સામે પલ્લવીના માતાપિતાને જોઈને તુલસી એકદમ જ ચોંકી ઉઠી. પણ તુલસીએ પોતાના મોઢા પર એ વાત બિલકુલ કળાવા ના દીધી કે, પલ્લવી શિખરને લઈને આ ઘર છોડીને ચાલી ગઈ છે. એણે બિલકુલ સામાન્ય જ રહેવાનો પ્રયત્ન કર્યો.
એણે પલ્લવીના માતા પિતાને પ્રેમથી આવકાર આપ્યો. એ બોલી ઉઠી, "અરે! આવો આવો પાર્વતીબહેન. આવો! આવો! ઓમકારભાઈ! અમારાં આ નાનકડા એવાં ઘરમાં તમારું સ્વાગત છે. તમે તો કોઈ દિવસ આ બાજુ ભૂલા પડતાં જ નથી! આજે ઘણાં વખતે તમને અમારી યાદ આવી કેમ? ખરું ને?"
"હા, તુલસીબહેન. હા! જુઓ ને! વાત જ એવી છે ને! તમે તો જાણો જ છો કે, મારી સાસુની તબિયત ઘણાં સમયથી નરમગરમ જ રહ્યાં કરે છે. જુઓ ને! એટલે જ તો અમે અમારી દીકરીના દીકરાની છઠ્ઠીના દિવસ જેવા શુભ પ્રસંગે પણ હાજરી આપવા પહોંચી ન શક્યાં. એ વાતનો અમને બંનેને ખૂબ જ વસવસો છે નહીં તો એવાં ક્યાં અભાગી માતાપિતા હોય કે, જે પોતાની જ દીકરીની ખુશીમાં સામેલ ન થઈ શક્યાં? આને હરિની ઈચ્છા નહીં તો બીજું શું સમજવું?
છેલ્લાં કેટલાંય દિવસથી અમે લોકો હોસ્પિટલની જ આ બધી દોડાદોડીમાં હતા અને એટલે જ સગી દીકરીના દીકરાની છઠ્ઠીમાં પણ પહોંચી ન શક્યા. એનું અમને ખરેખર ખૂબ જ દુઃખ છે અને એટલે જ આજે અમે પલ્લવી અને શિખરને આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ. ક્યાં છે એ બંને?" પાર્વતીએ કહ્યું.
આ સાંભળીને પલ્લવી થોડી વિચારમાં પડી ગઈ. એ મૂંઝવાણી કે, મારે હવે આ વાતનો શું જવાબ આપવો? પણ ત્યાં જ દરવાજા પરથી એક અવાજ આવ્યો, "હું અહીં છું મમ્મી પપ્પા! અને આ રહ્યો મારો દીકરો શિખર! એ પણ અહીઁ જ છે."
"ઓહ! પલ્લવી! હજુ તારી જ વાત થઈ રહી હતી. અને ત્યાં જ તું આવી ગઈ. સારું કર્યું તું અહીં આવી ગઈ." તુલસીએ તરત જ કહ્યું. પલ્લવીને આ રીતે પાછી આવેલી જોઈને તુલસીએ પણ હવે રાહતનો શ્વાસ લીધો. પણ પલ્લવીએ તુલસીની આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું અને તરત જ પોતાના માતપિતા પાસે પહોંચી ગઈ અને બોલી ઉઠી, "જો મમ્મી! જુઓ પપ્પા! આ છે તમારો દોહિત્ર શિખર."
"વાહ! કેટલો સરસ છે. કોઈની નજર ન લાગે મારા દીકરાને. એટલું કહી એમણે શિખરની નજર ઉતારી અને એક સોનાનો ચેન એણે પલ્લવીના હાથમાં આપ્યો."
"અરે! મમ્મી! આટલું બધું ના હોય."
"કેમ ન હોય દીકરા! તારું પહેલું સંતાન છે. એનો હક બને છે. લઈ લે. અને ખબરદાર! જો હવે વધુ કંઈ બોલી છે તો..." ઓમકારે કહ્યું.
"ઠીક છે પપ્પા! તમારી આજ્ઞા શિરે ચઢાવી. બસ! હવે તો ખુશ ને!"
"હા, બિલકુલ ખુશ."
"ચાલો તો હવે અમે રજા લઈએ તુલસીબહેન. નીરવ ને અમારી યાદી આપજો."
"અરે! પણ એટલું જલ્દી! હજુ તો હમણાં જ તો આવ્યા છો. જમીને જજો." તુલસી બોલી.
"અમે જરૂર રોકાઈ જાત પણ તમે તો જાણો છો કે, બા ની તબિયત કાંઈ બહુ સારી રહેતી નથી એટલે એમને વધુ સમય એકલા રાખી શકાતાં નથી." પાર્વતીએ પોતાની પરિસ્થિતિ સમજાવી.
ઓમકાર અને પાર્વતીએ તુલસીની રજા લીધી અને બંને પોતાના ઘરે ગયાં. એમનાં જતાં જ તુલસી અને પલ્લવી બંને ઘરમાં એકલા પડ્યા. નીરવ હજુ ઑફિસેથી આવ્યો નહોતો.
પલ્લવીના ઘરે પરત ફરવાથી તુલસી ખૂબ જ ખુશ હતી. એ હવે પલ્લવી પાસે આવી. પરંતુ પલ્લવી તુલસીથી કંઈ બહુ ખુશ નહોતી. તુલસી હજુ તો પલ્લવીને કંઈ કહે એ પહેલાં જ પલ્લવી તરત જ બોલી ઉઠી, "હું અત્યારે તમારી સાથે વાત કરવાના બિલકુલ મુડમાં જ નથી. મહેરબાની કરીને અત્યારે તમે મારાથી દૂર જ રહો. હું તમારી સાથે કોઈ જ વાત કરવા માંગતી નથી. જ્યાં સુધી નીરવ ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી મારે તમારી સાથે કોઈ જ વાત કરવી નથી કે નથી મારે તમારી કોઈ વાત સાંભળવી એટલે મહેરબાની કરીને મને કશું જ કહેવાની કોશિશ કરતાં નહી." એટલું કહીને પલ્લવી સડસડાટ શિખરને લઈને સીધી જ પોતાના રુમમાં ચાલી ગઈ.
તુલસીને હજુ પણ પલ્લ્વીનું આવું વર્તન સમજાઈ રહ્યું નહોતું એટલે એની પાસે હવે પોતાના દીકરા નીરવની રાહ જોયા સિવાય બીજો વિકલ્પ જ ક્યાં હતો? એ પણ હવે આતુરતાપૂર્વક નીરવની રાહ જોવા લાગી.
(ક્રમશઃ)