૨૫. બિચારો દંડનાયક
શાંતિચંદ્ર શેઠ ઊઠ્યા, તેવા તેણે મદનપાળની લાશ ઠેકાણે કરવાની ત્રેવડ કરવા માંડી; થોડાઘણા સિપાઈઓને ભેગા કરી મદનપાળને સ્મશાને વિદાય કર્યા, અને અંધારામાં અગ્નિદાહ અપાવ્યો ! 'દંડનાયકે પછી રાજગઢની બારી-બારણાંઓ પર સખત ચોકીપહેરો મૂકી, સવારના બેસણાની તૈયારી કરી, કે જેથી કોઈ જાણવા ને નહિ કે મીનળદેવી ગેરહાજર છેઃ
---------------
* કર્ણદેવનો મામો યાને ઉદયમતિનો ભાઈ.
× પહેલાંના વખતમાં ને હાલમાં પણ ગામડાંમાં ને નદીકિનારેનાં શહેરોમાં સૂર્યોદય થયા બાદ શબને સૂર્યનારાયણની સાક્ષીમાં અગ્નિસંસ્કાર થાય છે.
---------
અને બેસવા આવેલી સ્ત્રીઓ જ્યારે વિખેરાઈ ગઈ ત્યારે તેને અડધી નિરાંત વળી. તે વહેલા વહેલા નિત્યકર્મથી પરવારી રહ્યા, ને અધીરા હૃદયને હિંમત આપવા લાગ્યા, કે બે દિવસ તો આમ વહી જશે, રાણી પાછાં આવશે, અને બધું બરોબર ઊતરશે.' આ હિંમત આપતાં પણ કોઈનું પગલું કે કોઈનો અવાજ તેમને ગભરાવતાં. આખરે નિત્યકર્મ માટે ઉતારેલો પહેરવેશ ફરી પહેર્યો, અને જાણે કાંઈ થવાની વાટ જોતા હોય તેમ બેઠા.
થોડી વારે દરવાન કહેવા લાગ્યો કે, મોરારપાળ મળવા આવ્યા છે.’ શાંતિચંદ્રે તેને તરત બોલાવ્યો : 'કેમ, મોરારપાળજી ! ક્યાંથી પાછા ફર્યાં ?' ઓરડામાં તે એકલા પડ્યા, એટલે દંડનાયકે પૂછવા માંડ્યું.
‘વિખરાટથી થોડે દૂર ગયા એટલે મને પાછો મોકલ્યો. અહીંયાં કેમ છે ? મોરારપાળે પૂછ્યું.
‘ના, અહીંયાં બરોબર છે. બધું બરોબર છે.'
'કાલે સાંજે મને ચાંપાનેરી દરવાજે આવવાનું કહ્યું છે. મીનળબા ત્યારે આવશે,' મોરારે કહ્યું.
'ઠીક, ત્યાં સુધી તો બધું શાંત ચાલશે. કાંઈ વાંધો નહિ આવે, પણ અહીંયાં ધ્યાન રાખજો. કોઈ જાણે નહિ, કે રાણી આવવાનાં છે,' શાન્તુ શેઠે કહ્યું.
'ના રે, એમ કોણ જાણવાનું છે ?' પ્રસન્નનું મોઢું હૃદયમાં રમી રહ્યું હતું, એટલે તેને વિષે બોલવાની હિંમત નહિ કરતાં મોરારપાળે કહ્યું.
'ઠીક ત્યારે, કાલે સાંજે દરવાજા પર પણ તમે જ જો; હું જઈશ તો લોકોમાં ચગોવગો થશે.'
'અરે હા, એ વાતની કશી પણ ફિકર નહિ કરશો. કાલે સાંજે મીનળબાને સહીસલામત રાજગઢમાં લઈ આવીશ, પણ દરવાજા પર ચોકીપહેરો –'
'હા, તેમાં કાંઈ વાંધો નથી. હવે તો પાટણ કાલ સુધી છાનુંમાનું પડી રહે, ના તેના એ તો પછી કાંઈ છે નહિ.'
બહારથી એક ચોપદાર આવ્યો, એટલે શાંતિચંદ્રે ઊંચું જોયું અને જરા સખ્તાઈથી પૂછ્યું : 'કેમ શું કામ છે ?'
‘શું શું ? હું આવી છું.’ કહી માનવકુંવરબા અંદર આવ્યાં અને બોલવા માંડ્યું; ચોપદાર ! બહાર જા. તમે શું કરવા બેઠા છો ? મને તો કાંઈ કહેતા જ નથી ?'
શાંતિચંદ્ર શેઠે મહામુશ્કેલીએ ગૌરવ જાળવી રાખ્યું : 'મોરારપાળજી ! આપ હવે નિરાંતે જાઓ, પેલું ભૂલતા નહિ.'
‘ઠીક, જ્ય જય !' કહી મોરારપાળ ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જોયું કે હવે ધત ધણિયાણીની વાતમાં ઊભા રહેવામાં કાંઈ માલ નથી. તે બહાર નીકળ્યો અને નીચે જવા લાગ્યો; જતાં જતાં તેણે બાજુના છજામાં ત્રણ-ચાર યુવતીઓ ઊભેલી જોઈ; તેમાંની એક કાંઈ પરિચિત લાગી, એટલે તે તરફ ફર્યો. જેનું મોઢું રાત્રે સાથે આવેલી છોકરી જેવું ભાસ્યું તેણે તો ઘૂમટો તાખેલો હતો. નિરાશ થઈ, મોરારપાળ રાતના અનુભવને યાદ કરતો કરતો પોતાને ઘેર ગયો.
શાંતિચંદ્ર શેઠે માનકુંવરબાની ઉગ્રતા શમાવવા પ્રયત્ન કરવા માંડ્યો; 'પણ છે શું ? આટલાં બધાં આકળાં કેમ થયાં છો ? થયું શું ?'
'થાય શું ? આખું ગામ ઊલટીને તમને ઝબ્બે કરવા આવે છે. કાંઈ ભાન છે ? દંડનાયકના પેટમાં ધ્રાસ્કો પડ્યો : 'કેમ ? ગામ શાનું ઊલટે.'
'આ તમે ચંદ્રાવતીના જતિડા અહીંયાં તેડાવો છો તેમાં ! મીનળબા ક્યાં છે ? કહોની તમે જ.'
'અરે ! જરા ધીરે બોલો, કોઈ સાંભળશે !' શાન્તુ મહેતા વધારે ને વધારે ગભરાતા બોલ્યા.
'કોણ નથી જાણતું કે ધીમે બોલું ? કહું છું તે શું ? આખું ગામ જાણે છે, કે મીનળબા કાલે રાત્રે નાસી ગયાં ને ચંદ્રાવતીની ફોજ તો આપણે બારણે આવીને પડી છે.'
'કોણે કહ્યું?'
'તે મારાથી છુપાવશો તે કેમ ચાલશે ? હું તો આખા ગામની વાત જાણું છું.'
'જુઓ, તમે મારી વાત તો સાંભળો.'
'હા, કહો જોઈએ, શું કહો છો ?' કેડ પર હાથ મૂકી શેઠાણી બોલ્યાં. ‘તમને જ કહું છું, કોઈને કહેશો નહિ. મીનળબા અહીંથી ગયાં છે તે બધાનું સમાધાન કરવા, શું સમજ્યાં ? અને કાલે સાંજે તે પાછાં આવશે; એટલે ગભરાવાનું કાંઈ કારણ નથી.'
'ને ચંદ્રાવતીની ફોજ ? તમારી તો તે સગી લાગે છે; કેમ ?'
'પણ ક્યાં છે ચંદ્રાવતી ? કોઈએ ગપ્પું માર્યું છે.'
'ના, ના, ત્યારે લોકો બધા કહે તે ખોટું ને તમે રાજા હરિશ્ચંદ્ર ! હવે તમે ઘેર ચાલો, ઘેર. મારે તો શેઠાઈબેઠાઈ કાંઈ નથી કરવી. ઘરડેઘડપણ ધોળામાં ધૂળ ઘાલવા બેઠા છો તે !'
‘શેઠાણી ! જરા સખ્ત થઈ શાંતિચંદ્રે કહ્યું; મારો ધર્મ અત્યારે પાટણ સાચવવાનો છે, સમજ્યાં ? અને પાંસઠ વર્ષે હું પાછી પાની કરવાનો નથી. મીનળબાના હુકમનો અનાદર કોઈ દિવસ હું નહિ કરું.'
'ના રે, તમે તો બાપદાદાની આબરૂ જવા દો ! આખું ગામ અહીં આવશે, પછી શું કરશો ? કોઈ ચંદ્રાવતીનું લશ્કર પેસવા દેશે કે ? તમારા કરતાં તો રસ્તાના ચાલનારનો જીવ ઊકળી આવે છે. આપણા ગામમાં પરદેશી લશ્કર?'
'પણ કહ્યું કોણે ? નકામાં શું કરવા એવી વાતો કરો છો? અને લોકો આવશે તો હું જવાબ દઈશ."
'દીધો, દીધો. શું દેશો ?'
'કહીશ કે થાય તે કરો. રાજગઢમાં કોઈની મગદૂર નથી કે પેસે. મારે મારો ધર્મ બજાવવો છે. ચોપદાર ! અહીંયાં નાયક કોણ છે ?' એટલામાં ગણગણાટ સાંભળતાં, ‘અરે, પણ અવાજ શાનો ? સરસ્વતીમાં અત્યારે પૂર કેવું ?' કાન માંડતાં શાંતિચંદ્રે પૂછ્યું.
'ના, ના, એ તો બધા લોકો,' શેઠાણીએ કહ્યું.
દૂરથી આવતો, વધતો, ગંભીર, પણ ભયંકર આછો અવાજ સંભળાયો; શાંતિચંદ્રના હ્રદયમાં ગભરાટ છૂટ્યો. ઊલટતા સાગર સમો અવાજ કોનો હતો, તે તેણે પારખ્યો. આ ગંભીર હૃદયભેદક ગર્જના એક મહાશક્તિનાં બે સ્વરૂપો જ કરી શકે છે. એક સાગર અને બીજો સમાજ. તે સ્વરૂપો ઘણે અંશે મળતાં દેખાય છે; તેનાં અમેય ઊંડાણમાં રત્નોનો ચમકાટ, વડવાનળની ભયંકર આગ, ત્રાસદાયક મગરમચ્છોની લોહીતરસી રસાકસી સમાયેલી છે, એમ કવિઓ લખી ગયા છે. ગૌરવશીલ શાંતિને સમયે આનંદના તરંગો બંને ઉપર આવે છે. આહ્લાદજનક સંગીતનો ધ્વનિ થઈ રહ્યો હોય એમ લાગે છે. પળમાં, પવન બદલાતાં, શાંતિનો નાશ થાય છે; વડવાનળ અને મગરમચ્છોના પ્રભાવ પણ ભૂલી જવાય, એવી ભયાનક ગર્જના શરૂ થાય છે; રાક્ષસી ક્ષુધા સંતોષવા એ શક્તિઓ આગળ વધે છે. જે પોતાની પાસે આવે તેને તે ગળી જાય છે; અને માણસની બુદ્ધિએ ઊભી કરેલી નાનીમોટી રેતીની ઢગલીઓ એક વિપળમાં ધોવાઈ જાય છે.
પાટણમાં પવન બદલાયો હતો. આનંદની લહરીઓએ પ્રચંડ સ્વરૂપ ધાર્યું હતું. રાણીએ, જતિએ અને શાંતિચંદ્રે રચેલી યોજનાઓને જમીનદોસ્ત કરવા સમાજ આગળ વધતો હતો, તે સમાજના પ્રલયતરંગે તાંડવનૃત્ય આરંભ્યું હતું, અને નૃત્યનું ગાન સાંભળતાં શાંતિચંદ્ર વિચારમાં પડ્યો હતો. તેના સરળ જીવનમાં તેણે આવા પ્રસંગો ઘણા જોયા નહોતા. ભીમદેવના જુવાનીના પ્રસંગો, ગીઝનીના મહમદની સવારી વખતની સ્થિતિ તેણે માત્ર સાંભળેલી હતી. અને પટ્ટણીઓ હવે સાદા, સીધા થઈ ગયા છે એમ એનું માનવું હતું. અત્યારે આ અવાજ શું સૂચવતો હતો, તેનું પરિણામ શું આવશે, એ બધા પ્રશ્નોનું રહસ્ય સમજવા જેટલું મુત્સદ્દીપણું શાંતિચંદ્રમાં નહોતું.
'ચોપદાર ! ચોપદાર ! કલ્યાણ નાયકને બોલાવ.'
'જી, આ અહીંયાં જ છે,' કલ્યાણ નાયક અંદર આવ્યો.
'કલ્યાણ ! આ શું સંભળાય છે? '
‘મહારાજ ! હું પણ એ જ વિચાર કરું છું; કાંઈ લોકોની બુમરાણ લાગે છે.' ‘નાયક ! તું નિમકહલાલ છે, આપણા બધાની કસોટીનો વખત આવ્યો છે. કાલ રાતનો તું જાણી તો ગયો હશે, કે મીનળબા કેટલાક કામસર પાટણ બહાર ગયાં છે. તે આવે ત્યાં સુધી આપણે બધું સાચવવાનું છે. માટે જે થાય તે ખરું, પણ તું રાજગઢના આગલા દરવાજા પર રહે, અને વખત આવે બંધ કરવા પણ તૈયાર રહેજે. હું પણ સજ્જ થઈ આગલા ચોકમાં આવું છું.'
‘મહારાજ ! પણ આપણા માણસોનું કંઈ કહેવાય એમ નથી. કાલ રાતના તોફાન પછીથી બધાને વહેમ પડ્યો છે, કે બા અહીંયાં નથી,' અને તેથી બધા બેદિલ તો થઈ ગયા છે.'
‘હરકત નહિ. તું દરવાજો સાચવ. હું બધાને હમણાં સમજાવું છું. શેઠાણી ! તમારે બહાર જવું હોય તો જાઓ, હું રાજગઢમાં જ રહીશ.'
માનકુંવરબાએ પોતાના વૃદ્ધ પતિની દૃઢતા જોઈ, અને વખાણી. 'ના, ત્યારે તમને અહીંયાં મૂકીને હું ચાલી જઈશ ? હવે આ ઉંમરે?'
‘ઠીક ત્યારે,’ કહી શેઠ સજ્જ થવા માંડ્યા, અને કલ્યાણ નાયક દરવાજા પર પહેરો રાખવા ગયો.
માનકુંવરબા છાનાંમાનાં બહાર ચાલ્યાં ગયાં.
ધીમે ધીમે અવાજ વધારે ગંભીર અને સ્પષ્ટ થતો ગયો, 'જય સોમનાથ'ની બૂમો સંભળાવા માંડી. રાજગઢની ઊંચી બારીએથી શાંતિદ્રે સામો આવતો જનપ્રવાહ જોયો; તેનું બળ, તેની દિશા અને તેના નાયક પારખવાનો પ્રયત્ન કર્યો. દૂરથી જાણે એક મહા નદી પર્વતમાંથી પહેલી વારી નીકળી સાગરને મળવા જતી હોય, તેવો કાંઈક ખ્યાલ આવ્યો. ગૂંચવાડામાં દંડનાયકે બેસી જઈ માથે હાથ મૂક્યો. આશરે આઠ ઘડી દહાડો ચડ્યો હશે અને કલ્યાણ નાયક દોડતો પાછો આવ્યો.
'મહારાજ ! ખેંગાર મંડલેશ્વર આવ્યા છે. તે આપને અને મીનળબાને મળવા માંગે છે.'
અંદરથી ગભરાતાં છતાં મહામહેનતે શાંતિ રાખી શાંતિચંદ્રે પૂછ્યું : “તેં શું કહ્યું ?'
'મેં કહ્યું કે બા શોકને લીધે કોઈને મળતાં નથી, અને શાંતિચંદ્ર શેઠ ધ્યાનમાં બેઠા છે.'
'પછી ?'
'પછી તેણે કહ્યું કે જ્યાં સુધી શેઠ નવરા થાય ત્યાં સુધી હું બેસીશ, એટલે ન છૂટકે તેમને અંદર લાવ્યો છું, અને હેઠળ સિંહાસનવાળા ખંડમાં બેસાડયા છે. 'ઠીક, હું આ આવ્યો. આપણે અહીંયાં સૈનિકો કેટલા છે ?' વિચારમાં ને વિચારમાં દંડનાયકે પૂછ્યું.
'દોઢસોએક નીકળશે.'
'પણ કાંઈ તોફાન થાય ત્યારે આપણે કહીએ તે કરે એવા કેટલા છે?'
'તેવા તો પચાસ-સાઠ નીકળે,' કલ્યાણ નાયકે કહ્યું.
'ઠીક, બાકીના હોય તેને હમણાં ને હમણાં કાંઈ કામને બહાને ગઢની બહાર મોકલી આપ. પાછલે દરવાજે હો કે; આપણે અહીંયાં બીજી બધી જોઈતી વસ્તુઓ છે કે.?'
'હા.'
રાજગઢ એક માત્ર મહેલ નહોતો. તે અરસાના રાજગઢો તોફાની વખતોમાં રાજાઓનું રક્ષણ કરવાના નાના સરખા દુર્ગો હતા, અને તેમાં દરેક જાતની રસોઈ હંમેશાં તૈયાર રહેતી; એટલે થોડો વખત ઘેરો પણ સહી શકે એવી તેમની શક્તિ રાખવામાં આવતી.
'ઠીક ત્યારે. તું ચારપાંચ વિશ્વાસુ માણસોને આગલાં બારણાં પર રાખજે. અને મારા કહ્યા સિવાય બારણાં ખૂલે નહિ, એવો બંદોબસ્ત કરજે.' કહી શાંતિચંદ્ર નીચે ઊતર્યા.
સિંહાસનવાળો ખંડ વિશાળ, સોને મઢેલો અને ભપકાદાર હતો. તેમાં એક ખૂણે ખેંગાર મંડલેશ્વર ધોળી મૂછો અધીરાઈમાં તાણતા ઊભા હતા. '
કેમ મંડલેશ્વર ! કાંઈ અત્યારે આવવું થયું?' શાંતિચંદ્રે પૂછ્યું.
'મારે મીનળદેવીને મળવું છે.'
'મીનળબા શોકમાં છે, તે કેમ મળશે? ' બા ઉપર જરા ભાર દેતાં દંડનાયકે કહ્યું.
‘હરકત નહિ. અંદરના ઓરડામાં બેઠાં બેઠાં વાત કરશે તો ચાલશે,' ખેંગારે કહ્યું.
'પણ એવું શું કામ પડ્યું છે ? અત્યારે મળાય એમ લાગતું નથી.'
‘કેમ ?”
'બાનો સખ્ત હુકમ છે, કે કોઈએ આવવું નહિ.'
'ઠીક; ત્યારે જયદેવકુમારને તો શોક નથી. તે ક્યાં પણ એટલું બધું છે શું ?
‘જુઓ, શાન્તુ શેઠ !’ બધા કહે છે કે મીનળબા ને જયદેવકુમાર નાસી ગયાં છે, અને મારે તેની ખાતરી કરવી છે.'
ખેંગારસિંહજી ! અત્યાર સુધી તમે કર્ણદેવના 'ખાસ મિત્ર હતા; હવે મિત્રતાથી આવ્યા છો કે શત્રુતાથી ?' શાંતિચંદ્રે પૂછ્યું.
'શેઠ ! કર્ણદેવનો છોકરો તે મારો માથાનો મુગટ! પણ તેથી કાંઈ મારા પાટણની ટેક જવા દઉં ? જયદેવકુમારને અહીંયાં બોલાવી. હું તેને મળી તરત ચાલ્યો જઈશ.’
‘મંડલેશ્વર ! ત્યારે જરા સાંભળી જાઓ. આ બધું મને સોંપી, દેવપ્રસાદ અને મુંજાલ બે ભેગા મળી પાટા પર ચડી ન આવે, માટે તે બન્ને મધુપુર ગયાં છે.'
‘શાન્તુ શેઠ ! ખેંગારને છેતરવો છે કે?'
'ના ના. '
'ત્યારે એવી એવી શું વાતો કરો છો ? એમ કહોની કે તમારો જતિ, રાણીને ચંદ્રાવતીના લશ્કર તરફ લઈ ગયો; અને એ ફોજ લઈ રાણી હવે પાટણને સર કરવા આવે છે.'
'જાઓ, જાઓ; એમ કરવામાં હેતુ શો હોય ?'
'બીજો કાંઈ નહિ, પણ મંડલેશ્વરોને ગભરાવી વશ કરવાનો.' ખેંગાર મંડલેશ્વરે કહ્યું; 'શાન્તુ શેઠ ! એ બધી તમારી જ રમત છે. આ બાર બધા ઊભા છે, તેમને શો જવાબ દો છો ?”
'બહાર કોણ છે ? શા માટે આવ્યા છે?'
'કોણ ? બધા. એમ પૂછો કે કોણ નથી ? મહેતા ! મામલો ભારે છે; રાણીએ તો પાટણનું નાક કાપી નાંખ્યું; હવે પસ્તાવું પડશે. આ બધા હવે જીવ લઈ નાંખશે.'
'ખેંગારસિંહજી ! રાત્રી જે કરે તે, તોપણ માલિક. લોકોને કહીશું કે છાનામાના બેસી રહે.'
'કાંઈ ગાંડા થયા, શેઠ ? સામે ચંદ્રાવતીનું લશ્કર આવે અને પટ્ટણીઓ બેસી રહે ? એ તો બોલશો જ નહિ. પાટણમાં પરદેશી પેસે એ કેટલા શેરનું થાય ? ગમે તે થાય, તોયે અમે તો દરવાજા બંધ કરી બેસવાના અને તમે નહિ માનો તો તમને એ ભારે પડશે.’
શાન્ત શેઠ ગૂંચવાયા. આવા પ્રસંગોમાં કેમ વર્તવું તે તેમને આવડતું ન હતું.
તેના મન આગળ એક જ વાત રમી રહી, કે અત્યારે લોકોને નમતું આપવું નહિ અને રાણી આવે ત્યાં સુધી સત્તા જાળવી રાખવી; એટલે તેઓ બોલ્યા : ‘મંડલેશ્વર ! મારો ધર્મ અત્યારે રાજ્યસત્તા સાચવવાનો છે. બહુ થશે તો હું મારે ગઢમાં બેસી રહીશ. લોકો બહાર ગમે તે કરે.'
'લોકો હમણાં ગઢમાં આવશે. શાન્તુ શેઠ ! જિદ્દ છોડી દો, લોકોને શાંત કરો, અને પાટણના દરવાજા અમને સોંપી દો. અમારે બીજું કાંઈ નથી જોઈતું.' ‘તમારા જેવા ઘણાયે મંડલેશ્વરે આવે, પણ હું ડગવાનો નથી.' શાંતિચંદ્રે કહ્યું.
'જુઓ, મારી સલાહ સાચી છે. માની જાઓ. તમે પણ પટ્ટણી છો; પાટણની આબરૂ પર પાણી નહિ ફેરવો.'
'તમે કહી રહ્યા ? મારો ધર્મ મારા રાજાની આબરૂ જાળવવાનો છે, અને ચંદ્રાવતીના જૈનો આવશે તો ક્યાં પારકા છે? આપણા ને આપણા જ છે ને ?' શાંતિચંદ્રે કહ્યું.
‘તમારા ભલે હોય, અમારા નથી. ઠીક, તમારે માનવું નથી તો હું આ ચાલ્યો, હવે મારે માથે કાંઈ દોષ નહિ,' પાછા ફરતાં મંડલેશ્વરે કહ્યું.
'ખેંગારસિંહજી ! હવે બહાર નહિ જવાય. રાજગઢનાં બારણાં બંધ છે.'
ખેંગાર મંડલેશ્વર મગરૂરીમાં પાછો ફર્યો અને ભયાનક અવાજે પૂછ્યું, 'મને। કેદ કરો છો ?' એમ પૂછતાં જ તેણે તલવાર પર હાથ મૂક્યો.
'મંડલેશ્વર ! ક્ષમા કરો, પણ અત્યારે રાજગઢનાં બારણાં નહિ ઊઘડે.’
'લોકોનું શું ? બહાર બધા વાટ જુએ છે.' ભલે તે વાટ જુએ, અને પોતપોતાને ઘેર ચાલ્યા જાય. ખેંગારસિંહજી ! મારા જીવતાં અત્યારે ગઢનાં બારણાં નહિ ખૂલે.'
'કેમ ?' એક કોમળ પણ સત્તાવાહી અવાજ બારણાંમાંથી આવ્યો. ફિક્કો, નબળો પડી ગયેલો હતો; છતાં ક્રોધથી જ્વલંત કાંતિ ધારતો ત્રિભુવનપાળ બારણાંમાં ઊભો હતો. પાછળ ઉદાએ તેની પીઠ પર એક હાથ રાખ્યો હતો. સાથે લીલો અને સામળ બારોટ પણ આવ્યા હતા.
શાંતિચંદ્ર અને ખેંગાર બન્નેએ ત્રિભુવનનું ભવ્ય રૂપ ભાળ્યું અને જાણે અણચિંતવ્યો કોઈ દેવદૂત આવ્યો હોય તેમ તેમને લાગ્યું; તેઓ ચમક્યા.
‘શાન્તુ મહેતા ! પાટણની પ્રજા બહાર પોકાર કરી રહી છે; ને બારણાં કેમ બંધ રાખો છો ?' ગૌબ્રાહ્મણપ્રતિપાળનાં બાર કદી બંધ સાંભળ્યાં છે ?” સામળ બારોટે મોટે અવાજે કહ્યું.
'બારોટજી !' શાંતિચંદ્રે ગુસ્સામાં કહ્યું; 'હું બધાંને ક્યાં જવાબ આપવા બેસું ?
'રાજ્ય સંભાળવું છે. કોની મગદૂર છે કે બારણાં ઉઘાડે? જે ઉઘાડવા જશે, માથું ધડથી જુદું કરીશ.'
'ત્રિભુવનપાળે હોઠ કરડવા તેનામાં ઝાઝી શક્તિ હતી નહિ, છતાં મહામહેનતે ને રાખી તે બોલ્યો : 'મહેતા ! મગદૂર મારી છે. જયદેવકુમાર નથી, મારા બાપુ, એટલે આજ પાટણની લાજ મારે રાખવાની છે. હું બારણાં ઉઘાડીશ. આમ સ્ત્રીઓની માફક સંતાતા શું ફરવું ?"
શાંતિચંદ્રે અને ખેંગારસિંહે છોકરાને ઓળખ્યો. એક ગભરાયો, અને બીજો હરખાયો. ખેંગા૨ બોલ્યો : 'કોણ, મારા મંડલેશ્વરનો દીકરો ? જીવતો રહે મારો સોલંકી !'
'પણ જરા સાંભળશો ?' શાંતિચંદ્રે નરમ પડી જઈ કરગરતાં કહ્યું.
‘ના. પાટણની પ્રજા બહાર ઊભી હોય અને તેનું સ્વાગત કરતાં વિલંબ થાય ?
શાન્તુશેઠ ! થાય તે કરો, હું ઉઘાડું છું. જોઉં મને કોણ રોકે છે ?' કહી ત્રિભુવનપાળ ચોગાનમાં આવ્યો. ઓટલાથી રાજગઢનો કોટ જરા દૂર હતો, અને એ બે વચ્ચેનું ચોગાન કોઈ મોટા પ્રસંગે લશ્કર માટે વપરાતું. ખેંગારસિંહ સાથે આવ્યો. શાંતિચંદ્ર શેઠની દૃઢતા ગઈ. ખેંગારને પકડવો સહેલ હતો, પણ ત્રિભુવનપાળને શું કરવું ?'
'બાપુ ! હું દંડનાયક છું; મારો હુકમ તમારે માથે ચડાવવો જોઈએ.'
ત્રિભુવનપાળ મૂંગે મોઢે આગળ આવ્યો. ખેંગારને વધારે કહેવું પડે એમ ન હતું. તે ઝપાટાબંધ કોટના દરવાજા આગળ ગયો; કલ્યાણમલ્લ જોડે થોડી વાત કરી. કલ્યાણમલ્લ ગૂંચવાઈ શાંતિચંદ્ર તરફ ફર્યો, તો ઓટલા પર નિરાશામાં હાર ખાધેલ દંડનાયકને નીચે મોઢે ઊભેલો જોયો; થોડે દૂર ચોકની વચ્ચે ત્રિભુવનપાળને જોયો; પ્રસંગ ઘણો ગંભીર લાગ્યો, અને તે પણ મૂંગે મોઢે ઊભો રહ્યો. ખેંગારે બારી ઉઘાડી, અને મહામુશ્કેલીએ રોકી રાખેલો પ્રવાહ એક નાને માર્ગે વહેવા માંડે, તેમ બારીમાંથી પાંચ, સાત, દશ માણસ એકસામટા અંદર આવ્યા. તેઓએ બારણાની ભોગળ ઉઘાડી, અને બાર ખોલી દીધાં.
ખોલેલા દરવાજામાંથી મનુષ્યસમુદ્રની એક મોટી છોળ અંદર આવી અને આખા ચોગાનમાં પથરાવા લાગી.