Asiai Singh - 1 in Gujarati Moral Stories by Jay Dave books and stories PDF | એશિયાઇ સિંહ - 1

Featured Books
Categories
Share

એશિયાઇ સિંહ - 1

આજે 10 Aug વિશ્વ સિંહ દિવસ ( WORLD LION DAY) છે. આજે એક માત્ર ગીરના જંગલમાં જોવા મળતા એશિયાઇ વિશે ગર્વ કરવા જેવી વાત તો છે જ, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોમાં બહુ પ્રચલિત એવા એક સિંહ "ટીલિયો" વિશે વાત કરવી છે. જેની ભારત સરકારે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી (જે ઉપર પ્રોફાઇલ માં છે) . આ સિંહ એ સમયે સરકારને વર્ષે લાખ રૂપિયા કમાવી આપતો હતો.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ. એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથીએક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો, માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં. આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સઇ જાય. આ મિત્રતા હતી.

એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી. જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા... તુંય શું પણ... આતો હું છું જીણો..” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો.

પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.

જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી. પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા ધે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.

જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેનાજાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.

અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.

( આપને મિત્રોને માહિતી પસંદ આવે તો બીજા ભાગમાં એશિયાઇ સિંહ વિશે વધુ માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.)

-🖊️Jay Dave