Kasak - 44 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 44

Featured Books
Categories
Share

કસક - 44

કસક -૪૪

તે દિવસે આકાંક્ષાએ અને કવને આખો દિવસ સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.આકાંક્ષા સવારે સમયસર પહોંચી ગઈ.

તેણે પહોંચતાની સાથે જ થોડીવાર નીચે બેઠા બાદ કવનની મમ્મી ને સવાલ કર્યો.

કવન કયાં છે મમ્મી?

તે ઉપર હશે.તું જાય તો તેને કહેજે કે નાસ્તો તૈયાર છે.જલ્દી નીચે આવે.પછી તું પણ સાથે નાસ્તો કરવા બેસી જા.

ઠીક છે.

આકાંક્ષા ઉપર ગઈ કવન નહાવા ગયો હતો અને તેનું લેપટોપ ચાલુ હતું.તેમાં પણ તે નવલકથા જ ખુલેલી હતી જે તેણે હમણાં જ પૂરી કરી હતી. આકાંક્ષા તેની સામે બેસી ગઈ અને પહેલેથી વાંચવાનો પ્રયાસ કર્યો પણ કવન નાહીને બહાર આવી રહ્યો હતો.તેને તેની વાર્તા રજુ કર્યા શિવાય તે વાર્તા કોઈ વાંચે તે પસંદ નહોતું.જો કે અમુક લોકોને બાદ કરતાં જેમને તે વાર્તા હમેશાં અભિપ્રાય માટે વંચાવતો. તે આ બાબતે સ્ટ્રિક્ટ હતો.આકાંક્ષા એ તે ફાઇલ પોતાની પેનડ્રાઇવ માં લઈ લીધી.

કવન આવ્યો

અરે આકાંક્ષા સારું થયું તું વહેલા આવી ગઈ.

હા,ખાસા દિવસથી મળ્યા નહોતા એટલે સારું થયું કે બંને ને સમય મળ્યો.

હા,તે વાત તો સાચી છે.તું નીચે બેસ હું હમણાં જ તૈયાર થઈને આવું છું.

ઠીક છે, જલ્દી આવજે મમ્મી તને બોલાવી રહ્યા છે.નાસ્તા માટે.

કવન પોતાનું લેપટોપ બંધ કરીને નીચે જવા માટે કપડાં પહેરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે તે પબ્લિશર ને એડિટિંગ માટે નવલકથા મોકલી દેશે.

કવનનીચે ગયો ત્યારે તેના લગ્ન વિશે વાત ચાલી રહી હતી.

કવન ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો.બાજુમાં આકાંક્ષા બેઠી હતી.કવનની મમ્મી એ પૂછ્યું.

તારે વાર્તા કેટલીક બાકી રહી કવન?”

કવને હસી ને જવાબ આપ્યો “બસ હવે પતી જ ગઈ છે.હું આજે જ પબ્લિશર ને એડિટિંગ અને અન્ય કામ માટે મોકલવાનો છું.

વિશ્વાસના લગ્ન પણ બે મહિના બાદ છે.હું વિચારું છું કે આપણે તારા અને આકાંક્ષાના લગ્નની તારીખ નક્કી કરી દઈએ. જો કોઈ છ માસની નજીક ની તારીખ હોય તો તે બંને માટે સારું રહેશે. તૈયારીનો સમય પણ મળી જશે.

કવન હા પાડતો હોય તેમ તેણે મોઢું હલાવ્યું.કવન થોડોક શરમ અનુભવી રહ્યો.લગ્નની બાબતમાં છોકરા અને છોકરીઓ નું શરમાવવું સહજ વાત છે પણ સગાઈ થઈ ગયા પછી શરમાવવું તે નવી વાત છે. કવન તેના ડાઈનીગ ટેબલ પરથી ઊભો થયો અને બહાર વોકિંગ માટે આકાંક્ષા સાથે ચાલ્યો ગયો.

બંને ચાલી રહ્યા હતા અને બંને એકદમ ચૂપ હતા. જ્યારે કોઈ બે જણ એકબીજા સાથે બોલ્યા વગર ચૂપચાપ ચાલતા હોય છે ત્યારે તે બંને એકબીજા વિષે વધુ વિચારતા હોય છે અને વાતો કરવાના વિષયો શોધતા હોય છે પણ જ્યારે બે માંથી કોઈ એક સારો વિષય શોધી લે છે ત્યારે કદાચ તેનામાં તેટલોજ ઉત્સાહ હોય છે જેવો ઉત્સાહ આપણને કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ મળતા થાય છે.જેવો ઉત્સાહ અત્યારે આકાંક્ષા અનુભવી રહી હતી.કારણકે તેણે તે પ્રશ્ન,તે વાત કરવાનો વિષય શોધી લીધો હતો.

“તો તારી વાર્તા સાચે જ પૂરી થઈ ગઈ?”

“હા,આમ તો પૂરી થઈ જ ગઈ છે.”

“તો કેવી છે આ વાર્તા?” આકાંક્ષા એ વધુ જાણવાની કોશિષ કરતી હોય તેમ પૂછ્યું.

કવન વિચારમાં હતો જાણે તે અત્યારે બધુ માત્ર સત્ય બોલશે.

“મને તો તેવી લાગે છે જાણે તે એક સમયે મારા જીવનમાં ઘટિત થઈ ગઈ હોય.”

“આ વાર્તા તારી માટે કેટલી ખાસ છે?”

“તેટલી જ ખાસ છે જેટલું ખાસ મારા માટે લખવું છે.”

ઘણીવાર સવાલ જ એવા પૂછવામાં આવે છે જેથી તમારે જવાબમાં માત્ર સત્ય કહેવું પડે છે.તથા ઘણીવાર આપણને લાગે છે કે આપણે કેટલીક વાતો પર તેવી રીતે પડદો રાખી દઈશું કે તે વાત આપણી મૃત્યુ શૈયા માં પહોંચવાના ગાળા સુધી કોઈને ખબર નહીં પડે પણ તેવું બની નથી શકતું.એક ખૂબ ઝબરદસ્ત હવાનો ઝોકું તે પડદા ને ફટ દઈને હટાવી દે છે અથવા તો કોઈ પ્રેમથી આવીને પણ તે પડદા ને વગર કોઈ સંકોચે હટાવી દે છે અને આપણે તેમને રોકી પણ નથી શકતા.

આકાંક્ષા તેના જવાબથી ખુશ થઈ અને તે મનમાં વિચારતી હતી કે કદાચ તેણે સવાલ જ ખોટો પૂછી લીધો છે.કોઈપણ લેખક માટે તેની વાર્તા તો ખાસ જ હોય ને આખરે તેનું સર્જન તેણે પોતે કર્યું હોય છે.જીવનમાં જેનું સર્જન આપણે પોતે કર્યું છે તે આપણને સૌથી વ્હાલું છે.જેમ કે ભગવાને આપણું સર્જન કર્યું છે તેથી આપણે સૌ ભગવાનને વ્હાલા છીએ.આકાંક્ષા કઇંક નવો સવાલ વિચારતી હતી જે કવનને યોગ્ય લાગે જેનો જવાબ તેની પાસે હોય જ નહીં.જીવનમાં કોઈ એવું વ્યકિત નથી જેની પાસે દરેક સવાલના જવાબ હોય. દરેક સવાલના જવાબ આપણે તે વિષયના જાણકાર ને પૂછવા પડે છે.આકાંક્ષાએ હવે પછીનો સવાલ પૂછ્યો કારણકે તેને કવન તેનો જવાબ આપવા યોગ્ય લાગ્યો.

“તો પ્રેમ શું છે કવન?”

આ સવાલ સાંભળતા જ કવનને આરોહીની યાદ આવી.આવો જ સવાલ એકવાર તેને આરોહી એ પૂછ્યો હતો અને આવો જ સવાલ આજે તેને તેની ભાવી પત્ની પૂછી રહી હતી.જે સવાલોના જવાબ આજ સુધી બન્યા નથી તે સવાલ જો આપણને જુદા જુદા લોકો દ્વારા પૂછવામાં આવે તો આપણે પણ તેવી ઈચ્છા રાખીએ છીએ કે આપણે બધા જવાબ અલગ અલગ આપીએ પણ તેવું બની નથી શકતું. કારણકે આપણી પાસે તેનો બીજો જવાબ હોતો જ નથી તેથી આપણે તે જ જૂના જવાબથી કામ ચલાવી લઈએ છીએ.

જો કે કવન ભૂલી ગયો હતો કે તેણે આરોહીને શું જવાબ આપ્યો હતો પણ તેણે જેવુ પહેલી વાર કર્યું હતું તેવું જ કર્યું સવાલ ટાળી દીધો અને સામો સવાલ કર્યો .

“પ્રેમ વિષે મે મારા નવા પુસ્તકમાં ઘણું બધુ લખ્યું છે અને મે જે લખ્યું છે તે ઉપરથી મને લાગે છે કે બસ તે જ પ્રેમ.તેથી તું જ્યારે મારુ નવું પુસ્તક વાંચીશ ત્યારે તને જાણવા મળશે કે મારી દ્રષ્ટિએ પ્રેમ શું છે.”

કવને પોતાના શબ્દોનો ઉપયોગ કરીને આસાનીથી છટકી ગયો.જો કે આકાંક્ષા જાણતી હતી કવન આ પ્રશ્નથી ભાગી રહ્યો છે પણ તેને તેનાથી કાંઈ વાંધો નહોતો કારણકે તે જાણતી હતી કે દરેક પ્રશ્નોના જવાબ દેવા જરૂરી નથી હોતા.

થોડીકવાર ચૂપ ચાલ્યા બાદ કવને તે જ પ્રશ્ન આકાંક્ષા ને પૂછ્યો.

આકાંક્ષા એ કવનનો આ પ્રશ્ન સાંભળ્યા બાદ જાણ્યું કે જે પ્રશ્નના જવાબ આપણને ના ખબર હોય તે પ્રશ્નનો બીજા ને ના પૂછવા જોઈએ.તે મનમાં જ હસી રહી હતી અને તેના જ પ્રશ્નનો જવાબ શોધી રહી હતી.

આકાંક્ષા અને કવન બંને એકસાથે ચાલી રહ્યા હતા અને અચાનક આકાંક્ષાએ કવનનો હાથ પકડી લીધો.આકાંક્ષા એ આવું પહેલા ક્યારેય નહોતું કર્યું. કવન એકદમ ઊભો રહી ગયો અને તેની તરફ ફરી ગયો.તે વિચારવા લાગ્યો કે આકાંક્ષા શું કરી રહી છે.આકાંક્ષા અને કવન બંનેની નઝર એકબીજાની આંખોમાં હતી.આકાંક્ષા હસી અને તેની નજીક જઈને કહ્યું. “પ્રેમ તે જ છે જે મને હજી સુધી નથી થયો.”

આટલું જ બોલતાંની સાથે તે જોરથી હસવા લાગી અને તેનો જવાબ સાંભળીને કવનને પણ હસવું આવી ગયું.કવન તેને જોઈને હસી રહ્યો હતો અને હસતાં હસતાં પણ મનોમન વિચારી રહ્યો હતો કે બસ આવી જ રીતે હસતાં રમતા પૂરી જિંદગી તેની સામે ઊભેલી છોકરી સાથે વીતી જાય.જ્યારે આકાંક્ષા પણ વિચારી રહી હતી કે બસ આવી જ રીતે પૂરું જીવન હું અને કવન બંને એક દોસ્ત બની ને વિતાવી દઈએ અને કોઈ એક દિવસે બંને ને પ્રેમની વ્યાખ્યા વગરનો પ્રેમ થઈ જાય જેની જીવનના અંત સુધી બંને ને ખબર પણ ના પડે.

તે દિવસે ડાઈનિંગ ટેબલ પર કવનના પિતા અને અને તેની માતા બેઠા હતા.

તેના પિતા એ કવનની મમ્મી સામે જોઈને કહ્યુંશું કવન આ લગ્નથી ખુશ તો છે ને?”

તમે કેમ આજ આવું પૂછી રહ્યા છો?”

કારણકે જ્યારે હું તેને જોવું છું ત્યારે મને લાગે છે કે તે લગ્ન માત્ર આપણી ઈચ્છાનું માન રાખવા કરી રહ્યો છે.

કવનની મમ્મી એ તેના પપ્પા સામે જોયું પણ કઈં પ્રત્યુતર ના આપ્યો.

લોકો કહે છે કે માં જેમ તેના છોકરાની લાગણી સમજી જાય છે તેમ તેના પિતા નથી સમજી શકતા.તેવું શક્ય નથી એક પિતા,એક પુરુષ તરીકે તે છોકરાની લાગણી સમજી શકે છે.કારણકે તે પણ એક સમયે તે ઉંમરનો છોકરો રહી ચૂક્યો છે. અહિયાં માત્ર છોકરાઓની વાત થાય છે.

એક મહિના બાદ કવન અને આકાંક્ષા ના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી.જે છ કે સાત મહિના દૂર હતી.વિશ્વાસ ના પણ એક મહિના બાદ લગ્ન હતા.સૌથી શ્રેષ્ઠ વાત તે હતી કે આરોહી અને તેની મમ્મી વિશ્વાસ અને કાવ્યા ના લગ્નમાં આવી રહ્યા હતા.આરોહી ને બે મહિનાની રજા મળી ગઈ હતી.તે બે દિવસ પછી ભારત આવવાના હતા.

આ વાતની જાણ વિશ્વાસ અને કાવ્યા ને હતી પણ તેમણે કવનને જાતે કરીને ના કહ્યું.કારણકે જો કવનને તે વાત ની ખબર પડી જાત તો તે ફરીથી ક્યાંક થોડા દિવસ માટે જતો રહ્યો હોત.

તે દિવસે કવન અને તારિકા ફરી મળ્યા.તે જ ગાર્ડનમાં જયાં તેઓ છેલ્લી વાર મળ્યા હતા.તે બંને તેમની હમેશાંની જગ્યાએ બેઠા હતા.

તો કેવો રહ્યો તારો એક લવસ્ટોરી લખવાનો અનુભવ?” તારિકા એ હસી ને કહ્યું

બહુ સારો રહ્યો તેમાંથી ઘણું બધુ શીખવા મળ્યું.પહેલા તો તે કે લવસ્ટોરી લખવા માટે હ્રદયમાં પ્રેમ રાખવો બહુ આવશ્યક છે.લવસ્ટોરી કોઈ ક્રાઇમથ્રીલર કે રહસ્યમય વાર્તા નથી કે હું તેને માત્ર મનથી લખી શકું.લવસ્ટોરી લખવા માટે મન અને હ્રદય બંને સાથે કામ લેવું પડે છે.

તો શું વાર્તા ના અંત માં કવન અને આરોહી મળ્યા?”

મને લાગે છે કે આ વાર્તા ને હકીકતની જેમ અધૂરી જ રાખવી જોઈએ તે જ વાર્તા અને હકીકત સાથે નો સાચો ન્યાય છે.

મને એવું નથી લાગતું કે તે વાર્તા સાથે નો ન્યાય છે.જો કોઈ તેને વાંચશે તો તેને દુખ પહોંચશે

ત્યારે તો તે કવનના દુખ ને સમજી શકશે.

લોકો પ્રેમ કરવાનું છોડી દેશે તો?”

તેવું ક્યારેય બની જ ના શકે.મારા મતે પ્રેમ તે માર્ગ છે જે માર્ગ પર લોકો દુખ હોવા છતાં સદીઓ થી જવાનું પસંદ કરે છે.મને નથી લાગતું કે તેના ઉપર મારા જેવા મામૂલી માનવીના પુસ્તકની કોઈ અસર થાય.

કદાચ દુનિયા પહેલેથી નક્કી કરી લે છે કે તે માર્ગ પર દુખ છે તેથી જ તેને તે માર્ગ પર દુખ જ મળે છે.

બની શકે.

તે બંને ચૂપ બેસી રહ્યા અને દૂર સૂરજ આથમતો જોઈ રહ્યા.

ઘણીવાર આથમતો સૂરજને ધ્યાનથી જોઈએ તો તે આપણાં ઘણા બધા દુખ અને દર્દ એક રાત માટે તેને સોંપી દેવા કહેતો હોય છે પણ આપણે તેનું કોઈ દિવસ નથી સાંભડતા.

આથમતો સૂરજ તે વાત નું પ્રતિક છે કે કોઈ પણ મોટું દર્દ કે કોઈપણ મોટી તકલીફ નો એક દિવસ અંત જરૂર થાય છે અને ઊગતો સૂરજ તે વાત નું પ્રતિક છે કે આપણને રોજ એક નવો દિવસ મળે છે પોતાનું જીવન યોગ્ય બનાવા માટે.

ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...