Barbrakjishnu - Jaisingh Siddhraj - 19 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19

૧૯

બર્બરકજિષ્ણુ

સિદ્ધપુર પાસેના વિસ્તીર્ણ ભયંકર જંગલની એક નાનીસરખી કેડી ઉપર ત્રણ માણસો જઈ રહ્યા હતા. સંધ્યાનો સમય હતો. આકાશમાંથી અંધારું ધીમીધીમે ઈચ્છે ઊતરતું આવતું હતું. આ ત્રણે જણા ઉતાવળમાં હોય તેમ ઝપાટાબંધ ચાલી રહ્યા હતા. ત્રણેમાંથી કોઈ કાંઈ બોલતું ન હતું.

કેડીએ-કેડીએ તેઓ એક નીલા ઘાસછવાયા મેદાનમાં આવી પહોંચ્યા. મેદાનની ચારે તરફ જંગલ ઝૂકી રહ્યું હતું. મેદાન વીંધે એટલે જંગલની શરૂઆત થતી હતી. આ જંગલ એટલું ગાઢ હતું કે એનો સામેનો પાર કોઈએ કોઈ દિવસ જોયો ન હતો, મહાન સમુદ્રની જેમ એ અનંત હતું.

‘ઝાંઝણ!’ વચ્ચે ચાલી રહેલાં રાજવંશી જેવા માણસે કહ્યું, ‘રસ્તાની બરાબર ખાતરી છે કે? હવે અંધારું પણ આવે છે ને જંગલ પણ જામે છે!’

‘ખાતરી?’ ઝાંઝણે જવાબ વાળ્યો, ‘અંધારે હાથ મૂકીને દરેકેદરેક ઝાડને મહારાજ! હું ઓળખી કાઢું. રાત ને દી આ જંગલ ખેડ્યા છે. ખાતરી ન હોય તો-તો પ્રભુ! હું ખબર જ ન આપું! આ કાંઈ જેવીતેવી વાત છે!’

‘કેશવે તારી જંગલમાહિતીની વાત તો મને કરી છે... એટલે તો તેં સંદેશો આપ્યો અને તરત હું સીધેસીધો મુંજપુરથી પરબારો આંહીં આવ્યો.’

‘દંડનાયક કાં તો કાલે સવારે પાટણ આંહીંથી આવી પહોંચશે. પણ મને મોટામાં મોટી બીક માની છે! ત્રિભુવન જઈને વાત કરશે કે કાકા તો સિદ્ધપુર પરબારા ગયા છે અને મને આંહીં મોકલ્યો છે, સૈન્ય સાથે જગદેવ પરમારને બોલાવવા: એટલે કાં તો મા પોતે જ રાત માથે લઈને પણ આવવા માટે ચાલી નીકળશે!’

‘ને આ બર્બરકનું ટોળું રાતે તો ભયંકર બને છે! તું પરબારો મને મળ્યો એ ઠીક થયું. મુંજાલ વિના કામ ગોટે ચડી જાત!’ 

‘આજે જ એ સૌ આંહીં હશે. પછી આ મોકો ન મળત. મારા સમાચાર સો વાલ ને રતી નીકળવાના છે. એ બધાનો સંકેત છે આજે આંહીં ભેગા થવાનો. એ તો આપણે હમણાં જોઈશું. પણ હવે સહેજ પણ અવાજ ન થાય એ આપણે જોવું પડશે. બર્બરકના માણસો ઝાડની ડાળી ઉપર પણ બેઠેલા રહે છે. ને આ જંગલની કેડી એક વખત કોઈ ભૂલે પછી ભલે ને દિવસોના દિવસો આંટા માર્યા કરે, એમાંથી જાણકાર સિવાય બીજો કોઈ રસ્તો કાઢી જાય નહિ. આગળ એક જગ્યાએ તો ચારે પગે થઇને જ જવાય છે. ગાઢ અંધારું થાય તે પહેલાં એટલો ભાગ આપણે વટાવી લઈએ એટલે બસ, પ્રભુ! હું હવે આગળ ચાલુ છું. મારા પગલેપગલે આગળ વધી શકાશે. ક્યાંયે ભય જેવું હશે તો હું તરત થોભી જઈશ.’

ઝાંઝણ આગળ ચાલ્યો. જયદેવ એની પાછળ હતો. મુંજાલ પછવાડે આવી રહ્યો હતો. બોલ્યાચાલ્યા વિના તેઓ જંગલની કેડીએ આગળ વધ્યા. થોડી વાર પછી ચારે તરફ ઘાસથી છવાયેલું એક મોટું બીડ આવ્યું. એમાં માથોડા ઉપરવટ ઘાસ ઊભું હતું. એમત તો કોઈ રસ્તો જ ન હતો. પાસેપાસે ચાલ્યા જતા બે ઘડી પછી એમાંનો કોઈ કોઈને મળી જ શકે નહિ. એમાં માલધારીઓના નેહડા દેખાતા હતા. ઝાંઝણે એક નેહડાની દિશા સાંધી.

થોડેક ગયા ત્યાં કોઈ રબારી એમની જ રાહ જોઈ ઊભો હોય તેમ લાગ્યું. તે મોંમાંથી કાંઈ બોલ્યો નહિ, પણ ઝાંઝણે કાંઇક નિશાની કરી: જવાબમાં પેલાએ દૂરના એક મહાન વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી, બીજો કાંઈ ઉત્તર ન વાળ્યો. ઝાંઝણ તરત ચાર પગે થઇ ગયો. ને પેલાએ જે દિશા તરફ દ્રષ્ટિ કરી હતી તે તરફ ચાલ્યો. જયદેવને ઈશારતની ભાષાથી આશ્ચર્ય થતું હતું. તેના આ નવા અનુભવથી વધારે આશ્ચર્ય થયું. પરંતુ એક શબ્દ પણ ન બોલવાની ઝાંઝણની વાત એને યાદ હતી. તે પણ બોલ્યા વિના ઝાંઝણની જ એમ આગળ વધ્યો, પણ એની પાછળ આવી રહેલો મુંજાલ અત્યારે આ જોઇને ખરી ચિંતામાં પડ્યો હતો. સેનાનાયક કેશવનો સંદેશો પરમાર માટે હતો. એ સંદેશો મુંજાલે જ મહારાજને પોતે મુંજપર જઈને પહોંચાડી દીધો હતો. એ રીતે આંહીં અત્યારે એ મહારાજ સાથે વધારે પરિચયમાં તો આવ્યો હતો, પણ પોતે ઉઠાવેલા સાહસ વિષે એને હવે મનમાં ઘડભાંજ થતી હતી. જયસિંહદેવ તો બર્બરકનું સ્થાન શોધીને રાતમાં જ એના ઉપર હલ્લો કરવાની  વાત વિચારી રહ્યો હતો, જ્યારે બર્બરક વિષે કહેવાની માનુષી-અમાનુષી શક્તિનો સારો ક્યાસ તો હજી અંધારામાં જ હતો.

એટલે મુંજાલ મહારાજ સાથે ચાલી રહ્યો હતો ખરો, પણ એના  મનમાં જુદી જ મથામણ થતી હતી.

શી રીતે જગદેવ પરમાર આવી જાય ને ત્યાર પછી જ જયસિંહદેવ બર્બરક સાથે યુદ્ધ ઉપાડે એ એની ચિંતાનો વિષય હતો.

ત્રણે જણા ચારે પગે ઘાસનું નિબિડ જંગલ વટાવતા આગળ વધ્યા. પેલા રબારીએ બતાવ્યું હતું તે ઝાડ પાસે દેખાયું. ઘડીભર તેઓ શાંત રહ્યા.

પછી ઝાંઝણ અત્યંત ધીમાં પગલે આગળ વધ્યો. થોડી વાર પછી એ પાછો આવ્યો: ‘કોઈ નથી, પ્રભુ! હજી કોઈ દેખાતું નથી.’

‘પણ, ઝાંઝણ! કોઈ છુપાયું હશે તો?’ મુંજાલ બોલ્યો.

‘મેં ડાળીએ ડાળી નિહાળી લીસી છે, પ્રભુ! ચાલો, પછી તો અંધકાર જામી જાશે અને પત્તો પણ નહિ ખાય! બર્બરકની જાતમાહિતી મેળવવી હોય તો આ જ રસ્તો છે!’

મુંજાલ આગળ ચાલ્યો. તેઓ પેલા મહાન વૃક્ષ તરફ જઈ રહ્યા હતા. કદાચ ને બર્બરક એમનાં ઉપર હુમલો કરે તો? મુંજાલના મનની ચિંતા વધી હતી.

એટલામાં પેલું મહાન ઝાડ આવ્યું. ત્રણ-ચાર માણસો ફરતે હાથનો આંટો મારે ત્યારે માંડમાંડ બથમાં આવે એટલું જાદુ તો આ ઝાડનું થડ હતું. ઊંચે દ્રષ્ટિ કરે તો સૂરજનું એક કિરણ પણ ન પામે એવી ઘટ્ટ છાયા હતી. ઝાંઝણ ત્યાં ઊભો રહ્યો. તેણે ચારે તરફ તીક્ષ્ણ દ્રષ્ટિથી ઝાડવે ઝાડવું નિહાળવા માંડ્યું. ડાળીએ ડાળી એની દ્રષ્ટિમાં આવી ગઈ. પોતાના નિરીક્ષણથી એને સંતોષ થયો લાગ્યો. પછી તેણે ધીમેથી અંગૂઠો ભરાવાય ને હાથ લાંબો કરતાં જરાક આધાર મળે, એટલી નાની બખોલો થડમાંથી શોધી કાઢી. તેણે ધીમેથી ઉપર ચડવા માંડ્યું. થડ ઉપર પહોંચી તેણે લાંબા થઇ પોતાનો હાથ નીચે નમાવ્યો: ‘પ્રભુ! આ બાજુ મારે ટેકે ઉપર આવી જવાશે, અંદર પછી બધા બેસી શકે તેવું છે.’

જયદેવ ને મુંજાલ એક પછી એક ઉપર પહોંચ્યા. ઝાંઝણે હજી પણ એ વાર ડાળીએ-ડાળીએ પોતાની દ્રષ્ટિ ફેરવી દીધી. એને આટલી બધી ચોકસાઈ રાખતો જોઇને મુંજાલના મનમાં ધ્રાસકો પડ્યો. જયસિંહની દરેકે દરેક હિલચાલ ઉપર તે નજર રાખતો હતો. જ્યારે ઝાંઝણને ખાતરી થઇ ગઈ કે તરત એ ઝાડના પોલાણમાં સરી પડ્યો. એટલી જ ઝડપથી જયસિંહદેવ ને મુંજાલ પણ અંદર ગયા. નિરાંતે બેસી શકે એટલી જગ્યા જોઇને બંને જણા છક થઇ ગયા. એમણે ઉપર દ્રષ્ટિ કરી તો અંધારું આવી રહ્યું હતું. કોઈક તારા નીકળતા હતા. થોડી વાર થઈને કોઈના બોલવાનો અવાજ આવ્યો. તેઓ એકદમ શાંત થઇ ગયા.

‘એટલે તો તમને બોલાવ્યા કે ભૈ! આ તમારો પથારો આંહીં પડ્યો છે તે સંકેલો તો સારું.’ બહારથી અવાજ સંભળાયો, ‘ભાગવું હોય તો ભાગો, થોડાંક દી આઘાપાછા થવું હોય તો તેમ કરો, પણ આંહીં રાજાના માણસ રાત-દી આંટા મારે છે. એક  હજાર તો ઘોડાં છે!’ જે રબારી ઝાંઝણને મળ્યો હતો તે બોલતો લાગ્યો. એના જવાબમાં હોય તેમ બીજો અવાજ સંભળાયો: પણ આ અવાજના ઘેરા જોરદાર નાદે જયસિંહદેવને સચેત કરી દીધો. ‘કોણ છે?’ તેણે પૂછ્યું. ઝાંઝણે અત્યંત ધીમેથી કહ્યું: ‘આ બર્બરક પોતે બોલે છે...’ મુંજાલની અસ્વસ્થતા વધી ગઈ.

‘એમાં તમે શું કરવા નાહકના મૂંઝાઓ છો? એક હજાર શું, દસ હજાર ઘોડાં તો નથી? અમારુંય માણસ ભેગું થાતું આવે છે. ત્યાં સુધીમાં આ જંગલમાં બાબરાને ગાંજી જાય એવો બે-માથાળો હજી તો કોઈ પાક્યો નથી, ને એમાં આ છોકરાવ! તમે શું કરવા મૂંઝાઓ છો?’

‘ભૈ! પણ તમે લડો પાડેપાડા ને એમાં ખો થાય અમારો ઝાડનો, એનું શું? બે-પાંચ દી આઘાપાછા થઇ જાઓ. ત્યાં રાજાના માણસ હાલ્યા જાશે. પછી વળી પાછું ક્યાં આવતું નથી?’

‘પણ એમ કાંઈ હાર્યો દા લેવાય? અમારે પણ નાક ને નોક બેય છે.’

‘ઈ તમે  જાણો. ભૈ! આ તો તમે આંઈ પડ્યા રો’ એમાં કોઈનો જેવારો નથી. અમારો ને તમારો સહુનો મરો. તમે રાતે નીકળો – પણ રાજાના માણસ અમને દીએ કનડે એનું શું? તમતમારે આજ સંતલસ કરો, પાંચ-પંદર દી આઘા-પાછા થ્યા ઈમાં શું? પાછું કે’છે ને ઓલ્યો જગદેવ પરમાર આવ્યો છે! એને તો માતા હાજરાહજૂર છે. લ્યો સંતલસ કરો, મારે તો પાછું વાઘમાં આઢવું છે!’

આ જંગલમાં બાબરો વારંવાર આવતો. એણે ઠેકાણેઠેકાણે સંતાવાની અનેક જગ્યાઓ રાખી હતી. આંહીંનું જંગલ પણ એમાનું એક હતું. એક ઠેકાણે બે-ત્રણ દિવસથી વધારે તો એ ભાગ્યે જ રહેતો. પણ કેશવનું દબાણ વધ્યું હતું ને આ વખતે આ જંગલમાંથી ભાગી છૂટવાનો હજી લાગ આવ્યો ન હતો. આજે હવે યુદ્ધ કરવું, ભાગવું કે સંતાઈ જવું એનો નિર્ણય કરવા માટે તેઓ મળવાના હોય તેમ લાગ્યું. આ ઝાડ સંકેતસ્થાન જણાયું. પેલો રબારી ગયો લાગ્યો. જરા વાર શાંતિ રહી. પાછો બહારથી અવાજ સંભળાયો. પણ એ અવાજ તદ્દન જુદો હતો. જયસિંહદેવને આશ્ચર્ય થયું. રૂપાની મધુર ઘંટડી વાગતી હોય એવી સુંદર સ્વરાવલિ આ જંગલમાં અત્યારે સંભળાય એનો ભેદ એ કળી શક્યો નહિ. ઝાંઝણે અત્યંત ધીમેથી કહ્યું: ‘મહારાજ! પિંગલિકા પણ આંહીં આવી લાગે છે. એ બાઈએ આ ભૂતને પડછાયાની પેઠે સાચવ્યો છે. પ્રાણી પેઠે જાળવ્યો છે. આ અવાજ એનો છે પ્રભુ!’

‘બાબરા! તું એમ મને છે કે હું મરવાથી ડરું છું એટલે તને આ કહું છું? તારી પડખે ઊભા રહીને તને ઝેર-પાયેલાં તીર કોને આપ્યાં છે? તારા તીર રાત અને દિવસ ઝેર સીંચીસીંચીને તૈયાર કોણ કરે છે, ભૂંડા? તારું પડખું સેવીને હું મરણથી ડરું, એમ? અને મરણથી ડરીને તને આ વાત કરું, એમ? આજ તને ખબર નથી, પણ પાટણ-આખું ફરી ગયું છે. મદનપાલને જયદેવે જનોઈવઢ કાપી નાખ્યો એ તેં ન જોયું? રા’ને એણે હંફાવ્યો એ તેં ન સાંભળ્યું? અત્યારે આપણું કોઈ કહેતા કોઈ પાટણમાં નથી. અને એ પણ ઠીક, મેં તને રાત અને દિવસ ભયંકર ખડકોમાં, ખરબચડી મોટી કાળમીંઢ ભેખડોમાં, રેતિયા પથ્થરોમાં, લાલરંગી મહાન શીલાઓમાં ભવ્ય સ્વપ્નોની સૃષ્ટિ નિહાળતો જોયો છે. તેં તારી કલ્પનામાં દુર્ગો, વાવો, તળાવો, સેતુઓ ને શિલ્પકૃતિઓ અને એવાં મહાન મંદિરો ઊભાં કર્યા છે કે જેમની પાસે સુરેન્દ્રની અમરાવતીના ધામ પણ તુચ્છ લાગે! તું એકએક પથ્થરમાં એવું કાવ્ય મૂકે કે વિશ્વકર્મા પણ એ જોઇને છક થઇ જાય! તને પથ્થરમાં ફૂલ દેખાય છે. તેં જ મને નહોતું કહ્યું કે વલ્લભમંડલ પાસે કુદરતે પુષ્પના નહિ, પથ્થરના બગીચા બનાવ્યા છે? તારી પાસે આકાશના તારાના તેજને પણ ઢાંકી દે એવાં રત્નો છે! તારી પાસે દિવસો સુધી જલમાં છાનો વિહાર કરનારી નૌકા છે. સાતે સમુદ્રના અણમોલ મોટી તારી પાસે છે ભૂંડા! તારી પાસે શું ઓછું છે કે તું રાજાના નગરને ખંડેર કરવાનું કામ કરે છે?’

‘ત્યારે તને ખબર નથી, પિંગલિકા! હું મહાકાલીનો ઉપાસક, ખંડેર જોઇને જે આનંદ મને આવે, તેની તને કલ્પના પણ ન આવે. તને ક્યાં ખબર છે કે પથ્થરમાં કાવ્ય છે અને માણસમાં તો પથ્થર પણ નથી! હું પથ્થરને પૂજું, પણ માણસને તો સંહારું, નરમુંડની માળા મા ભવાની અમસ્તાં પહેરે છે? જે ખંડેરો કરશે, માનવને સંહારશે, એ વહેલો-મોડે માનવને કાંઈક આપશે! અને હું પોતે શું કરું? મેં જે ઉપાસના કરી, એ ઉપાસનાએ મને સંહારનો આનંદ બતાવ્યો છે! એ આનંદ વિના હવે હું જીવું શી રીતે?’

‘હું તો તને કહું છું, બર્બરક, ભૂંડા, સમય આવ્યો છે. તારી મન:સૃષ્ટિમાં પડેલાં પથ્થરના કાવ્ય જ ગા ને! શું કરવા ઊંધે રવાડે ચડે છે? આ રાજા પાટણનો – જયસિંહદેવ, કહે છે કે ઘેલો છે! એને જ સંભાળી લે ને! નવે ખંડમાં તારી નામના રહી જાશે! એવો ઘેલો રાજા ક્યારે મળવાનો હતો?’

‘કેમ ઘેલો છે? ઘેલો છે એટલે?’

‘ઘેલો છે એટલે જેવી તને શિલ્પ-સ્થાપત્યની ઘેલછા છે, એવી જ રાજાને પણ ઘેલછા છે. એને પૃથ્વીનો ખૂણેખૂણો શણગારવો છે. તને ત્યારે ખબર નથી લાગતી.’

‘શાની?’ 

‘પાટણમાં વાત ચાલે છે કે રાજા જયસિંહને રાતે ઊંઘ આવતી નથી. ધરતીમાતા એને વારંવાર સ્વપ્નમાં આવે છે. આવીને એની સામે ઊભાં રહે છે. ઊભાં રહીને પોકાર કરે છે કે “હે રાજા! મને શણગાર દે! મને આભરણ દે! મને આભૂષણ આપ!” રાજા તો દેશ-વિદેશથી વિદ્વાનોને આમંત્રીને આ પ્રશ્નનો પ્રત્યુત્તર મેળવવાનો હતો, ત્યાં તો તારી રંજાડ વધી ને એ વાત અધૂરી રહી. તારી પાસે વિદ્યા છે, રાજા પાસે પૃથ્વી છે. નવખંડમાં તારી નામના રહેશે. શું કરવા નાહકનો વિદ્યા વેડફી દે છે? હું મરણથી ડરતી નથી, તું લડીશ તો તારી પડખે જ ઊભી છું, પણ ભૂંડા! માણસને રંજાડવાથી ફાયદો શો? તારી પાસે અણમોલ તો સૃષ્ટિ છે!’

‘ત્યારે તને થાક ચડ્યો લાગે છે. તારું આ કામ નથી, પિંગલિકા! તું બેઠીબેઠી ભરત ભર્યા કર!’

‘એ તો હું ભરું છું ને ભર્યા કરીશ પણ તને કહું છું કે પાટણમાં પરમાર જગદેવ આવ્યો છે. ચોસઠ જોગણીઓ એને હાજરાહજૂર છે. એ આંહીં યુદ્ધ કરવા આવવાનો છે.’

‘તો જોઈ લેવાશે. મરીશું તો સામે મોંએ રણમાં મરીશું. બાકી સિદ્ધપુર નહિ હોય, પાટણ નહિ હોય, કર્ણાવતી નહિ હોય, એના સૌના ટીંબા રહેશે અને એ ટીંબા ઉપર બાબરાનું નામ રહેશે. સિદ્ધપુર તો કાલે જ નહિ હોય!’

‘પણ કાલે તો પરમાર આવે છે!’

‘ત્યારે તે પહેલાં જ સિદ્ધપુરના ખંડેર બનશે... અને આ ખંડેરમાં જુગજુગાંતર મારું નામ ગવાશે!’

‘બાબરા! તને આ શું થયું છે? તું પથ્થરમાં જે મહાકાવ્યો રાચે છે, એ જોતાં તો માણસમાત્ર ડોલી ઊઠે છે. મને તારામાં વિશ્વકર્માનો વાસ લાગે છે! અને પાછો તું જ ખંડેરમાં રાચે છે? આ શું? ખંડેરમાં, ભૂંડા! માનવ ન હોય, કલ્લોલ ન હોય, આનંદ ન હોય એમાં તને શી મજા પડે છે?’

‘તને એ નહિ સમજાય. જેણે ખંડેર કર્યા છે એણે તો માનવને માનવ બનાવ્યાં છે. માનવ વિનાનાં ખંડેર જોઉં છું અને મને મા ભવાનીની નરમુંડમાળા યાદ આવે છે! માનવ ઉપર પ્રેમ રાખનારા છેવટે હતાશ થાય છે!’

‘અરે, પણ, ભૂંડા! તારી પછવાડે રણે-રણે, જંગલે-જંગલે, યુદ્ધે-યુદ્ધે ભટકું છું એનું શું? એ પ્રેમ વિના? હું તારા ઉપર પ્રેમ નથી રાખતી?’ હજી તમે શંકા છે?’

બર્બરક કંઈ બોલ્યો નહિ.

‘બોલ ને! કેમ બોલતો નથી?’

બર્બરક બોલ્યો, પણ એનો અવાજ ફરી ગયો હતો: ‘તું માનવ નથી, પિંગલિકા!’ જયદેવ ને સહુ આ અવાજ સાંભળી રહ્યા. આ અવાજ શુદ્ધ માનવના જેવો હતો. એમાં માનવતા જાગી રહી હતી. બર્બરકનાં બે રૂપ લાગ્યાં: એક માનવનું, એક જંગલીનું.

‘ત્યારે હું કોણ છું.’ પિંગલિકા હસી ઊઠી. તેણે બર્બરકનો હાથ ઝાલ્યો. તે એની હડપચી હલાવતી બોલી: ‘હેં! ભૂંડા! બોલ ને, હું માનવ પણ નહિ! હું કોણ ત્યારે? હું પણ તને દગો દઈશ, એમ?’

‘ના, તું માનવ નથી. દગો તો માનવ દે... તું માનવ ક્યાં છે?’ બર્બરકનો અવાજ ધીમો, શાંત પણ કાંઇક કરુણ હતો. 

‘હું કોણ છું ત્યારે?’

‘તું દેવો છો, પિંગલિકા! તું માનવથી પર છો. માનવમાં કોઈક વખત કોઈ અ-માનવ આવે છે. તું અ-માનવ છો. તું જ એક મારી રહી શકી છો. મને ઘણી વખત થાય છે, તું ભરત ભર્યા કરે, હું પથરા ઘડ્યા કરું! કોઈ નદીને કાંઠે આપણે નૌકામાં ફર્યા કરીએ! પણ હાય રે! કોણ જાણે મારામાં શું વસી રહ્યું છે કે એ વિચાર આવતા જ એક એવો ઉગ્ર જોસનો ધક્કો મળે છે કે મને એ ભયંકર બનાવી દે છે! માનવમાત્રને સંહારવાનું મને મન થઇ જાય છે! સંહાર – સંહાર – નાશ – ખંડેર... મારા અણુએ અણુમાં આ વાત ભરી છે. નરશોણિતની ઉપાસનાથી મેં એ સિદ્ધ કરી છે. માનવદ્રોહે મને એ શીખવી છે. હવે એ ભૂલી ન ભૂલાય. શું કરું? કોને કહું? ક્યાં જાઉં? મને કોણ વશ કરે? કોણ વશ કરી શકે? કોની તાકાત છે કે મારામાં રહેલા આ લોહીતરસ્યાને મુક્ત કરી શકે? એટલે મારે સંહાર જ કરવો રહ્યો અને સંહારમાં જ આનંદ લેવો રહ્યો!’

‘બાબરા!’ પિંગલિકાનો મધુર અવાજ સાંભળીને જયસિંહદેવ પણ એક ઘડીભર ચકિત થઇ ગયો. આટલો કોમળ અવાજ એણે કઢી પણ સાંભળ્યો ન હતો: ‘મને ખબર છે, મને ખબર છે! તારામાં બે સત્વ વસે છે. તું માનવ છે, તું જંગલી પણ છે. પણ હું તારું પડખું કદી પણ તાજનાર નથી. પણ હવે તો આ જગદેવ પરમાર આવે છે!’

‘જગદેવ આવીને મને શું કરવાનો હતો, પિંગલિકા? બાબરા સામે કોઈ ફાવી જાય એ વાતમાં કાંઈ માલ નથી, વર્ષો સુધી જેણે માંસથી મા ભવાનીને આરાધ્યાં છે એ શું એક જગદેવથી ડરશે? જગદેવ કોણ છે?’

બર્બરકનો અવાજ એટલું બોલતામાં ફરી ગયો હતો.

‘માની તારા ઉપર રખેવાળી હશે, પણ, બાબરા, કે’ છે, પરમારને તો માએ સ્વહસ્તે અજિતાસિદ્ધિનું અણમોલ કંકણ પહેરાવ્યું છે તેનું શું?’

બર્બરક એક મોટું હાસ્ય હસી પડ્યો: ‘અરે! અજિતાસિદ્ધિનું કંકણ – અને મા સ્વહસ્તે જેને પહેરાવે એ પહેરનારો તો શું, એ જોનારો પણ અજિત થઇ જાય છે!

જયસિંહદેવ મુંજાલ પાસે સર્યો. તેણે બહુ જ ધીમેથી કહ્યું: ‘મુંજાલ! બાબરાનો શબ્દેશબ્દ હવે પકડજે હોં!’

‘મહારાજ!’... મુંજાલ જયસિંહદેવના શબ્દમાં રહેલી ઉત્સુકતા જોઈ ભય પામ્યો. એને લાગ્યું કે નક્કી રાજા ક્યાંક વહેલો ઘા કરી બેસશે. અને આ બર્બરક ભયંકર છે. એની સામે કોઈ બળ કામ કરી શકે તેમ નથી. 

‘અને છતાં એને વર્યું હોય – આ રા’ નવઘણના ચંદ્રચૂડને વર્યું છે તેમ...’

‘અરે! તમે ચંદ્રચૂડને મફતનો મોટો માન્યો છે. એને કંકણવર્યું નથી, માએ પહેરાવ્યું નથી. એણે તો માને નામે પોતે પહેર્યું છે. જગદેવને વર્યું હશે તો જોઈ લેવાશે. બાકી જુદ્ધમાં ડરીને હું ભાગું તો-તો મારી મા મને નકારે. અને જયસિંહદેવ આવે છે – તો ભલે ને એ આવે ને ભલે સૈન્ય લાવે! એનાંથી કોણ ડરે છે?’

‘બાબરા! રાજા જયસિંહદેવ પોતે પણ જબરો ઉપાસક છે, હોં! મેં પાટણમાં કાનોકાન સાંભળ્યું છે: એને પણ કહે છે કે અજિતાસિદ્ધિનું કંકણ વર્યું છે!’

બાબરો હસી પડ્યો: ‘અરે! ગાંડી! એમ તે કાંઈ વસ્તુ રસ્તામાં પડી છે તે બધાને વરે? તો-તો બધા અજિત જ થઇ જાય. અજિતાસિદ્ધિ કંકણ તારા જયસિંહદેવને વારે તો શું – એને એના દર્શન પણ ન મળે! એ જોવા મળે તોય એ અજિત થઇ જાય. માનું કંકણ જોનારો હજી સુધી તો કોઈ જીવતો ગયો મેં જાણ્યો નથી. તું કહે છે તેમ જગદેવ કંકણ પહેરનારો હોય તો ભલે, બાકી તો કોઈ મેં સાંભળ્યો નથી! એ વસ્તુ કાંઈ એમ વગડામાં પડી નથી, કે ગમે તે ઉપાડી લ્યે!’

‘જોનારો જીવતો જાય નહિ, એમ? તેં શું કીધું?’ પિંગલિકા બોલી.

જયદેવ મુંજાલની પાસે વધારે નજીક સર્યો; ધીમેથી એક કાનમાં કહ્યું: ‘મુંજાલ! હવે તો દરેકેદરેક અક્ષર પકડવાનો છે હોં!’

મુંજાલને કાંઈ સમજણ પડી નહિ. પણ જયદેવના કાનમાં રહેલી આતુરતાએ એને વિચાર કરતો મૂક્યો. જયદેવ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

‘જીવતો ક્યાંથી જાય?’ બાબરો બોલ્યો, ‘છાતી ન હોય પણ નર્યું વજ્જર હોય એવો કોઈક જ માનું એવું ચંડિકા રૂપ પળ-બે-પણ માંડ જીરવી શકે! એવું લોહ કોની છાતીમાં ભર્યું હોય? એવો કોઈક જ નરપુંગવ નીકળે, જે નિર્ભય રહીને માનું રૂપ જોઈ શકે. એ આપણને મારી જોય તોય આપણું નાક રહે! બાકી બીજા તો ભલે ને ફીફાં ખંડ્યા કરે! સેનાપતિ શું, સેનાપતિનો બાપ કેમ નથી આવતો! ગોફણમાંથી છૂટતા ગડગડિયાના વરસાદે કૈકના સાંધા ઢીલા કરી નાખ્યા છે. જયસિંહદેવ પોતે પણ આવીને શું કરવાનો હતો? આપણી કરામત જ ન્યારી છે. ગોફણિયાનો વરસાદ પડતાં જ સૈનિકો ભાગી જાશે!’

‘પણ, ભૂંડા! ત્યારે આ વાત મૂક ને! તને આટલી વિદ્યા વરી છે. તો એમાંથી જ નામના કરી લે ને! કાલ પછી તો જગદેવ આવ્યો હશે!’

‘પણ તે પહેલાં તો સૌને ભરખી લેવા છે તેનું શું? કાલે સવારે તો કોઈ જીવતો જ નહિ હોય! આજની રાત જાય. એટલે કાલથી હું અમર!’

જયદેવ વિચાર કરી રહ્યો. તેણે કાંઇક નિશ્ચય પણ કરી લીધો. થોડીવારમાં તો ત્યાં બાબરાના મુખ્ય માણસો આવી પહોંચ્યા. એક પ્રહર રાત્રિ બાકી રહે ત્યારે રુદ્રમહાલય ઉપર તૂટી પડવું એવો નિશ્ચય થઇ ચૂક્યો. થળમાં જળ ને જળમાં થળ કરી દેવું. પછી લાગે જે જગદેવ આવ્યો છે તો જોઈ લેવાશે. આજે રાતે બાબરો ઉપાસનામાં બેસવાનો. પછી એ પોતાનો નિર્ણય બાંધશે. પણ રુદ્રમહાલય ઉપર તો પાછલે પહોરે તૂટી પડવું!

નિશ્ચય થઇ ગયો. થોડી વારમાં સૌ વેરાઈ ગયા. એ નિશ્ચય જયદેવને વિચાર કરતો કરી મૂક્યો. પાછા ફરતાં આખે રસ્તે કોઈ કાંઈ બોલ્યું નહિ. જયસિંહદેવ ગંભીર બની ગયો હતો. મુંજાલ એ અનુભવી રહ્યો. સૈન્યના પડાવ પાસે પહોંચ્યા કે જયદેવ ઊભો રહી ગયો: ‘મુંજાલ! કેશવને કહેવરાવો, સૈન્ય તૈયાર કરે. આપણે હમણાંથી જ રુદ્રમહાલયના સાંનિધ્યમાં ગોઠવાઈ જઈએ! સવારે તો આપણે હલ્લો કરવો છે!’

‘પણ પ્રભુ... બર્બરકની વાત આપણે ન સાંભળી? એ જગદેવથી ધ્રૂજતો લાગે છે. જગદેવને બોલાવવા હમણાં જ બીજો સાંઢણીસવાર મોકલીએ.’

‘હા, એક મોકલો. પણ આપણે એકે પળ ગુમાવવી નથી.’ જયદેવ દ્રઢતાથી બોલી રહ્યો હતો. ‘જગદેવ આવશે ત્યાં તો, ભગવાન સોમનાથ કરશે તો, વિજયોત્સવનો શંખનાદ થતો હશે!’

મુંજાલને કાંઈ સમજણ પડી નહિ. રાજાની નિર્ભયતાએ એને છક કરી દીધો અને બીજી બાજુ એને વ્યગ્ર પણ કરી દીધો. રાજા હઠે તો નથી ચડ્યો નાં? પણ હવે તેઓ નિર્ણય ફરે તેમ ન લાગ્યું.

અને એમ જ થયું. પ્રભાતના ચારની સુમારે આખું સિદ્ધપુર હાલકડોલક થઇ ઊઠ્યું. ક્યાંકને કોઈને ક્યાંય એમ બર્બરકના સૈનિકો સૌ સૂતેલા વિદ્યાર્થીઓને આડાઅવળા ફેંકી આવ્યા હતાં. ગામ-આખું ત્રાહિ ત્રાહિ પોકારી ગયું. બર્બરક પોતાના જંગલી સાથીઓ સાથે તૂટી પડ્યો હતો. ઠેરઠેર એમણે નાશનું તાંડવ શરુ કર્યું હતું. ‘જગદેવ પરમાર! જગદેવ પરમાર! એ આવ્યા કે નહિ?’ એના નામનો પોકાર બધે પડી રહ્યો હતો. એટલામાં સૈનિકોની તૈયારીના શંખનાદ સંભળાવા લાગ્યાં. રણભેરી ગઈ ઊઠી. ઝાંઝ, પખાલ, ઢોલ, ત્રાંસા, વાજિંત્રો એકીસાથે ગર્જી ઊઠ્યા. સૌના મનમાં ધરપત આવી. જગદેવ પરમાર આવ્યો હોવો જોઈએ. લોકો ઘેરઘેરથી જોવા નીકળી પડ્યા. એક હજાર ઘોડેસવારનું જબરજસ્ત અશ્વદળ એમની નજરે ચડ્યું. એની મોખરે કેશવ હતો. એની પડખે એમણે મુંજાલ મંત્રીને દીઠા. એટલામાં તો સૈનિકોથી વીંટાયેલો મહારાજનો કોટિધ્વજ દેખાયો. બધે ઉત્સાહ વ્યાપી ગયો. એક મહાન ગગનભેદી ઘોષ જાગ્યો: ‘મહારાજ જયસિંહદેવનો જય!’ લોકોમાં ઠેરઠેર વાત ફેલાઈ ગઈ. જગદેવ નથી આવ્યો, મહારાજ પોતે જ આવ્યા હતા. કેટલાકને નવાઈ લાગી. કેટલાકને સાહસ લાગ્યું. કેટલાકને ભય લાગ્યો. કેટલાકને ક્ષોભ થયો. પણ સિદ્ધપુર આખું વીંધીને અશ્વદળ આગળ વધ્યું. બર્બરકના સૈનિકો ભયંકર ચિચિયારીઓ કરતા આમતેમ ઘૂમી રહ્યા હતા. ઠેરઠેર પથરાનો વરસાદ પડતો હતો. અગ્નિના ગોળા જેવા સળગતા પદાર્થો આકાશમાંથી ખરતા હતા. ઝેરી ડંખીલા તીરો આવતાં હતાં. જયદેવે બર્બરકનો પાછળનો રસ્તો રોકવા માટે પહેલવહેલાં મુંજાલને એ તરફ મોકલી દીધો. કેશવને પડખેથી હુમલો કરવાની આજ્ઞા આપી. પોતે એની સામે સૈન્યને દોર્યું. એમ ને એમ મોં સૂઝે એવું થયું. યુદ્ધ હજી ગર્જી રહ્યું હતું. 

અજવાળું થતાં જ બર્બરકના ભયંકર, કાળા, ધીંગા, મજબૂત સૈનિકો ગોફણે ચડાવીચડાવીને પથરાઓ ફેંકતા દેખાયા. તીર, ભાલા, તલવાર ને ગદા  કરતાં પણ એમના ગોફણિયામાં વધારે સંહારશક્તિ હતી. એમની વચ્ચે મોટો, કાળો, તાડના ત્રીજા ભાગ જેવડો, મર્કટી યંત્ર જેવા એક યંત્ર પાસે ઊભોઊભો બર્બરક સેંકડો ને હજારો ગડગડિયાનો જાણે વરસાદ વરસાવી રહ્યો હતો. જ્યાં એ પથરા પડતા ત્યાં કોઈનું માથું ફૂટતું, કોઈના કાન તૂટતા. કોઈની ખોપરી ભાંગતી, કોઈનું ભાન જાતું. લોહીની તો જાણે ધારા વહેતી. સેંકડો સૈનિકો રુધિરમાં સ્નાન કરી રહ્યા હતા. બર્બરકનું યંત્ર ભયંકર હતું. એમાંથી આવતો પથરાઓનો વરસાદ અનેક સુભટોનાં માન હરી લેતો હતો. અનેક રણક્ષેત્ર છોડીને ભાગી રહ્યા હતા. મુંજાલ અકળાયો હતો. કેશવને આ વરસાદ રોકવાની ગતાગમ પડતી ન હતી. બર્બરકનું જોર વધતું જતું હતું. જયસિંહદેવને લાગ્યું કે બર્બરકને જ પડકારવો જોઈએ. તેણે પોતાનું તમામ સામર્થ્ય એ તરફ કેન્દ્રિત કર્યું, ગોફણિયા સામે એ આગળ વધ્યો. થોડી વારમાં જ બર્બરક એની દ્રષ્ટિએ પડ્યો. કોઈને લેખતો ન હોય તેમ એ પથરાઓ વરસાવી રહ્યો હતો. એનું જાડું, મજબૂત, કાળું, ઊંચું શરીર એને તમામ સૈનિકોથી જુદો પાડી દેતું હતું. તે યુદ્ધમાં એક્કો હતો. એના જબરજસ્ત કસાયેલા શરીરને પડખે બીજાનાં શરીર માયકાંગલા લાગતાં હતાં. એને આખે શરીરે જાડા, કાળા, ટૂંકા વાળ હતા. એની ચામડી મજબૂત ને જાડી હતી. છેટેથી ચામડીમાં એ કોઈ રાની પશુ જેવો લાગતો હતો એની ભયંકર પીળી આંખોમાંથી જાણે અગ્નિ ઝરતો હતો. એના હાથ ને પગ એટલા લાંબા ને મોટા હતા કે તે ઘણે દૂરથી પણ પોતાના દુશ્મનને પકડીને પોતાની હડફેટમાં ઉપાડી લેતો હતો. તેનું વાંકું કાળું નાક અને મોટા ઊભા કાન એને વધારે ભયંકરતા અર્પતાં હતાં. તે ચાલતો ત્યારે જાણે કોઈ ભયાનક કાળો પડછાયો ચાલતો હોય તેમ લાગતું. સૈન્ય ત્રાસીને એનાથી નાસી જતું. એ અવાજ કરતો ને એકીસાથે વાદળમાંથી સેંકડો ગડગડાટ થતા હોય તેમ લાગતું. તેણે એક મોટો પથરો ઉપાડ્યો, જયસિંહદેવ ઉપર જે એ ફેંક્યો. જયદેવે ઘોડાને એવી તો ત્વરિત ગતિથી ફેરવી લીધો હતો કે સૂસવાટો કરતો પથરો એની પાસેથી ચાલ્યો જઈને પાછળ પડ્યો. એક સૈનિક ઊંધે કાંધ ફેંકાઈ ગયો. બીજા બે-ચાર ચત્તા પડી ગયા. નાસભાગ શરુ થાય તેમ લાગ્યું. જયદેવ એક ક્ષણ પણ ગુમાવ્યા વિના સીધો બર્બરક ઉપર જ ગયો. એને આવતો જોઇને બર્બરક યંત્ર તજી એની સામે પગપાળો દોડ્યો. એને પગપાળો આવતો જોઇને જયદેવ ઘોડા ઉપરથી નીચે કૂદ્યો. બધે ભય વ્યાપી ગયો. પણ બર્બરક સમીપ આવતાં જ મહારાજે વીજળીની ત્વરાથી પહેલ કરી. એક ઊંચો કૂદકો લઈને, બે હાથે ઝાલીને, ગદાની જેમ એણે એની ભયંકર તલવાર બર્બરકના માથા ઉપર જ ઝીંકી! પણ લોહ સાથે અફળાણી હોય તેમ તલવારના બે કટકા થઇ ગયા. કાંઈ ન હોય તેમ બર્બરક ખડખડાટ હસી પડ્યો. એના હાસ્યનો પડધો સાંભળીને કેટલાંય ઘોડાં ભડકીને સવારોને ફેંકી દઈને ભાગ્યાં. લેશ પણ ક્ષોભ પામ્યાં વિના કે અટક્યા વિના જયસિંહદેવ અચાનક બર્બરક ઉપર જ તૂટી પડ્યો. તેની સાથે સડાસડ અવાજ કરતા હાથથી ભયંકર યુદ્ધ શરુ થયું. બંને સામસામા આવી ગયા. વજ્રના મુઠીપ્રહારથી એકબીજાને ભાંગી નાખવા પ્રયત્ન કરવા માંડ્યા. બર્બરકને પોતાના બળનો પૂરો વિશ્વાસ હતો. એની એક મૂઠી વાગતાં પથરાનો સ્તંભ તૂટી જતો એણે જોયો હતો. પણ એને આશ્ચર્ય થયું – જયસિંહદેવનું શરીર નર્યા લોહનું હોય તેમ એનો પ્રહાર ઝીલતું ને પ્રહાર આપતું અડગ, નિશ્ચલ ને અક્ષુબ્ધ ઊભું રહ્યું. દિવસો સુધી જયસિંહદેવે પોતે જે વિદ્યાની ઉપાસના કરી હતી – મલ્લવિદ્યા – એ અત્યારે એને પૂરેપૂરી ફળી. એણે દાવપેચ ને યુક્તિપ્રયોગ શરુ કર્યા. સામે ખડક હતો. આ તરફ વીજળીનો જાણે ઝપાટો હતો. ખડક ઉપર ભયંકર કડાકા સાથે વીજળીનો વેગ જાણે અથડાયો. 

જયદેવ છેક એની સામે જોતાં મુંજાલનાં ઘરણ મરી ગયાં. એને જાણ્યું કે પોતે ભયંકર સાહસ કર્યું છે. તે ચારે તરફ જોવા લાગ્યો: ક્યાંય ત્રિભુવન કે જગદેવ દેખાતા ન હતા. હજી કોઈ આવતું ન હતું, વખત બારીક હતો. પળેપળ કીમતી હતી. તે પોતે એકલો આગળ દોડ્યો.

એટલામાં કેશવના સૈનિકોએ બર્બરકના સૈનિકોને છિન્નભિન્ન કરીને મહારાજ જયદેવની શરીરસુરક્ષા કરવા માટે મહાભગીરથ પ્રયત્ન આરંભ્યો હતો. એને શૂરાતન ચડ્યું. એ ઘાસની પેઠે જે આવે તેને કાપવા મંડ્યો. મહારાજ તરફ જવા માટે સૌ આગળ વધવા માંડ્યા.

ચારે તરફ હોહા થઇ રહી હતી. કોણ ક્યાં છે એ કળાતું ન હતું. ધૂળની ડમરીઓ ઊડતી હતી. ગોફણિયા આવી રહ્યા હતા. તીરોનો વરસાદ વરસતો હતો. બીજી બે ક્ષણ વીતી બર્બરકની બરાબર સામે દાવપેચમાં ઊભેલો જયદેવ સૌની દ્રષ્ટિએ પડ્યો. જયદેવ ને બર્બરક મુષ્ટિયુદ્ધ તજી દઈ બાથંબાથા ઉપર આવી ગયેલા દેખાયા. સૌના જીવમાં જીવ બેસી ગયો. પણ એટલામાં જયદેવે બર્બરકને પગની એવી તો ભયંકર આંટી વીજળીની ત્વરાથી લગાવી દીધી કે મોટું ઝાડ જેમ મૂળથી ઊખડીને નીચે પડે તેમ બર્બરક મોટા અવાજ સાથે નીચે દડી પડ્યો... એ પડ્યો કે જયદેવ એના શરીર ઉપર જ કૂદ્યો. એના ઉપર ચડી બેસીને એણે એને ભોં-સરસો એટલા તો જોરથી દબાવ્યો કે એની છાતીનાં હાડકાંની કડેડાટી બોલી ગઈ. આ દ્રશ્ય જોતાં બર્બરકના સૈનિકો ચીસો પાડી ઊઠ્યા. ભયંકર કિકિયારીઓ સાથે એકસામટો જયદેવ ઉપર હુમલો કરવા એમણે દોટ મૂકી.

એ જ વખતે ‘જય સોમનાથ’ની નવી ઘોષણા કાને આવી. મુંજાલે મારમાર કરતું પાટણનું સૈન્ય આવતું જોયું. એમની મોખરે સિંહનાદી ત્રિભુવનપાલનો અવાજ એણે સાંભળ્યો. એની પડખે જગદેવ પરમારનો ઘોડો પુરપાટ આ બાજુ આવી રહ્યો હતો. ‘જયસિંહદેવની જય’ની જબરજસ્ત ઘોષણાએ દુશ્મનોને ગભરાવી દીધા. જયસિંહદેવ તો એ કાંઈ જોતો કે સાંભળતો ન હતો. બર્બરકને શ્વાસ લેવાનો વખત જ એ આપતો ન હતો. એણે એને હણી નાખવા માટે પોતાની કમ્મર ઉપરની સોનાની સાંકળ ખેંચી અને એના ગળા ઉપર આડી નાખી બે હાથે બે છેડા પકડ્યા. બર્બરકે મૃત્યુમાંથી બચવા માટે મહાપ્રયત્ન કરીને એક ઊથલો માર્યો, પણ જયદેવ એના ઊથલા સાથે ઊંચો આવ્યો ને એટલા જ જોરથી નીચે પડતાં. એને પાછો દબાવી દીધો. કોઈ ભયંકર પાડાની જેમ હોય એવી બર્બરકની ચીસે આખી સેના ધ્રુજી ઊઠી. ઘડીભર સૌના હથીયાર જેમ હતાં તેમ રહી ગયા. ઘા મારવાની કે ઝીલવાની શક્તિ જ જાણે સૌની બહેર મારી ગઈ. જયદેવે સોનાની સાંકળ બાબરાના ગળા ઉપર આડી નાખી. છેડા બે હાથ નીચે લઈને દબાવવા શરુ કર્યા હતા. ને મરણની હોય તેવી બર્બરકની છેલ્લી ભયંકર ચીસ સંભળાણી – ને પછી એ એકદમ બંધ થઇ ગઈ. બર્બરક નિશ્ચેત થતો જતો હતો. જયદેવે સૈનિકોને દોરડાં લાવવા કહ્યું. એટલામાં હજારો તલવારના ખણખણાટ વચ્ચે થઈને એણે જંગલમાં સાંભળ્યો હતો એ રૂપેરી અવાજ સાંભળ્યો: ‘મહારાજ! એને છોડી દ્યો – એને છોડી દ્યો! હું એની વતી દયા માંગુ છું! એ એક જબરજસ્ત વિદ્યાનો ઉપાસક છે. મહારાજ એને પૃથ્વી શણગારવી છે – ને એ મહાશિલ્પી છે!’ 

જયદેવે પાછળ જોયું. સુંદર રંગબેરંગી પટોળામાં વીંટાયેલો એક નારીદેહ એની દ્રષ્ટિએ પડ્યો.

‘મહારાજ!’ પિંગલિકાએ પાલવ પાથર્યો હતો: ‘એના પ્રાણમાં હજી ઘણું સત્વ છે, એને બચાવો! એને બચાવો! એ તમને ઉપયોગી થશે. પ્રભુ! એને ઉગારો! એનામાં બે સત્વ વસી રહ્યાં છે!

એની ગુફા હજી તમે જોઈ નથી. નવ ખંડમાં ન હોય એવાં રત્નો એણે સંઘર્યા છે. એને છોડી દ્યો, મહારાજ! મેં એને વાર્યો હતો, પણ એણે માન્યું નહિ.’

‘છોડું, જો મહાકાલીના શપથ લે તો!’

‘મા મહાકાલીના શપથ લઉં, પ્રભુ!... હું એને માટે જવાબદાર! એ મહારાજનો મહાવિશ્વાસુ સેવક થશે. વચનભંગ થાય તો હું જ મહારાજને કહેવા આવું. એની પાસે અદભુત વિદ્યા છે!’

એટલામાં તો દોરડાં, દોરીઓ, સાંકળો લઈને સૈનિકો આવી પહોંચ્યા હતા. બાબરો મૂર્છાવશ થઇ ગયો હતો. જયસિંહદેવ એના ઉપરથી નીચે ઊતર્યો. થોડી વારમાં તો ત્રિભુવનપાલ ને જગદેવ બર્બરકના નાસતા અસંખ્ય સૈનિકોનો પીછો પકડીને ત્યાં આવી પહોંચ્યા હતા. એમણે બાબરાને સૂધબુધ વિનાનો પડેલો દીધો. ‘જય સોમનાથ!’ની ગગનભેદી રણઘોષણા આખા સૈન્યમાંથી ફરી ગાજી ઊઠી. બર્બરકને બાંધીને ગાડામાં નાખવાની તજવીજમાં સૈનિકો પડી ગયા. ત્રિભુવનનો હર્ષ ક્યાંય માતો ન હતો. એ જ વખતે ઉતાવળે ઉતાવળે આવતો એક ગજરાજ સૌને નજરે ચડ્યો.

મહારાણી મીનલદેવી પોતે આ બાજુ આવી રહ્યા હતા. ‘ત્રિભુવન! મા રહી શક્યા નહિ હો! તારી પાછળ આવ્યા છે. આ એમનો ગજરાજ આવતો લાગે છે. આપણે જ સામે ચાલો. આને પણ ઉપાડો.’

વિજયી સેનાના નાયક તરીકે પોતાને પુત્રને આવતો મીનલદેવી એક ક્ષણ નિહાળી રહી. એનો ગજરાજ અટકી ગયો.

પાછળ આઠ બળદથી ખેંચાતા મોટા ગાડામાં બેશુદ્ધ પડેલો બર્બરક હતો. સૈનિકો, સેનાપતિઓ, મંત્રીઓ સાથે આવી રહ્યા હતા. એણે એને જોયો. બર્બરકનું ભયંકર રૂપ જોતાં મીનલદેવીને કંપારી આવી ગઈ. એક ઘડીભર એ જયસિંહદેવ સામે જોઈ રહી. એની નજર સમક્ષ એણે વીર વિક્રમની મૂર્તિ સમો પોતાનો પુત્ર જોયો. તે પ્રેમભર્યા ગદગદ અવાજે માત્ર ‘જયદેવ!’ આટલું જ બોલી શકી.

જયદેવ બે હાથ જોડીને માતાને પ્રણમી રહ્યા. હવામાંથી ‘બર્બરકજિષ્ણુ’ નો જયઘોષ આવી રહ્યો હતો.

આ બધો સંઘ જ્યારે પાટણ પહોંચ્યો ત્યારે તો માનવીની મેદની ક્યાંય માતી ન હતી. બર્બરકને જોવા ઠેકઠેકાણેથી જનતા આવી હતી. એનું ભયંકર રૂપ જોઇને કેટલાક તો એ બંધનમાં હતો છતાં મૂર્છા પામી ગયા. મહારાજે પોતે દ્વન્દ્વયુદ્ધમાં બર્બરકને જીત્યો છે એ વાત આખા પાટણમાં કથાનો વિષય થઇ પડી. દિનપ્રતિદિન બર્બરકનું કૌતુક વધતું ગયું. જગદેવ એક રાતે મહારાજને મળ્યો.

‘મહારાજ! બર્બરકનું આ સ્થાન નથી. એમાં એની વિદ્યા નાશ પામશે. એને જાવા દ્યો – સરસ્વતીના કાંઠાના ગાઢ જંગલમાં જ્યાં એને ઠીક પડે ત્યાં!’

‘પણ પરમાર! એ પાછો ભાગી નહિ જાય?’

‘ભાગવાનું એને આવડે નહિ, પ્રભુ! એ એના સ્વભાવમાં નહિ. એણે કાં તો આપણને યુદ્ધમાં હણ્યાં હોત અથવા તો એ મર્યો હોત. હવે તો એ પોતાનું કામ પોતે કર્યા કરશે. એને બીજું કાંઈ નહિ સૂઝે. એને ખડકો, શિલાઓ, ટેકરો, ડુંગરાઓ, જંગલો એમાં ક્યાંક મૂકી દેવો ઘટે. આપણે સંભારીએ કે  તરત હાજર થઇ જાય એવી પ્રતિજ્ઞા લેવરાવીને એને જવા દેવો. આંહીં તો એની વિદ્યા કટાઈ જશે.’

તે જ રાતે જયદેવે બાબરાને ઠીક પડે ત્યાં સાંનિધ્યમાં રહેવા જવાની છૂટ આપી.

સરસ્વતીના સ્મશાની જળ ઉપરના ભયંકર જંગલમાં બર્બરક અદ્રશ્ય થઇ ગયો. એની સાથે પિંગલિકા પણ ગઈ. જંગલમાં પથ્થરની મૂર્તિ હોય તેવો એ શાંત બેઠેલો દેખાતો. પથરાઓમાંથી કમળો, પંખીઓ, હાથીઓ, માનવો – એની કલ્પનાને રૂચે એવા આકારો એ રચતો. એ આકારો પાછા તોડી-ફોડી, ફેંદી-ફેંકી દઈ, એ સ્વચ્છંદ વિહાર કરવા ચાલ્યો જતો; વળી આવતો, વળી રચનાઓ કરતો.

દેશભરમાં એની વિચિત્રતાની વાતો ચાલી. એને વશ કરનાર જયસિંહની પણ વાતો ચાલી. કવિની પ્રશસ્તિમાં ‘બર્બરકજિષ્ણુ’નો જશ ગવાયો, તો કોઈના કંઠમાંથી જયસિંહની સિદ્ધરાજનું નામ આપીને વણેલી યશકથા સંભળાવા માંડી. પાટણની પોળેપોળ કેશવ વ્યાસની કંઠકથાથી ગાજી ઊઠી.

ત્યારથી બર્બરકજિષ્ણુ જયસિંહ સિદ્ધરાજે લોકકલ્પનામાં પોતાનું એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. એ મહાશક્તિશાળી ગણાવા માંડ્યો. એ અજેય ગણાવા માંડ્યો.