જ્યારે મિસ્ટર સેનનો ફોટોશૂટ માટે નેહાને ફોન આવ્યો હતો ત્યારે સંજોગવસાત નેહા હવેલીમાં જ હતી. હવેલીની અંદર નહીં પણ બહારના વિસ્તારમાં જે હવેલીનો જ એક ભાગ મનાય છે. હવેલીનો સંપૂર્ણ હિસ્સો લોકો માટે પ્રતિબંધિત નહી હોતાં અમુક વિસ્તાર લોકો માટે ખુલ્લો રખાયો છે. આથી ક્યારેક અમુક લોકો ત્યાં ફરવા માટે આવતાં. નેહા તેની બહેનપણી સાથે ત્યાં આવી હતી અને અચાનક જ જાણે તેના કિસ્મત ખુલી ગયા હોય તેમ મિસ્ટર સેનનો ફોન તેના પર આવ્યો હતો અને નેહાએ ખૂશીથી તકનો સ્વીકાર કર્યો હતો. પરંતુ નેહાને ત્યારે ખબર ન હતી કે તેને મયંક સાથે કામ કરવું પડશે. મયંકને તે લાંબા સમયથી ઓળખતી હતી આથી જ્યારે મયંક નું નામ પડ્યું ત્યારે તેના માનસપટ પર ભૂતકાળના કેટલાક સંસ્મરણો ઉપસી આવ્યા હતા. મયંકે પણ કદી સપને વિચાર્યું ન હતું કે નેહા સાથે તેની મુલાકાત થશે.
ગઈકાલે આવેલા સ્વપ્ન બાદ તો હવેલીમાં ફોટોશૂટ કરવાના વિચાર માત્રથી નેહા ડરની લાગણી અનુભવતી હતી. મયંક અને નૈતિકા વચ્ચે ફરી એકવાર હવેલીના પ્રોજેક્ટ પર કામ કરવાની બાબતે દલીલબાજી થઈ હતી. મયંકે તાર્કિક રીતે નૈતિકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ નૈતિકા પોતાની જીદ પર અડી રહી હતી. મયંકને જ્યારે લાગ્યું કે હવે તેનાથી વધારે દલીલ થઈ શકે તેમ નથી ત્યારે તે ગુસ્સામાં પોતાની મોટરસાયકલ લઈને ઘરની બહાર નીકળી ગયો હતો.
મોડી સવારનો આહ્લાદ્દ્ક સમય હતો. મોટરસાયકલ રસ્તાની બાજુમાં ઉભી રાખી મયંક સિગારેટના કસ ખેંચતા ખેંચતા નેહાને ફોન કરે છે પણ નેહા ફોનનો જવાબ આપતી નથી. કંટાળીને તે પોતાની સિગારેટ પુરી કરે છે અને હવેલી તરફ જવા મોટરસાયકલ દોડાવી મૂકે છે. થોડીવાર બાદ તે હવેલી એ પહોંચી જાય છે અને મોટરસાયકલ પાર્ક કરે છે. હવેલીની આસપાસ પહેલા મોટી દીવાલો હતી જે ક્યાંક ક્યાંક હવે ઝર્ઝરિત થઈ ગઈ છે અને ક્યાંક પડી ગઈ છે. પડી ગયેલ દિવાલોની આસપાસ ચારેય બાજુ થોડી બગીચા જેવી હરિયાળી છે. ત્યારબાદ બગીચાઓની પેલે પાર જંગલનો વિસ્તાર શરૂ થાય છે. હવેલીએ આવવા માટે મુખ્ય હાઈ-વેથી કાચા રસ્તે ૧૦ થી ૧૫ કિલોમીટર આવવું પડે. કાચો રસ્તો લગભગ જંગલમાંથીજ પસાર થતો હોય એવું લાગે છે. મોટરસાયકલ પાર્ક કરીને મયંક ફરી એકવાર નેહાને ફોન કરે છે પણ નેહા ફોન ઉપાડતી નથી. મયંક કાંડા ઘડિયાળ તરફ નજર કરે છે હવેલીની અંદર તરફ જવા નીકળે છે. અંદર જતાં જતાં તે આસપાસ નજર નાખે છે. તેને આશ્ચર્ય થાય છે કે આસપાસ ક્યાંય ચોકીદાર દેખાતો ન હતો.
મયંક હવેલીનાં મુખ્ય ઓરડામાં દાખલ થાય છે. વિશાળ અને ભવ્ય દિવાનખંડમાં મોંઘા લાકડાના ફર્નિચર અને દિવાલો પર કિંમતિ તૈલચિત્રો ટિંગાતા હતાં. ખૂણાંમાં પહેલાના સમયમાં વપરાતી જૂની મસાલો હતી. ફર્શ પર વિશાળ લાલ ઝાઝમ પથરાયેલી હતી જે હવે મેલી થઈ ગયેલી જણાતી હતી. સામેની બાજુ મોટી બંધ ઘડિયાળ ટિંગાઈ રહી હતી. પળવાર માટે આ ભવ્ય હવેલીની વિકરાળ શાંતિમાં પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. મયંકને કંઈક અવાજ આવે છે અને યાંત્રિક રીતે તે પાછળની તરફ જુએ છે. તેને નેહા આવતી દેખાય છે.
“ સોરી યાર હું લેટ થઈ ગઈ.” ઉતાવડે નજીક આવતા આવતા નેહા મયંકને કહે છે. કોઈ ભાવ વગર મયંક તેની સામે જોઈ રહે છે.
“ શું થયું? કેમ આમ જુએ છે! પહેલીવાર જુએ છે કે શું મને!” નેહા વાતાવરણ હળવું કરવા મજાક કરે છે.
“કંઈ નહી. કેટલા ફોન કર્યા. ફોન કેમ નથી ઉપાડતી?” મયંકના અવાજમાં ગુસ્સો હતો.
“ સોરી યાર. રસ્તામાં હતી એટલે” મયંક તેના જવાબની પરવા કર્યા વગર હવેલીનું નિરિક્ષણ કરવામાં વ્યસ્ત થઈ જાય છે.
“ આ દિવાનખંડ ફોટોશૂટ માટે કેવો રહેશે?” મયંક નિરિક્ષણ કરતાં કરતાં નેહાને પુછે છે.
“ ખબર નહી. એ નક્કી કરવાનું કામ તારુ છે. મારુ નહી” નેહા મજાકમાં જવાબ આપે છે. મયંક હંમેશની જેમ તેને અવગણે છે.
“કેટલી સુંદર હવેલી છે નહીં! આટલી સુંદર હવેલી જોઈને તને લાગે નહીં કે આ હવેલી શાપિત હશે” મયંક જાણે પહેલીવાર સાંભળતો હોય તેવો ડોળ કરે છે. “ તને ખબર છે આ હવેલી વિશે ઘણી ડરાવાણી વાતો ફેમસ છે”
“ તને ખબર છે ને હું આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતો”
“ખબર છે મને” નેહાને ગઈકાલનું સ્વપ્ન યાદ આવે છે. તે મૂંઝવણમાં હતી કે સ્વપ્ન વિશે મયંકને વાત કરવી કે નહી પણ અંતે હમણાં તેના વિશે વાત ન કરવાનું નક્કી કરે છે.
“ચાલ ઉપર જઈએ” ઉપરના માળે લઈ જતી સીડી જોઇને મયંક નેહાને કહે છે. વર્તુળાકારે ચડતાં પગથિયા ઉપરના માળે રહેલા પુસ્તકાલય તરફ દોરી જતા.
“તે કઈ વાત સાંભળી છે આ હવેલી વિશે?” મયંકે સીડી ચડતા ચડતા નેહાને પૂછ્યું.
“મેં સાંભળ્યું છે કે અહીં કોઈ સ્ત્રીએ આત્મહત્યા કરી હતી અને તેની આત્મા હજી પણ હવેલીમાં ભટકે છે. અમુક લોકોનું માનવું છે કે ખરેખર આત્મહત્યા નહીં પણ હત્યા હતી. નેહાએ ગમ્ભીર અવાજમાં જવાબ આપ્યો.
“ મેં પણ એવુ સાંભળ્યુ છે કે અહીં કોઈ રાજકુમારી રહેતી જેની હત્યા કરવામાં આવી હતી” તેઓ વાતો કરતા કરતા ઉપરના માળે પહોંચે છે. સીડીની જમણી બાજુ પુસ્તકાલય હતું. આગળ તરફ્નો રસ્તો અન્ય કક્ષો તરફ લઈ જતો. અહીં અન્ય એક સીડી હવેલીની છત પર દોરી જતી. તેઓ આજુબાજુ નજર નાખતાં પુસ્તકાલયમાં પ્રવેશે છે.
પુસ્તકાલય ખૂબ જ ભવ્ય અને સુંદર હતું. કિંમતી લાકડાઓમાંથી બનાવેલ કબાટોમાં પુસ્તકો હતા. અમુક પુસ્તકો પર ધૂળ ચડી ગઈ હતી. નીચે ફર્સ પર લાલ ઝાઝમ પથરાયેલી હતી. બરાબર વચ્ચે જ ઉપરની બાજુ એક મોંઘોદાટ ઝુમ્મર લટકતો હતો. દિવાલ પાસે બેસીને વાંચી શકાય એના માટે આરામદાયક સોફા અને ખુરશી રાખવામાં આવ્યા હતાં. નેહા નજીકના એક સોફા પર પોતાનું શરીર ઢાળી દે છે.
“લાગે છે બહુ જૂની જૂની ચોપડીઓનું કલેક્શન છે” નેહા પુસ્તકો તરફ નજર નાખતા કહે છે.
“ હા પેલી આત્માને વાંચવા માટે રાખી હશે” મયંક રમૂજમા જવાબ આપે છે.
“બસ હવે. એવી વાતમાં મજાક ના હોય” નેહા સોફા પરથી ઊભી થઈ સામે રહેલા એક કબાટ તરફ જાય છે અને તેમાં રહેલ ચોપડીઓ જોવા લાગે છે. એવામાં તેની નજર છેલ્લે ખૂણામાં રહેલ એક ચોપડી પર પડે છે. નેહા કુતુહલવશ તે ચોપડી હાથમાં લે છે. મયંક તેને જોઈ રહે છે. તે ચોપડી નહી પણ એક ડાયરી હતી.
“ આ તો કંઈક ડાયરી જેવું લાગે છે.” નેહા ડાયરીના પાના ફેરવતા ફેરવતા જવાબ આપે છે.
“શેની ડાયરી?”
“ખબર નહી.”
નેહા ડાયરીના પાના ફેરવતી જાય છે અને મયંક જુએ છે કે અચાનક જ તેણીના ચહેરાના ભાવ બદલાઈ જાય છે. વાતાવરણમાં કંઈક અલગ ઉર્જા પ્રવેશી હોય તેવું અનુભવાય છે. પાના વાંચીને જાણી નેહાનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયું હોય તેવું લાગે છે.
“શું લખ્યું છે તેમા?” મયંક નેહાને પૂછે છે.
“ખબર નહીં” આ અવાજ જાણે નેહાનો ન હતો. એકદમ ભારે હતો. મયંક તે નોટીસ કરે છે.
“ ખબર નહી કંઈ સમજમાં નથી આવતુ” ફરી નેહાએ કહ્યુ. મયંકે કાઈ પ્રત્યુત્તર ન આપ્યો. મયંક ને લાગ્યુ કે તેની પાછળ કોઇ છે. તે જોવા માટે ઝડપથી પાછળ ફરે છે પણ પાછળ કોઇ હતુ નહી. તે પાછો નેહાની તરફ જુએ છે.
“ શું તુ સાચે જ જાણવા માંગે છે?” એક વિકરાળ અવાજ આવે છે.નેહાના ચહેરાના હાવભાવ સમ્પૂર્ણ બદલાઈ ગયા હતાં. તેણીની આંખો પહોળી થઈ ગઈ હતી. મયંકને લાગ્યુ કે તે વિકરાળ અવાજે જાણે તેના કાનના પડદા ફાડી નાખ્યા હતા.
“શું થયું નેહા?” મયંકે મહામુસીબતે અવાજ કાઢી પૂછ્યુ. અવાજ કાઢી પૂછ્યું.
“હું નેહા નથી” પેલા વિચિત્ર અવાજે જવાબ આપ્યો. આ બધુ એટલુ ઝડપથી બન્યુ હતુ કે મયંકને સમજમા આવતુ ન હતુ કે શુ ચાલી રહ્યુ છે. નેહા નુ વિચિત્ર સ્વરૂપ જોઇને તેનુ શરીર કાંપી રહ્યુ હતુ. તેને લાગતુ હતુ કે જાણે હમણા તેના પગ નીચેથી જમીન સરકી જશે.
“ને....હા......”
“મે કહ્યું ને કે હું નેહા નથી”
સ્નેપ.
આ વખતે અવાજ પહેલા કરતા પણ વધારે વિકરાળ હતો. એટલો વિકરાળ કે તે સાંભળીને મયંક સભાનતા ગુમાવી ચુક્યો હતો. તે નેહાની વિચિત્ર રીતે પહોળી થઈ ગયેલી આંખો ને જોતો જોતો બેહોશ થઈ જમીન પર પડે છે. જમીન પર પડતા પડતા તેના મગજમાં માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો.
“ શુ હતુ તે?”