Kasak - 43 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 43

Featured Books
Categories
Share

કસક - 43

કવન રાજી હતો.આખરે તે ત્રણ એક વર્ષ પછી આરોહીની લાયબ્રેરીમાં ગયો.તે અંદરથી હજી તેવુંજ હતું જેવું આરોહી મૂકીને ગઈ હતી.બસ માત્ર બાલ્કની ના ફૂલ મુરજાઈ ગયા હતા.કવને નવા છોળ રોપ્યા.કવન આરોહીની બેસવાની સામેની જગ્યાએ તે બેસીને લખતો.તે તેવું અનુભવતો કે આરોહી ત્યાં હાજર છે. ઘણી વાર તે બાલ્કનીમાં બેસતો ઘણું બધુ વાંચતો આરોહી ને સારી રીત યાદ કરતો.તેની નાના માં નાની વાત તેને હજી યાદ હતી.આરોહીને ચા માં ખાંડ ઓછી પસંદ હતી અને કવનને વધુ. આરોહી વાંચતી વખતે ઘણીવાર તેના ચશ્મા પહેરતી.

કવને કબાટ ખોલ્યો તેમાં તેના ચશ્મા હજી હતા.તેમાં કેટલીક તેની વસ્તુ હતી. જેવી કે એક નોટબુક જે તે વાંચતી વખતે કોઈ એક લાઇન કે શબ્દ ગમી જાય તો તે નોટબુકમાં લખતી. કવને તે ખોલી તેમાં હજી આરોહીના હાથના પરફ્યુમ ની આછી સુવાસ હતી.તેમાં આરોહી ના પાતળા મરોળદાર અક્ષર હતા. કવન વિચારતો હતો કે ક્યારેક આવા સુંદર અક્ષર તેના પણ હતા.જે મેડિકલ માં એડમિશન લઈને હવે તેટલા સારા નહોતા રહ્યા પણ જો કે તે તેના બીજા મિત્રો કરતાં તો ઘણા સારા હતા.તે કબાટ માં આરોહીનું માથામાં નાખવાનું પિન્ક કલરનું હેરબેન્ડ પણ પડ્યું હતું.જેનાથી તે ક્યારેક વાંચતી વખતે તેના મોં ઉપર આવતા વાળ ને અટકાવવા માટે બાંધતી પણ તે હમેશાં તેના બધા જ વાળ બાંધવામાં નિષ્ફળ રહેતી.જયારે આરોહીના વાળ તેના સુંદર મુખ ને છંછેળી રહ્યા હોય ત્યારે તેનો ચહેરો જોવો કવનને ખૂબ ગમતો. કવને તે પિન્ક કલરનું હેરબેન્ડ હાથમાં લીધું અને આરોહી ને યાદ કરતાં ફરી બધી વસ્તુઓ સાચવીને કબાટમાં મૂકી દીધી.

જાણે તે સાંજે જ આવીને આ બધી વસ્તુઓ કવન પાસે પછી માંગશે પણ કવન અંદરથી જાણતો હતો કે તે હવે અહિયાં ક્યારેય નહીં આવે.

કવન ત્રણેક મહિના ત્યાં ગયો તેની નવલકથા નો ઘણો ખરો ભાગ પૂરો થવા આવ્યો હતો.તેણે કાવ્યા ને ચાવી પાછી આપી દીધી.

કવન હવે તેના પુસ્તક નું ઘણું ખરું કામ ઘરેથી જ કરતો.તે હજી વાર્તા નો અંત શું રાખવો તે અંગે ચોકકસ નહોતો.તારિકા ના પ્રમાણે તે વાર્તા નો અંત લખવા જાય.તો તે બંને પાત્ર અંત માં મળી જાય જે હકીકત માં બન્યું નહોતું.કવન વિચારી રહ્યો હતો કે જે બન્યું નથી તેને દર્શાવીને તે લોકોને ખુશ કરશે પણ કદાચ તે અંદરથી તો ખુશ નહીં રહે. ખરેખર જો લોકો પ્રેમકહાની એટલેજ લખતા હોય કે હકીકતમાં ના મળેલા પાત્રો ને તે મળાવી શકે,તો આમ જોવા જઈએ તો તે પાત્રો માટે સારી વાત કહેવાય.તથા લોકોને પણ એવો વિશ્વાસ બેસે કે પ્રેમ કરવું તે કોઈ વ્યર્થ વાત નથી.જો કે તે આ વાત સાથે સહેમત નહોતો.જે વસ્તુ બની નથી તેને ખાસ કરીને પ્રેમકહાનીમાં લખવી ના જોઈએ.તે પાત્રો દુખી પણ થઈ શકે છે.

કવન ઈચ્છતો હતો કે તે આ વાર્તા માં છેલ્લે પાત્રો એકબીજા ને મળશે જ નહિ તેવું જ રાખશે.

બે મહિના બાદ વિશ્વાસ અને કાવ્યા ના લગ્ન હતા.આરતી બહેન અને આરોહીને પણ તેનો બહુ અગાઉથી આમંત્રણ નો ફોન આવ્યો હતો.હકીકત માં આમંત્રણ તો લગ્નના થોડા દિવસો પહેલાજ અપાય છે પણ આપણે ઉત્સાહમાં જો કોઈ સંબંધી બે ત્રણ મહિના અગાઉ મળે તો તેને કંકોત્રીથી નહીં પણ મોંથી આમંત્રણ આપી દઈએ છીએ. આરતી બહેન એવું વિચારી રહ્યા હતા કે તે બંનેના લગ્નમાં ભારત જશે અને થોડા દિવસ ત્યાં રહીને પાછા આવી જશે.આરોહી ને પણ ભારત જવાની તીવ્ર ઈચ્છા હતી પણ તેને ઓફિસ માંથી રજા મંજૂર થાય તોજ તે આવી શકે તેમ હતું.

તે સવારે કવન વહેલા ઊઠીને પુસ્તક નું છેલ્લું અધ્યાય લખી રહ્યો હતો.જે પૂરું થતાં તેને ૯ વાગી ગયા.તે લેપટોપ તેમજ મૂકી ને બાથરૂમમાં નાહવા ચાલ્યો ગયો.

તે દિવસે આકાંક્ષાએ અને કવને આખો દિવસ સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.આકાંક્ષા સવારે સમયસર પહોંચી ગઈ.

તેણે પહોંચતાની સાથે જ થોડીવાર નીચે બેઠા બાદ કવનની મમ્મી ને સવાલ કર્યો.

કવન કયાં છે મમ્મી?

તે ઉપર હશે.તું જાય તો તેને કહેજે કે નાસ્તો તૈયાર છે.જલ્દી નીચે આવે.પછી તું પણ સાથે નાસ્તો કરવા બેસી જા.

ઠીક છે.

આકાંક્ષા ઉપર ગઈ કવન નહાવા ગયો હતો અને તેનું લેપટોપ ચાલુ હતું.તેમાં પણ તે નવલકથા જ ખુલેલી હતી જે તેણે હમણાં જ પૂરી કરી હતી. આકાંક્ષા તેની સામે બેસી ગઈ અને પહેલેથી વાંચવાનો પ્રયાસ કર્યો પણ કવન નાહીને બહાર આવી રહ્યો હતો.તેને તેની વાર્તા રજુ કર્યા શિવાય તે વાર્તા કોઈ વાંચે તે પસંદ નહોતું.જો કે અમુક લોકોને બાદ કરતાં જેમને તે વાર્તા હમેશાં અભિપ્રાય માટે વંચાવતો. તે આ બાબતે સ્ટ્રિક્ટ હતો.આકાંક્ષા એ તે ફાઇલ પોતાની પેનડ્રાઇવ માં લઈ લીધી.

કવન આવ્યો

અરે આકાંક્ષા સારું થયું તું વહેલા આવી ગઈ.

હા,ખાસા દિવસથી મળ્યા નહોતા એટલે સારું થયું કે બંને ને સમય મળ્યો.

હા,તે વાત તો સાચી છે.તું નીચે બેસ હું હમણાં જ તૈયાર થઈને આવું છું.

ઠીક છે, જલ્દી આવજે મમ્મી તને બોલાવી રહ્યા છે.નાસ્તા માટે.

કવન પોતાનું લેપટોપ બંધ કરીને નીચે જવા માટે કપડાં પહેરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે તે પબ્લિશર ને એડિટિંગ માટે નવલકથા મોકલી દેશે.

કવનનીચે ગયો ત્યારે તેના લગ્ન વિશે વાત ચાલી રહી હતી.

કવન ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો.બાજુમાં આકાંક્ષા બેઠી હતી.કવનની મમ્મી એ પૂછ્યું.

તારે વાર્તા કેટલીક બાકી રહી કવન?”

કવને હસી ને જવાબ આપ્યો “બસ હવે પતી જ ગઈ છે.હું આજે જ પબ્લિશર ને એડિટિંગ અને અન્ય કામ માટે મોકલવાનો છું.

વિશ્વાસના લગ્ન પણ બે મહિના બાદ છે.હું વિચારું છું કે આપણે તારા અને આકાંક્ષાના લગ્નની તારીખ નક્કી કરી દઈએ. જો કોઈ છ માસની નજીક ની તારીખ હોય તો તે બંને માટે સારું રહેશે. તૈયારીનો સમય પણ મળી જશે.

કવન હા પાડતો હોય તેમ તેણે મોઢું હલાવ્યું.કવન થોડોક શરમ અનુભવી રહ્યો.લગ્નની બાબતમાં છોકરા અને છોકરીઓ નું શરમાવવું સહજ વાત છે પણ સગાઈ થઈ ગયા પછી શરમાવવું તે નવી વાત છે. કવન તેના ડાઈનીગ ટેબલ પરથી ઊભો થયો અને બહાર વોકિંગ માટે આકાંક્ષા સાથે ચાલ્યો ગયો.

ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...