ભૂતનો ભય ૧૨
- રાકેશ ઠક્કર
ડાકણ
મધ્યપ્રદેશની બોર્ડર પર પહોંચતાં જ વર્દન અને શ્રીનારીને રાતના અગિયાર વાગી ગયા હતા. એક જગ્યાએ નાનું ધાબું જોયું એટલે વર્દને કાર અટકાવી. બે કલાકથી એ કાર હંકારી રહ્યો હતો. આજે આખી રાત કાર ચલાવીને મધ્યપ્રદેશમાં પ્રવેશી જવાનું એનું આયોજન હતું.
ધાબા પર એક વૃધ્ધ મહિલા ચા- બિસ્કીટ અને નાની- મોટી ચીજ વસ્તુઓ વેચતી હતી. વર્દને ત્યાં બેઠેલી એક વૃધ્ધાને પહેલાં જોઈ ત્યારે ડર લાગ્યો હતો. ફાનસના અજવાળામાં એનો ચહેરો કરચલીથી ભરેલો દેખાતો હતો. કોઈ રીતે સ્પષ્ટ વર્ણન થઈ શકે એવો ચહેરો ન હતો. શ્રીનારીએ તો કારમાંથી ઉતરવાનું જ ટાળ્યું:‘તું ચ્હા પીને આવ... હું અંદર જ બેઠી છું.’
‘તારા માટે કશું લઈ આવું?’ વર્દને નીચે ઉતરતા પહેલાં પૂછ્યું. એને ચ્હાની એવી તલબ લાગી હતી કે એણે હિંમત કરી હતી.
‘ના, નાસ્તા ઘણા છે. તમે ચ્હા પીને ઝટ આવો... મને એકલીને બીક લાગે છે...’ શ્રીનારીએ મોબાઈલ હાથમાં લઈને કહ્યું. એણે જોયું કે મોબાઇલનું નેટવર્ક પણ પકડાતું ન હતું. આસપાસમાં અત્યારે કોઈ વાહનની અવરજવર ન હતી. એમણે રાત્રે મુસાફરીનું ખોટું સાહસ કર્યું હોય એમ લાગતું હતું.
વર્દને રોડની બાજુમાં ફાનસના અજવાળામાં ચાલતી દુકાનની બહાર બેઠેલી વૃધ્ધા તરફ જોયું તો એ આંખો બંધ કરીને બેઠી હતી. સહેજ ડર સાથે વર્દન બોલ્યો:‘માજી... એક ચ્હા મળશે?’
વૃધ્ધા ઝબકીને જાગી અને બોલી:‘હા-હા... બેસ ભાઈ...’ અને એ ચ્હા ગરમ કરવા લાગ્યાં.
વર્દનને વધારે કંઇ પૂછવાની ઈચ્છા ના થઈ. વૃધ્ધા એકલી કેમ છે? આટલી રાત્રે દુકાન કેમ ચલાવે છે? જેવા પ્રશ્નો થયા પણ વાતાવરણ એવું હતું કે જલદી ચ્હા પીને નીકળવામાં જ ભલાઈ લાગી.
ચ્હા બનાવતી વખતે વૃધ્ધાને જ શું સૂઝયું કે એણે જ વાતની શરૂઆત કરી:‘આટલી રાત્રે દીકરા કેમ જાય છે? હું તો મજબૂર છું. આ ઉંમરે મારું જંગલમાં કોઈ નથી એટલે રાત- દિવસ આ તૂટી ફૂટી દુકાન ચલાવી પેટ ભરું છું. પણ રાત્રે બાર સુધીમાં દુકાન વધાવી લઉં છું...’
વર્દન ચ્હા પીતો રહ્યો ત્યાં સુધી વૃધ્ધાએ ઘણી વાતો કરી. એ ચૂપચાપ સાંભળતો રહ્યો.
એ ચ્હા પીને આવ્યો અને કાર ચાલુ કરી એટલે શ્રીનારી પૂછવા લાગી:‘ડોશીએ શું કહ્યું?’
‘કંઇ ખાસ નહીં.’ કહી વર્દને કાર ડ્રાઇવિંગ પર ધ્યાન આપ્યું. એણે ઘડિયાળ પર નજર નાખી. બરાબર બાર વાગી ગયા હતા. થોડે દૂર ગયો હશે અને એક મોટા ઝાડ નીચે બીજી વૃધ્ધા હાથ બતાવતી દેખાઈ. શ્રીનારીની નજર પડી એટલે કહ્યું:‘વર્દન, જો પેલી ડોશીને મદદ જોઈતી લાગે છે. આ પણ ચ્હાની ટપરી બંધ કરીને જતી લાગે છે... ઊભી રાખ...’
શ્રીનારીએ જોયું કે વર્દને ગતિ ધીમી કરી દીધી પણ પહેલાં સાંભળ્યું ના હોય એમ કર્યું અને એની પાસેથી ધીમેથી પસાર થઈ ગયો. પેલી વૃધ્ધા બે હાથ જોડી કરગરતી દેખાઈ. શ્રીનારી નારાજ થઈને બોલી:‘વર્દન, ઊભી રાખ.’
આખરે વર્દને કાર ઊભી રાખી એટલે શ્રીનારી કહે:‘ઊભો રહે... એમને આવવા દે. ક્યાંક આગળ જવું હોય તો છોડી દઈએ.’
શ્રીનારીએ જોયું કે બીજી તરફથી વૃધ્ધા લાકડીને ટેકે એમની નજીક આવી રહી હતી ત્યારે વર્દન કાર રિવર્સ લઈ રહ્યો હતો.
શ્રીનારીએ સૂચવ્યું:‘આપણે પાછા જવાની જરૂર નથી. એ આવી રહ્યાં છે...’
વર્દન એક શબ્દ બોલ્યા વગર કારને આવ્યો હતો એ દિશામાં વાળી ધીમે ધીમે આગળ લઈ જવા લાગ્યો. અને જેવી વૃધ્ધા નજીક આવી કે એની બાજુમાંથી કાર કાઢી લીધી અને બીજી સેકન્ડે કારના એકસીલેટર પર પગ મૂકી એકસોની સ્પીડ પર ભગાવી. શ્રીનારી ચોંકી ગઈ અને કહેવા લાગી:‘વર્દન… વર્દન, આ શું કરે છે? જો એ વૃધ્ધા પાછળ દોડતી આવે છે...’
વર્દન બે મિનિટમાં પાછો ચ્હા પીધી હતી એ ટપરી પાસે આવ્યો અને શ્રીનારી બબડતી રહી પણ કારમાંથી ઉતરી એ વૃધ્ધાને પગે લાગ્યો અને જંગલ રસ્તે આગળ જવાને બદલે નજીકમાં કોઈ હોટલ શોધવા કારને હંકારી ગયો.
‘વર્દન, વાત શું છે? તું કંઇ બોલતો કેમ નથી? અને આપણે પાછા ક્યાં જઈ રહ્યાં છે?’ શ્રીનારી હવે ગભરાઈ હતી.
‘હું બધું કહું છું...’ કહી વર્દને કારને રોડની બાજુમાં ઊભી રાખી અને રાહતના શ્વાસ લેતાં કહ્યું:‘હાશ! બચી ગયા. હું ચ્હા પીવા બેઠો ત્યારે એ વૃધ્ધાએ મને કહ્યું કે બાર વાગ્યા પછી આ જંગલમાં મોટા ઝાડ પાસે એક ડાકણ ફરતી હોવાનું કહેવાય છે. તમે એનાથી ચેતજો. એ માણસોના લોહીની તરસી હોય છે. એ ગમે એટલું કરગરે પણ કારમાંથી બહાર નીકળશો નહીં. મને એની વાત હંબગ લાગી હતી. ડોશીનું છટકી ગયું છે એમ લાગ્યું હતું. એ કયા જમાનામાં જીવે છે એની ખબર નથી એમ સમજી મેં કોઈ વાદવિવાદ કરવાનું ટાળી ચ્હા પીને આવી ગયો. આગળ તરત જ મોટા ઝાડ પાસે બીજી વૃધ્ધા દેખાઈ ત્યારે મેં એની વાતને ગંભીરતાથી લીધી અને કારને વધારે સ્પીડે ભગાવવા ગયો....’
‘પણ તેં મારી વિનંતી સાંભળી કાર ધીમી કરી અને એને કરગરતી જોઈ ઊભી રાખી એમ ને?’ શ્રીનારીએ એ સમય યાદ કરીને કહ્યું.
‘ના. મેં તારા કહેવાથી કારને ધીમી કરી ન હતી કે રોકી ન હતી. કાર આપોઆપ રોકાઈ ગઈ હતી. મને ખ્યાલ આવી ગયો કે એ વૃધ્ધા ડાકણ જ છે. એણે સીમા બાંધી દીધી છે. આપણે આગળ જઈ શકીએ એમ ન હતા. એટલે મેં તરત જ બુધ્ધિ વાપરીને રિવર્સ લીધી. કાર એની તરફ આવતી હતી એટલે એને એમ થયું હશે કે આપણે એને લેવા આવી રહ્યાં છે. પણ મેં એની બાજુમાંથી ઝડપથી કાઢી લીધી અને સ્પીડ વધારી આંખના પલકારામાં એ મોટા ઝાડથી આગળ પસાર કરી દીધી એટલે એ આપણાને કશું કરી શકી નહીં... આપણે ડાકણથી બચી ગયા. પાછા વળીને મેં ચ્હાની દુકાને કાર ઊભી રાખી અને એ વૃધ્ધાનો આભાર માન્યો...’
‘ઓહ! આટલું બધું બની ગયું અને મને ખ્યાલ જ ના આવ્યો? હું શું વિચારતી રહી અને બોલતી રહી?’ શ્રીનારીને થયું કે પોતે બુધ્ધુ હતી. તેણે હેતથી વર્દનની છાતીમાં માથું નાખી કહ્યું:‘વર્દન, તારી સમયસૂચકતા અને બુધ્ધિથી આપણે બચી ગયાં... બાકી પહેલાં તો મને ચ્હાની ટપરી પર હતી એ જ વૃધ્ધા ડાકણ જેવી લાગી હતી...!’
**