Ajanyo humsafar in Gujarati Love Stories by Urvi Bambhaniya books and stories PDF | અજાણ્યો હમસફર

Featured Books
Categories
Share

અજાણ્યો હમસફર

“જીયા.....જીયા...” કહેતા ચારે મિત્રો મિત, પૂજા, કંચન અને મેઘ જંગલમાં આગળ વધી રહ્યાં હતાં. બપોરથી હવે સાંજ થવા આવી હતી. સૂરજ પોતાનું કાર્ય પૂર્ણ કરી આકાશ ચાંદના હવાલે કરવાની તૈયારીમાં હતો. આવા સમયમાં સૂમસાન જંગલમાં ફક્ત રાની પશુઓના અવાજો સંભળાય રહ્યાં હતાં.

પાંચ મિત્રો રજાઓ પસાર કરવા જંગલની સફર એ નીકળ્યા હતા. તેમને સાહસ ખેડવાનો ખૂબ જ શોખ હતો. તેથીજ તેઓ જંગલની સફરે નીકળ્યા હતા. પણ હાલમાં તેમની જ એક દોસ્ત તેઓથી અલગ પડી ગઈ હતી.બધા એક ડર સાથે જીયા ને શોધી રહ્યાં હતાં પણ જીયાનું કોઈ નામ નિશાન મળી રહ્યું નહોતું. થાક્યા હાર્યા બધા એ એક જગ્યા શોધી થોડીવાર થાક ઉતારવાને નિર્ણય કર્યો.

“સવારથી સાંજ થઈ ગઈ, થોડા જ સમયમાં રાત થઈ જશે.આપણે જીયાને ક્યાં શોધીશું??” પૂજા ચિંતિત સ્વરે બોલી.

“જીયા મળી જશે પૂજા. તું થોડી ધીરજ રાખ. આપણે જંગલમાં ખૂબ અંદર આવી ગયા છીએ માટે આપણે હવે બહાર જવાનો કોઈ બીજો રસ્તો શોધવો પડશે. જેથી બહાર નીકળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં જીયાના ગૂમ થયા વિષે માહિતી આપી શકાય.” મિત એ કહ્યું.

"હા પૂજા, મિત સાચું કહી રહ્યો છે. આપણે બહાર નીકળવાનો રસ્તો શોધતા જીયા ને પણ શોધવાની કોશિષ કરીશું.” મિતની વાતથી સહમત થતાં મેઘ બોલ્યો.

***

બીજી તરફ એક છોકરી બેહોશ હાલતમાં જમીન પર પડી હતી. તેના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ઘાવ થયેલી જગ્યા પર ક્યારેક મચ્છરો આવી બેસી રહ્યા હતાં. એટલીજ વારમાં એક છોકરો ત્યાં આવી પહોંચ્યો.તે પણ કદાચ આ પાંચે મિત્રોની જેમ જંગલની હરિયાળી માણવા આવ્યો હશે જેને નસીબ જોગે જીયા દેખાઈ ગઈ. તેણે પોતાની બેગમાંથી પાણી કાઢી જીયા પર છાંટયું. બે-ત્રણ વખત છટકાર કરતાં જીયાને હોશ આવવા લાગ્યો.ધીમે ધીમે આંખો ખોલી પોતે ક્યાં હતી તે યાદ કરવાની કોશિશ કરવા લાગી.સામે તેને એક યુવક દેખાયો. ગોરો વાન, ખડતલ શરીર, કાળી આંખો અને એક હાથમાં કડુ. તેણે બ્લેક ટીશર્ટ અને બ્લેક કાર્ગો પહેર્યું હતું.ખભે એક બેગ લટકાવેલી હતી જે દર્શાવી રહી હતી કે તે પણ જંગલ સફારી પર નીકળ્યો હતો.

“શું તમે ઠીક છો?” તેણે પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાંભળતા જ જીયાને પરિસ્થિતિનું ભાન થયું.પોતે જંગલ માં ખોવાઈ ગઈ હતી અને બધા મિત્રો તેને શોધી રહ્યાં હશે તેવો અહેસાસ થતાં જ તે ઉભી થવા ગઈ. પણ ઉભી થવા જતાં તે પાછી પડી ગઈ. તેને પગમાં મૂઢ ઘા વાગ્યો હતો જેના કારણે તે ચાલી શકતી નહોતી. ત્યાંજ પેલા યુવક એ તેને પકડી સરખી બેસાડી અને પાણી પીવા આપ્યું.

“શું તમે ખોવાઈ ગયા છો? જુઓ હું પણ અહી સફર માટે જ નીકળ્યો છું અને હવે સાંજ થવા આવી છે.આ જગ્યા હાલ સુરક્ષિત નથી.તમે ચાહો તો મને બધું જણાવી શકો છો.હું જરૂર તમારી મદદ કરીશ.” તેણે કહ્યું.

“હું અહી મારા મિત્રો સાથે ફરવા આવી હતી. અચાનક ચક્કર આવતાં હુ થોડી વાર રુકિ ગઈ હતી.પાછલ ચાલવા ના કારણે કોઈને આ વિષે ખબર નહોતી. થોડી સ્વસ્થ થયા બાદ જોયું તો બધા આગળ નીકળી ગયા હતાં અને હું રસ્તો ભૂલો પડી ગઈ. હું તેમને શોધવા બીજા રસ્તે નીકળી ગઈ.અચાનક મારો પગ લપસતાં જ હું પડી ગઈ અને ચોટ ના કારણે બેહોશ થઈ ગઈ. હાલ તેઓ મને શોધી રહ્યા હશે, મારે કોઈપણ રીતે તેમને શોધવા જરૂરી છે.શું તમે મદદ કરી શકશો?” જીયા એ ભોળા ચહેરે કહ્યું.

“જરૂર મદદ કરીશ. પરંતુ એ પહેલાં તમારો પગ સરખો કરવો જરૂરી છે અને માથા પરનો ઘાવ પણ સાફ કરવો જરૂરી છે અથવા ઇન્ફેક્શન ફેલાઈ જશે.” કહેતા તેણે પોતાની બેગમાંથી પ્રાથમિક સારવાર માટે વપરાતું એક બોક્સ કાઢ્યું. જેની મદદથી તેણે જીયાનો ઘાવ સાફ કરી દવા લગાવી આપી. બે ક્ષણ જીયા તેના માસૂમ ચહેરામાં ખોવાઈ ગઈ.

“તમારું નામ...?” તેણે પ્રશ્ન કર્યો.

“જીયા! અને તમારું?” તે ફક્ત આટલું જ બોલી શકી.

“રેહાન” તે છોકરાએ કહ્યું. અને જીયાના પગ પર પણ દવા લગાવી. જોકે તેને મૂઢ ઘા લાગ્યો હોવાને કારણે હાલ જીયા ચાલી શકવા સક્ષમ નહોતી. જીયા એ ઉભી થઇ ચાલવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તે દુખાવો તેનાથી સહન થતો નહોતો.

“રેહાન, શું તમને અહીંથી બહાર નીકળવા નો રસ્તો ખબર છે?”

“મને રસ્તો ખબર છે પણ....”

“પણ શું?”

“પરંતુ અત્યારે એ રસ્તે જવું મુનાસીબ નથી. હમણાં આપણે કોઈ સારી જગ્યા શોધવી જોવે જેથી રાત અહી પસાર કરી શકાય.સવાર થતાં જ આપણે નીકળી જશું.”

“ પણ જગ્યા કંઈ રીતે શોધીશું? મારાથી બિલકુલ ચાલી શકાય તેમ નથી.”

“ તેનો એક ઉપાય છે.” રેહાન બોલ્યો.

“શું?” જીયા એ ઉત્સુકતા થી પૂછ્યું. આટલા સમયમાં પહેલી વાર રેહાનએ તેના ચહેરા પર મુસ્કાન જોઈ હતી.જીયા નો સુંદર ચહેરો હાલ તેને મોહિત કરી રહ્યો હતો.

“રોહન...રોહન?? જીયા એ ચપટી વગાડી પૂછ્યું.

"હાં... હ હ હ?”

"ક્યાં ખોવાઈ ગયા?”

"ક્યાંય નહીં . ઉપાય હું તમને કહીશ નહીં પણ કરીને બતાવીશ.” સ્મિત સાથે રેહાન બોલ્યો અને પોતાની બેગ આગળ લઈ લીધી.ત્યાર બાદ તેણે જીયાને પોતાના પાછળ ઉપાડી લીધી. બે મિનિટમાં શું બની ગયું તે જીયાને સમજાયું નહીં.

“આ શું કર્યું...? તમને આમ ચાલતાં નહિ ફાવે.મને નીચે ઉતારો આપણે કોઈ બીજો રસ્તો શોધીએ.”

“મને ખબર હતી તમે નહીં જ માનો એટલે તમને પૂછ્યા વગર જ ખભા પર ઊંચકી લીધા અને તેના માટે માફી પણ માંગુ છું પરંતુ હમણાં અહીંયાથી ઝડપથી નીકળવું જરૂરી છે.આ વિસ્તાર સુરક્ષિત નથી.” કહી રેહાન એ ચાલવાનું શરું કર્યું. રેહાન સુરક્ષિત જગ્યાની શોધ કરતો આગળ વધી રહ્યો હતો, જ્યારે જીયા નું મન તો ફક્ત રેહાનમાં જ અટવાયું હતું. થોડી શોધખોળ બાદ રેહાન એ એક સારી જગ્યા શોધી કાઢી. ત્યાંજ બેસી તેમને થોડું ખાધું અને રેહાન એ ટેન્ટ બાંધવાની વ્યવસ્થા કરી. એક જ ટેન્ટ હોવાને કારણે બંને એ સાથે રહેવું પડે તેમ હતું.પણ જીયાને રેહાન પર વિશ્વાસ હતો તેથી તે કોઈપણ આનાકાની કર્યા વગર તૈયાર થઈ ગઈ.

***

બીજી બાજુ સવાર પડતા જ મિત,પૂજા, કંચન અને મેઘ બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતાં. આખરે ત્રણ કલાકની મહેનત બાદ તેમને બહાર નીકળવા માટેનો ગેટ દેખાયો. નાના બાળકને ચોકલેટ જોઈ ખુશી થાય તેમ પૂજા અને કંચન બંને ખુશ થઈ ગયા.બધા બહાર આવ્યા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં જીયાના ગૂમ થયા વિષે જાણકારી આપી. તેમણે જીયાને શોધવાની તૈયારી હાથ ધરી.

અહીં સવાર પડતાજ રેહાન પાછો જીયાને ઊંચકી બહાર નીકળવાના રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો. ભલે થોડાં જ સમયથી જીયા રેહાન સાથે હતી પણ રેહાનએ કરેલી મદદ અને કાળજીના કારણે જીયા તેને પસંદ કરવા લાગી હતી. થોડાજ સમયમાં તેઓ બહાર આવી ગયા હતાં. ત્યાં જીયાએ પોતાના મિત્રોને બે ઓફિસરો સાથે ઊભા જોયા.

“પૂજા....કંચન” જીયા એ બધાને જોઈ જોરથી બૂમ પાડી.જીયા નો અવાજ સાંભળતા જ બધાએ તે તરફ જોયું.જીયને સહીસલામત બહાર નીકળેલી જોઈ બધાના જીવ માં જીવ આવ્યો અને જીયા પાસે દોડી ગયા. મિત અને મેઘ એ જીયાને નીચે ઉતરી એક ઓટલા પર બેસાડી.

“તું ઠીક તો છે ને?” કંચન એ પૂછ્યું. જીયા એ હા પાડી અને પોતે કેવી રીતે રેહાન ની મદદ થી બહાર નીકળી એ બધું પોતાના મિત્રોને કહ્યું. તેના બધા મિત્રોએ રેહાનનો આભાર માન્યો. ત્યારબાદ બાદ સામન્ય વાતો કરી પોતાના ઘર તરફ રવાના થવા નીકળ્યા. જીયાને રેહાન સાથે હજી રહેવું હતું પરંતુ કોઈપણ સંબંધ વગર તે રેહાનને કંઈ કહી શકે તેમ નહોતી.છેલ્લી વખત રેહાન જીયા ને મળવા આવ્યો.

“કિસ્મતમાં હશે તો ફરી મળીશું.” કહી તે સ્મિત સાથે જતો રહ્યો.જીયા બસ તેને જતાં જોઈ રહી.ત્યાર બાદ તે પણ પોતાના ઘરે જવા તેના મિત્રો સાથે નીકળી પડી.

***
(છ મહિના બાદ)

“જીયા આજે તને છોકરાવાળા જોવા આવે છે તો જલ્દી તૈયાર થઈ જજે” કહેતા જીયા ના મમ્મી રમીલાબેન રસોડાં તરફ વળ્યા. જીયા આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી. તે તો બસ રેહાન પાછો ક્યારે મળશે એજ આશાએ રોજ એની વાટ જોતી હતી.આજે છ મહિના થઈ ગયા છતાં તેને રેહાનની જ વાટ હતી. પણ દરરોજ લગ્નની વાત અને માતા-પિતાને દુઃખી જોઈ તે ફક્ત છોકરો જોવા માની હતી.

સાંજે ૫:૦૦ વાગે છોકરાવાળા આવ્યાં હતા. જીયા ના માતા-પિતાએ તેમનું સ્વાગત કરી આવકાર્યા અને જીયાને નાસ્તો લઈ આવવા કહ્યું. જેવી જીયા બહાર આવી તેવી જ છોકરાને જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ. તે બીજું કોઈ નહીં પણ રેહાન જ હતો.તેને હાલ જ લગ્ન માટે હા કહી દેવાનું મન થઈ રહ્યું હતું છતાં પોતાના મનને કાબુમાં કરી તે બેસી રહી.થોડી ઘણી વાતો કર્યા બાદ જીયા અને રેહાન ને એકાંત માં વાત કરવાનો સમય આપવામાં આવ્યો.રેહાન અને જીયા બંને જીયાના રૂમમાં આવ્યા. જેવો દરવાજો બંધ કરી જીયા રેહાન તરફ ફરી ત્યાજ રેહાન બોલ્યો, "કહ્યું હતું ને; કિસ્મતમાં હશે તો ફરી મળીશું.” આ સાંભળી જીયા શરમાઈ ગઈ.

આખરે ૧વર્ષ બાદ આજ દિવસે જીયા અને રેહાન ના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યાં.

સમાપ્ત!!

***

આશા છે આપને મારી આ સ્ટોરી ગમી હશે. વાર્તા ફક્ત મનોરંજન માટે લખવામાં આવી છે અને કાલ્પનિક છે.વાર્તા વાંચી પ્રતિભાવ આપવા વિનંતી.
Insta ID - urvi_misty_