ન હોત તો કૂદકો મારીને ખેંગાર નીચે આવત ને લચ્છીને પૂછત કે ‘ડોકરી! જેની મુરલી મોહિની ઉપર હજી દુનિયા મુગ્ધ છે, એ  યાદવકુળને તું ઓળખે છે? હું તો યાદવકુળનો છું! રા’ને કુળ નથી એમ કહેનારી તું કોણ?’ પણ અત્યારે તો એ વાત સાંભળી રહ્યો.

‘મને મળવા મારી મા ન આવે? હું ત્યાં જાઉં તો મને મળે ખરી?’ દેવડી બોલી, ‘મારે તો પાછું ત્યાં જવું છે, લચ્છી!’

લચ્છીને વાતનો આવો વળાંક જોઈતો હોય એમ લાગ્યું નહિ. ‘એક મારી શિખામણ મા, દીકરી! સાદી સોનલ ને પાટણની મહારાણી સોનલ – એમાં તો દુનિયા હાથીઘોડાનો ફેર જુએ છે! તારી મા પાસે તું જા, જરૂર જા, પણ તારી સાથે હજારો હાથી હોય, સેંકડો પાલખીઓ હોય... એવી રીતે...’

દેવડીનું સ્વપ્ન સરી જતું લાગ્યું. એણે લચ્છીના શબ્દો આકરા લાગ્યા. કદાચ લચ્છી પણ પોતાના પાલક પિતા દેવડાજીની જ યોજના નહિ હોય? સોનલને શંકા ગઈ. તે એકદમ શાંત બની ગઈ.

‘કેમ બોલી નહિ, બેટા?’ 

‘તું કોઈ દીકરીની મા નથી લાગતી!’

‘હું...? અરે! બેટા!...’

‘તો તું આમ ન બોલત...’

‘હું તો બોલી છું...’ લચ્છીએ વધુ અસરકારક પાસો નાખ્યો:

‘હું તો બોલી છું એટલા માટે કે મને ખબર છે તું રા’ને કેટલું ચાહે છે. તારે, દીકરી! એ રા’ને જો રોળીટોળી નાંખવો ન હોય, તો આ પગલું ન ભરતી. તારો જન્મ મૂળ નક્ષત્રમા, જે નક્ષત્રે અનેકને રાન રાન રખડાવ્યા છે! – મહા ફણીધરના માથા ઉપર રહેનાર વૃશ્ચિકના ભયંકર ડંખ ઉપર બેઠેલું મૂળ નક્ષત્ર. દીકરી મારી! એણે તો કૈંકને હતા-ન-હતા કરી નાંખ્યા છે!’

કોઈકનો અવાજ આવ્યો. ઠારણ આ બાજુ આવ્યો હતો. તેણે લચ્છીને બોલાવી. એણે એને શું કહ્યું તે કાંઈ સમજાયું નહિ, પણ લચ્છી તરત એની સાથે ચાલી નીકળી.