૧૬
કેશવને પાછા ખર્પરકે શા માટે સમાચાર આપ્યા?
જગદેવ ગયો કે તરત જયસિંહદેવ ત્રિભુવનપાલ તરફ ફર્યો. એક ઘડીભર તો બેમાંથી કોઈ કાંઈ બોલી શક્યા નહિ; એમણે જે જોયું તે માનતા ન હોય તેમ બે ઘડીભર બંને સ્તબ્ધ બની ગયા. અંતે જયદેવ બોલ્યો: ‘અદભુત! અદભુત! પણ ત્રિભુવન, તું આંહીં ક્યાંથી આવી ચઢ્યો? કોઈએ તને વાત કરી હતી? કોણે – કેશવે કહ્યું હતું? એ તો સિદ્ધપુર ગયો છે!’
‘કહે તો કોણ, મહારાજ! પણ જગદેવને બોલાવ્યો મેં: વખત છે ને કાંઈ આડુંઅવળું થાય તો કાળી ટીલી મને ચડે. મને નીંદર આવી નહિ, એટલે હું આંહીં હાલ્યો આવ્યો! પણ હવે આ વાત આંહીં જ દાટજો, પ્રભુ!’
‘એ તો એમ જ. આપણે પણ હવે આંહીંથી નીકળી જઈએ.’
બંને જણા ગુપચુપ ત્યાંથી નીકળી પડ્યા. આખે રસ્તે કોઈ કંઈ બોલ્યું નહિ. બોલી શકાય એવો અનુભવ જ ન હતો. પણ જયદેવ જે શબ્દો સંભળાયા હતા તેના વિચારમાં મગ્ન હતો. નિર્ભય હોય તે બર્બરકને વશ કરી શકે... પોતે નિર્ભય – અડગ રહ્યો કહેવાય? તેના મનમાં માના એ શબ્દો વિષે ગડમથલ ચાલી રહી હતી. દંડનાયક તો જગદેવના વિચારમાં મગ્ન હતો. આવો ઊંચો ખમીરવંતો રજપૂત જો પાટણને મળી જાય અને મહારાજ એને રાખી શકે, તો પાટણની સિદ્ધિ નિહાળી દુનિયા-આખી આશ્ચર્યમુગ્ધ થાય. એને પોતાના વિષે કાંઈ વિચાર આવતો ન હતો.
ત્યાં પ્રભાતી કૂકડાના અવાજ કાને પડ્યા. ત્યાંથી થોડે દૂર ગયા ને બંને છૂટા પડી ગયા. ત્રિભુવનપાલ પોતાની ગઢીએ જવા બીજે માર્ગે વળી ગયો. જયસિંહદેવ એકલો આગળ વધ્યો. આગળ આમલીના ઝાડ પાસે પૃથ્વીભટ્ટ ઊભોઊભો હજી ચારે તરફ દ્રષ્ટિ ફેંકતો હતો. તેણે જયદેવને આવતો જોયો. એના જીવમાં જીવ આવ્યો. તે કોટિધ્વજદોરીને જયદેવ પાસે આવ્યો. જયદેવે કોટિધ્વજને જરાક કેશવાળીએ હાથ મૂકીને પંપાળ્યો, વાંસે હાથ થાબડ્યો, પેંગડામાં પગ મૂકીને તે ઉપર ચડવા જાય છે, એટલામાં તો સિદ્ધપુરને માર્ગેથી મારમાર કરતી આવતી એક સાંઢણી એની નજરે ચડી. એ થંભી ગયો. સિદ્ધપુરને માર્ગેથી અત્યારે કોણ આવતું હશે? એના મનમાં પ્રશ્ન થયો. કેશવ ઉપર કાંઈ વિપત્તિ પડી હશે? બાબરો વિફર્યો હશે? એના મનમાં અનેક શંકા ઊઠી.
એટલામાં તો પેલો સાંઢણી સ્વર તદ્દન નજીક આવી પહોંચ્યો. પૃથ્વીભટ્ટને ઓળખતાં જ તેણે બૂમ મારી: ‘અરે! પૃથ્વીભટ્ટ... મહારાજ પોતે...’ પણ તેની નજર જયદેવ ઉપર પડી અને તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! આ તો ભારે થઇ છે! હું સિદ્ધપુરથી જ દોડ્યો આવું છું! ભારે થઇ છે! ભારે થઇ છે! રા’ ભાગી ગયો લાગે છે!’
‘રા’ભાગી ગયો? કોણે કીધું? ક્યાંક તું ગાંડો થઇ જા નહિ! કોણે કહ્યું? હજી કાલે તો તું જાય છે –’
‘કહેનાર પણ આ રહ્યો!’ કેશવે પોતાની સાંઢણી ઉપર બાંધી રાખેલ ખર્પરકને રજૂ કર્યો. ‘ભગાડનાર પણ એ છે. એ રા’નો ગુપ્તચર લાગે છે!’
‘પણ એ છે કોણ? એણે ક્યાંય ખોટું કૌભાંડ કરવા આ કર્યું હોય નહિ? રા’ ભાગે ક્યાંથી? તેં પોતે ભાગતો જોયેલ છે? રા’ તો એ ભોંયરામાં મજા કરે!’
‘ના, મહારાજ! ના, પ્રભુ! રા’ ભાગી ગયેલ છે. મેં પોતે છેટેથી એની નાગવેલને જોઈ ને! એની ઉપર રા’ જ હતો. અને હવે નાગવેલને પહોંચી વળવું એ કાંઈ છોકરાના ખેલ નથી. એ તો આકાશમાં પંખી માફક ગઈ કાંઈ સાંઢણી છે! રા’ છટકી ગયેલ છે એ ચોક્કસ. હવે એક-એક પળ જુગ જેવી જાય છે!’
‘કયે માર્ગે તેં જોયો” જયદેવે ઝડપથી ઘોડા ઉપર સવારી કરી. ‘અને આ કોણ છે? તે કહ્યું, રા’નો મોકલેલો છે? દેખાય છે તો લૂંટારા જેવો.’
ખર્પરકે બે હાથ જોડ્યા.
જયદેવને મનમાં હસવું આવ્યું. પણ આ માણસ કદાચ એનો વખત કઢાવતો હોય. તેણે ઝડપથી નિશ્ચય કરી નાખ્યો.
‘રા’એ કયો માર્ગ પકડ્યો છે, કેશવ?’
‘વાગડપંથનો –’
‘બસ ત્યારે – એ વાગડપંથમાંથી વર્ધમાનપુરને રસ્તે ચડવાનો. ચંદ્રચૂડ એને ત્યાં મળે કે રસ્તે મળે. પણ કોને ખબર છે શું થાય? કેશવ! તું તો પાછો સિદ્ધપુર જ જા. સિદ્ધપુરથી સીધો વાગડપંથે દોડતો અવ, તારાં હજાર ઘોડાં હશે. આહીંથી, અલ્યા પૃથ્વીભટ્ટ, ત્રિભુવનપાલને ખબર કરજે કે મહારાજે આહીંના પાંચસે ઘોડાં લઈને આવવાનું કહ્યું છે. શી નિશાની આપીશ? કે’જે ને કે સૂસવતા અસ્થિવજ્જરની ઝડપે જવાનું છે. એ તરત સમજી જશે. આ કોણ છે, કેશવ? શું કહ્યું તેં?’
‘પ્રભુ! મારું નામ ખર્પરક!’ ખર્પરક ડગ્યા વિના બોલ્યો, ‘પણ પ્રભુ! હું લૂંટારો નથી, હું ચોર છું. લૂંટારો તો બળ બતાવે છે. હું બળ બતાવ્યા વિના માણસની ચીજ ઉપાડી શકું છું! મારી એ વિશિષ્ટતા છે.’
‘પણ તું છે કોણ?’ જયદેવે ઉતાવળે કહ્યું. એને ખર્પરકની વાતો સાંભળવાનો વખત ન હતો.
‘પ્રભુ! હું અને એક બીજો મારી સાથે છે તે કર્પદક. અમે બંને મહાકાલીમંદિરના ચોવીસે ઘડીના ચોપાટ-શેતરંજના ખેલાડી છીએ! લૂંટારા નથી, ગુપ્તચર પણ નથી, મહાચોર છીએ.’
‘મહાકાલીમંદિરના તમે ખેલાડી છો?’
‘જુગટું રમનારા, પ્રભુ! ચોવીસે ઘડી અમારી ચોપાટ-શેતરંજ ત્યાં ચાલતી હોય. રાજ્યો ને મહારાજ્યો પણ ડૂલ થઇ જાય એવી મા કાલીના સાનિધ્યની જુગજુગ-જૂની રમત છે!’
જયદેવને ઉતાવળ હતી. એકએક પળ એકએક જુગ જેવી હતી. પણ ખર્પરકની વાતમાં મહાકાલીના નામે એને આકર્ષ્યો. પણ રા’નો માણસ આવી રીતે વખત તો કાઢતો નહિ હોય નાં? એને શંકા ગઈ.
‘કેશવ! રા’ને ભગાડનાર કોણ, આ છે નાં? શી રીતે એણે ભગાડ્યો? ક્યાંય ગપ તો મારતો નથી નાં? આપણે તપાસ તો કરો!’
‘પ્રભુ! એકએક પળ એકએક જુગ છે! રા’ ભાગ્યો છે એ ચોક્કસ છે. મેં પોતે જોયો છે.’
‘પૃથ્વીભટ્ટ! તો તું આ ખર્પરકને પહેલાં પૂરી દે...ચાલ... પછી એની વાત...’ જયદેવે ટૂંકામાં પતાવ્યું.
‘પ્રભુ! મને શું કરવા પૂરો છહો?’ ખર્પરકે હાથ જોડ્યા, ‘હું કોઈ ગુપ્તચર નથી. ગુપ્તચરપણું કરું તોપણ મારી ચોરીને અંગે, રાજરમતને અંગે નહિ. કોઈ રાજરમતનો હું લડવૈયો નથી. રા’ને ભગાડવામાં મેં કાંઈ રાજહેતુ ધ્યાનમાં રાખ્યો નથી. આંહીં ખેંગારજીને પણ મેં જ ઘણી વાતો કરી છે. પણ, મહારાજ! મારે તો જીવનમાં આનંદ જ એ છે – મા મહાકાલીના સાનિધ્યમાં ચોપાટ-શેતરંજ ખેલવી રાત દિવસ અને વરસમાં કોઈ ને કોઈ એવું પરાક્રમ કરવું કે જે દેશ આખો સાંભર્યા કરે. આ વખતે હજી કોઈ પરાક્રમ થયું ન હતું. મારે વારસોણ છે, પ્રભુ! માતાની.’
‘વરસોણ છે?’
‘એટલે દર વર્ષે એક મહાપરાક્રમ મા મહાકાલીના ચરણે ધરવાનું!’
આવે વખતે જયદેવે અધીરા બની જે ખર્પરકને ક્યારનો પૂરી દીધો હોત. પણ આજ એની વાતમાં એને કાંઇક લાગ્યું.
‘હું મહારાજ! ટૂંકમાં પતાવી દઉં. તમારે ઉતાવળ છે, મારે પણ ઉતાવળ છે. હું પાંચ-પચીસ લક્ષ દ્રમ્મ ચોરનારો નથી. હું તો દેશભરમાં જે વસ્તુની દિગંત-કીર્તિનો ડંકો વાગે એવી વસ્તુને ચોરું છું. રા’નવઘણને એટલા માટે મેં છોડાવી ભગાડ્યો. હવે મને એમાં કાંઈ રસ નથી, પ્રભુ! હજી હું પાટણમાંથી ચોરી જવાનો છું...’
‘શું?’
‘મહારાજ જો મને ક્ષમા આપે ને મહાકાલીના થાનકે – અમને મને ને કર્પદકને પાછા ચોપાટ રમવા છોડી મૂકે – અમને બંનેને રાજકાજમાં લેશ પણ રસ નથી. અમે તો નાગવેલને પણ ચોરી લાવીએ. અમારે શું? હું તો મહાકાલીનો ઉપાસની ચોર છું. કાંઈને કાંઈ માને ચરણે ધરવા વરસમાં એકાદ વાર નીકળી પડું! હવે પાટણમાંથી ઉપાડવો છે.’
‘શું?’
‘મેં કહ્યું નહિ, પ્રભુ! મહારાજ વચનથી બંધાય તો હું કહું –’
‘તને જાવા દઈશું, જા...’
‘વચન છે, મહારાજ? ને ક્ષમા?’
‘હા. તું બોલી નાખ ઉતાવળે.’
‘ત્યારે મહારાજ! હું અને મારો મિત્ર કર્પદક ઉજ્જૈનીના મહાકાલી મંદિરમાં ચોપાટ ખેલતા હતા. ખેલતાંખેલતાં હું પાટણના મહારાજ જયસિંહદેવ સોલંકીનો કોટિધ્વજ અશ્વ દાવમાં હાર્યો છું! એ અશ્વ મારે પાટણમાંથી વહેલેમોડે લઇ જાવાનો છે!’
‘કેશવ! અલ્યા પૃથ્વીભટ્ટ!’
‘જુઓ મહારાજ! તમે વચન આપ્યું છે!’ ખર્પરકે બે હાથ જોડ્યા, ‘અને આ રા’ને ભગાડ્યો એ આ વખતનું પરાક્રમ હજી મારે માના ચરણે ધરવાનું છે! આ પાંચમ પહેલાં ધરી દેવાનું છે. મારો ઉજ્જૈની જવાનો વખત થઇ ગયો છે. તમારે રા’ની નાગવેલને પહોંચવું હોય તો એકેએક પળ હવે કીમતી છે... તમારું વચન સંભારો!’
‘કેશવ! એને જાવા... દે...’ જયદેવે ઉતાવળે કહ્યું, ‘જા, હવે તું જા.’
‘મેં તો તમને ચેતવ્યા પણ છે, પ્રભુ! કે મારે કોટિધ્વજ અશ્વ ચોરવાનો છે! ચેતાવ્યા વિના કોઈ મહામોલી ચીજ હું કદી પણ ચોરતો નથી એવી ચોરીમાં મજા શી છે? એવીને તો મા પોતે જ ન સ્વીકારે. મહારાજ જયસિંહદેવ ની જે!...’ ખર્પરક બે હાથ જોડીને નમી રહ્યો. જયદેવને આ મહાચોરની વિચિત્ર કથાએ બે ઘડી રા’ની વાત ભુલાવી દીધી હતી. તે હવે ઉતાવળો થઇ ગયો: ‘કેશવ! એને છોડી મૂક... અત્યારે તો જવા...દે... એને મહાકાલીની વરસોણ છે – અલ્યા એટલું તો સાચું બોલ્યો છે નાં?’
‘પણ, મહારાજ! આ તો...’ કેશવે હાથ જોડ્યા.
‘પ્રભુ! હું ગુપ્તચર થવાનો નથી ને મહાચોર આળસવાનો નથી. જુગાર જગતને ભુલાવે છે ને ચોરી દુનિયાને તજાવે છે. એને ખરી રીતે સેવનારા તો ક્યારેક જન્મે છે! બાકી તો બધા દ્રમ્મ માટે મરે છે! જુગાર ને ચોરી એ પણ જીવનમાં મહામોલાં રત્નો છે – જો રમતાં આવડે તો. બાકી દ્રમ્મચોર તો કોણ નથી? મહારાજની જે!’
‘એને જાવા દે, કેશવ! જાવા દે – આપણને મોડું થાય છે.
કેશવે ખર્પરકનો માર્ગ મોકળો કર્યો. એ જયદેવને બે હાથે પ્રણામ કરીને નમી રહ્યો.
થોડી વાર પછી એ માલવાને પંથે ચડી ગયો.