Barbrakjishnu - Jaisingh Siddhraj - 24 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

૨૪

હંસરાજને પડકારીને ખેંગાર પાછો ફર્યો

કેશવ નાયકના કહ્યા પ્રમાણે ખેંગારજી ને દેવડોજી સાંજે મહારાજને મળવા ગયા હતા. મોડી સાંજે જ્યારે તેઓ રાજદરબારમાંથી પાછા ફર્યા ત્યારે દેવડો એમને બંનેને નિહાળીને વિચારમાં પડી ગયો. ખેંગાર કાંઈ બોલ્યો ન હતો, પણ મહીડો મુંજાલ મહેતાને ઇન્દ્રનો અવતાર કહીને વખાણી રહ્યો હતો. રાજદરબારમાં મહિડાના લાભની કાંઈ વાત થઇ છે એટલું દેવડાએ અનુમાન કર્યું. વાળુ થઇ ગયું. મહીડાએ પોતાની સાંઢણી તૈયાર કરવા માંડી.

‘કેમ, નીકળવું છે, મહીડાજી?’

‘હા, ચાંદની રાત છે – ધીમેધીમે ઉમેટા-ભેગા થઇ જઈએ.’

‘પણ ત્યારે તમે શું આવ્યા, શું ચાલ્યા? મુંજાલ મહેતાએ શું કહ્યું? મહારાજ મળ્યા કે નહિ?’

મહીડો ખીલ્યો: ‘મહારાજ તો માલવા-કર્ણાટકના કો’ક આવ્યા હોય તો મળે. એમ હાલીમવાલીને મળવાનો એમને સમય પણ ક્યાંથી હોય? અમે ને ખેંગારજી તો બધાં હાલીમવાલી જ તો! હજી ખેંગારજીનું તો રા’પદનું જ ક્યાં ઠેકાણું છે?’

‘હેં, ખેંગારજી?’ દેવડાએ પૂછ્યું. સોનલદેને સંભળાવવા માટે જ. ખેંગારનો પ્રત્યુત્તર એના જેવો જ ખુમારીભર્યો હતો:

‘એ તો મહીડાજીને એ લાગે, ભા! ઈ તો એમ જાણે નાં કે રા’પદ આંહીં પાટણના સિંહાસનને પાયે વળગ્યાં હશે! કેમ, એમ જ નાં?’

મહીડો વ્યંગમાં હસ્યો: ‘શીંદરીવાળી વાત છે, ભૈ! પાટણના સિંહાસનને પાયે તમારાં રા’પદ વળ્યાં ન હોય, તો તમે કાંઈ મુંજાલ મહેતાએ કહ્યું કે રોકાઈ જાઓ, રાયઘણજીને આવવા દ્યો, પછી નક્કી થાય, ને રોકાઓ ખરા?’ દેવડાને ખેંગારની રોકાવાની વાતમાં પોતાનું અહિત લાગ્યું, પણ કાંઈ બોલ્યો નહિ.

‘રોકાવુંય પડે. ઈ તો પાઘડીનો વળ છેડે નીકળે, ભા!’ 

‘અમને તો આટલી ખબર પડે કે મોટું નાનાને ગળી જાય. એમાં પછી જેટલો વળ રાખીએ ઈ પછી પેલું કે’ છે નાં, ઝાઝું કરે તે થોડા સાટુ – એના જેવી વાત થઇ!’

‘તમારું એમાં કામ નથી, મહીડાજી? જેનાં જે કામ... અમારે રા’ને તો કૈંક રણ પતાવવાના હોય, એમાં એક આ વધારે.’

મહીડો વળ ખાઈ ગયો, પણ તેણે મનમાં શાંતિ પકડી રાખી. મહીડો તૈયાર થયો. દેવડાને પ્રેમથી ‘જય ગંગનાથ’ કર્યા ને જરાક પાસે બોલાવ્યો, કાનમાં કહ્યું:

‘દેવડાજી, અને હવે રાખશો મા, આ તો ભોરંગ છે! તમે તો એને ઓળખો છો નાં?’ દેવડાએ માથું ધુણાવ્યું.

‘ત્યારે જુઓ, મારું માનો તો આને આંહીંથી ઝટ કાઢજો નહિતર કામ તમારું બગડશે. રાજમાતાને ગંધ આવી છે – તમારી દેવડીની – એ એમને વાત ગમી નથી. મુંજાલ મહેતાને પણ ગમી નથી. લાટની કુંવરી તો તૈયાર બેઠી જ છે. મેં સાંભળ્યું છે કે આંહીં આવે પણ છે... પાટણ જેવું રાજ હાથમાંથી જાશે, દેવડાજી! જો આને બહુ મન-મોં આપ્યાં તો. લ્યો ત્યારે જય ગંગનાથ!’

‘જય સોમનાથ!’ દેવડાએ કહ્યું. દેવડો પાછો અંદર આવતાં જરાક ખંચાઇ ગયો.  પાસેની ભીંતે ઊભીને દેવડી એની વાત સાંભળીને દોડી જતી લાગી. એટલામાં એણે ખેંગારને આવતો દીઠો: ‘રાણંગ!’ ખેંગારે બૂમ પાડી, ‘આપણી સોનરેખને પણ કરજો તૈયાર!’

‘કેમ, ખેંગારજી? તમને વળી શું થયું છે? આવો ને, બે ઘડી મન તો મોકળાં કરીએ!’ દેવડાને મહીડાની વાત ગળે ઊતરી ગઈ હતી. ખેંગાર આંહીં બહુ રહે એ એને હવે ગમતું ન હતું.

‘મારેયે જાવું પડશે, ભા!’ ખેંગાર બોલ્યો, ‘આ મહીડાને બતાવવું પડશે નાં, કે ભા! રા’નાં રાજ તો હજી રા’નાં જ છે. મુંજાલ મહેતો આંહીં મોટા, પણ ગિરનારની છાયામાં તો સૌ સરખા, ભા!’

દેવડો સાંભળી રહ્યો. એને એમાં રસ ન હતો. મહીડાની પાછળ આ જાતો હોય તો ભલે ને જાય. મુંજાલ મહેતો જાણે ને એ જાણે.

‘પણ મહારાજે કહ્યું શું?’

‘મહારાજ બીજું શું કહેવાના હતાં? મુંજાલ મહેતાએ કહ્યું એ જ મહારાજે કહ્યું એમ સમજો ને, બીજું શું?’

‘ત્યારે મહારાજ મળ્યા પણ નથી?’

‘ના,’ ખેંગારે સ્પષ્ટતાથી કહ્યું, ‘મહારાજ મને મળ્યાં નથી ને હું પણ મહારાજને મળ્યો નથી. મહારાજ પાસે તો પાટણનું પાધર છે. મારી પાસે તો ગિરનારનો ડુંગર છે. ડુંગર ક્યાંક નમ્યા જાણ્યા છે, દેવડાજી!’ સોરઠના રા’ જેવાને તો જે મળે પણ નહિ એ સિદ્ધરાજ જયસિંહ પોતાને બોલાવે છે એ વિચારથી દેવડાને તો પોતાનો વક્કર વધતો લાવ્યો હતો. એટલે એને ખેંગારની વાતને ઉત્તેજન આપ્યું.

‘રાણંગ ભૈ! પાણીબાણી હારે રાખજો હોં! આ તો નેઠા વિનાનાં કામ કહેવાય –’

રા’ સાંઢણી ઉપર ચડ્યો ને બે ક્ષણમાં જ અદ્રશ્ય થઇ ગયો. એને જતો એક જણ જોઈ રહ્યું હતું. રા’ની ખુમારીએ એનું દિલ જીતી લીધું હતું. દેવડીએ થોડી વાર પછી ઉપલી બારી બંધ કરી. તે નીચે ઊતરી, આમલીની ઘટામાં હીંચકવા લાવી ગઈ.

રા’ ખેંગારની સોનરેખે મહીડાનું પગલેપગલું દબાવ્યું હતું. થોડી વારમાં તો ખેંગારે હંસરાજને પડકાર્યો. હંસરાજે જોયું. ખેંગારની સાંઢણી આવતી જોઈ. એ ઊભો રહી ગયો. ખેંગાર પાસે આવ્યો.

‘ડરતા નહિ હો, મહીડાજી! આજ તો તમને કહેવા આવ્યો છું; રમઝટ બોલાવવાને હજી વાર છે!’

‘અરે! આવો ને, ખેંગારજી! આંહીં જ પતાવી લૈં. તમારા ભોડકાને એના વિના શાંતિ નહિ થાય!’

‘ભોડકું તો ઠીક, ભા! એવાં અનેક ભોડકાં રખડાવ્યાં છે, તો તમારું વધારે! પણ તમે, ભા! જરાક બાયડીને મળી-કારવીને – આજ પૂનમ છે નાં, આવતી ચૌદશે ધ્યાન રાખજો. અંધારિયું પણ હશે ને ભારે મજા પડશે. ક્યાં મળવું છે? તમારે ત્યાં આવું કે તમે આંહીં આવશો?’

‘અરે! તમે કહેશો ત્યાં. ત્યાં આવવું હોય – ઉમેટાને પાદર – તો ભારે મજાનો પટ છે! આંહીં ભેટવું હોય તો આંહીં!’ 

‘ઠીક ત્યારે તૈયાર રે’જો, ભા! હું જ ત્યાં આવીશ – ને ન આવું તો બીજી ચૌદશે – એ છે ને પેલો વડ દેખાય છે નાં, ત્યાં તમારી રાહ જોતો ઊભો હોઈશ!’

‘પેલો – તલાવડે ઊભો ત્યાં?’

‘હા, બસ ત્યાં. તમને ખોબો પાણી તો મળે!’

‘હવે – આવજોને બળ હોય તો! પણ તમે ક્યાંક પાટણમાં તળ રહી જાવ નહિ!’

‘તો બીજો કોક આવશે, મહીડાજી! ડરતા નહિ! ઠીક ત્યારે જય સોમનાથ!’

‘જય ગંગનાથ’ મહીડાએ સાંઢણી હંકારી મૂકી.