Barbrakjishnu - Jaisingh Siddhraj - 23 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

૨૩

સોનલદે

કવિતા વિના માણસ જીવી શકતો નથી એ જેટલું સાચું છે, તેટલું જ આ પણ સાચું છે કે વિધાતા પણ અવારનવાર કવિતા કર્યા વિના રહી શકતો નથી. એટલે તો એ કલ્પનામાં પણ ન આવી શકે એવા સુંદર અકસ્માતો એ કરે છે. કોઈ ભયંકર ખડકમાં એવું તો રમણીય ફૂલ મૂકી દે છે કે દુનિયા-આખી મોંમાં આંગળાં નાખીને એ જોયા જ કરે! એવો એક અકસ્માત એણે સિંધના રણમાં કર્યો. એ રણમાં એણે એક પદ્મિની સરજી. એણે એને એટલું રૂપ આપ્યું કે એથી વધારે અપાયું હોત તો હજારો માણસોને સેંકડો વર્ષ સુધી કદરૂપાં કરવાં પડત. વિધાતાની પાસે પણ કાંઈ રૂપના ભંડાર ભર્યા નથી. એની પાસે પણ બે-ચાર માટલી સોનેરી-રૂપેરી રજ છે એમાંથી જ એ વારંવાર આકાર ઘડે છે ને વારંવાર પાછો તોડેફોડે છે. પણ સિંધના રામબાવળિયાનાં જાળાં-જાખરાંમાં જ્યારે એણે સોનલદેને રૂપથી મઢવા માંડી, ત્યારે તો એણે હદ કરી નાખી! એને સરજ્યા પછી, જાણે વર્ષો સુધી હવે કોઈ બીજું રૂપ સરજવું નથી, એમ નિરાંત કરી તે બૂઢિયો બ્રહ્મા પલાંઠી વાળીને બેસી ગયો ને સરસ્વતીને વેદનાં પાનાં ગોખવવા મંડી પડ્યો. પણ એણે પદ્મિની સરજી અને દુનિયા-આખીને ઊઠબેસ કરનાર મૂળ નક્ષત્રને એની સાથે જ મૂક્યું. જ્યોતિષમાર્તંડોએ આ નક્ષત્રને ત્યાં જોઇને આકાશપાતાળ એક થાય એટલા આંકડા મૂકવા માંડ્યા. આંકડા મૂકી-મૂકીને એમણે તો સિંધ-કચ્છપંથકના સરહદી ગિરાસદાર શેર પરમારને ગાંડો કરી દીધો.

એ પદ્મિની જ્યાં જાય ત્યાં લોહીની નદીઓ વહે. માણસના મડદાં સસ્તાં થાય. મહેલ ખંડેર બને, કિલ્લાકોટ ધૂળધાણી થઇ જાય. રાજ ખેદાનમેદાન થાય, વંશવેલે એક આંગળીચિંધામણ છોકરું પણ ન ઊગરે. એ પદ્મિનીનો રાજ ઉપર ભાર હોય. છાતીને વજ્ર જેવી કઠણ બનાવીને એક અર્ધી રાતે આ પદ્મિનીનું પોતાને ત્યાંથી વિસર્જન કરીને શેર પરમાર જ્યારે પાછો ફર્યો, ત્યારે એની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યા હતા. પણ આકાશની જેમ જ્યોતિષ અચળ છે. પદ્મિની તો ઊગરી ગઈ. અનેક સંકટો વેઠતી કાલડીના દેવડાને ત્યાં મોટી થઇ. 

દેવડો પાટણનો, મરુભૂમિ તરફનો ચૌહાણ ગિરાસદાર હતો. એ અવારનવાર પાટણ જાય-આવે. ઘોડાંનો પણ ભારે પરખંદો ને વળી રાખવાવાળો. પાટણમાં એનો મોટો પથારો રહેતો. દેવડા સાથે સોનલદે પણ પાટણમાં આવતી-જાતી થઇ. બર્બરકવિજયોત્સવ દર વર્ષે પાટણમાં ઊજવાતો હતો. એવા એક ઉત્સવમાં પાટણનો માનવસાગર ઊભરાયો હતો. મહારાજનો શ્રીકલશ સાચાં મોતીની ઝૂલ ઓઢીને નીકળ્યો હતો. સુવર્ણજડિત છત્ર નીચે બિરાજેલા જયસિંહ સિદ્ધરાજ બર્બરકજિષ્ણુની પ્રશસ્તિઓથી આકાશ ગાજી રહ્યું હતું. તે સમયે મહારાજની દ્રષ્ટિ અચાનક એક હમર્યની ચંદ્રશાલા ઉપર ગઈ અને જાણે કે એ દ્રષ્ટિ ત્યાં ચોંટી જ ગઈ.

આકાશમાં ફુલ્લ-પ્રફુલ્લ પદ્મિની જેવી દેવડાની દેવડી ત્યાં ઊભી હતી. ઊભીઊભી એ તો વિજયોત્સવ નિહાળી રહી હતી, પણ એનું રૂપ માનવસાગરમાં એક અનોખી છાપ પ્રગટાવી રહ્યું હતું. ચહેરા ત્યાં હજારો તરવરતા હતા, પણ આ દેવડી તો આકાશગંગામાંથી ખરેલું જાણે કમળ હતી. સવારી તો પછી આગળ વધી. પણ મહારાજનું હ્રદય પાછળ રહી ગયું. સિદ્ધરાજને દેવડામાં રસ પડવા માંડ્યો. એનું ઘોડાંનું જ્ઞાન એને ઉપયોગી લાગવા માંડ્યું.

પણ વિધાતાએ પોતાના કાવ્યની સામગ્રીમાં ક્યાંય ઊણપ રહી ન જાય એની પહેલેથી જ સંભાળ રાખી હતી. દેવડી તો ક્યારની એક તરુણમાં રસ લેતી થઇ ગઈ હતી. એ હતો જૂનાગઢનો જુવાન ખેંગાર. એની નજરમાં ક્યારનોય વસી ગયો હતો. ખેંગારની દ્રષ્ટિમાં પણ એ સમાઈ ગઈ હતી. દેવડાને એ વાતની જરા ગંધ પણ આવી હતી. એ વખતે તો એને એ વાત રૂચી પણ ખરી; પરંતુ પાટણ અને સોરઠ એ બે મહારાજ્યો વચ્ચે પસંદગી પાટણ ઉપર જ ઊતરે તો પોતાનું ભાગ્ય ઊઘડે એ દ્રષ્ટિએ એણે દેવડીને હવે બીજી પણ કેટલીક વાતો કહેવા માંડી. દેવડીનું અંતર ખેંગારની કલ્પના સાથે નાચતું હતું તે એ સાંભળીને ખિન્ન થતું. પોતાના પાલક પિતાને નારાજ કરવામાં એને વિશ્વાસઘાત લાગતો હતો. એને નારાજ ન કરવા હ્રદયની એક જબરજસ્ત ઉથલપાથલનો સામનો કરવાનો હતો. તે ઘોડેસવારી શીખી હતી. એકલી ગમે તેવા ભયંકર રણમાં સાંઢણી હંકારી જાણતી. તલવાર તો એ ગ્રહણ કરતી, એટલે એના દેહમાં રણચંડીનો પ્રવેશ થતો. એને જુદ્ધ આવડતું પણ પોતાના નાનકડા હ્રદયનું આ નાનકડું જુદ્ધ કેમ ચલાવવું એની એને ગતાગમ ન હતી. ખેંગારને એ જેમજેમ ભૂલવા મથતી તેમ તેમ એ હ્રદયમાં વધારે ને વધારે ઊંડો પ્રવેશ કરતો. એમ શા માટે થતું તેની એને સમજણ ન પડી. એ ખેંગાર હવે તો જૂનાગઢનો રા’ થયો છે એની એને ખબર હતી. એ હમણાં આવ્યો ન હતો. કદાચ રા’ થયો એટલે પોતાને ભૂલી પણ ગયો હોય! દેવડીએ હ્રદયમાં ખોટું આશ્વાસન પણ લીધું કે એ એને ભૂલી ગયો હોય! તે પોતાનું મન બીજે વળવા મથતી; દેવડાના વિશાળ વાડામાં જાતવંતા ઘોડાં નિહાળતી; સવારી કરીને વાડામાં ફેરવતી; આમલીની ડાળે બાંધેલા હીંચકાને છેક આકાશ સુધી ફંગોળતી; મોરને પકડવા દોડાદોડ કરી મૂકતી. પોતાના તાનમાં પોતે મસ્ત રહેતી. પણ જેવી એમાંથી એ છૂટતી કે એનું હ્રદય એના મૂંગા ગાનનો પ્રદેશ ખુલ્લો કરી દેતું. એક ક્ષણમાં તો એ એમાં નિમગ્ન થઇ જતી એના આ છાના આનંદસાગરમાં પાછો ખેંગાર એકલો ચક્રવર્તી બનીને એની સાથે વિહરતો. બૂઢિયો બ્રહ્મા એ જોતો અને પોતાના એકાંત લોકમાં ખડખડાટ હસતો!

આજે જ્યારે દેવડો બંને મહેમાનોને લઈને વાડામાં આવ્યો, ત્યારે સોનલદે એક ઘોડા પાસે ઊભીઊભી એને નિહાળી રહી હતી. દેવડાને એને આવતો જોયો અને એ એની સામે દોડી. ખેંગાર ને મહીડો હજી પાછળ હતા, એટલે એકદમ એની નજરે ન ચડ્યા.

‘બાપુ! સોનલે ઉતાવળે કહ્યું, ‘તમે કાલે કહેતા હતા ને કે પેલો પંચકલ્યાણી ઘોડો – એના ઉપર કોઈ  સવારી કરી શકતું જ નથી? પણ મેં અત્યારમાં એને સાત ચક્કર લેવરાવ્યાં! એ ઊભોઊભો ત્યાં હાંફે, જુઓ! ઠારણ ના કહેવા આવ્યો સવારીની, તો એને એક મૂકી, તે હજી આ બાજુ પાછો ફરક્યો જ નથી! બીજા કોઈને નહિ ને મને ના કહેવા આવ્યો, બાપુ!’

‘ધીમે, ધીમે, દીકરી, ધીમે બોલ. પાછળ આવી રહ્યો છે મહીડો એ સાંભળશે. એ ઘોડો તો મહારાજનો પોતાનો છે! દેવડાએ કહ્યું, ‘કોટિધ્વજ કહે છે તે – આંહીં મહારાજે સંભાળ લેવા મોકલ્યો છે – જરાક એની રૂંવાટી હાથમાં આવી જાય છે એટલા માટે. એના ઉપર સવારી ન હોય. ઠારણે બરાબર કહ્યું હતું. ક્યાં ગયો એ? પણ એને બચારાને શું ખબર કે વહેલો-મોદી એ ઘોડો તો તારો જ! કેશવ નાયક આ બાજુ આવ્યા’તા, દેવડી? મળ્યા તને?’ દેવડાએ પોતાના મનમાં રમી રહેલી વાત રજૂ કરી.

‘ના. શું કરવા, બાપુ?’

‘ઓહોહો! શો કળજગ આવ્યો છે!’ દેવડાએ હસતાં હસતાં કહ્યું. ‘આ આજકાલના છોકરાં મને ગલઢા બાપનેય બનાવે છે! શું કરવા હેં! નહિતર તો જાણે નાનકડી ગીગલી! કાંઈ ખબર જ નહિ હોય!  કોટિધ્વજ ઉપર સવારી તો પોતે માંડી, ને મને પૂછે છે શું કરવા?’

દેવડાને મનમાં હતું કે સોનલને પણ પાટણની રાણી થાવું તો ગમે છે. જરાક એ વાતને એ વધારે આગળ લેત; પણ એટલામાં મહીડાનો સાદ આવ્યો: 

‘ઓહોહો! દેવડાજી! આ તો એક આખી ઘોડાર જ તમે વસાવી છે ને શું? આટલા જ ઘોડા?’

દેવડાને સાંભર્યું કે આંહીં આમને બહુ રખડાવવા ઠીક નથી. તેણે વાત ફેરવી:

‘આપણે ત્યાં મહેમાન આવ્યા છે, દેવડી! મહીડાજી ઉમેટાના ને ખેંગારજી.’

પોતાની ઘોડાર આ બંને જુએ એ દેવડાને ગમતી વાત ન હતી, એટલે તેણે હવે એમને પાછા લેવાનો તાગડો રચ્યો:

‘ઘોડાં તો એમને ઘણાંય દીઠાં છે. એમને આ નવી નવાઈ ન હોય. પણ આપણી મહેમાની આજે નહિ... દીકરી! હું તો તમને બોલાવવા આવ્યો’તો. ચાલો, અત્યારમાં તો ગોરસ કાઢો ને રોટલાનો ઝપાટો બોલાવો. ચાલો, મહીડાજી! આપણે પહેલાં શિરામણીનું કરો, પછી બીજી વાત! અરે! ઠારણ!’

‘મા’રાજનો કોટિધ્વજ...’ ઠારણ બોલવા માંડ્યો, પણ દેવડાએ એને અટકાવ્યો.

‘ઠીકઠીક હવે. તું જા. લ્યો, આ ખેંગારજી પણ આવ્યા! ચાલો!’

પાછળ ખેંગાર આવી રહ્યો હતો, પણ ‘કોટિધ્વજ...’ શબ્દે એ ચમક્યો હતો ને ઠારણ તરફ દ્રષ્ટિ કરતાં એ વધારે ચમકી ગયો. કદ ને ચાલ તો જાણે ખર્પરકના હતાં. પણ રંગ ફરી ગયો હતો. ચહેરો જરાક વિચિત્ર દેખાતો હતો. વાળમાં ઘણો ફેરફાર હતો. ખેંગાર એક ક્ષણમાં વિચારમાં પડી ગયો. એના ક્ળ્યામાં વાત એકદમ આવી નહિ. પણ એટલામાં એની દ્રષ્ટિમાં પાસે ઊભેલી દેવડી પર ગઈ. સોનલે એક છાની નેહભરી દ્રષ્ટિએ એને નીરખી લીધો. એ વ્યવહાર હજી કોઈની નજરમાં આવ્યો નહિ – પણ એ જ એનો નેહ હજી ત્યાં જોઇને ખેંગાર ડોલી ઊઠ્યો. એણે એક દ્રષ્ટિવ્યવહારથી પોતાના પ્રેમની અવધિનું સૂચન આપ્યું – પણ ત્યાં બહારથી એક અનુચર દોડતો આવી રહ્યો હતો. 

‘કેમ? કોણ આવ્યું છે?’ દેવડાએ પૂછ્યું.

‘કેશવ નાયક!’

‘કેમ?’ 

‘મહારાજે ખેંગારજી ને મહીડાજીને સાંજે બોલાવ્યા છે એ કહેવા માટે.’

દેવડોજી હાંફળોફાંફળો આગળ વળ્યો. મહીડો એની પાછળ ચાલ્યો. કેશવ પાસે એ બંને જઈ રહ્યા હતા. ખેંગાર જરાક પાછળ રહી ગયો. તેણે એક દ્રષ્ટિ પાછળ નાખી. એ દ્રષ્ટિ પણ સોનલે ઝીલી લીધી. એમાં કોઈ સંકેતસ્થાનનો ધ્વનિ બેઠો હતો. ખેંગારે એ ધ્વનિ ઝીલ્યો હોય તેમ ડોકું હલાવ્યું ને દૂરની આમલીઓ તરફ દ્રષ્ટિ કરી. સોનલે એની આ વાત પણ પકડી લીધી હતી. એ વિચારે તો એને આખા શરીરમાં વીજળીનો વેગ મૂકી દીધો. પછી તે ત્વરાથી દેવડાની પાછળ ગયો. એમ કર્યા વિના એને છૂટકો ન હતો.

પણ એનું હ્રદય એનું ન હતું. એ સોનલદેની સાથે હતું; ને સોનલદે એની આંખમાં હતી.