Barbrakjishnu - Jaisingh Siddhraj - 22 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

૨૨

મહાઅમાત્યને ત્યાં

ખેંગાર પાટણ પહોંચ્યો. પણ એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. જે પાટણ એણે કેટલાક સમય પહેલાં મૂક્યું હતું તે જાણે આજે ત્યાં રહ્યું ન હતું. કોઈ નવું જ નગર પોતે જોતો હોય એમ એને લાગ્યું. એણે જે પાટણ છોડ્યું હતું તે થોડુંક પણ અવ્યવસ્થિત લાગતું હતું. રાજાની શક્તિ વિષે જરાક શંકાશીલ હતું. માલવાના ડરે થોડુંક અશ્રદ્ધાળુ ને ભયભીત રહેતું. પણ આજે સિદ્ધરાજનું પ્રભાવશાળી વ્યક્તિત્વ દેશ-આખા ઉપર છવાઈ ગયું હતું. પાટણનું એક નાનામાં નાનું છોકરું પણ પોતાનો રાજા અજિત છે એમ માનતું જણાયું. પાટણનો પરાજય એ જાણે કોઈની કલ્પનામાં ન આવે એ વસ્તુ બની ગયો લાગી. સિદ્ધરાજ જ્યાં જાય ત્યાં વિજય જ હોય. એણે સર્વત્ર સિદ્ધરાજને દીઠો. માણસમાં તો ઠીક, પણ પથ્થરમાં એણે નવું ચેતન આવેલું જોયું. મહાન વાપિકાઓ, તડાગો, મંદિરો ને મહાલયો નવાંનવાં નવીન ઊભાં થઇ રહ્યાં હતાં. પોતાનું કાર્ય હવે કેટલું મુશ્કેલ થયું છે એ સમજી ગયો, પણ એ ભયને ઓળખતો નહિ. સિદ્ધરાજની વધતી જતી મહત્તામાં એણે પોતાના કીર્તીધ્વજને ઊંચો જતો જોયો. એ પાટણમાં આવ્યો ને તરત મુંજાલને મળવા ગયો.

મહાઅમાત્ય નહિ – પણ મહાઅમાત્ય જેવો મુંજાલનો પ્રતાપ બન્યો હતો એ એણે એક ક્ષણમાં માપી લીધું. શક્તિશાળી રાજાના સમર્થ મંત્રીની છાપ ખેંગારે ત્યાં ઠેરઠેર જોઈ. દ્વારની બહાર મળવા આવનારાઓનો જાણે મેળો ભરાયો હતો. કેટલાક ઘોડેસવારો આમતેમ ફરતા હતા. હમણાં જ આવેલા રાજદ્વારી પુરુષોનાં કર્મચારીઓ ઘોડાં ને રથ સાચવતા ત્યાં ઊભા હતા. બારણે પાલખીઓની ઠઠ જામી હતી. મુંજાલનો સંપૂર્ણ ઉદય એની નજરમાં આવી ગયો. તેણે પોતાના આવવાના સમાચાર અંદર મોકલ્યા.

થોડી વાર પછી દ્વારપાલે એને અંદર જવાની વિજ્ઞપ્તિ કરી. ખેંગાર અંદર ગયો.

અંદરના ખંડમાં એક વિશાળ ગાદી-તકિયાની બેઠક પાસે એણે મુંજાલને બેઠેલો જોયો. સર્વત્ર એણે ત્વરા, ઉદ્યોગ અને કામ દીઠાં. મુંજાલનું પ્રતાપી વ્યક્તિત્વ એણે જોયું અને એને આનંદ થયો. એ સમર્થ દુશ્મનોને પરાજય આપવામાં માનતો હતો. પોતે આટલો વહેલો આવ્યો હતો, છતાં મુંજાલની સામે અત્યારે પણ એક જુવાન ઊભો હતો. ખેંગારે એને તરત ઓળખી કાઢ્યો. એ કેશવ  નાયક હતો. થોડી છેટે કાંઇક આધેડ ગણાય તેવો બીજો પુરુષ બેઠો હતો. એને એ તરત ઓળખી શક્યો નહિ. તેણે રજપૂતી ઢબે ઊંધા પગ નાંખ્યા હતા. એના પગ પાસે તલવાર પડી હતી. રા’ એ જરાક વધારે ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને એ આગળ વધતાં ખેંચાયો. પણ હવે પાછા ફરવાનું એને માટે શક્ય ન હતું. પોતે જેને મારવા માટેનું પ્રણ લીધું હતું, તે ઉમેટાનો હંસરાજ મહીડો અત્યારે આંહીં મળશે એવી તો એને સ્વપ્ને પણ આશા ન હતી. આ અકસ્માત ન હોય ને મુંજાલની યોજના હોય, તો-તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પોતાની સ્થિતિ ઉપર ખેંગાર જરાક વિચાર કરી રહ્યો. પછી કાંઈ જોતો ન હોય તેમ તે આગળ વધ્યો. એટલામાં જાણે પ્રેમથી સભર ભર્યો હોય તેવો મુંજાલનો શબ્દ તેણે સંભળાયો: ‘આવો, ખેંગારજી! આવો. તમે આવવાના છો એમ જાણીને મેં આમને પણ આંહીં બોલાવી રાખ્યા છે. ઓળખો છો નાં!’ એની મુશ્કેલી જાણી લઈને મુંજાલે જ પહેલ કરી. તેણે મહીડા તરફ હાથ લાંબો કર્યો: ‘ઓળખો છો નાં આમને?’

ખેંગારે મહીડા તરફ દ્રષ્ટિ કરી: ‘આ તો... ઉમેટાના નહિ?’ ખેંગારે નામ આપ્યા વિના જ નિર્દેશ કર્યો.

ખેંગાર બેઠો. એક ઘડીભર શાંતિ થઇ ગઈ. કોઈ કાંઈ બોલ્યું નહિ. મુંજાલ બંને રજપૂતોને નિહાળી રહ્યો. તેઓ એકબીજા સાથે બોલ્યા ન હતાં. એમની વચ્ચે સમાધાન અશક્ય લાગ્યું. પણ નાનકડાં રાજ્યો સામસામે બાખડ્યા કરે એ બંધ કરાવી દેવું એ પાટણનું રાજસૂત્ર હતું. આજ્ઞા હતી કે દરેકે પાટણને સર્વોપરી સત્તા માનીને પોતાની વાત રજૂ કરી ન્યાય મેળવવો. મહીડાને મુંજાલે એટલા માટે જ બોલાવી રાખ્યો હતો.

‘જુઓ ખેંગારજી, તમે આવ્યા છો એ સારું થયું છે. આ હંસરાજ મહીડો પણ આંહીં છે. તમારાં વેરઝેર ભૂલાવવા તમને બોલાવ્યા છે. આજ દિવસ સુધી એમ ચાલ્યું. હવે મહારાજ પોતે આવી વાત નહિ ચલાવે!’

‘કઈ વાત?’ ખેંગારે પૂછ્યું.

‘આપણે ગમે તે દાખલો લ્યો ને, ભલા માણસ! તમારે ને કચ્છમંડલના કોકને વેરઝેર થયાં!’

‘તો, ભા! વેરઝેર એ તો રજપૂતી વારસો છે. એનો એમ નિકાલ નો’ય!’

‘ખેંગારજી! દેશભરમાં તમારો કોઈ મિત્ર હોય તો હું છું.’ મુંજાલ બોલ્યો. એના અવાજમાં મૈત્રીનો સ્વર હતો, કહેવાની રીતમાં ડારવાની નેમ હતી. એ ભય ને પ્રીતિ ઉભયને અપનાવી રહ્યો. ‘મેં મહારાણી ઉદેમતી જેવાનો પડછાયો લીધો છે. કર્ણાટક ચેદિ કે સિંધ જેવા દૂરના અરિદળ સાથે લડવું પડે, તે દી પડખે મંડળિકો તમારા જેવા શોભે, કચ્છમંડલના જામ લાખાણી છે, આ હંસરાજજી છે, અર્બુદમંડલના પરમાર રામદેવ છે, કિરાડુના સોમેશ્વર છે, નડૂલના અશ્વરાજ છે; એટલે હું તમને આ કહું છું. બર્બરક જેવાએ જ્યાં સાર કાઢ્યો નથી, ત્યાં બીજો કોઈ નહિ કાઢે. મહારાજનો કોપ શંકરના ત્રીજા લોચન જેવો છે!’

‘એ ત્રીજું લોચન અમારાં આંખ-માથા ઉપર, મંત્રીરાજ!’ ખેંગારે કહ્યું. ‘પણ અમારી રજપૂતી – એકલી એ રજપૂતી રહી જાય – તો અમારે બસ. મહારાજને અમારે એટલું જ કહેવાનું છે. અમારી રજપૂતી જાળવજો. બીજું બધુંય ઠીક – આવતું-જતું રિયે!’

‘કેશવ! મહારાજે ક્યારે બોલાવ્યા છે મહીડા હંસરાજજીને?’ મુંજાલે કેશવને પૂછ્યું.

‘મને તો આટલી જ આજ્ઞા છે, પ્રભુ! મહીડોજી આવે એટલે ખબર કરવા.’

‘ત્યારે ખેંગારજી આવ્યા છે એ સમાચાર પણ આપજો. ને પછી જે કહેવાનું હોય તે કહેવરાવજો. ક્યાં દેવડાને ત્યાં જ કહેવરાવે...!’

‘હું તો દેવડાને ત્યાં છું!’ મહીડાએ કહ્યું.

‘અને હું પણ ત્યાં જ છું ત્યારે –’ ખેંગાર બોલ્યો. કેશવ નમીને ગયો. ‘ખેંગારજી! બીજી વાત પણ છે!’

‘એ સાંભળવા તો જૂનોગઢથી આંહીં સામે ચાલીને આવ્યો છું. વિશુભાએ કહ્યું કે તમને પોતાને બોલાવે છે; પછી પાણી પીવા કોણ રોકાણું છે ને હારે કોઈને લીધુંય છે કોને?’ ખેંગારે મુંજાલની શંકા દૂર કરી નાખવા માટે પોતે એકલો આવ્યાનું ખાસ કહ્યું.

‘રા’ નવઘણે જૂનોગઢનો કોટકિલ્લો સમરાવી, સુધારી તૈયાર કર્યો – અમને એ સમાચાર મળ્યા છે – ભલે કર્યો અંદર એકસો સિત્તેર પાડ નવઘણ કૂવો રચ્યો છે. અડીકડીની મહાન વાપી છે. મોટા કોઠાર કર્યા છે. પાણી ને અન્નના અખૂટ ભંડાર ભર્યા છે.’ મુંજાલે જાણે કિલ્લો જોયો હોય તેમ વર્ણન કરવા માંડ્યું. રા’ને નવાઈ લાગી. ‘પણ આ બધી શાની તૈયારી છે? શું તમારે પાટણ સામે પડવું છે?’

‘પાટણ સામે પડવું એ રા’ને નવાઈની વાત નથી, મંત્રીશ્વર!’ ખેંગારે નિર્ભયતાથી, સહેજ પણ ખચકાયા વિના સીધો જવાબ દીધો, ‘પણ અમારે પાટણ સામે પડવું નથી! અમારે બીજા ઘણા છે!’

મહીડો ચમક્યો, પણ એ બોલ્યો નહિ.

‘ત્યારે આ બધું શાને માટે છે ખેંગારજી? તમને હજી અભરખો રહેતો હોય જુદ્ધનો, તો હું તમને એક સલાહ આપું છું: મહારાજને હમણાં ન મળતા.’

‘કેમ? મહારાજ હેડમાં પૂરશે?’

‘ના. મહારાજ હવે હેડમાં નહિ પૂરે; એ દિવસ ગયા. પણ મહારાજનો કોપાનલ એક વાર પ્રગટ્યો પછી એ કોઈ શમાવી નહિ શકે. પછી એ અમારા હાથની વાત નહિ હોય. તમારી બહાદુરી મેં જોઈ છે. એને માટે હું પણ દિલમાં કાંઇક ગૌરવ રાખું છે. આ કહેવાનું કારણ પણ એ છે. તમારી જુવાની છે. બિનઅનુભવ છે. તમને જુદ્ધનો અભરખો જ હોય તો મહારાજને મળવાથી લાભ શો? એના કરતાં તો તમે સીધા પાછા ઘેર જાઓ. પછી દેખી લેવાશે!’ મુંજાલ તીક્ષ્ણ દ્રષ્ટિથી રા’નો ચહેરો નિહાળી રહ્યો. પણ ભૈરવી ખડક ઉપર બે-ચાર છાંટા પડ્યા હોય એટલી જ રા’ના ચહેરા ઉપર અસર થઇ લાગી. રા’ને તરત હાકલ ઉપાડી લેવાનો એક ઘડીભર આવેશ પણ આવ્યો, પણ એણે તરત પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો. મુંજાલ એ કળી ગયો.

‘તમે પાટણની રાજનીતિ ઉપર પણ એક ઘા કર્યો છે. ખેંગારજી! મહારાજ એનો પણ તમારી પાસે જવાબ માગશે!’

‘શો?’

‘રા’નવઘણનો પાટવી કોણ!’ મુંજાલે પ્રશ્ન કર્યો, ‘તમે તો નહિ જ?’

‘ના, સૌથી મોટા રાયઘણ.’

‘અને ગાદી ઉપર તમે બેસો? એ ન્યાય ક્યાંનો? ગાદીવારસ રાયઘણ આવીને આંહીં આવીને મહારાજ પાસે ધા નાખે તો? પાટણને જવાબ આપવો પડે કે નહિ?’

મુંજાલને રા’નવઘણની પ્રતિજ્ઞાની જાણ લાગી. વિશળભાએ પણ ખેંગારને કહ્યું હતું. પણ અત્યારે એ વિશે કાંઈ જ સ્પષ્ટ કરવાની રા’ને જરૂર ન લાગી.

‘જુઓ, ભા! મંત્રીરાજ!’ ખેંગાર બોલ્યો, ‘અમારું તો જૂનોગઢ રા’નું કુળ-આખું ગાડું. સોમનાથનું રખોપું અમારે ત્યાં. મહારાજ ભીમદેવના સમયમાં આવ્યું’તું એવું જુદ્ધ કદીક આવે, તે દી રા’ના નાના દીકરા, ભાઈયું, ભત્રીજા, દીકરાના દીકરાને કટંબના નાના-મોટા તમામ માણસ ખપી છૂટે. એવા જુદ્ધ-સમે બીજો તો રા’નો કોણ કુળકલંક હોય તે રણમાંથી પાછો ફરે? પણ રા’ના કટંબનો કોઈ  બે-ચાર દીનો પોટો રહી ગયો હોય નાં, તો રા’ની રાખણહાર શક્તિદેવી ઈ પોટાને જાળવી રાખે. એમાંથી પાછી કોક દી અમરવેલ પાંગરે. એ બે-ચાર દીના અર્ભકને અમારી દેવિયું – રા’ને ત્યાં મંત્રીશ્વર! રાણિયું હોતી નથી, દેવિયું હોય છે – જાળવે ને મોટો કરે, જો કોક આવો કિલ્લોકાંગરો ઊભો હોય તો એના આધારે અમારો આ કિલ્લો તો એટલા માટે છે – તલવારી વારસો જાળવવા માટે. અમારે ક્યાં મલકની પડી છે? રાજ વધુ અમારે જોતું નથી, ગામગરાસ વધારવો નથી, પછી એમાં ક્યાં પાટણ હારે નો’ર ભરાવવાની વાત જ આવી? અમારે તો અમારી રજપૂતીની પડી છે, ભા! લ્યો , આ તમને પેટછૂટી વાત કરી દીધી. હવે તમારે જે અરથમાં લેવી હોય એમાં લ્યો!’

‘તમે દેવડાના મહેમાન છો, મહીડોજી પણ દેવડાના મહેમાન છે. તમારી વચ્ચે સમાધાન થઇ જાય, મહારાજ નિર્ણય આપે તે તમે સ્વીકારી લ્યો, રાયઘણજીને ફરિયાદ ન હોય, ને કોટકિલ્લાનું તમે વેણ આપો, એટલે તમતમારે તમારો રજપૂતી વારસો જાળવો, એમાં અમારે કાંઈ કહેવાપણું નથી. આ તો મેં તમને, તમે મળ્યા એટલે, તમારા હિતની વાત કરી. જૂનોગઢ રાખવું તમારા હાથમાં છે, ખોવું પણ તમારા હાથમાં છે. સિદ્ધરાજ મહારાજની વાત હવે કાંઈ મારે કરવી પડે તેમ નથી. દુનિયા-આખી એ જાણે છે, ખેંગારજી! તમારી બહાદુરી છે. મહારાજ તમને તક આપે છે. ઉપાડી લેશો તો જેવારો છે. પછી તમારી મરજી!’ મુંજાલે જાણે છેલ્લું કહી દીધું હોય તેમ હાથને જરાક ધ્રુજારી આપી. પછી તેણે એક તાલી પાડી. જવાબમાં એક અનુચર આવ્યો: ‘દેવડાજીને ત્યાં સમાચાર આપજો. મહારાજ એમને પણ કાલે બોલાવશે.’

‘હા, પ્રભુ!’

રા’ ઊઠ્યો. મહીડો પણ ઊઠ્યો. બંને જણાએ રાજા લીધી. તેઓ ગયા કે તરત પાસેના ખંડમાંથી એક માણસ નીકળી આવ્યો:’ ઝાંઝણ! આ બે ગયા એ તેં જોયા.’ મુંજાલે એની સામે જોયું. ઝાંઝણે ડોકું ધુણાવ્યું: ‘ત્યારે એની તલવેલ માહિતી તારે મેળવવાની છે. રા’ ઘા મારવા આવ્યો છે અને આ મહીડો એનો વેરી છે. આંહીં કાંઈ તોફાન ન કરી બેસે એ જોતાં રહેવાનું છે. રા’એકલો જ છે?’

‘એકલો જ છે!’

‘થયું ત્યારે. પણ એનું પગલેપગલું ગણતો રે’જે. એ નવઘણનો છોકરો છે. અને આંહીં આવ્યો છે તે કાંઇક નવાજૂની ન કરી જાય એ જોવાનું છે.’