Patanni Prabhuta - 28 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 28

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 28

૨૮. જતિ કે જમદૂત ?

રાણી પાસેથી જ્યારે આનંદસૂરિ છૂટો પડ્યો ત્યારે તેના મગજની સ્થિતિ ઘણા જ વિચિત્ર પ્રકારની હતી. આખી રાતનો ઉજાગરો, કેટલા દિવસ થયાં આદરેલી પ્રવૃત્તિ, કેટલાં વર્ષોની મહેનતનો પાસે દેખાતો અંત, એ બધાથી તેનું ચિત્ત ગાંડા જેવું થઈ ગયું હતું. તેને એક જ વસ્તુ નજર આગળ દેખાતી; શ્રાવકોનો ઉદય. પહેલાં તો તેને તે વસ્તુ ઘણી પાસે આવતી દેખાઈ, જૈન રાણી, જૈન દંડનાયક, પોતે સલાહકાર, ચંદ્રાવતીનું લશ્કર હવે ગુજરાતમાં જૈનને માટે બાકી શું રહ્યું ? જાં બધુ સ્થિર-સ્થાવર થાય, કે જૈન મતનો પૈકી આખા ભરતખંડમાં; જન મંદિરો દશે દિશામાં !'

પાછળથી બાજી કથળી ગયેલી દેખાઈ, રાણીને ધર્મના ઝનૂન કરતાં સત્તાનું ઝનૂન વધારે પ્રિય હતું. શાંતિચંદ્ર મીઠા વગરનો, મુંજાલ અને દેવપ્રસાદ સામે ! જતિને લાગ્યું, કે જો એકબે દિવસમાં બાજી કંઈ ન ફેરવાઈ તો બધું ચૂંથાઈ જવાનું; કોઈ રીતે સવળો પાસો ફેંકવો જોઈએ. શી રીતે ? સૈનિકોને પાછળ મૂકી તે વહેલો વહેલો વાઘેશ્વરી માતાએ જઈ પહોંચ્યો. ત્યાં કોઈ દેખાયું નહિ; જતિ ખુશ થયો; જરૂર હંસાને લીધે ધારેલું થયું ખરું. તે મંદિરને ઓટલે બેઠો અને પાછળ રહેલા સૈનિકો ક્યારે આવી પહોંચે, તેની વાટ જોતો બેઠો. રાણીની જોડે કરેલા વિચાર પ્રમાણે મંડલેશ્વરનું નાકું જ ઘેરી બેસવાનો તેનો નિશ્ચય હતો. એટલી વખત કેમ જશે ? તેની રગેરગમાં તો લોહી ઊછળી રહ્યું હતું.

‘મહારાજ ! લ્યો આ પ્રસાદ,' કહી હાથમાં ત્રિશૂલ, ખાંધે ચૂંદડી, અને પગમાં પાવડી પહેરેલી માતાનો પૂજારી કોપરું ધરીને સામે ઊભો.

આનંદસૂરિએ તિરસ્કારમાં ઊંચું જોયું અને હાથ ઊંચા કર્યા. માતા અને મહાદેવોને માન આપવા તે પળે તે તૈયાર ન હતો. જૈનમતના દિગ્વિજયમાં તેને ખામી આવી : પુરોહિતજી ! ક્ષમા કરી, મારે આજે અપવાસ છે.'

પૂજારી જરા હસ્યો : 'મહારાજ ! માતાના પ્રસાદ માટે અપવાસ હોય નહિ. જગદંબા માની મહેર માગો, કે બધે લીલાલહેર થાય.'

પુરોહિત મહારાજ ! જતિ જોડે વાદવિવાદ કરવામાં કોઈએ કોઈ દિવસ સાર કહાડચો છે ?'

'આપ જિત છો, એ વેશ પરથી તો નથી લાગતું. તોપણ વાદવિવાદ શા માટે ? હું તો મારા માનો દાસ છું; તેની પૂજા તે જ મારું જીવન. મહારાજ ! બીજું બધું આપ જેવાને સોંપ્યું.’ જરા કટાક્ષથી પૂજારી બોલ્યો,

'ધીમે ધીમે એ બધું સોંપશો. આ મંદિરો હમણાં ચાલ્યાં, જુઓ તો ખરા. હવે કર્ણદેવ નથી, મીનળદેવી છે,'

'જતિજી !' જરા ડોકું હલાવતાં પૂજારીએ કહ્યું, 'ભલે મીનળદેવી આવે, કે જેને જોઈએ તે આવે. આ ભરતખંડ તો જગજ્જની વાઘેશ્વરીનો છે અને રહેશે. તે શક્તિનું સામ્રાજ્ય અચળ છે ને અચળ રહેવાનું, તમે તો વિદ્વાન છો, એટલે તમને ગમે તે દેખાય; પણ મને તો બધા પંથો માને જ નમતા જણાય છે.' જતિ હસ્યો : 'એમ તો બધા કહે, પણ ખરેખરી ખબર તો જ્યારે જૈનોનો ડંકો પૃથ્વી પર વાગશે ત્યારે પડશે.'

‘ભલે મહારાજ ! હું તો મારે એટલું જાણું છું, કે ભારતમાં ભોળાનાથ અને મા, મારી અંબે ભવાની પૂજાશે; એક રૂપે કે બીજે રૂપે, એક કાળમાં કે અનેક કાળમાં. બીજી બધી તો વાતો.'

આનંદસૂરિને શબ્દો માર્મિક લાગ્યા, છતાં ખડખડ હસવું આવ્યું. ‘હમણાં તો ભોળાનાથ ગયા છે ગીઝની અને અંબા પહોંચી છે પાવાગઢ,' મહમદ સોમનાથની મૂર્તિ લઈ ગયો, તે સંભારતાં જતિએ કહ્યું,

‘તમારાં ચર્મચક્ષુએ. મારી આંખે તો તમે છો, તેમાં પણ એ બેનો પ્રભાવ દેખાય છે.'

'કેવી રીતે?'

‘તમારું અભિમાન આવું હોય નહિ તો બધા સામે થાવ નહિ, તમારી ગર્વ ગાળવા આખું ગુજરાત એક થાશે, સમજ્યા ? ચાલો મહારાજ ! મારો પાઠનો વખત જાય છે,' કહી શાંતિથી પૂજારી ચાલ્યો ગયો.

બે વાક્યો જતિના કાનમાં સંભળાઈ રહ્યાં : ‘ભારતમાં ભોળાનાથ અને મા મારી અંબા ભવાની પૂજાશે' અને તમારો ગર્વ ગાળવા આખું ગુજરાત એક થશે.' તેની આંખે જરા અંધારાં જેવું આવ્યું. શું આ પૂજારી ભવિષ્યવેત્તા હતો ? આવાં માર્મિક વચનો તેણે કેમ કહ્યાં ? શું આ ખરું પડશે ? તેનાં સ્વપ્નાં ખોટાં ઠરશે ? જાણે તે જ પળે બધા હવાઈ કિલ્લા તૂટી પડ્યા હોય, તેમ ભગ્નહ્રદયે જતિ ઊઠ્યો. તેની આકાંક્ષાઓ સિદ્ધ નથી થવાની, એમ તેને ક્ષણ વાર લાગ્યું. એ જૈન મતને જેવો માનતો હતો, તેવો બીજા અનુયાયી માનતા હતા ? ગમે તે રીતે વિજય મેળવી તેને ફેલાવવા કેટલા શ્રાવકો તૈયાર હતા ? ઘણાખરા હિંદુ ધર્મમાં અને તેમાં ઘણો ભેદ નહોતા ગણતા, ઘણાખરા બ્રાહ્મણોની સત્તા સ્વીકારતા હતા અને ક્રિયાકર્માંતરમાં બ્રાહ્મણોની સહાય લેતા હતા. તેવા લોકો આખા હિંદમાં જુદી ધર્મ કેમ ફેલાવી શકશે ? તે બધાને નવા ધર્મનું સામ્રાજ્ય કેમ રુચશે ? શું વેદધર્મ અને જૈન મતમાં ખરેખર ફેર હતો ?

ભારતમાં ભોળાનાથ અને મા મારી અંબા ભવાની પૂજાશે.' શું એ ખરી વાત ! જતિ મંદિર તરફ ધીમે ધીમે ગયો, તેમાં નજર કરી. વાઘેશ્વરીની વિકરાળ મૂર્તિ તેણે જોઈ, માતાના પગ નીચે પડેલા વાઘને જોઈ જતિ કંપ્યો; તેના ત્રિશૂળની અણીઓ પોતાનું હૃદય ચીરતી હોય તેમ તેને લાગ્યું : તેની ભયંકર આંખો પોતાને મહાત કરતી હોય એમ થયું. તેના પ્રાબલ્યથી જાણે પોતે દબાયો; પોતાના મનોરથો અલ્પતુચ્છ લાગ્યા. ક્યાં સુધી તે આમ ને આમ જોઈ રહ્યો; જરાયે ખસી શક્યો નહિ. સૃષ્ટિના ક્રમને શાસન કરતી મહાશક્તિની સત્તા જાણે તેને પણ દબાવતી હોય એમ તેને લાગ્યું. નીડર જતિ ડરથી ધ્રૂજ્યો. પાસેના મહાદેવના મંદિરમાંનો ઘંટ કોઈએ વગાડ્યો; જતિના કાનમાં તે નાદે ભયંકર પડઘા પડ્યા. આ નાદ કોનો વિજયટંકાર કરી રહ્યો હતો ? ગુસ્સામાં જતિ પાસેના મંદિર તરફ ફર્યો; તેનું બારણું પણ આ જ ઓટલા પર પડતું હતું. મનમાં ને મનમાં તેણે પૂછ્યું, કે 'આ ટંકાર શું આ દેવનો વિજય સૂચવતો હતો ?' તેનું હૈયું જાણે બેસી ગયું હોય એમ લાગ્યું. આ ભવાની, આ ભોળાનાથ, આ ઘંટનાદ ભવોભવના છે, અને શું રહેશે ?' તેના મન આગળ મહાદેવની મૂર્તિ ખડી થઈ ગઈ. તેણે વૈરાગ્ય, સત્તાની સંપૂર્ણતાના પૂર્ણ અવતાર સરખા પિનાક્પાણિ સાંબ સદાશિવ જોયા, જ્ઞાનની સરિતાનો ધોધ શિર પર સ્વીકારી જગતના ઉદ્ધાર માટે અવની પર જ્ઞાન જ પ્રસારતા જોયા. ગાંડા જેવા જતિની આંખ આગળ પાર્શ્વનાથની મૂર્તિ આવી; ભવિષ્ય કોની આગળ નમશે ? ચુસ્ત ધર્મિષ્ઠને સંશય થયો. દુનિયા કયો વૈરાગ્ય, કઈ સત્તા, કઈ સંપૂર્ણતા સ્વીકારશે ? તટસ્થ, શાંત, નિશ્ચલ સંપૂર્ણતાએ જગત ઉદ્ધરશે, કે જ્વલંત, વિજયી, ત્રિશૂલપાણિની સંપૂર્ણતાએ ? તેની આંખ આગળ આવી રહેલી પાર્શ્વનાથની મૂર્તિમાં ફેરફાર થયો. તેની બંધ આંખો ઊઘડી, હાથમાં ખડ્ગ આવીને ઊભું રહ્યું; તેના શાંત મુખ પર સત્તાદર્શક ભવ્યતા છવાઈ રહી. તેના ધાર્યા પ્રમાણે જૈન મત જો વિજયી થાય તો અર્હતો શું આવું સ્વરૂપ ધારણ કરશે ? ત્યારે મહાદેવમાં અને અર્હતમાં ફેર શો ? ‘ના, ના, ના,' જોરથી જાણે સંશયો વળાવતો હોય તેમ તે બોલ્યો. સંશયોએ તેટલા જ જોરથી કહ્યું : ‘હા – હા - હા.'

'પણ મહારાજ ! - કોઈનો અવાજ આવ્યો.

જતિએ જોરથી ડોકું ધુણાવ્યું; વિચાર સ્થિર કરવા જતાં આસપાસ જોયું, અને આંખો આગળનું દૃશ્ય અદૃશ્ય થયું. સામે માતા અને મહાદેવનાં મંદિરો જેવાં ને તેવાં જ પડ્યાં હતાં. બાજુ પર આવી પહોંચેલો સૈનિકોનો એક નાયક હાથ જોડી ઊભો હતો.

'મહારાજ !'

'કેમ ?' ગુસ્સામાં ફરીને જતિએ કહ્યું.

બીજું કાંઈ નહિ, પણ હવે આપણે ક્યાં જઈએ ? નહિ તો અહીંયાં જ પડાવ નાંખીએ ?'

સ્વાસ્થ્ય છોડી જતિએ કહ્યું : ‘કાંઈ ગાંડો થયો છે ? ચાલો મંડુકેશ્વર. હજુ આપણો એક કટ્ટો દુશ્મન તો ત્યાં મજાહ કરે છે.' કહી જતિએ પાછા આવી ઘોડો પલાણ્યો, અને બધા સૈનિકો સાથે તે આગળ ચાલ્યો.

થોડેક દૂર ગંભીરમલ્લ અને બીજા એકબે ગરાસિયાઓ મળ્યા તેમને પકડીને સાથે લીધા, અને જતિ અને તેની ટુકડી મંડુકેશ્વરનું નાકું પકડીને બેઠી.

દિવસ ચઢ્યો, બપોર પડી, સાંજનો વખત થયો, પણ રુદ્રમહાલયમાં કાંઈ પણ હિલચાલ જણાઈ નહિ. અધીરો આનંદસૂરિ કચવાઈ ગયો; રાત પડી તોપણ દેવપ્રસાદ શું કરે છે, તેનો પત્તો નહિ મળ્યો. જાતની અધીરાઈને પાર રહ્યો નહિ. એટલે ટુકડી આગળ લાવી તે રુદ્રમહાલયના બારણા સુધી આવ્યો. ત્યાં બધું શાંત હતું. મંડુકેશ્વરના ગામમાં પણ તેની ટુકડી દેખી હૂલકું પડ્યું હતું, એટલે કોઈ દેખાતું નહોતું. રુદ્રમહાલયનાં બારણાં ઘણાં ઠોક્યાં ત્યારે એક સૈનિકે જરા બારી ઉઘાડી : ‘કોણ છો ? અત્યારે કેમ દ્વાર ટીકી રહ્યા છો ?'

અહીંયાં દેવપ્રસાદ મંડલેશ્વર છે ?'

'તેનું તમારે શું કામ ? હા છે,' કહી સૈનિક બારી જરા વધારે ઉઘાડવા જતો હતો, એટલામાં વધારે મોટી પદવીનો એક બીજો સૈનિક આગળ આવ્યો. તેણે પહેલા સૈનિકને એકદમ પાછો ખેંચી લીધો અને પોતે ડોકું બહાર કહાડ્યું.

'કેમ, શું કામ છે ?' તેણે કઠોર અવાજે પૂછ્યું.

'મારે મળવું છે.’

'આનંદસૂરિજી ! મંડલેશ્વર મહારાજને મળતાં પહેલાં તો મારા હાથપગ બાંધવા પડશે, સમજ્યા ?' કહી સૈનિકે બારી એકદમ બંધ કરી દીધી અને અંદર ભોગળ વસાઈ ગઈ, તેનો અવાજ જતિને કાને પડ્યો.

જતિ દાંત કચકચાવતો ઊભો રહ્યો. રાજપૂત વેશમાં પણ તે ઓળખાઈ ગયો. તેના ગુસ્સાનો પાર ન રહ્યો. વાઘેશ્વરી માતાના મંદિર આગળ જોયેલા જાગ્રત સ્વપ્નથી તે ધૂંધવાયો તો હતો જ અને તેમાં આ ઘી હોમાયું, એટલે તેણે પાસેનાં ઝૂંપડાંઓમાં પડાવ કરવાનું સૈનિકોને સૂચવી પોતે એકલો એકલો, મેલી વિદ્યાના પ્રતાપે ભૈરવનાથ આરાધતો હોય એમ, ઝાડ નીચે આમથી તેમ ફરવા લાગ્યો.

ડહાપણમાં અને ગાંડપણમાં એક જ ફેર હોય છે. ડહાપણમાં માણસ એકાગ્ર ચિત્ત કરી, ખપ વખતે તેને પાછું ખેંચી લઈ શકે છે; ગાંડપણમાં તો ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી અને થાય તો પાછું ખેંચાતું નથી. જાતનું ઝનૂન તેના ડહાપણનું ગાંડપણમાં રૂપાંતર કરતું હતું. જૈન મતનો વિજય ઇચ્છતાં જૈનોના શત્રુઓનો પરાજય ઇચ્છવો, એ ઘણી સહેલ વાત હતી. તેમાંથી શ્રાવકોના શત્રુઓ તરફ વૈર રાખવું, એ પણ સહેલું હતું. એ બધી વેરની તેની લાગણીઓ દેવપ્રસાદ તરફ વળી હતી.

અત્યારે તેની એકાગ્રતા ભયંકર રીતે અડગ થતી જતી હતી, ગાંડપણનું સ્વરૂપ પકડતી જતી હતી. ચાલતો ચાલતો તે રુદ્રમહાલયના કોટની પાછળ પૂર્વ સરસ્વતી વહેતી હતી, તેના કિનારા તરફ ગયો.

મધ્યરાત્રિ થવા આવી હતી. ગંભીરમલ્લ વગેરે પાસેથી તે કાંઈ ચોક્કસ ખબર મેળવવા ભાગ્યશાળી થયો નહોતો. 'દેવપ્રસાદ વખત છે ને અહીંયાંથી ચાલી નીકળ્યો તો નહિ હોય ? પણ ક્યાં જાય ? દેહસ્થલી ? ત્યારે પેલા સૈનિકે કહ્યું, તેનું શું ?' વિચાર કરતાં તે સરસ્વતીને કિનારે આવ્યો. તેનો પટ મહાલયના કોટની સરસો જ પથરાઈ રહ્યો હતો; ચંદ્રતેજ તેને રૂપેરી રંગે રંગી રહ્યું હતું. ‘મંડલેશ્વર ક્યાં હશે ? તેણે ઊંચું જોયું. મહાલયની ઊંચામાં ઊંચી અગાશી કોટ પર બરોબર આવી રહી હતી અને નીચેના નીર પર ઝઝૂમતી હતી. થોડી વાર એ તરફ તે જોઈ રહ્યો અને તરત ચમક્યો. અગાશીમાં એક ઊંચા પુરુષનો ઓળો જોયો; કાંઈક શરીરની આકૃતિથી, કાંઈક ઊભા રહેવાની છટાથી તેણે તેને ઓળખ્યો.

મંડલેશ્વર ! સાથે એક જરાક નાનો ઓળો હતો. જતિ હસ્યો; મોજશોખમાં સત્તાને વિસારે મૂકનાર દેવપ્રસાદ પર તેને તિરસ્કાર આવ્યો. તેનું હૈયું હરખાયું, ગુરુદેવની ભવિષ્યવાણી યાદ આવી : 'દેવપ્રસાદ ! દેવપ્રસાદ ! તારા દહાડા ભરાઈ ચૂક્યા છે. તું પણ હવે આનંદસૂરિજીના હાથનો સ્વાદ ચાખશે,' જતિએ જુસ્સામાં કોટ સામે મુઠ્ઠીઓ હલાવી. થોડી વાર ત્યાં થંભી તે ધીમે ધીમે પાછો ગયો. થોડે દૂર જતાં તેના કાન ૫૨ ઘોડાઓનાં પગલાંનો અવાજ સંભળાયો. તે ચમક્યો : ‘અત્યારે કોણ આવ્યું ? શત્રુ કે મિત્ર ?' તેના માણસો ત્યાંથી દૂર હતા. એકલે હાથે કેમ સામા થવાશે ? તોપણ હિંમતથી તે ત્યાં ઊભો રહ્યો; ઝપાટાબંધ ઘોડાઓ પાસે આવ્યા. અવાજ માત્ર બેત્રણ ઘોડેસવારોનો જ દેખાયો, એટલે તેને વધારે હિંમત આવી : વખત છે ને તેણે ઠામઠામ માણસોની ચોકી મૂકી હતી તેમાંથી કોઈ હોય. જેવા ઘોડા પાસે આવ્યા કે તેણે પૂછ્યું : ‘કોણ છે ?”

‘જયદેવ મહારાજની જય,' આગલા ઘોડેસવારે કહ્યું.

‘કોણ ? ચિત્રવિજય ! અત્યારે કેમ આવ્યો છે .'

'મહારાજ ! મહારાજ ! વલ્લભસેન મંડલેશ્વર આ તરફ આવે છે.’ એકલો કે કોઈની સાથે?' ગભરાટમાં જતિએ પૂછ્યું.

‘સાથે નાખી દેતાં પાંચસે-સાતસે ઘોડેસવારો હશે. જેવી મેં ખબર સાંભળી, કે હું આપને કહેવા આવ્યો.'

‘કેટલે દૂર હશે ?'

ત્રણચાર ઘડીમાં તો તે અહીંયાં આવી લાગશે. અહીંયાંથી જવું હોય તો ચાલવા માંડો.

‘ઠીક; અહીંયાંથી થોડે દૂર આપણા માણસો છે, ત્યાં જઈને બેસો. હું હમણાં આવું છું.' કહી જતિએ ચિત્રવિજય અને તેના સાથીઓને વિદાય કર્યા.

જતિનું ગાંડપણ વધ્યું. શું મંડલેશ્વર છેલ્લી ઘડી તેના પંજામાંથી જતો રહેશે ? નહિ, નહિ,' વલ્લભસેન આવતાં પહેલાં પોતાનું કામ તે સિદ્ધ કેવી રીતે કરે, તે વિચાર તેણે કરવા માંડ્યો. કોટની ઉપર ખીલાઓ ઠોકેલા હતા, એટલે ત્યાંથી ચડાય એમ નહોતું. ઝપાટાબંધ જે કોટના સરસી સરસ્વતી વહેતી હતી ત્યાં તે ગયો અને નજર ફેરવી. ઘણા ધ્યાનથી જોતાં કોટમાં એક મોટું બાકોરું દેખાયું. એક પળ પણ વધારે ગાળ્યા વિના, એક જમૈયા સિવાય પોતાનાં હથિયાર દૂર ફેંકી, તેણે સરસ્વતીમાં ઝંપલાવ્યું અને તરતો તરતો તે બાકોરા તરફ ગયો. બાકોરામાંથી ગલીચ પાણી નદીમાં પડતું હતું; પણ તેના તરફ જતિએ ધ્યાન આપ્યું નહિ. તેણે જોયું તો તેમાંથી અંદર પેસાય એમ હતું. મહામુશ્કેલીએ, આખા શરીરને મહાકષ્ટ થયું તોયે ગંધાતા પાણીથી ગૂંગળાતો, તે બાકોરામાં થઈ તે અંદર આવ્યો અને ખાળકૂંડીમાં ઊભો થયો, અને મોઢા પરનો ગંદવાડો સાફ કર્યો. પાસે એક કૂવો હતો અને તેના થાળામાં થોડું પાણી હતું. તેના વતી તેણે હાથ-મોં ધોયાં અને મહાલયમાં ફરવા માંડ્યું. ત્યાં બધું સ્મશાન સમું શાંત હતું. જાણે થોડીક વારે ઉપર કોઈ હસ્યું એવો ભાસ થયો. તે હાસ્યે જતિનું ઝનૂન વધારે પ્રદીપ્ત કર્યું.

ઉપર જઈ લડવામાં કોઈ સાર દેખાયો નહિ. અહીંયાં કેટલા માણસ છે તે જાણ્યા વિના પોતાના માણસો અંદર પેસાડવા, એ તો મૃત્યુના મોંમાં જવા જેવું હતું. દરેક પળે વલ્લભસેન પાસે આવતો હતો. જે કરવું હોય તે કરવાને ગણતરીની પળો જ હતી. તેણે ઝપાટાભેર આમતેમ જોવા માંડ્યું; કઈ રીતે મંડલેશ્વરનો સંહાર કરવો, એનો જ વિચાર તેણે કરવા માંડ્યો. એટલામાં દૂરથી ઘોડાઓનાં પગલાંના ભણકારા વાગ્યા :કાન દઈ સાંભળતાં વલ્લભસેન પાસે આવી લાગ્યો હોય એમ તેને લાગ્યું. શું કરવું ? શું કરવું ? તેણે આસપાસ જોયું. સામે રુદ્રમહાલયની ગૌશાળા જોઈ; પાસે મહાલયના મકાનની સાથે સીંચેલી ઘાસની ઊંચી ગુંજી જોઈ. એક રાક્ષસી વિચાર તેને સૂઝ્યો. તે આમતેમ દોડ્યો. તેનું ચાલત તો અગ્નિદેવતાનું આવાહન કરવા તે ત્યાં બેસી જાત. એક ઓશરી પર એક રબારી હુક્કો મૂકી ઊંઘી ગયો હતો. તેની ચલમની ગંધ જતિને આવી. તે તે તરફ દોડ્યો; લોભિયો ધન લે તેવી તરાપ મારી તેણે ચલમ ઝાલી અને તેને ફૂંકતો તે આગળ આવ્યો; એક પળમાં તેણે ચલમનો દેવતા ગંજીની અંદર મૂક્યો અને ફૂંક મારી બળતું કર્યું.

જતિ દૂર જઈ હરખમાં હાથ ચોળવા મંડી ગયો. તેણે ગંજી ધુમાતી જોઈ. અને તે ત્યાંથી ખસ્યો. રુદ્રમહાલયના એક નાના બારણા પાછળ તે લપાતો ગયો અને આગળો ઉઘાડી બહાર નીકળ્યો. તેના હર્ષનો પાર રહ્યો નહોતો; તેના જીવનનો ઉદ્દેશ પૂરો પડ્યો હતો. અહિંસા પરમ ધર્મ છે, એમ માનતાં અને તેનો ફેલાવો કરતાં કરતાં અધમમાં અધમ હિંસા કરવા સુધી તે પહોંચી ગયો હતો.'

તે ચાલતો ચાલતો પાછો નદીકિનારે આવ્યો અને થાય છે એ જોતો ઊભો. થોડી વાર સુધી કાંઈ જણાયું નહિ. જતિને ફિકર થઈ કે રખેને આગ હોલવાઈ તો નહિ ગઈ હોય ? પણ એટલામાં તેની ચિંતા મટી. મહાલયના પહેલા માળની બારી ચેતી ઊઠી અને ભડકો થયો; એકબે બારીમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. જતિ આનંદસ્વરૂપ થતો ગયો; તેની એકાગ્રતા ફળીભૂત થઈ હતી.

--------