વરદાન કે અભિશાપ (ભાગ-૧૩)
(વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. જે તેમની જીંદગી જ બદલી દેવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. હવે પલક એક વર્ષની થવા આવી. નરેશની ઇચ્છા હોય છે કે, હું મારો જન્મ દિવસ બહુ ધામધૂમથી ઉજવતો હતો. તો દીકરીનો જન્મ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવું. નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો. એટલે ધનરાજ અને નરેશ ઘરના ઉપરના રૂમમાં ગયા. તે દીકરીના જન્મદિવસ પર ભાનુપ્રસાદને બોલાવવા માંગતો હતો. ધનરાજ બે-ચાર મિનિટ તો ઉંડા વિચારમાં ખોવાઇ જાય છે. પછી તેને દીકરાએ કહેલી વાત યોગ્ય લાગે છે. આખરે ભાનુપ્રસાદને બોલાવવાની હા પાડી દે છે. નરેશ ભાનુપ્રસાદને થયેલ બધી વાતચીત જણાવે છે અને જન્મદિવસમાં આવવા માટે તૈયાર કરે છે. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. એ પછી વારાફરતી બધા પલકને આર્શીવાદ અને ગીફટ આપે છે. જેના સંભારણા તેઓએ કેમેરામાં કેદ કરી દીધા હોય છે. નરેશને તેનો દીકરીનું જન્મદિવસ ઉજવવાનો ઉમંગ ખરેખરમાં બહુ જ જબરજસ્ત હતો. તેનો હરખ જ સમાતો ન હતો. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય.)
ધનરાજના ઘરમાં હવે ત્રણ વહુઓ આવી ગઇ હતી. જેમાંથી મોટો દીકરો અને વહુ સારી નોકરી હોવાને કારણે કવાટર્સમાં રહેતા હતા. જયારે ત્રણ દીકરાઓ જોડે રહેતા હતા. ધનરાજના ત્રણ માળના મકાનમાં ભાનુપ્રસાદ અને જયા રહેતા હતા અને નીચે નરેશ અને સુશીલા રહેતા હતા. બધા હળીમળીને રહેતા હતા. ધનરાજ સાથે નરેશ રહેતો હતો અને તેણે જ ઘરની જવાબદારી માથે ઉપાડી લીધી હતી. આમને આમ નરેશ અને સુશીલા સાસુ-સસરા સાથે પાંચ વર્ષ ભેગા રહ્યા. મણિબેનને એ વાતની ચિંતા તો જરૂરથી થતી કે હવે મારા કમલેશના લગ્ન કયારે થશે? કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. એવામાં જ સુશીલાએ તેની બહેનીની દીકરી માટે દિયરની વાત ચલાવવા માટે ઘરમાં વાત કરી.
સુશીલા : બા, તમને વાંધો ના હોય તો મારા બહેનની દીકરીનું આપણા કમલેશભાઇ જોડે કરીએ તો?
મણિબેન : શું કરે છે એ તારી બેનની દીકરી ?
સુરીલા : બા, એ સારું એવું ભણેલી છે અને હાલમાં નોકરી કરે છે.
મણિબેન : ભણતર તો ઠીક છે પણ તેમનું ઘર કેવું છે?
સુરીલા : ઘરબાર તો સારું જ છે.
મણિબેન : તો પણ આપણા ઘરમાં તે શોભે નહિ.
સુરીલા : (નવાઇ સાથે) કેમ બા ?
મણિબેન : છોકરી ભલેને ભણેલી સારી હોય પણ તારા બેન-બનેવી પૈસે ટકે આપણી બરાબરીમાં નથી.
સુશીલા : પણ બા આપણે તો છોકરી આપના ઘરે લાવવાની છે. એટલે જ મારી પોતાની બહેનની દીકરી સાથે મે વાત કરી. મને એમ હતું કે કદાચ તમને આ વાત ગમશે જ.
મણિબેન : હા બરાબર છે પણ કાલે બીજી એક વાત જોવા જવાનું છે. એટલે હાલ તારી બહેનની વાત રહેવા દે.
સુશીલા : (સુશીલા કંઇ જ બોલી ના શકી. કેમ કે, જયારે સાસુએ જ આ રીતે વાત કરી તો પછી આગળ વાત ચલાવવાનો કોઇ પ્રશ્ન જ રહેતો ન હતો.) સારું. જેવી તમારી ઇચ્છા, બા.....
સુશીલા મનમાં ને મનમાં બળતી રહી કે બસ પૈસા જ મહત્વના હોય છે!!! પછી વિચાર આવ્યો કે, કમલેશભાઇના નસીબમાં કોઇ બીજી જ છોકરી હશે અને ભગવાન જે કરે સારું જ કરશે એમ વિચારી તે ઘરના કામકાજમાં લાગી જાય છે.
(જે ચોથી વહુ આવવાની હતી કદાચ એ આજ હશે કે જે મણિબેન જોવા જવાનું કહેતા હતા? કે પછી કોઇ બીજી હશે?)
(વધુ આવતા પ્રકરણે ભાગ-૧૪ માં)
- પાયલ ચાવડા પાલોદરા