Barbrakjishnu - Jaisingh Siddhraj - 17 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

૧૭

જયદેવ રા’નવઘણની પછવાડે પડ્યો

‘કેશવ! આ તો ભારે થઇ! રા’ ઘા કરી ગયા? આપણું નાક એમને વાઢી નાખ્યું! પાટણમાંથી હાથતાળી દઈને રા’ ભાગી જાય – એ તો હદ થઇ ગઈ! આ ગયો ખર્પરક, એ જબરો ઉઠાવગીર લાગે છે! એની વાત હવે અત્યારે તો કરવાનો વખત જ નથી, કારણ કે પળેપળે રા’ની ને આપણી વચ્ચે છેટું પડતું જાય છે. હવે તું આ જ ક્ષણે આંહીંથી જ સીધો સિદ્ધપુર જા. પૃથ્વીભટ્ટ! ત્રિભુવનને ખબર કરી દે... પાટણના દરવાજામાં પણ જાવાનું મારે કામ નથી. નાગવેલને પહોંચવાનો બીજો કોઈ રસ્તો જ નથી... કેશવ! તમે હવે એને પહોંચી રહ્યા. રા’ નાગવેલ ઉપર એકલો ભાગ્યો છે. જોઈએ. તમને કહ્યું તે પ્રમાણે કરો. આ જ ક્ષણે... બીજો ઉપાય નથી. આ એક જ ઉપાય છે... જાઓ!’

જયદેવે એક સહજ, પોતાની વિશિષ્ટ પ્રકારની પગની કાંઇક ઈશારત કોટિધ્વજને કરી લાગી. બીજી ક્ષણે હજી તો કેશવ મહારાજની વાતનું પૂરું રહસ્ય પણ જાણે તે પહેલાં કોટિધ્વજ ઊડ્યો. એક ક્ષણમાં તો સવાર ને ઘોડો ઊપડી ગયા. ‘એ જાય!’ એટલું કહ્યું-ન-કહ્યું ત્યાં તો અદ્રશ્ય થઇ ગયા. કેશવ શૂન્ય આંખે પૃથ્વીભટ્ટ તરફ જોઈ રહ્યો: ‘હવે! ભટ્ટજી! મેં તો કીધું, મહારાજ સૈન્ય લેશે. ઝડપી સાંઢણી શોધશે... પણ આ તો ઊપડી ગયા! હવે આ વાત કોને કહીશું?’

‘પ્રભુ!’ પૃથ્વીભટ્ટે જયદેવને આખી રાત ભયંકર રાત બહાર રખડતા જોયા હતા. એને લાગ્યું હતું કે જયદેવમાં કાંઇક એવું છે, જે બીજા હજારો ને લાખોમાં નથી, એટલે એને આમાં કાંઈ નવાઈ ન લાગી. ‘પ્રભુ! તમે સીધા સિદ્ધપુર ઊપડો – મહારાજે કહ્યું છે તે પ્રમાણે. તે વિના મહારાજની અને તમારા સૈન્યની વચ્ચે મેળ જ નહિ મળે. રા’ને મહારાજ ભીડવશે જ કે વખતે દ્વન્દ્વયુદ્ધ થશે.’

‘પણ ચંદ્રચૂડ ત્યાં આવી પહોંચ્યો હશે તો?’

‘એ વાત દંડનાયકજીને હું કરું છું, પ્રભુ! દંડનાયકજી ચંદ્રચૂડના મારગને વચ્ચેથી કાપવા માટે ઊપડે... કાં તો ભેટો થઇ જાય છે!’

‘બસ ત્યારે... મારે હવે એક પળ ગુમાવવી પોસાય તેમ નથી.’

કેશવે પણ સિદ્ધપુરને માર્ગે પાછી પોતાની સાંઢણીને ખંખેરી મૂકી.

જયદેવે ધાર્યું હતું તેમ જ થયું. કોટિધ્વજ સાથે એકલા તાત્કાલિક ઊપડી જવા સિવાય રા’નો ભેટો કરી લેવાનો બીજો કોઈ માર્ગ જ ન હતો. એમ થાય તો રા’ એકલો જ મળી જાય.

પાટણથી એકલા ઊપડેલા જયસિંહદેવે સીધો વાગડનો પંથ પકડ્યો.

એણે કોટિધ્વજને મારી મૂક્યો. નવઘણ સીધો વાગડપંથે પડ્યો હોય તો સાંજ સુધીમાં પણ એનો ક્યાંક ભેટો થઇ જાય. જયદેવે ઝડપ વધારી મૂકી.

એ જેમજેમ આગળ વધતો ગયો તેમતેમ એની ચિંતા વધવા માંડી... હજી સુધી નવઘણના કોઈ વાવડ મળ્યા ન હતા. મુંજપુર છોડ્યું. પાસેની એક વાડીએ જરાક પ્રાત:કાળ આટોપવા તે થોભ્યો. ત્યાં એને પહેલવહેલા સમાચાર મળ્યાં કે મારમાર કરતો એક સાંઢણી સવાર આહીંથી રણને પંથે ઊપડ્યો છે. જયદેવે પણ માર્ગ બદલ્યો. એ રા’ની જુક્તિ કળી ગયો. નાગવેલને પહોંચે એવી કોઈ સાંઢણી નથી એ એનો ગર્વ હતો. રણમાં તો પોતે નાગવેલ ઉપર હોય, એટલે જાણે આકાશી વિમાનની પાંખ ઉપર બેઠો. મધરણમાં પહોંચે એ પહેલાં જો રા’ પકડાય તો જ પકડાય, નહિતર થઇ રહ્યું. વાડીવાળા પાસેથી જયદેવે કટકબટક ખાધું-ન-ખાધું ને એણે તરત કોટિધ્વજને પાછો ઉપાડી મૂક્યો.

જૂનાગઢની પ્રતિષ્ઠા ને પાટણની પ્રતિષ્ઠાની સ્પર્ધા મંડાણી હતી. રા’ની નાગવેલ આગળ ધપી રહી હતી. કોટિધ્વજ પુરપાટ પાછળ પડ્યો હતો.

બપોર થયા. આકાશમાંથી લૂ વરસવા માંડી. જાણે અગ્નિ, અગ્નિને અગ્નિ ચારે તરફ પ્રગટ્યો. પૂર્વ દિશામાં બપોર ઢળ્યે કાળી વાદળી મંડાણી. જાણે સાંજ પહેલાં જળબંબાકાર થઇ જશે એવા ચિહ્નો પ્રગટ્યાં. મુંજપરથી ઊપડેલો જયસિંહ પંચાસર છોડી આગળ વધ્યો હતો. રા’એ અનુભવી યોદ્ધાની દ્રષ્ટિએ પોતાનો માર્ગ પકડ્યો હતો. આગળ આવતા રેતાળ પંથકમાં સાંઢણી સિવાય બીજું કોઈ પ્રાણી ફાવે તેમ ન હતું. 

જયસિંહે ઉતાવળે-ઉતાવળે રેતાળ પંથ પણ કાપવા માંડ્યો. હવે તો સ્પષ્ટ રીતે રા’નો આ પંથ જ છે એ નક્કી થયું. દોડતી સાંઢણીના ઝડપી પગલાંની એક મોટી લિપીમાળા સામેના રણમાં સ્પષ્ટ દેખાતી હતી. જયસિંહે એ પગલે કોટિધ્વજને લીધો.

રા’નો વિચાર કચ્છના રણને કાંઠેકાંઠે થઇ વર્ધમાનપુરનો માર્ગ પકડી લેવાનો હતો. રણમાં એને નાગવેલ ઝપાટાબંધ ઉપાડી જાય ને પોતે વર્ધમાનપુર પહોંચે પછી તો જોઈ લેવાશે. પછી તો સામે મોંએ જુદ્ધ વિના કોણ ગગો એને અડકી જવાનો છે? ને નળબાવળીમાંથી ઊપડેલું ચંદ્રચૂડનું સેન એને ક્યાંક ને ક્યાંક પંચાલને માર્ગે ભેટી જાવાનું. વર્ધમાનપુર છોડીને એ સીધો પંચાલને પંથે ચડવાનો. રા’નો આ માર્ગ જયસિંહે પોતાના મનમાં ઉતારી લીધો. કચ્છના મધરણ-પંથને એ સ્પર્શી જાય તે પહેલાં જ રા’ને પહોંચવું રહ્યું.

સાંજ નમવા માંડી હતી. ચારે તરફ વાદળાં ઘેરાતાં હતાં. આગલે દિવસે વરસાદ પડી ગયાનાં ચિહ્નો દેખાવા માંડ્યાં. જયસિંહ પોતાનો માર્ગ સાવચેતીથી ને ઉતાવળથી કાપી રહ્યો. તેણે કોટિધ્વજની ઝડપ વધારી. ઘોડો સમજી ગયો હોય તેમ એણે વેગ પકડ્યો. જાળના ઝાડઝુંડમાંથી એણે પોતાનો માર્ગ કાપ્યો. થોડી વારમાં સામે મેદાન દેખાયું અને મેદાનમાં પંખિણીની માફક ઊડતી નાગવેલ એની નજરે ચડી. તે મનમાં ને મનમાં ડોલી ઊઠ્યો. પણ બીજી જ ક્ષણે પળેપળની કિંમત સમજી ગયો. મેદાન વટાવે એટલે રા’ રણનો રાજા હતો. ઘોડાને એનું છેલ્લું સામર્થ્ય અજમાવી લેવાનું સૂચન કરતો હોય તેમ ડોક ઉપર એણે જરાક હાથ પંપાળ્યો.

રા’ને ગંધ આવી ગઈ લાગી. તેણે પંખિણીને ઉડાડી. આકાશી હવામાં તરતી સમળીની માફક એની ચાલે ઝડપ વધારી. પોતે શરત જીત્યો છે એની રા’ને ખાતરી થઇ ગઈ. મેદાન આ આવ્યું, આ વટાવ્યું ને હમણાં રેતીનો મહાસાગર દેખાશે! તેણે પછવાડે હાથ હલાવીને જયદેવને ટોકરી વગાડવાનું કહી દીધું! જયદેવ પરિસ્થિતિની કળી ગયો હતો..

બંને વચ્ચે શરત જામી. ટેકરી, ડુંગર, જાળ, ઝાંખરાંમાં ઘડીભર તેઓ ખોવાઈ જતા, પાછા પ્રકટ થતા. ઘડીમાં નજીક દેખાતા, એક પળમાં દૂર પડતાં,પણ બરાબર પગલેપગલાનો હિસાબ રાખતા જતા હતા. મેદાનનો હવે અંત આવી રહ્યો હતો. સવાલ માત્ર બે-ચાર પળનો હતો. વચ્ચે એક ભૂખ જેવા તળાવડાની પાળ દેખાતી હતી. એ પાળ વટાવે એટલે વિશાળ રણનો પટ. રા’એ ઝડપ કરી. જયદેવે ઝડપ વધારી.

રા’એ નાગવેલને તળાવડા ઉપર હંકારી.

પણ એ પાળ ઉપર આવ્યો, સામે જોયું અને એના એનાં ગાત્ર ઢીલાં થઇ ગયાં. ‘ઓત્તારીની! આ તો ભારે થઇ!’

‘રાણંગ!’ રા’એ કહ્યું, ‘આ તો ભૂખડીબારશ જેવું તળાવડું જળબંબાકાર થઇ ગયું લાગે છે! ભારે થઇ! બે-ચાર દીમાં વરસાદ પડી ગયો લાગે છે! હવે?’

‘વરસાદે તો ઘાણ કાઢ્યો, પ્રભુ!’      

‘હવે લ્યો ચકરાવો ત્યારે...’

‘બીજો મારગ ન મળે... એ તો મૂઆ નહિ ને પાછા થયા. હવે તો આવ્યા એ માર્ગે પાછા જઈએ ત્યારે!’

જયદેવના ઘોડાના દાબડા નજીક આવતા સંભળાતા હતા.

‘ઠીક ત્યારે, કરો કંકુના! કેટલુંક પાણી હશે?’

‘પાણી તો ગોઠવણ સમું... પણ ફસકાણી તો?’

‘કોણ – નાગવેલ? મા ભવાની જેવી રખેવાળી છે. રાણંગ! તળાવડું પાર થાય તો પછી આપણે રાતના રાજા પછી છોકરો ભલે વાંસે દોડ્યો આવે. આ દાબડા એના જ સંભળાય છે. કે’ને બિચારાને કે હવે પાછો વળ પાછો! મા ઘેર રાહ જોતાં હશે! આ છોકરો પાછળ આવી રહ્યો છે પાછળ એને રાણંગ, રણમાં તળ રાખી લેવાનો ભારે લગ પણ છે. તળાવડું પાર થાય એટલે પછી ગગો આપણને પહોંચી રિયો. પછી તો રેતી જ રેતી છે. ભલે ધોડ્યો આવે. મોકો જોઇને ઘા કરશું. ભલે એય જોતો રે’. જે મા ભવાની!’ રા’એ બે હાથે પોતાની ધોળી દાઢી સરખી કરી.

રા’ની નાગવેલ તળાવડામાં ઊતરી. ધીમીધીમે તળાવડું પર થઇ જવા આવ્યું. નાગવેલ સહીસલામત સામા કાંઠા સુધી પહોંચી જતી દેખાઈ. જયદેવનો જીવ જીવમાં બેસી ગયો. સામે તો પછી ભયંકર રેતીનું મેદાન હતું. રાત જેવું ધાબું હતું. રા’ જેવો દુશ્મન હતો. પંખિણી જેવી સાંઢણી હતી. ઘોડો હવે પહોચી વળે એ અશક્ય હતું. રા’ને મળવાનો મોકો હરપળે ચાલ્યો જતો હતો. રા’ ધરાર નાક કાપીને ભાગી જતો હતો. જયદેવનો જીવ ઊકળી આવ્યો. 

પણ એટલામાં બરાબર સામે કાંઠે પહોંચતાં જ એક મોટો ધબાકો થયો.

જયદેવ જોઈ રહ્યો. ચીકણી માટીમાં સરરર કરતો નાગવેલનો આગલો પગ સરકી ગયો હતો. તેણે તેને ધબ દહીને નીચે ઢળતી દીઠી. પણ પડતાંપડતાં તેણે એક એવો ઝોક લીધો કે રા’ કૂદીને સામે કાંઠે જઈ શકે. રા’ સામે કાંઠે પડ્યો હતો, પણ નાગવેલ ફસાઈને નીચે પડી. રાણંગ આગળ ઊડી ગયો. જયદેવે એ જોયું. તેણે રા’ને પડકાર્યો: ‘નવઘણજી! હવે હિસાબ આંહીં જ પતાવી લઈએ! થોભો, થોભો, રણનો કાંઠો છે. રાત જેવું ધાબું છે. આવો મોકો ફરી નહિ મળે. આ તો પંચાસરની ભોમકા કહેવાય. હવે થોભો! જુદ્ધ આપીને જ હવે તો જજો!’

રા’એ વિષાદભર્યો  ઉત્તર વળ્યો: ‘આવો, જેસંગભા! આવો! આપણો ભેટો આંહીં નિર્માયો લાગે છે. તમતમારે તળાવડામાં થઈને હાલ્યા આવો!’

એ જ વખતે જયદેવે પોતાની પાછળ કોઈનો અવાજ સાંભળ્યો ને એ થંભી ગયો. ત્રિભુવનપાલ મારમાર કરતો પાછળ આવી પહોંચ્યો હતો. તેની સાથે કેટલાક ઘોડેસવારનું જૂથ હતું. 

રા’એ નવા આવનારાને જોયા. એના પેટમાં ધ્રાસકો પડ્યો. બાજી હાથમાંથી ગઈ હતી. પણ તેણે શાંતિથી જયદેવને આવતો જોયો. તે પોતે નાગવેલની પાસે પહોંચી ગયો. સામાન્ય પ્રસંગે એ ફસડાઈ પડી હોત તો સવાલ જુદો હતો. આજ તો રા’નું માથું વઢાઈ ગયું હતું. તેણે નાગવેલને નિહાળી. લાંબીયત અચેતન જેવી એ પડી હતી. રા’એ પ્રેમથી નાગવેલના ગળા ઉપર હાથ ફેરવ્યો: ‘બાપ! નાગવેલ મહારાણી! બાપ!’

પણ નાગવેલમાં ચેતન ઘટતું હતું. લાંબી ભયંકર મુસાફરી પછી એકદમ થયેલો ધુબાકો એને મરણતોલ ફટકો મારી ગયો હતો. પણ તેણે રા’નો અવાજ પારખ્યો. ‘બાપ! મહારાણી! નવસોરઠની રાણી! નાગવેલ બાપ!’

રા’ના અવાજનો પ્રેમનો રણકો જીવનભરના આ વિશ્વાસુ પ્રાણીની ચેતનાએ જાણે પકડી લીધો લાગ્યો. જીવન-મૃત્યુ વચ્ચે ઝોકાં લેતા જંગમાં એના સ્પર્શે એણે જરાક આંખ ઉઘાડી, સહેજ પૂછડું હલાવ્યું. ડોક જરાક ધ્રૂજી. આખે શરીરે સહેજ કંપ થયો.

એવામાં ત્રિભુવનપાલ ને જયદેવ આવી પહોંચ્યા. એમનાં મન ઉપર પણ રા’ની વાણીનો રણકો અજબ એવી છાપ મૂકી ગયો. હવે રા’ ભાગી શકે તેમ હતો નહિ. એમણે આ વિશ્વાસુ પ્રાણીની પળોને લેશ પણ દૂભવવામાં રજપૂતીધર્મનો ભંગ દીઠો. તેઓ બોલ્યા વિના ત્યાં ઊભા રહ્યા.

‘સોરઠની બાપ! મહારાણી! મહારાણી! મહારાણી... આજતો બાપ! ત્રિભુવનપાલજી! હવે સોરઠની સમૃદ્ધિ પરવારી! એની મહારાણી ગઈ!’

વીંછીના કાંટા જેવો અણનમ રા’ ત્રિભુવનપાલને સંબોધે એમાં દુઃખનો અવધિ હોવો જોઈએ. રા’ના આખા શરીરમાં ન વર્ણવી શકાય એવી વેદના જોવાતી હતી. જયદેવે એ જોયું. એણે એક પણ શબ્દ ન બોલવામાં ઔચિત્ય દીઠું.

‘હોય, રા’! એ તો એમ જ હાલે, નવઘણજી!’ ત્રિભુવને કહ્યું, ‘વખતે હજી બચી પણ જાય. આંહીં ક્યાંક ધાંધો રબારી – માલધારી રે’ છે. એને બોલાવીએ હમણાં. ભિલ્લુ! તું જા, ઊપડને, તને ખબર હશે!’

બે પળમાં બે-ત્રણ સવારો ત્યાંથી ઊપડ્યા.

‘મને દખધોકો એ ગઈ એનો નથી, ભા! મને મૂકીને પોતે આગળ હાલી નીકળી એનું દખ છે. આપણે તો કોલ હતો, નાગવેલ! મહારાણી! એકહારે મરવાનો ફટ્ટ, રાણી! તે કોલ ભૂલીને, મને આંહીં રેતીને ઢાળે એકલો રખડાવ્યો નાં? નવસોરઠ આજ રાંડ્યો, બાપ! અને હવે તો આ રા’ય કેટલા દી? તું ગઈ, તારું મા’તમ ગયું! મને હવે કોણ ઓળખે? હું કેટલા દી હવે?’

રાણંગને ઢસડાતો- ઢસડાતો પાસે આવતો  રા’એ જોયો.

‘કેમ, ભા! તને કેમ છે? મહારાણી તો મૂકીને હાલી નીકળી!’ રા’ના અવાજમાં ઊંડો શોક હતો.

રાણંગ કાંઈ બોલ્યો નહિ. તે ઢસડાતો આવીને નાગવેલને ગળે વળગી પડ્યો. રા’ની તો રાણી ગઈ હતી, પણ એની તો મા ગઈ હતી. એની આંખમાંથી આંસુ હાલી નીકળ્યાં.

રા’ નવઘણની નાગવેલના આ દ્રશ્યે તો જયદેવને છક કરી મૂક્યો.

પણ એને હરેક પળ કીમતી હતી. ત્રિભુવનપાલ દોડ્યો હતો જ એટલા માટે – એણે મહારાજને ઉતાવળે સમાચાર પણ આપી દીધા હતાં. ચંદ્રચૂડને વઢવાણ સુધી તગડવા પાંચસો ઘોડાં પાટણથી રવાના કરીને એ આ બાજુ દોડ્યો આવ્યો હતો. સિદ્ધપુરમાં બર્બરકે મહાઉત્પાત મચાવ્યો હતો. એક પળના વિલંબ વિના ત્યાં દોડવાનું હતું. કેશવ એટલા માટે ત્યાં જ પડ્યો રહેવાનો હતો. 

‘એમ કરો, રા’...’ જયદેવ બોલ્યો, ‘નાગવેલને ઘાંઘો રબારી સંભાળશે. ને આપણે પાછા...’

‘હા, બાપ! હાલો.’ રા’ ઊંડી વેદનાથી બોલ્યો, ‘હવે તમે રા’નું મડદું આંહીં ખેંચો કે ત્યાં ખેંચો એમાં કાંઈ વાંધો નથી બાપ! તમે કહો ત્યાં હાલું. એમાં શું? મારા દી પૂરા થઇ ગયા! સિંહ જેવા ચાર છોકરા છે; વેર લેશે – લેવું હશે તો! બાકી મારી તો રાણી ગઈ! સોરઠનું સિંહાસન ગયું! મારી શક્તિ હાલી ગઈ. હું હવે કેટલા દી? એના વિના તો હું મુંડદું! હાલો, હવે તમે કહો ત્યાં આવું જેસંગભા! તમે બે’ક નાના છો, બાપ! ને તમને શી ખબર પડે? આ ત્રિભુવનપાલજી તમને કેશે: કોણ વધે, રાજ, રાણી, સિંહાસન, કે સાંઢણી: તમે કાંઈ નદી-નાળાં, ઝાંખરાં, ધરા, વોકળા, વેકરા, રેતીના પટ, ડુંગરા, ટેકરા રખડ્યા છો, ભા! કે ખરી ભોમકાની પ્રીત્યુની તમને ખબર પડે, બાપ? વાઘરણ નદીના ખોયાણ પેટાળમાં, પંચાળનો લીલોકુંજાર ધરતીપટ નિહાળતાંનિહાળતાં આ સોરઠની રાણી જેવી નાગવેલને માથે ચડીને, સોનાની ઘૂઘરીના રણકાર વાગતા હોય ને ઘેલા સોમનાથની જાત્રા જેને કરી હોય, જેસંગભા! એને મન પછી પણ ત્રણ ભુવનનું રાજ ઈ સફલું! હાલો, બાપ! હવે તો મેં તરણું લીધું છે, એમ જ સમજી લ્યો ને! હવે ક્યાં મહારાણી નાગવેલ છે કે રા’ ઢીલો પડે. તો એની રાણીની આબરૂ ધૂળ મળે? નાગવેલ હોઈને તો રા’એ અનેક ધાડાં કર્યા, અનેકને ધૂળચાટતા કર્યા. હવે રા’ ઢીલો પડે તોય કાંઈ નહિ. એના જીવતાં કોઈએ રા’ને હાથ અડાડ્યો નહિ, એટલે મારી મહારાણી તો આબરૂબહેર ગઈ! લ્યો બાપ! આ સમશેર તમારે રાખવી છે નાં, લ્યો!’

જયદેવ જવાબ આપે તે પહેલાં સો-સવા-સો માણસોનું ટોળું આ બાજુ આવતું લાગ્યું. એમને મોખરે જાડો દડબા જેવો કોઈ રબારી આવતો હતો.

ઘાંઘાએ આવીને પ્રણામ કર્યા. જયદેવ મહારાજને પોતાને આંહીં જોઇને એને આશ્ચર્ય થયું. મહારાજ પ્રેમથી એની સામે જોઈ રહ્યા.

‘ઘાંઘા! આ એક સાંઢ ફસાણી છે, જો તો...’ ત્રિભુવનપાલે કહ્યું.

ઘાંઘાએ ચારે તરફ સાંઢણીને ફરતો આંટો માર્યો. તેની આંખના પોપચાં ઉઘાડ્યા. દાંતની દોઢ દીઠી. પૂછડા પાસે ફર્યો. પગ જોયો. આવીને વિચાર કરતો ઊભો રહ્યો.

‘કેમ? કેમ લાગે છે?’

‘વખતે બચે – બચે તો ના નહિ. આવરદા બળવાન છે, પણ છ મહિના – વરસનો પડદો લેશે!’

‘હે? બચે...?’ રા’ની આંખમાં અનોખું તેજ ચળકી ઊઠ્યું. ‘તો-તો તું અમારો ભગવાન! તો-તો છ મહિના એની પાસેથી આઘો ન ખસું. ભગવાન સોમનાથના નામે. ખરચનું લેખું નથી હોં! તું મને ઓળખ છ નાં? હું રા’ સોરઠનો. આ કાંઈ મારી સાંઢણી નથી હો, આ તો સોરઠની રાણી છે!’

ઘાંઘાએ હાથ જોડ્યા: ‘મારાથી ક્યાં અજાણ્યું છે,બાપુ! આ નાગવેલની દાદી અમારે ત્યાંની!’

‘એમ?’

‘ત્યારે નહિ?’

જયદેવ વિચાર કરી રહ્યો હતો. રા’ની પ્રાણી ઉપરની પ્રીતિ એને જોઈ હતી, પણ એ પ્રાણી જ એનું સિંહાસન હતું, એટલે એને એકલો રેઢો પણ મુકાય તેમ ન હતો. ત્રિભુવને એના કાનમાં કહ્યું: ‘છો રે’તો, મહારાજ! એક થાણું મુંજપુરમાં મૂકી દેશું. ભદ્રેશ્વરમાં દાદાકને કહેવરાવી દેશું ને વાઘેલમાં પણ એક થાણું રાખીશું. આંહીં કિલ્લેદારી કરી દેશું. પછી કેમ જાય છે એ જોઈ લેવાશે!’

‘પણ, ત્રિભુવન! આ તો રા’ માંડ.’ જયદેવ એટલું જ ધીમેથી બોલ્યો.

‘સપડાણો છે એ ખરું, પણ અત્યારે એને લેવામાં ગૌરવ નથી, કાકા! નાગવેલ ઉપર હોત તો વાત જુદી હતી.’

‘રા’ તમતમારે આંહીં રહી જાઓ ત્યારે. ઘાંઘો તમને ઓછું આવવા નહિ દિયે! કેમ ઘાંઘા?’ જયદેવે મોટેથી કહ્યું.

‘અમારાં આંખ-માથા ઉપર, ભા! રા’ જેવા મહેમાન અમારે ત્યાં ક્યાંથી?’ઘાંઘો બોલ્યો.

‘આંહીં કાલ બીજા સૈનિકો આવશે. આંહીં એક કિલ્લો બાંધવો છે. તું જ બધું સંભાળજે ઘાંઘા!’

ત્રિભુવને ઘાંઘાને એક બાજુ લીધો: ‘ગાંડા ભાઈ! આ તો રા’...’

‘બાપુ! મારું ક્યાં અજાણ્યું છે –?’

‘આંહીંથી ભાગશે તો નાક તારું કપાશે. હમણાં પાટણથી ભાગ્યો ને જોતો આંહીં ફસાણો – એવી વાત છે. તારે રાત-દીની ચોકી થઇ. રસ્તેરસ્તો જોતો રે’જે. એના છોકરા ઘા મારી જાય નહિ!’

‘આંહીંથી કોઈ ગગો ચસકે નહિ, પ્રભુ! બીજું શું? બાવડું ઝાલીને પાછું તમને સોંપવું!’

‘થયું ત્યારે. કાલે બીજા સૈનિકો આવશે. એક થાણું મુંજપુરમાં પડ્યું છે. કાંઇક શંકા લાગે તો ત્યાં ખબર કરવી.’

‘તમારે કહેવું નો પડે, બીજું શું?’

રા’ વાત કળી ગયો લાગ્યો: ‘દંડનાયકજી! એમ તો મેં પણ ભગવાન સોમનાથને નામે પાણી મૂક્યું છે:  નાગવેલ વિના રા’ જૂનાગઢનો હવે બીજી સવારી કરે નહિ, ભા! તમે નચિંત રો’!’

‘અમે તો નચિંત જ છીએ, નવઘણજી!’ જયદેવે કહ્યું, ‘અમને ચિંતામાં ચિંતા આટલી કે વખત છે ને આંહીં તમારી ઊઠબેસ બરાબર નહિ થાય તો? હવે તો તમે અમારા છ મહિનાના મહેમાન, એટલે અમને ચિંતા એ પેઠી છે!’

‘સાચું, બાપ! સાચું! તમારી મહેમાની માણશું, ને વળી વગડાનો મજો માણવો હશે તો કહેવરાવશું, ભા!’

થોડી વાર પછી રા’ને ત્યાં છોડીને જયદેવ ને ત્રિભુવનપાલ મુંજપુર પાછા ફર્યા.