Kasak - 47 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 47

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કસક - 47

કસક -૪૭

તેણે ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી તે ચિઠ્ઠી ના દરેક શબ્દો અને અક્ષરો અત્યારે તેની માટે કોઈ સોના ચાંદી અને ઝવેરાતથી ઓછા નહોતા.

તે ચિઠ્ઠી કઇંક આ મુજબ હતી.

પ્રિય આરોહી,

હું જાણું છું કે આ ચિઠ્ઠી મારે તને મળીને રૂબરૂ મુલાકાતમાં દેવી જોઈએ તેમ હતી. પણ મે એક કાયર ની જેમ આ ચિઠ્ઠી વિશ્વાસની જોડે મોકલાવી.માફ કરજે પણ જો મારી હિંમત તને આ ચિઠ્ઠી મારા હાથેથી દેવાની હોત તો કદાચ મારે તને આ ચિઠ્ઠી દેવાની જરૂર જ ના પડી હોત.હું તને મળીને જ બધુ કહી શક્યો હોત કદાચ કહી દીધું હોત.

તે દિવસે આપણે જ્યારે ગાર્ડનમાં મળ્યા તે કદાચ આપણી છેલ્લી મુલાકાત હશે.હું આશા રાખું છું કે તું તારા આગળ ના જીવનમાં ખુબ ખુશ રહીશ.કદાચ આપણાં બંને નું સાથે રહેવાનું અહિયાં સુધીજ લખ્યું હતું.તને કદાચ એવું થયું હશે કે હું બહુ નિર્દય માણસ છું.છેલ્લી મુલાકાતમાં હું રડ્યો પણ નહિ.મને ખબર છે કે તારી આંખના ખૂણા માં તે આંશુ હતા.પણ તું તે મારાથી છુપાવી રહી હતી.હું પણ જાતે કરીને તે આંશુ નહોતો જોવા માંગતો અને તે પણ તારા આંશુ છુપાવીને ખુબ સારું કામ કર્યું.હું છેલ્લી વાર તારી સામે રડવા નહોતો માંગતો પણ પછી તેવું થયું કે તારી સામે જ રડી લીધું હોત તો હું તારા ગયા પછી ઓછો રડ્યો હોત.

તારા ગયા પછી મને તારી કેટલી યાદ આવશે તે હું તને કેવી રીતે કહી શકું?,હું કદાચ સારો લેખક છું પણ મને સારું બોલતા નથી આવડતું.તેથી મારો તને પત્ર લખવો જ ઠીક છે.હું માનું છું કે તારા મતે આપણે બંને સારા મિત્ર છીએ.તારા મતે પ્રેમની વ્યાખ્યા પણ જુદી છે પણ આરોહી પ્રેમની વ્યાખ્યા તો કદાચ દરેક માણસે બદલાઈ જાય છે. તે તું સારી રીતે જાણે છે.વ્યાખ્યા ભલે જુદી હોય પણ પ્રેમ નું હોવું જ ખુબ મહત્વનું છે.કારણકે વ્યાખ્યાઓ માત્ર પરીક્ષામાં બે માર્ક મેળવવા માટે કામમાં આવે છે પણ પ્રેમ તો જીવનની પરીક્ષામાં પાસ થવા માટે કામમાં આવે છે.તો પણ આપણે તે કેમ નથી સમજી શકતા.હું આશા રાખું છું કે તું પત્ર વાંચતાં રડીશ નહીં.આ જન્મમાં તો આપડે મળવાથી રહ્યા પણ હું આ જન્મમાં ભગવાનને પ્રાથના કરીશ કે હવેના જન્મમાં પણ તું મને ફરીથી મળે આજ સ્વરૂપે,આપણે ફરીથી અજાણ બની જઈશું.પણ આ વખતે હું ભગવાનને તેટલું જરૂર કહેવા માંગીશ કે મને એટલી હિંમત જરૂર આપજે કે હું તારી સામે આવીને કહી શકું કે હું તને કેટલો પ્રેમ કરું છું.હું તને પ્રેમ ક્યારથી કરું છું તે પણ મને હવે યાદ નથી રહ્યું.કદાચ મે તને અગિયારમાં ધોરણ માં પહેલી વાર જોઈ હતી ત્યારથી કે પછી તે પહેલા જ્યારે મહેમાન બની ને તું મારી સ્કૂલમાં આવી હતી ત્યારથી.આ કાગળ ખુબ નાનો છે અને મારે તને કહેવાનું ઘણું બધુ.આશા રાખું છું કે તું બાકીનું સમજી જઈશ જે હું નથી કહી શક્યો.જો આ પત્ર વાંચ્યા પછી તને મારી પ્રત્યે લાગણી થાય તો હું પંદર દિવસ પછી આવીશ ત્યારે તું કદાચ અમેરિકા નહીં ગઈ હોય અને મારા પાછા આવવાની રાહ જોતી હોઈશ.જો તું જતી રહી હોઈશ તો હું તારો જવાબ વગર કીધે સમજી જઈશ.તું જ્યાં રહે સુખી રહે તેવી મારી ભગવાન ને પ્રાર્થના.

ફરી ક્યારેક જો ભગવાન ઈચ્છે તો સારી જગ્યા એ અને નવા સ્વરૂપે મળીશું.ત્યાં સુધી હું તારા જીવન માંથી વિદાય લઉં છું અને હા એક જરૂરી વાત.. હું તને હમેશાં પ્રેમ કરતો રહીશ.

લી. કવન

આ પત્ર વાંચવાનો પૂરો થતાં સુધીમાં કોણ જાણે આરોહીના આંખ માંથી કેટલા આંશુ વહી ગયા હતા અને હજી વહી રહ્યા હતા.તેને તેના જીવનમાં સૌથી મોટી ભૂલ કર્યાની લાગણી થઈ રહી હતી.જો કે આ ભૂલ નહોતી.ભૂલ તે જ ગણાય છે જે તમને ખબર હોય કે આ ખોટું છે અને તો પણ તમે તે કરો છો. જે કવન અને આરોહી સાથે થયું હતું તે સમય અને સંજોગ ના પરાક્રમ હતા.તેની માટે ના તો કવન જવાબદાર હતો ના તો આરોહી.આ વાર્તા બહુ પહેલા જ પૂર્ણ થઈ શકતી હતી.આરોહી વિચારતી હતી કે આ શું થઈ ગયું.શું તેણે પોતાના જીવન નો આટલો સાચો પ્રેમ ગુમાવી દીધો?,શું કવન હજી તેની રાહ જોતો હશે?

તે રડતી રહી તેના રડવા નો અવાજ તેના મમ્મીને સંભળાયો.તે તરત જ બહાર આવ્યા.તે આરોહીને આમ અચાનક રડતી જોઈ અને વધુ હેરાન થઈ ગયા.

તે તરત જ આરોહીની પાસે આવી ગયા અને તે આરોહીના રડવાનું કારણ જાણવા મથતા હતા.તેમણે આરોહીને તેના રડવા નું કારણ પૂછ્યું.એક વાર નહિ વારંવાર પૂછ્યું.

આરોહી ચૂપ હતી રડતી હતી.તેના મનમાં હજી અપરાધની લાગણી હતી.તે તેની મમ્મી ને ભેટી પડી અને વધુ રડવા લાગી.

તેણે તેની મમ્મીની સામે કવનનો પત્ર મૂકી દીધો. તેની મમ્મી એ તે લીધો અને વાંચવા લાગ્યા.તે એવી રીતે ધ્યાન દઈને વાંચતા હતા જાણે તેમના હાથમાં આરોહીના રડવાનું કારણ આવી ગયું હતું.તેમણે તે પત્ર વાંચ્યો તે ચૂપ હતા.તે આરોહીને ભેટી પડ્યા અને આરોહી બોલી પડી.

મમ્મી મે કદાચ મારા જીવનની બહુ મોટી ભૂલ કરી છે.તે રડી રહી હતી.તે આજે તેટલુજ રડવા માંગતી હતી જેટલું તેના ગયા બાદ કવન રડ્યો હતો.તેના આંશુઓ માં પશ્ચાતાપ અને કવનને ખોઈ દેવાના આંશુઓ ભેગા હતા.

મન અને હ્રદયમાં બરફરૂપી રહેલા દુખદ અને સુખદ કારણોના પિગળવાથી તે આંશુઓ બહાર આવે છે.રડવું તે વાત દર્શાવે છે કે આપણી પાસે જિંદગી જીવવા માટે એક સુખદ કે દુખદ કારણ હજી છે.

આરોહીના મમ્મી બોલ્યાતે ભૂલ નથી કરી બેટા, તારી અને કવન સાથે તે જ થયું છે જે તમારી બંને ની કિસ્મતમાં લખ્યું હતું.

આરોહી ચૂપ હતી હવે તેના આંખમાં માત્ર કવનને ખોઈ દેવાના આંશુ હતા.તે તેની મમ્મીના ખોળામાં માથું રાખીને થોડીવાર રાહત માટે સૂઈ ગઈ.તેના આંશુ મુશળધાર વરસાદની જેમ ચાલુ હતા.


ક્રમશ વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...