Patanni Prabhuta - 39 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 39

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 39

૩૯. હૃદય અને હ્રદયનાથ

મીનળદેવી છાતી પર હાથ મૂકી પોતાના ઊછળતા હૃદયને શાંત કરતી ઊભી રહી. તે કાળ, વસ્તુસ્થિતિ, પ્રસંગ, બધું ભૂલી ગઈ. તેમ માત્ર એટલું જ ભાન રહ્યું, કે તેનો મુંજાલ આવે છે. પંદર વર્ષો પાછાં ખસ્યાં, ચંદ્રપુરમાં જે મીનળ હતી; ઘણે અંશે તેવી જ તે થઈ રહી; વર્ષો વીત્યાં હતાં, દુઃખો પડ્યાં હતાં, છતાં હૃદયમાં ફેરફાર થયો નહોતો.

ઘણી વાર તે આમ ને આમ ઊભી રહી. શું નહિ આવે ? આવશે તો શું કહેશે ? કેવી રીતે વાત કહાડશે ?' કોઈનાં પગલાં સંભળાયાં; તેમાં મુંજાલનાં પગલાંનો અવાજ પારખવા પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. પગલાં ચાલ્યાં ગયું એટલે તેનું હૃદય વધારે ખિન્ન થયું. બીજાં પગલાંઓ આવ્યાં : આ જરૂર તે હશે એમ તેણે ધાર્યું.

એટલામાં સમર આવ્યો અને બોલ્યો : ‘બા ! બહાર મુંજાલ મહેતા આવ્યા છે.’

'અંદર મોકલ, અને હું કહું નહિ ત્યાં સુધી કોઈને આવવા દેતો નહિ.'

'જેવી બાની મરજી,' કહી સમર ગયો અને મુંજાલને અંદર લઈ આવ્યો. સમર પાછો જઈ, બારણું ધ્યાનપૂર્વક દઈ, બારણા બહાર ઊભો રહ્યો.

મુંજાલને હાથે અને પગેથી બેડીઓ કાઢી નાંખવામાં આવી હતી, તેથી તે છૂટો જ આવ્યો, તેની જૂની દૃઢ અને સત્તાદર્શક ચાલે જ તે આવ્યો; અને તેનું માથું પહેલાંના કરતાંયે વધારે ગર્વથી ગગનમાં વિહરતું હતું. માત્ર તેના મોઢા પર અત્યંત ગ્લાનિ છવાઈ રહી હતી; તેના હોઠ ભયંકર દૃઢતામાં દબાઈ રહેલા હતા; તેની આંખોમાં પણ દિલગીરી દેખાતી હતી; સાથે દયા પણ હતી. તે માથું નીચું કરીને ઊભો રહ્યો.

તેને જોઈ, રાણી ગભરાટમાં પડી; ‘હવે કેમ બોલાશે ?' તેને ધ્રાસ્કો પડ્યો, અને તે નીચેથી ઊંચું જોઈ શકી નહિ. રાણીએ એમ ધાર્યું હતું કે તે બોલશે; પણ તે અક્ષર પણ બોલ્યો નહિ. થોડી વારે રાણીએ નીચેથી ઊંચું જોયું; સ્વાસ્થ્યની મૂર્તિ બની મુંજાલ નીચું જ જોઈ રહ્યો હતો.

'મુંજાલ ! હું કેમ કરીને વાત શરૂ કરું ? મેં તને ઘણું દુઃખ દીધું છે; તેની ક્ષમા આપશે?' રાણી જવાબની આશાએ થોભી.

મુંજાલે માત્ર નીચેથી ઊંચું જ જોયું.

'તું મારી સામે તિરસ્કારથી જુએ છે ? ભલે જો. મારો ગર્વ ગળ્યો છે, હું મારી મૂર્ખાઈ સમજી છું; મારી ગઈ સત્બુદ્ધિ પાછી આવી છે. હું તારા તિરસ્કારને પાત્ર છું; પણ મને માફ નહિ કરે ?'

મુંજાલ તેમ ને તેમ ઊભો રહ્યો.

‘તું શું જુએ છે ? શું વિચાર કરે છે ? બોલતો કેમ નથી ?'

'હું સાંભળું છું,' તેનો પ્રભાવશાળી અવાજ નરમ પડી ગયો હતો.

'મુંજાલ ! તું હોશિયાર છે. તને પટાવવામાં માલ નથી; હવે તું એમ માન, કે તને પટાવવાની મારી શક્તિ નથી. તું બાહોશ છે; પાટણમાં તારા સમાન બીજો કોઈ છે નહિ. તારા હાથમાં મારું રાજ્ય, મારા દીકરાનો તાજ છે. તું જા અને પાટણને મનાવી આવ.'

'હું કેદી છું; મને શી ખબર કે પાટણમાં શું છે ?'

'પાટણમાં ? પાટણમાંથી હું બહાર ગઈ, એટલે લોકોએ હુલ્લડ કર્યું; શાંતુ મહેતાના હાથમાંથી કોટની કૂંચીય લઈ લીધી; અને તારો ભાણેજ ત્રિભુવનપાળ ગામનો રાજા થઈ પડ્યો છે. વળી મંડુકેશ્વરનો રુદ્રમહાલય બળી ગયો અને દેવપ્રસાદ અને હંસા બળી મૂઆં.’

‘હંસા !'

મુંજાલના અવાજમાં જરાક ભાવ આવવા લાગ્યો.

'હા, હંસા ! છેલ્લી વાર મેં હંસાને મંડલેશ્વર પાસે મોકલી આપી. છોકરો ધારે છે, કે એનાં માબાપને મેં મારી નંખાવ્યાં એટલે હવે તે પ્રતિજ્ઞા લઈને બેઠો છે.'

મીનળે ‘શું ?” પૂછવાની વાટ જોઈ; પણ કાંઈ સવાલ આવ્યો નહિ. તેણે આગળ ચલાવ્યું : ‘એટલે કે ક્યાં તો પાટણ નહિ કે ક્યાં તો મીનળ નહિ.' રાણીએ મુંજાલ સામે જોયું. તે તો સ્વસ્થતાથી ઊભો હતો; એટલે થાકી, રાણીએ વધુ કહેવા માંડ્યું : ‘અત્યારે ચંદ્રાવતીનું લશ્કર બે ગમથી ગૂંચવાયું છે; એક તરફ વલ્લભસેન દેવપ્રસાદનું લશ્કર લઈ પાછળ પડ્યો છે; આગળ ત્રિભુવન પાટણનાં બારણાં બંધ કરીને બેઠો છે. પાટણ સામે જાઉં ? વલ્લભ સાથે લડું તો વખત છે ને જયદેવકુમારની ગાદી સમૂળગી જાય. તેના કરતાં પાટણ જોડે સમાધાન થાય તો સારું. પણ તે કેમ કરવું?' મુંજાલ મૂંગો રહ્યો.

'કહેની, તારી શી સલાહ છે ? કેદીઓની સલાહ કેવી ?'

'મુંજાલ ! મુંજાલ ! મારી એક ભૂલ આગળ ને આગળ કર્યા કરશે ? હું મૂરખ ' છું. છેલ્લા ત્રણ દિવસ થયાં મને ઘણું ભાન આવ્યું છે. હું સમજી છું કે મારી મૂર્ખાઈની કોઈ સીમા રહી નથી,' કહી મીનળદેવી માથે હાથ મૂકી પાટ ઉપર બેસી ગઈ.

'મુંજાલ ! મેં તારું જેટલું નહિ માન્યું, તે માટે હું પસ્તાઉ છું. તું ધારશે હું ઢોંગ કરું છું, પણ ના ! મેં જોયું કે લોકોનો જે વિશ્વાસ તેં અને મંડલેશ્વરે મેળવ્યો, તે હુ શા સારુ નહિ મેળવી શકી!'

રાણીએ અત્યારે સુધી ઘણું મનમાં રાખ્યું હતું; પણ વિચારે, પીડાએ, મુંજાલને માટે ઊભરાતી લાગણીઓએ મનનાં બાર ઉઘાડી નાખ્યાં હતાં. અને એક વખત વિચારો અને લાગણીઓનો પ્રવાહ ચાલ્યો એટલે રોકવો કઠણ હતો, એટલે તેણે મુંજાલના બોલવાની રાહ ન જોતાં આગળ ચલાવ્યું : 'તમારા કરતાં હું મારી જાતને ડાહી માનતી હતી અને આઘે રહી લોકોને કબજામાં રાખી, તેમને શેતરંજની સોગઠીઓ જાણી, રમાડવા માંગતી હતી. તમે બન્ને ગુણમાં અને દોષમાં લોકોના આદર્શ હતા અને તેથી લોકોનો તમારા પર પ્રેમ હતો. તેમાં તમે જીત્યા, હું હારી. એકલી સત્તા એ સ્વપ્ન છે, એ જ્ઞાન ઘણું મોડું થયું..

‘એમ ?' મુંજાલે પૂછ્યું. તેની આંખમાં તિરસ્કાર ચમકી રહ્યો હતો.

'હા હવે તું કાંઈ બોલશે ? મારી બાજી બગડી ગઈ છે. મારી ગાદીનાં ઠેકાણાં નથી. બધું સુધારવાનું તારા હાથમાં છે. ગમે તેમ કરી તારા ભાણેજને સમજાવ. હું બધું આપવા ખુશી છું; માત્ર મારા છોકરાનું રાજ અમર રાખ; મને રાજમાતા થઈ પાટણમાં રહેવા દે.'

'તે શું કહે છે ?' ભાવહીનતાથી મુંજાલે પૂછ્યું.

'તે તો કાંઈ કાંઈ કહે છે. મારી ચાર આંગળની ભત્રીજી આવી મને કહી ગઈ, કે હું રેવાતટે જઈને રહું તો તે જયદેવકુમારને પટ્ટાભિષેક કરાવે ! શું કરું કે મારામાં જોર નથી અને કોઈ શહેર મારી પડખે છે નહિ; નહિ તો એ છોકરીની ને એના ત્રિભુવનની જીભ ખેંચી કઢાવત મેં સાંભળ્યું છે, કે એ છોકરાએ પ્રતિજ્ઞા લીધી છે કે પાટણમાં એ નહિ કે હું નહિ. હવે શું કરવું ? તું કેમ કાંઈ કહેતો નથી ? તારી બુદ્ધિ ક્યાં ગઈ ?

'જ્યાં સુધી હું મંત્રી હતો ત્યાં સુધી બુદ્ધિ હતી; હવે નથી,’ તોછડાઈથી મુંજાલે કહ્યું.

'બુદ્ધિ નથી ? મુંજાલ ! તું શું કહે છે ? તારા સિવાય અત્યારે મારે કોઈ બીજો આરો નથી. ના, તારા સિવાય બીજો કોઈ આરો મારે હતો નહિ ને છે નહિ. તું કાંઈક રસ્તો બતાવ. તારી બુદ્ધિ નહિ ચાલે એ બને ? નાનપણમાં તું જ કહેતો હતો, કે તું શું ન કરી શકે તેની તને સમજ પડતી નથી.'

'હા, હું બધું કરી શક્યો. બૈરીને મરવા દીધી. બહેનને મારી; એક રીતે બનેવીને માર્યો; ગામનેયે ગરદન માર્યું; પણ હવે ભાણેજને મારવાની બુદ્ધિ રહી નથી.' જાણે નજીવી વાત કરતો હોય તેમ પદભ્રષ્ટ મંત્રી બોલ્યો.

'ત્યારે હું મરું ? મુંજાલ ! આ બધાનું મૂળ હું છું; બધા વચ્ચે આડીખીલી હું છું. હું મરી જાઉં ? તે પણ મેં વિચાર કર્યો. આખરે અગ્નિદેવતા તો મને નહિ જ તરછોડે. પણ તેને શરણે જાઉં તે પહેલાં મને લાગે છે કે કાંઈક ઉપાય છે. તું કાંઈ બતાવે છે?'

મરેલા અને જીવતા વચ્ચે મને તો બહુ ભેદ નથી લાગતો.' કઠોર અવાજે મુંજાલે કહ્યું.

'‘તને ક્યાંથીં લાગે ? તારે શરણે આવી છું, એટલે તું જે કહેશે તે ચાલશે; પણ તું કાંઈ રસ્તો બતાવ.'

'પ્રભુની મરજીને આધીન થાઓ.' તિરસ્કારથી મુંજાલે કહ્યું.

'એટલે હું મરું ? મારા દીકરાનું રાજ્ય જવા દઉં ?" જોગમાયા છો, ભયંકર રીતે જરા હસી તે બોલ્યો : સોલંકીકુળને ઉચ્છેદવા નિર્માયાં છો.'

રાણીને લાગ્યું, કે તેને પીગળાવવો હોય તો મૂંગો રહે તેના કરતાં ગાળો દે તે વધારે સારું તેથી તે બોલી, 'હા, હું ઉચ્છેદ કરવા આવી છું. તું શા માટે બોલે ? એક સોલંકી જશે તો બીજો આવશે. તારો તો ભાણેજ ચક્રવર્તી થશે.'

દુનિયાની ચડતીપડતી જોડે મને સંબંધ નથી.' મુંજાલે ટૂંકેથી પતાવ્યું. તે એમ મીનળની વાક્ચાતુરીમાં ફસાય એમ ન હતો.

'ત્યારે તું કાંઈ નહિ કરે ? મુંજાલ ! મુંજાલ ! આજે પંદર વર્ષ પછી તું કાંઈ નહિ કરે ?'

જવાબમાં મુંજાલ કઠોર રીતે હસ્યો.

કચવાઈને રાણીએ કહ્યું : 'હસ, હસ; રાજી થા હું આટલું આટલું કહું છું, પણ તને કાંઈ થતું નથી? એક વખત માફ નહિ કરે ? હવેથી તારા કહ્યા વગર એક ડગલું નહિ ભરું. કાંઈક તો રસ્તો બતાવ.'

રસ્તો બતાવવાનો ધંધો મેં છોડી દીધો છે.

‘આમ શું કરે છે ? તને જરા દયા નથી આવતી ? મેં તારું મંત્રીપદ છોડાવ્યું મેં તને કેદ કરાવ્યો; હું કૃતઘ્ની નીવડી; જે કહેવું હોય તે કહે; પણ એક વખત મહેરબાની કર. તું કહે તો તને પગે લાગું, મને આટલું કરી આપ.' જેમ જેમ રાણીને પોતાના પ્રયત્નો નિષ્ફળ થતા લાગ્યા, તેમ તેમ તેણે વધારે પ્રયત્ન કરવા માંડચો, અને પ્રયત્ન કરતાં તેનામાં જે કાંઈ પણ સ્વાસ્થ્ય કે ગૌરવ હતું તે જતું રહ્યું; અને પોતાના અસલ સ્વભાવમાં જે કાંઈ ભાવો હતા, તે બહાર નીકળવા માંડયા. ગઈ રાતની એ જ પંથે તે ચાલવા માંડી હતી; હવે પળેપળે જેમ તે અંતરની સીધી સરળ ભાષા બોલવા લાગી, જેમ સામે ઊભેલા પ્રભાવશાળી પુરુષનું વ્યક્તિત્વ તેના ગાંડા હૃદયને વગર શબ્દ વધારે ગાંડું બનાવતું ગયું, તેમ તે પંચનો અંત આવતો ગયો; અનુભવ વગરની, કૃત્રિમતા વગરની, સત્તાના આકાંક્ષી મનની ખટપટો વગરની, પંદર વર્ષ પહેલાંની મીનળ થતી ગઈ. મીનળે હાથ જોડ્યા.

'રાણી ! આ સિવાય બીજું કાંઈ ન કહેવું હોય તો રજા આપો. આમાં હું કાંઈ કરી શકું એમ નથી. જે દિવસે હું તમારે હાથે કેદી થયો તે દિવસથી હું મુંજાલ મટી ગયો.'

રાણી એકદમ ઊઠી મુંજાલની સામે આવીને ઊભી રહી, અને પોતાના હાથમાં હાથ નાંખી તેને આમળી નાંખ્યા; પાછું તેનું તે મેં ગુનો કર્યો; તે બદલ મારવી હોય તો માર. મને પાછી પાટણ લઈ જા અને જોઈએ તો કરવત કાલે સવારે મેલજે ! તેનું તે શું કહ્યા કરે છે ? મને જોઈ ધિક્કાર આવે છે ? એક ઘડી મારી સાથે વાત કરતાં તને કચવાટ પેદા થાય છે ? એ પણ નસીબની બલિહારી છે. મુંજાલ ! મુંજાલ ! તું કહે છે કે મારે મરવું; એ જ તારું છેલ્લું વચન ? ઠીક કાંઈ રસ્તો નથી ? પણ આજ તેત્રીસ વર્ષની ઉંમરે મરવું ભારે લાગે છે.'

શેઠાણી પચ્ચીશ વર્ષની ઉંમરે ગઈ; હંસા ત્રીસ વર્ષે,' ક્રૂરતાથી, શાંતિથી મુંજાલે કહ્યું.

'હા ! હા !” રાણીએ માથા પર જોરથી હાથ અફાળતાં કહ્યું :‘એક ભાગ્યશાળી થઈ ગઈ, કે મુંજાલ જેવા પતિને હાથે અગ્નિદાહ પામી; બીજી પણ ભાગ્યશાળી થઈ ગઈ, કે મંડલેશ્વર જેવા નરના હાથમાં મરી ભાગ્યફૂટેલી તો હું. કે મારી સાથે કોઈ આવવાનું નથી, મારી પાછળ કોઈ રડવાનું નથી. મારા શા ભોગ લાગ્યા હતા, કે પાટણના નામથી લોભાઈ હું અહીંયાં આવી ? નહિ તો આ દિવસ દેખત નહિ. આ ભૂમિ પર તો શાપ છે – તે જેને ને તેને ખાઈ જાય છે.'

'રાણી ! મને દોષ દેવો હોય એટલા છે; મારી માતાને નહિ દેશો.'

'દઈશ, કેમ નહિ દઉં ?' આક્રંદ કરતાં મીનળે કહ્યું; તે ચંદ્રપુર આવી આ ભૂમિનાં વખાણ નહિ કર્યાં હોત, તો હું અહીં પગ નહિ મૂકત.

મારી જન્મદાતા ભૂમિનાં કીર્તન કરવાં, એ મારો ધર્મ છે. મારી ભૂમિ જેવી ભૂમિ તો સ્વર્ગલોકમાં પણ જડવી મુશ્કેલ થઈ પડે એવી છે,' હતું તેના કરાવે માથું ઊંચું કરતાં મુંજાલે કહ્યું, પોતાને વાંકે પારકાને શું કામ દોષ દો છો?'

'એમ તો એમ, મને નથી. શા સારુ? ' આંખમાંથી આંસુઓ સારતાં રાણીએ કહ્યું : 'આ ભૂમિના નાથ પાછળ કાલે સવારે કે સતી થઈશ. તે સિવાય આ મૂંઝવણમાંથી રસ્તો જડવાનો નથી. મારે ગૌ૨વહીણાંનાં થઈ જીવવું નથી; આ દિવસ પણ આવશે, એમ ધાર્યું નહોતું.'

દુઃખનો ઉમળકો આવતાં રાણીએ ધ્રુસકાં પર ધૂસકાં ખાવા માંડો; અને બોલી : ‘મુંજાલ ! હવે તો જરા ભીની આંખે જો. આ તારી કઠોર નજર, તિરસ્કારભર્યું મોઢું મારું હૈયું ચીરે છે. હું તને બીજું કાંઈ નહિ કર્યું, તારી પારો બીજું કાંઈ નહિ માંગે; બે બોલ નહિ કહે ? તુ મારી સાથે આવો થશે, એ મેં કોઈ દિવસ નહોતું ધાર્યું.'

મુંજાલે માથું છાતી પર નીચું નાખી દીધું, અને એક પણ બોલ બોલ્યા વગર ઊભો રહ્યો.

રાણી જાણે ગાંડી થઈ હોય, એમ રડતે રાગે, ધ્રુસકાં ખાતાં ધીમે ધીમે પાછી બોલવા લાગી : મુંજાલ ! એક પળ તો ભૂતકાળ ભૂલી જા. તું ગુસ્સે થયો છે તો બે તમાચા માર; અત્યારે હું ચંદ્રપુરના રાજાની છોકરી નથી; પાટણના મહારાજાની પત્ની નથી; નવા મહારાજની મા નથી; હું મીનળ છું; પંદર વર્ષ પર તને જોઈ ગાંડી થઈ રહેનાર બાલા છું. હું મરીશ પણ મરતાં પહેલાં મને તારા બે બોલ તો સાથે લઈ જવા દે. મુંજાલ ! તું તે દિવસ ભૂલી ગયો ? તારાં વચને લોભાઈ હું ગુજરાત પર ગાંડી બની; તને યાદ છે ? તું પાટણની શી લીલા વર્ણવતો હતો ? મને અત્યારે એકેએક શબ્દ યાદ છે. મુંજાલ ! તને પગે લાગે. એક, એક પળ બધું વીસરી જા. એક વખત હતો તેવો એક પળ વાર થા. હું ગાંડી થઈ ગઈ છું, મારી સાન જતી રહી છે. પંદર વર્ષ સુધી મેં સ્વપ્નામાં સંભાર્યા નથી, એવા બાળપણના ઉમળકા તાજા થાય છે. ઓ મુંજાલ !' કહી રાણી ઉદ્વેગના જોરથી ઊભી હતી ત્યાં પછડાઈ પડી.

મુંજાલ તેને પડતી અટકાવવા જરા પાસે આવ્યો, અડધે અટક્યો અને પછી ટટાર ઊભો રહ્યો. તેણે દુઃખથી જરા પીગળેલે અવાજે કહ્યું :

મીનળદેવી ! આ આક્રંદ શા અર્થનું ? ગઈ ગુજરી સંભારે શો ફાયદો? હમણાં તો તમે કર્ણદેવ મહારાજનાં વિધવા રાણી છો.'

'ખરી વાત છે. મુંજાલ ! મરતાં મરતાં પણ ખરા મનની ઊર્મિઓ કહેવાનો મને શો અધિકાર છે ?હું પહેલેથી જુદી છે. તારા દેશમાં આવવા, તારી પાસે રહેવા, મેં પારકો હાથ સ્વીકાર્યો. હવે મારે પોતાના હૃદય સાથે શો સંબંધ રહ્યો છે ? મનસા વાચા જેનું જીવન બેઈમાન, તેને મરતાં પણ શું સુખ મળે?

તમે ઊંધા અર્થ નહિ કરો. હશે, પણ અત્યારે એ મરેલા પ્રસંગો જીવતા કર્યો શો માલ?'

'મને અત્યારે માલનો હિસાબ નથી. મરનારને માલની શી પરવા ? જે છે તે, પણ મુંજાલ ! ઓ મુંજાલ !' ગાંડા જેવા થઈ ઊઠતાં રાણીએ કહ્યું : 'હું મરું તે પહેલાં એક વખત તો બોલ, મારી સામો હસ, મારે બીજું કાંઈ નથી જોઈતું, મારા મુંજાલનું મોઢું જોઈ મરવું છે, મને અડકતાં ઝેર ચડે એમ છે ? તું વેર લે છે ? હા, તે દિવસનો કિન્નો લે છે. મારાં લગ્નને દિવસે મેં તને હડસેલ્યો; મેં તને તે દિવસે કહ્યું, કે હું ગુજરાતની રાણી થઈ; તારી જનેતા થઈ; મેં તને કહ્યું, કે સુદ્ર વાસના ત્યાગી આપણે ગુજરાતના સ્તંભ થઈ રહેવું જોઈએ; મેં તને કાઢી મૂક્યો. તરછોડવો; તેનું વેર લે છે?'

આ વાક્યો સાંભળતો મુંજાલમાં અજબ જેવો ફેરફાર થયો. તેની ભાવહીનતા જવા લાગી; તેની છાતી શ્વાસોચ્છવાસે ઊંચીનીચી થતી દેખાઈ; તેના મોઢા પર, આંખોમાં કુમાશ આવી. તે બોલ્યો ત્યારે તેનો અવાજ ધ્રૂજતો હતો : મીનળદેવી ! મહેરબાની કરી એ દિવસોની યાદ જતી કરો, મારો જીવ રહેંસાઈ જાય છે.'

'તારો રહેંસાઈ જાય છે, ને મારી નથી જતો જ મુંજાલ ! મને સ્વાર્થી ગણ, તુચ્છ ગણ, બેવફાદાર ગણ. તેં મને ઘણી વખત ભાવહીનતા માટે ટોકી છે; હું તેમ નથી. તે દિવસો સંભારી જીવું છું; તે દિવસે કચરેલી હૃદયની ઊર્મિઓએ મારું હ્રદય સ્વાર્થી અને શુષ્ક બનાવી મુક્યું છે. મુંજાલ ! પરણીને તરત સંકેત સાચવવા હું રાજગઢમાં ઊતરી, તે યાદ છે ? તે પળ આવતાં હું બદલાઈ જઉં છું. તે વખતે તેં શું કર્યું −'

'મીનળદેવી ! મીનળદેવી “ ખોખરે ઘાંટે મુંજાલ બોલ્યો; બસ કરો દરેક મનુષ્યના ધૈર્યનો પણ અંત હોય છે. મારાથી વધારે ખમાતું નથી.'

'શું કામ ખમે છે ? હું તે જ માગું છું. એક પળ, તે રાતે, મુંજાલ હતો તેવો થઈને રહે, હું સુખેથી કાલે મરીશ. મુંજાલ ! ઓ મુંજાલ !' કહી રાણી પાસે આવી અને મુંજાલના હાથ પકડવા ગઈ. તે એકદમ પાછો હટી ગયો. રાણીની સરેલી આંખોમાં અને જ્વલંત મુખ પર જે અગ્નિ દેખાતો હતો, તેણે તેને પણ બાળવા માંડ્યો. તેનાં સ્વસ્થ ગાત્રો ધ્રૂજી ઊઠ્યાં; તેની આંખ આગળ પહેલાંની મીનળ આવીને ઊભી રહી. તેણે હોઠ દાબી શાંતિ મેળવવા પ્રયત્ન કર્યો, પણ કોઈ પત્તો નહિ ખાધો.

'રાણી શું કરો છો?

'મુંજાલ તું મારી કેમ મટી ગયો છે?'

'તમે મને તે દિવસે દૂર કર્યો, ફરીથી પરમ દિવસે દૂર કર્યો,' પોતાના હૃદય જોડે સખ્ત દ્વંદ્વયુદ્ધ કરતાં મુંજાલે કહ્યું.

'પણ તું કેમ પલટાયો ? મુંજાલ ! હું અધમ છું. તું નથી, ઘણા જોરથી હાંફતાં મીનળે કહ્યું.

'હું નથી પલટાવો.' માથું હલાવી, મનમાં ઊઠતા ભડકા શમાવવા યત્ન કરતાં મુંજાલે કહ્યું..

'ખરેખર ?' મીનળની આંખોમાંથી ભયંકર વિદ્યુત ઝરી. મુંજાલે માથું નીચું નાંખ્યું; તેણે નિષ્ફળ પ્રયત્ન કરવા છોડી દીધા; 'દેવી મીનળ –' તેણે નિરાધાર થઈ બૂમ પાડી. તેના અવાજમાં પુષ્પધન્વાના ધનુષ્યનો ટંકાર હતો.

મીનળ મૂંગે મોઢે બાવરી બનીને ઊભી રહી; જાણે ગાંડો થઈ ગયો હોય એમ મુંજાલ આગળ ધસ્યો, મીનળને પોતાના હાથમાં લીધી, કચડી નાંખી, બીજી પળે બળથી તેને દૂર ધકેલી ભોંય પર પટકી અને તે નાઠો.