૩૪. મોહિની
બપોર વીતી અને સાંજ પડવા લાગી. પાટણમાં ઘણે ભાગે થોડીઘણી શાંતિ પ્રસરી ગઈ હતી. ધંધો, વેપાર, મોજમજાહ પહેલાં જેવાં સરળ હજી ચાલવા લાગ્યાં ન હતાં, તોપણ લોકોને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમના ગૌરવની રક્ષા લાયક માણસો કરી રહ્યા છે. બધા લડાયક પુરુષો કોટનું રક્ષન્ન કરવા અને પરદેશી લશ્કર ઘેરો ઘાલે તો બચાવ કરવા તત્પર થઈ રહ્યા હતા. મોંઢેરી દરવાજા ૫૨ ખેંગાર મંડલેશ્વરે મોરચો માંડ્યો હતો; અને માત્ર તે જ દરવાજાની બારી ઉઘાડી રાખવામાં આવી હતી, તેમાંથી કોણ બહાર જાય છે અને કોણ અંદર આવે છે, તેનો હિસાબ ખેંગાર લેતા અને જરૂરની ખબર હોય તે ત્રિભુવનને પહોંચાડતા. વિખરાટમાં ચંદ્રાવતીનું લશ્કર લઈ મીનળદેવી પડી છે, એ વાત આખા ગામમાં પહોંચી ગઈ હતી અને તેથી લોકો તેના પર ઘણા જ રીસે ભરાયા હતા.
સાંજ થવા આવી, એટલે રાજગઢમાંથી પાછલે બારણે ત્રણ જણ નીકળ્યાં. પહેલાં એક શાલમાં વીંટાયેલી એક છોકરી. પછી કપડાં ઉપરથી હલકા વર્ગનો લાગતો અને બુકાનીથી મોઢું ઢાંકેલો એક રાજપૂત, અને થોડેક પાછળ મૂછોના આમળા પર આમળા ચડાવતો ડુંગર નાયક. બધાં ઝપાટાબંધ ચાંપાનેરી દરવાજા તરફ ચાલ્યાં અને ઉદાનું ઘર આવ્યું ત્યારે ત્યાં ઊભાં રહ્યાં. છોકરી રાજપૂત તરફ ફરી.
'જો, તું ઊભો રહે. હું આવું છું,' છોકરીની આંખો હસતી હતી; આજે મારું રાજ ચાલે છે.'
રાજપૂતને આ મશ્કરી ન ગમી હોય એમ લાગ્યું. જરા સખ્તાઈથી જોઈ રહ્યો. 'તારું નહિ માને તો ?... નહિ માને તો પછી હું જબરદસ્તી કરીશ !'
'તમારે કામ કાઢવું છે કે જબરદસ્તી કરવી છે ? અપ્સરાઓ કોઈથી હારી છે? '
વારુ. હું જરા આઘો ઊભો રહીશ; એ હમણાં આવશે.' કહી રાજપૂત આધો ખસી ગયો.
આમ એક અભિસારિકા થઈ બહાર નીકળતાં પ્રસન્નનો સંસ્કારી આત્મા દુભાયો, તોપણ પોતાના નિશ્ચય આગળ બીજા વિચારો દૂર કર્યા અને સામે મહાદેવનું મંદિર હતું તેમાં તે ગઈ. સંધ્યા પછી થોડી વારમાં મોરારપાળે આવવાનું કહ્યું હતું.
ધાંડના સેનાધિપતિએ ચાંપાનેરી દરવાજાની ચોકી કરવાનું પોતાને માથે લીધું હતું; અને શા કારણથી તેણે તે કર્યું હતું, તે ન જાણવાથી ખેંગારે અને ત્રિભુવને તેને તેમ કરવા દીધું હતું; એટલામાં જે બાળા પાછળ તે ગાંડો થઈ ગયો હતો અને જેનાં સ્મરણો તેના મનમાં રમી રહ્યાં હતાં, તેણે પણ અનાયાસે આ મંદિરમાં મળવાનો જ સંકેત કર્યો એટલે મોરારનો હર્ષ માયો નહિ, રાણીને માટે દરવાજો ઉઘાડતાં વાર હતી, એટલે બાળા સાથે ઘડી બે ઘડી ગમ્મતમાં ગાળવાનો તેને સારો લાગ મળ્યો. પ્રસન્નને અંદર ગયાને થોડીક પળ ભાગ્યે જ થઈ હશે અને તે આવ્યો અને મંદિરમાં પેઠો. જેટલો તે પોતાના શૌર્યનો ગર્વ રાખતો હતો તેટલો જ રૂપનો પણ ધારતો હતો. આ પ્રસંગને માટે તેનાં સશક્ત અને છટાદાર અંગો પર સાદાં પણ સફાઈબંધ કપડાં તેણે પહેર્યાં હતાં અને પોતાનાં ધન્ય ભાગ્ય સમજી તે મનમાં મલકાતો હતો..
તે અંદર ગયો. આસપાસ જોયું, દર્શન કર્યાં, ઘંટ વગાડ્યો અને મહાદેવની સામે પાટ પર બેઠો. જય શંભો ! ભોળાનાથ !' તે બોલ્યો.
'માગ, માગ, જે માગે તે આપું,' પ્રસન્ન મહાદેવના લિંગવાળા ખંડની પાછળ પ્રદક્ષિણા ફરવાની ઓસરી હતી તેમાંથી આવતાં બોલી.
'ઓ હો હો ! તમે આવ્યાં છો ?'
'આપેલું વચન તો તમારા જેવા નહિ પાળે. મેં ના કહી હતી, છતાં તપાસ કરીને હું કોણ છું ?
'મારો જીવ ન રહ્યો તે હું શું કરું ?' ગઈ કાલે પ્રસન્ન મોરારને રાજગઢમાં મળી હતી અને અત્યારે મળવાનું કહ્યું હતું, પણ આ સુંદરી કોણ છે, તે જાણવાની આતુરતાથી તેણે ઉદાને પૂછી લીધું હતું અને ઉદાએ તે વાત પ્રસન્નને કહી હતી.
એવી રીતે સારા માણસની લાજ રાખો છો કે ? એ તો ઠીક છે કે મેં કાંઈ કર્યું નથી.'
' મેં કોઈને નથી કહ્યું કે આપણે સાથે આવ્યાં.' પ્રસન્નને શાંત કરવાના વિચારથી તેણે કહ્યું.
'બહુ અનુગ્રહ થયો. ચાલો, હવે હું જાઉં છું.' ઉતાવળનો ખોટો ઢોંગ કરી પ્રસન્ન બોલી. મોરારે બહાર વાદળ સામે જોયું. હજુ અંધકાર પૂરો છવાયો નહોતો એટલે તેને વખત હતો.
‘ના, ના, આવ્યાં શું અને ચાલ્યાં શું ? આટલા માટે મને બોલાવ્યો.'
'મેં તમને શું વચન આપ્યું હતું ? એક બીજી વખત મળવાનું. તે આ હું મળી, રાતના મને કોઈ પાછી જતાં જુએ તો તે શું કહે ?'
થોડી વાર તો બેસો. આ તોફાનના દિવસમાં કોણ જોવા બેસવાનું હતું? તેમાં તમારાં ફોઈ તો છે નહિ.'
‘ઠીક લો, થોડી વાર બેસું.' કહી પાસે બે થાંભલા વચ્ચે લાકડું જડેલું હતું તેના પર તે ચઢીને બેઠી : હવે શું કહો છો ?' તે દિવસે મીનળબાને મૂકી તમે નાસી કેમ આવ્યાં ?
તે ખાનગી વાત છે. કોઈને કહેવાય એમ નથી.’
'પણ મેં એક વાત સાંભળી છે તે ખરી ? તમને તો તેઓ અવંતી પરણાવવા માંગે છે.'
મોરારપાળના મહત્ત્વાકાંક્ષી મન આગળ કાંઈક સ્વપ્નાં આવી રહ્યાં હતાં. જ્યારથી એણે જાણ્યું કે તેની સાથે આવનાર બાળા મીનળદેવીની લાડકવાયી ભત્રીજી છે ત્યારથી તેની આશાઓનો પાર રહ્યો ન હતો. મીનળદેવી જો બધી રાજસત્તા પોતાના હાથમાં લે અને દેવપ્રસાદની શક્તિ ક્ષીણ થાય, તો માળવા જોડે લડાઈ પણ શરૂ થાય, તેવા યુદ્ધના પ્રસંગે પોતાના જેવા બાહોશ અને અનુભવી યોદ્ધાને આગળ પડતું સ્થાન મળે, એ પણ સ્વાભાવિક; અને જો પ્રસન્ન માળવે ન પરણે, તો પછી એ સુંદરી નવા ઉત્સાહી યોદ્ધાને શા માટે ન વરે ? તપાસ કરતાં તેણે એમ પણ સાંભળ્યું હતું કે દેવપ્રસાદના છોકરા જોડે પ્રસન્નનો સંબંધ કરવાની કાંઈ વાત ચાલતી હતી ખરી, પણ મીનળદેવીના દબાણથી તે વાત પડતી મૂકવામાં આવી હતી. અત્યારે દૈવની કૃપાથી મીનળદેવી પર ઉપકાર ચડાવવાની તેને સારી તક મળવાની હતી; અને જો રાણીને તે શહેરમાં લઈ આવી રાજગઢમાં મૂકી આવે, તો બીજી પળે શહેરમાં અશાંતિ મટી જાય. તેની સત્તા પછી હતી તેવી પાછી જામે; સત્તાના તેજને જાળવનારો મોરાર ગુર્જરેશ્વરીનો જમણો હાથ થઈને રહે, અને પછી પ્રસન્નને પરણવું, એ સહેલ વાત બની જાય. આ સ્વપ્નાનો વ્યૂહ રચતાં, તેણે સામે આવતા વાંધાવચકાને બિલકુલ ગણકાર્યા નહિ, આ સ્વપ્નાંઓને સમર્થન આપવા તેણે પ્રસન્નને રીઝવવા માંડી; અને ધીમે ધીમે તેને માલવરાજને પરણવું પસંદ પડે છે કે કેમ, તે વાત કઢાવવાની શરૂઆત કરી. પ્રસન્ન એમ ગાંજી જાય એમ ન હતી; એટલે તેણે પણ મોરારને આસમાનના તારા બતાવવા માંડ્યા.
થોડી વારે દેવાલયનો રખેવાળ દીવા કરવા આવ્યો અને મોરાર ઊઠ્યો.
'ચાલો, હવે તમારે મોડું થતું હશે.
‘વાહ ! વાહ ! ગરજ સરી કે વૈદ વેરી ! હવે હું શું કરીશ ? રાજગઢનાં બારણાં તો બંધ થઈ ગયાં હશે ને જે માણસને બારી ઉઘાડી રાખવાની કહી છે તે જમવા ગયો હશે.'
'મારે જરા કામ છે. તમે કહો ત્યાં મૂકી આવું.'
'અત્યારે ક્યાં જશો ? તમારી ચોકી તો આખી રાત ચાંપાનેરી દરવાજા પર છે. સામે ઉદાના ઘરમાં સૂઓ છો ને?'
'હા, પણ મારે આટલામાં જ અત્યારે કામ છે,' ગૂંચવાડામાં પડતાં મોરારે કહ્યું. અંધારું વધારે ને વધારે થતું જતું હતું.
‘ત્યારે તો હું અહીંયાં જ રહું. તમે કામ પરવારી પાછા આવી પહોંચો અને પછી મને મૂકી આવજો.'
'મારાથી તરત પાછા ફરાય એમ નથી.'
'ત્યારે હવે એક દિવસ કામ જતું કરાય એમ નથી ?' જરા ચિઢાવાનો ડોળ કરતાં પ્રસન્ન બોલી.
‘ના.’
‘ઠીક ત્યારે જાઓ. હું મારે અહીંયાં બેસીશ. ને મારી મરજી ફાવે ત્યારે જઈશ. તમે તમારું કામ કરો.' ગુસ્સાનો ડોળ કરતાં પ્રસન્ને કહ્યું.
'ના, ના; પણ ¬'
'પણ ને બણ. મને સ્વાર્થી માણસનું મોં નથી ગમતું.'
‘આવું કહો છો ?’
'જાઓ કે ના જાઓ. હું તો પહેલેથી જ જાણતી હતી, કે પાટણની સભ્યતા ધાંડમાં પડે પડે કટાઈ ગઈ છે.'
'હું ઘણા જ જરૂરી કામે જાઉં છું. તમે જો તે જાણો તો તરત મને જવા દો.’
‘એવું શું છે ? મને કહો.’ જરા કરગરી પડતાં પ્રસન્ને કહ્યું. તેના હાવભાવ પળે પળે એવા બદલાતા કે ગમે તેવાનું હ્રદય પણ પીગળી જાય; તો આ તો પીગળવા એકે પગે થઈ રહેલો મોરારપાળ ! 'મને માફ કરો. કહેવાય એવું નથી. કાલે સવારે કહીશ. તમે જાણશો ત્યારે સમજશો. મને જવા દો; મારો વખત થઈ જાય છે.’
‘આ રહ્યાં બારણાં ઉઘાડો. મારા પર વિશ્વાસ નહિ હોય તો મને સાંભળવાની ક્યાં પરવા પડી છે ? ગૌરવથી તેણે કહ્યું.
'આમ શું કરો છો ? પ્રસન્નમુખી ! તમે ડાહ્યાં છો, શાણાં છો અને આટલું સમજી શકતાં નથી ?'
'મારી અક્કલ બહેર મારી ગઈ છે. જાઓ, જોયા શું કરો છો ? 'તમે મારો જીવ કાપી નાંખો છો, હો !'
'મારા જીવની તો, કંપાઈ કપાઈ ક્યારની કચ્ચરી થઈ ગઈ. સમજ્યા ? કહી પ્રસન્ન બેઠી હતી ત્યાંથી ભૂસકો મારી ઊતરી. ઝાંઝરના ઝમકારાએ યોદ્ધાનું હૃદય જીત્યું.
'પ્રસન્નમુખી ! તમે મને બહુ ગૂંચવો છો. જુઓ, બહાર આવો. હું તમને કહું, પણ છાનું રાખજો.'
'મારે કાંઈ સાંભળવું જ નથી.' કહી પ્રસન્ન મહાદેવવાળા અંદરના ઓરડા તરફ જવા માંડી.
'પ્રસન્નમુખી !' નિરાશાથી મોરારે કહ્યું.
'ઓ ! શું છે ? તિરસ્કારથી પાછું ડોકું ફેરવતાં પ્રસન્ને પૂછ્યું.
‘આમ આવો, હું કહું,’
'શું કહો છો ?'
'ચાલો, બહાર ચાલો, હું કહું,' કહી તે પ્રસન્નની સાથે સાથે મંદિરના બારણા સુધી આવ્યો. તે મૂગી મૂગી, રોફમાં નસકોરું ચઢાવી સાથે ચાલી. પ્રસન્નમુખી ! મને તમારાં ફોઈબાએ એક મોટું કામ સોંપ્યું છે.'
'શું?' બેદરકારીમાં પ્રસન્ને પૂછ્યું,
અત્યારે તેમને શહેરમાં લાવવાનું. તે અત્યારે આ દરવાજે આવશે.'
'પણ અંદર કેમ આવશે ?' જાણે કાંઈ જાણતી ન હોય, તેમ બાલાએ કહ્યું, બારણાં તો બધાં બંધ છે ને કૂંચીઓ તો ત્રિભુવનપાળ પાસે છે.’
'મારી પાસે પણ કૂંચી છે. કોઈને કહેશો નહિ.'
'તમે ક્યાંથી લાવ્યા ?
'રાણીએ મને આપી છે. ચાલો દરવાજા પાસે. હમણાં બહારથી કોઈ માણસ ઠોકશે. ત્યાંના પહેરેગીરોને મેં છુટ્ટી આપી છે, એટલે કોઈ નહિ હોય.'
'પણ ખેંગારસિંહ, ત્રિભુવનપાળ અને બધા લોકો ગુસ્સે થશે તો?'
'શું વાત કરો છો ? આ બધું તોફાન તો ચંદ્રાવતીનું લશ્કર સામે પડ્યું છે તેમાં છે. જ્યાં રાણી અંદર આવ્યાં અને લોકોને તેની ખબર પડી કે તરત બધે શાંતિ; અને ત્રિભુવનપાળને કહીએ કે તું ખાંડ ખા.' છેલ્લા શબ્દો માટે મોરારનું નાક ખેંચવાનું પ્રસન્નને મન થયું. પણ તમે તો પટ્ટણી છો !'
'સાત પેઢી થયાં; કેમ તેમાં શું ? ‘
તમારા નગરજનોનું નાક અત્યારે કાપશો ?
લોકોને વળી નાક શાં ? અને હોય તોય મીનળબાનો શબ્દ તો મારે શિરસાર્વદ્ય. પણ તમે આમ કેમ બોલો છો ? રાણી અહીંયાં આવે તે તમને ગમતું નથી?'
'અહીંયાંથી નહિ ગયાં હોત તો ગમત,' પ્રસન્ને કહ્યું; પણ શોક મૂકી, પાટલ છોડી, ચંદ્રાવતીના દળને જઈ મળ્યાં, એટલે મારું મન ઊઠી ગયું. પાટણની રાણી તે તેના પ્રભાવની મૂર્તિ હોવી જોઈએ કે તેને પરાધીન બનાવનારી?'
'પ્રસન્નમુખી ! તમારી છટા તો સામળ બારોટની છટાને ટક્કર મારે એમ છે.'
'તેના ચરણની રજ જેટલું અભિમાન તમારામાં હોય તો સારું, પણ આ શું કરો છો?'
'બારી આગળ ઊભો રહું છું, કે કોઈ બહારથી આવે તો ખબર પડે.'
'અત્યારે ચાંપાનેરી દરવાજા આગળ કોઈની અવરજવર હતી નહિ, એટલે તેઓ નિરાંતે ઊભાં રહી વાત કરી શક્યાં.
'મોરારપાળ ! તમે કોના ? પાટણના કે તેની રાણીના?'
'પાટણની રાણી માલિક,’
‘તમારું નગર વેચાય તે તમે જોઈ રહ્યો ? રાજારાણી તો આજે આવે ને કાલે જાય, પણ ગઈ ટેક ફરી આવે ? તમારે મન પાટણ તો પૃથ્વીમાં પહેલું જોઈએ.'
'અને છે જ; પણ તેથી રાણીના હુકમનો અનાદર થાય ?'
'પણ એક નિર્જીવ હુકમના અનાદર માટે તમે તમારા પટ્ટણીઓને જીવતા વેચશો ? તેમના ગૌરવ પર, તેમની સ્વતંત્રતા પર પાણી ફેરવશો ?'
‘તમે નકામાં ઊકળો છો ! માલિકનું ફરમાન, એ જ રાજપૂતોને શોભે.'
‘એમ જો તમારા બાપદાદા ધારતા હોત તો, તો અત્યારે પાટણ ૫૨ ગીઝનીના ખંડિયાઓ રાજ કરતા હોત. મોરારપાળ ! મોરારપાળ ! તમે શુરવીર છો, દાના છો. હું રસ્તાની ચાલનાર નથી, રાજાઓની દીકરી છું. હું, કહો તો પાલવ પાથરીને, માગું છું કે પાછા ચાલો; ને જે રાણીએ પાટણને છેહ દીધો, મુંજાલ અને મંડલેશ્વરને દગો દીધો, તે રાણીને રખડતી રહેવા દો. તમારા નગરનું નાક કાપી, દુનિયામાં તેને તુચ્છકારને પાત્ર નહિ બનાવો.'
'મેં નહોતું જાણ્યું કે તમારે ફોઈભત્રીજીને આટલું વૈર છે.’
'મેં પણ નહોતું જાણ્યું કે ધાંડનો સેનાધિપતિ આવો ખુશામતિયો છે.’
'પ્રસન્નમુખી ! હું શું વખાણું ? તમારા શબ્દ કે તમારો જુસ્સો ? મને એમ થાય છે, કે આખો ભવ તમારાં વાક્યો અને તમારાં નયનોની વિદ્યુત સહ્યા જ કર્યું. પણ આ બધું કહો છો તે પથ્થર પર પાણી.’
એટલામાં બહારથી બારી પર બેચાર ટકોરા થતા સંભળાયા. તરત મોરાર ફર્યો, કાન દીધા, અને કૂંચી કહાડવા ગજવામાં હાથ મૂક્યો.
પ્રસન્ને તેનો હાથ પકડ્યો.
'મોરારપાળ ! તમે ટેકીલા રાજપૂત થઈ આ શું કરો છો ?'
'હા, તમે રોકો નહિ, હું અડગ છું,' કહી મોરારપાળે કૂંચી કહાડી, બારી પર ઠોકી અને પછી ભોગળ ઉઘાડવા હાથ મૂક્યો.
'તમે આવું અધમ કામ કરશો ? તમે જરા સાંભળો તો ખરા,' ઉતાવળથી પ્રસન્ને કહ્યું.
મોરારે ભોગળ ઉંઘાડી એટલે બારીનું બારણું માત્ર સાંકળે જ બંધ રહ્યું, અને તેની અને મોટા દરવાજાના મોટા બારણા વચ્ચે તડ દેખાઈ; બહારના માણસે તડમાંથી પૂછ્યું : 'કોણ, મોરારપાળ ?'
'હા,' સાંકળ પર હાથ મૂકી મોરારે કહ્યું : “બા આવ્યાં છે ?
'હા, જરા દૂર છે; હું લઈ આવું?'
'જાઓ, જલદી કરો.' કહી મોરારે તાળું ઉઘાડવાનું મુલતવી રાખ્યું, પ્રસન્નને જરા ધીરજ આવી; હજુ થોડો વખત હતો.
'મોરારપાળ ! તમે નહિ માનો ?'
‘ના.'
‘કેમ ? રાણીને ખુશ કરે શો ફાયદો છે ? મને કહો તે હું તમને મેળવી આપું.'
'ફાયદો ?' મોરારપાળ બિચારો પ્રસન્નને નારાજ કરી દૂર કહાડી શકતો નહોતો, એટલે તેણે જવાબ દેવા માંડ્યો; મારો ધર્મ -'
'નગર ખોવું, ટેક ખોવી, આબરૂ અને સ્વાતંત્ર્ય ખોવાં એ તમારો ધર્મ; બીજું કાંઈ ?' તિરસ્કારમાં પ્રસન્ને કહ્યું.
'તમે મને શો ફાયદો કરો છો ?' જરાક હસતાં પ્રસન્નના તેજસ્વી મદડોલંત સૌંદર્ય સામે જોતાં મોરારે કહ્યું. પ્રસને તે નજર જોઈ; તેને મો૨ા૨ ધાર્યા કરતાંયે સ્વાર્થી અને તુચ્છ લાગ્યો હતો; એટલે કોઈ પણ પ્રકારે તેને પરાજય પમાડવાનો તેણે નિશ્ચય કર્યો.
‘તમારે શું જોઈએ છે ? મારાથી બને તે બધું આપું. હું પટ્ટણીઓ તરફ છું. અત્યારે તમે રાણીને ગામમાં આણશો, તો હું ફરી તમારી સાથે બોલવાની નથી કાયરો, ખુશામતિયા, નગરદ્રોહીનું નામ હું લેતી નથી, મોરારપાળ !' આંખમાંથી અદ્ભુત કામબાણ ફેંકતાં પ્રસન્ને કહ્યું : 'રાણીને ખુશ કરી શું મેળવશો ? પદવી ? તો તે છે; સત્તા ? તો તે યે છે; કીર્તિ ? તો તે દ્રોહીઓને મળતી નથી. હવે શું મળશે ?'
‘સુંદરી ! લાભ કહો, ધર્મ કહો, જે કહો તે; પણ મને સીધે પંથેથી શું કામ ખેંચી લઈ જાઓ છો ? તમને શું ફાયદો?
'મને ? તમારા જેવો શૂરવીર યોદ્ધો દ્રોહી ન થાય તે,' પ્રસન્ને પાસે આવી કહ્યું; ‘મોરારપાળજી ! રાણી બધું આપશે; હું આપી શકીશ, તે તે નહિ.'
'શું?' પ્રસન્નની આંખનાં તેજ આગળ નીચું જોતાં તેણે પૂછ્યું.
'પદ્મિનીનો હાથ !” પ્રસન્ને મગરૂરીમાં કહ્યું. તેના સ્વરૂપવાન મોઢા પર, મદભર નયનોમાં અભિમાનનો પ્રકાશ પડી રહ્યો. મોરાર, જાણે માથે ઘા વાગ્યો તેમ, પાછો ખસી ચમક્યો.
'તમારો ?'
‘હા, મારો, પ્રસન્નમુખીનો ! પદ્મિની વિના સંસાર બધો સૂનો, સમજ્યા ? સંસાર સુધારશો કે બગાડશો ?' કહી પ્રસન્ને પોતાના બે હાથ મોરારના ખભા પર મૂક્યા. હિંમતવાળી પ્રસન્ન છેલ્લો પાસો નાંખતી હતી; તેની મોટી આંખોના ચમકારા મોરારના હ્રદયમાં ભડકા ઉઠાડતા હતા. પ્રસન્નના સ્પર્શથી તે ધ્રુજી ઊઠ્યો; તેની સાન જવા માંડી.
'પ્રસન્નમુખી ! મને ક્યાં ઘસડશો ? ખરું કહો છો ?'
'તમારી કૂંચી મને આપો, પછી જે કહો તે કબૂલ.’
'ખરેખર ?' પ્રસન્નના હાથ ઝાલી ઊર્મિઓના આવેશમાં તે બોલ્યો.
‘હા, લાવો.’ મોરારપાળના શિથિલ હાથમાંથી પ્રસન્ને કૂંચી લઈ લીધી. પેલી ભાગોળ બંધ કરો.'
ધ્રૂજતે હાથે મોરારે તે કર્યું.
'મોરારપાળ ! આજે તમે પાટણને જીવતદાન આપ્યું,' જરા હસતાં પ્રસન્ને કહ્યું.
‘તમે મને હવે જીવતદાન ક્યારે આપો છો?'
'મોરારપાળ !” એકદમ સ્વરૂપ બદલી ધિક્કારથી પ્રસન્ને કહ્યું, મારું ચાલે તો ચોરાશી ભવે પણ નહિ.'
'હેં.?'
'હેં શું ? હા; જે વસ્તુ તમે પાટણ માટે નહિ કરી, તેના ગૌરવ, તેના સ્વાતંત્ર્ય, તમારા બાપદાદાની ટેક માટે નહિ કરી, તે આ માટીની પૂતળી માટે કરી; અને હવે તમને પરણું ? અરે ! તમને સ્પર્શ પણ કરું નહિ. અહીંયાં બધી ધાંડની ભીલડીઓ નથી.' કહી કેડ પર હાથ મૂકી હિંમતથી પ્રસન્ન ઊભી રહી, અને મોરાર સામે જોયા કર્યું.
શરમથી, ગુસ્સાથી, નિરાશાથી મોરાર દિગ્મૂઢ જેવો જોઈ રહ્યો. ‘તમે શું સાચું કહો છો ?'
'હા, હા, દશ હજાર વાર સાચું. તમારું મોઢું જોતાં મારી આંખો લાજે છે. તમારા જેવા દ્રોહીઓને તો ઘાણીમાં પિલાવી પિલાવીને પૂરા કરવા જોઈએ. તમે મારું માન્યું હોત અને પાટણની ટેક ખાતર કૂંચી આપી હોત, તો મારા ભાઈથી અધિક તમને ગણત; પણ હવે ? હવે તમારે ઓળે અભડાઈ જાઉં છું.'
‘કપટી ? મારી ભલમનસાઈનું આ પરિણામ ? તમને ખબર છે કે તમારા હાથમાંથી કૂંચી લેવી કેટલી સહેલી વાત છે ?'
'મગદૂર હોય તો લો, જોઉં ! હવે મૂંગા મૂંગા ચાલ્યા જાઓ, નહિ તો લોકો તમારી ફ્જેતી જોશે.'
'એમ કે?' કહી મોરાર એકદમ પ્રસન્ન તરફ ધસ્યો.
પ્રસન્ન જાણતી હતી કે ધીમેથી દરવાજાના ઓથામાં ત્રિભુવન અને ડુંગર નાયક આવી ઊભા છે. તેથી તે પાછળ ખસી ગઈ અને વચ્ચે ત્રિભુવનની તરવાર આડી આવીને ઊભી રહી.
‘મોરારપાળ ! એક રજૂપત વીરનો આ વિનય કે ?' તેનો શાંત સત્તાવાહી અવાજ આવ્યો; એમ કહો કે આજે પ્રસન્ને તમને પાપ કરતાં અટકાવ્યા.'
મોરારે બધો ખેલ જોયો, અને તેણે કેવી મૂર્ખાઈ કરી હતી, તેનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો; શું કરવું, કેવી રીતે વર્તવું તેની કાંઈ તેને સમજ પડી નહિ; ચારે તરફથી નિમકહરામી, દ્રોહી તરીકે શરમ અને શ્વેતી મળશે એમ તેને લાગ્યું. તે એમનો એમ ઊભો રહ્યો.
‘ત્રિભુવનપાળ ! મને ગામની બહાર જવા દો. મારે હવે અહીંયાં નથી રહેવું.
સવારે મોઢેરી દરવાજેથી જજો. રજા આપીશ. અત્યારે ઘેર જાઓ. પ્રસન્ન ! મોરારપાળનું હવે કામ છે ?'
'ના. આવજો, દૂર ઊભાં ઊભાં, લૂગડું ઠીક કરતાં પ્રસન્ન બોલી. ‘ડુંગર ! તું આ દરવાજો સાચવ. વખત છે ને કાંઈ થાય.'
ત્રિભુવન ! આ ડુંગર તારી ચાકરી ઠીક ઉઠાવે છે. બધું પતી જાય એટલે એક ગ્રાસ કહ્યડી આપજે,' પ્રસન્ને કહ્યું,
'અખંડ સૌભાગ્ય મળો બાને,' હરખથી ડુંગરે કહ્યું. તેનું હૈયું ફુલાઈને ફાટી જતું હતું.
પ્રસન્ન અને ત્રિભુવન એક તરફ ગયાં અને મોરાર બીજી તરફ નીચું ઘાલી ધીમે ધીમે ચાલી ગયો.
થોડી વારે બહારથી દરવાજો ઠોકાયો. બીજી વાર ઠોકાયો, ત્રીજી વાર ઠોકાયો. આ બાજુ પર ડુંગર નાયકે મોઢે હાથ દઈ હસ્યા કર્યું. આખરે થાકીને ઠોકનારે ઠોકવાનું બંધ કર્યું. ડુંગરે મોટેથી દરવાજાને સંબોધીને કહ્યું, ‘આવજો.’
----------