Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 88 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 88

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 88

(૮૮) માળો પિંખાઈ ગયો

મહરાણાનો અંગરક્ષક બનીને કાળુસિંહ ચાવડ ગામે આવી પહોંચ્યો,

“મીના, મેવાડી દરબારમાં મેં મારૂ સ્થાન મેળવી લીધું છે.”

“ભાઈ, મને આનંદ થયો. હવે તારા હૈયામાં જેણે સ્થાન મેળવ્યુ છે અને અપનાવી લે તો સોનામાં સુગંધ ભળે.”

સુંદર યુવતી સરયુ સાથે કાળુસિંહના લગ્ન લેવાયા. થોડા દિવસો પ્રણયની મસ્તીમાં ગાળ્યા બાદ કાળુસિંહે કહ્યું, “સરયું, હવે હું મારી ફરજ પર જઈશ.”

“સુખેથી સિધાવો, પ્રાણનાથ, હું ક્ષત્રિયાણી છું, આપના કર્તવ્યપથમાં બાધક ન બનું. હવે તો મારી સાથે આપની પ્રેમ-સ્મૃતિ છે જ.”

કાળુસિંહ અને સરયુ જુદા પડ્યા, મિલન અને વિયોગની પરંપરા ચાલવા માંડી. આવા સુંદર સંસારમાં એક સુંદર પુત્ર જન્મ્યો.

કાળુસિંહે મહારાણા પાસે રહી ડાકુઓની પરેશાની દૂર કરવા ગામડાઓમાં તાલીમ અને સામનો કરવાની નવજાગૃતિ આણી. પરિણામે ડાકુઓ પોતાની ટોળીને ચંબલની ખીણમાં લઈ ગયા.

એક દશક કરતાંયે વધુ સમય પસાર થઈ ગયો.

ચંબલની ખીણમાં રહીને માળવાના પ્રદેશ તરફ લૂંટફાટ કરતા દિલાવરખાન પર મોગલ થાણાંઓની ભીંસ આવી. સ્થળ બદલવાની જરૂર ઉભી થઈ.

હવે એને કાળુસિંહ યાદ આવ્યો. એનીપર ઘા કરવો જોઇએ એવું લાગ્યું,

“સરદાર, દુશ્મનને ગાફેલ રાખીને નિશાન તાકવું જોઇએ.”

“કેવી રીતે ?”

“ચાવંડ ગામમાં કાળુસિંહની પત્ની અને બહેન પણ રહે છે. સૌથી જોરદાર સામનો ત્યાંથી જ થવાની શક્યતા છે. આપણે એની વિરૂદ્ધ બીજા ગામડાઓ પર હલ્લા કરવા જોઇએ. એ ગામડાંઓ તરફ કાળુસિંહ અને એની ટુકડી સક્રિય બને એટલે એક વેળા ચાવંડ પર ટૂટી પડીએ. એના આ ગામને તબાહ કરી, એનું નાકજ વાઢી લઈએ.”

“પરંતુ આખું ગામ તાલીમબધ્ધ છે એનું શું?”

“એનો પણ ઉપાય છે. ગામ આખું ગૌરી ઉત્સવ ઉજવવા જ્યારે સીમમાં હોય ત્યારે જ ટૂટી પડીએ. શસ્ત્રહીનોને ખતમ કરી દેવા. ખરેખર સબક શિખવાડવો.”

શાબાશ, કયામત. તું ચાવંડને માટે પણ સાચેજ કયામત છે. મુક્ત અટહાસ્ય સાથે દિલાવરખાન બોલ્યો.

કાળુ અને સરયુનો સંસાર સુખેથી ચાલતો હતો. દશ વર્ષનો બહાદુર ગામનો લાડીલો કિશોર બની ગયો હતો.

કાળુસિંહ એક સપ્તાહ ચાવંડમાં રહ્યા. આ દરમિયાન આજુબાજુના ગામનો પણ સંપર્ક સાધ્યો. તાલીમ પામતા ગ્રામજનોને જોતો અને શાબાશી આપતો. ચાવંડમાં પણ સવાર સાંજે કવાયત પુરજોશમાં ચાલતી હતી.

“હવે જો ડાકુઓ આવે તો નાસતા એ એમને ભોંય ભારે પડી જાય.” ગામના આગેવાન કૃષ્ણાજી બોલ્યા.

“છતાં વડીલ, સાવધાન રહેવુ, ડાકુ એ સિપાહી નથી. ગમે ત્યારે ત્રાટકી પડે, છળકપટ ડાકુઓના ભાથામાં રહેલા ભયંકર શસ્ત્ર છે.” કાળુસિંહે ચેતવણી આપી.

મોડી રાતે, સર્વત્ર નિંદ્રાદેવીનું સામ્રાજ્ય જામી ગયું હતું. ત્યારે કાળુ અને સરયુ જાગતા બેઠા હતા.

“સરયુ, સાવિત્રી હવે સાત વર્ષની થઈ. આ વખતે હું બહાદુરને મારી સાથે લઈ જાઉં?”

“ભલે, એ રાજદરબારની રીત તો સમજે.”

માંને પુત્રવિયોગની કલ્પના ધ્રુજાવતી હતી પરંતુ એના ભાવિ માટે એ જરૂરી હતું. ગામમાં રહીને જેટલું ઘડતર થઈ શકે એટલું ઘડતર તો એ મેળવી ચૂક્યો હતો. થનગનતા ઘોડાને દોરડાનું બંધન પણ રોકી શકતુ નથી. ઉડવા ઇચ્છાતા પંખીને કેદ કરી રાખો તો તે મુરઝાઈ જાય.

બહાદુરને લઈને કાળુસિંહ ઘરની બહાર નીકળ્યો ત્યારે સરયુની આંખમાં નીર ભરાયા, કાળુ પાછો આવ્યો, પોતાના ખેસ વડે સરયુની આંખો લૂંછી.

સરયુ જેવી વીરાંગના આમ રોઇ પડશે એવુ કોણ કલ્પી શકે? બહાદુર ઢીલો પડી જશે.

“ના, આ તો હૈયું ભરાઈ આવ્યું”

પાછા બધાં હસ્તા પારેવડાની જેમ વિખરાયા.

છતાં કાળુને અને સરયુને લાગતું હતું કે, આજની વિદાયમાં કાંઈક તફાવત છે.

ગૌરીપુજનનો ઉત્સવ આવ્યો. આખાયે ગામમાં અનેરો ઉત્સાહ વર્તાતો હતો. સૌ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને સીમમાં ગયા.

યુવતીઓનું ઝૂંડ સ્વચ્છંદતાથી આમતેમ ફરતું હતું. હાસ્ય, કટાક્ષ અને ગમતની છોળો વચ્ચે સૌ તરબોળ થઈ રહ્યા હતા.

એવામાં દૂર દૂર, ધૂળની ડમરી, આકાશમાં ચઢતી જણાઈ. “મીના, જો તો સામે શું જણાય છે.”

“સરયુ, કાળુ ભૈયા આવતા હશે. તારી યાદ ખેંચી લાવી હશે.”

“મીના, ધૂળની ડમરીથી આકાશ છવાઈ ગયું છે. તેઓ આવે ત્યારે સાથે પંદર વીસ સાથીઓ હોય છે. આ તો મોટું દળ-કટક હોવું જોઇએ.”

“તો પછી જૂનો દુશમન દિલાવરખાન તો ના હોય?” અને આ વિચાર સાથે જ બંને યુવતીઓ જોરથી બરાડી ઉઠી.

“ભાગો, જલ્દી ગામમાં પહોંચી જે મળે તે લઈને તૈયાર થાઓ ડાકૂ દિલાવરખાન મોટી ટુકડી સાથે આવી રહ્યો છે. જે મળે તે હાથમાં લો અને સામનો કરો. મરવુ છે તો મારીને મરવું.”

દોડધામ મચી ગઈ, અશક્ત અને નિર્બળ સ્ત્રી-પુરૂષો તો આ મૃત્યુની દોડમાંજ અધવચ્ચે ડોળા લટકાવીને સ્વર્ગે સિધાવ્યા. જેમનામાં જોર હતું એમણે મોતની દોટ મૂકી, ઘણાં બધાં ગ્રામવાસીઓ હાથમાં લાઠી, તલવાર કે બીજા શસ્ત્રો લઈને ગામમાં ભેગા થયા.

આ વખતે દિલાવરખાન પણ પૂરા બસો સશક્ત જવાનોને લઈને આવ્યો હતો. તેઓ ભૂખ્યા વરૂની માફક ગામવાસીઓ પર ટૂટી પડ્યા.

સામનો થયો ડાકૂઓના હાથે ગામલોકો અને ગામલોકોના હાથે ડાકૂઓ મરવા લાગ્યા.

“કયામત, જે આવે તેને ખતમ કરો, કાફરો ચેતી ગયા.”

એક સુંદર યુવતી હાથમાં લાઠી લઈને, સાક્ષાત રણચંડી બનીને પોતાની સામે આવતી જોઇને દિલાવરખાન છળી ઉઠ્યો.

“ઇસકો મારના મત, ઇસે તો ઉઠા જાયેંગે.”

પરંતુ દિલાવરખાનના આ શબ્દો ભારે પડ્યા. કસાયેલ લઠૈતની માફક આ યુવતી ડાકૂઓ પર લાઠીનો પ્રહાર કર્યે જતી હતી, એ યુવતી સરયુ હતી.

“હત્યારા દિલાવર, તારૂં મોત તને અહીં ખેંચી લાવ્યું છે.” કહીને એણે દિલાવરપર લાઠીનો વાર કર્યો. ચપળ દિલાવરખાને એ ઘા ચૂક્વી દીધો. લાઠી જમીનપર અથડાઈ અને બે ટુકડા થઈ ગયા.

“સરદાર, ગાફેલ ન રહેશો. આ કાળુસિંહની ઔરત છે.”

ત્યાં તો સરયુએ ઘાયલ થઈને પડેલા ડાકુની તલવાર ઉઠાવી, “હવે આ કાળભુજંગિની તારૂં બલિદાન લેશે. તું મને ઉઠાવે તે પહેલાં તને આ તલવાર ઉઠાવી લેશે.” સામસામી તલવારો અથડાઈ.

વિજળીના કડાકા થાય તેમ બંનેની તલવારોની ટક્કરથી તણખા ઝરવા લાગ્યા. એક જોરદાર ઘા ને દિલાવરની તલવારના ટુકડા થઈ ગયા. હવે સરયુની તલવારનો ઘા પડે અને દિલાવરની ગરદન કપાય એવો ઘાટ હતો. પરંતુ સરયુ બરાડી.

“ડાકૂ, તલવાર ઉઠાવ, હું શસ્ત્રહીનને મારવા નથી માંગતી.”

દિલાવરખાને ત્વરાથી તલવાર ઉઠાવી દૂરથી આ જોઇને મીના બરાડી.

“સરયુ, તેં મોટી ભૂલ કરી, વિજયને પરાજયમાં ફેરવી દીધો.”

ફરી પાછી જીવસટોસટની તલવારબાજી, એક પળે, દિલાવરની તલવારે ઘા કરી, સરયુની ગરદન ઉડાવી દીધી. એક નાની છોકરીએ કયામતની છાતીમાં ડાંગનો ઘા કર્યોને પાછી ફરીને જુએ છે તો પોતાની જનેતાની ગરદન ધડથી અલગ.

તે બરાડી ઉઠી, “ઓ માં, તું ચાલી ગઈ.”

લાઠીનો ઘા ચચરતો હતો. કયામતે ખંજર કાઢી તે છોકરી, સાવિત્રીના સીનામાં ઉતારી દીધું.

ખડખડાટ હસતાં કયામત બોલ્યો. “અબ કાલું, જીભર રોયેગા.” ત્યાં તો એક યુવતીએ આવીને એના માથામાં ડાંગ ફરકારી કયામતની ખોપરી ફાટી ગઈ.

એ મીના હતી. ભયંકર લડાઇ ચાલી. મીના કયામતનું કામતમામ કરીને નાઠી, હવે રોકાવાનો અર્થ ન હતો, ગામનો સર્વનાશ થઈ ગયો હતો. એ દોડીને દૂરદૂર ઝાડીમાં છુપાઈ ગઈ.

દિલાવરખાનના અડધા સાથીઓનું કબ્રસ્તાન બનાવીને આખું ગામ મૃત્યુની ગોદમાં સૂતું હતું.

મીનાએ જઈને કાળુસિંહને આ દર્દનાક વાત હિંબકા ભરતાં ભરતાં કહી. “બહેન, મારો માળો પિંખાઈ ગયો. દિલાવરખાનની ટોળીને ખતમ કરીનેજ હું જંપીશ.”

કાળુસિંહે ચુનંદા સાથીઓ પસંદ કર્યા. જે સરપર કફન લઈને ફરતા હતા. દિલાવરખાનને એનાજ અડ્ડાપર ઘેર્યો. એની ટોળીને પડકારી.

એક ઝનુની ઘાએ, કાળુસિંહની હાથે, દિલાવરખાનની ગરદન, ઘડથી અલગ થઈ ગઈ. તેની ટોળીના જે ડાકૂઓ સામે થયા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. શરણે થયા એમને અભયદાન આપી, તેમના ઘરે રવાના કર્યા.

વેર, પ્રતિશોધ, બદલો. આનો અગ્નિ પ્રચંડ હોય છે. હવે કાળુસિંહના હૈયામાં ઠંડક વળી.

મહારાણાજીની સેવામાં કાળુસિંહ અને બહાદુર તન, મનથી લાગી ગયા, આખાયે મેવાડમાંથી ડાકૂઓની રંજાડ નિર્મુળ થઈ.

મહારાણાએ દરબારમાં કાળુસિંહના દીકરા બહાદુરસિંહને તલવાર અને સાફો બાંધ્યા. વીરતાનું બહુમાન કર્યું.

“બહાદુર, તલવાર અને સાફાની માનમર્યાદા સાચવજે,”  પગે લાગતા પુત્રને પિતાએ ટકોર કરી.

“પિતાજી, મેવાડ માટે, ગમે તે પળે બહાદુરના પ્રાણ પ્રસ્તુત છે.”

આખો દરબારખંડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. કાળુને લાગ્યું, જાણે સરયુ અને સાવિત્રી પણ આ મેદનીમાં તાળીઓ પાડી રહી છે.

સાંજનો સમય છે. મહાદેવના મંદિરમાં ઘંટારવ થઈ રહ્યો છે. એક શ્વેતવસ્ત્રધારિણી, યોગિની મંદિરના પ્રાંગણમાં બેઠીબેઠી ભૂતકાળને વાગોળી રહી છે. એ છે મીનાદેવી.

“સરયુ, તારો આવો અંત”

પરંતુ સરયુ જાણે કહેતી હોય, “મીના, સરયુ મરી નથી. નીચે જોઇ મીનાદેવીએ આંખો ખોલી તો બહાદુરને ચરણ સ્પર્શ કરતો જોયો.

“ફોઇ, હું આવ્યો.”

મીનાએ બહાદુરને હૈયા સરસો ચાંપ્યો.

દૂર ઉભેલા કાળુસિંહની આંખો ભીની થઈ. “આજે સરયુ અને સાવિત્રી હોત તો... ”