Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 94 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 94

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 94

(૯૪) ભારતીય સંસ્કૃતિના મહાન લોકનાયક

મહાકવિ સંત તુલસીદાસ.

જન્મ : અવહેલનાનો આરંભ :

 

         યમુના નદીના નીર શ્યામ છે માટે એને કાલિંદી પણ કહેવામાં આવે છે. એ કોઇ માનુની રાજકન્યા જેવી, અરે દ્રોપદી જેવી જાજવલ્યમાન દેખાય છે. એનો વિશાળ પટ જોઇને જ આંખો તૃપ્તિ અનુભવે છે. એના કિનારે રાજાપુર ગામ પોતાની જાહોજલાલીની ચાડી ખાતુ હતું. ત્યાના રાજગોર આત્મારામ દુબે મૂળ દુબેપુર ગામના હતા પરંતુ પેટિયુ રળવા રાજાપુર આવ્યા હતા. તેઓ પ્રખર કર્મકાંડી અને જ્યોતિષી હતા. આસપાસના પંથકમાં તેમનો ભારે આદર હતો. દરબારગઢમાં એમના આદર હતા. વિદ્યાપતિ હતા એટલે લક્ષ્મીપતિ ક્યાંથી હોય? છતાં ખાધેપીધે સુખી હતા.

         હુલસીદેવી જેવી સુશીલ, રૂપવતી અને ગુણવંતી પત્નીને પામીને પંડિતજી પોતાના ગૃહસ્થાશ્રમનું નાવ સંતોષ અને આનંદપૂર્વક હંકારી રહ્યા હતા. બંનેનો પરસ્પર બેહદ પ્રેમ હતો. હુલસીદેવીના ગામની જ એક વિધવા યુવતી ચુનિયા તેમને ત્યાં દાસી તરીકે કામ કરતી હતી. પરણ્યાના બીજે જ વર્ષે રોગચાળામાં પતિને ગુમાવી બેઠેલી આ વિધવાને હુલસીદેવીએ પ્રેમથી રાખી હતી. એ જમાનામાં ઉદરપૂર્તિ માટે સખત પરિશ્રમ કરવો પડતો. ચુનિયાની સાસુએ આત્મારામ દુબેને ત્યાં જવા માટે આથી સહર્ષ સ્વીકૃતિ આપી હતી.

         સમય વીતતા પંડિતજીને ત્યાં, હુલસીને ગર્ભ રહ્યો. આવનાર અતિથિની કલ્પનાથી સૌના હૈયા પ્રફુલ્લિત થતા હતા.

         સાંજનો સમય હતો. પંડિતજીનો સમગ્ર પરિવાર ઉચાટ અનુભવી રહ્યો હતો. કારણ કે ગૃહલક્ષ્મી હુલસીદેવીને સગર્ભાવસ્થાના બારમાસ વીતી ગયા હતા. સંતાનનો પ્રસવ થતો ન હતો. ઓશરીમાં બેઠાબેઠા પંડિતજી શાસ્ત્ર વાંચન કરી, મનના ઉચાટનું શમન કરી રહ્યા હતા. તે દિવસ હતો સંવત ૧૫૫૪ નો શ્રાવણ માસના શુક્લ પક્ષની સાતમનો. અચાનક ઘરની બાઈ બરાડો પાડતી આવી પહોંચી.

         “પંડિતજી, પંડિતજી, આપ અંદર પધારો. એક બહુ ચમત્કારી બનાવ બની ગયો છે બાઈજીને પુત્ર અવતર્યો છે. તે.... તે વિચિત્ર ચાળા કરે છે.”

         પંડિતજી દુ:ખી દુ:ખી થઈ ગયા. સામાન્ય સમય કરતાં વધુ સમયે પ્રસવ થયો અને તેમાં પણ કાંઈક વિચિત્રતા છે. તેનો આભાસ પેલી બાઈના બોલવા પરથી એમને આવી ગયો. શુધ્ધ ચારિત્ર્યશીલ, પારાશરગોત્રના સરયુપારી બ્રાહ્મણ આત્મરામ પામી ગયા કે, બાળકમાં કશુંક અસાધારણ છે.

         એમને મહાભારતને એક પ્રસંગ યાદઆવી ગયો. ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાના પ્રસવકાળનો. અભિમન્યના જન્મ સમયનો. બાળક કદાચ આસુરીવૃત્તિનો હોય તો? આ શંકા કર્મકાંડી પંડિતને સતાવી ગઈ.

         બાળકને જન્મતાંજ બત્રીસે દાંત દેખાય. તે શુદ્ધ ઉચ્ચારે “રામ” બોલવા માંડ્યો. એના શરીરનો વિકાસ જન્મ સમયેપણ પાંચ વર્ષના બાળક જેટલો જણાતો હતો.

         ખીરમાં ગરોળી પડે અને આનંદ ઢોળાઈ જાય એમ પુત્રજન્મની ખુશાલી આવી વિચિત્રતાઓના કારણે ખિન્નતામાં ફેરવાઈ ગઈ. તરતજ તેમણે ટિપણું કાઢ્યું અને જોયું તો બાળકનો જન્મ જયેષ્ઠા નક્ષત્રના પ્રથમ ચરણમાં થયો હતો. હવે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવી માન્યતા છે કે, જો આવું બાળક જીવતું રહે તો ત્રણ દિવસ પછી બધાએ ભેગા મળી યોગ્ય નિર્ણય લેવો કારણ કે મૂળ નક્ષત્રમાં પુત્ર જન્મની ઘડીએ અનિષ્ટની નિશાની છે. એવા પુત્રની માતાપિતા અને કૂળને હાનિ પહોંચે છે. પંડિતજીએ આસપાસના ગામોના જ્યોતિષીઓને ભેગા કર્યા. આવી અસાધારણ સ્થિતિવાળું બાળક અલ્પજીવી હોય છે. જો બાળક અલ્પજીવી નીવડે તો સમસ્યાનું સમાધાન આપોઆપ મળી આવે. પરંતુ નવાઈની વાત એ બની કે, બાળક જીવી ગયું.

 

દુકાળમાં તેરમો માસ : માતાનું અકાળ અવસાન -

         પિતા પુત્રના દર્શન કરવા પણ આતુર નથી. ઉલ્ટું પુત્રના જન્મથી ઉભી થયેલી પરિસ્થિતિમાં પતિ વેદનાની તીક્ષ્ણ ધારે વધેરાઈ રહ્યા છે એવું જાણીને પતિવ્રતા હુલસીદેવી, જે તેરમા માસે પુત્રજન્મ આપી પ્રસવ-વેદનામાં પિડાતી હતી તેના દુ:ખમાં અનેકગણો વધારો થયો.

         જગતમાં જ્યારે જ્યારે પિતા અને પુત્રના વિગ્રહો થાય છે ત્યારે ત્યારે સૌ પ્રથમ જનનીને વેદનાની ચક્કીમાં પિસાવું પડે છે. તુલસીદેવી બિમારીમાં સપડાયા આ બિમારી શારીરિક અને માનસિક બંને પ્રકારની હતી. આ બિમારી પ્રાણ ત્યાગ જ કરાવશે એવી પ્રતીતિ થતાં માને બીજી એક ચિંતા સતાવવા લાગી. મારા બાળકનું શું થશે? જેના લલાટે જન્મતાની સાથેજ ખોડપગાની કાલીમાં ચોંટી ગઈ છે, એ બિરૂદ એને ક્યાંય ચેન પડવા નહિ દે.

         પતિ વહેમ અને વિષાદના વમળમાં ઘેરાઈને પુત્રનું મુખ તો શું, એના અસ્તિત્વનો પણ પોતાના માટે અનિષ્ટકારી ગણવા લાગ્યા છે. એવા સમયે હું મરણ પામીશ તો કદાચ એ પણ આ બાળકના પગલાનું ફળ માનશે.

         બધાનું ઓસડ હોય પરંતુ વહેમનું ઓસડ હોતું નથી. ગામમાં વહેમની માત્રા પુષ્કળ હતી. વહેમની પ્રબળતા સુષુપ્ત પુત્ર પ્રેમને દબાવી દેશે. આથી હુલસીદેવી પુત્રના જીવનને સુરક્ષિત રાખવા ચિંતિત બની.

         તે વિચારવા લાગી. પોતે જીવે છે ત્યાં સુધી તો બાળકને કોઇપણ પ્રકારે બચાવી શકશે. પરંતુ પોતાના મૃત્યુ પછી શું? કોઇપણ ઉપાયે બાળકને અહીંથી હટાવે જ છુટકો. ચુનિયા દાસી તેની વિશ્વાસપાત્ર દાસી હતી. તેને પોતાની પાસે બોલાવીને કહ્યું.

         “મારૂં આયુષ્ય હવે ક્ષણિક છે. હું સ્પષ્ટ જોઇ રહી છું કે, મારા મૃત્યુ બાદ મારા બાળકનું આ ઘરમાં કોઇ સ્થાન નથી. આજ ક્ષણથી તું આ બાળકની માતા બની જા. તું અહીંથી તારી સાસુને ત્યાં હરિપુરા ચાલી જા. ત્યાં જઈને મારા તમામ દાગીના વડે આ બાળકને ઉછેરીને મોટો કરજે. આમ માતા હુલસીદેવીએ શાસ્ત્રવચનની બદહજમીથી પિડાતા પતિના પંજામાંથી બાળકને છોડાવ્યો.

         સંવત ૧૫૫૪ ના શ્રાવણ માસની શુક્લપક્ષની બારસની સવારે, પુત્રને ભગવાનના ભરોસે મુકીને હુલસીએ દેહત્યાગ કર્યો. માતાએ પુત્રની અંતિમ વિદાય લીધી. એ દ્રશ્ય વેદના સભર હતું. વિશાળ સંસારમાં પુત્રને મુકીને, પુત્ર જ્યારે ચુનિયા સાથે ચાલ્યો ગયો ત્યારે હુલસીએ સ્વર્ગના પંથે પ્રણાય કર્યું.

પાલકમાતાનું અકાળ અવસાન :

         જન્મ સમયે બાળકે સ્પષ્ટ રીતે “રામ” નો ઉચ્ચાર કર્યો એટલે એ બાળકનું નામ રામબોલા રાખવામાં આવ્યું.

         રામબોલાને સાથે લઈને આવેલી વિધવા પુત્રવધુને જોતાં જ સાસુએ પૂછપરછ કરી. બધી હકીકત જાણી છતાં બાળકના સોહામણા હાસ્યે અને નિર્દોષ મુખે સાસુનું મન પિગળ્યું અને ચુનિયાને પોતાની સાથે બાળક રામબોલાને ઉછેરવાની રજા આપી. એક તાજી વિયાયેલી ગાય એમની પાસે હતી. એનું તાજું દૂધ બાળક રામબોલાને મળવા લાગ્યું.

         રમતો, કૂદતો, નાચતો, ખડખડાટ હસતો બાળક પાંચ વર્ષને પાંચ માસનો થયો. કમળની બિડાયેલી પાંખડીઓમાં ફસાયેલો ભ્રમરો વિચારે છે કે હવે થોડા સમયમાં રાત્રિનો અંધકાર ઓગળી જશે. સૂર્ય પૂર્વમાં ઉગશે અને એના કિરણોથી કમળની પાંખડીઓ ખીલશે અને હું ગુંજન કરતો ઉડી જઈશ. આઝાદ થઈ નીલ ગગનમાં વિહરીશ. પણ હાયરે ભાવિ! એક મદોન્મત્ત હાથી આવ્યો અને એણે કમળ પર પગ મૂક્યો. કમળતો ચગદાઈ ગયું પણ સાથે સાથે પેલા કમળની પાંદડીઓમાં ફસાયેલો ભમરો પણ ખતમ થઈ ગયો. બાળક રામબોલાની કમનસીબીનો હજુ પણ અંત ન હતો. એની કમનસીબીનો એક વધુ ઓથાર છવાઈ ગયો. ચુનિયાને સાપે ડંખ દીધો અને એ મરણ પામી ચુનિયાની સાસુ તો પ્રથમથી જ પ્રભુના ધામમાં પહોંચી ગઈ હતી. પૂર્વ ઇતિહાસતો ગામ લોકો જાણતા જ હતા. આથી પંથકના લોકોએ બાળકને “કમનસીબ” “ખોડ પગો” ગણી લીધો. લોકો કહેવા લાગ્યા. “જન્મના પાંચમા દિવસે માંને ભરખી, પાંચ વર્ષને પાંચ મહિને પાલકમાતાને ભરખી, નક્કી, આ બાળક જ્યાં જશે ત્યાં આપત્તિઓનો ગંજ ખડકી દેશે. વિનાશના વાદળો વરસાવશે.”

રામબોલાને રાખવા પિતાનો ઇન્કાર:

         હરિપુરા ગામના લોકોએ ભયાનક બલાને ટાળવા પંડિત આત્મારામને દાસીના મરણની અને રામબોલાના અનાથપણાની ખબર આપી. વિનંતી કરી કે, “બાળકને લઈ જાઓ. પિતા હોવા છતાં બાળક અનાથ કહેવાય એ કેવી વિડંબણા રામબોલાને આપના છત્રની છાયા આપો.”

         પંડિત આત્મારામ પૂરા વેદિયા નીકળ્યા. એમને થયું કે? અનિષ્ટ ગ્રહવાળો બાળક ઘરમાં આવશે તો ઘરનું ધનોતપનોત નીકળી જશે. બાળક રામબોલાને પોતાના ઘરમાં સહારો આપવાનો સાફ ઇન્કાર કરતાં કહેવડાવ્યું કે, “જન્મતાની સાથેજ જનેતાને ખાઈ ગયો. પછી પાલકમાતાને ખાઈ ગયો. એનો તો મેં ત્યાગ કર્યો છે. હવે પછી કદી હું એને સંઘરૂં નહીં ભલે એનું જે થવાનું હોય તે થાય.” આમ પિતાએ ફરી પણ મુખ સુદ્ધાં જોવાનો ઇન્કાર કયો, સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ. સૌ વિચારવા લાગ્યા. સગા બાપનો આ જવાબ! શ્રેષ્ઠ બ્રાહ્મણકૂળનો પંડિત પણ વહેમ, સ્વાર્થ અને ખોટી પંડિતાઈના અંધકારમાં કેવો ગુંગળાઈ જાય છે? એનો આ જીવંત નમૂનો છે. બાળક રામબોલા માટે પરિસ્થિતિ વિકટ બની, વિસ્ફોટક બની. હવે એને રોટલા અને ઓટલાના ફાંફા પડવા માંડ્યા સાચેજ, સરોવર સુકાઈ જાય, પંખીઓ ઉડી જાય, કારણ કે એમને પાંખો છે. બીજે ક્યાંક આશરો ખોળી લે. પરંતુ ગરીબ બિચારી માછલી જે પંખહીન છે તે ક્યાં જાય ? એના ભાગ્યમાં તો સરોવરનું પાણી સુકાતા મોત જ લખેલું હોય છે. ખોડ પગો જાહેર થયેલો બાળક ટાઢ, તડકો અને વરસાદનો માર વેઠવા લાગ્યો. કોક દહાડે ઝાડતળે તો કોક દહાડે કોઇના મકાનની દિવાલ આગળ છૂપાઈને ટુંટિયુ વાળીને પડી  રહેતો.

         રૂઢિચૂસ્ત સમાજની ધાકથી લોકો રોટલો અને ઓટલો આપતા ગભરાતા હતા. છાનામાના કદાચ રોટલો આપી જતા પરંતુ ઓટલે તો બેસવા પણ દેતા નહિ. લોકોને એ બીક રહેતી કે, આ બાળકને જો સહારો આપીશું તો ભગવાનનો દૈવી પ્રકોપ આપણી ઉપર ઉતરશે. ગામલોકોની ખફાનજરના ભોગ બનીશું. આમ છ વર્ષથીયે નાનો બાળક આજ મરૂં કે કાલ મરૂં એ વાંકે જીવી રહ્યો હતો. ભગવાનની ઇચ્છા હોયતો જોરદાર આંધિ અને તુફાનમાં પણ જંગલમાં આવેલો મંદિરનો દીપક પણ ટગુમગુ કરતો પ્રકાશિત રહેશે. વિધાતાની જોરદાર મહેરબાની કે, આ બાળક જીવી ગયો.

 

 

લાખો નિરાશામાં અમર આશા :

         આટ આટલી વિષમ પરિસ્થિતીમાં પણ રામબોલો રામનું નામ છોડતો ન હતો. તેથી ભગવાને એની વહારે જગદંબાને મોકલ્યા.

         અલી કા કામ હૈ, ગિરતે કો થામ લેના,

                 ગિરતે કા કામ હૈ અલી કા નામ લેના.

         જગદંબા રાત્રે ગાઢ અંધકારમાં પ્રૌઢાનો વેશ લઈ કપડાં અને ખોરાક આ બાળકને આપી જવા લગ્યા. પરિણામે બાળકનું જીવન-નાવ ડગુમગુ કરતું આગળ વધવા લાગ્યું. હવે એને પોતાના જીવનની આશા બંધાઈ બાળક રામબોલા હરિપુરા ગામની આસપાસ નિર્જન સ્થળોમાં એકાકી ભટક્તો ભટક્તો મોટો થવા લાગ્યો. આ સમય દરમિયાન એક એવો બનાવ બની ગયો કે જેથી એના જીવનનું વહેણ બદલાઈ ગયું.

ગુરૂની છાયામાં રામબોલા :

         આપણી ભારતીય સંસ્કૃતિ ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે સરખાવે છે. નિર્ગુણવાદી રામભક્તિ શાખાનાં કબીરદાસતો “ગુરૂ ગુણ લિખ્યા ન જાહિં” કહીને કમાલ જ કરે છે. એક ઠેકાણે તેઓ કહે છે કે,

         ગુરૂ ગોવિંદ દોનોં ખડે, કાકૈ લાગૌં પાય,

         બલિહારી ગુરૂ દેવ કી, જિન ગોવિન્દ દિયો બતાય.

         “મેં માંનું મુખ જોયું નથી. પિતાનો ચહેરો જોયો નથી. માંની મમતા અને પિતાના હેતની છાયાનો તલભાર અનુભવ કર્યો નથી. ચાર દાણા ચણા મારે મન પકવાન છે. મને પ્રેમની છાયા કોણ આપશે?” બાળક રામબોલા બબડતો. એના હૈયામાં મમતાની તૃષ્ણા જાગી હતી.

         બાળક રામબોલાના દુ:ખ અને દર્દની વાતો મુલ્કભરમાં કર્ણોપકર્ણ પ્રસરી ગઈ હતી.

         ગંગા-યમુનાના સંગમતીર્થ પ્રયાગરાજથી થોડે દૂર ચિત્રકુટ નામની રમ્ય જગ્યા છે. રામ પત્ની અને ભાઈ સહિત વનવાસે નીકળ્યા ત્યારે, આ જગ્યાએ થોડો સમય રોકાયા હતા. માટે એને રામગિરિના નામે પણ ઓળખવામાં આવે છે.

         આ ચિત્રકૂટમાં સંવત ૧૫૬૦ ની આસપાસ એક મહાન સંત કુટીર બાંધીને નિવાસ કરતા હતા. તેમનું નામ હતું નરહરિદાસજી, ઘણા લોકો એમને નરહરાનંદજીના નામે પણ ઓળખતા. એ મહાન રામાનંદ સંપ્રદાયની પરંપરામાં આવતા હતા. રાઘવાનંદના શિષ્ય રામાનંદ, રામાનંદ કે જેમની પાસેથી કબીરદાસે દીક્ષા લીધી હતી તેઓના શિષ્ય સુરસુરાનંદ, તેમના શિષ્ય રાઘવાનંદ અને તેમના શિષ્ય ગરીબાનંદ, તેમના શિષ્ય લક્ષ્મીદાસ અને તેમના શિષ્ય ગોપાલદાસ. આ ગોપાલદાસના શિષ્ય કે નરહરિદાસ આમ ગુરૂ પરંપરામાં તેઓ આઠમાં ગુરૂ હતા અને રામાનુજ સંપ્રદાય પ્રમાણે રામાનુજ સ્વામીની ૨૯મી પેઢીએ તેઓ ગુરૂપદે આવ્યા હતા. હરિપુરા, રાજાપુર, દુબેપુર આ બધાં ગામો ચિત્રકૂટની પાસેજ છે. બાળક રામબોલાની વાત તેમના સાંભળવામાં આવી. વહેમના પ્રવાહમાં બાળક પરેશાન થઈ રહ્યો છે ઉલટું જન્મસમયના આવા લક્ષણો તો કોઇ મહાન આત્માના અવતારના સૂચક છે. નરહરિદાસે આમ વિચાર્યું. કુતુહલ વશ પ્રેરાઈને, તેઓ અનુકૂળ સંજોગો જોઇને હરિપુરા ગામે આવી પહોચ્યા. તે વખત બપોરનો હતો.

         બપોરનો સમય હતો. ધોમધખતો તાપ પડતો હતો. એક બાળક એક ઘર આગળ પેટની ભૂખ માટે ભિક્ષા માંગતો હતો. હાથમાં જાડો ડંડો લઈને ઘરમાલિક બહાર આવ્યો. બેહદ ગુસ્સે ભરાઈને, મોટામોટા ડોળા કાઢીને બરાડવા લાગ્યો.

         “નાલાયક, ખોડપગા, મારે આંગણે ક્યાંથી આવ્યો? તને ભિક્ષા આપીને મારે ગામલોકોનો અને ભગવાનનો ગુસ્સો વહોરી લેવો નથી. ચાલ, હટ, બિચારી ચુનિયા કમોતે મરી તારા કરમે.”

         બાળક પેટની ક્ષુધા શાંત કરવા, કંઈક ખાવાનું આપવા વિનંતી કરતો હતો. બાળકની વિનંતીથી પેલો ગ્રુહસ્વામી વધુ ગુસ્સે ભરાયો. એણે બાળકને મારવા ડંડો ઉગામ્યો.

         સામેથી આવતા સંત નરહરિદાસજી માનવજાતની જડતા, વહેમ અને અજ્ઞાનનું આ ભીષણ પ્રદર્શન જોઇને કંપી ઉઠ્યા. સંતનો આત્મા કકળી ઉઠ્યો. હૈયું વલોવાઈ ગયું. દોડીને ડંડો પકડી લીધો. પછી આદ્રસ્વરે બાળકને માથે હાથ મૂકી બોલ્યા. “બચ્ચા, યહ જમાના પથ્થરદિલ હો ગયા હૈ, સબ નફરત કે બંદે હો ગયે હૈ, યહાઁ કોઇ તેરે લિયે પ્રેમ ઔર મમતા નહિ રખેગા, તું મેરે સાથ ચલ, મૈં તેરે લિએ પ્રેમ ઔર જ્ઞાનની ગંગા બહા દૂઁગા. અન્ન ઔર જલ મૈં તુઝે દૂઁગા.”

         રણમાં વર્ષા! જીવનમાં પહેલીવાર મમતા પામીને બાળક ધન્ય બની ગયો. અંતે એનો હાથ પકડયો. દોરીને એક વૃક્ષ નીચે લઈ ગયા. ઝાડ તળે બેસી પોતાની ઝોળીમાંથી ફળો કાઢી બાળકને હેતપૂર્વક ખવડાવવા લાગ્યા. બાળકનું વિશાળ કપાળ અને મુખાકૃતિ જોઇને નરહરાનંદજીને વિશ્વાસ બેઠો કે, આ મહાપુરૂષ થવા સર્જાયેલો કોઇ યોગભ્રષ્ટ આત્મા છે. ગામ લોકો પાસેથી માંગીને સંત આ બાળકને ચિત્રકૂટ લઈ ગયા. આમ, બાળક રામબોલાને ગુરૂની છાયા મળી.

તુલસીદાસની કેળવણી :

         બાળક રામબોલાના મુખે પૂર્વજીવનના સંકટમય વર્ણનો સાંભળતા ગુરૂને એનાપર પુત્રવત્‌ પ્રેમ પ્રગટ્યો. તેઓ ભાવાવેશમાં બોલી ઉઠ્યા.

         “રામબોલા અભાગી નહિ હો સક્તા, તુ તો તુલસી જેસા પવિત્ર છે.  આજસે તુ તુલસીદાસ.” પરિણામે, રામબોલાને ‘તુલસીદાસ’ નામ મળી ગયું.

         ગુરૂ નરહરાનંદજી પરમ રામભક્ત હતા. તેમણે બાળકની તીવ્ર બુદ્ધિશક્તિ અને ભક્તિભાવ જોઇને સંવત ૧૫૬૧ ને વસંતપંચમીના દિવસે રામનામની દીક્ષા આપી. યજ્ઞોપવિત કરાવી ગાયત્રીમંત્ર આપ્યો.

         પાંચથી છ વર્ષમાં બાળક તુલસીએ ગુરૂ પાસે વાલ્મીકિ રામાયણ, અધ્યાત્મ, રામાયણ, યોગવસિષ્ઠ રામાયણની કથાનું અમૃતપાન કર્યું. શાસ્ત્રોનું અધ્યયન કર્યું. ગુરૂજી સાથે તે કાશી પહોંચી ગયો.

         કાશીમાં તે વખતે શેષ-સનાતન નામના શતાયુ પ્રકાંડ વિદ્વાન રહેતા હતા. એઓ પોતાના જ્ઞાનનો અગાધ ભંડાર સુયોગ્ય શિષ્યને આપવા માંગતા હતા. શાસ્ત્રો કહે છે કે, જ્ઞાન એ પારા જેવું છે. માટે સુપાત્રને જ આપવું જોઇએ ગાદી-વારસો વંશ-પરંપરાગત છે પરંતુ જ્ઞાન-વારસો આ માટેજ વંશપરંપરાગત નથી. કાશીમાં, નરહરાનંદજીના નિવાસસ્થાનની નિકટ શેષ-સનાતન મહારાજ રહેતા હતા. તેમની ચકોર નજર તુલસીદાસ પર પડી તુલસીદાસની રહેણી-કરણી, સંયમ, સાદાઈ, ગુરૂભક્તિ, ગ્રહણશક્તિ તથા તેજસ્વિતા જોઇને શેષ-સનાતન મહારાજને શ્રેધ્ધા બેઠી કે, પોતે વર્ષોથી જે પાત્રની ખોજ કરી રહ્યા છે તેજ આ યુવાન છે અને એમણે નરહરાનંદજી પાસેથી તુલસીદાસને માંગી લીધા. અહીં રામાયણનું અગાધજ્ઞાન તુલસીદાસને ગુરૂપાસેથી મળ્યું.

         ગુરૂ નરહરાનંદજી તો તુલસીદાસને શેષ-સનાતનના હાથમાં સોંપી ભારતવર્ષની યાત્રાએ જતા રહ્યા.

         કાળચક્રના પ્રવાહમાં ગુરૂ શેષ-સનાતન વિલીન થઈ ગયા. પરંતુ એમનું જ્ઞાન તુલસીદાસમાં આરોપિત થઈ ચુક્યું હતું.

         પંદર વર્ષની અખંડ આરાધના કરીને તુલસીદાસે ચાર વેદ, છ શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, કવ્ય-શાસ્ત્ર, મોર્કન્ડયઋષિનું રામઉપાખ્યાન, “જાતક”માં રામકથા, કાલીદાસનું રઘુવંશ, પ્રવરસેનકૃત રાવણ-વધ, કુમારદાસ કૃત જાનકીહરણ, ક્ષેમેન્દ્રક્રુત રામાયણમંજરી તથા દશાવતાર, ભાસકૃત પ્રતિભા-અભિષેક, ભવભૂતિ કૃત-મહાવીર ચરિત તથા ઉત્તર રામચરિત, રાજશેખર કૃત બાલા-રામયણ, દિંગનાથકૃત કુન્દમાલા, મુરારીકૃત-અનર્ધ્ય રાઘવ, જયદેવક્રુત-પ્રસન્ન-રાઘવ, મહાનાટક હનુમાન નાટકનો ગહન અભ્યાસ કર્યો.

         ગુરૂની અંત્યેષ્ટિક્રિયા કરી. ગુરૂઋણ અદા કરી, તુલસીદાસ કાશીથી નીકળી પડ્યા.

         કાશીના લોકો કહેતા. “આવો કર્મનિષ્ઠ અને પ્રેમાળ શિષ્ય મળવો મુશેક્લ છે. પાંચ-પાંચ વર્ષથી બીમાર ગુરૂની તન-મનથી સેવા કરનાર શિષ્યને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.”

         “ધન્ય છે આવા યુવાનને, તેંજ યુવાની દીપાવી જાણી.” પંડિતો કહેતા.

ગૃહસ્થી તુલસીદાસ :

         જન્મભૂમિની ઝંખના કાને ન હોય? રાજાપુર જવાની, એના દર્શન કરવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થતા તુલસીદાસ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. કાળનું વિકરાળ ચક્ર તેમના પરિવાર પર ફરી વળ્યું હતુ. જ્યારે તેઓ આઠ વર્ષના હતા. ત્યારે એમના પિતા પંડિત આત્મારામ દુબે અવસાન પામ્યા. પામ્યા.તે વખતે રામબોલા હરિપુરા ગામની આસપાસ ભીખ માંગીને ગુજારો કરી રહ્યા હતા. પૈતૃક મકાનની ખંડિયેર અવસ્થા જોઇને તેમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી. તેમણે પિતાનુમ શ્રાધ્ધ કર્યું, તર્પણ કર્યું અને ફરીથી ઘરને સમરાવી રહેવા લાગ્યા.

         રામસ્મરણ અને રામકથા તેમનો પ્રિય વિષય હતો. કસ્તુરીની સુગંધ ફેલાતા વાર નથી લાગતી. તુલસીદાસની રામકથાએ રંગ જમાવી દીધો. જીવનની કટુતાથી થોડો સમય ફારેગ થઈ લોકો રામકથાના દિવ્યાનંદમાં મગ્ન થઈ જતા હતા.

         જ્ઞાનગંગાનો પ્રવાહ તુલસીદાસે વહેવડાવવા માંડ્યો. રાજપુરથી યમુનાનદીને સામે પાર, થોડે દૂર નારિપતો ગામમાં દીનબંધુ પાઠક નામના કર્મકાંડી બ્રાહ્મણ રહેતા હતા. તેમની પુત્રી રત્નાવલી સુશીલ અને નારીઓમાં રત્નસમાન હતી. પોતાની પુત્રી રત્નાવલી માટે તુલસીદાસ યોગ્ય છે એમ સમજી દીનબંધુએ તુલસીદાસજી માટે એમની પાસે પોતાની પુત્રીના લગ્નની વાત મૂકી. પ્રથમતો તુલસીદાસે ઇન્કાર કર્યો. પરંતુ પોતાના હિતેચ્છુઓનો, વડીલોનો આગ્રહ જોયો ત્યારે હા પાડી. આમ તુલસીદાસ ગૃહસ્થી બન્યા. તુલસી જેવો મહાન વિદ્વાન અને રત્નાવલી જેવી, પરમ સુંદર વિદુષીને, દંપતી સ્વરૂપે નિહાળી સૌની આંખો ઠરતી.

અત્માની શાંતિના દ્વાર ખુલી જવાના હતા :

         સુંદર નારીને પામી તુલસિદાસ મોહાંધ બની ગયા. રામસ્મરણમાં થોડી મંદતા આવી. પત્નીના પ્રેમમાં પાંચ વર્ષનો કાળ ઝડપથી પસાર થઈ ગયો. એ દરમિયાન એમના જીવનમાં તારક નામનો પુત્ર આવ્યો અને થોડા દિવસની બાળલીલા કરી ચાલ્યો ગયો.

         પાંચ વર્ષના દીર્ધકાળમાં પુત્રી રત્નાવલી એકપણ વેળા પોતાના ઘરે રાત રોકાઈ ન હતી. એ યાદ કરીને માતાપિતા દુ:ખી થતા. સમાજમાં થોડુ ભાઈઓ અને ભાભીઓ માટે વાંકુ બોલાતુ.

         ભાઈ ઘણીવાર રત્નાવલીને આ વાત કહેતો. પરંતુ રત્નાવલી પોતાના પતિની રજમાત્ર અનિચ્છા સહન કરવા તૈયાર ન હતી. તુલસીનો અનહદ પ્રેમ તે પામી હતી. આટલા સમયના સહવાસ પછી તે પામી ગઈ હતી કે, પોતે જો એકપણ દિવસ પતિથી અળગી થશે તો પતિને એ નહિ ગમે આ વિચારે માતાપિતાને, ભાઈઓને નારાજ કરીને પણ તે પતિના મનને સાચવતી રહી.

         એક દિવસે રત્નાવલીનો ભાઈ આવ્યો. એણે માંની માંદગીના સમાચાર આપ્યા. જનેતાની માંદગીના સમાચાર સાંભળી પુત્રીનું હૈયું હાથ ન જ રહે. વળી ભાઈના કહેવા પ્રમાણે, માં રાત-દિવસ પોતાની પુત્રી, પ્રિય પુત્રી રત્નાવલીને ઝંખ્યા કરતી હતી. આ બાજુ તુલસીદાસ વહેલી સવારથી, તે દિવસે બહારગામ ગયા હતા. સાંજે મોડા આવવાના હતા.

         આવા અસાધારણ સંજોગોમાં પોતે પતિની આજ્ઞા લેવા રોકાયા વગર પિયરે ચાલી જાય તો કશો વાંધો નથી એમ માની રત્નાવલી પોતાના ભાઈ સાથે પિયરે ચાલી નીકળી, એને ક્યાં ખબર હતી કે, આ ઘર અને ગામ સાથે એનો આ અંતિમ નાતો હતો. હવે ફરી કદીએ એ આ ગામમાં કે ઘરમાં પાછી ફરવાની ન હતી.

         તુલસીદાસ ઝડપભેર આવી રહ્યા હતા. પગ ડંડીથી દૂર દૂર ખેતરો હતા અને એના છેવાડે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. લાલચોળ સૂર્યને જોતાં એમ લાગતું હતુ કે, જાણે સંધ્યાદેવી સિંદુર લુટાવી રહી છે. તુલસીદાસ ચંદ્રની ચાંદની જેવી શીતળ રત્નાવલીના મુખચંદને દિવ્યચક્ષુ થી વાગોળી રહ્યા હતા. ગામની સીમ અને ઘર વચ્ચેનું બે કોસનું અંતર પણ તેમને વસમુ લાગતું હતું. રત્નાવલીએ સવારે જ વિદાય આપતા કહ્યું હતું. “તમે વહેલા આવજો, મને ઘરમાં એકલા ગમતું નથી.”

         હસતા હસતા તુલસીદાસે કહ્યું હતું. “તો તો હું જતોજ નથી.”

         મીઠી મુંઝવણ અનુભવતા રત્નાવલી બોલી હતી. “તો તો હું બદનામ થઈ જાઉં, પંડિતજી પત્નીની માયામાં ભાન ભૂલી ગયા છે. પોતાનું કામ પણ કરતા નથી. ના, તમે જાવ અને સાંજે વહેલા આવો.”

         અને પોતે વહેલા આવવા નીકળ્યા તો હતા પરંતુ વચમાં એક ગામે ભાવુક યજમાન મળી ગયા, તેમના ઘરે જવું પડ્યું. મોડું થયુ. પણ કંઈ નહિ. ઘરે પહોંચતા જ તે પ્રિયાને પ્રેમથી રિઝાવી લેશે.

         જેટલી ઝડપથી તુલસીદાસ ઘરે આવ્યા એટલી જ તીવ્રતાથી જ્યારે એમણે  દ્વાર પર રત્નાવલીના સુંદર ચહેરાને બદલે તાળું જોયું ત્યારે આંચકો લાગ્યો. એ આત્માને ક્યાં ખબર હતી કે, આજે એના ગુહસ્થજીવનને પણ તાળુ લાગી જવાનું હતું. આત્માની શાંતિના દ્વાર ખુલી જવાના હતા. એના અવતારકાર્યની શુભ શરૂઆત થવાની છે.

તુલસીનું મહાભિનિષ્ક્રમણ :

         પાડોશીઓએ રત્નાવલીના પિયરે ગમનની વાત કરી. પત્ની વગરનું ઘર સુનું લાગવા માંડ્યું. પત્ની મિલનની તીવ્ર કલ્પનાના નશામાં ઘરે આવ્યા તો પત્નીજ ગાયબ, પત્નીની પાછળ જવામાં લોકમર્યાદાની દીવાલ હતી. “તુલસી, રત્ના વગર એક રાત પસાર કરી શક્તો નથી. સ્ત્રીના મોહમાં આટલો બધો ફસાયો છે? સમાજ તારીપર હસશે. આટલો મહાન કથાકાર, પંડિત વહુઘેલો? મર્યાદા પુરૂષોત્તમ રામની કથા કહેનાર સ્વયં અમર્યાદાનો સિંધુ.” ગમે તેમ થાય આજની રાત પસાર કરી નાંખવી એવો નિર્ધાર કર્યો. પરંતુ રાતનો અંધકાર જેમજેમ ઘેરાવા લાગ્યો તેમ તેમ તુલસીદાસના મનમાં બંધન ઢીલા પડવા લાગ્યા. પંડિતાઈ સંયમ રાખવાનો આદેશ આપતી હતી પરંતુ હઠાગ્રહી મન ક્યાં માને? એતો મર્કટ જેવું છે. આથી જ તુલસીદાસ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એકાંતથી અકળાવવા લાગ્યા. રત્ના વગરની એકલતા વીંછીના ડંખની માફક પીડા આપવા લાગી. પાંચ વર્ષમાં પહેલીવાર આજે રત્નાવલી વગરનું ઘર ખાવા દોડ્યું. અમાસની ઘનઘોર કાળી રાત્રિ, મધ્યરાત્રિના સમયે તુલસીદાસ વિહ્‍વળ બનીને ઘર છોડી, રત્નાવલીના પિયેર પ્રતિ ચાલી નીકળ્યા.

         કામી, હરામી અને ચોર અંધકારના આશક હોય છે. માટે જ એમને અંધકારનો કદી ડર લાગતો નથી. વચ્ચે વિશાળ પટ ધરાવતી યમુનાનદી હતી. પવનનો સુસવાટો કાનના પડદાને ફાડી નાખે એવો હતો. હૈયું થિજાવી દે એવા વાતાવરણમાં પણ તુલસીદાસ પત્ની-મિલનની અભિલાષાએ ઝપાટાબંધ ચાલ્યા જતા હતા. એમણે હોડકું સમજીને, કાચબાની પીઠપર બેસીને નદીપાર કરી. સસરાને ઘરે અડધી રાતે પહોંચ્યા. બધાં સૂઈ રહ્યા હતા. માત્ર રત્નાવલિ જાગતી હતી. એનું તન અહીં હતું પરંતુ મનતો રાજાપુરમાં પોતાને ઘેર હતું. પતિની પોતાના વગર શી હાલત થશે એની કલ્પનામાં ખોવાઈ ગઈ હતી ત્યાં તો બારણે ટકોર પડ્યા એટલે ચૌંકીને પ્રશ્ન કર્યો. “કોણ?”

         “હું છું.” પતિનો અવાજ ઓળખી તે ચોંકી, બારણું તો ખોલ્યું પરંતુ તેને લજ્જા આવી. આનંદ પણ થયો કે, પોતાના પ્રેમપાશની પ્રબળતા કેટલી તીવ્ર છે. પતિ પોતાના પ્રેમે વિરહ વેઠી શક્તો નથી એ પ્રત્યક્ષ જોઇને દરેક સ્ત્રીને સ્વર્ગ મળ્યાનો આનંદ થાય. સાચે જ, દામ્પત્યજીવનનું એ સાફલ્ય-ટાણું છે. છતાં એણે માર્મિક ટકોર કરી, હળવો ઠપકો આપતાં કહ્યું.

         “તમને શરમ ન આવી? આવી રીતે મધરાતે મને મળવા દોડી આવ્યા. જમાઈ થઈને વગર બોલાવ્યે, કેવળ મારા વિયોગના શમનાર્થે આવી રીતે આવવાથી આપની પંડિતાઈ, કુળ અને આબરૂને લાંછના લાગી. તમે મર્યાદા પુરૂષોત્તમ રામની કથા કરો છો પણ હવેથી લોકો તમને કામના દાસ કહેશે. પિયેરના મારા સમાજમાં મારૂં મોઢું લજ્જાથી ઝૂકી જશે. તેમાં યે મારી ભાભીઓ સહેજ હસશે તો પણ મારા હ્રદય  પર જાણે તલવારની ધાર ફરી વળવાની વેદના થશે અને હું તમને પુછું છું કે, આવું શા માટે? જે મર્યાદાને મફતમાં તમે ગુમાવી, તે મારૂં બદન હાડકાં અને ચામડાનું બનેલું માત્ર માનવ હાડપિંજર જ છે. જે નાશવંત છે, જેને વૃદ્ધત્વ આવી શકે છે, જેને રોગ ગ્રસી શકે છે. જે પાણીના પરપોટાની માફક વિલીન થઈ શકે છે. જે અંતમાં અગ્નિમાં રાખ થઈ જવાનું છે. એમાં જ શા માટે આટલી બધી મમતા? આટલી મમતા, આટલો પ્રેમ, આટલી લગન જો તમે રામપર રાખી હોત તો ભવસાગરના ફેરામાંથી મુક્તિ મળત.”

         પત્નીના વાગ્બાણ તુલસીદાસના સંસ્કારને જાગ્રત કરવા કાફી હતા. મોહની માટીનું લાગેલું જ્ઞાન, માટી ખંખેરી પ્રકાશિત થયું. જ્ઞાન સૂર્યના તેજમાં એમને રત્નાવલીનું પત્ની સ્વરૂપ ઓગળતુ હોય તેમ જણાયું. વિધાત્રીએ જાણે કોઇ મહાન કાર્ય કરવા રત્નાવલીના રૂપે આ ટકોર ન કરી હોય એવું એમને લાગ્યું.

         પળવાર માટે એમણે સ્થિર થઈ આંખો મીંચી દીધી તો કોઇ અદ્‍શ્ય શક્તિ જાણે એમને કહી રહી હતી, “તુલસી, તારે દેશ અને કાળથી પર એવી વાણીના શરસંધાન કરવાના છે. ભારતીય સંસ્કૃતિ પર ઘેરાયેલા વાદળોને હટાવીને સાંસ્કૃતિક સામ્રાજ્યની સ્થાપના કરવાની છે. ઉઠ, જાગ, તારૂં સ્થાન પત્ની પાસે નથી. તું દેવી સરસ્વતીનો લાડકો પુત્ર છે. એના ચરણોમાં બેસીજા, તુ અમરત્વ પામીશ અને કરોડો આત્માઓને અમરત્વ આપીશ. માં ભારતી તારી પ્રતીક્ષા કરે છે.”

         આંખો ખોલીતો મરક મરક હસતી રત્નાવલી પતિ-દર્શનનો લ્હોવો લઈ રહી હતી. એને પતિના મુખપર દિવ્યજ્યોતિ જણાઈ એને લાગ્યું કે, જે આદમીને પોતે તુલસીદાસ, પતિ તરીકે ઓળખી રહી હતી એતો કોઇ દિવ્યાત્મા છે. અહોભાવથી છલકાતી રત્નાવલી પતિની વાણી સાંભળવા આતુર બની.

         તુલસીદાસનું મુખમંડળ ચમકી રહ્યું હતું. કારણ કે, સંસારની મોહમાયારૂપી રાખની તળે ઢંકાયેલા જ્ઞાનનો ઉદય થયો હતો.

         “રત્નાવલી, તારી વાણીએ આજે મને વિસ્કૃત થયેલા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેં મને જે પ્રકાશ ધર્યો છે એથી તો હવે લેશ સમય માટે પણ ઘરે રહેવાનો અર્થ નથી, ક્ષણભર પણ પાછો ફરીને હવે હું સંસાર તરફ જોવા માંગતો નથી. મને મારૂં ધ્યેય બોલાવી રહ્યું છે. હવે હું પાછો ન ફરવા માટે જઇ રહ્યો છું. આપણાં સંબંધોની ગાંઠ ઉકેલાઈ ગઈ છે. એ અનાયાસ બન્યું છે. તારી જીવનયાત્રા પણ પ્રકાશમય બને એવી મારી અંતરની ઇચ્છા વ્યક્ત કરૂં છું.

         આ દરમિયાન રત્નાવલીના માતાપિતા, ભાઈઓ, ભાભીઓ અને ઘરમાં સર્વે જાગી ઉઠ્યા. હકીકત જાણીને સર્વે‍એ ગમગીનીની ચાદર ઓઢી લીધી.

         વાતાવરણની ગમગીનીને દૂર કરતા હસતા ચહેરે રત્નાવલી બોલી, “સ્વામી હું તમને રોકીશ નહિ. સંસારના અંધકારમાંથી મુક્તિના પ્રકાશે કદમ માંડો છો એજ મારે મન આનંદની વાત છે. હું તો મારો ભવ આપના નામની નાવડીને આધારે તરી જઈશ. હું અંતિમ વિદાય વેળા હાસ્યથી છોળો તમારા માર્ગમાં વેરીશ, આંસુની ધારા નહિ.”

         ખરેખર, તુલસીદાસ જ્યારે રત્નાવલીની વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેં હસી રહી હતી. આ બાજુ અંધકારે વિદાય લીધી અને પૂર્વાકાશમાં સૂર્યનો ઉદય થતો.

         કોને ખબર હતી કે, આજનો સૂર્યોદય ભારતીય સંસ્કૃતિનો સૂર્યોદય હતો, આ પળે વામન વિરાટ બની ગયો હતો. ભવિષ્યમાં આ આદમીની કીર્તિ કાળની અને આકાશની સીમને આંબી જશે.

         તુલસીદાસે ભારતના તીર્થસ્થાનોની યાત્રા આરંભી. રામકથા કરતાં કરતા દેશને જોવા લાગ્યા. એમની મુરાદ દેશના સઘળા તીર્થસ્થાનો જોવાની અને સમાજને પ્રત્યક્ષ નિરખવાની હતી. ૧૫ વર્ષ દેશાટનમાં ગાળી નાખ્યા.

તુલસીનું સમાજદર્શન: “માનસ” ની પ્રેરણા.

         શેષ સનાતનજીના સાનિધ્યમાં ભાગવત કથા શ્રવણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે ભવિષ્યકથન સાંભળેલું. “જ્યારે કળિયુગ આવશે ત્યારે ધર્મવિરૂદ્ધ આચરણ થશે. ભૌતિકવાદ એટલો બધો વધીજશે કે, માનવીની દક્ષતા અને ચતુરાઈ કુટુંબના ભરણપોષણ માટેજ વપરાઈ જશે. લોકો માત્ર કીર્તિ અને ધન મેળવવા માટેજ ધર્મ પાળશે. પંડિતો ભાષાનો વ્યભિચાર આદરશે. વાણીની પવિત્રતા જોખમાશે. દુષ્ટોની સંખ્યા ગુણક પ્રમાણમાં વધતી જશે. પાખંડની રાખતળે વેદજ્ઞાન ઢંકાઈ જશે. રાજા પ્રજાનો રક્ષક મટી ભક્ષક બનશે. બ્રાહ્મણો લોભી અને ક્ષત્રિયો અત્યાચારી બનશે. દ્રવ્ય જ બધાં પુરૂષાર્થનો સ્વામી બની બેસશે. પરિણામે દ્રવ્યહીન સ્વામીને નોકરી તજી દેશે અને મુસીબતમાં ફસાયેલા નોકરને સ્વામી તગેડી મુકશે. જે લોકો ધર્મ જાણતા નહિ હોય તેવા ધર્મના ઠેકેદારો બની જશે. આમ જનતા દુકાળ અને કરના ભારથી હંમેશા દબાયેલી રહેશે. હત્યાનું બજાર ગરમ થઈ જશે. મામુલી કારણો અને સાધારણ રકમ માટે પ્રિયજનોની હત્યા કરવામાં આવશે. સ્ત્રીઓ અને પુરૂષો નફ્ફટ થઈને નગરોમાં રઝળતા નજરે પડશે.”

         હાંફતાં હાંફતા ગુરૂજી બોલ્યા હતા. “આવું જોવા કરતાં મૃત્યુ બહેતર છે.”

         તુલસીદાસને યાદ આવ્યું. થોડા દિવસ પહેલાં રામપુરના ઠાકોર શીલાભદ્રસિંહને ત્યાં રાજપૂતાનાથી એમના સંબંધી ઠાકોર ભરતસિંહ આવ્યા હતા. વર્તમાનકાળની વાત કરતા કરતા રામપુરના ઠાકોર બોલ્યા હતા. “આપણા દેશમાં બહુ ઝડપથી રાજકીય પરિવર્તનો થઈ રહ્યા છે. રાજ્ય પરિવર્તનો થઈ રહ્યા છે. રાજ્ય પરિવર્તનની લાલસામાં શાસકો મર્યાદા કે નિયમો ભૂલી ગયા છે. હવે તો રાજગાદીની લાલચે ભત્રીજો કાકાનું ખૂન કરે છે. બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ આજ કર્યું. ભાઈ ભાઈની હત્યા કરે છે. સિકંદરલોદીના પુત્ર ઇબ્રાહીમલોદીએ પોતાના મોટાભાઈને મોતને ઘાટ ઉતારી ગાદી મેળવી છે ને?”

         આ સાંભળી ઠાકોર ભરતસિંહ બોલીઉઠ્યા. “ઘોર કળિયુગ આવ્યો છે. હવે તો રાજા પ્રજા માટે નથી પરંતુ પ્રજા રાજા માટે છે. પરદેશી પવનોનો પ્રભાવ વધતો જાય છે. આશાનું કિરણ એક ચિતોડના મહારાણા છે. ભારતના હિંદુ રાજાઓનો સાથ મળે તો ફરીથી રામરાજ્યની સ્થાપના થાય.”

         તુલસીને મેવાડના મહારાણા વિષે કતુહલ જાગ્યું.

         આખા દેશની સફર કર્યા બાદ તુલસીદાસને દેશની વર્તમાન હાલતનો વાસ્તવિક ખ્યાલ આવ્યો. ખેડૂતોને ખેતી કરવાના સાધનો ન હતા. ભિખારીઓને ભીખ મળતી ન હતી. વણિકનો વ્યાપાર ચાલતો ન હતો. નોકરી કરવાવાળાઓની ઇચ્છા પ્રમાણે નોકરી મળતી ન હતી. દેશનો મોટો જનસમુદાય રોજગાર વગર, કાયમ ચિંતામાં જ રહે છે. દરિદ્રતા રૂપી શયતાને પ્રજાના જીવનરૂપી ગળાપર પકડ જમાવી દીધી. પરિણામે ભૂખ્યાજનો ગમે તે કરે તે ન્યાયે ચારે બાજુ કુકર્મ વધી ગયા હતા. દુકાળના દિવસોમાં પાપી પેટનો ખાડો પુરવા માટે માતાપિતા દીકરા દીકરીઓને વેચી દેતા અચકાતા નહિં.

         વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં હતી પરંતુ તેના શિથિલ સ્વરૂપમાં હતી. ઉંચનીચનો ભેદ વકરી ગયો હતો. આખાયે સમાજમાં દંભ ચાલતો હતો. જે દેખાતું હતું વાસ્તવિક્તા તેનાથી ઉલ્ટી હતી. પૂજાપાઢ કરનારો જમીનદાર, નીતિની દુહાઈ દેતો પરંતુ રાત્રિના અંધારે સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારતો. આ છતાં સમાજ સાધુ, સન્યાસી, ભક્તો અને યોગીઓ પ્રત્યે વિશેષ આદર દાખવતા હતા.

         પહેલાં પઠાણ શાસકો અને પછી હવે મોગલ શાસકો રૂપવતી સ્ત્રીઓને પોતાના હરમમાં લાવવા માટે ગમે તેવા જુલ્મો આચરતા. તેઓ સ્ત્રીને કેવળ વાસના તૃપ્તિનું સાધન માનતા. હિંદુઓ પણ સ્ત્રીઓને જોવાની દ્રષ્ટિમાં એવાજ બની ગયા. આથી સ્ત્રીનું સહ્‍ધર્મચારિણીનું સ્થાન ભયમાં મુકાયુ. માત્ર રાજાઓ અને બાદશાહોના ખુશામતિયાઓ જ સુખી હતા. પ્રજાનો વિશાળ જનસમુદાય નિર્ધન, મહત્વાકાંક્ષાહીન અને તેથી જીવન પ્રત્યે ઉદાસીન હતો. ખેતી પર નભતા માણસો લડાઈ ફિસાદમાં રાચાતા વાતવાતમાં હત્યાઓ થતી, અપમૃત્યો થતા પરિણામે ખેતી કરવા માટે માણસોની તંગી પડવા માંડી હતી.

         બાદશાહો મસ્તક કાપી નાખવાની, હાથી તળે ચગદાવી મારી નાંખવાની, ફાંસીએ ચઢાવવાની, ચામડી ઉતરાવી મરાવી નાખવાની સજા કરતા. આ સજા બળવાખોરો માટે પણ વપરાતી અને વિરોધીઓ માટે પણ. શાસકની કોઇપણ ઇચ્છાનો જરા સરખો વિરોધ કરનારા પણ એમાંથી બાકાત રહેતા નહી.

         જે રાજાઓ અને બાદશાહો ગાદીપર આવે છે તે અશિક્ષિત, ક્રૂર અને માનવતાહીન હતા. તેઓ પ્રજાકલ્યાણની ઉપેક્ષા કરતા. કારણ કે, શાસનપર પકડ રાખનાર વર્ગને પોતાની ગાદીની સલામતી ખાતર નાખુશ કરી શકે તેમ ન હતા.

         તુલસીદાસે જોયું કે, દેશનું આખુંયે રાજયંત્ર અસ્તવ્યસ્ત અને વ્યવસ્થાહીન છે. મારે તેની તલવાર છે. બર્બરો સત્તાધીશો બને ત્યારે સામાજિક અને સાંસ્કૃતિક ઉન્નતિ ક્યાંથી સંભવે? શાસકો ગમાર છે માટે, અશિક્ષિત છે માટે રાજશાસન ચલાવવા માટે કેવળ દંડનો જ ઉપયોગ કરી જાણ છે. શામ, દામ અને ભેદની તો સ્વયં એમનેજ ખબર નથી.

         તુલસીદાસે જોયું કે, છેલ્લા સવાત્રણસો વરસોથી હિંદુ રાજાઓ પરાજિત થતા આવ્યા છે. એની અસર પ્રજાના નિરાશાવાદમાં પરિણમી છે, હતાશ સમાજને બેઠો કરવા આજના સમાજથી વિપરિત અને સુંદર રાજવ્યવસ્થાવાળા રામના રાજ્યની, માનસિક રામરાજ્યની કલ્પના પ્રજા માટે ઉપકારક નીવડશે. રામના વિજયની ગાથા હિંદુ સમાજને બેઠો કરશે, શ્રધ્ધા જગાવશે.

         આજ અરસામાં પ્રયાગમાં વડની છાયા નીચે બે તપસ્વીઓનો. રસપ્રદસંવાદ તુલસીદાસે સાંભળ્યો. જેમાં રામાયણના ગૂઢ રહસ્યો જાણવા મળ્યા. મન ઉત્સાહથી પ્રફુલ્લિત બની ગયું. ફરતા ફરતા તેઓ કાશી પહોંચ્યા. અહીંના ધાર્મિક વાતાવરણમાં તેમને રામકથા આલેખવાની પ્રેરણા જાગી. આ સમયે તેઓ જ્ઞાન અને અનુભવથી પરિપૂર્ણ થયેલા હતા. પાકટ વયે પહોંચેલા મહાકવિએ વિચાર્યું કે, સંસ્કૃતમાં અનેક વિદ્વાનોએ રામાયણ લખી છે. જેનો લાભ માત્ર સંસ્કૃતના જાણકારોને જ મળે છે. મારે તો રામની કથા ઘરે ઘરે પહોંચાડવી છે. આ સંકલ્પ કર્યો તે રાત્રિએ જ ભગવાન શંકર તેમના સપનામાં આવ્યા. “તુલસી, તું રામ મહિમા જગમાં ફેલાવવા માટે આ જગમાં આવ્યો છે. તુ વાલ્મીકિનો અવતાર છે. તારે પ્રાકૃતભાષામાં રામાયણ રચીને લોકભોગ્ય બનાવવાની છે.”

         શિવની આજ્ઞા માથે ચડાવી સંત રામની જન્મભૂમિ આયોધ્યા પહોંચ્યા. ત્યાં જઈને સંવત ૧૬૩૧ ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના શુભ દિવસે તેઓએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો. બે વર્ષ, સાત માસ અને છવ્વીસ દિવસની અવધિમાં આ મહાકાવ્ય પૂર્ણ કર્યું. એની ભાષા અવધી હતી. હિંદી ભાષાના અદ્‍ભૂત ગ્રંથનો આ છે સર્જનકાળ.

માનવસમાજના ત્રણ પ્રકાર :

         માનવસમાજ ત્રણ પ્રકારના માનવીઓથી ભરેલો છે પહેલો પ્રકારના માનવીઓ માત્ર પોતાના સ્વાર્થમાંજ રચ્યાપચ્યા રહેલા હોય છે. જીવનનું મુલ્ય કે કંઈક ધ્યેય હોવું જોઇએ એ તથ્યથી તેઓ તદ્‍ન અજ્ઞાત હોય છે.

         પંડિત થયા. દરબારે ગયા.

         વૈભવ મેળવ્યો ને મરી ગયા.

         આવું પશુવત્‌ જીવન માનવદેહ મળ્યા પછી ગાળવુંએ હીરાને કાચનો ટુકડો સમજીને ફેંકી દેવા સમાન છે.

         બીજા પ્રકારના માણસો સમાજમાં ભળી જઈ, માત્ર અનુયાયી બનવાનીજ શક્તિ ધરાવતા હોય છે. જો એમને સારા લોકનાયક મળે તો ઉત્થાન કરી શકે, નહીં તો એમનું પતન થાય.

         ત્રીજા પ્રકારના માણસો, જેઓ ભગતમાં જૂજ જોવા મળે છે એજ મેઘાવી લોકનાયકો હોય છે. એમનામાં શક્તિનો જે પૂંજ પ્રકટે છે એનાથી જગતના પ્રવાહને પલટી નાખવાની ક્ષમતાના આપણને દર્શન થાય છે. જગતને દોરનાર વિશ્વના ઇતિહાસને નવા મોડપર લાવી માનવજાતનું કલ્યાણ કરનાર આ લોકનાયકો ત્રીજા પ્રકારના માનવીઓ છે. સાચા અર્થમાં તેઓ આર્ષદષ્ટા હોય છે.

         ગોસ્વામી તુલસીદાસ આવાજ મેઘાવી લોકનાયક હતા. ભારતીય સંસ્કૃતિ અને સમાજજીવનને એમનું જે પ્રદાન છે તે જબરદસ્ત છે. એમ લાગે છે કે, બુદ્ધ અને મહાવીર પછી સાચો લોકનાયક ગોસ્વામી તુલસીદાસમાં જ પ્રગટ્યો હતો. તુલસીદાસ મહાકવિ ખરાજ કારણે, “માનસ” ની રચના પછી સૌ કોઇ સ્વીકારતા હતા.

         “સૂર સૂર, તુલસી શશી” અને

         “તત્વ તત્વ સુરા કહી તુલસી કહી અનુઠી.”

         પરંતુ મહાકવિ કરતાયે તુલસીદાસ રામભક્ત પહેલા. પહેલા સંત પછી મહાકવિ.

સંતને સમજવાની ચાવી :

         સંતોને સમજવા હોય તો બુદ્ધિના કમાડ ભીડીને શ્રધ્ધાના મુક્ત શ્વાસમાં વિહરવું પડે. લોકકથામાં એવું આવે છે કે, નાકની અણીએ સીધાને સીધા ચાલ્યા જાવ જો રસ્તામાં પાછા વળીને જોશો તો પાછળ જોતાની સાથેજ પથ્થરની પ્રતિમા બની જશો. સંતના જીવનને તર્કની, બુદ્ધિની એરણપર કસવા જશો તો તમે સંતના આત્માને પામી નહિં શકો. જેમ બળપ્રયોગ કરવાથી બાદશાહ અલાઉદિન ખીલજી ચિતોડગઢમાં પદ્મિની ન પામતા કેવળ રાખના ઢગલાને પામ્યો હતો. માટે શ્રધ્ધાની સીમા ઓળંગશો અને તર્ક કરવા માંડશો ત્યાંથી જ સંત સાથે તાદાત્મય નહિં સાધી શકો. જો સંત જોડે તાદાત્મ્ય નહિ સધાય તો પ્રભુ અને તેની ઝાંખી કરવાની આપણી તમન્ના મુરઝાઈ જશે.

“માનસ” ના રચયિતાની મહાનતા :

         સ્વર્ગમાંથી પૃથ્વીને પાવન કરવા પધારેલી ગંગા કેવળ દેવવ્રત ભીષ્મની માતાજ હોત તો પણ એનું આર્યકુળની માતાનું પદ અક્ષુણ્ણ રહેત. ગોસ્વામી તુલસીદાસ માટે પણ સંતો એમ કહેતા કે, એમણે કેવળ રામચરિત માનસનીજ રચના કરી હોત તો પણ એમની અમર કીર્તિમાં રજમાત્ર ફેર પડ્યો ન હોત.

         મહાકવિ તુલસીદાસને જો કોઇ યથાર્થ ઉપનામ આપવું હોય તો તે છે હિંદી કાવ્ય સાહિત્યના સમ્રાટ રામચરિત માનસ હિંદી કાવ્ય સાહિત્યમાં ચિરંજીવ અમર કીર્તિ પામતું રહેશે. એ વિશ્વસાહિત્યની અમુલ્ય નિધિ છે, એ રસનો અખૂટ ભંડાર છે. મનુષ્ય હ્રદયની સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવનાઓનું સંપૂર્ણ નિરૂપણ રામચરિત માનસમાં દ્રષ્ટિ-ગોચર થાય છે.

         અકબરના દરબારના નિર્ભીક કવિ પ્રથિરાજ રાઠોડ કહેતા.

         “તુલસીદાસનું મહત્વપૂર્ણ પ્રદાન છે, જીવનની પૂર્ણ કલ્પના મહાકવિ વાલ્મીકિની જીવનની પૂર્ણકલ્પના જે સીમિત હતી તેને તુલસીદાસે રામચરિતના માધ્યમથી સમાજના વિસ્તીર્ણ દાયરામાં લાવીને મૂકી છે, આ બાબતમાં તેઓ કબીર, કાલીદાસ, સૂરદાસ કે ભવભૂતિથી પણ આગળ નીકળી જાય છે.

         આવા મહાન સંત, મહાન સાહિત્ય-સમ્રાટનું જીવન પણ હકીકતના વિશાળ પટપર પથરાયેલું છે. એમના જીવનમાંથી પણ જિજ્ઞાસુઓ પ્રેરણાના વારિ પીને પોતાની જીવન વાટિકાને સુશોભિત  કરી શકે છે. ભારતના કરોડો જીવોને યાવત્‌ચંદદિવાકરૌ લોકવાણીમાં જીવનનો ભવ્ય સંદેશ “માનસ” દ્વારા આપનાર ગોસ્વામી તુલસીદાસજીનું જીવન અને કથન મહાન છે, પોતાના જીવનના આઠમાં દાયકાએ તો તેઓ પ્રસિદ્ધિની ટોચપર પહોંચ્યા હતા અને પૂરા પાંચ દાયકા એ કીર્તિ કળશને જોતા રહ્યા.

         આપણા પ્રાચીન માનીષીઓ સ્વાન્ત:સુખાય લખતા હતા. ભાવનાના પૂર જ્યારે એમના અંતરમાં છલકાઈ જતાં ત્યારે કાવ્ય સ્ફુરી ઉઠતું. એ સાહિત્ય, કીર્તિની એષણા માટે લખાયેલું નથી હોતું. માટે જ એ સનાતન, અમર અને ચિરંજીવ બની શક્યું છે. ગીતાના પ્રસિદ્ધ વાક્ય “मा फलेषु कदाचन” પ્રમાણે કબીર, તુલસી, સૂર, મીરાં, રહીમ ખાનખાનાન કે એવાજ બીજા મહાકવિઓએ પોતાના જીવનની વિગત ક્યાંય આપી નથી. અજાણતા કાવ્યમાં ક્યાંક અછડતો ઉલ્લેખ થયો હોય, તેના આધારે જ ભાવિ પેઢીને એમના જીવન ચરિત્ર ને સમજવાનું હોય.

         બાબા વેણીમાધવદાસે તુલસીદાસની મહાનતા સ્વીકારી, પ્રશંસી અને ‘ગોસાઈ ચરિત’ લખ્યું, “માનસ” “વિનય પત્રિકા” “દોહાવલી” વિગેરે રચનાઓમાં સ્વયં તુલસીદાસે લખેલી પંક્તિ લોકો જાણતા હતા.

         દુબે આતમરામ હૈ, પિતા નામ જગજાન,

         માતા હુલસી કહત સબ, ગુરૂ કો સુનિયે સાધુ,

         પ્રગટ નામ નહીં કહત, જગ કહે, હોત અપરાધ,

         દીનબંધુ પાઠક કહત, સસુર નામ સબ કોઇ,

         રત્નાવલી તિય નામ હૈ, સૂત તારક મત સોઇ.

         તેઓ કહેતા, મારૂં નામ તુલસીદાસ છે. પિતાનું નામ આતમરામ દુબે છે. માતાનું નામ હુલસીબાઈ છે. ગુરૂનું નામ સ્પષ્ટ લખવાથી અવિવેક થાય એમ હું માનું છું. એટલે મેં સમસ્યા દ્વારા જણાવ્યું છે, પ્રહ્‍લાદનો ઉધ્ધાર કરનારનું નામ જે હતુ તે ગુરૂનું નામ છે. (અર્થાત્‌ નરહરિદાસ હતું) સસરા દીનબંધુ પાઠક અને પત્ની રત્નાવલી, તારક પુત્ર, જે ચિરનિન્દ્રામાં પોઢી ગયો.

         એક ગામના કૂવા આગળ, વિશાળ વટવૃક્ષની છાયામાં સંત તુલસીદાસ આરામ લઈ રહ્યા હતા. ભગવાનનું નામસ્મરણ કરી રહ્યા હતા. એ સ્થળે ગામનો તોફાની, બદમાશ હરિ નામનો યુવક આવી પહોંચ્યો. આ યુવક ગામના જમીનદારનો ઉધ્ધત પુત્ર હતો. જમીનદારમાં હોય એ બધાં જ કુછંદ તેનામાં હતા. એ રાતનો બાદશાહ હતો, ગરીબ બિચારા ખેડૂતો, મજૂરો અને વ્યાપારીઓ તેનાથી કાંપતા. તેની દુષ્ટ નજરે જે યુવતીનું યૌવન ચડી જતુ. જમીનદારના લાઠી ધારીઓ એનું અપહરણ કરીને હરિના ચરણે ધરી દેતા. ત્યાં એનું યૌવન સમર્પિત થઈ જતું.

         એણે અને એના સાથીઓએ સંત તુલસીદાસને વિવિધ પ્રકારે હેરાન પરેશાન કર્યો, છેવટે પથ્થરો માર્યા. સંતનો આત્મા દુભાયો, ભગવાનનું નામ લેવામાં વિક્ષેપ! આ દેશની આવી પામર યુવાની? આ યુવાકો કેવા ઉદંડ બની ગયા છે? દુ:ખી થઈને સંત તો ભરબપોરે એ સ્થળ તજી ચાલ્યા ગયા. બીજા ગામમાં એક મંદિરમાં નિવાસ કર્યો.

સંતને પીડા ન આપો :

         બીજે દિવસે સવારે સમાચાર મળ્યા કે, બાજુના ગામનો જમીનદાર-પુત્ર હરિ એના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો.

         કટાક્ષવાણી વક્તા અને શ્રોતાને માત્ર આનંદ આપી શકે પરંતુ એની સ્થાયી અસર શૂન્ય હોય છે. કટાક્ષવાણી ક્યારેક પોતાની સીમા ઓળંગે છે ત્યારે નિંદા પણ બની જાય છે. પારકી નિંદા એ મનુષ્યના સ્વભાવની મોટી ખોડ છે. એનાથી ક્યારેક મહાઅનિષ્ટ સર્જાય છે. મહાન માણસો ગુણગ્રાહી હોય છે, અવગુણગ્રાહી નહિ.

         શહેનશાહ અકબરના દરબારમાં કવિ ગંગ બિરાજતા હતા. તેઓ સારા કવિ હતા પરંતુ તેમને સર્વશ્રેષ્ઠ કવિ હોવાનો મદ હતો. તુલસીદાસની કીર્તિ હવે સમ્રાટ અકબરના દરબાર સુધી પહોંચી ગઈ એમાંયે એવી વાત પ્રચલિત થઈ કે, શહેનશાહ અકબર હિંદુસ્તાનના સમ્રાટ ભલે હોય પરંતુ લોકોના હૈયાના સમ્રાટ તો સંત તુલસીદાસ છે. સમ્રાટ અકબરના જમાનામાં સૌથી મહાન વિભૂતિ અકબર નહિ પણ તુલસીદાસ છે.

         આ સાંભળી સમ્રાટ અકબર અને કવિ ગંગ બંને અકળાયા. સમ્રાટ પાસે સમય ક્યાં હતો. છેલ્લા બે વરસથી રાજપૂતાનામાં એમનો કટ્ટર હરીફ મહારાણા પ્રતાપ તેમની કીર્તિને આંબી ગયા હતા. ૧૫૭૬ ની હલ્દીઘાટીના યુદ્ધેતો મહારાણા પ્રતાપને હિંદભરમાં મશહૂર બનાવી દીધા હતા અને આ સંત તુલસીદાસની વાત પ્રસરી હતી.

         પરંતુ કવિ ગંગના મનની અસૂયાએ તો ભયંકર સ્વરૂપ લીધું. તેઓ તો યાત્રાના બહાને નીકળી પડ્યા અને પહોંચ્યા મહાકવિ પાસે. ગુસ્સામાં આવીને એમની સાથે કટાક્ષમય વાણીમાં બોલવા લાગ્યા મહાકવિ તો પોતાની કાનના કીડા ખરી પડે એવી વાણીમાં નિંદા પણ શાંતપણે સાંભળી રહ્યા. કીર્તિ અને અપકીર્તિની ભાવનાથી તેઓ પર બની ગયા હતા. વાણીવિલાસ કરી કરીને ગંગ કવિ અંતે થાકી ગયા હતા. પોતે કેવો સબક શીખવાડી આવ્યા એના સંતોષ સાથે ગંગ કવિ ચાલ્યા ગયા.

         પરંતુ થોડા સમય માં જ એક દુ:ખદ બનાવ બની ગયો. રાજધાનીમાં એક ગાંડા હાથીના પગ તળે કચડાઈને ગંગ કવિ મૃત્યુ પામ્યા.

         સમ્રાટ અકબરે આ વાત જાણી, તે અરસામાં જ એક પંડિતોનું પ્રતિનિધિ મંડળ સમ્રાટ પાસે આવ્યું.

         “તુલસીદાસ સંસ્કૃતના પવિત્ર ગ્રંથને અવધીમાં ઉતારી મહાપાપ કરી રહ્યા છે. દેવભાષાનું અપમાન કરી રહ્યા છે. બીજા ઘણાં કામો એ શાસ્ત્ર વિરૂદ્ધ કરી રહ્યા છે.” પુષ્કળ ફરિયાદો કરી.

         આથી ગુસ્સે થઈ તેમણે આદેશ આપ્યો. “તુલસીદાસને કેદ કરીને શાહી કેદખાનામાં પૂરી દો.”

         અયોધ્યાથી તુલસીદાસને કેદ કરી ફતેહપુરસિકરીમાં શાહી કેદખાનામાં પૂરી દેવામાં આવ્યા.

સંત અને શહેનશાહ :

         ‘માનસ’ ની રચના કરીને તુલસીદાસજી મહાકવિ બની ચૂક્યા હતા. બાદશાહે તુલસીદાસને વિના વાંકે કેદ કર્યા એ વાત વાયુવેગે સર્વત્ર ફેલાઈ ગઈ. સૌને આ વાત હડહડતો અન્યાય લાગી.

         સંત તુલસીદાસે તો નિર્જળા ઉપવાસ શરૂ કરી દીધા. આ વાત પ્રસરતા લોકોના ગુસ્સામાં ઓર વૃદ્ધિ થઈ. અકબરશાહના દરબારમાં વિરાજતા મહાનુભાવો બિરબલ, તાનસેન, ટોડરમલ, કવિ પ્રથિરાજ રાઠોડ પર લોકો અને સેનાના હિંદુ લોકોનું દબાણ વધી પડ્યું.

         “જહાંપનાહ, આપને ગુમરાહ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં તો ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં રામચરિત માનસની રચનાએ એક મહત્વપૂર્ણ ઘટના છે.” રાજા ટોડરમલે આમ કહી તુલસીદાસની કેદમુક્તિની વિનંતી કરી.

         રાજા માનસિંહ મોગલ સામ્રાજ્યના સેનાપતિ હતા. તેમણે સામ્રાજ્યમાં સળવળાટ જોયો. તેઓ શેખ સલીમ ચિશ્તી પાસે ગયા. બાદશાહને સંતને છોડી દેવા વિનંતી કરાવવા માટે.

         સંત તુલસીદાસપર પરમ રામભક્ત હનુમાનજીની કૃપા હતી. તેઓ પ્રગટ થઈ તુલસીદાસને ઉપવાસ છોડવા કહેવા લાગ્યા. સંતે તે પ્રમાણે ઉપવાસ છોડ્યા.

         તે રાત્રે બાદશાહ અકબરના સ્વપ્નમાં હનુમાનજીએ દેખા દીધી. “શહેનશાહ, તેં તુલસીદાસને કેદ કરીને ખોટું કામ કર્યું છે. તું ઇન્સાનિયતનો બંદો છે. તને સતાવવા કે શિક્ષા કરવાની ઇચ્છા નથી. નહિ તો કેવળ, મારી વાનરસેના જ તારી રાજધાનીને નષ્ટ કરવા પૂરતી છે.”

         શહેનશાહ જાગૃત થયા, તેમને પસ્તાવો થયો. તુલસીદાસને કેદ કરવાની જરૂર ન હતી. રાજશાસનમાં ધર્મ અને તેના પંથોને ન તો દાખલ દેવા દેવાય ન તો ધર્મમાં રાજશાસને દખલ કરવી જોઇએ.

         અને બીજે દિવસે ગુરૂ શેખ સલીમ ચિશ્તી, ટોડરમલે પણ તુલસીદાસ માટે કહ્યં, “વહ તો ભગવાનકા પાક બંદા હૈ, લોગોં કે દિલોં કા શહેનશાહ હૈ, ઉસે છોડકર ઉસકી દુઆ માંગો.”

         સ્વયં બાદશાહ અકબરે કેદખાનામાં જઈને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો. માફી માંગી અને સંતતો તેમને આશિર્વાદ આપી વિદાય થયા.

         કટ્ટર હિંદુ સનાતન ધર્માવલંબીઓ, સંસ્કૃત વાલ્મીકિ રામાયણના કથાકારો વધુ ગુસ્સે થયા. એમને લાગતુ હતુ કે, “માનસ” ની રચના કરવાથી એમનો એકાધિકાર છીનવાઈ જતો હતો. લોકો પરથી પોતાની પકડ ઉઠી જાય તો? આવા સ્વાર્થી વિચારોએ જોર પકડ્યું. સાધારણ રીતે તો સંપ્રદાય સંપ્રદાય વચ્ચે એટલા તીવ્ર મતભેદો હોય છે કે, જેથી તેઓ કદી ભેગા થઈ શક્તા નથી. પરંતુ આ પ્રસંગે સમાન આપત્તિનો સામનો કરવા સર્વે સંપ્રદાયના મહાનુભાવો ભેગા થઈ ગયા. તેમણે રાજસત્તાનો ભરડો ભીડવવાનો બાલિશ પ્રયત્ન કર્યો પરંતુ રાજસત્તાની જાગૃતિએ એમની મુરાદ બર આવવા ન દીધી.

         એટલે તુલસીદાસને નમાવવા, રોકવા ઘણા પ્રયત્નો કર્યા. શામ, દામ અને ભેદના શસ્ત્રો હેઠા પડ્યા. હવે દંડનીતિ બાકી રહી હતી. એ દંડનીતિ આપનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો.

તસ્કરોને બોધપાઠ :

         તુલસીદાસે રચેલા ગ્રંથને જ ચોરી લાવવો અને તેનો નાશ કરવો. ન રહેગા બાઁસ, ન રહેગી બાઁસુરી. આ માટે શહેરના બે અલમસ્ત ચોરોને પુષ્કળ પૈસા આપી રોક્યા, શ્રધ્ધાળુઓએ મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં મુકેલી ભેટો, ગુરૂઓના ચરણોમાં મુકેલી ભેટોનો આવો દુરૂપયોગ? પરંતુ ધર્મ જ્યારે અનીતિનો સહારો લે ત્યારે સફળ થાય?

         મધ્યરાત્રિએ તુલસીની કુટીર આગળ ચોરો પહોંચ્યા માતેલા સાંઢે જેવા બળવાન ચોરોને પોતાની સફળતા માટે જરાયે આશંકા ન હતી. કુટીર આગળ પહોંચતા તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. બે રૂપાળા, શૂરવીર, ધનુષ્યધારી યુવાનો કુટીર આગળ આટા મારી રહ્યા હતા. દેવાંશી લાગતા આ વીરપૂરૂષોને જોતાજ આ ચોરો સમજી ગયા કે, અહીં આપણો ગજ વાગે તેમ નથી. તેઓ જીવ બચાવીને ભાગ્યા. લાગલગાટ ચાર દિવસ આમ બન્યું.

         એક દિવસે આ તસ્કરો, શ્રોતાઓમાં ભળી ગયા, કથા પૂર્ણ થતાં જ્યારે બધાં ઉઠીને જવા લાગ્યા ત્યારે તેઓએ પૂછ્યું. “આપની કુટીર આગળ બે ધનુષ્યધારી જુવાનો, રાત્રિના સમયે ફર્યા કરે છે તે કોણ છે?”

         પળવાર તો તુલસીદાસ આ સાંભળી નવાઈ પામ્યા. પરંતુ તરતજ તેમણે આ બંને તસ્કરોને વંદન કર્યા અને કહ્યું, “ભાઈઓ, તમે ભાગ્યશાળી છો. જેના માટે અમે વલખીએ છે તે તમને સહજમાં ભેટી ગયા.”

         પરંતુ બિચારા આ અજ્ઞાની જીવો એકબીજાને મોં વકાસીને જોતા જોતા ચાલ્યા ગયા, સનાતનીઓને ત્યાં જઈને, પૈસા પાછા આપીને કહ્યું, “તુલસીદાસ તો મોટો જાદૂગર છે. જાદૂગરો સામે અમારા જેવા તસ્કરોનું જોર ન ચાલે.”

તાંત્રિકની નિષ્ફળતા :

         સંસ્કૃતિ નગરી વારાણસીમાં નેટેશ્વર મિશ્ર નામનો મહાન તાંત્રિક રહેતો હતો. મેલીવિધા નો તો તે બાદશાહ હતો. તંત્રવિધાના જોરે ભલભલા ધુરંધરોને ભૂ પીતાં કર્યા હતા. ધુરંધરોને જોગંદર બનાવી દીધા હતા. જોગંદરોને બંદર બનાવી દીધા હતા. ગરજના માર્યા સનાતનીઓ તેની પાસે ગયા. વાત સાંભળીને નટેશ્વર બોલ્યો. “એ તુલસીને તો હું ચપટીમાં ચોળી નાંખીશ. હું તંત્રવિધાનો અજોડ આરાધક છું. તુલસીના એ જાદુફાદુ મારી સામે ચાલી જ ન શકે.

         મધ્યરાત્રિએ તુલસીની કુટીરે નટેશ્વર મિશ્ર આવી પહોંચ્યા. મેલીવિધાના સાધકોને રાત્રિ અને અંધકાર જેટલા માફક આવે છે એટલા દિવસ અને પ્રકાશ માફક આવતા નથી. પરંતુ એને, પામરને ક્યાં ખબર હતી કે, આજે એની ખબર લેવા સાક્ષાત હનુમાનજી કુટીર આગળ વેશ-પરિવર્તન કરીને બેઠા હતા.

         તાંત્રિકે પોતાની સમગ્ર તંત્રવિધા અજમાવી. પરંતુતે સાવ નિષ્ફળ ગયો. છેવટે હનુમાનજીએ એની ગરદન પકડી, “નટેશ્વર હવે તારો કાળ આવી પહોંચ્યો છે. તેં નિર્દોષ લોકોને રંજાડ્યા છે. ગમે તે વિધા લોકકલ્યાણ માટે હોય છે, સંતને સતાવવા માટે નહિ. આજે તારે તારા જુલ્મોનો હિસાબ આપવા જમરાજના દરબારમાં જવું પડશે.”

         સત્તાવાહી નિર્ભીક અવાજ સાંભળી તાંત્રિક ગભરાયો.

         “મહારાજ, મારી ભૂલ થઈ. આપ કોણ છો? મને પ્રાણદાન આપો?

         “હું કોણ છું? જો મને ઓળખ?” આમ કહી હનુમાનજી પ્રગટ થયા.

         તાંત્રિક પગમાં પડી ગયો. “મહારાજ મને પાપીને માફ કરો. મારી ભયાનક ભૂલ થઈ. સંતને વિનાકારણે સતાવી મેં પાપ કર્યું? આપનો અપરાધી છું.”

         હનુમાનજીએ આ તાંત્રિકને માફ કરી દીધો. પણ વાણી હરી લીધી. સંતને સતાવવાના ફળ શાં હોય છે એ જગને બતાવા માટે આ જરૂરી હતું, અને પુરતું હતું.

સંતના આશિર્વાદ: પિયુના પુન: મિલન :

રામકથા અદ્‍ભૂત છે. તુલસીદાસ જેવા સંતના મુખે સાંભળવી એ તો મહાભાગ્ય છે. સંસારમાં મન લગાડવાથી મન બગડે છે અને રામકથામાં મન લગાડવાથી ભવ સુધરે છે. સરસ્વતી સંસારમાં દુ:ખી હતી. રામકથા સાંભળી એનું હૈયું હળવું થતું. દરરોજ રામકથા સાંભળ્યા બાદ સંતના ચરણે મસ્તક નમાવી તેમની ચરણરજ લઈને, તે મસ્તકે ચઢાવી પોતાની શ્રધ્ધાના સુમન અર્પણ કરતી. સુંદર નારીને માં, બહેન અથવા પુત્રીના સ્વરૂપે સંત જ નિહાળી શકે. તુલસીદાસ તો નારીને શ્રધ્ધેય માનતા, વંદનીય માનતા, મસ્તક નમાવીને પોતાના ચરણની રજ લેતી સરસ્વતીમાં એમને ગયા જન્મની સહોદરાનો ભાસ થયો. સહસા તેઓના મુખમાંથી આશિર્વાદ સરી પડ્યા.

“બહેન, સૌભાગ્યવતી રહો.”

“સંતની દુઆ અદ્‍ભૂત ઔષધિ છે.” કહેતી હરખાતી હરખાતી સરસ્વતી ઘરે જવા ઉપડી.

એજ વખતે, બે માણસો, જે થોડી ક્ષણો પહેલાંજ આવ્યા હતા. તેઓ તુલસીદાસ પાસે આવીને કહેવા લાગ્યા. “મહારાજ, અમે પેલી બાઈને ઘરે મોકલવા જ આવ્યા હતા. આપે હમણાં પેલી બાઈને આશિર્વાદ તો આપ્યા પરંતુ એનો દુરાચારી પતિતો હમણાંજ ઘરે મૃત્યુ પામ્યો છે.”

બાબા તુલસીદાસનું મન કરૂણાથી છલકાઈ ગયું. આવી ભક્તિભાવ વાળી બાઈ, શું એને આપેલા આશિર્વાદ નિષ્ફળ જશે? તેઓ તો પહોંચ્યા બાઈને ઘેર.

રડારોળ ચાલી રહી હતી. પેલી બાઈ ચોધાર આંસુએ રડતી રડતી પછડાટ ખાતી હતી. તુલસીદાસે તેને મસ્તકે હાથ મૂકી કહ્યું. “બહેન, આશિર્વાદ મારા રામે આપેલા છે એ જૂઠા પડે જ નહિ. રડવાનું બંધ કરી દે, રામનામ શરૂ કરી દે.”

તુલસીદાસે પલાઠીવાળી રામનું નામ જપવા માંડ્યું. ભક્તની આકરી કસોટી હતી. રામનામથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું. સૌના હૈયા અધ્ધર થઈ ગયા. છેવટે રામધુનની ચરમસીમા આવી પહોંચી. મૃત શરીરમાં પ્રાણનો સંચાર થયો. આળસ ખંખેરીને, પેલી બાઈનો પતિ બેઠો થઈ ગયો. સંતનો સર્વત્ર જયજયકાર થઈ ગયો.

બાદશાહ અને બદાયુની :

         શહેનશાહ અકબરે એના ઇબાદત ખાનામાં કથાકાર પાસેથી રામકથા સાંભળી. મહાકવિ તુલસીદાસવાળો પ્રસંગ બન્યા પછી તેમનું રામકથા તરફ કુતુહલ વધી ગયું. હિંદમાં સામ્રાજ્ય જમાવવું હશે તો હિંદુઓના દિલ જીતવા પડશે. આ તેમની માન્યતા હતી.

         તેમને થયું કે, રામકથા ફારસીમાં પણ હોવી જોઇએ. એમણે ફારસીના વિદ્વાન અબ્દુલ કાદિર બદાયુની જોડે સંતલસ કરી. તેઓએ કહ્યું.

         “રામકથા” નો ફારસી અનુવાદ તો ઘણાં સમય પહેલાં કાશ્મીરના સુલતાન જૈતુબઆબદીને કરાવ્યો હતો. આજે એ ઉપલબ્ધ નથી. સંભવ છે લડાઈઓમાં એનો નાશ થયો હશે.”

         “જહાંપનાહ, અમીર ખુસરોના ઉર્દૂ સાહિત્યમાં પણ શ્રીરામને શ્રધ્ધાથી યાદ કરાયા છે.” “તન, મન, ધન કા વહી હૈ માલિક વાનેદિયા મેરે ગોદમેં બાલક વાસે નિકસત જી કો કરમ સે રાખી, સાજન ના આપી. રામન લખન સે લખત મોય વાકી આસ રાત-દિન વહ રહવત પાસ મેરે, મન કો સબ કરત હૈ, કામ એ સખી, સાજન ના સખી રામ.”

         “અરે! વાહ! બદાયુની, ખૂબ સુંદર! એમ કર તું પણ ફારસીમાં રામકથાનો સુંદર અનુવાદ કર.”

         મોગલ શહેનશાહના આદેશથી અબ્દુલ કાદિર બદાયુનીએ રામકથાનો ફારસીમાં સુંદર અનુવાદ કર્યો.

હમ ચાકર રઘુવીર કે :

         તુલસીદાસને મોગલ સલ્તનતના મનસબદાર બનાવવાની એક દરખાસ્ત શહેનશાહ તરફથી આવી તો નિસ્પૃહી તુલસીદાસે ઇન્કાર કરતાં કહ્યું.

         हम चाकर रघुवीर के, पट लिखो दरबार,

       तुलसी अब का होहिए, नर के मन सबदार,

 

ભાવ-મિલન : તુલસી અને રહીમ :

         પ્રેમ એ પ્રેમ છે તેને જાતિની દીવાર કે રાજસત્તાનો મદ ક્યારેય આભડી શક્તો નથી. મોગલ સેનાના સિપેહસલાર અબ્દુલ રહીમ ખાનખાનાન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. મહારાણા પ્રતાપ સામે એકબાજુ જંગ ખેલી આવ્યા હતા અને બીજા બાજુ એમણે જ ભવ્ય અંજલિ આપી હતી.

         “હે મેવાડી રાણા, સૂર્યકુલ દીપક, જ્યાં સુધી આ ધરા પર ધર્મ રહેશે ત્યાં સુધી તારો યશ અમર રહેશે. સત્તાઓ તો ઉદય પામશે અને અસ્ત થશે.” તેઓ આર્ષદષ્ટા હતા. તેઓ સમજતા હતા કે, મેવાડપતિ મહારાણા પ્રતાપ અને મહાકવિ સંત તુલસીદાસ આ યુગની સર્વોચ્ચ પ્રતિભા છે. બંને માટે તેમને ભારોભાર આદર હતો.

         બાદશાહના રાજ્યમાં ગરીબી સર્વત્ર ફેલાયેલી હતી. રાજાની નોકરીઓ કરનાર સિવાય બાકીની પ્રજા મહામુશ્કેલીએ જીવન વિતાવતી હતી.

         એક વખતે, એક ગરીબ વ્યકિત તેમના નિવાસસ્થાને આવી. તેણે મહાકવિની એક પંક્તિવાળી ચીઠ્ઠી બતાવી. એમાં લખ્યું હતું.

         સુરતીય, નરતીય, નાગતીય, સબચાહત અસ હોય વાંચી ખાનખાનાન ખુશ થયા. સમજી ગયા કે, મહાકવિએ આમાં પોતાની પ્રશંસા કરી છે.

         “બોલો, મહાકવિએ શા માટે તમને મોકલ્યા છે?”

         પેલી વ્યકિત બોલી, “હું મહાગરીબ બ્રાહ્મણ છું. મારી દીકરીનો વિવાહ કરવા મારી પાસે ધન નથી. ધનના અભાવે મારી રાંક દીકરીના લગ્ન થઈ શક્તાં નથી. હું તો હવે જીવનના આરે આવી પહોંચ્યો છું. મહાકવિ મારી હકીકત સાંભળી દ્રવી ઉઠ્યા. તેઓએ કહ્યું.”

         “ભાઈ. હું તો સંત છું. મેં ક્યારેય ધન ભેંગુ કર્યું નથી. પરંતુ તું મારા મિત્ર રહીમજી પાસે જા, તેઓ અવશ્ય તને યોગ્ય સહાયતા કરશે.” આથી હું આપના દ્વારે આવ્યો છું.

         “હે વિપ્ર, મહાકવિએ તને મારે ત્યાં મોકલ્યો છે તો હું તને નિરાશ નહિ કરૂં.”

         પછી રહીમજીએ એ વ્યક્તિને એટલું દ્વવ્ય આપ્યું કે, “જેથી એની દીકરીનું લગ્ન સારી રીતે થઈ શકે.

         “ભાઈ, તું આ ચિઠ્ઠી મહાકવિને પહોંચાડજે, “કહી રહીમજીએ એમાં પંક્તિ ઉમેરી,

         ગોદ લિયે હુલસી ફિરૈં, તુલસી સો સંત હોય.

         હિન્દુસ્તાનના મોગલ સેનાપતિ, હિંદુ સંતનું આવું ભાવ-મિલન હતું.

 

 

 

સંગમ : રામ-કૃષ્ણ ભક્તિનો :

         હંમેશા કાદવમાંથી કમળ ઉદ્‍ભવ. કબીર કાશીના લહરતારામાંથી મળ્યા. રત્નાએ તુલસીને આધ્યાત્મ સાગરમાં ધકેલી દીધા. વેશ્યાના વાક્‍પ્રહારે બીજા એક આદમીને કૃષ્ણ-ભક્તિની લગની લાગી. એ હતા સૂરદાસ.

         આ સૂરદાસ પણ એમના સાથી બાબા નંદદાસ સાથે કાશીમાં તુલસીદાસને મળ્યા. જાણે ગંગા અને જમનાનો સંગમ. કૃષ્ણ ભક્તિ અને રામભક્તિનો સંગમ.

         “નંદદાસજી, આપ તો મારા બંધુ છો.” તુલસીદાસે અહોભાવથી કહ્યું. આત્મારામ દુબેજીના પિતરાઈ નંદદાસના પિતા હતા. સૂરદાસ અને તુલસીદાસે કાવ્ય સંબંધી ધણી ચર્ચા કરી. પછીતો સુરદાસે “સુખસાગર” ની રચના કરી.

તિલક કરે રઘુવીર :

         તુલસીદાસની સાધના ફળી. એમની હયાતિમાં જ જન્‌-સમુહ એમને થયેલી રામકૃપાથી પરિચિત થઈ ગયા હતા.

         દેશાટન કરી. પંદર વર્ષમાં દેશને જાણી અને માણીને તુલસીદાસ કાશી આવ્યા. હવે કઠિન સાધનાનો સમય શરૂ થયો. શહેરથી દૂર, જંગલમાં ગંગા-નદીને કિનારે એક કુટીર બાંધી. આંગણામાં તુલસીનો છોડ વાવ્યો.

તુલસીદાસનો નિત્યક્રમ :

         તેઓ વહેલી સવારે ચાર વાગે ઉઠીજતા. નિત્યકર્મથી પરવારતા, ગંગા નદીમાં અંધારા અધારામાં સ્થાન કરી કુટીએ પાછા ફરતા, પછી જપ અને ધ્યાનમાં બેસી જતા, બપોરના સમયે, વનમાં જે કાંઈ ફળ મળે તે ખાઈ લેતા. ગંગાજળ પીતા, પછી સમય પસાર કરતા, બપોરે સ્નાન કરી જપ-તપમાં બેસતા. સાંજે ત્રીજી વખતે જપમાં બેસતા, અને રાત્રિના નવ વાગે શૈયામાં શયન કરતા. આવું તપોમય તેમનું જીવન હતું.

         વર્ષો સુધી આવું ઉગ્ર તપ તેમણે કર્યું.

         એક દિવસે નિત્યક્રમ મુજબ ચાર વાગ્યે જાગી, શૌચ-ક્રિયા પતાવીને પાછા ફરતા હતા. તેઓ ગણગણતાં હતા.

         રઘુવર, તુમકો મેરી લાજ,

         સદાસદા મૈં શરણ તિહારી,

         તુમ બડે ગરીબનિવાજ,

         ભજનની ધૂન સંતના મગજમાં ચાલતી હતી. તેમના પાત્રમાં વધેલું પાણી તેમણે બાજુના ઝાંખરા પર નાંખ્યું. એકાએક ઝાંખરામાંથી એક બ્રહ્મરાક્ષ પ્રગટ થયો. તુલસીદાસના ચરણોમાં પડી ગયો.

સંત તુલસીદાસ અને હનુમાનજી :

         “મહારાજ, વર્ષોથી આપ આ ઝાંખરા આગળ આવીને પાણી સીંચો છો જેથી મારા આત્માને સંતોષ મળે છે. આજે હું મારા પાપોથી મુક્ત થયો છે. ગયા જન્મમાં હું મોટો વિદ્વાન હતો જ્ઞાન-વારસો વિતરણ કર્યા સિવાય હું મરણ પામ્યો એટલે બ્રહ્મરાક્ષસ થયો. આપની જે અભિલાષા હોય તે માંગો. હું ધન, સ્ત્રી કે બાળકો આપી શકું તેમ છું. બોલો આપની શી ઇચ્છા છે?”

         તુલસીદાસ હસ્યા, “ભાઈ, સ્ત્રીને છોડી છે. પુત્રની એષણા નથી. રામનામ આગળ ધનની શી વિસાત?” મારી ઇચ્છા તો રામદર્શનની છે. બોલ, તારાથી એ બની શક્શે?”

         આ સાંભળી બ્રહ્મરાક્ષસ પળવાર તો નિરાશ થયો. પછી બોલ્યો, “મહારાજ, મારી એ બાબતમાં મર્યાદા છે. હું તો શું પરંતુ ભક્ત-શિરોમણી હનુમાનજી સિવાય કોઇ આપને રામદર્શન કરાવી શકે તેમ નથી. હનુમાનજીથી તો અમારે કાયમ યોજન દૂર જ રહેવું પડે છે, પરંતુ મેં આપને દર્શન દીધા છે તો કાંઈક તો આપીશ જ, હનુમાનજીનો મેળાપ કેવી રીતે થાય તે આપને હું કહું છું. ભીડભજન હનુમાનજીને રામકથા અતિપ્રિય છે. હાલ પાસેના ગામમાં રામકથા ચાલે છે. ત્યાં દરરોજ હનુમાનજી વૃદ્ધ પુરૂષનું રૂપ ધારણ કરીને સૌથી પહેલાં આવે છે અને સૌથી છેલ્લા જાય છે. રામકથા ચાલતી હોય ત્યારે ભાવવિભોર થવાથી તેમના ચક્ષુમાંથી નીર વહે છે. તે તેઓ વારંવાર લૂંછે છે. હવે હનુમાનજીનો મેળાપ સાધવો એ તમારા કૈશલ્યની વાત.

         સાંજનો સમય હતો. ગામના પાદરે, મંદિરના પ્રાંગણમાં ગામલોકોએ એક સરસ મંડપ ઉભો કર્યો હતો. કથાનો સમય નક્કી હતો. સંત તુલસીદાસ સાંજના તે મંદિરથી દૂર, એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા.

         ઘણીવાર થઈ તોય કોઇ વૃદ્ધ દેખાયા નહિ. શું બ્રહ્મરાક્ષસે ખોટી માહિતી આપી હશે? તર્કના ઘોડા દોડાવતા હતા ત્યાં તો એક વૃદ્ધ, લાકડીના સહારે ચાલ્યા આવતા જણાયા. ચાલતા ચાલતા શ્રમ પડતો હતો કારણ કે હાંફ ચડી જતી. કાયા વૃદ્ધાવસ્થાથી વળી ગઈ હતી.

         સંત તુલસીદાસ સમજી ગયા. મહાવીર બજરંગબલી છેતરામણી વેશભૂષા ધારણ કરી પધાર્યા છે. એ વૃદ્ધ મંડપમાં જઈને બેઠા. ધીરે રહીને તુલસીદાસ પણ એ વૃદ્ધ પુરૂષની પાછળ ચૂપચાપ બેસી ગયા.

         થોડા સમયમાં તો આખો મંડપ ભરાઈ ગયો. કથાકારનું આગમન થયું અને કરતલધ્વનિથી મંડપ ગાજી ઉઠ્યો, કથા શરૂ થઈ. પ્રસંગ ચાલતો હતો સીતા હરણનો.

         “સજ્જનો અને સન્નારીઓ, આ જતમાં સોનાના મૃગની સંભાવના જ નથી. તોપણ રામ લલચાયા, મૃગની પાછળ દોડ્યા. જ્યારે ભાવિ અંધકારમય બનવાનું હોય ત્યારે ભલભલાની મતિ મારી જાય છે. ભગવાન માનવસ્વરૂપે વિહરતા હતા એટલે એમણે માનવીય લીલા આદરી. સોનાના મૃગની પાછળ ગયેલા ભગવાન શ્રીરામનો આર્તનાદ સાંભળીને સીતાજીનું હૈયું કપાઈ ગયું. સાધારણ સ્ત્રીની માફક સાધારણ વાણીમાં સીતાજી લક્ષ્મણને....”

         એ વખતે પેલા વૃદ્ધ પુરૂષે આંખોના નીર લૂંછ્યા અને સંતને ધરપત થઈ કે, ખરેખર આ જ હનુમાનજી છે.

         છેવટે કથાનો વિરામ આવ્યો. અનિચ્છાએ સૌ ઉઠ્યા વિખરાયા. સૌથી છેલ્લા પેલા વૃદ્ધ પુરૂષ ઉઠ્યા. લાકડીના ટેકે ચાલવા લાગ્યા.

         થોડે, દૂર જવા દીધા પછી તુલસીદાસ અચાનક તેમના ચરણોમાં પડી ગયા, “હનુમાનજી, મારી ઉપર દયા કરો. મને રામદર્શન કરાવો.”

         “અરે ભાઈ! તું શું બોલે છે? મારા જેવા દુર્બલ ડોસામાં તને હનુમાનજી દેખાય છે?”

         ગળગળા સાદે તુલસીદાસે કહ્યું, “આપ હવે મારી વધુ કસોટી ન કરો.”

         આમ વાતોમાં ને વાતોમાં બંને ગામથી દૂર એકાંત સ્થળે આવી પહોંચ્યા.

         હવે હનુમાનજીએ સાક્ષાત સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા.

         “તુલસીદાસ, ભગવાન પણ આપની આરાધનાથી ખુશ છે.”

         પછી મારૂતીજીએ એમને રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન કરાવ્યા.

         “તમે રામાયણ લખો, આપોઆપ વાણી શબ્દદેહ ધારણ કરશે.” રામચંદ્રજીના આશિર્વાદ મળ્યા.

         ચિત્રકૂટ પે ઘાટ પે, ભાઈ સંતન કી ભીર,

         તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.

તુલસીદાસ અને મીરાંબાઈ :

         ચિત્રકૂટ બાંધોગયાની નિકટ છે. આ સમય તુલસીદાસની સાધનાનો હતો. ઇ.સ. ૧૫૫૬ એટલે કે, સંવત ૧૬૧૨ માં અહીં રામચંદ્ર વાઘેલાનું રાજ્ય હતું. તેનો રાજગાયક તાનસેન હતો. મીરાંબાઈ દ્વારિકામાં ભગવાનમાં સમાઈ ગયા ન હતા પરંતુ પોતાની ભક્તિમાં કોઇ ખલેલ ન પહોંચે માટે મંદિરના ગર્ભગૃહથી ચાલ્યા ગયા હતા. ઇ.સ.૧૫૪૬ માં ઇ.સ. ૧૫૫૬ માં પૂર્વ ભારતમાં તેઓ દક્ષિણ ભારતથી અનામી સંત મહિલા તરીકે પાછા ફર્યા. તાનસેન સાથે મેળાપ થયો. આ વેળાએજ ચિત્રકૂટમાં સંત તુલસીદાસ સાથે મીરાંબાઈનો મેળાપ થયો હતો.

તુલસીદાસનો સમન્વયવાદ :

         મધુસૂદન સરસ્વતી તે જમાનાના મહાન સંસ્કૃતભાષાના પંડિત હતા. કાશીના પંડિતોએ તુલસીદાસના રચેલા “માનસ” ગ્રંથની નિંદા કરવા માંડી. “સંસ્કૃત ભાષા સિવાય સાર્થક રામકથા વર્ણવી શકાય જ નહિ.”

         મહાકવિ તુલસીદાસે પ્રતિવાદ કર્યો, “તમે વ્યાકરણ, વિચાર કે વર્ણની દ્રષ્ટિએ રામચરિત માનસને કસો.”

મહાકવિનો નિર્ધાર :

         પંડિત મધુસૂદન સરસ્વતીએ એ માટે જ્યારે તુલસીનું “માનસ” વાંચ્યું ત્યારે ખુશ થઈ ગયા. તેમણે ગ્રંથની શ્રેષ્ઠતાનો અભિપ્રાય આપી દીધો. છતાં પંડિતો શિવ-સમર્થનના આગ્રહી રહ્યા. ફરી કસોટીની એરણપર સંતને કસવા માંડ્યા. પુરાણો, વેદો અને ઉપનિષદો નીચે ‘માનસ’ ને મુકવામાં આવ્યું. જો ‘માનસ’ ઉપર આવી જાય તો ગ્રંથની શ્રેષ્ઠતા સાચી. તુલસીએ શિવને પ્રાર્થના કરી. ‘માનસ’ ઉપર આવી ગયું. ઘણા ચમત્કારો તુલસીદાસના જીવનમાં આવ્યા. તેમણે સમન્વયવાદ અપનાવ્યો શિવની પૂજા રામ કરે છે અને રામની પૂજા શિવ કરે છે. વાસ્તવમાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની એકતાનો ભાવ એમાં નિહિત છે.

         ‘માનસ’ ની રચનાથી તુલસી સંસારમાં અમર બની ગયા. તે સાંત કાંડોમાં રચાયો. (૧) બાલ કાંડ (૨) અયોધ્યા કાંડ (૩) અરણ્ય કાંડ (૪) કિષ્કિંધા કાંડ (૫) સુંદર કાંડ (૬) યુદ્ધ કાંડ (૭) ઉત્તર કાંડ. શબ્દ અને અર્થની અમોઘ શક્તિથી તુલસી એમાં મહાકાવ્યત્વને પૂર્ણપણે પામી શક્યા છે. એ સંસારનો અદ્વિતીય ગ્રંથ છે. તુલસીની વાણી અત્ર, તત્ર અને સર્વત્ર સાંભળવા મળે છે, તેઓ હિંદી ભાષાના ભાસ્કર છે. રામાયણ એટલે કુટુંબજીવનનું મહાભાષ્ય.

         “અત્યારે તુલસીદાસ શું કરે છે?” ચાવંડમાં મંદિરમાં રામકથા સાંભળતા મહારાણા પ્રતાપે કહ્યું.

         “મહારાણાજી, તુલસીદાસે “માનસ” સિવાય કવિતાવલી, વિનય-પત્રિકા ગીતાવલી, કૃષ્ણ ગીતાવલી, દોહાવલી, સતસઈ, જાનકી મંગલ, પાર્વતી મંગલ, રામલલા નહછૂ, બરવૈ રામાયણ, રાજાજ્ઞાપ્રશ્ન, વૈરાગ્ય સંદીપની વગેરે લખ્યા પછી એના પ્રચાર માટે ભગવાન પાસે ચિરાયુ માંગ્યું. આજે તેઓ તે સાહિત્યના પ્રચારમાં તન, મનથી લાગી ગયા છે.”

“તુલસી મસ્તક તબ નમે જબ હાથમેં લો ઘનુષ્યબાણ” એ શી ઘટના છે.

         “એક વેળા રામ કસોટી કરવા કૃષ્ણનું રૂપ ધરીને આવ્યા તો તુલસીદાસે મસ્તક નમાવવાનો ઇન્કાર કરતા આ પ્રમાણે કહ્યું હતું અને રામને અસલી રૂપ ધારણ કરવું પડ્યું હતું.”

         “રામકથા” સાંભળતા સાંભળતા મહારાણા પણ પરમ તૃપ્તિ અનુભવતા હતા.

         મહારાણાજી, રામકથાનો મહાસંદેશ છે કે,

                  દો બાબત કો મત ભૂલ, જો ચાહે કલ્યાણ,

                 નારાયણ એક મોતકો, દૂજે શ્રીભગવાન.

         આ ઘટના ઇ.સ. ૧૫ ના આઠમા દાયકાની છે. મહારાણા પ્રતાપનું હૈયું સંતના જીવનની વાતો સાંભળીને અહોભાવથી છલકાતું હતું.