ભાવિનીની વિદાય બાદ બધા જ મહેમાનો એક પછી એક પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. પ્રસંગ કોઈ જ પ્રકારની અડચણ વગર શાંતિથી પૂર્ણ થયાનો હાશકારો હસમુખભાઇના મુખ પર વર્તાય રહ્યો હતો. સીમાબહેનને ભાવિની ગઈ એની ખોટ ખુબ વર્તાઈ રહી હતી. એમના ચહેરાની રોનક સાવ જાખી પડી ગઈ હતી.
પ્રીતિ બધું જ કામ પતાવીને પોતાના રૂમમાં પ્રવેશી હતી. અતિશય થાકેલી પ્રીતિ આજ રૂમમાં આવી એવી તરત જ ઘસઘસાટ ઊંઘમાં સરી પડી હતી. અજય રૂમમાં આવ્યો એણે જોયું કે પ્રીતિ સીધી ઊંઘી જ ગઈ હતી. અજયે પ્રીતિને શાલ ઓઢાડી સરખી ઉંઘાડી હતી. અજયને પ્રીતિને લાગેલો થાક વર્તાય રહ્યો હતો. આમ ક્યારેય એ આવી રીતે ઊંઘી ગઈ નહોતી.
અજયને પ્રીતિનું સમર્પણ ભીતર સુધી સ્પર્શી ગયું હતું. જે સબંધમાં ખટાશ થોડા દિવસો પહેલા થઈ હતી, એ અત્યારના પ્રસંગમાં પ્રીતિએ કોઈ સમક્ષ ઉચ્ચારી નહોતી અને કોઈને જરા સરખી પણ ગંધ આવવા દીધી નહોતી. પ્રીતિના સંસ્કાર અને ખાનદાની રીતભાતની છલક એના વ્યક્તિત્વમાં પૂર્ણપણે વણાયેલી જણાઈ રહી હતી.
ભાવિનીના લગ્નબાદનો સમય પ્રીતિ માટે ખુબ સરસ હતો. સીમાબહેન તો રજા દરમિયાન જ આવતા આથી પ્રીતિને અજય અને એના સસરાની જ જવાબદારી રહેતી હતી. પ્રીતિ એની પીએચડી પરીક્ષામાં પણ પાસ થઈ ગઈ હતી. પ્રીતિને સ્ટડીમાં હવે ફક્ત થીસીસ જ બનાવવાની બાકી હતી. પ્રીતિને હવે બધું સર્ચ કરવાનું કામ અને જે સ્ટડી કર્યું હતું એમાંથી બધી જ કામ લાગતી બાબતો ભેગી કરી થીસીસ બનાવવાની હતી.
કોલેજમાં જોબ પણ ચાલુ જ હતી. આથી ક્યારેક જોબમાં બનેલ ગ્રુપના મિત્રો ભેગા થઈ ને અમુક પ્રીતિને જરૂરી મદદ પણ કરતા હતા. આવી જ ચર્ચા દરમિયાન બધા અમુક વાતોમાં ચડી ગયા હતા. ત્યારે પ્રીતિને સામાહિકને લગતી એક એપ ની માહિતી જાણવા મળી હતી. પ્રીતિના ખાસ મિત્રએ એ એપ ના ખુબ વખાણ કર્યા હતા. પ્રીતિને લખવાનો શોખ તો હતો જ, આથી આ એપ વિશે એને રસ જાગ્યો હતો. ઘરે આવીને એણે એ એપ ડાઉનલોડ કરી હતી. એપ ખુબ સરસ હતી. પ્રીતિને એ ખુબ રસપ્રદ લાગી હતી. પ્રીતિએ ફક્ત વાંચન માટે જ આ એપ માં પોતાનું એકાઉન્ટ ખોલ્યું હતું. હવે જયારે પ્રીતિનો મૂડ ઠીક ન હોય ત્યારે પ્રીતિ આ એપમાં વાંચન કરતી તો એને ખુબ મજા આવતી હતી.
પ્રીતિ પહેલા કરતા ખુબ ઘરમાં રાહત અનુભવતી હતી. ઘરમાં હવે વધુમાં વધુ સમય વિતાવતી હતી. અજય સાથેનો સમય ખુબ જ પ્રેમાળ વીતી રહ્યો હતો. પ્રીતિ અને અજયની આંતરિક ખુશી એના વ્યક્તિત્વમાં પણ નજર આવવા લાગી હતી. પ્રીતિના ગ્રુપમાં તો ઘણાએ એને કહ્યું પણ ખરું કે, પ્રીતિ તારી નણંદના લગ્નબાદ તું ખુબ હળવી થઈ ગઈ છે. પ્રીતિને પણ ક્યારેક એમ થતું કે ભાવિની મમ્મી સાથે વાત કરતી હશે અને એમની સૂચના મુજબ જ વર્તતી હશે કારણકે, એક વ્યક્તિના કામમાં કોઈ જાજો ફર્ક ન પડે પણ માનસિક તાણ અચાનક ઓછી થઈ ગઈ હતી.
પ્રીતિના જીવનમાં આવેલ સુંદર સમયના ફળરૂપે પ્રીતિએ અજયને એક સરસ સમાચાર આપ્યા હતા. પ્રીતિ ગર્ભવતી બની હતી. પ્રીતિની ભીતર ગજજર પરિવારનું અંશ ફલિત થઈ રહ્યું હતું. પ્રીતિને આ સમાચારની જાણ પોતાના મમ્મીના જન્મદિવસના દિવસે જ થઈ હતી. આવનાર બાળક પોતાના નાની સાથે કોઈક ઋણ લઈને જ અવતરવાનું હતું એની ક્યાં હજુ કોઈને કલ્પના જ હતી.
અજય અને પ્રીતિએ આ સારા સમાચાર પોતાના પરિવારમાં જણાવ્યા હતા. બધા આ સમાચાર સાંભળીને ખુબ જ ખુશ થયા હતા. અજય પણ પ્રીતિની ખુબ જ સંભાળ રાખતો હતો. પ્રીતિની જીણી જીણી બાબતની સંભાળ રાખીને અજય પ્રીતિને ખુશ કરી દેતો હતો. થીસીસનું સર્ચ કરવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું હતું. હવે એને થીસીસ લખવાની ચાલુ કરી દીધી હતી. પ્રીતિની તબિયત સારી રહેતી હતી અને બાળકનો વિકાસ પણ ખુબ સારી રીતે થઈ રહ્યો હતો. આથી પ્રીતિની જોબ પણ હજુ ચાલુ જ હતી.
કુંદનબેન જરૂરી સૂચનો પ્રીતિને ફોન દ્વારા જણાવતા રહેતા હતા. પ્રીતિ એમની બધી જ સૂચવેલ કાળજીનું પાલન કરતી હતી. સીમાબહેન પણ એમને જયારે એવું લાગે ત્યારે પ્રીતિને સૂચના આપતા હતા. પ્રીતિએ ડોક્ટરની આપેલ શક્તિની અને કેલ્શિયમની દવા લેવાનું હવે શરુ કરી દીધું હતું.
પ્રીતિને ત્રીજો મહિનો બેસી ગયો હતો. પ્રીતિ રસોઈ બનાવી રહી હતી. પ્રીતિની તબિયત સારી હતી આથી એને રસોઈ કરતા ઉલ્ટી ઉબકા કઈ જ થતું નહોતું.
સ્ત્રી જયારે ગર્ભવતી બને છે ત્યારે એ જે લાગણી અનુભવતી હોય છે એ ખરેખર અવર્ણનીય હોય છે. એના જીવનમાં આવતા દરેક બદલાવ એને આનંદ જ આપે છે. આ ખુશી એટલી આંનદદાયક હોય છે કે ક્યારેક એમ થાય સ્ત્રીની ખુશીમાં પુરુષ કે જે એ બાળકનો પિતા બનવાનો હોય છે, એ કેમ ખુશ નહીં થતો હોય! આ વાક્ય ફક્ત એ જ પુરુષ માટે છે કે જે પોતાની પત્નીની મરજીની વિરુદ્ધ બળજબરીથી ગર્ભપાત કરાવે છે. આપણા ભારત દેશમાં ગભૅમાં ઉછરી રહેલ બાળકના જાતી તપાસ પર પ્રતિબંધ જ છે, છતાં પણ જો છુપી નજર રાખી ચેક કરવામાં આવે તો રોજ કેટલીએ સ્ત્રીઓના ગર્ભપાત ગભૅમાં દિકરી હોવાના લીધે થતા હોય છે, જે વાત ગુપ્ત રાખી કરવામા આવે છે. જેથી કાનુનની સજાથી બચી શકે. આપણા ધર્મમાં પણ એને પાપ કહ્યું છે, છતાં આ પાપ લોકો કરતા જરાય શરમ કે સંકોચ અનુભવતા નથી. કારણ જાણો તો એવા સામે આવે કે, હજુ અમારી લાઈફ સેટ નથી, લગ્નને હજુ થોડો જ સમય થયો છે તો હમણાં બાળકની જવાબદારી નહીં, અમુક કેશમાં તો સ્ત્રીઓ પણ કહે છે કે મેરેજ અને જોબ હજુ સરખા સેટ નથી તો હમણાં બાળક મારા કેરિયરમાં નડતર રૂપ થાય, હદ તો ત્યારે થઈ જાય જયારે અપરણિત જોડું ગર્ભપાત માટે હોસ્પિટલ બેઠું હોય છે. આ શિક્ષિત સમાજની ખુબ જ કડવી હકીકત છે.
આસ્થા પ્રીતિને ભાવતો નાસ્તો બનાવીને ઘણીવાર લાવતી હતી. જે ખાઈને પ્રીતિ ખુબ ખુશ થતી હતી. બધા પ્રીતિની કાળજી રાખતા હતા આથી પ્રીતિને ખુબ આ સમય માણવો ગમતો હતો.
પ્રીતિની સાથે વાત કરતી વખતે કુંદનબેને એક ખુબ સરસ વાત આજ પ્રીતિને કહી હતી. એમણે પ્રીતિને કહ્યું કે, "તું જેટલી ખુશ રહીશ બાળક એટલું જ સારી રીતે ઉછરશે. મનને બને ત્યાં સુધી પ્રફુલ્લિત જ રાખવાનું, જરૂરી ખોરાક ભાવે કે ન ભાવે પણ તારા બાળક માટે એ લેવાનો, શાંતિથી મીઠી ભાષા જ બોલવી. ગુસ્સો કરવાનું ટાળવું, બને તો થોડીવાર મેડિટેશન અને હળવી કસરત કરવી જે તારી સ્ફુર્તી યથાવત રાખશે. તું જે પણ બોલીશ એ બધો જ એને અહેસાસ થતો હોય છે આથી ગર્ભમાં જે સંસ્કાર મળે એ શીખવાની ઝડપ બાળકના જન્મબાદ મળતા સંસ્કાર શીખવા કરતા ખુબ વધુ હોય છે. આથી તારે અત્યારથી દરેક નેગેટિવ વાતથી દૂર રહેવાનું છે."
"હા, મમ્મી તમે તો બહુ જ ચિંતા કરો છો. આ બધું જ હું જાણું છું અને એમ જ રહું છું."
"કેમ ન થાય તારી ચિંતા? મારે માટે તું હજુ નાની જ છે." કુંદનબેન આટલું બોલ્યા અને ફોન સૌમ્યાએ લઈ લીધો હતો.
"પાર્ટી દેવી પડે એટલે મને કઈ કહેતી નથી? તું તો પરણીને કંજૂસ થઈ ગઈ."
"જા ને... પાર્ટી જોતી હોય તો આવ અહીં. મારે થોડી ત્યાં આવશે?"
"તો ચાલ ટીકીટ મોકલ એટલે પાર્ટી લેવા માટે આવું." એમ કહી હસવા લાગી.
"હવે તો તું સુધર મોટી થઈ જવાની છો."
"ના રે તું જોજે ને તારું ટેણીયું બિલકુલ માસી જેવું જ હશે."
"હા બાપા... તને તો હું ક્યારેય નહીં પહોંચી શકું. ચાલ હું ફોન મુકું મારે ઘણું કામ છે, તારી વાતો તો પતશે જ નહીં."
"ઓકે બાય .. જીજુને યાદ આપજે. તારું ધ્યાન રાખજે."
"હા બાય."
પ્રીતિ ખુશ થતી પોતાના કામમાં લાગી ગઈ હતી.
શું પ્રીતિનો આ સમય એ જેમ વિચારે છે એમ જ જશે કે આવશે કોઈ વિકટ સ્થિતિ?
શું અજય દ્વારા મળતો પ્રેમ અને કાળજી આવા જ રહેશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.
મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻