સ્પર્ધા ક્યાં નથી? નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ તેમ ભણતરમાં, પછી સારા દેખાવા માટે, કરીયર માટે, જોબમાં પ્રમોશન માટે કે પછી સોસાયટીમાં સ્ટેટસ માટે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. દરેકને સ્પર્ધા હોય જ. હું કંઈક કરું, હું કંઈક આગળ વધું, હું મોટો થઉં, અને ના હોય તો બીજા લોકોના સંપર્કથી, દેખાદેખીથી પેલા કરતાં હું વધારે સારો થઉં એવું થઈ જ જાય અને સ્પર્ધા જન્મે. લોકો બુદ્ધિમાં પણ હરિફાઈ કરે છે, કે આના કરતાં મારી બુદ્ધિ વધારે, પેલા કરતાં મારી બુદ્ધિ વધારે. પોતે આગળ વધે તેનો વાંધો નથી, પણ આ તો પોતે આગળ વધવાની શક્તિ ધરાવતો નથી, તેથી બીજાને પછાડીને, બીજાને અટકાવીને પોતે આગળ વધવા જાય છે. પોતાનામાં સુપિરિયારિટીના ગુણો છે નહીં, તેથી એ બીજાની સુપિરિયારિટીને તોડી, એને પોતાના કરતાં ઈન્ફિરિયર કરવા જાય છે. તો જ પોતે સુપિરિયર બને ને ? અને તેમાંથી પછી સ્પર્ધા જાગે. વેર બંધાય ને સંસારમાં ભટકાવે !
હંમેશાં આપણી જોડેવાળા સાથે સ્પર્ધા થાય છે. કડિયો હોય તેને કડિયાઓમાં, સુથાર હોય તો સુથારોમાં સ્પર્ધા થાય. ડોક્ટર્સને ડોક્ટર સાથે, વિદ્યાર્થીને પોતાના ધોરણના વિદ્યાર્થી સાથે. ધર્મમાં પણ સહાધ્યાયિઓમાં સ્પર્ધા જાગે, કે મેં આના કરતાં વધારે ઉપવાસ કર્યા. સહુને ગુરુ થવાની બહુ મઝા આવે છે ને જગત આખું 'રિલેટિવ'માં જ ગુરુતા દેખાડવા જાય છે. એક કહે, 'મારે એકસો આઠ શિષ્યો.' ત્યારે બીજો કહે, 'મારા એકસો વીસ શિષ્યો.' આ બધું ગુરુતા કહેવાય. જેમ હાઈવે ઉપર ગાડીઓ જતી હોય, તેમાં આપણી ગાડીને કોઈ ઓવરટેક કરીને આગળ જતો રહે તો તરત મનમાં ખૂંચે કે એ આગળ જતો રહ્યો ? પછી તરત ગાડીની ઝડપ વધારી પેલાની ગાડી કરતાં આગળ જતો રહે, ત્યારે પોતાને સંતોષ થાય કે જો હું કેવો આગળ વધી ગયો ! અરે, પણ આ રસ્તા ઉપર તો લાખો ગાડીઓ આપણા કરતાં આગળ જતી રહી છે. ત્યાં કેમ સ્પર્ધા નથી જાગતી ? પણ જો કોઈ જોડે આવ્યો, ને પોતાની બુદ્ધિએ અવળું દેખાડ્યું કે સ્પર્ધા જાગે !
સ્પર્ધાનો સદઉપયોગ થાય તો મનુષ્યને પ્રગતિનું કારણ બને છે. બીજાના પોઝિટીવ ગુણોના વખાણ કરીએ તો એ ગુણો આપણામાં આવે છે. પણ સ્પર્ધાનો દુરુપયોગ થાય તો નિંદા શરું થાય છે. હંમેશા કોઈની ટીકા ખાસ કરીને ક્યાં વપરાય છે ? હરિફાઈમાં. હું મોટો ને પેલો છોટો. આ ટીકા તો અહંકારનો મૂળ ગુણ છે, સ્પર્ધાનો ગુણ છે.
સ્પર્ધામાંથી છૂટવા માટેનો એક સુંદર ઉપાય પરમ પૂજ્ય દાદા ભગવાનના જીવનના એક પ્રસંગમાંથી મળે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, કે “અમારા સંબંધી સાથે પૈસા સંબંધી વાત નીકળી ને, ત્યારે મને કહે છે, 'તમે તો બહુ સારું કમાયા છો.' મેં કહ્યું, 'મારે તો એવું કશું છે જ નહીં. અને કમાણીમાં તો તમે કમાયેલા છો. હેય ! મિલો રાખી ને એ બધું રાખ્યું. ક્યાં તમે ને ક્યાં હું !? તમને નહીં જાણે શું આવડ્યું, તે આટલું બધું નાણું ભેગું થયું. મને આ બાબતમાં ના આવડ્યું. મને તો પેલી (આધ્યાત્મની) બાબતમાં જ આવડ્યું.' આવું કહ્યું એટલે આપણે અને એને સાઢું-સહિયારું જ ના રહ્યું ને ! 'રેસકોર્સ' જ ના રહ્યું ને ! હા, કંઈ લેવા-દેવા જ નહીં. ક્યાં એમની જોડે સ્પર્ધામાં ઉતરવાનું હતું ?” એટલે આપણે કોઈને હરાવીએ પછી સામો આપણને હરાવવાની તૈયારી કરે. એના કરતાં સામાને જીતાડીને મોકલી દઈએ તો ભાંજગડ જ નહીં !
બધાને મોટા થવું છે, એટલે માર ખાઈને મરી ગયા, પણ પહેલો નંબર કોઈનો લાગતો નથી. જ્યાં સ્પર્ધા છે ત્યાં દુઃખ હોય જ ! કારણ કે, પોતે આ 'રેસકોર્સ'માં ઊતરે છે. 'રેસકોર્સ'માં પાંચ કરોડ ઘોડા દોડતા હોય, એમાં કેટલા ઘોડાને પહેલું ઈનામ મળે? પહેલું ઈનામ એક જ ઘોડાને મળે, બાકીના હાંફી હાંફીને મરી જાય. આપણે તો જે 'રેસકોર્સ' ચાલે છે એને જોયા કરવાની, કે આ કયો ઘોડો પહેલો આવે છે ?! એ જોયા કરે તો જોનારને કંઈ દુઃખ થતું નથી. માટે આ 'રેસકોર્સ'માં ઊતરવા જેવું નથી.