પ્રકરણ છત્રીસમું
ગામડાનો આહાર
સંચાથી ખાંડેલા વિ૦ હાથે ખાંડેલા ચોખા જો ડાંગરને ગામડાંમાં જૂની ઢબે હાથે ખાંડવામાં આવે તો ડાંગર ખાંડનારી બહેનોને કમાણી મળે, અને ચોખા ખાનાર કરોડો માણસોને સંચે ખાંડેલા ચોખામાંથી નર્યો ‘સ્ટાર્ચ’મળે છે તેને બદલે હાથે ખાંડેલા ચોખામાંથી કંઈક પૌષ્ટિક તત્ત્વો મળે. દેશના જે ભાગોમાં ડાંગર પાકે છે ત્યાં બધે ડાંગર ખાંડવાના બેહૂદા સંચા જામી ગયા છે એનું કારણ માણસોનો લોભ છે. એ લોભ જેને ચૂસે છે તેનાં આરોગ્ય કે સંપત્તિનો કશો વિચાર જ નથી કરતો.
જો લોકમત બળવાન હોય તો તે હાથે ખાંડેલા ચોખા જ વાપરવાનો આગ્રહ રાખે; ડાંગર ખાંડવાનાં કારખાનાંના માલિકોને વીનવે કે જે ધંધો આખા રાષ્ચ્રના આરોગ્યને હાનિ કરે છે અને જે ગરીબ માણસોનું પ્રામાણિકપણે ગુજારો કરવાનું સાધન છીનવી લે છે તે ધંધો તેઓ બંધ કરે, અને આમ કરીને તે ડાંગર ખાંડવાના સંચા ચાલવા જ અશક્ય કરી મૂકે. ૧
હાથે દળેલા ઘઉં
સૌ ડૉકટરોનો અભિપ્રાય છે કે ભૂસા વિનાનો લોટ એ પૉલિશ કરેલા ચોખા જેટલો જ ખરાબ છે. બજારમાં જે ઝીણો લોટ કે મેંદો મળે છે તેના કરતાં ઘરમાં ઘંટીએ દળેલો આખા ઘઉંનો લોટ સારો છે ને સસ્તો પણ છે. સસ્તો છે કેમ કે દળામણની કિંમત બચી જાય છે. વળી ઘરના દળેલા લોટમાં વજનનો ઘટાડો થતો નથી. ઝીણાં લોટમાં ને મેંદામાં વજનનો ઘટાડો થાય છે. ઘઉંનો સૌથી પૌૈષ્ટિક ભાગ તેના ભૂસામાં રહેલો છે. ઘઉંનું ભૂસું કાઢી નાખવામાં આવે ત્યારે પૌષ્ટિક તત્ત્વની ભયાનક હાનિ થાય છે.
ગ્રામવાસીઓ અને બીજા જે ઘરની ઘંટીમાં દળેલા આખા ઘઉંનો લોટ ખાય છે તે પૈસા બચાવે છે, અને વધારે અગત્યનું તો એ કે આરોગ્ય બચાવે છે.
અત્યારે લોટની મિલો જે લાખો રૂપિયા કમાય છે તેમાંનો મોટો ભાગ, જ્યારે ગામડાંમાં ઘંટીઓ પાછી ફરી ચાલતી થશે ત્યારે, ગામડાંમાં જ રહેશે અને સુપાત્ર ગરીબો-માં વહેંચાશે. ૨
ગોળ
ડૉકટરના પુરાવા બતાવે છે કે સફેદ ખાંડના કરતાં ગોળ વધારે પૌષ્ટિક છે; અને જો ગ્રામવાસીઓ ગોળ બનાવવાનું છોડવા લાગ્યા છે તેમ છેક જ છોડી દેશે તો તેમનાં બાળકોના ખોરાકમાંથી એક અગત્યની વસ્તુ નીકળી જશે. તેઓ પોતે કદાચ ગોળ વિના ચલાવી શકશે; પણ તેમનાં છોકરાંનાં શરીરને ગોળ વગર હાનિ થયા વિના નહીં રહે....ગોળ બનવો ચાલુ રહે અને લોકો એનો ઉપયોગ કરવો છોડે નહીં તો કરોડો રૂપિયા ગ્રામવાસીઓનાં ગજવાંમાં રહેશે. ૩
લીલોતરી
ખોરાક અથવા વિટામિન વિષે લખેલું કોઈ પણ આધુનિક પુસ્તક ઉઘાડો તો તેમાં દરેક ભોજન સાથે થોડી કાચી લીલોતરી અથવા ભાજી લેવાની ભલામણ કરેલી જોવામાં આવશે. અલબત્ત આ ભાજીમાં લાગેલો ધૂળ વગેરે કચરો સાફ કરવા માટે તેને ચાર છ વાર સારી રીતે ધોવી જોઈએ. આવી ભાજી દરેક ગામમાં સહેલાઈથી-ફકત ચૂંટી લેવાની મહેનતે- મળે છે. તેમ છતાં ભાજી શહેરના લોકોની શોખની વસ્તુ મનાય છે.
હિંદુસ્તાનના ઘણા ભાગોમાં ગામડાંના લોકો દાળભાત અથવા રોટલા ને પુષ્કળ મરચાં ખાય છે, જે શરીરને નુકસાન કરે છે. ગામડાંની આર્થિક નવરચનાનું કામ ખોરાકના સુધારાથી શરૂ કરવામાં આવ્યું છે તેથી સાદામાં સાદા ને સોંઘામાં સોંઘા ખોરાક શોયધી કાઢવા એ આવશ્યક છે, જેથી ગામડાંના લોકો પોતાનું ખોયેલું સ્વાસ્થ્ય પાછું મેળવી શકે. તેમના ખોરાકમાં ભાજીનો ઉમેરો કરવાથી તેઓ આજે જે ઘણા રોગોથી પીડાય છે, તેમાંથી બચી જશે. તેમના ખોરાકમાં વિટામિનોની ઊણપ હોય છે, જે તાજી લીલી ભાજીથી પૂરી શકશે.
મેં મારા ખોરાકમાં સરસવ તથા સૂવાની ભાજી, સલગમ, ગાજર તથા મૂળાનાં કૂણાં પાન સામેલ કર્યાં હતાં. આ ઉપરાંત મૂળો, સલગમ અને ગાજર પણ કાચાં ખાઈ શકાય છે તે જાણીતી હકીકત છે. આ ભાજી અને કંદને રાંધવામાં પૈસાનો દુરુપયોગ થાય છે અને તેનો સ્વાદ નાશ પામે છે. શાકભાજી રાંધવામાં તેમાંનાં વિટામિન મોટે ભાગે અથવા સમૂળગાં નાશ પામે છે. શાકભાજી રાંધવામાં સ્વાદનો નાશ થાય છે એમ મે કહ્યું, કારણ કે રાંધ્યા વગરનાં શાકભાજીમાં તેમનો પોતાનો સ્વાભાવિક સુસ્વાદ હોય છે, તે રાંધવામાં નાશ પામે છે. ૪
ગામડાનો કાર્યકર્તા
ગામડાંના કામથી આપણે ભડકીએ છીએ. આપણે શહેરી થઈ ગયા છીએ એટલે તે કામ ઉપાડી લેતાં આપણા મોતિયા મરી જાય છે. એ કઠણ જીવનને પહોંચી વળવાને માટે આપણામાંના ઘણાનાં શરીર પણ તૈયૌર નથી.
પણ જો પ્રજાને માટે સ્વરાજ સ્થાપવું હોય, અને એક વર્ગના રાજ્યને બદલે કદાચ તેથી પણ વધારે ખરાબ હોય એવું બીજા વર્ગનું રાજ્ય ન સ્થાપવું હોય, તો એ મુશ્કેલીની સામે આપણે હિંમતથી જ નહીં પણ મરણિયા થઈને કમર કસવી જોઈએ. આજ સુધી ગામડિયાઓ થોકેથોક મૂઆ છે-આપણને જિવાડવા માટે. હવે આપણે મરવું પડશે-તેમને જિવાડવા માટે. ફેર આસમાન જમીનનો પડશે. ગામડિયાઓ અજાણતાં અને અનિચ્છાએ મૂઆ. તેમના બળાત્કારે થયેલા બલિદાનથી આપણી અવનતિ થઈ છે. હવે જ્ઞાનપૂર્વક અને ઈચ્છા-પૂર્વક આપણે મરીએ તો આપણું બલિદાન આપણને અને આખી પ્રજાને ઉન્નત કરશે. જો આપણે સ્વતંત્ર સ્વભિમાની પ્રજા તરપીકે ટકી રહેવું હોય તો આ આવશ્યક બલિદાન આપતાં આપણે પાછી પાની ન કરીએ. ૧
સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રામાણિક સદ્ગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી. આજનું હોઈસ્કુલ- નું શિક્ષણ
સમગ્ર ગ્રામસેવા
અઢારવિધ રચનાત્મક કાર્યક્રમમાં સમગ્ર સેવા આવી જાય છે. બધા ગામલોકોને ઓળખવા, તેમની જરૂરી સેવા કરવી એટલે કે તે માટે સાધન મેળવી આપવું અને તેમને તે કામ શીખવી દેવું, બીજા કાર્યકર્તાઓ તૈયાર કરવા વગેરે એમાં આવી જાય છે. ગ્રામસેવક ગામલોકો પર એટલો પ્રભાવ પાડે કે તેઓ પોતે આવીને તેની સેવા માગે અને તે માટે જે સાધનો કે બીજા કાર્યકર્તાઓ જોઈએ તે મેળવવામાં તેન પૂરેપૂરી મદદ કરે. હું એક ગામડામાં ઘાણી નાખીને બેઠો હોઉં તો ઘાણીને લગતાં બધાં કામો તો કરીશ જ; પણ હું પંદરવીસ રૂપિયા કમાનારો સામાન્ય ઘાંચી નહીં રહું. હું મહાત્મા ઘાંચી બનીશ. ‘મહાત્મા’શબ્દ મેં વિનોદમાં વાપર્યો છે. એનો અર્થ કેવળ એટલો જ છે કે મારા ઘાંચીપણામાં હું એટલી સિદ્ધિ સમાવીશ કે જેથી ગામલોકો અજબ થઈ જાય. હું ગીતા વાંચનારો, કુરાન શરીફ પઢનારો, અનેક બાળકોને શિક્ષણ આપવાની શક્તિવાળો ઘાંચી બનીશ.
વખતના અભાવે હું બાળકોને શિક્ષણ ન આપી શકું એ જુદી વાત. લોકો આવીને કહેશેઃ”ઘાંચી મહાશય, અમારાં બાળકો માટે એક શિક્ષક તો લાવી આપો.” હું કહીશ, “શિક્ષક તો હું લાવીઆપું પણ તેનું ખરચ તમારે ઉઠાવવું પડશે.” તે લોકો એ વાત ખુશીથી સ્વીકારશે. હું તેમને કાંતતાં શીખવીશ. તેઓ વણકર મેળવવામાં મારી મદદ માગશે. ત્યારે શિક્ષક લાવી આપ્યો તેમ તેમને વણકર લાવી આપીશ, એટલે જે ઈચ્છે તે વણાટ પણ શીખી લે. તેમને ગ્રામસફાઈનું મહત્ત્વ સમજાવીશ એટલે તેઓ સફાઈ માટે ભંગીની માગણી કરશે. હું કહીશ કે, “હું પોતે ભંગી છું. આવો, તમને એ કામ પણ શીખવી દઉં.” આ મારી સમગ્ર સેવાની કલ્પના છે. તમે કહી શકશો કે આવો ઘાંચી આ યુગમાં તો પેદા થવાનો નથી, તો હું તમને કહીશ કે, ત્યારે આ યુગમાં ગામડાં પણ છે તેવાં જ રહેવાનાં છે.
રશિયાના ઘાંચીનો દાખલો લો. તેલની મિલો ચલાવનારા પણ ઘાંચી જ છે ને ? તેમની પાસે પૈસા હોય છે, પણ પૈસા મળ્યા તેથી શું મળ્યું? પૈસો તો હાથનો મેલ છે. ખરી શક્તિ જ્ઞાનમાં રહેલી છે.
જ્ઞાનવાનની નૈતિક પ્રતિષ્ઠા અને લૈતિક બળ હોય છે. તેથી તેની સૌ લોકો સલાહ લેવા જાય છે. ૧
ગામડાંમાં પક્ષાપક્ષી
આપણાં યશહેરોમાં જેમ પક્ષો અને તડ જોવા મળે છે તેવી જ રીતે આપણાં ગામડાંઓમાં પણ પક્ષાપક્ષી દેખાતી હોય તો હિંદુસ્તાનને માટે અફસોસ કરવા જેવું થાય. અને ગામડાંઓના કલ્યાણનો વિચાર ન રાખતાં સત્તાનો કબજો કરવાની ચડસાચડસીનું રાજકારણ પક્ષોની પોતાની સત્તા વધારવાના હેતુથી આપણાં ગામડાંઓમાં દાખલ થાય તો તે ગામડાંની વસ્તીની પ્રગતિમાં સહાયરૂપ ન થતાં ઊલટું તેમાં બાધા કરશે. મારો પોતાનો એવો મત છે કે ગમે તેવું પરિણામ આવે તેની પરવા કર્યા વિના આપણે આપણા કામમાં બની શકે તેટલી બધી સ્થાનિક મદદ લેવી જોઈએ, અને આપણને સત્તા કબજે કરવાનો રંગ નહીં લાગ્યો હોય તો આપણે હાથે કશું બગડવાનો ઝાઝો સંભવ રહેતો નથી. આપણે યાદ રાખીએ કે શહેરોનાં અંગ્રેજી ભણેલાં સ્ત્રીપુરુષોએ આપણા મુલકના મુખ્ય આધાર સમાં આપણાં ગામડાંઓ તરફ બેદરકાર રહેવાનો ગુનો કર્યો છે. એટલે આજ સુધીની આપણી બેપરવાઈ યાદ રાખવાથી આપણામાં ધીરજ કેળવાશે.
આજ સુધી જે જે ગામે મારે જવાનું થયું છે ત્યાં એકાદ પ્રામાણિક કાર્યકર્તા મને મળ્યા વિના રહ્યો નથી. પણ ગામડાંઓમાંયે કંઈક સારું સ્વીકારવા જેવું હોય છે એવું માનવા જેટલા આપણે નમ્ર થતા નથી તેથી તે આપણને જડતો નથી. બેશક, સ્થાનિક પક્ષાપક્ષીથી આપણે પર રહેવું જ જોઈએ.
પણ બધાયે પક્ષોની અથવા કોઈ પણ પક્ષની નહીં એવી સહાય ખરેખર સારી હોય તે સ્વીકારવી એટલું આપણે શીખીશું તો જ પક્ષાપક્ષીથી પર રહી શકીશું.