કેટલી માનતા માની હતી ? પથ્થર એટલા દેવ પૂજ્યા હતા. અંતરની અભિલાષા જ્યારે પૂરી થઈ ત્યારે રોહિતના માતા અને પિતાના કાળજા ઠર્યા હતા. દેવનો દીધેલ આવ્યો. બે વર્ષ પછી ‘લક્ષ્મી’ આવી. નસીબમાં લક્ષ્મી, ઝાઝુ ટકી નહીં. બાળકના ઉછેર માટે મા એ રાત દિવસ એક કર્યા હતા. માનો દુલારો, પિતાની આંખ નો તારો રોહિત મસ્તીખોર તો હતો તેના કરતાં વધારે ભણવામાં ચોક્કસ હતો. બાળપણથી મગજમાં ધુન ભરાઈ હતી.
“હું ખૂબ ભણીને મોટો ડોક્ટર થઈશ. ”
“મમ્મી મારે દાક્તરી ભણવા મુંબઈ જવાનું છે. હવે મારે સારા કપડાં અને નવા બૂટ પણ જોઈશે.” નાના ગામમાં રોહિતના પિતાજીની કરિયાણાની દુકાન હતી. ઈમાનદારીથી ધંધો કરતા. બે પાંદડે થયા હતા. રોહિત એકનો એક દીકરો હતો. તેના જન્મ પછી ત્રણ વર્ષે દીકરી આવી હતી કિંતુ આયુષ્ય જૂજ હતું. રોહિત ની બધી જરૂરિયાત પૂરી થતી. ભણવામાં હોંશિયાર હતો. શાળાનું શિક્ષણ નાના ગામમાં પૂરું કરી રોહિત વડોદરા આવ્યો.
કોલેજમાં રોહિત ઝળકી ઉઠ્યો. બસ મનમાં નક્કી કર્યું, ડોક્ટર થઈશ માતા અને પિતાનું નામ રોશન કરશે. ‘મન હોય તો માળવે જવાય”. રોહિત અથાગ પરિશ્રમ સફળ થયો.હવે રોહિતને થયું મારું સ્વપ્ન સાકાર થશે. ‘પિતાજી મને મુંબઈમાં મેડિકલ કોલેજમાં દાખલો મળી ગયો. ‘
અહીં સુધી પહોંચવા રોહિત રાત દિવસ એક કરતો હતો. પિતાને અથાગ મહેનત કરતા જોઈ દિમાગમાં એક ધૂન હતી, ‘મારે ખૂબ ભણવું છે”. જે બાળપણથી તેના દિમાગમાં ઘર ઘાલી ગઈ હતી. જેને કારણે હંમેશા ભણવું, સારા નંબર લાવવા એવો ધ્યેય હતો. રજાઓમાં પિતાને મદદ કરવા દુકાન દોડીને જતો. પિતાએ તેની સમજ નિહાળી હતી. માતાનો લાડ અને પ્રેમ પામતો. તેની સાથે મંદીરે જતો અને પાછા આવતા શાક ની થેલી મા પાસેથી લઈ લેતો.
મા હસતી, ‘મારો દીકરો ખૂબ સમજુ છે’. ભલે પૈસા ની રેલમછેલ ન હતી, પણ જીવન હર્યું ભર્યું હતું. મેડિકલ કોલેજમાં દાખલો મળી ગયો. માની ખુશીનો પાર ન હતો. પિતા ગર્વથી દીકરા ને નિહાળતા.
“અરે બેટા જરા પણ ચિંતા કરીશ નહીં’. તારા પિતાજી ના બાવડામાં જોર છે. જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણજે. ‘
એણે પોતાના સ્વપ્ન સિદ્ધ કરવા ના મનસૂબા ઘડવા માંડ્યા. જ્યારે પણ સમય મળતો ત્યારે કમ્પ્યુટર પર જરૂરિયાત વાળાને ભણાવતો. એમ કરતાં જે થોડા ઘણા પૈસા મળે તેનાથી પોતાના ખિસ્સા ખર્ચ કાઢતો. તેને કારણે પિતાને થોડી તકલીફ ઓછી થાય.
મેડિકલ કોલેજ એ ખાવાના ખેલ ન હતા. થાકી જતો ત્યારે, માતા સાથે ફોન પર વાત કરતો. મા ધીરજ બંધાવી તેની તકલીફ હળવી કરવાનો પ્રયત્ન કરતી. ખબર પણ ન પડી ને મેડિકલ કોલેજના ચાર વર્ષ પૂરા થયા. જ્યારે સમય મળતો ત્યારે ઘરે માતા અને પિતા પાસે જતો. તેમને ખૂબ પ્યારથી સમજાવતો કે ભણવાનું પૂરું થશે અને કમાવા લાગશે પછી તેમની મુસીબતો નો અંત આવશે. પિતાજીને જરા પણ ચિંતા ન હતી.માતા વારંવાર બાળકની અને પતિની ચિંતા કરતી.
માતાનો એ,’જન્મ સિદ્ધ હક’ હોય છે.
આખરે ડોક્ટરનું શિક્ષણ પૂરું થયું. રેસિડન્સી પણ મુંબઈમાં મળી ગઈ. આટલાથી રોહિતને સંતોષ ન થયો. તેને આગળ ભણી ‘સ્પેશ્યાલિસ્ટ’ થવું હતું. પુત્રની પ્રગતિ જોઈ બાપ ખુશ થતો. મમ્મીને હતું કે હવે પરણીને વહુ લાવે તો સારું. જે નજીકના ભવિષ્યમાં શક્ય ન હતું.
રોહિતનો માર્ગ લાંબો અને કઠિન હતો. માત્ર ડોક્ટર થઈને શું કાંદા કાઢવાના? આગળ ભણી સ્પેશ્યલિસ્ટ થવું હતું. તેનું મન કાર્ડિયોલોજી પર ઠર્યું. કાર્ડિયોલોજીસ્ટ થવા બીજા ચાર વર્ષ ભણવાનું હતું. સારું હતું કે સાથે પૈસા પણ કમાઈ શકતો હતો એટલે પપ્પા ને સહારો થતો. પિતા ની સ્થિતિ બરાબર જાણતો હતો.
આમ બીજું એક વર્ષ ખેંચી ‘ન્યુક્લિયર કાર્ડિયોલોજી’ પણ પૂરું કર્યું. છેલ્લા વર્ષ દરમિયાન જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે અમેરિકાથી ફરવા આવેલા રોમાના પિતાજીને અચાનક બાય પાસ કરવાનું થયું. દીકરી સાથે પિતા, માને મળવા મુંબઈ આવ્યા હતા. કોલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું. આગળ ભણવું હતું પણ દાદી ની લાડલી આશિર્વાદ લેવા આવી પહોંચી.
મમ્મી બીજા નાના ભાઈ અને બહેનની શાળા ચાલુ હતી એટલે ન આવી. પપ્પા સાથે ફરવાની મજા માણી. મુંબઈથી ગોવા અને ઈલોરા અજંટા પપ્પા સાથે ફરી. દાદીને પણ સાથે લઈ ગયા હતા. દાદાની ખુશીનો પાર ન હતો. મૂડી કરતા વ્યાજ વહાલું હોય છે. દાદી, રોમા ના પ્રેમમાં પાગલ થઈ ગઈ. દીકરી ની ખોટ રોમાએ પૂરી કરી.
ગોવા થી પાછા આવતા રોમાના પપ્પાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો. તત્કાળ રોમા પપ્પાને હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં રોહિત ન્યુક્લિયર કાર્ડિયોલોજી નો અભ્યાસ કરી રહ્યો હતો. રોહિત તેમનો કાર્ડિયોલોજિસ્ટ હતો. રોમા પિતાની સાથે રહેતી.
દાદી ને હમેશા હોસ્પિટલમાં લાવી શકાય તેમ ન હતું. રોમા પિતા પાસે ૨૪ કલાક રહેતી .રોમા ખૂબ આકર્ષક યુવતી હતી. રોહિતને રોમાના પિતાની ખબર કાઢવા જવું ગમતું હતું. રોમાના પિતા અશક્ત જણાતા હતા. તેમની તબિયત ના બહાને વાત કરવાનો મોકો સાંપડતો.
વાતમાં ને વાતમાં રોહિત ને જાણ થઈ કે, રોમા અમેરિકાથી ફરવા ભારત પપ્પા સાથે આવી છે. રોહિત જ્યાં પોતાના આખરી વર્ષોના અભ્યાસ દ્વારા મંજિલની નજીક પહોંચી જવા તત્પર હતો. રોમાના પિતાનો કેસ તેને મળ્યો હતો. રોમાના પિતાને કારણે, અવાર નવાર મળવાનું થતું.
રોમાને ખબર પડી ડોક્ટર રોહિત અપરણિત છે. આ ડોક્ટર ખૂબ સોહામણો અને કુશળ જણાયો. પિતા પાસે સવાર સાંજ બે વાર રાઉન્ડ પર આવતો પિતાના બધા રિપોર્ટ રોહિત, રોમાને સમજાવતો. રોમાને તો તેની વાત કરવાની છટા પણ ગમી ગઈ. દવા માટે ક્યાં જવાનું રોહિતે સમજાવ્યું. રોમાને પિતા ની દેખભાળ કરવા સાથે, રોહિત નો પરિચય વધતો જતો એ ખૂબ ગમતું. દસ દિવસ પિતા સાથે હોસ્પિટલમાં ગાળ્યા. રોહિત ડોક્ટર કમ દોસ્ત જ્યાદા બની ગયો.
જુવાની હોય એટલે આકર્ષણ થવું સામાન્ય છે. એમાં જ્યારે વાતચીત પરથી જાણવા મળ્યું કે બન્ને ‘કુંવારા’ છે. સોનામાં સુગંધ ભળી. રોહિતને રોમાની વાતમાં રસ પડતો. રોમા રોહિતની ભાવિ કારકિર્દી સપનામાં નિહાળી રહી. આ સિલસિલો લગભગ દસ દિવસ ચાલ્યો.
થોડા પરિચય પછી રોમાએ રોહિતને પોતાના દિલની વાત જણાવી. રોમા ગમી જાય તેવી સુંદર યુવતી હતી. રોમા અમેરિકન હતી. નાગરિક હોવાથી ત્યાં જવાની સુવર્ણ તક મળવાની પૂરી સંભાવના હતી. રોહિતને રોમા માં રસ પડ્યો.
રોમા હજુ એક મહિનો ભારત હતી. પિતાની તબિયત સારી ન થાય ત્યાં સુધી અમેરિકા જવાનો ઈરાદો ન હતો. સમયનો લાભ ઉઠાવી રોહિત રોમાને ઘરે લઈ ગયો. માતા અને પિતા રોમા જોઈ ખુશ થયા. રોમાના પિતાને વાંધો ન હતો.
રોમાની મમ્મી અને નાનો ભાઈ અમેરિકા હતા. રોમાના પપ્પા એ સુઝાવ મૂક્યો, ‘ હમણાં સગાઈ કરી, પ્યાર પૂછીને ન થાય. પૂછીને થાય એ પ્યાર નહીં સોદો કહેવાય. જ્યારે પ્યાર થાય પછી એ ગાંડીતૂર નદી જેવો હોય, ન ભાન હોય તેને ગતિનું અથવા દિશાનું. ગાંડીતૂર બની સાગરને મળવા ઉત્સુક હોય. બસ આવા હાલ રોમા અને રોહિતના થયા હતા.
રોહિતને ભણવાની ધુનમાં કોઈ મળ્યું નહીં, રોમાને કોઈ દિલ માં સમાય નહીં. રોહિત એવો નીકળ્યો કે દિલના તાર ઝણઝણી ઉઠ્યા. બાકી અમેરિકામાં જન્મેલી આ કોઈના પર ન્યોછાવર ન થાય.
રોમાના પપ્પાને આનંદ થયો કે દીકરી કોઈના પર પસંદગીનો કળશ ઢોળે. સંમતિ આપી કે ,’ અમે અમેરિકા જઈએ. લગ્નની તૈયારી કરી પાછા આવીશું. રોમાની મમ્મી તેમજ ભાઈ અહીં નથી. રોહિતને હજી છ મહિના બાકી હતા. એ બહાને રોમાને વધુ જાણવાનો મોકો પણ મળી શકે. ફોન, ફેસ ટાઈમ અને વૉટ્સએપ્પ મળવાનું આસાન સાધન છે.
રોમાની, મમ્મી અમેરિકા હતી. ફોન પર બધી વાત કરી નક્કી કર્યું. રોમાએ સગાઈ કરવાની સંમતિ આપી. તેને રોહિતને સમજાવ્યો કે કોર્ટ મેરેજ કરી લઈએ તો પાસપોર્ટ ની તૈયારી કરી શકાય. રોહિતને એ વાત ઉચિત લાગે એ હેતુથી કહ્યું.
આમ બધું નક્કી કરી રોમા અને રોહિતે કોર્ટ મેરેજ કર્યા. રોમા પિતા સાથે પાછી અમેરિકા પહોંચી ગઈ. રોહિત અમેરિકા જશે એ જાણી માતા અને પિતાને દુઃખ થયું, પણ દીકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખી મ્હોં હસતું રાખ્યું.
રોહિતે અંહી પિતા અને માની સાથે રહી બધી બેંક ની સગવડ કરવી પડે તે પ્રક્રિયા પૂરી કરી. પિતા અને મમ્મીને ભવિષ્યના મોટા સ્વપ્ન દેખાડ્યા. રોહિત ના પિતાને શેખચલ્લીના વિચારોમાં રાચવું ખૂબ ગમતું. દીકરો અમેરિકા જશે, ખૂબ કમાશે ને માતા પિતાને ગાડીમાં ફેરવી આનંદમાં રાખે એવી કલ્પનામાં મહાલવાની મજા આવતી.
છ મહિના પછી રોમા પરિવાર સાથે અમેરિકાથી આવી. ખૂબ ધામધૂમથી રોહિત સાથે લગ્ન કર્યા. લગ્ન પછી મધુરજની માણવા નૈનીતાલ ગયા. ગામમાં પિતાની વાહ વાહ થઈ. આવી સુંદર અમેરિકા ની વહુ આવી એટલે સહુ તેમને ખુશ નસીબ માનવા લાગ્યા. ગામનું નામ રોશન થયું.
રોમાને ગામમાં ખાસ ગમ્યું નહિ પણ લગ્ન પછી નૈનિતાલ ગયા હતા. આવીને બે દિવસમાં અમેરિકા પાછું જવાનું હતું. મા, વહુ આવી એટલે ખુશ થઈ પણ , ઈદ ના ચાંદ જેવી ખુશી હતી. જે દીકરાને પણ દૂર કરવાની હતી. છાતી પર પથ્થર રાખી કશું પણ બોલ્યા વગર સઘળું કામ કરી રહી હતી.
રોહિતે પોતાની સાથે માતા અને પિતાના પાસપોર્પટ પણ તૈયાર કરાવ્યા. તેને કારણે ભવિષ્યમાં અમેરિકા આવતી વખતે સરળતા રહે. પાસપોર્ટ, વિસાની તૈયારીમાં એક વર્ષ નીકળી ગયું. માતા અને પિતા ને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. નવો આઈ ફોન લાવી આપ્યો અને કેવી રીતે વાપરવાનો એ બધું બરાબર શિખવ્યું. પોતાની માતાને પણ ફોન કેવી રીતે થાય તે બતાવ્યું. માને હિમત બંધાવી.
મા, તું અને પિતાજી ચિંતા નહી કરતા,’હું રોજ ફોન પર ફેસ ટાઈમ કરીશ. તને લાગશે પણ નહી કે તારો દીકરો તારાથી દૂર છે.’
મા હસતું મોઢું રાખી તેની વાત સાંભળતી. દીકરાનું સુખ આખી જીંદગી વિચાર્યું હતું. જીવનમાં તે આગળ વધે એ તેનું પણ સ્વપ્ન હતું. જે સાકાર થતું નિહાળી રહી હતી. કેટલા કષ્ટ સહન કર્યા હતા. પોતાની જુવાની દીકરા ઉપર ઓળઘોળ કરી હતી. માતા અને પિતા બાળકને જન્મ આપે પછી તેના ઉછેરમાં જાન રેડી દે છે. આ આપણી પરંપરા છે. ભારતીય સંસ્કૃતિની આ કમાલ છે.
રોહિતને અમેરિકા જવાનો સમય આવી ગયો. દિલમાં માતા અને પિતા ને છોડીને જતા રોહિત મનમાં કોચવયો. ભવિષ્યની કલ્પના કરતા દર્દને સહ્ય બનાવ્યું. માતા અને પિતા ખાસ તેને મૂકવા મુંબઈ આવ્યા હતા. ચાર દિવસ વહેલા સહુ મુંબઈ આવી પહોંચ્યા. પહેલીવાર મુંબઈ આવતા હતા એટલે થોડું ફર્યા અને આનંદમાં રાખ્યા. દીકરાનો પ્રેમ તો એમના જીવનની મૂડી હતી. જશે એટલે એકલતા સાલશે. કિંતુ ભણતો હતો ત્યારે પણ ઘરમાં ન હતો, માની મનને મનાવ્યું.
આખરે વિમાન ઘર પર આવ્યા. રોહિતે પિતા માટે બધી સગવડ કરી રાખી હતી. અમેરિકાથી ડોલર આવે ત્યારે તેના રુપિયા કેવી રીતે એમના ખાતામાં જમા થાય. પિતા આખી જીંદગી કરિયાણાની દુકાન ચલાવતા ગામમાં રહેતા હતા. માતા પણ સાદગીથી પોતાનું જીવન જીવતી હતી. તેની આંખનો તારો રોહિત જોઈ નજર ઠરતી.
રોહિત ને વિદાય કરી બન્ને જણા પાછા ગામ આવ્યા. ફોનની, ફેસ ટાઈમની, સગવડ રોહિતે કરી આપી હતી. દીકરાને જોઈ બન્ને જણા રાજી થતા. દીકરો જોવા મળતો એટલે બહુ વસમું લાગ્યું નહીં. ભણેલા રોહિતને અમેરિકા જોઈ અંજાઈ જવું, એ સવાલ જ ન હતો. અમેરિકા આવીને રોમાના મમ્મી તેમજ પપ્પા ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં વ્યસ્ત થઈ ગયા.
રોમા અને રોહિત હ્યુસ્ટન જોવામાં મશગુલ હતા. રોમાને પોતાના મિત્ર સાથે રોહિત ની ઓળખાણ કરાવવામાં રસ હતો. આમ ચારેક મહિના થઈ ગયા. રોહિતે અમેરિકા ની વિધિ પ્રમાણે થોડા વખત ભણવાનું શરૂ કર્યું. આમ ત્રણેક વર્ષ નીકળી ગયા. ભારતમાં માતા અને પિતા દીકરા ની પ્રગતિ ની પ્રાર્થના કરતા. જ્યારે રોહિતને હોસ્પિટલમાં મોટા પગાર સાથે નોકરી મળી ત્યારે સહુ પ્રથમ માતા અને પિતાને મળવા ભારત આવી પહોંચ્યો. રોમાને સાથે આવવાનું કહ્યું તો તેની મરજી ન હતી. રોહિતે આગ્રહ કરવાનું માંડી વાળ્યું. વ્હાલા માતા અને પિતા માટે ઘણી બધી સુંદર ભેટ લાવ્યો હતો. તેમની સાથે માત્ર દસ દિવસ રહેવાનો જ સમય હતો. ખૂબ પ્યાર આપ્યો અને પામ્યો. પાછો અમેરિકા જવા નીકળી ગયો.
ભારત, માતા પિતાને મળી આવ્યો. એના જીવમાં જીવ આવ્યો. પિતાના મુખ પરની ચમક તેના અંતરમાં કોતરાઈ ગઈ હતી.
પાછા આવીને કામે લાગ્યો. હવે તેને અંદાજ આવી ગયો હતો કે કેટલી મહેનત કરવાની છે. રોમા નો સંપૂર્ણ સહકાર પામ્યો. રોહિત નું શમણું સાકાર થયું. પૈસાની પણ રેલમછેલ જણાઈ. શરૂઆતના ત્રણ વર્ષ ખૂબ મહેનત કરી સફળ ડોક્ટર પુરવાર થયો. સુંદર ઘર લીધું, રોમા ઘર સજાવવામાં કુશળતા પૂર્વક કામ કરી રહી હતી. રોહિત તેની પસંદગી ને દાદ આપતા.
રોહિત પોતાના માતા અને પિતા અમેરિકા ફરવા આવે તેવી ઈચ્છા ધરાવતા હતા. રોમાને હા પાડ્યા વગર છૂટકો ન હતો. તેઓ નાના ગામના સીધા સાદા લોકો હતા. રોમાને તેમાં પોતાની ઈજ્જત જાય તેવું લાગતું હતું. રોહિત પોતાના મનનું ધાર્યું કરવામાં સફળ થયો. માતા અને પિતા ને લેવા મુંબઈ ગયો. અમેરિકાથી એજન્ટ રાખી તેમના પાસપોર્ટ અને વિઝા તૈયાર કર્યા હતા. પિતા માટે મુંબઈથી સરસ કપડા ખરીદ્યા માતા માટે સાડી લીધી. ચાર દિવસમાં અમેરિકા લઈને પાછો ફર્યો.
ઘરમાં કામ કરવા માટે દેશી બહેન રાખ્યા તેથી મમ્મીને તકલીફ ન પડે. રોમા તો રોજ બહાર જવાના બહાના બનાવે. શનિવારે અને રવિવારે જ્યારે રોહિત ઘરમાં હોય ત્યારે બહાર લઈ જાય.
રોહિતની મમ્મી ખૂબ શાંત સ્વભાવની હતી. દીકરાની ભાવતી વસ્તુ બનાવી ખવડાવવાનો પોતાના શોખ પૂરા કરતી. રોહિત પણ માતાના હાથે બનાવેલું પ્રેમથી જમતો. રોમાના માતા અને પિતા વેવાઈ અને વેવાણ ની ઈજ્જત કરતા. આદર સાથે ઘરે બોલાવ્યા. સત્કાર કર્યો. ચાર મહિના થવા આવ્યા. રોહિતને કામમાંથી ફુરસદ મળતી નહી.
જ્યારે ઘરે હોય ત્યારે માતા અને પિતાને પ્રેમથી નવડાવતો. પેટ ભરીને ખરીદી કરાવી. અમેરિકાની ઝાંખી કરાવી. તેમને પાછા મોકલવા મુંબઈ પણ તેમની સાથે ગયો. રોમા તો દંગ થઈ ગઈ. રોમાના માતા અને પિતા ખૂબ ખુશ થયા. પોતાના જમાઈ જે રીતે માતા પિતાને ઈજ્જત આપતા હતા, અંતર પ્રફુલ્લિત થઈ ગયું. રોહિત ને મન આ સાવ સામાન્ય હતું. આજની એની પરિસ્થિતિ ના સાચા હકદાર હતા.
ભારત મૂકીને પાછો આવ્યો ઘર સુનું સુનું લાગતું હતું. પાછા આવ્યા પછી રોમા પાસેથી શુભ સમાચાર સાંભળવા મળ્યા. તેની રાહ રોહિત પણ જોઈ રહ્યો હતો. રોમાએ દેખાવ પૂરતું રોહિતની મમ્મીને બોલાવવાનો આગ્રહ કર્યો. તે જાણતી હતી હમણાં જ આવી ગયા હતા તે નહીં આવે. “ટાઢે પાણીએ ખસ ગઈ”. રોમાને માત્ર રોહિત જોઈતો હતો. દેશી દેખાતા રોહિત ના માતા અને પિતા પ્રત્યે જરા પણ ઉમળકો નહોતો.
રોહિત ખુશ ખુશાલ હતો. ”સાલા મૈં તો બાપ બન ગયા”. કહીને રોમા ને રીઝવતો. રોમા ખુશ હતી. સમયને પાંખ હોય છે. સીમંત નો ભવ્ય કાર્યક્રમ કર્યો. રોહિતના માતા અને પિતા વિડિયો જોઈ ખુશ થયા.
‘અરે, હું દાદા થવાનો અને તું દાદી”. આપણી મહેનત ફળી. બાળક દીકરો હોય કે દીકરી સાથે પાછા અમેરિકા જઈશું. રોહિતના પપ્પા રમણભાઈ અને રેવતી બહેન ફુલ્યા સમાતા ન હતા. રોહિત નું વર્તન હૈયાને ટાઢક આપતું. જુવાનીમાં ભોગવેલી બધી મુસીબત વિસરાઈ ગઈ. રોહિતે અમેરિકામાં આદર, સત્કાર અને પ્રેમથી માબાપને સાચવ્યા. એનું વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થયું.
સિમંતના હરખમાં ભાન ભૂલેલી રોમા ઘરમાં ઠેસ વાગવાથી પડી. તેના હરવા ફરવા પર પ્રતિબંધ આવી ગયો. બાળકની પ્રગતિ પેટમાં સ્થગિત થઈ ગઈ. બાકીના દિવસો રોમાને સંપૂર્ણ પણે ગાળવા પડ્યા. રોમાને બાકીના સમય માટે ખાટલા પરથી ઉતારવાની મનાઈ ફરમાવી. પહેલું બાળક હતું. સાવચેતી રાખવી જરૂરી હતી. રોમાના મમ્મી રહેવા માટે આવી ગયા.
૨૪ કલાકની એક ભારતિય બહેન રાખી લીધી, જે અનુભવી હતી. રોહિત રોમાને પ્રફુલ્લિત રાખવાના પ્રયાસ કરતો હતો. રોમા અને રોહિત બંને જાણતા હતા કે આવનાર બાળક દીકરી છે. જીવ સાટે તેને સાચવી. ભારત થી રોહિતની માં આવવા રાજી હતી. પણ અહીં બધું બરાબર છે કહી ના પાડી.
રોહિતે ફોનમાં કહ્યું, મા તું અને પપ્પા દીકરી આવે પછી રમાડવા આવજો. અમેરિકાની જીંદગી જોઈને આવ્યા હતા એટલે વધારે આગ્રહ ન કર્યો.
રોમાને બીજી કોઈ તકલીફ ન હતી. ઉદરમાં પોષાઈ રહેલા બાળકની પ્રગતિ સંતોષકારક હતી. ખૂબ જ સાત્વિક ખાવાનું ખાતી , જેના કારણે પલંગ પર રહીને બેફામ વજન ન વધી જાય. રોહિત તેને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતો. રોમા એ પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી હતી. ડોકટરે પહેલેથી જ કહ્યું હતું કે સી સેક્શન કરવું પડશે. કેવું સુંદર નસીબ લઈને આવવાની હતી. રોમા અને રોહિતની મરજી દીકરી ને પપ્પા ના જન્મદિવસે ઓપરેશન કરી આ ધરતી પર અવતરણ કરવાનું નક્કી કર્યું. ભાગ્યશાળી દીકરી રોહિત અને રોમા ના જીવનમાં ખુશી લઈને આવી.
રોમાને ‘ખુશી’ નામ ખૂબ ગમ્યું. ખુશી, આવી ખુશી પ્રસરાવી રહી. રોમા એ ખાટલા સાથેની દોસ્તી છોડી. પહેલે ખોળે દીકરી આંખનો તારો બની રહી. તેનું લાલન પાલન જતનપૂર્વક થઈ રહ્યું. રોહિતે દસ દિવસની રજા લીધી હતી. અશક્તિ ને કારણે રોમા ખુશીનું ધ્યાન રાખવા માટે સક્ષમ ન હતી. ખુશી ૨૪ કલાક પિતાની નિગરાનીમાં રહી. રોહિતને દીકરી સાથે સમય પસાર કરવાની સોનેરી તક મળી.
રોહિત, ખુશી દીકરીને પળ ભર નજરથી દૂર ન કરતો, તેની સામે ટગર ટગર જોયા કરતો. રોમા નો આભાર માનતો આવી સુંદર દીકરી આપવા બદલ. રોમા, રોહિત નો આભાર માનતી,’માની પદવી સાંપડી હતી.’ રોમાની મમ્મી, પૌષ્ટીક ખોરાક મળે તેનું ધ્યાન રાખી રહી. પંદર દિવસમાં રોમા ખુશીનું ધ્યાન રાખવા તૈયાર થઈ ગઈ.
ખુશી મોટી થતી ગઈ. પહેલી વર્ષગાંઠ પર દાદા અને દાદી આવ્યા. રોહિત ચાર દિવસની રજા લઈને ગયો. માતા અને પિતા ને લઈ પાછો આવ્યો. રોહિતના દિલમાં માતા અને પિતા માટે પ્રેમ ઠાંસી ,ઠાંસીને ભર્યો હતો. કામ પર હોય એટલો વખત ખુશી અને માતા તેમજ પિતાથી દૂર રહે. ઘરે આવે એટલે ખુશી તેની. લઈને બધા સાથે ફેમિલી રૂમ માં બેસે અને ખુશી માના ખોળામાં સુવાડે. રોહિત જાણતો હતો દીકરી બન્ને ને ખૂબ વહાલી હતી. ચાર મહિના રહીને પાછા ગામ ગયા.
રોહિત હેમખેમ ઘરે પહોંચાડી ને પાછો આવ્યો. રોહિત ના પિતા ગર્વથી દીકરા ની પ્રગતિ અને પ્રેમ નિહાળતા. આમ ચારેક વર્ષ પસાર થયા. ખુશી પ્લે સ્કૂલ માં જવા લાગી. ફેસ ટાઈમ પર દાદા અને દાદી જોડે માયા બંધાઈ ગઈ હતી.
રોમા, રોહિતની કોઈ વાતમાં દખલ ન કરતા, તેના સૂરમાં સૂર પુરાવી આનંદ માણતી. ટુંકી માંદગી ભોગવીને રોહિત ના પિતા સ્વર્ગે સિધાવ્યા. પિતાને મળવા આવે તે પહેલા તેઓ આ ફની દુનિયા થી વિદાય થઈ ગયા. રોહિત દોડી આવ્યો. રોમા બીજી વખત મા બનવાની હતી. માતાને પ્રેમથી સમજાવી પોતાની સાથે અમેરિકા લઈ ગયો. ગામમાં તેનો બાળપણનો મિત્ર હતો એને બધું કામ સોંપી ચિંતા મુક્ત બન્યો.
રોમા કશું બોલી ન શકી. ગામમાં રહેતા હોવાથી રોહિત ના માને સાદગી પસંદ હતી. રોમા ૨૧મી સદીની, અમેરિકામાં ઉછરેલી, ડોક્ટર ની પત્ની માત્ર શિંગડા ઉગવાના જ બાકી હતા. આવી સાધારણ દેખાવ વાળી સાસુ સાથે કઈ રીતે ફાવે ? છતાં રોમા ખાસ બોલે નહીં. રોહિત આવે ત્યારે ખપ પૂરતું બોલે. રોહિત આવતાની સાથે દીકરી અને મા સાથે સમય પસાર કરે. ખુશીને દાદી સાથે રમવું ગમતું. રોહિતની માતા બધું સમજતા પણ પુત્રની જીંદગીમાં કોઈ હલચલ લાવવા માગતા ન હતા.
રોમા માટે ભારતીય વસાણા લઈને આવ્યા હતા. ઈશ્વરની કૃપા માનો રોમાને, સાસુના હાથની રસોઈ ખૂબ ભાવતી. મા, હંમેશા તેના માટે પૌષ્ટિક આહાર બનાવતી. ખુશી તો દાદીના હૈયાનો હાર બની ગઈ હતી. દાદીમા પણ તેને સરસ મજાની વાતો કરતા. તેના માટે સ્વેટર ગૂંથવા માં સમય પસાર કરતા. મશીન ચલાવવામાં પાવરધી રોહિતની મા ઢીંગલી કાજે સુંદર કપડા બનાવતા.
ગમે તે હોય રોજ સાસુ વહુ બપોરના લંચ સાથે લેતા. આજે બધી તૈયારી કરીને બેઠા, છાશ ના ગ્લાસ ફ્રિજમાં રહી ગયા.
‘તું બેસ ,હું લાવું છું’.
રોમાથી કહ્યા વગર ન રહેવાયું , ‘મમ્મી તમે બેસો હું લાવીશ’.
ઉઠીને લેવા ગઈ પાછા આવતા સ્લીપર વળી અને રોમા ગ્લાસ સાથે જમીન પર પડી. સાસુમા ગભરાઈ ગયા. ખાસ બહુ ખબર પડતી નહી. રોમા શિખવતી નહી. રોહિત પાસે સમય ન હોય. ‘૯૧૧’ નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી.જમીન પર પડેલી રોમા સાત માસે ગર્ભવતી હતી. બેભાન હાલતમાં હતી.
ઘરમાં વાતચીત પર રોહિત ની મા ધ્યાન આપતી. આ વાક્ય રોહિત ડોક્ટર હોવાના કારણે અવારનવાર કાને પડ્યો હતો. કોઈ પણ વાર સામેવાળી વ્યક્તિને આપણે ફૂટપટ્ટીથી ના માપવા. દરેક ની ક્ષમતા અલગ હોઈ શકે. કિંતુ સામાન્ય બુદ્ધિ માટે શંકા ન કરવી. માનવી સાદું હોઈ શકે ગતાગમ વગરનું નહીં.
૯૧૧, પર ફોન કરી માત્ર ,’ઈમરજન્સી’ શબ્દ બોલી ફોન મૂકી દીધો. રોહિત નું ઘર ખૂબ સુંદર પૈસાપાત્ર લોકો ના વિસ્તારમાં હતું. પાંચ જ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. બારણું ખોલ્યું. પેરામેડિક વાળા સમજી ગયા. ઘરમાં બીજું કોઈ નથી. આ બહેન એકલા છે. તમને ઈંગ્લીશ નથી આવડતું, માથું ધુણાવી ના પાડી.
હજુ તો એ લોકો રોમાને સ્ટ્રેચરમાં મૂકવાની તૈયારી કરતા હતા ત્યાં રોહિત આવી પહોંચ્યો. ઘરને આંગણે એમ્બ્યુલન્સ જોઈ વિચાર ઝબકી ગયો ,’માને શું થયું ‘?
દોડતો ઘરમાં આવ્યો. મા ખૂણામાં ઉભી હતી. રોમા સ્ટ્રેચર પર. ગભરાઈ ગયો. મા એ ટૂંકમાં વાત કરી એ સમજી ગયો. માને સહીસલામત જોઈ એના જીવમાં જીવ આવ્યો. રોમાની ફિકર થઈ. એમબ્યુલન્સની પાછળ રોમા સાથે હોસ્પિટલમાં ગયો.
મા, ખુશી શાળાએથી આવશે, એનું ધ્યાન રાખજો. ત્યાં સુધીમાં હું પાછા આવી જઈશું.
રોમા બીજી વાર મા બનવાની હતી, તેની હાલત ખૂબ નાજુક હતી. સારું થયું રોહિતની મમ્મીને ૯૧૧, પર ફોન કરતા આવડ્યો. માત્ર ઈમરજન્સી શબ્દ આવડતો હતો. રોમાને પાંચેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. જ્યારે અકસ્માત પછી ભાનમાં આવી, રોહિત ને પૂછ્યું ‘હું ક્યાં છું’ ?
રોહિતે કહ્યું હોસ્પિટલમાં. ‘કેમ મને શું થયું’?
તને યાદ છે, ‘તું અને મારી મમ્મી જમતા હતા, છાશ લેવા ઉભી થઈ અને પાછા આવતા ઠેસ વાગવાથી પડી ગઈ. હા, હા રોમાને યાદ આવ્યું. ‘નસીબ સારા કે મમ્મીને ફોન કરી સંદેશો આપતા આવડ્યું. જેને કારણે આજે આવનાર બાળક અને મારી રોમા હેમખેમ છે’. રોહિત રોમાને જણાવી રહ્યો હતો.
રોમા મૌન થઈ ગઈ. મનમાં વિચારી રહી, ‘”રોહિતની મા, મારા સાસુ ને ક્યારે પણ આદર આપ્યો નથી. પ્રેમ તો બહુ દૂરની વાત છે. રોહિત ના દેખતા આડંબર કરતી. એની મા, એકદમ નાના ગામના હતા એટલે જાણે તુચ્છ માનતી. આજે તેના ઉદરમાં પોષાઈ રહેલું પારેવડું જો ફફડી રહ્યું હોય તો તેનું કારણ સાસુમા છે”.
ભલે મા, નાના ગામના હતા, કશું આવડતું ન હતું. શિખવાડવા ની તકલીફ ક્યારે પણ લીધી ન હતી. અગમચેતી વાપરીને કેવો ઈમરજન્સીમાં ફોન કર્યો. ઈંગ્લીશ આવડતું ન હતું છતાં પણ ‘ઈમરજન્સી’ જેવો શબ્દ બોલીને ફોન મૂકી દીધો.
આજે રોમા જીવતી હોય કે તેનું બાળક સંપૂર્ણ સુરક્ષિત હોય તો યશ રોહિતના માને ફાળે જાય છે. રોહિતના મા, ખૂબ કુશળ ગૃહિણી હતા. પતિનો સાથ છૂટી ગયો. પુત્ર પ્રેમથી અમેરિકા માને લઈ આવ્યો. એની ખુશીમાં અવરોધ ન બનતા બસ પ્રેમની ગંગા વહી રહી હતી.
રોમ લગભગ દસ દિવસ હોસ્પિટલમાં રહી. મા ખુશીને પ્રેમથી સાચવતા. રોમા માટે ઘરેથી તેનું ભાવતું ભોજન રોહિત સાથે મોકલતા. જેને કારણે આવનાર બાળક અને તેની માતાનું સ્વાસ્થ્ય સારું રહે એવી પવિત્ર ભાવનાથી.
આખરે રોમા ઘરે આવી. તેનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. રોહિત તો માતા ને ચાહતો હતો. રોમા ખુશી સાથે રમી રહી હતી. રોહિત માતાને વળગી પોતાના દિલનો ભાવ હળવો કઈ રહ્યો હતો. રોમા પ્રેમ સભર આંખે માને નીરખી રહી.
********