Prarambh - 86 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 86

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રારંભ - 86

પ્રારંભ પ્રકરણ 86

ઉમાકાન્તભાઈની ઘટનાએ કેતનને દિગ્મૂઢ કરી દીધો. એ ખીરાનગરમાંથી બહાર આવ્યો પરંતુ આજે વહેલી સવારે એના જીવનમાં બનેલી ઘટના એને બરાબર યાદ હતી !

ઉમાકાન્તભાઈ પોષ મહિનાની તેરસના દિવસે બ્રહ્મલીન થયા હતા. અને આજે બરાબર ૩૦ દિવસ પછી તેરસના દિવસે જ પ્રગટ થઈને એમણે મને સિદ્ધ મંત્રની દીક્ષા આપી હતી ! એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે એમને આ સિદ્ધિ કોઈ કામની નથી અને હવે જરૂર પણ નથી. એ હવે સૂક્ષ્મ જગતમાં જતા રહ્યા હતા એટલા માટે જ આવું એમણે કહ્યું હતું. એમણે પોતાના જીવનમાં કદાચ કરોડ સુધીના જાપ કર્યા હોય એવું પણ બને !

ઉમાકાન્તભાઈ જેવા મહર્ષિ દિવંગત થઈ ગયા એ સમાચારથી કેતનની આંખમાં પાણી આવી ગયાં. પોતાની ગાયત્રી ઉપાસનાની પ્રગતિમાં આ ઉમાકાન્તભાઈનો પણ એક વિશેષ ફાળો હતો. શાંતિકુંજમાં એમણે મને ઘણું બધું માર્ગદર્શન આપ્યું હતું.

ગઈકાલે સાંજે રામકૃષ્ણ આશ્રમમાં પ્રગટ થયા ત્યારે એમણે મને કહેલું કે તમે ખારના બંગલામાં આવી ગયા છો એ મને ખબર છે. બંગલામાં ગાર્ડન છે એ પણ એમને ખબર પડેલી. એ પોતે સૂક્ષ્મલોકમાં હોવાથી જ આ બધું જાણતા હતા. એમની વાતચીત ઉપરથી જરા પણ ખબર ના પડી કે પોતે સૂક્ષ્મ શરીરમાં છે ! કેટલો ઊંચો દિવ્ય આત્મા !!

ઘરે જઈને કેતને ઉમાકાન્તભાઈને યાદ કરીને ફરીથી સ્નાન કરી લીધું. એમની ઉર્ધ્વગતિ માટે પોતાના ગુરુજીને પણ પ્રાર્થના કરી.

ઉમાકાન્તભાઈએ આજે એને અદ્રશ્ય થઈ જવાની સિદ્ધિ આપી હતી. આ સિદ્ધિને એકવાર જોઈ લેવાની એની ઈચ્છા થઈ. અદ્રશ્ય થઈ ગયા પછી પરિવારના લોકો એને જોઈ શકે છે કે કેમ એ પરીક્ષા કરવાનું એને મન થયું.

જમવાનો ટાઈમ થયો એટલે કેતન બેડરૂમમાં જતો રહ્યો અને ઉમાકાન્ત ભાઈએ આપેલો ગુપ્ત મંત્ર એકવાર બોલીને પછી ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલ્યો. એ પોતે અત્યારે અદૃશ્ય છે કે નથી એની એને પોતાને ખબર ના પડી કારણ કે એ પોતે તો પોતાને જોઈ શકતો હતો ! એ થોડીવાર બેડ ઉપર આડો પડ્યો.

દસેક મિનિટમાં જ જાનકી એને જમવા બોલાવવા આવી.

" અરે ક્યાં ગયા ? " કહીને જાનકીએ ચારે બાજુ જોયું અને પછી વોશરૂમ ચેક કર્યો પણ વોશરૂમ તો ખાલી હતો.

" અરે.. આ ક્યાં ગયા ? હમણાં તો ઘરમાં જ હતા ! " જાનકી બેડરૂમમાંથી બહાર આવીને બધે જ જોઈ આવી. બંગલાના ઉપરના માળે કેતન ક્યાંય દેખાયો નહીં એટલે એ નીચે ગઈ. નીચે પણ ક્યાંય કેતન હતો નહીં.

"અરે તમે કેતનને જોયા ?" જાનકીએ નીચે સોફામાં બેઠેલા પપ્પાને પૂછ્યું.

"કેતન તો ઉપર જ હશે. એ નીચે નથી આવ્યો. " જગદીશભાઈ બોલ્યા.

કેતન જાનકીની પાછળ પાછળ ચાલીને બધો જ તાલ જોઈ રહ્યો હતો. એ જાનકીની સાથે નીચે પણ આવ્યો છતાં કોઈએ એને જોયો નહીં. એને ખ્યાલ આવી ગયો કે કોઈ એને જોઈ શકતું નથી !

એ ફટાફટ ઉપર ચડી ગયો અને બેડરૂમમાં જઈને મંત્રો બોલીને ફરી પાછો દ્રશ્યમાન શરીરમાં આવી ગયો.

જાનકી ઉપર આવી એટલે તરત એ બેડરૂમમાંથી બહાર આવ્યો.

"અરે તમે ક્યાં હતા ? હું તમને ક્યારની શોધું છું ? " જાનકી કેતનને જોઈને બોલી.

" હું તો બેડરૂમમાં જ હતો. " કેતન ઠાવકાઈથી બોલ્યો.

" અરે સાહેબ હું બેડરૂમમાં પણ આવી હતી અને વોશરૂમ પણ ચેક કર્યો ! તમે ક્યાં હવામાં અદ્રશ્ય થઈ ગયા હતા ? " જાનકી બોલી.

કેતનને પોતાની આ સિદ્ધિ વિશે જાનકીને કહેવાની ઈચ્છા થઈ પરંતુ અંદરની કોઈ અદ્રશ્ય શક્તિએ એને રોકી લીધો. એ બોલી જ ના શક્યો.

બપોરે આરામ કરીને ઉઠ્યા પછી ત્રણ વાગે ગોરેગાંવ સાઈટ ઉપર જવાની કેતનની ઈચ્છા થઈ. આજે જયેશ ઝવેરી સાથે પણ અદ્રશ્ય રહીને થોડીક મજાક કરવાની ઈચ્છાને એ રોકી શક્યો નહીં. ચા પણ ત્યાં જઈને જ પી લઈશ એવું એણે નક્કી કર્યું.

ગાડીને પોતે ચલાવીને એ ગોરેગાંવ ગયો. પ્લૉટની બહાર એણે ગાડી પાર્ક કરી અને પછી સિદ્ધ મંત્ર બોલીને ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલ્યો. એને વિશ્વાસ હતો કે હવે એને કોઈ જોઈ શકતું નથી !

ચાલતો ચાલતો જયેશની ઓફિસમાં ગયો અને જયેશની સામે જે ત્રણ ખુરશીઓ હતી એમાંથી એકમાં એ બેસી ગયો.

" જયેશ ચા મંગાવ. " કેતન બોલ્યો.

જયેશે આમ તેમ જોયું. પોતાની ચેમ્બરમાં તો કોઈ હતું જ નહીં. એણે કાચની વિન્ડોની બહાર જોયું. અવાજ તો કેતનભાઇનો જ હતો. એ ઉભો થયો અને બહાર પણ ચક્કર મારી આવ્યો પરંતુ કેતનભાઇ તો ત્યાં હતા જ નહીં. અવાજ તો પોતે સ્પષ્ટ સાંભળેલો હતો. એણે બહાર બેઠેલા ગગનને પૂછ્યું.

" અરે ગગન કેતનશેઠ આવેલા અત્યારે ? તેં જોયા એમને ? મને જાણે કે એમનો અવાજ સંભળાયો." જયેશે પૂછ્યું.

કેતન મનોમન હસી રહ્યો હતો. આ વિદ્યા આમ તો ખરેખર મજા આવે એવી છે. એનો દુરુપયોગ હું નહીં કરું કે કોઈના ઘરમાં પ્રવેશ કરીને મારે કોઈની ખાનગી વાતો પણ જાણવી નથી. પણ આવી નિર્દોષ ગમ્મત કરવામાં કોઈ વાંધો નથી.

એ પછી કેતન ઉભો થઈને બહાર ગયો. બંને જગ્યાએ જે કામ ચાલતાં હતાં ત્યાં એ ચક્કર મારી આવ્યો. કામ સરસ રીતે પ્રમાણિકતાથી ચાલી રહ્યાં હતાં. હિમાલયની પ્રતિકૃતિ જેવો ધ્યાન ખંડ પણ સરસ રીતે બની રહ્યો હતો એ એણે અંદર જઈને જોયું.

લાકડું માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી હિમાલયની નાની નાની ટેકરીઓ બનાવવામાં આવી હતી. સફેદ બરફ બતાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવવામાં આવ્યું હતું. છત ઉપર આકાશમાં તારા ચમકતા હોય અને સુંદર ચંદ્ર દેખાતો હોય એવું પણ દ્રશ્ય પેદા કર્યું હતું. આ બધું લાઇટિંગથી કરવામાં આવ્યું હતું. ટેકરીઓના નીચેના ભાગમાં લીલા રંગની જાજમોના ટૂકડા ચોંટાડીને ઘાસનો દેખાવ કરવામાં આવ્યો હતો અને એની ઉપર પ્લાસ્ટિકના છોડવાઓ રોપાતા હતા. નીચે ભોંયતળિયે પણ લીલા રંગની જાજમો કાપી કાપીને ચોંટાડવામાં આવી હતી.

હજુ કામ અધૂરું હતું પરંતુ બધું ફિનિશ થયા પછી અત્યંત સુંદર પ્રતિકૃતિ બની જશે એવું કેતનને લાગ્યું. જાણે કે હિમાલયના ખોળામાં ધ્યાન કરવા બેઠા હોઈએ !

૧૫ મિનિટ જેટલો સમય પસાર કરીને કેતન પાછો આવ્યો અને બહાર જઈને પોતાની ગાડીમાં બેઠો. મંત્રો બોલીને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો અને પછી ફરી બહાર નીકળ્યો.

એ સીધો જયેશ ઝવેરીની ચેમ્બરમાં દાખલ થયો. જયેશે ઉભા થઈને એને રિવોલ્વિંગ ચેર આપી. કેતન ત્યાં બેઠો અને જયેશ ઝવેરી સામે બેઠો.

" અરે હજુ સુધી તેં ચા નથી મંગાવી ? મેં ૧૫ મિનિટ પહેલાં તને કહ્યું હતું ને !" કેતને જયેશની સામે જોઈને કહ્યું.

"અરે પણ કેતનભાઈ તમે ક્યાં અહીં હતા ? હું તો બહાર જઈને પણ ચારે બાજુ જોઈ આવ્યો. તમારો અવાજ તો સંભળાયો હતો. " જયેશ બોલ્યો.

" હા પણ તો મેં તો અહીંથી ૧૦ ૧૫ કિલોમીટર દૂરથી ગાડીમાં બેઠાં બેઠાં જ તને સૂચના આપી હતી. " કેતન હસીને બોલ્યો.

"૧૦ ૧૫ કિલોમીટર દૂરથી ? પણ મેં તો તમે મારી સામે બેઠા હોય એટલા નજીકથી અવાજ સાંભળ્યો હતો. આટલે દૂરથી તો કેવી રીતે અવાજ મને સંભળાય ? " જયેશ મૂંઝાઈ ગયો.

" છતાં અવાજ સાંભળ્યો હતો ને ? " કેતન બોલ્યો.

" હા કબૂલ કરું છું. મેં ગગનને પણ પૂછ્યું. તમે હતા જ નહીં પછી ચા કેવી રીતે મંગાવુ ? " જયેશ બોલ્યો.

" મારી પાસે કેટલીક શક્તિઓ છે એવું મનસુખભાઈએ તને નહોતું કહ્યું ? " કેતન બોલ્યો.

" હા એવું એકવાર કહ્યું તો હતું કે એમના પડોશી મૃત્યુ પામ્યા હતા અને તમે જીવંત કરેલા. કોઈ કેન્સરના દર્દીને પણ સારા કરી દીધેલા. " જયેશ બોલ્યો.

" તો પછી ૧૦ ૧૫ કિલોમીટર દૂરથી તારી સાથે વાત ના કરી શકું ? હવેથી હું તારી સાથે ક્યારેક મારા ઘરેથી પણ વાત કરીશ. તને મારો અવાજ સ્પષ્ટ સંભળાશે. હવે ચા મંગાવ. " કેતન હસીને બોલ્યો.

" ગજબની શક્તિઓ છે તમારી પાસે કેતનભાઇ. મનસુખભાઈએ વાત કરી ત્યારે મને વિશ્વાસ જ નહોતો આવતો. મેં એની વાતો ઉપર શંકા કરી હતી." જયેશે પોતાની ભૂલ કબુલ કરી.

એણે બેલ મારીને ગગનને અંદર બોલાવ્યો અને બે ચા લઈ આવવાનું કહ્યું. ગગન કીટલી લઈને ચા લેવા માટે ગયો.

ચા આવી ગઈ એટલે બંને મિત્રોએ પી લીધી. કેતનને બીજું કંઈ કામ ન હતું એટલે ત્યાંથી ઘરે જવાના બદલે અંધેરી રવિ ભાટીયાની હોટલે ગયો.

રવિ પોતાની ચેમ્બરમાં જ બેઠો હતો. કેતનને અચાનક આવેલો જોઈને એ ખુશ થઈ ગયો. પોતાના મિત્ર મહેશ ઠક્કરના સસરાને જે વળગાડ હતો તે કેતને દૂર કર્યો હતો પરંતુ પોતે જ સિરિયસ થઈ ગયો હતો. એટલે એને પણ બહુ દુઃખ થયું હતું. પરંતુ કેતન કોમામાંથી બહાર આવી ગયો હતો અને આજે પોતાને મળવા પણ આવ્યો હતો. રવિને સારું લાગ્યું.

" વેલકમ કેતન. તું મને મળવા આવ્યો મને બહુ સારું લાગ્યું. બોલ ચા મંગાવું કે જ્યુસ મંગાવું ? મારી કેન્ટીનમાં બધું જ મળશે. " રવિ બોલ્યો.

" ચા તો મારી સાઈટ ઉપર પીને જ આવ્યો છું." કેતન બોલ્યો.

" ઠીક છે તો મોસંબીનો જ્યુસ મંગાવી લઉં છું. " રવિ બોલ્યો અને એણે કેન્ટીનમાં ઇન્ટરકોમ ફોન કર્યો.

" તારું કામ કેમ ચાલે છે સાઈટ ઉપર ? હોસ્પિટલનું બનાવવાનું પ્લાનિંગ તેં જબરદસ્ત કર્યું છે. એ એરિયામાં હોસ્પિટલ ખરેખર ખૂબ જ સરસ ચાલશે. બાજુમાં જ આટલી મોટી ફિલ્મ સિટી છે. એકાદ કિલોમીટર દૂર પેલી બાજુ દિંડોષીમાં મ્હાડાની વિશાળ કોલોની છે. હોસ્પિટલની સહેજ આગળ ફિલ્મ સિટી રોડ ઉપર આટલા બધા ફ્લેટ છે એટલે હોસ્પિટલ તો ચાલવાની જ. તું તું તો નોટો જ છાપવાનો છે. " રવિ બોલ્યો.

" નોટો છાપવા માટે હોસ્પિટલ નથી બનાવતો રવિ. લોકોની સેવા માટે આ શેઠ જમનાદાસ હોસ્પિટલ બની રહી છે જેથી નાનામાં નાનો માણસ પણ એનો લાભ લઇ શકે. પૈસા તો મારી પાસે એટલા બધા છે કે ક્યાં નાખવા એ પ્રશ્ન છે એટલે મને પૈસા કમાવવામાં કોઈ રસ નથી. બધું અહીંને અહીં મૂકીને જવાનું છે. મારા માટે તો જન સેવા એ પ્રભુ સેવા." કેતન હસીને બોલ્યો.

" તારી તો વાત જ ન્યારી છે કેતન. તારા વિચારો આટલા બધા સારા છે એટલા માટે જ તને આટલી બધી સિદ્ધિઓ મળી છે. " રવિ બોલ્યો.

" બસ જીવનમાં એક બે સારાં કામો કરી જાઉં. ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે તો લોકોનું જેટલું કલ્યાણ થઈ શકે એટલું કરવું. બાજુના બિલ્ડિંગમાં જીમ પણ બની ગયું છે ઉપર મફત ભોજનાલય પણ બની રહ્યું છે. અને એના ઉપરના માળે સાધુ-સંતોને રહેવા માટે ઉતારાની વ્યવસ્થા કરી છે. તો ચોથા માળે વૃદ્ધાશ્રમ ખોલવાનો વિચાર છે. સૌથી નીચે ધ્યાન કેન્દ્ર બનેલું છે. બે એક મહિના પછી એ પણ તૈયાર થઈ જશે તને ધ્યાનમાં રસ હોય તો વહેલી સવારે એકાદ વાર આવી જજે. હિમાલયનો અનુભવ થશે. " કેતન બોલ્યો.

" વાહ વાહ કેટલું બધું વિચારી રહ્યો છે તું !! એકાદ વાર ધ્યાન કેન્દ્ર જોવા તો ચોક્કસ આવીશ. જોકે તારી જેમ મને આધ્યાત્મિક બાબતોમાં એટલો બધો રસ નથી પડતો અને ધ્યાન તો હું ક્યારેય પણ કરી શકતો નથી. સંપૂર્ણ સંસારી જીવ છું. " રવિ બોલ્યો.

" તારો પેલો વલસાડ વાળો નંદુ તો હવે નોર્મલ થઈ ગયો છે ને ?" કેતન બોલ્યો.

" તને સોંપેલા બધા જ કેસ નોર્મલ થઈ ગયા છે. નંદુ પણ નોર્મલ છે. નેહા ભગત પણ નોર્મલ છે. પ્રાણશંકર ભટ્ટ પણ નોર્મલ છે. નંદલાલ ઠક્કરને પણ તેં નોર્મલ કરી દીધા. નંદુ તો અત્યારે ડ્યુટી ઉપર જ છે. હું બોલાવું એને." કહીને રવિએ રિસેપ્શનિષ્ટ ને અંદર બોલાવ્યો.

" જરા નંદુને મોકલ ને " રિસેપ્શનિષ્ટ આવ્યો એટલે રવિએ એને કહ્યું.

થોડીવારમાં જ નંદુ અંદર આવ્યો.

" જો આ કોણ આવ્યું છે ? " નંદુ અંદર આવ્યો એટલે રવિ બોલ્યો.

" અરે કેતન સર તમે !!" નંદુ કેતનને જોઈને એકદમ ખુશ થઈ ગયો અને નીચા નમીને એના ચરણ સ્પર્શ કર્યા.

" હવે તો કોઈ ડિપ્રેશન નથી ને ?" કેતન હસીને બોલ્યો.

" નહીં રે સાહેબ તમારી કૃપાથી હવે તો એકદમ નોર્મલ છું. " નંદુ બોલ્યો.

" બસ તને જોવા માટે જ બોલાવ્યો હતો. હવે મેં કેન્ટીનમાં મોસંબીના જ્યુસનો ઓર્ડર આપ્યો છે. જરા લઈ આવ." રવિ બોલ્યો.

નંદુ ગયો અને પાંચેક મિનિટમાં જ જ્યુસનો ગ્લાસ મૂકી ગયો.

"બીજા શું ખબર છે ? " કેતન બોલ્યો.

" બસ રૂટિન લાઇફ ચાલે છે. તું એકાદ કલાક મોડો પડ્યો હોત તો કદાચ ધક્કો પડ્યો હોત. મારો ૩૬ વર્ષની ઉંમરનો સાળો દર્શન અત્યારે એકદમ સિરિયસ છે. કમળામાંથી કમળી થઈ ગઈ છે. લીવર કામ કરતું નથી. ચાર દિવસથી વેન્ટિલેશન ઉપર છે. ડોક્ટરોએ આશા છોડી દીધી છે. અહીં ચાર બંગલા પાસે કોકીલાબેન હોસ્પિટલમાં એડમિટ કરેલો છે. હું ત્યાં જ જવાનો છું. " રવિ બોલી રહ્યો હતો.

" પાણીની જેમ પૈસા વપરાય છે. અત્યારે એનું વેન્ટિલેશન દૂર કરી દેવાનું છે. જીવી શકે એવી કોઈ શક્યતા નથી. મારી વાઈફ ત્રણ દિવસથી સતત ત્યાં જ છે. એકનો એક ભાઈ છે. સોફ્ટવેર એન્જિનિયર છે. એની વાઇફ બિચારી ખૂબ જ રડે છે. ૪ વર્ષની એની બેબી છે. " રવિ બોલ્યો.

" હું પણ નવરો જ છું. ચાલો આપણે બંને સાથે જઈએ." કેતન બોલ્યો.

" અરે ચોક્કસ. તું એના માટે કંઈ કરી શકતો હોય તો મને ખૂબ જ આનંદ થશે. મહેશ ઠક્કરના કેસમાં જે થયું એ જોઈને હવે મને તને કંઈ પણ વાત કરતાં ડર લાગે છે. જો કે અહીં તો તને કંઈ થઈ જાય એવી કોઈ શક્યતા નથી. દર્શન જો સારો થઈ શકતો હોય તો એના ફેમિલી ઉપર બહુ મોટી મહેરબાની થશે. પરંતુ એના તો છેલ્લા શ્વાસ ચાલે છે એટલે હું તને વધારે શું કહી શકું ? " રવિ બોલ્યો.

એ પછી બંને જણા બંને ગાડીઓ લઈને કોકીલાબેન અંબાણી હોસ્પિટલ પહોંચી ગયા.

ઉપર જઈને આઈસીયુ વોર્ડ પાસે ગયા. વોર્ડની બહાર જ હોલમાં રવિની પત્ની બેઠી હતી. રવિ એ એની ઓળખાણ કરાવી. જો કે કેતનના લગ્નમાં એ માટુંગા આવેલી એટલે જોઈને જ ઓળખી ગઈ હતી. એ પણ રડેલી હોય એવી એની આંખો દેખાતી હતી. દર્શનની વાઇફ પણ નાની બેબીને ખોળામાં લઈને બાજુમાં જ બેઠી હતી.

"તમે ચિંતા નહીં કરો. તમારો ભાઈ બચી જશે." કેતને આશ્વાસન આપ્યું. રવિએ એની વાઈફને કેતનની સિદ્ધિઓની વાતો કરી હતી એટલે અત્યારે કેતનની વાતથી એના દિલમાં આશાનું એક કિરણ પેદા થયું.

જો આ કેતનભાઇ મારા ભાઈને બચાવી શકતા હોય તો મારી આ યુવાન ભાભીની જિંદગી ફરી બની જશે. ચાર વર્ષની એની દીકરીને એના પપ્પા પાછા મળશે. ભાભી બિચારી દિવસ અને રાત રડ્યા કરે છે.

એ પછી રવિની વાઈફે એની ભાભીને કેતનની સિદ્ધિઓની વાત કરી અને આ ભાઈ દર્શનને બચાવી લેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ વાતથી એની ભાભીના રડતા દિલને એક આશ્વાસન મળ્યું !

સૌથી પહેલાં રવિ ભાટીયા પોતે અંદર જઈને પોતાના સાળાને જોઈ આવ્યો. અંદર રેસીડેન્ટ ડોક્ટર સાથે ચર્ચા કરીને દસેક મિનિટમાં પાછો આવ્યો. એ પછી કેતન પોતે એના સાળા દર્શનને જોવા આઈસીયુ વોર્ડમાં ગયો.

કેતને દર્શનને ધારીને જોઈ લીધો. એના માથે હાથ મૂક્યો અને પછી બે મિનિટ માટે ઉંડા ધ્યાનમાં સરકી ગયો. એણે પોતાના દિવ્ય ગુરુજીને યાદ કર્યા અને પોતાને મળેલી સિદ્ધિથી આ યુવાનને નવજીવન મળે એના માટે પ્રાર્થના કરી. એ પછી એ સિદ્ધિનો સંજીવની મંત્ર પણ ત્રણ વાર બોલી ગયો અને પોતાનો હાથ દર્શનના લીવર ઉપર મૂક્યો. બે મિનિટ માટે એ ત્યાં હાથ ફેરવતો રહ્યો અને પછી આત્મવિશ્વાસ સાથે બહાર આવ્યો.

"તારો સાળો નોર્મલ થઈ રહ્યો છે. વેન્ટિલેશન દૂર કરી દે. થોડીવારમાં જ એના શ્વાસોશ્વાસ નોર્મલ થવા લાગશે. આજે જ એને આઈસીઓ માંથી વોર્ડમાં ખસેડવામાં આવશે. આવતી કાલ સુધીમાં તો રજા પણ આપી દેશે."

કેતને બહાર આવીને બધાની સામે જ આ વાત કહી. ત્રણે ત્રણ જણાં કેતન સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં !

આ કેતનભાઇ કેવી વાત કરે છે ! એક બાજુ ભાઈના છેલ્લા શ્વાસ ચાલે છે એટલે વેન્ટિલેશન દૂર કરવાની ડોક્ટર વાત કરે છે. લીવર બિલકુલ કામ કરતું જ નથી અને આ કહે છે કે એ નોર્મલ થઈ રહ્યા છે ! એમને આજે વોર્ડમાં લાવવામાં આવશે -- રવિની વાઈફ વિચારી રહી.

એની ભાભી એટલે કે દર્શનની વાઈફને તો કેતનભાઇની વાત ઉપર કોઈ વિશ્વાસ આવ્યો ન હતો. આટલો મોટો ચમત્કાર તો કોઈ કરી શકતું હશે !!

પરંતુ કેતનની વાત સાંભળીને રવિને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે કેતને અંદર જઈને ફરી પાછો કોઈ જાદુ કરી દીધો છે ! દર્શન સો ટકા બચી જશે. કેતનની સિદ્ધિઓને એ જાણતો હતો.

રવિ બધાની હાજરીમાં કેતનને ભેટી પડ્યો.

" તને ઈશ્વરે આજે કદાચ દર્શનને જીવાડવા માટે જ મારી પાસે મોકલ્યો છે !! " રવિ આંખમાં આંસુ સાથે બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)