(3)
‘અને મીણબત્તી આપોઆપ પ્રગટી ઊઠે એની પાછળ શું ભેદ છે... ?’ રાજકુમાર હસ્યો. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ એક સિપાહીએ અંદર આવી, સલામી બાદ ટેબલ પર નાની સાઇઝની મીણબત્તીનાં બે પેકેટ મૂક્યાં. એક પેકેટ પર લાલ ચિન્હ હતું. બીજા પર કોઈ ચિન્હ નહોતું. બંને મીણબત્તી 'પ્રભાત' બ્રાન્ડ હતી. બંને પેકેટ જુદાં જુદાં સ્થળેથી ખરીદવામાં આવ્યાં હતાં.
લાલ ચિહ્નવાળું પેકેટ બાપુના મકાનની સામે આવેલ પાનની કેબિનમાંથી જ્યારે બીજું પેકેટ અન્ય પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું. ‘સાંભળો...’ રાજકુમાર બોલ્યો, ‘બાપુ તથા સેવકની ગેરહાજરીમાં મેં મારું કામ પતાવી લીધું હતું. ત્યાર બાદ તેઓ પાછાં ફર્યા ત્યારે મારા રેશનાલિસ્ટ મિત્રની પુત્રીને જીન વળગ્યું છે અને તેમાં અનુષ્ઠાન વિગેરેની વિધિમાં વીસેક હજાર રૂપિયાનો ખર્ચ થશે એવું બાપુએ જણાવ્યું. અમે ચાર-પાંચ દિવસમાં ૨કમની વ્યવસ્થા કરીને પહોંચાડી દેશું, એમ કહીને ત્યાંથી પાછા આવતા રહ્યા. મહિલા ઑફિસરે ખરેખર જાણે ભૂત વળગ્યું હોય એવો કાબિલે તારીફ અભિનય કર્યો હતો. 'ભાઈ દિલારામ... !' એણે દિલારામ સામે જોયું, ‘તું આ લાલ ચિહ્નવાળા પેકેટમાંથી બે મીણબત્તી કાઢ અને બંનેની વાટની એકબીજી સાથે સ્પર્શ કરાવ... !'
દિલારામે એ પેકેટ તોડી, તેમાંથી બે મીણબત્તીઓ કાઢીને બંનેની વાટ એકબીજી સાથે અડકાડી.
બે-ચાર પળોમાં જ બંને મીણબત્તીઓ આપોઆપ પ્રગટી ઊઠી. આ જોઈને દિલારામ પણ ઘડીભર માટે હેબતાઈ ગયો. ‘આ... આ શું ચમત્કાર છે… ?' એણે મીણબત્તીઓ ટેબલ પર મૂકતાં ડઘાઈને પૂછ્યું.
‘આ કોઈ ચમત્કાર નહીં પણ વિજ્ઞાન છે દિલારામ... !' રાજકુમારે ૨મતિયાળ સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો, ‘વિજ્ઞાનના આધારે બાપુએ શીખેલી કરામત છે... ! અલબત્ત, આ કરામતમાં બાપુને પાનની કેબિનવાળાનો પણ પૂરેપૂરો સાથ-સહકાર મળતો હતો. ટૂંકમાં કહું તો એ પાનવાળો પણ બાપુ સાથે ભળેલો હતો. હવે આ મીણબત્તીઓ આપોઆપ કેવી રીતે પ્રગટી ઊઠી, એનો ભેદ હું તમને સમજાવું છું. મીણબત્તીની વાટ પર ક્રોમિક અને મિથાઈલ આલ્કોહોલ નામનું રસાયણ લગાવી દેવાથી આ ચમત્કાર સર્જી શકાય છે. આ રસાયણો બજારમાં કેમિકલની દુકાનોમાં ઉપલબ્ધ છે. બાપુ આ જાતની રાસાયણિક પ્રક્રિયાઓ કરેલી મીણબત્તીઓ નવેસરથી પેકિંગ કરાવતા અને મીણબત્તીઓનાં આવાં ખાસ પેકેટો પાનવાળાની કેબિને મૂકાવી દેતા. પાનવાળાની કેબિન બાપુના મકાનની એકદમ સામે જ છે. બાપુને ત્યાંથી નીકળીને કોઈ મીણબત્તી ખરીદવા આવે ત્યારે પાનવાળો તેને રસાયણિક પ્રક્રિયાવાળી મીણબત્તીનું પેકેટ જ પકડાવી દેતો. મોટે ભાગે તો મીણબત્તી લાવવાનું કામ બાપુનો સેવક જ કરે છે. પરંતુ કદાચ તારી જેમ કોઈ દોઢ ડહાપણ વાપરીને પોતે જ મીણબત્તી લેવા જાય તોપણ તેમણે કોઈ ફર્ક નહોતો પડતો. ચમત્કારો બતાવવા માટે બાપુ ભાવિકોને સૂર્યાસ્ત પછીનો જ સમય આપતા કારણ કે થોડે દૂર આવેલ પ્રોવિઝન સ્ટોર સાંજે છ વાગ્યે બંધ થઈ જાય છે. એ વાત તેઓ જાણતા હતા. આ સંજોગોમાં કોઈને પણ મીણબત્તી માટે પાનની કેબિને જ જવું પડે એ તો સ્પષ્ટ જ છે. બાપુનો સેવક અથવા તો બીજું કોઈ પાનવાળાને ત્યાંથી મીણબત્તીનું પેકેટ લઈ આવે એટલે બાપુ તેમાંથી બે મીણબત્તીઓ કઢાવીને જાણે મંત્રો ભણતા હોય તેમ હોઠ ફફડાવ્યા બાદ બંને મીણબત્તીની વાટને એકબીજી સાથે સ્પર્શ કરાવવાનું કહેતા. ભાવિક એની સૂચનાનું પાલન કરતાં જ મીણબત્તીઓ આપોઆપ પ્રગટી ઉઠતી અને સૌ કોઈ તેને બાપુના મંત્રોચ્ચારની અસર અથવા તો ચમત્કાર માનીને એના પ્રભાવમાં આવી જતાં... !'
‘અને લવિંગ નાંખવાથી કાચનાં ગ્લાસમાં રહેલું પાણી લોહી જેવું લાલ કેવી રીતે બની જતું હતું... ?' દિલારામે પૂછ્યું.
‘લવિંગ કોણ લાવ્યું હતું... ?' જવાબ આપવાને બદલે રાજકુમારે હસીને સામો સવાલ કર્યો.
‘હું જ લાવ્યો હતો... !'
'રાઇટ... ક્યાંથી લાવ્યો હતો... !' પાનવાળાને ત્યાંથી જ લાવ્યો હતો... !'
અને પાનવાળો બાપુ સાથે ભળેલો હતો એ તો હું કહી જ ચૂક્યો છું.'
‘એ તો બરાબર છે... પરંતુ લવિંગ નાખ્યા પછી પાણી લોહી જેવું કેવી રીતે બની ગયું... ?' દિલારામે ઉત્સુક અવાજે પૂછ્યું.
‘એ પણ સમજાવું છું... !' રાજકુમાર હસીને બોલ્યો. ત્યાર બાદ એણે કાંચનાં એક ગ્લાસમાં થોડું પાણી મંગાવ્યું અને ટેબલનાં ખાનામાંથી લવિંગના આઠ-દસ દાણા કાઢીને ગ્લાસમાં નાખી દીધા. સૌના ભારે અચરજ વચ્ચે થોડી પળોમાં જ પાણીનો રંગ બદલાઈ ગયો. હવે ગ્લાસમાં પાણી નહીં પણ લોહી ભર્યું હોય એવું લાગતું હતું. દિલારામ ફાટી આંખે ગ્લાસ સામે તાકી રહ્યો હતો.
‘દિલારામ... !' રાજકુમાર સ્મિતસહ બોલ્યો, ‘આ પણ બાપુનો કોઈ ચમત્કાર નહીં પણ વિજ્ઞાનની જ કમાલ છે. મોં સાફ કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટની મેથીના ઝીણા દાણા જેવી ભૂકી આવે છે. આ ભૂકી પાણીમાં નાખવાથી પહેલાં પાણીનો રંગ ધીમે ધીમે જાંબુડિયો અને પછી લાલચટક થઈ જાય છે. બાપુએ પોટેશિયમ પરમેંગેનેટમાં ઝબોળીને સૂકવેલાં લવિંગ અગાઉથી જ પાનવાળાની કેબિને પહોંચાડી દીધાં હોય છે. પાનવાળો બાપુને ત્યાંથી લવિંગ લેવા આવનારને આ લવિંગ પકડાવી દે છે. બાપુ સૌની સામે મંત્રોચ્ચારનું નાટક કરતાં લવિંગ પાણી ભરેલા કાચના ગ્લાસમાં પધરાવી દે છે. લવિંગ પોટેશિયમ પરમેંગેનેટમાં ઝબોળેલાં હોવાને કારણે ધીમે ધીમે પાણીનો રંગ લાલઘૂમ થઈ જાય છે, અને બાપુ આ પાણીનો લોહી તરીકે ઓળખાવીને પોતાનાં મુલાકાતી બલ્કે અંધશ્રદ્ધાળુ શિકાર પર પોતાનો રુઆબ જમાવી દે છે. મુલાકાતી પણ આ બધું જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. બાપુએ શું રમત રમી છે એની તો કોઈને ગંધ સુધ્ધાં નથી આવતી. કે રજમાત્ર શંકા નથી ઊપજતી. કારણ કે આ બધું કરતી વખતે તો બાપુ તેમનાથી ર બેઠા હોય છે. એટલે એમનાં પર શંકા ઊપજવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. અને બાપુ પણ પોતાનાં પર કોઈને શંકા ન ઊપજે... શિકાર પર પોતાની બરાબર ધાક બેસી જાય એટલા માટે તેમના હાથેથી જ આ બધી કાર્યવાહી કરાવે છે.'
‘અને માટીના હાંડલામાંથી નીકળતા ભડકા પાછળ શું ભેદ છે...? મારી નજર સામે જ મૅનેજરની પુત્રીએ શુદ્ધ પાણીનો હાંડલામાં કોગળો કર્યો હતો. કોગળો કરતાંની સાથે જ હાંડલામાંથી પળભર માટે આગની પ્રચંડ જ્વાળા બહાર નીકળીને અદૃશ્ય થઈ ગઈ હતી અને તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.
‘આમાં પણ બાપુનો કોઈ ચમત્કાર નહોતો... ! જે કંઈ બન્યું હતું તે વિજ્ઞાનને જ આભારી હતું. હું હાંડલામાંથી સફેદ-પીળા પાવડરનો જે નમૂનો લાવ્યો હતો તેનું કેમિકલ નામ સોડિયમ છે જે પાણીના સંપર્કમાં આવતાં જ એકદમ ભડકો થઈને બૂઝાઈ જાય છે અને પછી ધુમાડો નીકળે છે. બાપુએ અગાઉથી જ હાંડલામાં આ જાતનો પાવડર નાખી રાખેલો હતો. પછી મૅનેજરની પુત્રીએ હાંડલામાં કોગળો કરતાં જ પાવડર સાથે પાણીનો સંપર્ક થવાથી આગની જ્વાળા બહાર નીકળીને અદશ્ય થઈ ગઈ અને પછી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો... !'
'હવે એક જ વાતની ચોખવટ રહી જાય છે.' દિલારામ બોલ્યો. ‘કઈ વાતની... ?’
‘ઘુવડની... !’
‘સમજ્યો... !' રાજકુમાર હસીને બોલ્યો, ‘હમણાં હમણાં છાપાઓમાં અવારનવાર ઘુવડતંત્ર વિશે છપાય છે. તંત્રસાધનામાં ઘુવડનું ખૂબ જ મહત્ત્વ છે એવું કહેવાય છે, પરિણામે પોતે પણ તંત્ર-મંત્રના જાણકાર છે, એવું મુલાકાતીનાં મગજમાં ઠસાવવા માટે બાપુએ ક્યાંકથી ઘુવડ લાવીને પોતાના ઓરડામાં પાંજરામાં પૂરી દીધું છે, બાકી એની કોઈ વિશેષતા નથી.’ હવે આપણે શું કરવાનું છે... ?' સોરાબજીએ પહેલી જ વાર મો ઉઘાડતાં પૂછ્યું.
‘બીજું શું કરવાનું હોય... ?' દિલારામે કહ્યું, ‘હવે આપણે આપણો ચમત્કાર આ બાપુને બતાવવાનો છે... !'
ત્યાર બાદ રાજકુમારે બીજે જ દિવસે શહેરના એક વિશાળ કોમ્યુનિટી હૉલમાં એક મિટિંગનું આયોજન કર્યું. જેમાં શહેરભરનાં અખબારોના પ્રતિનિધિઓ, અગ્રગણ્ય નાગરિકો તથા ચમત્કાર વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા રેશનાલિસ્ટોનો સમાવેશ થતો હતો. અને પછી પોલીસના ઘેરા વચ્ચે બાપુ, તેના સેવક તથા પાનની કેબિનના માલિકને હૉલના મંચ પર લાવવામાં આવ્યા. બાપુનું મોં અત્યારે વાસી કઢી જેવું થઈ ગયું હતું. પોતાનો ભાંડો ફૂટી ગયો છે એ વાત તેઓ મનોમન સમજી ગયા હતા અને એમાંય જયારે તેમણે પહેલી જ હરોળમાં દામોદર, મૅનેજર, તેની પત્ની અને પુત્રી, રાજકુમાર સાથે ગયેલ તેના રેશનાલિસ્ટ મિત્ર, મહિલા પોલીસ સબઈન્સ્પેક્ટર વિગેરેને જોયાં ત્યારે આ વાતની તેમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ. પછી બાપુ જે ચમત્કારો કરીને લોકોને મૂરખ બનાવતા હતા, એ બધા પ્રયોગો રાજકુમારે ઉપસ્થિત જનસમુદાય સમક્ષ કરી બતાવ્યા. બાપુએ પોતે ભવિષ્યમાં આવું નહીં કરે એમ જણાવીને સૌની માફી માગી, પરંતુ દિલારામ તેમને કોઈ કાળે છોડે તેમ નહોતો. એણે તો મિટિંગનાં આયોજનની બે કલાક પહેલાં જાતે જ ફરિયાદી બનાવીને બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. એટલે પોલીસને હવે બાપુ વિરુદ્ધ કાર્યવાહી કર્યા વગર છૂટકો નહોતો.
‘બાપુ... !’ દિલારામ મંચ પર પહોંચી બાપુ સામે એક ખાલી શીશો લંબાવીને ઉપસ્થિત જનસમુદાય સ્પષ્ટ રીતે સાંભળી શકે એટલા ઊંચા અવાજે બોલ્યો, ‘હવે તમારે માટે જેલની સજા નક્કી છે... આ શીશો તમારી પાસે રાખો... તમે જેલમાં બેઠા બેઠા નિરાંતે આ શીશામાં ભૂત-પ્રેત, ચુડેલ- ડાકણ કે જીનને પકડી પૂર્વે રાખજો... ! આ શીશો ભરાઈ જાય ત્યારે મને જાણ કરજો એટલે બીજો ખાલી શીશો આપી જઈશ... !'
બાપુનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. જયારે દિલારામની વાત સાંભળીને ઉપસ્થિત જનસમુદાયમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વાચકમિત્રો, ચમત્કાર સામે લાલબત્તી ધરતી આ કથા અહીં પૂરી થાય છે.
[સમાપ્ત]
પ્રસ્તુત નવલકથા ફક્ત વાચકોનાં મનોરંજન માટે ઉપજાવી કાઢેલ છે. નવલકથા વિશે આપનો નિષ્પક્ષ અભિપ્રાય જરૂરથી મોકલી આપશો.