Chamatkarna Name Thagaai - 1 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચમત્કારના નામે ઠગાઈ... ! - 1

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચમત્કારના નામે ઠગાઈ... ! - 1

(1)

એંસી લાખની વસ્તી ધરાવતા વિશાળગઢ શહેરની ક્રાઇમબ્રાંચમાં ઇન્સ્પેક્ટર રાજકુમાર, બંને સબઈન્સ્પેક્ટરો દિલારામ અને સોરાબજી રોજિંદી કાર્યવાહીમાંથી પરવારીને વાતોના ગપાટા મારતા બેઠાં હતા. વાતો દરમિયાન તાંત્રિકો અને જ્યોતિષીઓનો ઉલ્લેખ થયો.

‘માતાજી, જ્યોતિષવિદ્યા, મંત્ર-તંત્ર ખોટાં છે એમ હું નથી કહેતો સર...' અચાનક દિલારામ જોશીલા અવાજે બોલ્યો, ‘પણ એના નામે આમજનતાને વાક્પટુતાની જાળમાં ફસાવીને ‘સફેદ ધુતારાઓ, પાખંડીઓનો તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. બીજું તો ઠીક, ભણેલાઓ અને ઉજળિયાત વર્ગના શ્રીમંતો પણ અંધશ્રદ્ધામાં રાચતા હોય છે, ફસાતાઓ હોય છે ને છેતરાયા પછી પસ્તાતા હોય છે.'

‘દિલારામ સાચું કહે છે સર...' સોરાબજીએ કહ્યું, 'આપણા શહેરમાં પણ વર્ષોથી આવાં ધતિંગો ચાલે છે.

‘કોઈની ફરિયાદ આવી લાગે છે...' રાજકુમાર સ્મિતસહ બોલ્યો

‘ફરિયાદ તો નથી આવી સર...'

‘તો પછી?’

‘ફરિયાદ આવે તો જ પોલીસે તપાસ કરવી એવું થોડું જ છે સર ? આમેય હમણાં શહેરમાં શાંતિ છે. પેન્ડિંગ કેસો ઉકેલાઈ ગયા છે. એટલે આવા મંત્ર તંત્ર ને દોરા-ધાગા, માદળિયાંનાં ધતિંગો ચલાવનારાઓને શોધી કાઢવા જોઈએ એમ નથી લાગતું આપને?’

‘હં.' રાજકુમારે બંને સામે જોયું. થોડી વાર વિચાર્યા પછી બાલ્યો, બાતમીદારોને આવા સફેદ ઠગોને શોધવા શહેરભરમાં રવાના કરો...’ રાજકુમારની મંજૂરી પછી બંનેના ચ્હેરા ઉત્સાહથી ચમકી ઊઠ્યા

ને પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. વાતને ચોથે દિવસે દિલારામ તથા સોરાબજીના એક વિશ્વાસુ. બાતમીદારે બંનેની મુલાકાત લીધી. થોડી વાર વાતો કરીને તે ચાલ્યો ગયો.

શહેરની બહાર તાજેતરમાં જ વિકાસ પામેલીને નવી કોલોનીના નામે ઓળખાતા વિસ્તારના એક મકાનમાં, એક જટાધારી અને દેખાવ પરથી ખૂબ જ પ્રભાવશાળી લાગતો માનવી એકાદ વર્ષથી રહેતો હતો. સૌ કોઈ એને ‘બાપુ’ નામથી ઓળખતા હતા. ચાલીસેક વર્ષના બાપુની આંખો એકદમ તેજસ્વી હતી. ચ્હેરો ગરિમા અને ઓજસથી હંમેશાં ચમકતો રહેતો હતો. એમની વાણી પણ મધુર અને ધારાપ્રવાહ હતી. સંન્યાસી જેવો પહેરવેશ હતો. બાપુની સાથે એક પીઢ દેખાતી સ્ત્રી અને ત્રણ ચાર સેવકો હતાં. બાપુ મંત્ર-તંત્રનાં જાણકાર છે અને ભૂતપ્રેત, ચુડેલ વિગેરેને મંત્રવિદ્યાથી વશમાં લઈને બોટલમાં પૂરી દે છે. આવી જાતજાતની ચર્ચાઓ એ વિસ્તારમાં અને પછી શહેરમાં પણ ફેલાઈ ગઈ હતી. જોકે દિલારામ તો આને ધતિંગબાજ જ માનતો થઈ ગયો હતો. બાપુ ભલે ભૂતપ્રેતને બોટલમાં પૂરે પણ આપણે બાપુને રેડહૅન્ડ પકડીને જેલમાં જ પૂરી દેવા છે; પછી ભલે અંદર બેઠા બેઠા ભૂતપ્રેતને કેદ કરતા રહે. આ પ્રમાણે સોરાબજી અને દિલારામે નક્કી કરી લીધું.

બાપુને કેવી રીતે પકડવા એનો પ્લાન બંનેએ ખૂબ વિચાર્યા પછી ફાઈનલ કર્યો. એ મુજબ બંને નવી કોલોનીમાં રહેતા દિલારામના એક પરિચિતને મળ્યા. એ પરિચિત ખૂબ જ ભરોસાપાત્ર હતો ને માની વાત તો એ હતી કે તે પણ આવા ચમત્કારોને માનતો નહોતો. બાપુ વિશેની પૂછપરછમાં એણે આપેલા અભિપ્રાય પ્રમાણે એને તે ઢોંગી લાગ્યો હતો.

દિલારામના એ પરિચિતનું નામ દામોદર હતું અને તે વિશાળગઢની એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો. જોગાનુજોગ આજે સાંજે જ સાત વાગ્યે એની કંપનીના મૅનેજરની મુલાકાત બાપુ સાથે યોજાઈ હતી. મૅનેજરની વીસ વર્ષની પુત્રી છેલ્લાં બે વર્ષથી કોઈક ગંભીર બીમારીમાં પટકાઈ હતી અને મોટા મોટા ડૉક્ટરોની સારવાર પણ કારગત નહોતી નીવડી. કોઈકે એમને ‘બાપુ’ને મળવાની સલાહ આપતાં કહ્યું હતું કે જરૂર કોઈએ તમારી દીકરી પર મેલી વિદ્યા અજમાવી છે એટલે ડૉક્ટરો તેને ક્યાંથી સાજી કરી શકે... ? મૅનેજર અને તેની પત્ની થોડાં અંધશ્રદ્ધાળુ હતા. તેથી બાપુ પાસે એમને મળવાનો આજે સાંજે સાત વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.

‘દોસ્ત દામોદર... ! આ બાપુને આપણે સળિયા ગણાવવા છે ! તું તારા મેનેજર સાહેબને ગમે તે રીતે સમજાવીને પોતાના સંબંધીઓ તરીકે અમને બંનેને બાપુની મુલાકાતે લઈ જાય તેવી વ્યવસ્થા કર.'

'અરે એમાં શું મોટી વાત છે... ? મારા કામથી તેઓ ખુશ ખુશ છે. હું હમણાં જ મળીને બધી વ્યવસ્થા ગોઠવી નાખું છું. અડધા કલાક પછી મને ફોન કરજો.' દામોદરનો આભાર માનીને બંનેએ રજા લીધી અને ઑફિસમાં જઈને ઇન્સ્પેક્ટર રાજકુમારને રિપોર્ટ આપી દીધો. એ ફક્ત માથું હલાવીને રહી ગયો.

અડધા કલાક પછી દિલારામે દામોદરને ફોન કર્યો. દામોદરે જવાબ આપ્યો કે મેનેજર સાહેબ સાથે વાત થઈ ગઈ છે. તમે આજે સાંજે છ વાગ્યે તેમને ઘેર પહોંચી જજો. બાપુને મળવા માટે તમારે એમની સાથે જ ગાડીમાં જવાનું છે.’ કહીને એણે તેમને મૅનેજરના ઘરનું સરનામું પણ લખાવી લીધું.

નક્કી થયા પ્રમાણે સોરાબજી અને દિલાવર બરાબર છ વાગ્યે મૅનેજરને ઘેર પહોંચી ગયા અને દામોદરના સંબંધી તરીકે પોતાનો પરિચય આપી દીધો. આ બંને પોલીસ ઓફિસરો છે એવી તો મૅનેજરને સ્હેજેય ખબર નહોતી કેમ કે દામોદરે તેમનો અસલી પરિચય આપ્યો જ નહોતો.

સાત વાગ્યે તેઓ મૅનેજર, તેની પત્ની અને પુત્રી સાથે કારમાં બેસીને કહેવાતા ‘બાપુ'ના નિવાસ સ્થાને પહોંચી ગયા. એ વખતે નિવાસસ્થાનની બહાર બીજી પણ એક-બે મોટરો ઊભી હતી.

બાપુનું નિવાસ સ્થાન જે વિસ્તારમાં હતું, ત્યાં બધાં મકાનો છૂટાંછવાયાં હતાં. દરેક મકાનની વચ્ચે એકાદ-બે જમીનના નાના- મોટા ખુલ્લા પ્લોટો હતા. નિવાસસ્થાનની સામેના ભાગમાં સોએક વાર દૂર બે-ત્રણ કેબિનો હતી. જેમાંથી એક કેબિન પાનની, બીજી પંચરની તથા ત્રીજી વાળંદની હતી. થોડે દૂર એક પ્રોવિઝન સ્ટોર પણ હતો.

બાપુનું મકાન મોટું અને વિશાળ હતું. ફળિયું વટાવ્યા પછી ઓસરી અને ઓસરીમાં જ લાઇનબંધ ત્રણ-ચાર રૂમો હતા.

તેઓ પહોંચ્યા ત્યારે છેલ્લા મુલાકાતીઓ બાપુના ઓરડામાં હતા. ‘આવો... !’ ઓસરીમાં એક ખુરશી પર બેઠેલા બાપુના સેવકે તેમને આવકારતાં કહ્યું, ‘થોડી વાર રાહ જોવી પડશે. અંદર બાપુ પાસે કોઈક દુઃખિયારા મુલાકાતે આવ્યા છે. હવે તેઓ બહાર નીકળવા જ જોઈએ.' તેઓ ઓસરીમાં પડેલા એક કોચ પર બેસી ગયા.

થોડી વાર બાદ આધેડ વચનાં બે પતિ-પત્ની પ્રસન્ન એરે બહાર નીકળીને ચાલ્યાં ગયાં, એટલે સેવક બાપુના ઓરડામાં ગયો અને પાંચેક મિનિટ પછી બહાર નીકળીને મૅનેજર સહિત સૌને અંદર મોકલી આપ્યા.

બાપુના રૂમનું દશ્ય જોઈને જ થોડી વાર માટે સૌ કોઈ ડઘાઈ ગયા. બાર ફૂટ પહોળા અને ચૌદ ફૂટ લાંબા ઓરડામાં પ્રવેશદ્વારની દીવાલ પાછળ બે ફૂટની ખાલી જગ્યા છોડીને આગળ ઈંટ-સિમેન્ટથી બનાવેલો જમીનથી દોઢ ફૂટ ઊંચો, એક છેડાથી બીજા છેડા સુધી કાળા રંગનો લાંબો ઓટલો હતો. ઓટલાથી કોર બાજુના ભાગ તરફ છ ફૂટ સુધીની જમીન કાળા રંગથી રંગાયેલી હતી. એ જ રીતે ત્રણેય દિશાની દીવાલો જમીનથી છ ફૂટ ઊંચાઈ સુધી કાળા રંગે રંગાયેલી હતી. છત પર લટકતા એક પાંજરામાં એક ઘુવડ આંખો ચમકાવતું બેઠું હતું. દીવાલ પરના ઉપરના સફેદ ભાગમાં અઘોરી, તાંત્રિક, ભૂત-પ્રેત, ચુડેલની બિહામણી આકૃતિ તથા માનવ ખોપરી દોરેલી હતી. ઓટલા પાછળની ખાલી જગ્યામાં ગાદી પર બાપુ બિરાજમાન હતા.

આગંતુકો સામે એમણે ગંભીર નજરે જોયું ત્યાર બાદ પાંજરામાં બેઠેલા ઘુવડ સામે જાઈને કંઈક મંત્રોચ્ચાર કર્યો છે એવું સૌને લાગ્યું. વળતી જ પળે ઘુવડે જો૨જોરથી પાંખો ફફડાવી, જે જોઈને દિલારામની આંખો ફાટી ગઈ.

મૅનેજરની બીમાર પુત્રીને બાપુએ આશ્વાસન આપ્યા પછી સુવાસિત પુષ્પના ઢગલા પાસે બેસાડી દીધી. મૅનેજરે બીમાર પુત્રી દિવસે દિવસે સુકાતી જાય છે ને ડૉક્ટરની સારવારથી કંઈ ફેર પડતો નથી તે સઘળી હકીકત વિસ્તારથી બાપુને કહી સંભળાવી.

બાપુએ સ્થિર નજરે મૅનેજરની પુત્રી પુષ્પા સામે જોયું અને થોડી પળો આંખો મીંચી, પછી ઉઘાડીને કહ્યું :

મને તો કોઈક અસાધ્ય શારીરિક બીમારી લાગે છે. ભૂત-પ્રેત વિગેરેનો કોઈ વળગાડ જણાતો નથી. છતાં તમે કહેતા હો તો એ જાણવાનો હું પ્રયાસ કરું.' ‘બાપુ... !' મૅનેજર જવાબ આપે તે પહેલાં જ દિલારામ વચ્ચેથી બોલી ઊઠ્યો, 'આધુનિક અને સારામાં સારી દવા કરી છે પણ રોગ કાબૂમાં આવતો નથી, માટે જોઈ આપો તો સારું... I'

'ભલે...’ બાપુએ કહ્યું, ‘બહાર થોડે દૂર એક પ્રોવીઝન સ્ટોર છે, ત્યાંથી અગિયાર લવિંગ લઈ આવો.

મૅનેજર કશો જવાબ આપે તે પહેલાં જ દિલાવર ઊભો થઈને માથું હલાવતો બહાર નીકળીને પ્રોવિઝન સ્ટોર પાસે ગયો, પરંતુ સ્ટોર બંધ હતો એટલે પાનની કેબિનેથી લવિંગ લઈને પાછો ફર્યો અને બાપુને આપી દીધાં.

'હવે બહાર સેવક પાસેથી કાચનો ખાલી ગ્લાસ લઈ લો અને બહાર જ નળ છે ત્યાંથી અડધો ગ્લાસ પાણી ભરી લાવો.' બાપુએ એક વધુ હુકમ ધણધણાવ્યો.

દિલારામે તરત જ બાપુના કહેવા પ્રમાણે પાણીનો ગ્લાસ લાવીને તેમની સામે મૂકી દીધો.

સૌ કોઈ ભયમિશ્રિત કુતૂહલથી બાપુની કાર્યવાહી જોતાં હતાં. બાપુએ રકાબીમાં મૂકેલાં લવિંગ સામે આંખો મીંચીને કંઈક મંત્રોચ્ચાર કર્યો. પછી એણે મૅનેજર વિગેરેને એમના ઇષ્ટદેવનું મનોમન અગિયાર વખત સ્મરણ કરવા કહ્યું. દિલારામ પાંપણ સ્ટેજ ઉઘાડી રાખીને બાપુ સામે જ તાકી રહ્યો હતો, પણ બાપુ સ્થિર બેઠાં હતા.

થોડી વાર પછી સૌએ આંખો ઉઘાડીને બાપુ સામે જોયું. બાપુએ બધાં લવિંગ પાણી ભરેલા ગ્લાસમાં પધરાવી દીધાં. ધીમે ધીમે પાણીનો રંગ બદલાઈ ગયો. થોડી પળો બાદ ગ્લાસમાં પાણી નહીં પણ લોહી ભર્યું છે એવું સૌને લાગ્યું. બાપુએ જરૂર કંઈક હાથચાલાકી કરી છે એવી શંકા દિલારામને આવી. પણ કેવી રીતે... ? એ તે હજુ સુધી કળી નહોતો શક્યો કારણ કે બાપુએ અત્યાર સુધી કોઈ જ હિલચાર કરી નહોતી. મૅનેજર પરિવાર સહિત હેબતાઈ ગયો હતો.

‘મને લાગે છે કે આને કોઈક ચુડેલ કે ડાકણ વળગી છે, જે ધીમે ધીમે એના શરીરનું લોહી ચૂસતી જાય છે.' બાપુના મોંમાંથી ધીરગંભીર શબ્દો સરી પડ્યા. આ સાંભળીને મેનેજરે કોઈ પણ રીતે પોતાની દીકરીને આ વળગાડમાંથી બચાવી લેવા માટે બાપુને કાકલુદી કરી. એટલું જ નહીં,

આ કામ માટે જે કંઈ ખર્ચ થાય તે પણ આપવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી, ‘હજુ મારે બરાબર બીજાં પ્રયોગો કરીને જોવું પડશે. પછી જ હું તમને કહી શકીશ !'