22
રાજવીરને તેના દુશ્મનોના, વિક્રાંત, જગન અને બિન્દલના પગલાંઓનો ધીરો અવાજ સંભળાયો અને તેણે પોતાના હાથમાંના ચપ્પુ પરની પકડ મજબૂત કરી. અને આની બીજી જ પળે વિક્રાંત, જગન અને બિન્દુલ હાથમાં રિવૉલ્વર સાથે ખંડેરમાં દાખલ થયા હતા.
અત્યારે રાજવીરે જોયું તો તેનાથી ચારેક પગલાં દૂર જ જગન હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. એનાથી દસેક પગલાં દૂર વિક્રાંત અને પછી એનાથી બીજા દસેક પગલાં દૂર બિન્દલ હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો.
ખંડેરના એ મોટા રૂમની છત કયાંક-કયાંકથી તૂટેલી હતી. એ તૂટેલી જગ્યામાં થઈને, ઉપર આકાશમાં ચમકતા ચંદ્રનું ઝાંખું-ઝાંખું અજવાળું અંદર આવતું હતું. અને એટલે રૂમમાં કયાંક અંધારું તો કયાંક અજવાળું હતું.
રાજવીર દીવાલને ચંપાઈને-અંધારામાં ઊભો હતો.
વિક્રાંત, જગન અને બિન્દુલ ત્રણે જણાં અત્યારે કાન સરવા કરીને, હાથમાંની રિવૉલ્વરને સામેની તરફ તાકેલી રાખીને રૂમમાં નજર ફેરવી રહ્યા હતા.
રાજવીર અંધારામાં હતો એટલે તે એ લોકોની નજરે ચઢી શકે એમ નહોતો, પણ એ જોખમ લઈ શકે એમ નહોતો. એ ત્રણેયમાંથી કોઈ એકની નજર તેની પર પડે અને એની સાથે જ બીજા બે જણાં પણ પોતાની રિવૉલ્વરની ગોળીઓનો વરસાદ તેની પર વરસાવે એ પહેલાં તેણે જગનને મારીને એની રિવૉલ્વર ઝૂંટવીને, બાકીના બેઉને પૂરા કરવાના હતા.
હવે રાજવીરે પોતાના હાથમાંના ચપ્પુને બરાબર પકડયું અને જગન તરફ ધસી ગયો. તે જગનની નજીક પહોંચ્યો, એ પળે જ જગન તેની તરફ ફર્યો. તેણે જગનના પેટમાં ચપ્પુ ખોંપવાની સાથે જ જગનના હાથમાંની રિવૉલ્વરને પકડીને ઝૂંટવી લીધી.
જગનના મોઢેથી પીડાભરી ચીસ નીકળી, એટલે વિક્રાંત અને બિન્દલ તેની તરફ ફર્યા. એ જ પળે રાજવીરે વિક્રાંત તરફ રિવૉલ્વર તાકીને ગોળી છોડી દીધી. તો સામેથી વિક્રાંતે ઝૂકી જતાં રાજવીર તરફ પોતાની રિવૉલ્વરની ગોળી છોડી દીધી.
વિક્રાંત ઝૂકી ગયો હતો, એટલે રાજવીરની રિવૉલ્વરની ગોળી એની પાછળ ઊભેલા બિન્દલની છાતી વીંધી ગઈ, તો વિક્રાંતની રિવૉલ્વરની ગોળી રાજવીરના હાથમાં વાગી ને તેના હાથમાંથી રિવૉલ્વર છટકાવી ગઈ.
રાજવીર છટકી ગયેલી રિવૉલ્વર લઈ શકે એમ નહોતો, કારણ કે, હજુ તેના હાથમાંનું ચપ્પુ જગનના પેટમાં ખૂંપેલું હતું અને જગનના શરીરનો બધો ભાર તેની પર આવી ગયો હતો. રાજવીરની ડાબી સાથળમાં ગોળી વાગી હતી અને ઘણું લોહી વહી ગયું હતું, એટલે આમેય રાજવીરની શરીરની શક્તિ ઓછી થઈ ગઈ હતી, એમાં વિક્રાંતની ગોળી તેના હાથમાં વાગી ને વળી જગનના શરીરનો ભાર તેની પર આવ્યો, એટલે તે પોતાની જાતને ટકાવી શકયો નહિ. તે જગન સાથે જમીન પર પટકાયો. તેનો ચપ્પુ પરનો હાથ છૂટી ગયો. જગન તેની બાજુમાં ઢળી પડયો, તો તેની આંખે અંધારા છવાયાં.
ત્યાં જ તેના પેટમાં લાત વાગી. તેના મોઢેથી પીડાભરી ચીસ નીકળવાની સાથે જ તેણે પેટ પર હાથ દબાવ્યા. પળવારમાં તેની આંખ સામેથી અંધારું દૂર થયું તો તેની છાતી પર હાથમાં રિવૉલ્વર સાથે વિક્રાંત ઊભેલો દેખાયો.
‘તે મારી આખી બાજી ઊંધી વાળી દીધી. કૈલાસકપૂરના કરોડો રૂપિયામાં ખેલવાનું મારું સોનેરી સપનું તે રોળી નાંખ્યું.’ વિક્રાંત દાંત કચકચાવતાં બોલ્યો : “તેં બુલેટપ્રુફ જેકેટ પહેર્યું છે એટલે તને જગન અને ભંવરની રિવૉલ્વરની ગોળી વાગી નહિ અને તું બચી ગયો. પણ હવે તું નહિ બચે. હું ગોળીથી સીધી તારી ખોપરી જ ઊડાવું છું.’
રાજવીરે ખૂબ જ પ્રયત્ન કર્યો ત્યારે તે આંખ આગળના અંધારા વચ્ચેથી વિક્રાંતને જોઈ શકયો. વિક્રાંત તેની ખોપરી તરફ રિવૉલ્વરની અણી તાકી રહ્યો હતો.
રાજવીરને હવે લાગ્યું કે, વિક્રાંતના હાથે તેનું મોત નકકી જ હતું, છતાં તે પોતાના છેલ્લા શ્વાસ સુધી લડી લેવા અને પોતાની જાતને બચાવી લેવાનો પ્રયત્ન કરી લેવા માંગતો હતો. તેણે પોતાના શરીરનું બધું જ જોર જમણા પગમાં ભેગું કર્યું અને વિક્રાંતના હાથમાંની રિવૉલ્વરને છટકાવી દેવા માટે લાત ઉછાળી. તેની લાત વિક્રાંતના હાથમાંની રિવૉલ્વરને વાગી, પણ એક તો તેની એ લાતમાં જોર ઓછું હતું અને વિક્રાંતે મજબૂતાઈ સાથે રિવૉલ્વર પકડી રાખી હતી, એટલે તેની એ લાતથી વિક્રાંતના હાથમાંની રિવૉલ્વર છુટી નહિ.
‘સાલ્લા, મરતાં મરતાંય સખણો રહેતો નથી.' કહેતાં વિક્રાંતે ફરી તેની કમરે લાત મારી.
રાજવીર હવે સાવ ઢીલો પડી ગયો. તેણે મિંચાઉ-મિંચાઉં થઈ રહેલી આંખે જોયું તો વિક્રાંતે તેની ખોપરી તરફ રિવૉલ્વર તાકી દીધી હતી અને રિવૉલ્વરનો ઘોડો દબાવવા જઈ રહ્યો હતો.
રાજવીરની આંખો મિંચાઈ. વિક્રાંત દેખાતો બંધ થયો અને એ સાથે જ તેના કાને રિવૉલ્વરની ગોળી છૂટવાનો અવાજ અફળાયો. બીજી જ પળે તેની શાન-ભાન ચાલી ગઈ.
***
‘રાજુબેટા ! આંખો ખોલ તો રાજુબેટા !' રાજવીરને જાણે કોઈ બીજી જ દુનિયામાંથી અવાજ આવી રહ્યો હોય એવું લાગ્યું. તેણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તેની આંખો ખુલી નહિ.
‘આંખો ખોલ, મારા રાજુ !' રાજવીરના કાને અવાજ પડવાની સાથે જ તેના માથા પર લાગણીભીનો સ્પર્શ થયો. અને જાણે આ સ્પર્શે તેનામાં નવું જોમ-નવી શક્તિ પૂરી. તેણે મહેનતપૂર્વક આંખો પરની પાંપણો ઊઠાવી. તેને તેની મા સુમિત્રાનો ચહેરો દેખાયો. સુમિત્રા તેના કપાળ પર મમતાભરી ચુમીઓ ભરવા માંડી.
‘તો...’ રાજવીરે વિચાર્યું : ‘...તે જીવતો છે. તે મર્યો નથી. વિક્રાંતની રિવૉલ્વરની ગાળીએ તેની ખોપરી ઊડાવી નથી. પણ તેણે શાન-ભાન ગુમાવી એ વખતે તો તેને વિક્રાંતની રિવૉલ્વરમાંથી ગોળી છૂટવાનો અવાજ સંભળાયો હતો, પછી તે બચ્યો કેવી રીતના ?' અને તેનો હાથ માથા પર ગયો.
‘રાજવીર !‘ તેના કાને કૈલાસકપૂરનો અવાજ સંભળાયો. સુમિત્રા રાજવીરથી દૂર હટી અને તેને કૈલાસકપૂરનો ચહેરો દેખાયો.
‘રાજવીર !' કૈલાસકપૂરે કહ્યું : ‘મારો આદમી શક્તિ અણીના સમયે એ ખંડેરમાં પહોંચ્યો હતો. વિક્રાંત રિવૉલ્વરનો ઘોડો દબાવે એ પહેલાં જ એણે પોતાની રિવૉલ્વરમાંથી ગોળી છોડીને એની લાશ ઢાળી દીધી હતી.’
‘તમારો માણસ શક્તિ એ ખંડેરમાં પહોંચ્યો હતો ? !' રાજવીરે મૂંઝવણ સાથે પૂછ્યું.
‘હા.’ કૈલાસકપૂરે તેની મૂંઝવણ દૂર કરવા માટે કહેવા માંડયું : ‘મારી સાથે સિમરને જે રીતની બેવફાઈ કરી હતી અને જે રીતના એણે મને મૂરખ બનાવ્યો હતો, એ જોતાં તું અને વનરાજ મારા બંગલેથી સિમરનને આપવા માટે હીરા અને રૂપિયા લઈને નીકળ્યા, ત્યારે જ મે તારી અને વનરાજની જ હીલચાલની મને રજેરજ માહિતી મળે એ માટેની વ્યવસ્થા કરી નાંખી હતી. મેં તને મારો જે મોબાઈલ ફોન આપ્યો હતો, એમાં મેં પાવરફૂલ માઈક્રોફોન ગોઠવી દીધું હતું.
‘તમે બન્ને કારમાં નીકળ્યા એ પછી હું તમારાથી સલામત અંતર રાખીને તમારી પાછળ જ કારમાં આવતો હતો. અને તારી પાસેના મારા મોબાઈલમાંના માઈક્રોફોન મારફત તમારી દરેકે દરેક વાત સાંભળતો હતો. અને એટલે જ મને મારો જ દોસ્ત વનરાજ મારી પત્ની સિમરન સાથે મળીને મને પાયમાલ કરવા માંગતો હતો એ વાતની જાણ થઈ અને મને એ વાતની પણ ખબર પડી કે, સિમરને વનરાજને ઝેર આપીને મારી નાંખ્યો અને પછી વિક્રાંત જીવતો હોવાની અને આ આખાય ખેલ પાછળ સિમરન સાથે વિક્રાંત હોવાનો પણ મને ખ્યાલ આવ્યો.' કૈલાસકપૂર એકધારું કહી રહ્યો હતો : ‘રાજવીર ! હું તારા માટે પણ એમ જ માનતો હતો કે, તું પણ મારી સાથે ગદ્દારી કરીશ. અને એટલે મેં મારા આદમી શક્તિને એની ટીમ સાથે તૈયાર જ રાખ્યો હતો.
‘તેં તારી મા સુમિત્રાને અને નતાશાને હીરા, રૂપિયા અને લૅપટોપ લઈને મુંબઈ-પૂના હાઈવે પરની હોટલ મનોહર તરફ રવાના કર્યા, ત્યારે મને એમ કે, એ બધું જ તું હડપ કરી જવા માંગે છે. અને એટલે મે શક્તિને એના સાથીઓ સાથે રસ્તામાંથી જ તારી મા અને નતાશાને ઊઠાવી લેવા માટે મોકલી દીધા.
‘શક્તિએ રિવૉલ્વરની અણીએ તારી મા અને નતાશાને ઍમ્બ્યુલન્સમાં બેસાડયાં, એ દરમિયાનમાં તારી અને સિમરનની વાતચીત પરથી મને એ ખબર પડી કે, તું હીરા, રૂપિયા અને લૅપટોપ સાથે સિમરનને પણ મને જ સોંપી દેવા માંગતો હતો. અને એટલે પછી મેં શક્તિને મારા ફાર્મહાઉસના હાઈવે તરફ ચઢાવ્યો.’ કૈલાસકપૂરે સહેજ અટકીને આગળ કહ્યું : ‘જ્યારે આ તરફ તારી પાસેના મારા મોબાઈલમાંના માઈક્રોફોન મારફત મને તારી અને વિક્રાંતના સાથીઓ જગન, ભંવર તેમજ બિન્દલ વચ્ચેની વાતચીત-અથડામણની પણ રજેરજ ખબર પડતી જતી હતી. તું જગન અને બિન્દલથી પીછો છોડાવવા માટે સિમરન અને વિક્રાંત સાથે કારમાં જે રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો, એ રસ્તા પર જ સામેથી શક્તિ તારી મા અને નતાશાને ઍમ્બ્યુલન્સમાં લઈને આવી રહ્યો હતો. મેં એને થોભી જવાનું કહ્યું.
‘આ તરફ તારા ખરાબ નસીબે જગનની ગોળીએ તારી કારના ટાયરનું પંકચર પાડ્યું અને તારી કાર બ્રીજ પરથી નાળામાં ખાબકી, પણ તારા સારા નસીબે શક્તિ એ બ્રીજની નજીક જ ઊભો હતો.
‘મેં એને તારી મદદે મોકલ્યો.
‘શક્તિ એના સાથી બલવીર સાથે તારી મદદે આવ્યો.
‘તું જગન અને બિન્દલને ખતમ કરવામાં સફળ થયો, પણ છેવટે વિક્રાંત તારી ખોપરીમાં રિવૉલ્વરની ગોળી મારવાની પળ સુધી પહોંચી ગયો.
પણ એની રિવૉલ્વરમાંથી ગોળી છૂટે એ પહેલાં જ ત્યાં પહોંચી ચૂકેલા શક્તિએ વિક્રાંતને ગોળી મારી દીધી અને એની લાશ ઢાળી દીધી. જ્યારે તું બેહોશીમાં સરી ગયો હતો. ત્યાંથી અમે તને અહીં લઈ આવ્યા.'
‘હું કેટલો સમય બેહોશ રહ્યો ?’ રાજવીરે પૂછ્યું.
‘બાર-તેર કલાક !' કૈલાસકપૂર બોલ્યો : ‘અત્યારે સવારના અગિયાર વાગવા આવ્યા છે.' અને કૈલાસકપૂરે રાજવીરના માથે હાથ મૂકયો : ‘હું નીકળું છું. પછી મળીશું.' અને કૈલાસકપૂર રવાના થયો, એ પછી જ રાજવીરની નજર તાન્યા પર પડી.
‘નતાશા !’ રાજવીરે સીધું જ કહ્યું : ‘હવે તારે જવું હોય તો તું જઈ શકે છે.’
‘ના, મારે કયાંય નથી જવું.’ નતાશા બોલી : ‘હું તો મા પાસે જ રહીશ.’
‘મારી દીકરી બનીને કે, વહુ બનીને ?’ સુમિત્રાએ હસીને પૂછ્યું.
‘તમારી વહુ બનીને !’ નતાશાએ લજાઈ જતાં કહી દીધું. રાજવીર અને સુમિત્રા, બન્ને મા દીકરો હસી પડયા.
***
બીજા દિવસે જ કૈલાસકપૂરે આપઘાત કરી લીધો. એણે પોતાના આપઘાતની ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારી મરજીથી આ બેવફા ને ગદ્દાર લોકોથી ભરાયેલી દુનિયા છોડીને જઈ રહ્યો છું.’
રાજવીરના હાથ અને પગની ગોળીની ઈજામાં થોડું સારું થયું એટલે રાજવીરે તાન્યા સાથે લગ્ન કરી લીધા.
રાજવીર હવે એક ગેરેજમાં કામે લાગી ગયો છે. તે મહેનતની રોજી-રોટી રળી રહ્યો છે અને પોતાની મા સુમિત્રા તેમ જ પત્ની નતાશા સાથે જિંદગી વિતાવી રહ્યો છે.
( સમાપ્ત )