શીર્ષક : દેવો ભૂત્વા દેવમ્ યજેત્
©લેખક : કમલેશ જોષી
‘કહીં તો હૈ સપના, કહીં પર યાદ, કહીં તો હસી રે, કહીં ફરિયાદ, પલછીન પલછીન...’ તમને આ પંક્તિઓ યાદ છે? શું તમને ‘ગુરુ, કાદરભાઈ, હરી, ખોપડી, રાધા, ગણપત હવાલદાર’ વગેરે પાત્રો યાદ છે? અરે, અરે ક્યાં ખોવાઈ ગયા? સ્કૂલના શિક્ષક કે બેન્કના મેનેજરમાંથી અચાનક મોટી બહેનની આંગળી પકડીને શેરીમાં નીકળતો કે મમ્મીના ખોળામાં માથું ટેકવી ટીવી સામે જોતો નાનકડો ટપુડિયો બની ગયા? યેસ, પહેલી પંક્તિ ‘બુનિયાદ’ સિરીયલનું ટાઈટલ સોંગ છે અને એ પછી આપેલા પાત્રોનું લીસ્ટ એટલે 'નુક્કડ' સિરીયલના કલાકારો. આજથી ત્રણ ચાર દસકાઓ પહેલા, એંસી નેવુંના દસકામાં દૂરદર્શન પર ચાલતી આ સિરીયલ્સ ભારે ફેમસ હતી. કેટલીક પંક્તિઓ, કેટલાક પાત્રો, કેટલાક જૂના મિત્રો-પરિચિતો, કેટલાક જૂના વિસ્તારોમાં ટાઈમ ટ્રાવેલ કરાવવાની ગજબ ક્ષમતા હોય છે. બાળપણનો ફોટો, ઘુઘરીયાળો બાવો, બે કાન વચ્ચે માથું, સતરસીંગો, હાબડૂક કોળિયો વગેરે એવા કી વર્ડ્સ જેવા મંત્રો છે જે બોલવા માત્રથી જ તમારું મન બાળપણની નિર્દોષ ગલીઓમાં ખુલ્લા પગે બેફામ બની દોડવા માંડે. જે તરકીબો આપણને સાવ સાચુકલી લાગતી અને આપણો અકસીર ઈલાજ કરતી એ તરકીબો મોટપણે પણ એવી જ સફળ થતી હોત તો કેવું સારું થાત નહીં? દોડતા દોડતા ‘ભફ’ થઈ ગયેલા આપણે જે ‘ભેંકડો’ તાણીએ એ શાંત કરાવવા માટે કોણ જાણે કેટલી કીડીઓ બિચારી મરી હશે નહિ?
કોલેજ કેન્ટીનમાં એક દિવસ અમે બાળપણની આવી જ વાતોએ ચઢી ગયા હતા ત્યારે ટીખળી મિત્રે કહેલી વાત આજે પણ યાદ કરું છું તો હસી પડાય છે. એણે કહેલું “બાળપણમાં એક દિવસ મારી મમ્મી અને મોટીબહેનને વાત કરતા મેં સાંભળ્યા. એક વાક્ય મને ગજબ લાગ્યું, 'પાછલી શેરીમાં રહેતા રમીલા માસીની મધુડીએ બોમ્બ ફોડ્યો.' મેં ટીવીમાં જોયું હતું. દાઢી વાળા ગુંડાઓ કાવતરું કરી કોઈ નેતાની મોટરમાં કે કોઈ સભામાં ઘુસી બોમ્બ ફોડતા. મને મધુડી ગુંડો હોય એવું લાગ્યું. દિવસો સુધી હું પાછલી શેરીમાં નહોતો ગયો. એક દિવસ મધુડી મારી મોટી બહેનને મળવા આવી ત્યારે હું બારણા પાછળ સંતાઈ ગયો હતો. મારે એ ગુંડીને જોવી જ નહોતી. પણ એ તો મારા માટે ચોકલેટ લાવી હતી. મેં એને જોઈ. એને દાઢીયે નહોતી અને એ બિહામણી પણ નહોતી. એ તો રૂડી, રૂપાળી પરી જેવી હતી. પછીથી મને ખબર પડી કે એણે ‘લવ મેરેજ’ કરવાનો બોમ્બ ફોડ્યો હતો.” અમે સૌ હસી પડ્યા ત્યાં સમજુ મિત્રે એક કિસ્સો સંભળાવ્યો, “બાળપણની મારી એક વાત મને યાદ છે. એક દિવસ મારા મમ્મીએ પપ્પાને કહ્યું, આપણે ત્યાં જે કામવાળા બહેન આવે છે એનો પતિ રાક્ષસ છે, રાક્ષસ. હું તો હચમચી ગયેલો. મને તો માથે બે શિંગડા અને મોટા દાંતવાળો, જીથરાળા વાળ, કાળો ભમ્મર દેહ અને અટ્ટહાસ્ય કરતો રાક્ષસ દેખાવા લાગ્યો હતો. પણ એક દિવસ કામવાળા બહેનને મૂકવા એનો પતિ આવ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર નહોતો. એ રીક્ષા ચલાવતો. મસ્ત મિથુન ચક્રવર્તી જેવા ઘૂઘરિયાળા વાળ અને પાટલુન-ટીશર્ટ પહેરેલો એ ફિલ્મી હીરો જેવો લાગતો હતો. પછીથી મને ખબર પડી કે એ દારૂ પીતો, જુગાર રમતો અને ક્યારેક એની ઘરવાળી એટલે કે અમારી કામવાળીને ધોકાવતો, ઘરમાં બુમાબુમ કરતો.” અમને બાળપણના કન્ફયુઝન વાળી વાતોમાં મોજ આવવા લાગી હતી. ત્યાં ગંભીર મિત્રે કહ્યું, “હું મારો એક કિસ્સો કહું. એક દિવસ મારા પપ્પા મને એમના સરના ઘરે લઈ ગયેલા. એ ઘણી વાર કહેતા કે મારા સાહેબ તો દેવદૂત છે દેવદૂત. મેં ટીવીમાં દેવતાઓને જોયા હતા. સોનેરી લાંબા વાળ, માથે મુગટ, ગાળામાં હાર, માથા પાછળ ફરતું ચકેડું ને એવું બધું મને મારા પપ્પાના સાહેબમાં દેખાશે એવી મને કલ્પના હતી, પણ આ શું? સાહેબ તો જીન્સ ટીશર્ટ પહેરી, ગાંઠિયા જલેબી ખાતા હતા ! પછીથી મને ખબર પડી કે મારા પપ્પા દસમું-બારમું ભણતા ત્યારે એમની આર્થિક સ્થિતિ નબળી હતી અને આ સાહેબે એક પણ પૈસો લીધા વિના મારા પપ્પાને ટ્યુશન આપ્યું હતું અને પપ્પાને બંને વખતે ડિસ્ટીંક્શન માર્ક આવ્યા હતા." ગંભીર અટક્યો અને અમે સૌએ તાળીઓ પાડી.
તે દિવસે કોલેજમાં તો લાગ્યું કે બાળપણ કે કિશોરાવસ્થા કેટલી બધી કન્ફયુઝનથી ભરેલી હોય છે ! આપણે માનીએ છીએ કે બોમ્બ વિસ્ફોટ માટે કેટલાક સ્ફોટક પદાર્થોની જરૂર પડે પણ વાસ્તવમાં કેટલાક શબ્દો કે વાક્યો કે કેટલાક નિર્ણયો પણ ઘરમાં-પરિવારમાં બોમ્બ વિસ્ફોટ સર્જતા હોય છે. આવા વિસ્ફોટથી ઘરની દીવાલની તો કાંકરીયે નથી ખરતી, પણ પરિવાર આખો વેરણ છેરણ થઈ જતો હોય છે, તબાહ થઈ જતો હોય છે. આપણે માનીએ છીએ કે રાક્ષસ એટલે ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ કરતો બિહામણો દાનવ પરંતુ વાસ્તવમાં જયારે કોઈ વેલ ડ્રેસ્ડ, ભણેલો ગણેલો, પર્સનાલીટી ડેવલપમેન્ટ કોર્સનો ટોપર, સ્માર્ટ વ્યક્તિ માણસાઈને નેવે મૂકી, કોઈના પૈસા, નોકરી, આબરૂ કે વ્યક્તિત્વને ખાઈ જાય છે ત્યારે એ ‘માણસાઈ ગંધાય માણસાઈ ખાઉં’ એટીટ્યુડ વાળો વ્યક્તિ ભગવાનનો ગુનેગાર બની જાય છે. આપણે માનીએ છીએ કે દેવદૂતો તો સ્વર્ગમાં, મોટા સિંહાસનો પર બેઠા-બેઠા બાવન જાતના પકવાન ખાતા હોય પણ વાસ્તવમાં કોઈ સાધારણ વ્યક્તિ મદદનો હાથ લંબાવે છે, બ્લડ કે અંગો ડોનેટ કરે છે કે નિઃસ્વાર્થભાવે ફ્રી કોચિંગ કે ટ્રેનીંગ આપે છે અથવા તો ખાલી બાજુમાં ઊભો રહી સધિયારો આપે છે ત્યારે મદદ લેનારને એનામાં જીવતા જાગતા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.
મિત્રો, આફતના બે પ્રકાર હોય છે. એક સામૂહિક આફત અને એક વ્યક્તિગત આફત. બિપરજોય વાવાઝોડું કે કોરોના મહામારી જેવી સામૂહિક આફત તો ક્યારેક આવતી હોય છે પરંતુ વ્યક્તિગત આફત તો દરેક પરિવારને ઘેરીને ત્રણસોને પાંસઠ દિવસ બેઠી હોય છે. ચોમાસામાં જેમ કોઈ વિસ્તાર પર આભ ફાટે છે એમ જ કોઈ પરિવારનો મોભી મૃત્યુ પામે ત્યારે એના ઘર પર પણ ‘આભ ફાટ્યા’ જેટલી જ અસર થતી હોય છે. નોકરીમાંથી પાંચ પંદર પચ્ચીસ જણાની છટણી થાય એ, એ પરિવારો માટે ‘ધરતી કંપ’થી સહેજ પણ નાની દુર્ઘટના નથી હોતી. એક ઍક્સિડેન્ટ પણ આખા ફેમિલીને દિવસો સુધી શૉક આપ્યા કરતો હોય છે. આપણી આસપાસના દસ-પંદર કે પચ્ચીસ ઘરનો વિચાર કરશો તો ક્યાંક કોઈ હસબંડ-વાઈફ વચ્ચે યુદ્ધ છેડાયું છે તો ક્યાંક ભાઈઓ વચ્ચે તોફાન સર્જાયું છે. કોઈ પરિવાર આવનારી આફતની પ્રતીક્ષા કરતો ટાઈમ બોમ્બ પર બેઠો છે તો કોઈ ઓફિસમાં ઈમાનદાર કર્મચારી છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. આજનો રવિવાર માત્ર એકાદ ફેમિલી, એકાદ શેરી મિત્ર કે ઓફિસ મિત્ર કે એકાદ અજાણ્યા વ્યક્તિને તમારી ખુશીઓમાં શામિલ કરીને, તમારી થાળીમાંથી અર્ધું પીરસીને, બે'ક મીઠા શબ્દોનું મોટીવેશન આપીને, સહેજ હૂંફ, ઉષ્મા, ઉત્સાહ આપીને બે-પાંચ ક્ષણો પૂરતા કાનુડો બની જઈએ તો કેવું? શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવો ભૂત્વા દેવમ્ યજેત્. દેવતાની પૂજા દેવતા જેવા બનીને કરવી જોઈએ. આપણે જન્માષ્ટમીએ કાનુડાની પૂજા કરવી હોય તો એકાદ ડગલું તો એ દિશામાં માંડવું જોઈએ કે નહિ?
મિત્રો, એ ખરું કે આપણને સમાજના ઘણા રાક્ષસો નડ્યા હશે પરંતુ દર વખતે આપણને બેઠા કરનાર દેવદૂત પણ આપણી શેરી, સોસાયટી અને સમાજમાંથી જ મળ્યા છે ને? આજનો રવિવાર આપણે કોઈના માટે કાનુડાનો, દેવદૂતનો ટચુકડો રોલ ભજવીએ તો કેવું? જય શ્રી કૃષ્ણ, હેપ્પી શ્રાવણમાસ.
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)