૩૬. રાણીની નિરાશા
જ્યારે મીનળદેવીને ચાંપાનેરી દરવાજા આગળથી કાંઈ જવાબ ન મળ્યો, ત્યારે તેના ગુસ્સાનો અને કચવાટનો પાર ન રહ્યો. તેની ગણતરીમાં એવું કોઈ વખત નહોતું આવ્યું કે, મોરારપાળ આમ ફસાવશે.' કોની સામે ગુસ્સો કહાડવો, તે કાંઈ પણ ન સમજાવાથી મીનળદેવીનો ગુસ્સો વધારે ને વધારે ધૂંધવાયો, સાંજના અંધકારમાં પાછો નીકળી, નાસીપાસ થયેલો રસાલો મોડી રાતે જ્યાં ડેરાતંબુ નાંખી લશ્કરે પડાવ કર્યો હતો ત્યાં પહોંઓ. રાણી પોતાને ઉતારે ચાલી ગઈ. તેને સદ્ભાગ્યે સેનાધિપતિ સિવાય કોઈ જાણતું ન હતું કે રાણી પાટણ જવા નીકળી હતી.
આ મુશ્કેલીની વખતે કોની સલાહ લેવી ? હજી સુધી આનંદસૂરિ આવ્યો નહોતો. રાણીએ તેને કચવાટમાં ગાળેગાળ દીધી. બીજા બધા પરગામીઓમાં કોઈ એવું ન હતું કે જેની મદદ તે લે. હા, એક મુંજાલ હતો; પણ નાક નીચું કરી રાણી તેને પૂછવા જાય ? મુંજાલ કેદી થઈ પહેરેગીરોની સાથે ફર્યા કરતો અને એક શબ્દ પણ બોલતો ન હતો. એની સલાહ અત્યારે સોના કરતાં વધારે કીમતી થાય; પણ પોતાનું અભિમાન છોડી તેને પૂછવા જવું ? રાણીએ એવો વિચાર મગજમાંથી કહાડી નાંખ્યો. અત્યારે તેને પોતાની સ્થિતિનું કાંઈક ભાન થયું. મુંજાલ હંમેશાં કહેતો હતો કે મારી બુદ્ધિ વડે તમારી સત્તા ટકે છે, ત્યારે રાણી તેને હસતી; ત્યારે તેને વિચાર આવતો કે જાણીજોઈને મુંજાલ તેની સત્તા વહેલો વહેલો બેસાડતો નથી. અત્યારે તેને મુત્સદ્દીની મહત્તાનો કાંઈક ખ્યાલ આવ્યો. સામે પાટણ કોટ બંધ કરી બેઠું હતું; પાછળ મંડલેશ્વર લશ્કર લઈ ઝઝૂમતો હશે; માત્ર ચંદ્રાવતીનો આશરો લઈ, પરદેશી રાણીની માફક પારકા લશ્કર પર આધાર રાખી, તે અહીંયાં રાજ લેવા પડી હતી. જેમ જેમ તે વધારે વિચાર કરતી ગઈ, તેમ તેમ તેનો ગૂંચવાડો વધતો ગયો; તેની નિરાધારીનું ચિત્ર વધારે ને વધારે મનઃચક્ષુ આગળ ખડું થયું.
'બા ! એક કોદાળિયો કાંઈક ખબર લઈ આવ્યો છે. તેને સેનાધિપતિએ અહીં મોકલ્યો છે.' રાણીએ ઊંચું જોયું; પોતાના જૂના ચોપદાર સમરને જોઈ તેની આંખમાં આંસુ આવ્યાં; તે નિમકહલાલ ચોપદાર રાણીની સાથે સાથે જ ફરતો હતો.
'અંદર બોલાવ !'
'જી !' કહી સમર કોદાળિયાને અંદર બોલાવી લાવ્યો. બા ! અહીંયાંથી બે જોજન ૫૨ વલ્લભસેનનું લશ્કર આવ્યું છે.'
'હેં ? ત્યારે મંડલેશ્વર પણ સાથે હશે ?'
'ના, બા ! મંડલેશ્વર તો સરસ્વતીમાં બૂડીને મરી ગયા. અને મંડુકેશ્વરનું મહાલય જતિએ બાળી મૂક્યું; એવી વાત આવી છે.'
'તેં ક્યાંથી જાણ્યું ? શું ખરી વાત?' રાણી પણ ચમકી
'બા ! હું તો વાત સાંભળીને અહીંયાં આવ્યો.’
'ઠીક, બીજું કંઈ કહેવું છે ? નહિ તો જા.'
'ના, બા ! વિજયપાલજીએ તપાસ કરવા સૈનિકો મોકલ્યા છે.'
‘ઠીક,’ કહી રાણીએ તેને વિદાય કર્યો.
રાણી વધારે વિચારના વમળમાં પડી; મંડલેશ્વર ગયો અને વલ્લભ લશ્કર લઈ અહીંયાં આવ્યો. વિશ્વપાલે અડગ વલ્લભની બધી વાત રાણીને કરી હતી. વિચારમાં અને વિચારમાં સૂતેલા છોકરાની સામે અવારનવાર જોઈ, આંસુ ઢાળી, રાણીએ આખી રાત વિતાવી. તેને મન દરેક પળ વધારે ને વધારે ભયંકર થતી હતી; સવારે વધારે ચોક્કસ ખબર મળી. વલ્લભ લશ્કર લઈ નિરાંતે બે જોજન દૂર જ રહેવાનો ઇરાદો રાખતો હતો અને તેની સાથે આનંદસૂરિ પણ કેદી તરીકે હતો. જાસૂસોની ખબર ઉપરથી લાગ્યું, કે મંડલેશ્વર ગયાથી એના માણસો વીખરાઈ જવાનો ઇરાદો રાખતા ન હતા; અને ચંદ્રાવતીનું લશ્કર વધારે મોટું હોવાથી વલ્લભે આમ બેસી રહેવાનો રસ્તો લીધો હતો.’
'બા !' જયદેવકુમારે કહ્યું; આપણે કાલે પાછાં કેમ આવ્યાં ? બા ! પાટણ ચાલોની.'
'જઈશું, જઈશું, જરા વાર છે.’ મીનળદેવીએ સાંત્વના આપી. પણ જયદેવને આ પરદેશીઓમાં કાંઈ ચેન પડતું નહિ અને તેને પણ લાગ્યું, કે અત્યારે સ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ હતી. વધારે બોલ્યા વગર તે મૂંગો રહ્યો.
સૂર્ય જરા ચઢ્યો, એટલે મીનળદેવીએ વિશ્વપાલ અને બીજા એક વિશ્વાસુ સામંત, શાન્તુશેઠનો એક છોકરો વિનયચંદ્ર અને ચંદ્રાવતીનો સેનાધિપતિ વિજયપાળ એટલાને પોતાની પાસે બોલાવ્યા. લશ્કરમાં મંડલેશ્વરના મૃત્યુની વાતથી કાંઈક હર્ષ થયો હતો અને રાણીના ગઈ કાલના અનુભવથી બધા અજાણ હોવાને લીધે બધાને વિજય મેળવવો હાથવેંતની વાત લાગતી હતી. પાટણમાં લોકો વીફર્યા છે' એવી વાત આવી હતી; પણ ત્યાં કોઈ બાહોશ માણસ નથી, તેથી કાંઈ વળવાનું નથી; અને લોકોનું ઝનૂન ક્ષણભંગુર હોય છે,' એમ બધા ચોક્કસ માનતા હતા, એટલે જ્યારે બોલાવેલા યોદ્ધાઓ આવ્યા ત્યારે તેઓ આશાના પૂરમાં તણાતા હતા.
બધા બેઠા અને શું કરવું' તેનો વિચાર કરવા લાગ્યા. સાથે આવ્યા હતા, તેથી રાતની વાત વિનય અને વિશ્વપાલ બે જ જાણતા હતા, પણ તે સિવાય કોઈને રાણીએ વાત કહી ન હતી; એટલે તે વાત કોઈએ છેડી નહિ.
વિજયપાળ અનુભવી યોધ્યો હતો. તેણે વિચાર કરી કહ્યું : 'બા ! બધી વાત ખરી. આપણા માણસો વિશ્વાસુ છે અને તેમની સંખ્યા ઘણી મોટી છે. પણ હમણાં તો આપણે બે તરફથી સપડાયા જેવા છીએ. એક ગમ પાટણ અને બીજી ગમ વલ્લભ માટે જેમ બને તેમ જલદીથી બેમાંથી એક ભય જવો જોઈએ. તમે જો એમ ધારતાં હો, કે પાટણ આપણા તરફ છે તો તેને રીઝવવાનું શરૂ કરી. ખેંગાર કે જે કોઈ બીજો હોય તેની અથવા કોઈની મારફતે આપણે પાટણનો ભય ટાળવો જોઈએ; નહિ તો પાટણનો ઘેરો શરૂ કરો. આમ બેસી રહે સૈનિકોનો ઉત્સાહ ભાંગતો જાય છે'
રાણી, વિશ્વપાલ અને વિનયે એકમેકની સામું જોયું પાટણમાં તેમનો વિશ્વાસ પળેપળે ઓછો થતો હતો; પણ હમણાં કહેવાય કોને એ વાત કરતાં થોડો વખત ગયો એટલામાં ખબર આવી કે પાટણથી એક સામંત સંદેશો લઈને આવ્યો છે. બધાએ આતુર થઈ તેને બોલાવવાનો હુકમ કર્યો અને ક્યાં સુધી મૂંગે મોઢે બારણાની સામે જોયા જ કર્યું. થોડી વારે મોરારપાળ, શરમથી ગરવાઈ ગયેલો, પોતાની બેવફાઈથી ક્ષોભ પામેલો અને પાટણમાં મળેલા અનુભવથી ધ્રૂજતો આવીને ઊભો.
તેને જોઈ રાણીએ હર્ષની બૂમ મારી. આવે અણીને વખતે પોતાના બહાદુર, નિમકહલાલ સામંતને જોઈ તેને આનંદ થયો : 'મોરાર ! આવ, આ બોલ શા સમાચાર છે?'
'હા બા ! માત્ર દુઃખના સમાચાર લાવ્યો છું.'
'હરકત નહિ, બેસ.' કહી રાણીએ પોતાની ગાદીની પાસે તેને બેસવા સૂચવ્યું અને પોતાની આંખથી ચેતવું કે, કાલ સાંજની વાત અત્યારે નથી.’ મોરાર તે સમજી ગયો.
'બા! હું પાટણથી સંદેશો લઈને આવ્યો છું.
'પાટણથી ! પાટણથી બાને સંદેશો કોણ મોકલાવે છે ?' વિનયચંદ્રે પૂછ્યું.
'કોણ શું? હમણાં તો પાટણનો થઈ બેઠેલો પતિ, ત્રિભુવનપાળ સોલંકી.'
'હેં હેં હેં' બધા બોલી ઊઠ્યા.
એ છોકરું શું કરવાનો હતો ?' વિશ્વપાલે કહ્યું.
'બા ! એ છોકરું નથી. તમને, મુંજાલ મહેતાને કે બીજા કોઈને શું રાજ કરતાં આવડે છે ? એ તો આજે ખરેખરો એકચક્રે રાજ કરે છે ને તમને સંદેશો કહાવ્યો છે. કહું ?” કહી મોરારપાળે વિજયપાળ સેનાધિપતિ તરફ જોયું.
'હા, કહો અહીંયાં કોઈ પારકું નથી' રાણીએ કહ્યું.
તેણે કહાવ્યું છે, કે મીનળબા જ્યાં સુધી હશે ત્યાં સુધી જયદેવ કુમાર પાટણમાં પગ મૂકી શકવાના નથી; ક્યાં તો પાટણ નહિ કે ક્યાં તો મીનળબા નહિ.'
પળ વાર બધાએ એકમેકની સામે જોયું. રાણીએ ઘણા પ્રયત્નથી સ્વાસ્થ્ય મેળવ્યું અને પૂછ્યું, 'કેમ, બધાની અક્કલ ગઈ કે શું ?'
'બા ! સાચેસાચું બોલું તો ક્ષમા કરજો, પણ છેલ્લા ત્રણ દહાડામાં કાંઈ નવનવા અનુભવો મને થઈ ગયા છે. આવો પ્રસંગ તો કોઈ જમાનામાં નહિ થયો હશે.' કહી તેણે બધી વાત કરી.
સાંભળનારાં બધાં ચકિત થઈ ગયાં. રાણી વધારે ને વધારે નિરાશ થઈ ગઈ. સ્વપ્ને પણ ન ધારેલી પીડાઓ ઊભી થઈ તેની સામે આવતી હતી. બધા પાટણના ગૌરવની, પટ્ટણીઓના નગરપ્રેમની વાતો કરતા ત્યારે તે હસતી હતી. સત્તા આગળ પાટણના શાણપણનો તેને હિસાબ નહોતો. અત્યારે પાટણનું શાણપણ તેની સત્તા કરતાં વધારે શક્તિવાન નીવડ્યું હતું. વાત કરતાં મોરારપાળે પ્રસન્નની કાંઈક વાત કરી. રાણી ચમકી: 'કોણ ? મારી ભત્રીજી?'
'હા, બા !' અંદરથી લજવાતાં મોરારે કહ્યું; 'તે પણ મોટી વીરાંગના થઈ પડી છે.'
રાણી વધારે વિસ્મય પામી, બધી વાત પૂરી થઈ ત્યારે શું કરવું' તેનો વિચાર બધાએ ફરીથી કરવા માંડ્યો. મોરારપાળને તો બધું અશક્ય લાગ્યું. આખરે કાંઈ પણ નિશ્ચય પર આવ્યા વિના બધાને એમ થયું કે કોઈ રીતે પાટણને રીઝવી તાબે કરવું જોઈએ.
બધા વીખરાયા પછી રાણીએ મોરારને બોલાવી પૂછવા માંડ્યું. અને ગઈ કાલે દરવાજો કેમ નહિ ઉઘાડ્યો' તેનો ખુલાસો માગ્યો. પોતે પકડાઈ ગયો, એમ બહાનું કહાડી તેણે તે વાત ઉડાવી.
'મોરાર ! પ્રસન્ન અને ત્રિભુવનને બહુ સારું હતું; હમણાં કેમ છે ?'
મને ખબર નથી, પણ તેવું જ હશે, શું કહેવું તે નહિ સૂઝતાં મોરારે કહ્યું : ગઈ કાલના ચાબખાનો ચમચમાટ બિચારાને તાજો થયો.
'ત્યારે પ્રસન્ન મારફતે કાંઈક કરીએ તો ત્રિભુવન માનશે ?'
મોરારે નિરાશામાં ડોકું ધુણાવ્યું. વધારે કારન્ન તે આપી શકે એમ નહોતું, નહિ તો રાણીની આશાઓનો તે જ પળે નાશ કરતા
'મોરાર ! તેં તો ગભરાઈ ગયો છે; પણ હમણાં વિનયને મોકલી પાટણથી થોડે દૂર પ્રસન્નને મળવા બોલાવું છું.'
'તે આપની મરજી, પણ મને તો એમાં કાંઈ સાર દેખાતો નથી.'
'જોઈશું,' કહી થોડીક આશા આવવાથી, જરા હરખાતી રાણી ઊઠી વસ્તુસ્થિતિ ભયંકર હતી; ડૂબતો માણસ પળેપળે બચવાની આશા રાખે, તેમ રાખી તે પોતાનું કામ કરતી હતી. બપોર પછી વિનયચંદ્ર પચ્ચીશેક સવારો લઈ પાટણ તરફ રવાના થયો અને મોઢેરી દરવાજા તરફ ગયો. થોડી વારે ખેંગાર મંડલેશ્વરને મળ્યો અને કહ્યું, કે મીનળદેવી પ્રસન્નમુખી જોડે વાત કરવા માગે છે.' ઘણી વાટ જોયા પછી ત્રિભુવનપાળ આવ્યો, અને વિનયનું આમંત્રણ સ્વીકાર્યું. બીજે દિવસે સવારે પચ્ચીશ પચ્ચીશ હથિયાર વગરના માણસો સહિત, અધવચ્ચે ક્ષેમરાજદેવની વાવ આગળ મીનળદેવી અને પ્રસન્નમુખીએ મળવું અને વાત કરવી, એવો ઠરાવ થયો.
મીનળદેવીના મનમાં એક નિશ્વય દૃઢ થતો ગયો, કે પાટણ સાથે કદી લઢવું નહિ; તેને દબાવી-ફોસલાવી વશ કરવામાં જ માલ હતો.' તેનું કારણ એ હતું, કે આખા ગુજરાતમાં તેના તરફ કોઈ શહેરો થોડાં વધારે હોય તો તે પાટણ અને કર્ણાવતી બે હતાં; મોઢેરા તરફ માણસોનાં માણસો મોકલ્યાં, પણ ત્યાંથી કાંઈ સ્પષ્ટ જવાબ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં જો એક વખત તે પાટણને ઘેરો ઘાલે તો આખા દેશમાં તેનું કોઈ નામનું પણ રહે નહિ; અને વખત છે ને કાંઈ પરાજય મળે તો ચંદ્રપુર પાછા જવા સિવાય બીજો રસ્તો પણ રહે જ નહિ, બીજું કારણ એ હતું કે ચંદ્રાવતીના આગેવાનો પાટણ સાથે વેર કરવા તૈયાર હતા કે નહિ, તેની ખાતરી રાણીને નહોતી. હમણાં ચંદ્રાવતીનો સેનાધિપતિ વિજયપાળ ઘેરો ઘાલવા તૈયાર હતો ખરો, પણ કાલે ઊઠીને કાંઈ પણ કરવા ના પાડે, એ બને એમ હતું; અને ઘેરાથી આખરે પાટણ પડશે જ તે કેમ કહેવાય?
છતાં એ નિશ્ચય જાળવવો સહેલ નહોતો. પાટણમાં તોફાન ઊઠશે તે રાણીએ કોઈ દિવસ ધાર્યું નહોતું. હવે એ તોફાનને લીધે પાટણે સામનો કરવા દેખાવ એવો સ્પષ્ટ કર્યો, કે રાણીને ક્યાં તો ઘેરો ઘાલવો પડે કે ગૌરવ ખોવું પડે; પણ રાણીને ઘેરો ઘાલ્યા વિના ગૌરવ સાચવવું હતું.