अच्छा हुं, बुरा हुं पता नहीं ! पर मां हुं |
કોઈ એક સવારે તમારા ઘરે બે સ્ત્રીઓ આવી અને તમારા પાંચ મહિનાના બાળકને ઉપાડીને લઈ જાય તો તમે કંઈ રીતે વર્તન કરો ?
હાથથી બાળકને જમાડવું કે તેને કપાળે કાળું ટપકું કરવું, બાળકને માતાપિતાની સાથે સુવડાવવું કે તમારી માતૃભાષામાં વાત કરવી, બાળકનો પ્રોજેક્ટ ભૂલી જવો કે બીજું કોઈ પણ વર્તન તમે કરો તો એવું સાબિત કરવામાં આવે કે તમે યોગ્ય માતા નથી, તો તમે શું કરો ?
જો તમને કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવે કે, તમારા બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી સરકાર પાસે રહેશે, તો તમે કંઈ રીતે રીએક્ટ કરો ?
જો તમને ખબર પડે કે તમારા બાળકોને યોગ્ય માહોલ અને યોગ્ય ઉછેર નથી મળી રહ્યો તો તમે કંઈ રીતે પ્રતિક્રિયા આપશો ?
ત્રણ - ચાર કોર્ટમાંથી નિરાશા મળ્યા પછી જો તમને ઓફર મળે કે તમારા બાળકની કસ્ટડી તમારા દિયરને મળી શકશે, પણ તમને નહિ? તો શું તમે આ સ્વીકારશો ?
તમારા બાળકો તમારા જ કુટુંબના સભ્યો પાસે હોય અને તેમ છતાં જો તમે એમને ના મળી શકો તો, શું મનોસ્થિતિ હોય તમારી ?
જેને તમે પ્રેમ કર્યો અને જેની સાથે સંસાર માંડ્યો એ વ્યક્તિની પ્રાયોરિટી લિસ્ટમાં તમારું કે તમારા બાળકોનું નામ જ ન હોય અને માત્રને માત્ર એક દેશની સિટીઝનશીપ અને પૈસા જ હોય તો એ સ્થિતિમાં તમે શું કરો ?
આ બધા સવાલોની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે, જ્યારે કોઈ એક વ્યક્તિએ આવી જિંદગી જીવી છે, હાલમાં પ્રકાશિત થયેલી રાની મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway (2023) જે સત્ય ઘટના પર આધારિત છે તે નોર્વેમાં વસતા એક ભારતીય દંપતીના જીવનનું પ્રતિબિંબ છે. 12 વર્ષથી વિદેશમાં વસતા આ બંગાળી કપલના બાળકોની કસ્ટડી માટેની આખી લડત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે.
એક માણસ તરીકે તમારામાં રહેલી માણસાઈ કેટલી હદ સુધી નીચે જઈ શકે ? અહીં નોર્વે સરકાર અંતર્ગત કામ કરતા તથા બાળ કલ્યાણ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગેરકાનુની રીતે પૈસા કમાવવા માટે કેટલાક દંપતીઓને ફસાવીને તેમને કોર્ટમાં માનસિક અસ્વસ્થ કે અયોગ્ય માતાપિતા સાબિત કરી દે છે અને તેમને તેમના બાળકોથી તેમને વર્ષો સુધી અલગ કરી દે છે.
એક જ પરિવારમાં રહેનાર વ્યક્તિઓ પોતાના જ લોહી કે વારસદાર માટે કેટલી જુદી રીતે વિચારી શકે ? અહીં બાળકોના પિતા, કાકા અને દાદા - દાદી માત્રને માત્ર સ્વાર્થ અને પૈસાને જ અગત્યતા આપે છે જેની માટે એ કંઈ પણ હદ સુધી જવા તૈયાર છે.
માતા વિદેશમાં હોય કે પોતાના દેશમાં, મા સામે દરેક સ્થિતિ નજીવી હોય છે જ્યારે વાત તેના બાળકો પર આવે છે. અલગ અલગ કોર્ટમાં હાથ જોડીને હાથ ફેલાવીને આ માતાએ એના બાળકો માટે અરજ કરી. અને અંતે તેને તેનું યથાર્થ ફળ મળ્યું.
સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે, એવું ભલે કહેવાતું પણ આ કેસમાં નોર્વેની ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ થી લઈને કોલકાતાની એડવોકેટ મિસ. પ્રતાપ સુધી દરેક સ્ત્રી આ સ્ત્રીપાત્રની લડતમાં સાથે હતી.
સમય બદલાય છે આપણી લાગણીઓ અને માગણીઓ પણ બદલાય છે, સંસ્કૃતિ અને સમાજને વધુ આવેગીક વિકાસની જરૂર છે.
#છેલ્લો કોળિયો : સવલતમય અને સમૃદ્ધ થતાં થતાં ક્યાંક આપણે નિષ્ઠુર અને અસંવેદનશીલ તો નથી થઈ રહ્યાને ! રોજ એક વાર પોતાની જાતને પૂછીને ખાતરી કરી લેવી.
-Dr. Hiral Brahmkshatriya