Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - જિંદગી ના મિલેગી દોબારા

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - જિંદગી ના મિલેગી દોબારા

શીર્ષક : જિંદગી ના મિલેગી દોબારા
©લેખક : કમલેશ જોષી
એક વડીલ બહુ જિંદાદિલ. ક્યારેક એમના ઘરે હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા લઈ ફેમિલી આખું ગોઠવાઈ ગયું હોય અને જુના-નવા ફિલ્મી ગીતોની મહેફિલ મોડી રાત્રી સુધી ચાલે તો ક્યારેક એ વડીલ આખા ફેમિલી સાથે કોઈ ટૉકીઝ, હોટેલ, કે વોટરપાર્કમાંથી હસતાં ખીલતાં બહાર નીકળતા જોવા મળે, ક્યારેક અમારી સોસાયટીના મંદિરમાં સુંદર મજાના ભજનો એ સંભળાવે તો ક્યારેક વડીલોની મંડળી ભરી નાસ્તા-પાણીની જયાફત ઉડાવતા જોવા મળે. એ જયારે પણ મળે તરોતાજા, હસતા-ખીલતા અને મોજીલા મૂડમાં જ જોવા મળે. એક દિવસ એ અમારી સાથે બેઠા હતા ત્યારે અમારામાંથી એક સમજુ મિત્રે જીજ્ઞાસાવશ એમને પ્રશ્ન પૂછ્યો, "દાદા, મેં તમને ક્યારેય સેડ મૂડમાં કે દુઃખની વાતો કે ભૂતકાળની ભૂલો વાગોળતા જોયા નથી, તમે કાયમ મોજ કરતા અને કરાવતા હો છો. એનું રાઝ શું છે? મોસ્ટ ઓફ વડીલોના નાકનું ટીચકું હંમેશા ચઢેલું જ જોવા મળે છે જ્યારે તમે તો સતત ઉત્સાહવર્ધક વર્તન કરતા હો છો. હસતા-મુસ્કુરાતા જ હો છો. તુમ ઈતના ક્યો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જીસકો છુપા રહે હો.." મિત્રે વાક્ય પૂરું કર્યું અને પેલા વડીલ તો ખડખડાટ હસી પડ્યા. "વાહ બેટા, આજે મારી ફીરકી લેવાનું નક્કી કર્યું છે કે શું?" અમે સૌએ નકારમાં માથું ધુણાવ્યું એટલે એ વડીલે સહેજ ગંભીર થઈ અમારી સૌની ઉપર એક નજર ફેરવી. પછી પેલા સમજુ સામે જોઈ જાણે મંત્ર વાક્ય કહેતા હોય એમ કહ્યું, "બેટા, હું કોઈ ગમ છુપાવતો નથી, વાત બહુ સીધી છે, મેં એક વાત મારી જુવાનીમાં જ સ્વીકારી લીધી હતી કે યે જિંદગી ના મિલેગી દોબારા." એ અટક્યા. અમે સૌ પ્રશ્નાર્થ નજરે એમને તાકી રહ્યા. અમારી આંખોમાં રમતી જીજ્ઞાસા જોઈ એમને અમારામાં રસ પડ્યો. એક ઊંડો શ્વાસ લઈ એમણે અમારી સાથે ચર્ચા શરુ કરી.

"તમને તમારા ગયા માનવ જન્મનું અંતિમ મનોમંથન યાદ છે?" એમણે અમને પ્રશ્ન કર્યો. અમે સૌ વિચારમાં પડી ગયા. સમજુ મિત્રે જવાબ આપ્યો, "આ તમે શું પૂછો છો? જ્યાં ગયો માનવ જન્મ જ યાદ નથી ત્યાં એ જન્મના અંતિમ દિવસો, કલાકો, મિનિટો દરમિયાન કરેલું મનોમંથન ક્યાંથી યાદ હોય?" સમજુ અટક્યો. અમે સૌ પેલા વડીલ સામે તાકી રહ્યા. એમણે ઊંડો શ્વાસ લઈ બોલવાનું શરુ કર્યું, "ગયા જન્મનું અંતિમ મનોમંથન તો શું ગયા માનવ જન્મે ઇન્ડિયામાં હતા કે આફ્રિકા, ઓસ્ટ્રેલીયા કે જાપાન, જર્મની કે રશિયા કે શ્રીલંકા એનો આછો અમથો અણસાર સુદ્ધાં આ જન્મે મળતો નથી. એ જન્મે કેટલી મિલકત કમાણા, કેટલા ગાડી-બંગલા-દુકાન-એફ.ડી. બનાવ્યા કે કેટલા સગા-વહાલાઓને સાચવ્યા એની સ્વપ્નમાં પણ કલ્પના નથી આવતી. ગયા જન્મના પુત્રો-પૌત્રો હતા કે નહિ? હતા તો અત્યારે આપણી એ જન્મની કેટલામી પેઢી ચાલે છે અને એ ક્યાં છે અને એ પેઢી અત્યારે આપણને કાગવાસ નાખતા હશે કે નહિ એની જરાક અમથી ઝલક પણ જો મળી જાય તો એમ થાય કે એ જન્મે કરેલી ‘નેક્સ્ટ પેઢીઓ’ માટેની ચિંતાઓ, એકોતેર પેઢી બેઠી બેઠી ખાય એટલું ભેગું કરી રાખેલું ધન, એ માટે કરેલી માથાફૂટો, ખટપટો, કાળાધોળા, ઉંધા-ચત્તા વગેરે સફળ થયા એમ માની લઈએ. પણ એ જન્મનો એક પણ પુરાવો, ફોટો, સંકેત કે નિશાની ક્યાંયથી મળતા નથી." આટલું બોલી એ સહેજ અટક્યા. અમે સૌ એમની લાંબી વાત સાંભળી ગંભીર થઈ ગયા.

પેલા વડીલે સહેજ ખોંખારો ખાઈ બોલવાનું શરુ કર્યું. "હું તમારા જેવડો યુવાન હતો ત્યારે અમારા એક વડીલ હોસ્પિટલમાં દાખલ થયા. એમની સેવા કરવાની જવાબદારી મારી હતી. થોડા દિવસોમાં એમનું મરણ થયું. થોડી અંધાધુંધ લાઈફ એ જીવ્યા. છેલ્લા દિવસોમાં કહેતા હતા કે નેક્સ્ટ લાઈફ આ રીતે નથી જીવવી. થોડું સમજીને, વિચારીને, જતું કરીને, હળીમળીને, થોડું ખમીખાઈને, સજ્જનોની આંગળી ઝાલીને, સારા માણસોને ટેકો આપીને, કોઈનું દર્દ મળી શકે તો ઉધાર લઈને કે કોઈના ચહેરા પર મુસ્કુરાહટ લાવવાની કોશિશ કરીને, જરા માણસને શોભે એવી રીતે જીવવું છે. સાવ આમ કૂતરા-બિલાડાની જેમ લાઈફ વેસ્ટ નથી કરી નાખવી.. એ વડીલની આખરી મિનિટોનું મનોમંથન મને છેક ભીતર સુધી ઢંઢોળી ગયું. અને બંદાએ જિંદગીનો ટ્રેક ચેન્જ કરી નાખ્યો. હર ફિકર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા, મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા." અમારા ચહેરા પર ખુશી છલકાઈ. એ વડીલ બોલ્યા, "એવરી મોર્નિંગને હું મારી લાઈફની ફર્સ્ટ મોર્નિંગ સમજુ છું, મારો બર્થ ડે સમજુ છું, અને આખો દિવસ બર્થ ડે સેલિબ્રેશનના મૂડમાં કાઢું છું, હું મારા લોકો વચ્ચે છું, ઓળખીતાઓ-મિત્રો-પરિચિતો વચ્ચે છું એનો આનંદ માણું છું અને દરેક સાંજને મારી જિંદગીની આખરી સાંજ ગણું છું. સૂતી વખતે, કાલ સવારે ન ઉઠી શકું તો કોઈ અફસોસ ન રહેવો જોઈએ, એવી રીતે આખો દિવસ હું જીવી લઉં છું, અને જો બીજા દિવસે સવારે ઉઠી જાઉં તો અરીસા સામે જોઈ, અરે વાહ! ભગવાને ફરી ઉઠાડ્યો, ફરી એક દિવસ સેલીબ્રેટ કરવા આપ્યો, એ બદલ ભગવાનને થેંક્યું કહું છું અને નીકળી પડું છું સેલિબ્રેશન કરવા..." એ વડીલ આટલું બોલી અટકયાં અને અંતિમ વાક્ય ઉમેર્યું, "યે જિંદગી ના મિલેગી દોબારા કરતાં એક સ્ટેપ આગળ માનું છું કે યે દિન, યે સુબહ, યે શામ, યે મહેફીલ, યે શમા ફિર ના મિલેગા દોબારા." અમે સૌ અવાચક બની ગયા હતા.

મિત્રો, રવિવાર ઘણા આવશે, પણ આજનો રવિવાર, ૨૩ જુલાઈ ૨૦૨૩નો રવિવાર, આજની સવાર, આજની સાંજ, આજનો દિવસ ‘ફિર ના મિલેગા દોબારા’. પાછલા કેટલાય રવિવારો નીકળી ગયા છે, કેટલાય પરિચિતો હવે આપણી દુનિયામાં નથી. કેટલાય પ્રસંગો પસાર થઈ ચૂક્યા છે. આજે એ નથી. આજે જે છે એ તમે છો, તમારી આસપાસના લોકો છે અને એમની વચ્ચેથી પસાર થઈ રહેલી જિંદગી છે. કાલે કે અઠવાડિયા પછી ગમે તેટલી કોશિશ કરીએ, ગમે તેટલી કિંમત ચૂકવીએ ‘યે જિંદગી, યે રવિવાર કી સુબહ ઓર શામ ના મિલેગી દોબારા’. હવે પરિચિતોને ઘરે બોલાવી અંતાક્ષરીની મહેફિલ જમાવીને કે ફેમિલી સાથે લોંગ ડ્રાઈવમાં ફરવા નીકળીને કે કોઈ ધાર્મિક સ્થળે જઈ પૂજન-અર્ચન કરીને એને સેલીબ્રેટ કરવી છે કે આખો દિવસ ઘરમાં પુરાઈ રહી, ટીવી જોતા-જોતા, અડધા જાગતા, અડધા ઊંઘતા એને વેસ્ટ કરી નાખવી છે એ આપણે નક્કી કરવાનું છે. પેલા વડીલ તો માને છે કે ‘આવતો રવિવાર કદાચ ન પણ મળે... કદાચ આ રવિવાર જિંદગીનો આખરી રવિવાર પણ હોય...’ એટલે એ તો આજનો રવિવાર ધામધૂમથી જીવી લેવાના છે. આપણે શું કરવું છે જીવી લેવું છે કે પછી..?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)