૯ ચાલબાજ કુરેશી.... !
ટ્રાન્સમીટર ૫૨ લગાતાર બીર્...બીપ્...નો અવાજ ગુંજતો હતો. પરંતુ દિલીપનું સમગ્ર ધ્યાન નીચેની ધમાચકડીમાં અટવાયેલું હોવાને કારણે ટ્રાન્સમીટરનો અવાજ તેને નહોતો સંભળાતો. પછી અવાજ સંભળાતાં જ એણે ઝપાટાબંધ ટ્રાન્સમીટર ચાલુ કરીને ઇયરપીસ બંને કાનમાં ભરાવ્યા.
‘યસ... ! દિલીપ સ્પીકિંગ... !' એ ઉતાવળા અવાજે બોલ્યો.
‘દિલીપ.... !' વળતી જ પળે નાગપાલનો ગભરાટભર્યો અવાજ તેને સંભળાયો, ‘શું વાત છે... ? શું ડેનિયલે આપણા વડાપ્રધાનનું ખૂન કરી નાખ્યું છે... ? શું તું નિશાન ચૂકી ગયો હતો... ?' ‘ના, અંકલ... !’ દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘મારું નિશાન ચૂકાવાનો સવાલ જ ઊભો નથી થતો. ડેનિયલને પોતાની રાઇફલનું ટ્રિગર દબાવવાની કોઈ તક મળે એ પહેલાં જ મેં તેને શૂટ કરી નાખ્યો હતો.... !'
‘તો પછી આ ધમાચકડી શાની છે ? આટલો બધો શોરબકોર શા માટે થાય છે...?'
‘કંઈ સમજાતું નથી અંકલ.... !' દિલીપે વ્યાકુળ અવાજે કહ્યું, ‘તમને વડાપ્રધાન બેઠા હતા એ બૂલેટપ્રૂફ ગાડી દેખાય છે... ?’
‘ના, નથી દેખાતી... ! હું ઘણો પાછળ છું અને ભીડને કારણે ટ્રાફિક ક જામ થઈ ગયો છે !'
‘ઓહ...'
‘શું થયું... ?’ શું બૂલેટપ્રૂફ ગાડી સાથે કંઈ અજુગતું બન્યું છે... ?’
‘હા, અંકલ...બધો બખેડો એ ગાડીને કારણે જ થયો છે !'
‘કેવી રીતે... ?’
‘અંકલ... !’ દિલીપ બોલ્યો, ‘કોણ જાણે કેવી રીતે બૂલેટપ્રૂફ ગાડી એકાએ કાબૂ ગુમાવી, રેલિંગ તોડીને, રેલિંગ પાછળ વડાપ્રધાનના દર્શનાર્થે ઊમટેલી લોકોની ભીડ પર ધસી ગઈ છે. આ બનાવને કારણે કેટલાંય લોકો માર્યાં ગયાં છે અને અસંખ્ય ઘાયલ થયાં છે. આ બધી ધમાચકડી અને દેકારો એનાં જ છે.'
‘શું બૂલેટપ્રૂફ ગાડીમાં વડાપ્રધાન હેમખેમ છે... ?’
‘તેઓ તો ગાડીમાં છે જ નહીં... !'
‘શું વાત કરે છે... ?’ સામેથી નાગપાલે ચીસ જેવા અવાજે પૂછ્યું, ‘તેઓ ક્યાં ગયા ?'
‘તેમને અકસ્માતમાં ઈજા પહોંચી હોય અને તેઓને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલે લઈ જવાયા હોય એવું લાગે છે. હવે હું ટ્રાન્સમીટર બંધ કરીને નીચે જઉં છું.'
‘ઓ.કે...’
દિલીપે ટ્રાન્સમીટર બંધ કરીને ઓવરકોટના ગજવામાં મૂક્યું અને સ્ફૂર્તિથી બાબુભાઈ તરફ ફર્યો. ‘તમે નીચે જાઓ છો બિરાદર... ?'
‘હા, હું નીચે જઉં છું.’ દિલીપ તીવ્ર અવાજે બોલ્યો, ‘તમે પણ તાબડતોબ અહીંથી નીકળો... !'
‘અને આ રાઇફલનું શું થશે... ?'
‘રાઇફલને ગોળી મારો...એને અહીં જ પડતી મૂકી દો... !'
‘શું થયું છે એ જ મને તો કંઈ નથી સમજાતું. શું આપણું મિશન નિષ્ફળ ગયું છે.... ?'
‘મિશન સફળ થયું છે કે નિષ્ફળ એ બાબતમાં અત્યારે કશુંય કહી શકાય તેમ નથી. પરંતુ ક્યાંક કંઈક ગરબડ થઈ છે એટલું તો ચોક્કસ જ છે !'
નીકળ્યો અને ઝપાટાબંધ સીડીનાં પગથિયાં ઊતરવા લાગ્યો.
વાત પૂરી કર્યા બાદ દિલીપ તાબડતોબ દ૨વાજો ઉઘાડીને બહાર નીકળ્યો અને ઝપાટાબંધ સીડીનાં પગથિયાં ઊતરવા લાગ્યો.
બાબુભાઈ પણ એની પાછળ જ હતો.
ટેલિસ્કોપિક રાઇફલને એણે રૂમમાં જ પડતી મૂકી દીધી હતી. ઇમારતના ચોથા માળ પર પહોંચતાં જ દિલીપના પગ અચાનક થંભી ગયા...એણે જોયું તો જમીન ૫૨ સિગારેટનું એક પેકેટ પડ્યું હતું.
સિગારેટનું પેકેટ જોતાં જ સહસા એના દિમાગમાં જોખમની ઘંટડી રણકી ઊઠી. પૂછપરછ દરમિયાન એણે આ જ બ્રાન્ડની સિગારેટ ડેનિયલ પાસે જોઈ હતી.
- તો શું ડેનિયલ આ નવી ચણાઈ રહેલી ઇમારતમાં આવ્યો હતો.... ?
એ અનુમાનના આધારે ચોથા માળ પરના જ એક રૂમમાં પ્રવેશ્યો.
- અને રૂમમાં દાખલ થતાં જ સામેની બારી પાસે તેને જે વસ્તુ દેખાઈ એને જોતાં જ એનું કાળજું કંપી ઊઠ્યું. એનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. ત્યાં પણ ઊંચા સ્ટેન્ડ પર ફીટ કરેલી એક શાનદાર ટેલિસ્કોપિક રાઇફલ પડી હતી.
રાઇફલની નળી અત્યારે નીચે સડક તરફ જ સ્થિર થયેલી હતી.
દિલીપે નજીક પહોંચીને રાઇફલની નળી સૂંધી જોઈ.
તેને એક વધુ આંચકો લાગ્યો.
રાઇફલની નળીમાંથી સળગેલા બારૂદની ગંધ આવતી હતી. એટલું જ નહીં, તેમાંથી હજુ પણ આછો પીળો ધુમાડો બહાર નીકળતો હતો.
બાબુભાઈ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
‘આ શું બિરાદર... ?’ રાઇફલ જોઈને એ પણ ચમક્યો, ‘અહીં પણ કોઈક હતું એવું લાગે છે !'
‘હા...કોઈક હતું એટલું જ નહીં...' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો,
‘આ રાઇફલમાંથી સડક ત૨ફ ગોળી પણ છોડવામાં આવી છે. ગોળી છોડયા પછી હુમલાખોર કીમતી રાઇફલની પરવાહ કર્યા વગર તેને અહીં જ પડતી મૂકીને નાસી છૂટયો છે,
‘હે ઈશ્વર... !’ બાબુભાઈએ કંપતા અવાજે કહ્યું, ‘આ તો એક પછી એક નવા નવા ફણગા ફૂટતા જાય છે... !'
‘હજુ તો ભગવાન જાણે શું શું થવાનું બાકી છે...!'
દિલીપ ફરીથી બહાર નીકળીને ઝપાટાબંધ બબ્બે ત્રણ-ત્રણ પગથિયાં કુદાવતો નીચે ઊતરવા લાગ્યો.
થોડી પળોમાં જ તે ઇમારતમાંથી બહાર નીકળી ગયો. સડક પર એ વખતે લશ્કર, પોલીસ તથા સલામતી દળના માણસો બૂમો પાડી પાડીને ભીડ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા હતી.
અમુક તો લાઠીચાર્જ પણ કરતા હતા, પરંતુ તેમ છતાંય ધમાચકડી ઓછી નહોતી થઈ. લોકો ઠોકરો ખાતાં, પડતાં-આખડતાં, ધક્કા- મુક્કી કરતાં પોતાનાં સ્વજનોને શોધવા માટે આમતેમ દોડાદોડી કરતાં હતાં.
દિલીપ જેમતેમ ભીડમાંથી માર્ગ કરી ‘ઝીણા હાઉસ'નાં પગથિયાં ચડીને તેના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. ત્યાં કોઈ નહોતું.
કાયમ હાજર રહેતો ચોકીદાર પણ અત્યારે ક્યાંય નજરે નહોતો ચડતો.
દિલીપ ‘ઝીણા હાઉસ'માં દાખલ થઈ ગયો.
અત્યારે બાબુભાઈ એની સાથે નહોતો. તે ભીડમાં જ ક્યાંક અટવાઈ ગયો હતો.
દિલીપ ‘ઝીણા હાઉસ'માં પ્રવેશ્યા બાદ અંદરના ભાગમાં કેટલાય હૉલ વટાવીને છેવટે જે બારી પાસેથી ડેનિયલે વડાપ્રધાનનું નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં પહોંચ્યો.
ડેનિયલનો મૃતદેહ હજુ પણ અવળામોંએ જમીન પર પડ્યો હતો. મૃતદેહની આજુબાજુમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. દિલીપે ઓવ૨કોટના ગજવામાંથી પોતાની રિવૉલ્વર ખેંચી કાઢી. જો અચાનક કોઈ આતંકવાદી ત્યાં આવી ચડે તો એનો સામનો કરવા માટે હવે તે તૈયાર હતો.
ત્યાર બાદ એણે અવળા મોંએ પડેલા ડેનિયલને ચત્તો કર્યો. આ પ્રયાસમાં ડેનિયલની આંખો પરથી કાળા કલરનાં ગોગલ્સ ચશ્માં નીકળી ગયાં. – અને ચશ્માં નીકળતાં જ દિલીપે આશ્ચર્યનો એક વધુ આંચકો અનુભવ્યો.
તે નર્યા અચરજ અને અવિશ્વાસથી જડવત્ બની ગયો.
એ મૃતદેહ રશિયાના અત્યંત ખતરનાક અને ચાલાક ખૂની ડેનિયલનો નહોતો...!
વાસ્તવમાં એ કોઈક બીજો જ માણસ હતો. દૂરથી એનો દેખાવ ડેનિયલ જેવો લાગતો હતો. એનો શારીરિક બાંધો, હૅર સ્ટાઇલ વિગેરે ડેનિયલ જેવાં જ હતાં. ઉપરાંત આંખો પર ગોગલ્સ ચડાવેલાં હોવાને કારણે એનો અડધા ભાગનો ચહેરો ચશ્માંના કાચ પાછળ છુપાઈ ગયો હતો.
હવે જ દિલીપને ભાન થયું કે આ માણસે તડકાથી બચવા માટે નહીં, પરંતુ પોતાનો અસલી ચહેરો છુપાવવાના હેતુથી આંખો પર કાળા કાચવાળાં ગોગલ્સ ચશ્માં પહેરેલાં હતાં.
પછી દિલીપની નજર ટેલિસ્કોપિક લેન્સવાળી રાઇફલ પર પડી. વળતી જ પળે એ પોતાની જાત પર ધૂંધવાયો.
વાસ્તવમાં તે એક સાવ સાધારણ રાઇફલ હતી. કમ સે કમ આવું અગત્યનું મિશન પાર પાડવા માટે તો એ સાવ નકામી હતી. આ રાઇફલ વડે કોઈ કાળે અચૂક નિશાન સાધી શકાય તેમ નહોતું. એકાએક દિલીપને સમગ્ર હકીકત સમજાઈ ગઈ.
દિલીપને અંધારામાં રાખવા માટે આ માણસને જાણી જેઇને અહીં ગોઠવવામાં આવ્યો હતો એમાં હવે શંકાને કોઈ સ્થાન નહ્યુંતું રહ્યું.
કુરેશીએ જાણી જોઈને જ આ માનવીને હોળીનું નાળિયેર બનાવ્યું હતો. એક એવું નાળિયેર કે જે કોઈ પણ સંજોગોમાં હોમાવાનું જ હતું.
પોતાના અંજામથી તે વાકેફ હતો કે કેમ...? સડક પર નિશાન સાધતી વખતે એના ચહેરા પર જે હાવભાવ ઊપસેલા હતા. એ પરથી તો તે પોતાના અંજામથી બિલકુલ અજાણ લાગતો હતો. એ વખતે તો એના એવા ૫૨ ૫૨મ સંતોષના હાવભાવ તરવરતા હતા. ચોક્કસ જ તેને પોતાના અંજામની ખબર નહોતી. કુરેશીએ તેને પણ અંધારામાં રાખીને દિલીપના હાથેથી મોતના જડબામાં ધકેલી દીધો હતો. કુરેશી ગણતરી કરતાં પણ વધુ ચાલાક અને ખતરનાક નીકળ્યો હતો.
રહેમ કે દયા નામની કોઈ ચીજ જ જાણે કે તેની પાસે નહોતી.
સહસા દિલીપના મગજમાં એક સવાલ ગુંજી ઊઠ્યો.
- પોતે જે ઇમારતના છઠ્ઠા માળ પર બાબુભાઈ સાથે ડેનિયલનું નિશાન તાકીને બેઠો હતો, એ જ ઇમારતના ચોથા માળના એક રૂમમાં પડેલી ટેલિસ્કોપિક રાઇફલ પાછળ શું ભેદ હતો...?
પછી તરત જ તેને પોતાના આ સવાલનો જવાબ પણ મળી ગયો.
- જરૂર ચોથા માળ પર અસલી ડેનિયલ મોજૂદ હતો... !
— હૈ ઈશ્વર... ! કેટલું મોટું ષડયંત્ર... ?
– કેવી ભયંકર દગાબાજી……… !'
– ખતરનાક કુરેશી બેવડો દાવ રમીને જીતી ગયો હતો... ! દિલીપે રિવૉલ્વર ગજવામાં મૂકી દીધી. ત્યાર બાદ અનહદ સ્ફૂર્તિથી તે આવ્યો હતો એ જ રીતે ઝીણા હાઉસ'માંથી બહાર નીકળી ગયો.
બનાવના સ્થળેથી ભીડ હવે ઓછી થતી જતી હતી.
હવે બહુ શોરબકોર પણ નહોતો થતો. વાતાવરણ શાંત હતું. બંને ઍમ્બ્યુલન્સ મૃત્યુ પામેલાં તથા ઘવાયેલાં લોકોને લઈને ચાલી ગઈ હતી.
રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન, રશિયન કૅબિનેટના મંત્રી તથા ઉચ્ચાધિકારીઓ પણ ત્યાંથી વિદાય થઈ ગયા હતા. અત્યારે જે લોકો ત્યાં હાજર હતા તેમની વચ્ચે દુર્ઘટના વિશે જ ચર્ચા ચાલતી હતી. કાફલામાં મોજૂદ પત્રકારો હવે બનાવના સ્થળ તથા દાર્શનિક સાક્ષીઓના ફોટા પાડતા હતા. ‘ઝીણા હાઉસ'માંથી બહાર નીકળતાં જ દિલીપે નાગપાલની શોધ શરૂ કરી. પરંતુ એ તેને ક્યાંય ન દેખાયો.
અલબત્ત, નાગપાલની નજર જરૂર દિલીપ પર પડી ગઈ હતી. અત્યારે તે એક કારમાં બેસીને ભારતીય દૂતાવાસ જવા માટે રવાના થતો હતો.
દિલીપ પર નજર પડતાં જ એણે તેની પાસે કાર ઊભી રખાવી. એના ગોરા-ચિટ્ટા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. ‘તું ક્યાં હતો દિલીપ... ?' એણે કારમાંથી નીચે ઊતરતાં કહ્યું, ‘હું ક્યારનોય તને શોધું છું.'
‘હું થોડી મૂંઝવણમાં અટવાઈ ગયો હતો... !' દિલીપ ચિંતાતુર અવાજે બોલ્યો.
‘ઉપાધિ તો બહુ મોટી આવી પડી છે... !' નાગપાલે કહ્યું, ‘સલામતીનો કેટલો જબરદસ્ત બંદોબસ્ત હતો... ! કેવી જડબેસલાક વ્યવસ્થા હતી... ! પરંતુ તેમ છતાંય ગરબડ થઈ ગઈ... ! બધી વ્યવસ્થા પર પાણી ફરી વળ્યું.. !'
‘અહીં વાસાવમાં શું બન્યું છે એની તમને ખબર છે અંકલ … ? દિલીપે પૂછ્યું.
'ના..' નાગપાલે હાથમાં રહેલી પાઇપમાંથી કસ ખેંચતાં જવાબ આપ્યો. ‘તો તમારી જાણ માટે સાંભળી લો કે આપણી ગણતરી કરતાં પણ વધુ ભયંકર ગરબડ થઈ છે !'
‘કેવી ગરબડ.... ?’ નાગપાલે મૂંઝવણભરી નજરે એના ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.
‘સાંભળો...પાકિસ્તાની જાસૂસોએ આપણા વડાપ્રધાનનું અપહરણ કરી લીધું છે.' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો.
‘....અપહરણ.... !' દિલીપના આ ધડાકાથી નાગપાલના હાથમાંથી પાઇપ છટાં છટકતાં રહી ગઈ. એના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું.
‘જી, હા... ! દુશ્મનનું અસલી મિશન આ જ હતું.. ! વાસ્તવિક યોજના આ જ હતી... !' દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘હું માનું છું ત્યાં સુધી આપણા વડાપ્રધાનનું ખૂન કરવાની તેમની કોઈ યોજના હતી જ નહીં ! તેઓ તો શરૂઆતથી જ વડાપ્રધાનનું અપહરણ કરવા માગતા હતા... ! વડાપ્રધાનને જીવતા જ પોતાના કબજામાં મેળવવા માગતા હતા. અને એમાં તેમને સફળતા પણ મળી... !'
‘ઓહ... તો તું એમ કહેવા માગે છે કે...’ નાગપાલે નર્યા અચરજથી પૂછ્યું, ‘જે ઍમ્બ્યુલન્સમાં આપણા વડાપ્રધાનને લઈ જવામાં આવ્યા છે તે અબ્દુલ વહીદ કુરેશીની એટલે કે આપણા દુશ્મનની હતી... ?
‘હા...હું એમ જ કહેવા માગું છું... !' દિલીપે જવાબ આપતાં ‘અશક્ય... આ વાત મારા ગળે નથી ઊતરતી... !' નાગપાલ મક્કમ અવાજે બોલ્યો.
પ્રેમ, શા માટે નથી ઊતરતી... ?’
‘કારણ કે બનાવના સમયે ભલે બૂલેટપ્રૂફ ગાડી પર મારી નજ૨ ન પડી હોય, પરંતુ ઍમ્બ્યુલન્સને તો મેં મારી સગી આંખે જોઈ હતી. તે જોરજોરથી સાયરન વગાડતી અમારી કારની બાજુમાંથી જ પસાર થઈ હતી. તે ‘લેનિન હૉસ્પિટલ'ની સરકારી ઍમ્બ્યુલન્સ હતી.
‘દુશ્મનોએ ‘લેનિન હૉસ્પિટલ'ની ઍમ્બ્યુલન્સ કોઈ પણ રીતે પોતાને કબજે કરી લીધી હોય અથવા તો પછી એના જેવી જ બીજી ઍમ્બ્યુલન્સ તૈયાર કરાવી હોય એ બનવાજોગ છે... !'
‘એક વાત મને નથી સમજાતી દિલીપ.. !'નાગપાલના અવાજમાં મૂંઝવણનો સૂર હતો.
‘શું ?’
‘ઍમ્બ્યુલન્સ દુશ્મનની જ હતી અને વડાપ્રધાનનું અપહરણ જ કરવામાં આવ્યું છે એ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકે છે... ?’
‘અત્યારે દલીલ કરવાનો સમય નથી અંકલ... !' દિલીપ ઉતાવળા અવાજે બોલ્યો, ‘આ બધી વાતોની ચોખવટ તો પછી પણ થઈ શકે તેમ છે. પહેલાં તો તમે તાબડતોબ એ ઍમ્બ્યુલન્સને ઝડપવાની વ્યવસ્થા કરો... ! જો તે બહુ દૂર નીકળી જશે તો પછી એનો પત્તો નહીં લાગે... !' ‘ઠીક છે...’ નાગપાલે ધીમેથી માથું હલાવતાં કહ્યું, ‘હું હમણાં જ કંઈક વ્યવસ્થા કરું છું. તું કારમાં બેસી જા... !' કહીને એ કારમાં ગોઠવાઈ ગયો.
દિલીપ અંદર બેઠો કે તરત જ કાર આગળ વધી ગઈ. થોડે દૂર ગયા પછી નાગપાલે એક પબ્લિક ટેલિફોન બૂથ પાસે કાર ઊભી રખાવી અને દિલીપને કારમાં જ બેસવાનું જણાવી, નીચે ઊતરીને ઝપાટાબંધ બૂથમાં દાખલ થઈ ગયો.
દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે કસ ખેંચવા લાગ્યો. થોડી પળો બાદ નાગપાલ પાછો ફરીને કારમાં બેસી ગયો.
કાર ફરીથી સડક પર દોડવા લાગી.
અત્યારે બાબુભાઈ તેમની સાથે નહોતો. તે જરૂર ભીડમાં ક્યાંક અટવાઈ ગયો હતો. દિલીપે પણ તેને શોધવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. બાબુભાઈ જેવો હોશિયાર માણસ ક્યાંય થાપ ખાઈ શકે તેમ નથી એ વાત તે બરાબર જાણતો ને સમજતો હતો.
‘શું થયું.... ?’ નાગપાલ પાછો ફર્યો કે તરત જ એણે પૂછ્યું
‘મેં ભારતના હાઈકમિશ્નરને જાણ કરી દીધી છે. તેઓ તાબડતોબ આ બનાવ વિશે કે.જી.બી.ને જણાવી દેશે. થોડી મિનિટોમાં જ મોસ્કોની બહાર જતા તમામ માર્ગ બંધ થઈ જશે. એરપોર્ટ તથા રેલવે સ્ટેશન પર ચેકિંગ શરૂ થઈ જશે. એટલું જ નહીં વાયરલેસ દ્વારા તમામ ચેકપોસ્ટ તથા પોલીસ પેટ્રોલકારોને પણ આ સંદેશો આપી દેવાશે... !'
‘વેરી ગુડ... !' દિલીપ સંતોષથી માથું ધુણાવતાં બોલ્યો.
‘હવે બોલ... ! ઍમ્બ્યુલન્સ દુશ્મનની જ હતી અને વડાપ્રધાનનું અપહરણ જ કરવામાં આવ્યું છે, એવું તું કયા આધારે આટલી ખાતરીથી કહે છે?'
‘એની ચોખવટ પણ કરું છું, પરંતુ તે પહેલાં તમે મારા એક સવાલનો જવાબ આપો.'
‘પૂછ….'
‘વડાપ્રધાનની બૂલેટપ્રૂફ ગાડી રેલિંગ તોડીને લોકો પર કેવી રીતે ધસી ગઈ...? આ બનાવ કેવી રીતે બન્યો... ?’
મારી નજર સામે તો આ બનાવ નહોતો બન્યો !' નાગપાલ પોતાની બુઝાઈ ગયેલી પાઇપને ફરીથી પેટાવીને તેનો કસ ખેંચતાં ગંભીર અવાજે બોલ્યો, પરંતુ પાછળથી મને જે કંઈ જાણવા મળ્યું તે પ્રમાણે કોઈકે બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને ગોળી ઝીંકી દીધી હતી. ગોળી બરાબર એના કપાળ પર વાગી હોવાને કારણે તાબડતોબ તે મૃત્યુ પામ્યો અને ગાડી કાબૂ બહાર જવાથી રેલિંગ તોડીને પબ્લિક પર ધસી ગઈ હતી.’
‘રાઇટ.. !’ દિલીપે કહ્યું, ‘બિલકુલ એમ જ બન્યું છે અને આના પરથી જ પુરવાર નથી થઈ જતું કે હુમલાખોરો આપણા વડાપ્રધાનને મોતને ઘાટ ઉતારવા નહીં, પણ તેમનું અપહરણ કરવા માગતા હતા ?’ એટલે.... ? હું સમજ્યો નહીં... !' નાગપાલના અવાજમાં મૂંઝવણનો સૂર હતો.
'મામલો દીવા જેવો સ્પષ્ટ છે અંકલ.. !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘આ દુર્ઘટના સર્જીને જે ધમાચકડી થાય, એનો લાભ ઉઠાવીને વડાપ્રધાનનું અપહરણ કરીને સહેલાઈથી છટકી જવાય એટલા માટે જ બૂલેટપ્રૂફ ગાડી ‘ઝીણા હાઉસ'વાળા વળાંક પર પહોંચી કે તરત જ હુમલાખોરે ગાડીના ડ્રાઇવરને શૂટ કરી નાખ્યો. બીજા શબ્દોમાં કહું તો વડાપ્રધાનનું અપહરણ કરવામાં સરળતા રહે એટલા માટે જ ડ્રાઇવરને શૂટ કરીને આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો... !'
‘ઓહ...’ નાગપાલ ધીમેથી બબડ્યો.
એના એરા પર ગંભીરતા ફરી વળી હતી.
કાર મોસ્કોના આલીશાન રાજમાર્ગ પર દોડતી હતી.
‘અંકલ... !’ દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘સાચી વાત તો એ છે કે કુરેશી આપણી ગણતરી કરતાં પણ વધુ ચાલાક નીકળ્યો, પોતે જાણે ‘ઝીણા હાઉસ’માંથી વડાપ્રધાનને શૂટ કરી કે કરાવી નાખવાનો છે, એવું જ એણે પોતાની પ્રત્યેક હિલચાલ દ્વારા જણાવ્યું, પરંતુ વાસ્તવમાં એનો એવો કોઈ ઇરાદો નહોતો. એનો મુખ્ય હેતુ તો અકસ્માત સર્જવા માટે બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કરી નાખવાનો હતો અને આ કામ જ એણે ડેનિયલને સોંપ્યું હતું. અને આ પણ કેવી મજાની વાત છે કે જે ઇમારતના છઠ્ઠા માળ પર હું અને બાબુભાઈ હતા એ જ ઇમારતના ચોથા માળ પર કુરેશીએ ડેનિયલને કામ પાર પાડવા માટે ગોઠવ્યો. ડેનિયલ અમારી બરાબર નીચે જ હોવા છતાંય અમને તેની ખબર નહોતી. ડેનિયલ માટે એ ઇમારત જ વધુ સલામત છે એની ખબર હોવાથી જ કુરેશીએ એને ત્યાં ગોઠવ્યો હતો. એ ઇમારતમાંથી જ ડેનિયલ વધુ સારી રીતે પોતાનું કામ પાર પાડી શકે તેમ હતો. નાગપાલ સ્તબ્ધ બનીને દિલીપની એક એક વાત સાંભળતો જો ખરેખર જ કુરેશીએ દિલીપના અનુમાન મુજબ કર્યું હતું તો તે ખતરનાક હોવાની સાથે સાથે અત્યંત ખતરનાક ભેજાનો માલિક પણ હતો. ‘અને અંકલ... !’ દિલીપ બોલ્યો, ‘અને કુરેશી સૌથી મોટી ચાલબાજી તો એ રમ્યો કે એણે ‘ઝીણા હાઉસ'માં ડેનિયલના ડુપ્લિકેટને પણ મોકલી આપ્યો જેથી આપણું સમગ્ર ધ્યાન આ ડુપ્લિકેટ પર જ કેન્દ્રિત રહે અને અસલી ડેનિયલ સફળતાપૂર્વક પોતાનું કામ પાર પાડીને સહેલાઈથી છટકી જાય... !'
‘અહીં એક બીજો સવાલ ઊભો થાય છે.. !' નાગપાલે કશુંક વિચારીને કહ્યું.
‘કેવો સવાલ... ?’
‘તારા કહેવા મુજબ અસલી ડેનિયલ તું તથા બાબુભાઈ જે ઇમારતમાં હતા એ જ ઇમારતના ચોથા માળ પર હતો અને એણે જ બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવર પર ગોળી છોડી હતી, ખરું ને ?'
‘તો પછી તેં ગોળી છૂટવાનો અવાજ શા માટે ન સાંભળ્યો....?
'હું માનું છું ત્યાં સુધી તને ચોક્કસ જ ગોળી છૂટવાનો અવાજ સંભળાવો જોઈતો હતો... !' નાગપાલ બોલ્યો.
‘તમારો સવાલ ખૂબ જ મુદ્દાનો છે, પરંતુ ગોળી છૂટવાનો અવાજ મને શા માટે નહોતો સંભળાયો એનો ખુલાસો પણ મારી પાસે છે.'
શું ?'
મારી માન્યતા પ્રમાણે મેં જે વખતે ‘ઝીણા હાઉસ' તરફ ગોળી છોડી હતી, બરાબર એ જ પળે ચોથા માળ પરથી ડેનિયલે પણ બુલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવર પર ગોળી છોડી હશે. આમાં બહુ બહુ તો બે-પાંચ સેકંડનો ફર્ક પડ્યો હશે. પરિણામે બંને ગોળીઓના અવાજ એકબીજા સાથે ભળી ગયા. બાબુભાઈએ બીજી ગોળી છૂટવાનો અવાજ સાંભળ્યો હશે તોપણ એણે એમ જ માન્યું હશે કે અમને અમારી છોડેલી ગોળીનો પડઘો સંભળાયો છે. ઉપરાંત નીચે સડક પર એટલી ધમાચકડી ને શોર મચેલાં હતાં કે એમાં ગોળી છૂટવાનો અવાજ તો કોઈના કાન સુધી પહોંચી શકે તેમ નહોતો. ડેનિયલ મારાવાળી ઇમારતના ચોથા માળ પર જ હતો, એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. ત્યાં હજુ પણ એણે પડતી મૂકી દીધેલી ટેલિસ્કોપિક રાઇફલ પડી છે. આ ઉપરાંત એક બીજી વાત પણ સાંભળી લો... ! જો ડેનિયલનો હેતુ આપણા વડાપ્રધાનના ખૂનનો હોત તો આ કામ પાર પાડવા માટે ‘ઝીણા હાઉસ’ જ સૌથી વધુ યોગ્ય સ્થળ હતું. ‘ઝીણા હાઉસ’માંથી જ વડાપ્રધાનનું આબાદ નિશાન તાકી શકાય તેમ હતું.'
‘કેમ..?’
‘કારણ કે ‘ઝીણા હાઉસ'ની ઇમારત મોટ૨૫રેડના રૂટની એકદમ સામેના ભાગમાં છે. ઉપરાંત વળાંક પાસે સમગ્ર કાફલાની રફતાર હતી એના કરતાં પણ ઓછી થઈ ગઈ હતી. બધી ગાડીઓ ધીમે ધીમે ચાલતી હતી. આ સંજોગોમાં આરામથી વડાપ્રધાનને શૂટ કરી શકાય તેમ હતા. પરંતુ એથી વિપરીત ‘ઝીણા હાઉસ’માંથી બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કરવાનું કામ લગભગ અશક્ય હતું.’
‘એ કેવી રીતે... ?’ નાગપાલે સ્હેજ આશ્ચર્યથી પૂછ્યું, ‘ઝીણા હાઉસ'માંથી બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શા માટે શૂટ કરી શકાય તેમ નહોતો ?'
‘એટલા માટે કે મોટરપરેડનો કાફલો ‘ઝીણા હાઉસ'ની બરાબર સામેની સડક પરથી આવતો હતો. આપણા વડાપ્રધાન તથા રશિયાના રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન બૂલેટપ્રૂફ ગાડીની જે પાછલી સીટ પર બેઠા હતા તે અડધો ફૂટ ઊંચી હતી. એટલે ‘ઝીણા હાઉસ'માંથી વડાપ્રધાનનું નિશાન તો સહેલાઈથી તાકી શકાય તેમ હતું, ડ્રાઇવરનું નિશાન તાકવું શક્ય નહોતું કારણ કે ડ્રાઇવરની આગળ ગાડીનો બૂલેટપ્રૂફ વિન્ડસ્ક્રીન હતો. ડ્રાઇવરને શૂટ કરવા માટે પાછળથી ગોળી મારવી જરૂરી હતી. એટલા માટે જ ડેનિયલ અમારાવાળી ઇમારતમાં ગોઠવાયો હતો, કારણ કે ત્યાંથી ડ્રાઇવરની પીઠનું નિશાન તાકી શકાય તેમ હતું. જોકે વિન્ડસ્ક્રીનવાળી વાત શરૂઆતથી જ મારા મગજમાં હતી, પરંતુ કુરેશીએ વડાપ્રધાનને બદલે ડ્રાઇવરને શૂટ કરવાની યોજના બનાવી હશે એવી કલ્પના મેં નહોતી કરી. એ વખતે તો મારું સમગ્ર ધ્યાન વડાપ્રધાન તરફ જ હતું.'
‘અહીં એક વાત તું ભૂલી જાય છે દિલીપ... !' નાગપાલ બોલ્યો.
‘કઈ વાત... ?’
‘કુરેશીએ ધાર્યું હોત તો એણે જેટલી સહેલાઈથી ડેનિયલ દ્વારા જેટલી સરળતાથી બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કરાવ્યો, એટલી જ સરળતાથી તે આપણા વડાપ્રધાનને પણ શૂટ કરાવી શકે તેમ હતો.’ ચોક્કસ કરાવી શકે તેમ હતો... !' દિલીપ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘પરંતુ એણે એવું ન કર્યું.... ! શા માટે ન કર્યું એની તમને ખબર છે ?’
'ના...'
‘તો સાંભળો...કુરેશીની યોજના શરૂઆતથી જ આપણા વડાપ્રધાનનું અપહરણ કરવાની હતી, નહીં કે તેમનું ખૂન કરવાની ! અને તે પોતાની યોજનામાં સફળ પણ થઈ ગયો... !'
‘આના પરથી તો એવું પુરવાર થાય છે કે કુરેશીને શરૂઆતથી જ આપણી સમગ્ર યોજનાની ગંધ આવી ગઈ હતી... !' નાગપાલ આશ્ચર્યસહ બોલ્યો.
‘તેને સમગ્ર યોજનાની ગંધ આવી ગઈ હતી એટલું જ નહીં...' દિલીપે કહ્યું, ‘આપણે ‘ઝીણા હાઉસ’માં મોજૂદ ડેનિયલને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરીશું અને આ કામ માટે નવી ચણાઈ રહેલી ઇમારતનો ઉપયોગ કરીશું, એ વાતથી પણ કુરેશી વાકેફ હતો.
'ઓહ...તો ‘ઝીણા હાઉસ'માં મોજૂદ ડેનિયલના ડુપ્લિકેટને કુરેશીએ નાહક જ હોળીનું નાળિયેર બનાવ્યો, એમ ને ?'
‘નાહક જ હોળીનું નાળિયેર નથી બનાવ્યો... !' 'તો...?'
‘એ માણસના મોતથી કુરેશીનો એક બહુ મોટો હેતુ પાર પડી ગયો છે.’
‘કયો હેતુ... ?'
ડેનિયલના ડુપ્લિકેટને કા૨ણે જ તો છેવટ સુધી મારું ધ્યાન ‘ઝીણા હાઉસ' તરફ જ કેન્દ્રિત રહ્યું અને આ દરમિયાન અસલી ડેનિયલે પોતાનું કામ પાર પાડી નાખ્યું. ‘લેનિન હૉસ્પિટલ’ની ઍમ્બ્યુલન્સ પણ કુરેશીએ અગાઉથી જ કોઈ પણ રીતે કબજે કરીને ‘ઝીણા હાઉસ’ની આજુબાજુમાં જ કોઈક એવા સ્થળે ઊભી રાખી હશે કે જ્યાંથી તે તરત જ જોરજોરથી સાયરન વગાડતી બનાવના સ્થળે પહોંચી શકે. પછી બૂલેટપ્રૂફ ગાડી દ્વારા અકસ્માત સર્જાવાને કારણે ત્યાં જે ધમાચકડી અને કોલાહલ મચ્યાં હતાં, એનાથી થોડી વાર માટે તો પોલીસ તથા ઇન્ટેલિજેન્સના માણસો પણ હેબતાઈને સુધબુધ ખોઈ બેઠા હતા. કુરેશી તથા એના સાથીદારોએ આ તકનો આબાદ લાભ ઉઠાવ્યો. તેઓ ઍમ્બ્યુલન્સ લઈને તાબડતોબ બૂલેટપ્રૂફ ગાડી પાસે પહોંચી ગયા. પછી તેમણે ભારતના વડાપ્રધાનને સ્ટ્રેચર પર સુવડાવીને ઍમ્બ્યુલન્સમાં પહોંચાડ્યા અને જોતજોતામાં જ એમ્બ્યુલન્સ સહિત ત્યાંથી રફુચક્કર થઈ ગયા. ત્યાં સુધી તો વડાપ્રધાનને પણ ખબર નહીં હોય કે તેમનું અપહરણ થઈ રહ્યું છે. તેઓ તો એમ જ માનતા હશે કે પોતાને ‘લેનિન હૉસ્પિટલ’ના કર્મચારીઓ પ્રાથમિક ઉપચાર માટે લઈ જાય છે... ! કુરેશીની યોજના આ રીતે તાબડતોબ, ખૂબ જ સરળતાથી અને કશીયે અડચણ વગર પાર પડી ગઈ. યોજના પાર પાડવા માટે તેને ક્યાંય કોઈ જાતની મુશ્કેલી ન પડી... !'
નાગપાલ નર્યા અચરજથી દિલીપના ચહેરા સામે તાકી રહ્યો. એ જ વખતે કાર ભારતીય દૂતાવાસના વિશાળ કમ્પાઉન્ડમાં દાખલ થઈ ગઈ.
બંને દૂતાવાસના એક આલીશાન રૂમમાં પહોંચ્યા. આ રૂમમાં જ નાગપાલનો ઉતારો હતો.
‘દિલીપ, તું અહીં જ બેસ... ! હું થોડી વારમાં આવું છું.' નાગપાલે દિલીપે હકારમાં માથું હલાવ્યું.
નાગપાલ ચાલ્યો ગયો. સમય પસાર કરવાના હેતુથી દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.
એનો આખો દિવસ દોડધામમાં જ વીત્યો હતો. એ જ વખતે દૂતાવાસનો એક ચપરાસી આવીને કૉફીનો કપ મૂકી ગયો.
દિલીપે કૉફી પીધી. હવે તે થોડી રાહત અનુભવતો હતો.
એક કલાક પછી નાગપાલ પાછો ફર્યો.
‘એક સનસનાટીભર્યા સમાચાર છે……… !' આવતાંવેંત એણે કહ્યું.
'શું?'
‘તારું અનુમાન એકદમ સાચું પડ્યું છે... ! આપણા વડાપ્રધાનનું અપહરણ જ થયું છે એટલું જ નહીં, આ સમગ્ર મામલામાં કુરેશીનો જ હાથ છે... !'
‘આ વાતની તમને કેવી રીતે ખબર પડી... ?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું. ‘જે ઍમ્બ્યુલન્સ દ્વારા વડાપ્રધાનનું અપહરણ કરવામાં આવ્યું છે, તે ઍમ્બ્યુલન્સ ‘લેનિન હૉસ્પિટલ'માંથી જ ચોરવામાં આવી હતી... ! નાગપાલે જવાબ આપતાં કહ્યું, ‘ઍમ્બ્યુલન્સના વૃદ્ધ ડ્રાઇવર, બે નર્સે તથા બે વૉર્ડબોયને આઈ.એસ.આઈ.ના એજન્ટોએ શૂટ કરીને તેમના મૃતદેહોને ચિકાલોવા ડેમમાં ફેંકી દીધા હતા. થોડી વાર પહેલાં જ ત્યાંથી એ પાંચેયના મૃતદેહો મળી આવ્યા છે. એટલું જ નહીં, તેમને મારતાં પહેલાં આઈ.એસ.આઈ. એજન્ટોએ બુદ્ધિમાની વાપરીને એ લોકોની વર્દી પણ ઉતારી લીધી હતી. વડાપ્રધાનનું અપહરણ કરતી વખતે આ વર્દીનો જ તેમણે ઉપયોગ કર્યો હતો... !'
‘અને જે ઍમ્બ્યુલન્સમાં વડાપ્રધાનનું અપહરણ કરવામાં આવ્યું હતું એનો કંઈ પત્તો લાગ્યો... ?' દિલીપે પૂછ્યું.
‘એ ઍમ્બ્યુલન્સ પણ મળી ગઈ છે... !' નાગપાલ બોલ્યો. ‘ક્યાં છે.... ?’ કહેતાં કહેતાં દિલીપ ખુરશી પરથી ઊભો થઈ ગયો.
‘એ ઍમ્બ્યુલન્સ ચિચેરીના વિસ્તારના ગેટવે પાછળથી મળી આવી છે.’
‘અને આપણા વડાપ્રધાનનું શું થયું?'
‘ગેટવે પાછળથી માત્ર ખાલી ઍમ્બ્યુલન્સ જ મળી છે. એ વખતે તેમાં વડાપ્રધાન કે આઈ.એસ.આઈ.નો કોઈ એજન્ટ નહોતા. એમ્બ્યુલન્સમાં વાયરલેસની સગવડતા પણ હતી. હું માનું છું ત્યાં સુધી કુરેશી તથા તેના સાથીદારોએ વાયરલેસને પોલીસની ફ્રિકવન્સી સાથે મેળવી રાખ્યું હતું. જ્યારે પોલીસ હેડક્વાર્ટરેથી વડાપ્રધાનના અપહરણ તથા ઍમ્બ્યુલન્સ વિશેની સૂચનાઓ તમામ ચેકપોસ્ટ પર પ્રસારિત થઈ ત્યારે વાયરલેસના માધ્યમથી આ સૂચના કુરેશીએ પણ સાંભળી હશે અને એટલા માટે જ એણે ઍમ્બ્યુલન્સને પડતી મૂકી દીધી હોવી જોઈએ.'
‘જરૂર એમ જ બન્યું હશે !' દિલીપ ચિંતાતુર અવાજે બોલ્યો,
‘આ કુરેશી ખરેખર અત્યંત ચાલાક અને ગણતરીબાજ માણસ છે.’
‘બરાબર છે....પરંતુ તેમ છતાંય તે વધુ વખત સુધી પોલીસ તથા કે.જી.બી.ને થાપ નહીં આપી શકે એમ હું માનું છું.'
કેમ..?’
કારણ કે મોસ્કો શહેરમાંથી બહાર નીકળવાના તમામ માર્ગો પર સજ્જડ નાકાબંધી કરી દેવાઈ છે. ખુદ કે.જી.બી. આ મામલામાં પૂરી સજાગતાથી કામ કરે છે. એરપોર્ટ તથા રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખવામાં આવે છે કારણ કે શહેરમાંથી બહાર નીકળવાના આ બંને માર્ગ એકદમ સરળ છે. કુરેશી તથા વડાપ્રધાનને શોધવા માટે મોટા પાયે હેલિકોપ્ટરોનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. જો કુરેશી મોસ્કો શહેરમાં જ હશે તો તેને અડતાલીસ કલાકમાં જ શોધી કાઢવામાં આવશે એવો દાવો કે.જી.બી.એ કર્યો છે... !'
‘વડાપ્રધાનનું અપહરણ થયાના સમાચાર દિલ્હી પણ પહોંચી ગયા છે… ?' દિલીપે પૂછ્યું અને ત્યાર બાદ એક સિગારેટ સળગાવી. નાગપાલે પણ પોતાની પાઇપ પેટાવીને બે-ત્રણ કસ ખેંચ્યા. રૂમમાં ‘પ્રિન્સ હેનરી’ તમાકુની કડવી-મીઠી મહેક પ્રસરી ગઈ. સવાલ પૂછ્યા બાદ દિલીપ પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતો.
‘હા....’ નાગપાલે જવાબ આપતાં કહ્યું, ‘આ સમાચાર દિલ્હી પહોંચતાં જ ત્યાં પણ ખળભળાટ મચી ગયો છે. થોડી વાર પહેલાં જ ભારતના રાષ્ટ્રપતિએ અહીંના હાઈકમિશ્નર તથા રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન સાથે વાત કરી છે. તેઓ ખૂબ જ ચિંતાતુર છે અને વડાપ્રધાનને શોધવાના પ્રયાસમાં કોઈ કસર બાકી ન રાખવાનો આદેશ તેમણે હાઈકમિશ્નરને આપ્યો છે. હાઈકમિશ્નર હમણાં જ રાષ્ટ્રપતિ બોરીસ યેલન્સિન તથા કે.જી.બી.ના વડાને મળવા જવાના છે. આ બનાવને કારણે સમગ્ર ભારતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આખી દુનિયામાં આ સમાચાર પ્રસરી ગયા છે. કાલે દુનિયાભરનાં અખબારો આ જ સમાચારથી રંગાયેલાં હશે. અમુક દેશોનાં ન્યૂઝ બુલેટીનમાં આ સમાચાર પ્રસારિત પણ થઈ ગયા છે.'
‘આ અપહરણકાંડમાં કોનો હાથ હોઈ શકે છે, એવી શંકા કોઈ દેશે વ્યક્ત નથી કરી…… ?'
'ના, હજુ સુધી તો આવી કોઈ શંકા વ્યક્ત કરવામાં નથી આવી.’ નાગપાલે એક ખુરશી પર બેસતાં જવાબ આપ્યો, દિલીપ પણ ફરીથી ખુરશી પર બેસી ગયો હતો.
સંજોગો ખૂબ જ વિકટ હતા.
‘હજુ સુધી કોઈ દેશે આવી શંકા વ્યક્ત નથી કરી એની પાછળ પણ એક ખાસ કારણ છે !' નાગપાલ પાઇપમાંથી કસ ખેંચતાં બોલ્યો.
‘કયું કારણ... ?’
‘હાલતુરત આ સમગ્ર મામલામાં કુરેશીનું નામ ગુપ્ત રખાયું છે, પરંતુ એક વખત આ મામલા સાથે આઈ.એસ.આઈ.ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું નામ જોડાય એટલી જ વાર છે. પછી પાકિસ્તાન સામે આંગળી ચીંધનારા ઘણા દેશો આગળ આવશે... ! આખી દુનિયામાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા થશે; તેની આકરી ટીકા અને ઝાટકણી થશે... !'
‘પરંતુ પાકિસ્તાન ઉપર તો આપણે અત્યારે પણ આ જાતનો આરોપ મૂકી શકીએ તેમ છીએ... !' ‘જરૂર મૂકી શકીએ તેમ છીએ, પરંતુ આ પગલું ભરવાથી કશોય લાભ નહીં થાય... !'
'કેમ...?’
‘એટલા માટે કે આરોપ મૂકવો અને પાકિસ્તાન અથવા તો કુરેશી વિરુદ્ધ આરોપ પુરવાર કરવો, આ બંને અલગ અલગ વાત છે. ઉપરાંત રશિયાની સરકારે આઈ.એસ.આઈ.ના ચીફ કુરેશીને મોસ્કોમાં આવવાની મંજૂરી નથી આપી એટલે રાજકીય સ્તરે આ સમગ્ર મામલામાં કુરેશીનો જ હાથ છે એવું દાવા સાથે કહી શકાય તેમ નથી. અલબત્ત, જો કુરેશીને અહીં જ પકડવામાં આવશે તો પરિસ્થિતિ કંઈક જુદી જ હશે.'
‘એક સવાલ મને ખૂબ જ અકળાવે છે અંકલ... !
દિલીપ બોલ્યો.
‘કર્યો સવાલ ... ?’
‘જો રશિયાની સરકારે કુરેશીને મોસ્કો આવવાની મંજૂરી નહોતી આપી તો પછી તે મોસ્કોમાં કેવી રીતે દાખલ થઈ શક્યો ?'
પાકિસ્તાનીઓ માટે રશિયામાં ગેરકાયદેસર રીતે દાખલ થવાનો એક જ માર્ગ છે અને કુરેશીએ આ જ માર્ગનો ઉપયોગ કર્યો હશે એમ હું માનું છું.'
‘કયો માર્ગ... ?'
‘અફઘાનિસ્તાનની સરહદ વટાવી, દશામ્બે થઈ, કેસ્પિયન સાગર પસાર કરીને મોસ્કો પહોંચી શકાય તેમ છે. આમેય દશામ્બે સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની સરહદ પાકિસ્તાનીઓ માટે ખૂબ જ અનુકૂળ ગણાય છે. ત્યાં છુપાવા માટે મોટી મોટી ખીણો તથા ગીચ ઝાડીઓ છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અફઘાનિસ્તાનની આ સરહદની મુસ્લિમ જનતા પાકિસ્તાનની કટ્ટર સમર્થક છે. એટલે પાકિસ્તાનના નાગરિકો ત્યાં સહેલાઈથી છુપાઈ શકે છે એટલું જ નહીં, ત્યાંની જનતા તરફથી પણ તેમને દરેક રીતે પૂરેપૂરો સાથ- સહકાર મળે છે... !'
‘ઓહ...તો અબ્દુલ વહીદ કુરેશી તથા આઈ.એસ.આઈ.ના તમામ એજન્ટો એ જ માર્ગેથી મોસ્કોમાં દાખલ થયા હતા, એમ તમે કહેવા માગો છો... ?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.
‘બધા એ જ માર્ગેથી મોસ્કોમાં દાખલ થયા હોય તે કંઈ જરૂરી નથી. કુરેશી એકલો જ મેં જણાવેલ માર્ગેથી મોસ્કોમાં પ્રવેશ્યો હોય એ બનવાજોગ છે. હવે રહી વાત આઈ.એસ.આઈ.ના એજન્ટોની..., તો એમનું નેટવર્ક તો આખી દુનિયામાં પથરાયેલું છે. કુરેશીએ મોસ્કો પહોંચ્યા પછી એ બધાને ભેગા કરી લીધા હોય એવું પણ બની શકે છે.'
‘રાઇટ...હવે કદાચ કુરેશી મોસ્કોમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરો તોપણ એ જ માર્ગ અપનાવશે, ખરું ને?' દિલીપે પૂછ્યું. માર્ગ તો એ જ અપનાવશે… !' નાગપાલ બોલ્યો, ‘પરંતુ અત્યારે શહેરની પરિસ્થિતિ જોતાં તે અહીંથી બહાર નીકળી શકે એવું નથી લાગતું. ખાસ કરીને આપણા વડાપ્રધાનને સાથે લઈને મોસ્કોમાંથી બહાર નીકળવું તો એને માટે ખૂબ જ મુશ્કેલ હશે. હું માનું છું ત્યાં સુધી કુરેશી હમણાં તો કેટલાય અઠવાડિયાં સુધી આ શહેરમાં જ છૂપાઈને રહેશે. પછી જ્યારે એની વિરુદ્ધ પોલીસની ગતિવિધિ થોડી ઓછી થશે ત્યાર બાદ જ તે અહીંથી બહાર નીકળવાનું વિચારશે, પરંતુ એવો કોઈ વખત આવતાં પહેલાં જ તે પકડાઈ જશે. કે.જી.બી.ના જાસૂસો તથા મોસ્કોની પોલીસ હાથ ધોઈને તેની પાછળ પડી ગઈ છે. શહેરની એક એક ઇમારતની તલાશી લેવાય છે. કુરેશીનો હેતુ ‘લેનિન હૉસ્પિટલ’ની ઍમ્બ્યુલન્સમાં જ વડાપ્રધાન સાથે શહેરમાંથી બહાર નીકળી જવાનો હતો એમ હું માનું છું, પરંતુ તારે કારણે એનો આ હેતુ પાર ન પડ્યો. વડાપ્રધાનનું અપહરણ કરવામાં આવ્યું છે એ વાત જલ્દીથી તારા મગજમાં આવી ગઈ અને મેં તાબડતોબ આ વાત હાઈકમિશ્નર સુધી પહોંચાડી દીધી. ત્યાર બાદ આગળ કે.જી.બી. તથા રશિયાની પોલીસે ત્વરિત પગલાં ભર્યાં. મોસ્કોમાંથી બહાર નીકળવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા…… !'
‘બરાબર છે....પરંતુ માર્ગો બંધ થવામાં અને વડાપ્રધાનને બનાવના સ્થળેથી લઈને નાસી છૂટવા દરમિયાન કુરેશીને ઘણો સમય મળ્યો હતો. આ દરમિયાન તે વડાપ્રધાનને લઈને શહેરમાંથી બહાર નીકળી ગયો હોય એવું ન બને ?'
‘ના...’નાગપાલે નકારમાં માથું હલાવ્યું, ‘કુરેશીને મોસ્કોમાંથી બહાર નીકળી શકાય એટલો સમય નહોતો મળ્યો. અત્યારે ચોક્કસ જ તે આ શહે૨માં જ કોઈક સલામત સ્થળે છુપાઈ ગયો છે. અલબત્ત, એક વાત મને નથી સમજાતી કે કરેશીએ વડાપ્રધાનનું અપહરણ શા માટે કર્યું...? અપહરણ કરવા પાછળ એનો શું હેતુ હોઈ શકે છે ?’
‘મને પોતાને પણ આ વાત નથી સમજાતી.’
‘પરંતુ આટલા મોટા બખેડા પાછળ કોઈ કારણ ન હોય એવું તો બને જ નહીં... !'
‘તમે સાચું કહો છો... !' દિલીપ બોલ્યો, ‘ખેર, જે કંઈ કારણ હશે એ પણ ટૂંક સમયમાં જ સામે આવી જશે. આ ઉપરાંત એક બીજી વાત પણ નવાઈ પમાડે તેવી છે.'
‘કઈ વાત.. ?’ નાગપાલે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.
‘હું શું કરવાનો હતો એની કુરેશીને કેવી રીતે ખબર પડી... ? મને ભ્રમમાં રાખવા માટે એણે નકલી ડેનિયલને ‘ઝીણા હાઉસ'માં અને અસલી ડેનિયલને હું જે ઇમારતમાં હતો તેના ચોથા માળ પર ગોઠવ્યા, એના પરથી સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે કે કુરેશીને મારી પ્રત્યેક હિલચાલની ખબર હતી. હું ક્યારે શું કરવાનો છું, એ બાબતથી તે પૂરેપૂરો વાકેફ હતો.... ! મારી આ ગતિવિધિઓની તેને કેવી રીતે ખબર પડી... ?'
દિલીપના આ સવાલનો નાગપાલ પાસે કોઈ જવાબ નહોતો, કુરેશી અત્યંત કુશળતાથી બધા દાવ રમ્યો હતો.
********