પ્રકરણ ૮
વસંતભાઈ હોસ્પિટલમાં બેઠાં હતાં ત્યાં તે દિવસે મીનાબેન સાથે વાતો કરતી હતી એ નર્સ દેખાઈ, એને જોતાં જ એમણે આંખોને, ડોક નીચી કરી મોબાઈલ પર ટેકવી. એમને એમ જ થતું કે આ સવાલો કરશે અને મારાથી કવિતા વિશે કઈંક બોલાઈ જશે. એ નર્સ એમનાં તરફ જ આવતી હતી ત્યાં જ કોઈએ બૂમ મારી, "સુમનબેન…ડૉકટર સાહેબ બોલાવે." અને એ તરત પાછી વળી ગઈ.
હેમા અને મીનાબેન ફરી વાતો કરવા નવરાં પડ્યાં. થોડી સામાન્ય વાતો કરી પછી હેમાએ વાત છેડી, "આંટી આજે તમને એક કડવી હકીકત જણાવી દઉં, કવિતાની કીટીની સંગત સારી નહોતી. કવિતાને મગજમાં એમ જ ભરાવી દીધું હતું કે, "આ તે કંઈ લાઈફ છે. કોઈ થ્રિલ નહિ કોઈ ટ્વિસ્ટ નહિ આવ્યાં એમ જ જવાનું?" એટલે એ એવું ઘણીવાર મારી સામે બોલતી. પછી એણે એની કોઈ ફ્રેન્ડ નાં કહેવાથી ફેસબુક પર એક નકલી આઈ ડી બનાવ્યું. નામ રાખ્યું "માયા" અને કોઈ બ્યુટીફૂલ પેઇન્ટિંગનો પ્રોફાઈલ ફોટો રાખ્યો. એની કીટી ફ્રેન્ડસના થોડા ફ્રેન્ડ એના ફેસબુક ફ્રેન્ડ બન્યા. એક વખત એક છોકરો ચેટ કરવા આવ્યો, વાતો કરતાં કરતાં બંનેને એકબીજાના પ્રોફાઈલ માં રસ પડ્યો. પેલો હજુ ઊગતો કુંવારો યુવાન હતો, તો આપણા બેને પણ કહી દીધું કે હું કુંવારી છું." "ઓ બાપ રે..આ છોકરીને તો…શું કહેવું?" કહી મીનાબેને આઘાત મિશ્રિત દુઃખ વ્યક્ત કર્યું. "એ છોકરાએ થોડો વખત પહેલાં જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું અને સિંગર તરીકે કરિયર બનાવવા માંગતો હતો. કવિતાને એ વાત ગમી. એ બન્ને કલાકો ચેટ કરતાં રહેતાં. પછી એને સીંગિંગ શીખવવા માટે કવિતાએ મ્યુઝિક ક્લાસમાં જોબ લીધી અને ત્યાં રોજ મળવા લાગ્યાં." હેમા બોલી. "તું આટલું બધું જાણતી હતી તો પરમકુમારને કહ્યું નહિ?" મીનાબેન લગભગ ગુસ્સામાં બોલી પડ્યા. હેમાએ જવાબ આપ્યો, " આ વાત બહુ મોડી ખબર પડી હતી." અચાનક ઘડિયાળ પર નજર પડતા, "હવે હું જાઉં મિતેષ જમવા આવશે હું ગરમ રોટલી બનાવવાની તૈયારી કરું. બાકીની વાત પછી કહીશ." કહી મીનાબેનને વિચારતાં મૂકી ચાલી ગઈ.
કવિતાનાં રિપોર્ટ જોઈ ડૉક્ટરે રૂમમાં શિફ્ટ કરવા માટેની સૂચના આપી. એને ડિલક્સ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. રૂમ બહુ જ શાનદાર હતો હોસ્પિટલ કે સામાન્ય હોટેલ એ ફક્ત એની ચોક્કસ ફીનાઇલી સુગંધથી જ ખબર પડતી. સફેદ ટાઇલ્સ, સફેદ ચાદર, તદ્દન ઝાંખા વાદળી રંગે રંગાયેલી દીવાલો, મોટી સ્લાઈડિંગ વિન્ડો અને એમાં સફેદમાં વાદળી પ્રિન્ટ વાળા પડદા. બે બેડ સામસામે, એક પેશન્ટનો અને બીજો સાથે રહેનારનો, બે ખુરશી,એક ટેબલ, એક નાનકડું કેબિનેટ, હેગિંગ ટીવી, અને એક વાદળી રંગનું ફ્રીજ. પરમ કવિતાને ત્યાં લાવતાં જ બોલ્યો, "જો આપણી મીની વેકેશનની સ્પેસ, ગમી ને?" અને એક મસ્ત સ્મિત આપી કવિતાનું માથું ચુમ્યું. કવિતાએ વળતું સ્મિત તો આપ્યું પરંતુ એનું મન અતિશય વ્યગ્ર હતું. એનું મગજ અતિશય કામ કરતું પણ બોલી શકાતું નહોતું એટલે બહુ અઘરું લાગતું હતું. નર્સ સુમનબેન આવી પહોંચ્યા, બોલ્યા, " કવિતાબેન, ડૉકટર આશુતોષે તમારાં માટે મારી સ્પેશિયલ ડયૂટી રાખી છે. તમારી દેખભાળની સંપૂર્ણ જવાબદારી મારી છે. કોઈપણ પ્રોબ્લેમ હોય તમારી બાજુમાં રહેલી આ સ્વીચ દબાવવી હું હાજર થઈશ, ફિકર નહિ કરતાં જલ્દી જ સારા થઈ જશો." કહી એને માથે હાથ ફેરવ્યો. કવિતાને એ સ્પર્શમાં અજબ હૂંફ અનુભવાઈ.
પરમ સામેના બેડ પરથી કવિતાને સૂતી જોઈ રહ્યો હતો, કેવો માસૂમ ચહેરો! કોણ વિચારી શકે કે ક્યારેક આ વ્યક્તિ આટલી શાતિર રમત રમી જશે! એ એની માસૂમિયત પર જ તો મોહી ગયો હતો, બાકી પેલી મોહિનીની વાત હતી એ કોઈ અપ્સરાથી કમ નહોતી. એને કવિતાને જોતાં જ કોઈ અજબ અનુભુતિ થઈ હતી, કોઈ અદમ્ય ખેંચાણ. કદાચ, એની તપખીરી આંખો મમ્મી જેવી હતી એટલે હોઈ શકે. ના..ના..એને મમ્મી જોડે ક્યારેય ન સરખાવી શકાય. મારી મમ્મી ક્યાં અને આ ક્યાં? કહેતા જબરજસ્ત ગુસ્સો, વ્યાપી રહેલી કડવાશ સાથે ભળ્યો અને અજાણતાં જ બેડ પર મુક્કો મારી દીધો. અવાજથી કવિતા ગભરાઈને જાગી ગઈ અને ભૂલથી ઉભી થવા ગઈ કે તરત પરમ દોડી ગયો અને એને સુવડાવીને બોલ્યો, "સૂઈ જા, કંઈ નથી મોબાઈલમાં એક ઉંદર બિલાડીની રમત જોઈ મારાથી જોરથી હાથ પછડાઈ ગયો હતો." પણ કવિતાને હવે સખત દુઃખાવો થવા માંડ્યો હતો. એણે ઈશારાથી ખભો બતાવ્યો. પરમે બેલ દબાવ્યો કે તરત સુમનબેન હાજર થયાં. પેઇન કિલર ઇન્જેક્શન આપી, એક નજર પરમ તરફ નાંખી જતાં રહ્યાં.
કવિતાને પારાવાર દર્દ થઈ રહ્યું હતું છતાં પણ એની આ દશા બનાવનાર યાદ આવી રહ્યો હતો! એ શું કરતો હશે? પોલીસ કેસ કે અન્ય કોઈ કાર્યવાહી તો કરી જ નથી તો એ ઘરે જ હશે. એને પણ ધક્કામુક્કીમાં સારું એવું વાગ્યું હશે. આમ જુઓ તો નેવુ ટકા વાંક તો મારો જ કહી શકાય. એણે મને પ્રેમ કર્યો હતો દિલ ફાડીને પ્રેમ કર્યો હતો. મને એની વાતો ગમતી કેટલી રોમેન્ટિક! એક એક ગીતો પણ કેવા મસ્ત ગાઈને મોકલતો હતો. હું દુનિયામાં વહેલી આવી ગઈ એવો અફસોસ કરાવ્યો હતો એટલી હદનો એનો પ્રેમ હતો. વળી, પાછું મનને ટપાર્યુ. પરમનો પ્રેમ પણ ક્યાં ઓછો હતો! પડ્યો બોલ ઝીલતો અને રોમાન્સ પણ મનભરી કર્યો જ હતો. જ્યારે કુલુ ગયાં હતાં ત્યારે કેવો ખીલ્યો હતો. દરેક ઢોળાવ મને ઊંચકી ઊંચકી ને ચઢતો-ઉતરતો હતો. "મારી નાજુક હરણી અહીં થાકી જશે તો રૂમમાં પણ શીત લહેરો જ ચાલશે અને મારે ઠુઠવાઈને પડી રહેવું પડશે.." એવું બોલતો. એનું એટલું બોલતા જ પરમનાં હાથમાં ઝૂલતી એ એના કાન પર મીઠું બચકું ભરી લેતી. પરમ શૅરો-શાયરી, કવિતાઓ અને વાંચનનો બહુ શોખીન એટલે ક્યારેક કંઈ એને પણ સ્ફૂરતું અને કેવી મસ્ત હોટ કહેવાય એવી રચનાઓ લખી નાંખતો! વિચારોની હારમાળા અટકી ગઈ અને વળી,ઘેનમાં સરી ગઈ.
પરમનો ગુસ્સો, કડવાશ બધું જ કવિતાની એ પીડા ભરેલી આંખો જોઈ છૂ થઈ જતું હતું. અચાનક હેમાભાભી યાદ આવી ગયાં, એમણે પણ મારાથી છૂપાવી મોટી ભૂલ કરી. એમનો ઈરાદો ભલે સારો જ હતો કે કવિતા સમજી ગઈ હતી અને એ એ દોઝખમાંથી નીકળવાના સો ટકા પ્રયત્નોમાં હતી, તો ખોટું એ વાત કરી અમારું જીવન ડહોળવું નહોતું. પણ પેલો છોકરો જો એકવાર હાથે ચડે તો જોરદાર સબક શીખવાડીશ તો ખરો જ એને માફ ન કરી શકાય.
એની આંખો એકદમ જ ખુલી ગઈ, સફાળો બેઠો થઈ ગયો. કપાળે આવતાં વેર-વિખેર વાળ સરખાં કર્યા અને લથડતાં પગે અરીસા સામે જઈ ઉભો. એને ઘૂંટણમાં વાગ્યું હતું અને પાટો આવ્યો હતો. અરીસામાં એણે પોતાને જોયો, થોડાં દિવસમાં કેવી હાલત થઈ ગઈ! કેવો હતો અને કેવો થઈ ગયો? ક્યાં ખોવાયો એ હસતો, ઉત્સાહી ચમકદાર આંખોવાળો ચહેરો, એ સ્ટાઈલિશ બિયર્ડ સાથે હંમેશા હોઠો પર રમતું સ્મિત? આ આલાપનાં દરેક આલાપો મૂંગા થઈ ગયા. મમ્મીની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને સપનાઓ બધું જ પૂરું કરવા માટે ચારેકોર દોડતો, હંમેશા કૉલેજમાં અવ્વલ આવતો આલાપ ક્યાં? કોઈ એક ભૂલ આટલી મોંઘી ન હોય શકે..નહિ…નહિ…નહિ..કરતો ફરી પોતાના બેડ પર જઈ બે હાથે મોઢું ઢાંકી બેસી ગયો.
ક્રમશ: