Patanni Prabhuta - 14 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 14

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 14

૧૪ શિકારી અને શિકાર

જેણે સાંકળ ઉઘાડી એ ત્રીસેક વર્ષની સ્ત્રી હતી. તેનું સફેદ વસ્ત્ર, તદ્દન ફિક્કો અને સૂકો પડી ગયેલો મોઢાનો રંગ, સ્થિર અને ભાવહીન થઈ ગયેલી મોટી આંખો, તે જાણે શબ હોય એવો ખ્યાલ આપતા; છતાં સફેદ વસ્ત્રના પટોમાં અત્યંત ક્ષીણતાથી થયેલા ખૂણેદાર હાડકામાં શબવત્ ભાવહીનતામાં પણ અદ્ભુત લાલિત્ય દેખાતું. ચાલવામાં આંખોના ઘાટમાં, હાથમાં હાલવામાં કાંઈ આંખને અહલાદે એવી છટા, કાવ્યમયતા લાગતાં. જોનારને એમ થતું, આ માનુષી છબી દૈવી આકાશ તત્વની બનેલી છે; આ જીવંત છે કે પ્રેતલોકમાં ભૂલથી જઈ પાછી ફરેલી દેવાંગના છે? એવો સંશય પેદા થતો; અને ક્ષીણતા અને ભાવહીનતા ન હોય તો આ રમણી કેવીક લાગતી હશે, તેનો તરત વિચાર આવતો. પણ દેવની અવકૃપાએ ઘણા થોડા એને જોતા.

'કેમ હંસા?' જરાક મીઠું હસતાં મિનળદેવીએ કહ્યું. હંસાની મોટી આંખો ભાવહીન સ્થિરતાથી મીનળ સામું જોઈ રહી; તે ગાંડી હોય એમ લાગતું.

'કેમ બોલતી નથી ? મારા પર બહુ ગુસ્સે બળે છે?'

;

મારું શું કામ પડ્યું? આવા જ એક વખત મધુર હશે પણ હાલમાં હંમેશા મૂંગા રહેવાની ટેવ થી બોલતા જરા મુશ્કેલીથી સ્વર ઉચ્ચારતા.

'તારું કામ ! કામ હોય તો જ આવું?'

'નહિ તો શા માટે કોઈ મારી પાસે આવે? જરા કઠોરતાથી હસતા હંસાએ કહ્યું કેટલા વર્ષ થયા કોણે મારી સામું જોયું છે?'

હંસા તને એક વધામણી દેવા આવી છું તને હવે છૂટી કરવી છે.'

'મારે હાથે કાંઈ તમારો સ્વાર્થ સાધવો હશે તિરસ્કારથી હંસાએ કહ્યું.

'મને તો એટલી બધી સ્વાર્થી ધારે છે? તારી ભૂલ છે.' 'સ્વાર્થી ! મને શું કામ બોલાવો છો ? બોલવામાં સાર નથી પણ તમે આવો છો તો મારા ભાઈને કોઈ દિવસ તો લઈ આવો.'

'તારો ભાઈ જતો રહ્યો. તે પણ મારાથી રિસાઈ ગયો.' જરા કડવાશથી મીનળદેવીએ કહ્યું.

હંસાના ભાવહીન ચહેરા પર પણ સખ્તાઈ જરા વધારે દેખાઈ, 'તેમાં નવાઈ જેવું શું ? પહેલેથી જાણતી હતી, તમે આવ્યાં અને મારો માડી જાયો મુંજાલ, જે મને પળ પણ દૂર ન કરે તે મને છોડી, મને સડવા દઈ ચાલ્યો ગયો. તમે તેને લઈ લીધો, પણ તમારા સ્વાર્થ આગળ તે પણ થાક્યો હશે.'

'તું મને બહુ ખરાબ ધારે છે. ઠીક ઊલટી મેં તો તને તારા ભાઈ પાસેથી લઈ લીધી. મોક્ષને માર્ગે ચઢાવી અને તું આવું બોલે છે ?'

'કોનો મોક્ષ ?' હંસા જાણે થાકી જતી હોય એમ બોલી; વર્ષોનો વર્ષો આમ રિબાતાં, અકળાતાં, ન છૂટકે જિનરાજ પ્રભુની ભક્તિ કરતાં મોક્ષ મળશે ? એકાંતમાં વિચાર કરવાનો મને ઘણો વખત મળ્યો છે, મિનળદેવી તમારા સ્વાર્થ માટે હું અહીંયા સડુ છું. પ્રભુ મોતેય નથી આપતો કે છૂટી થાઉ !' આંખોમાં આંસુ આણવાની શક્તિ પણ જણાતી નહોતી.

'હંસા ! હંસા ! આવું શું બોલે છે ? હજુ જો તારા જેવી પરમાર્થપરાયણ સ્ત્રીને શું શું કરવાનું છે ?'

'પરમાર્થપરાયણ ! કોણે કહ્યું ?' હંસાએ પૂછ્યું.

'હું કહું છું.'

હંસા ફરીથી કઠોર, કુત્રિમ હસી.

'અમારા બધા કરતા તારામાં દૈવી અંશ વધારે છે.' મિનળદેવીએ મીઠી રીતે કહ્યું અને હેતથી હંસાના હાથ પર હાથ મુકવા ગઈ.

હંસા અગ્નિ સ્પર્શ થયો હોય એમ ચમકી અને આઘી જઈ ઊભી રહી. 'રાણી!

'શા માટે ખુશામત કરો છો ? તમારું કોઈ કામ સાધવા શા માટે નકામી મને ફુલાવો છો ?'

‘ફુલાવું છું ?' જાણે ખોટો આક્ષેપ મુકાયો હોય એવો ડોળ કરતાં મીનળે કહ્યું. તેનું મગજ આ નિરાશ સ્ત્રીને વશ કરવા ઉપાયો યોજતું હતું.

'ત્યારે બીજું શું ? હું ઐશ્વરી અંશની હતી, માટે મારા ભાઈએ પંદર વર્ષો સુધી મને જીવતી બાળી ! હું ઐશ્વરી અંશની છું. માટે આજે પંદર વર્ષોનાં વહાણાં વાયાં, પણ એક અમીભર્યું વહાલ ઝીલી હૈયું ઠાર્યું નથી !' અવાજમાં સચોટતા આણતાં હંસાએ બોલવા માંડ્યું; તેની આંખોમાં કાંઈ કાંઈ તેજ આવવા માંડ્યું, ઊકળતા ભાવના જોરથી તેના હોઠ અને હાથ થર થર ધ્રૂજવા લાગ્યા હતા.

'આ કલ્પાંતનું શું કામ ? જરા ધીરજ રાખ.' આશ્વાસન આપતી હોય તેમ મીનળદેવી બોલી.

'ધીરજ ? ધી૨જ ? શું ક્રૂરતાથી કહો છો ? જરા શરમ આવે છે ? તમે છૂટાં છો ! ધણી હતો, છોકરો છે, મારા ભાઈ જેવો તમારો ગુલામ છે. તમે કેટલી ધીરજ રાખી ? ધી૨જ ! ધીરજ ! પંદર વર્ષની કોમળ વયે પ્રભુ જેવા પતિ તમે ખોયા હોત; ફૂલ જેવો સુકુમાર લાડકવાયો તરફડતો તમારે ખોળેથી કોઈએ ઝૂંટવી લીધો હોત; દિવસોના દિવસો એકલાં કોઈની હિંમત વિના, છાતીફાટ આક્રંદ કરતાં ગાળ્યાં હોત, તો તમને ખબર પડત, કે ધી૨જ કેમ રખાય છે !' ધ્રૂજતે અવાજે શબ્દો પર શબ્દો મોઢામાંથી કાઢતાં હંસાએ કહ્યું.

રાણીએ હોઠ કરડ્યા. 'બહેન ! ગઈગુજરી વીસરી જા.' રાણીના શાંત હૃદયમાં બીજા માટે ઘણી ઊર્મિઓ નહોતી. ‘હવે તો તમારે શરણે આવી છું.' ગરવાઈ જતાં તેણે ઉમેર્યું.

‘હા, તેમ કહો, હું પહેલેથી જાણું છું કે શા કારણે તમે જૂની વાતે મને ચડાવો છો. બોલો કહો, શો હુકમ છે ?' ફરીથી તિરસ્કારભર્યા અવાજે હંસાએ કહ્યું.

'બહેન ! તું જરા ધીરી પડ. જો, રાજા ગયા, જ્યદેવ હજુ બાળક છે, અને સોલંકીઓનું રાજ જવા બેઠું છું; અને તે રાખવું તારે હાથ છે.'

'મારે હાય ! કેમ કરીને?'

તારો ભાઈ રિસાઈને મધુપુર ચાલ્યો ગયો છે અને દેવપ્રસાદ –'

હંસા ચમકી, હોઠ કરડ્યા. તેના શબ જેવા ધોળા ગાલની પાતળી ચામડીમાં જરાક લાલાશ આવતી જણાઈ; તેનું શરીર વધારે કંપવા લાગ્યું.

દેવપ્રસાદ મેરળનું લશ્કર લઈ પાટણને પાદર કરવા આવે છે. કાલે સવારે આવશે. આ રાજ્યનું – ગુજરાતનું પછી શું થશે ?' ચિંતાતુર અવાજે મીનળે કહ્યું.

‘આવશે ? ભલે, આવવા દો. રાણી ! તમારા દહાડા ભરાઈ ચૂક્યા છે,‘ કઠોર અવાજે હંસાએ કહ્યું.

‘તું પણ એમ કહે છે ? જે રાજ્યના નગરશેઠની તું બહેન થાય, જેની છાયા નીચે તારી કેટલીય પેઢીએ સુખચેન કર્યું તે રાજ્યને માટે આવું કહે છે ?' ઠપકો દેતાં રાણી બોલી.

'જે રાજ્યે મારા મંડલેશ્વરને આટલું આટલું દુઃખ દીધું, જે રાજ્યે તેની સ્ત્રીને કૈદ કરી, તેના છોકરાને રિબાવી માર્યો, તે રાજ્યને એથી બીજું શું સારું મળે ? હું તેની સાથે હોઉં તો પછી તમને ખબર પડે. સો દહાડા સાસુના, પણ એક દહાડો વહુનો પણ આવે.'

'હંસા ! હંસાબહેન ! જેણે તને આટલા આટલા દિવસ સડવા દીધી, જેવું તારે માટે તપાસ સુઘ્ધાંય નહિ કરી, ને આજે કેટલી કેટલી સ્ત્રીઓ જોડે મોજમજાહ મારે છે; તેને સારુ પણ હજુ તારો આ પ્રેમ નિશ્ચળ છે ?'

હંસા ગર્વમાં ટટાર થઈ, તેની સતેજ થતી નિસ્તેજ આંખો જરા મોટી થઈ. 'રાણી ! સતીને તો એક જ સ્વામી હોય; અને તે એક અવતાર નહિ, પણ ચૌરાશી લાખે અવતાર, કેમ જાણ્યું, કે સડવા દીધી ? કેમ જાણ્યું, કે તપાસ નહિ કરી હોય ? અને એમ હોય તોયે શું ? તે માલિક છે, હું તો તેમના ચરણની રજ છું.'

'હા, પણ લશ્કર લઈ તે અહીંયાં આવે છે.' આ રીતે વાત કરતાં કાંઈ નહિ ફાવે, એમ જોતાં મીનળે વાત બદલી,

'આવે ! તેમાં હું શું કરું ?' બેદરકારીથી હંસાએ કહ્યું.

‘તું જા, અને કોઈ પણ રીતે તે આવતાં અટકે એમ કર.'

‘શા માટે કરું ?' ભયંકર ભ્રૂભંગ કરી હંસાએ પૂછ્યું, ‘મારે શું ? જેને પડી હોય તે ભોગવે.'

‘તારે શું, હંસા ? તારા જેવી આમ પૂછશે ત્યારે શું થશે ? રાજ્ય માટે આટલી સેવા નહિ કરે ?”

'ફરીથી શું કામ કહેવડાવો છો ? રાજ્યે મારે માટે શું કર્યું છે ? પાસેથી પતિ ચોરી ગયાં. વિના ગુનાએ મને કેદમાં પૂરી રાખી ! હવે મારે અને તમારા રાજ્યને શો સંબંધ ?'

‘એમ દરેક માણસ કહે તો પછી રાજ્યનું શું થાય ?” થોડાકનાં મોજશોખ માટે જ રાજ્ય ચાલે ત્યાં મારે શું છે ?' હંસાએ જવાબ આપ્યો.

'ધનપાલ નગરશેઠની છોકરીને મોઢે આ શોભતું નથી !"

‘તમારા કોણ જાણે કયા હેતુ માટે મને અત્યારે ખોળી કાઢી છે, તે તમને શોભે છે ? જાઓ, અત્યારે તમારા ખુશામતિયાઓ પાસે, જેને ખવાડી, સુવાડી, પંપાળ્યા હોય તેને ત્યાં. હું તો મારા મંડલેશ્વરની અને તેની ઇચ્છા એટલે મારે મન બ્રહ્મવાક્ય, સમજ્યાં ?'

‘હંસા ! તું નહિ કરે આટલું ?' દયામણે મોઢે મીનળ બોલી. અંદરથી તે હંસા ઉપર કોધે બળતી હતી; તેનું બ્રહ્માસ્ત્ર અત્યારે નકામું નીવડ્યું હતું. જો આટલું કરશે, તો કેટલો આશીર્વાદ પામશે ? પાટણના લોકો તને દેવી સમાન ગણશે, તારી કીર્તિ અમર થશે, તું આખા ગુજરાતની જનેતા થશે.’

'હા ! હા ! હા !' કઠોર રીતે હસતાં હંસાએ કહ્યું, રાણી, રાણી ! હંસા એકાંતમાં બહુ શીખી છે. તમારાથી છેતરાઉં એમ નથી. મારા મંડલેશ્વર આવશે તેમાં લોકોને શું ? તમારે બદલે લોકોને તો પ્રેમાળ હૃદયના વીરનર મળશે, પટ્ટણીઓ હારતોરા લઈ તેને વધાવવા નીકળશે. એમ કહી કે તમારી સત્તા, માત્ર તમારી મજાહ જરો.'

રાણીએ હોઠ કરડ્યા, ‘તું જાણતી નથી, કે મારો દેશ છોડી ગુજરાતને માટે તો હું અહીંયાં આવી મહારાજાને પરણી.'

'એમ કહો, કે ચંદ્રપુરમાં કોઈ સામંતને પરણત, તેના કરતાં ગૂર્જર દેશની ધણિયાણી થઈ એકચકે રાજ્ય કરો છો.' હંસાએ જવાબ દીધો.

'છોકરી ! તું બહુ બોલે છે !' ભ્રૂકુટિ ચઢાવી રાણીએ કહ્યું. તેને હંસાની ખુશામત કરવી પડતી હતી તે ઘણું સાલતું હતું.

'મને કોની પરવા છે ? તમારૂં ચાલ્યું તેટલું તમે કર્યું; શા માટે નહિ બોલું ? મારા બાપદાદાની મહેનતથી તમારું રાજ્ય ઊભું થયું છે; મારા પતિના બાહુબળથી તમારી આણ વર્તે છે; મારા ભાઈની બુદ્ધિથી તમારી સત્તા ટકી રહી છે; પછી હું કેમ નહિ બોલું ? આ બધાની મહેનતનાં ફળ મફતમાં ચાખવા તત્પર થયેલાં તમે, ઊલટાં તમે શું મોઢું લઈને મને કહો છો ?'

મીનળની આંખે અંધારાં આવ્યાં. કેટલીક વાતો કે જે કોઈ એને કહેવાની મગદૂર ધરાવતું નહિ, જે ભાગ્યે જ તેના સ્વાર્થી હૃદયમાં સ્ફુરતી; તે આજે હંસાએ ભયંકર શબ્દોમાં સ્પષ્ટ કહી હતી. પોતાનું સ્વાર્થીપણું નજર આગળ ખડું થયું. આ કુટુંબના ઉપકાર બદલ તેણે તેને શું દુઃખ દીધું હતું, તેનું ભાન આવ્યું, સાથે હંસા કાંઈ માને એવું લાગ્યું નહિ. બીજો કોઈ પણ રસ્તો જડ્યો નહિ. ‘શું કરવું ? દરેક પળે મંડલેશ્વર મેળ તરફ જતો હશે.' એક મહાપ્રયત્ન કરી દુઃખના વિચાર દૂર કર્યા. અણીમાંથી કેમ બચવું તે જ તરફ તે નજર રાખી રહી.

‘હંસા ! ફરીથી તારા મંડલેશ્વર સાથે રહેવાને પણ તું ઈચ્છતી નથી ?' લાલચ બતાવતાં રાણીએ પૂછ્યું.

'ઇચ્છું છું. શા માટે નહિ ? આ ભવે નહિ તો આવતે ભવે; પણ હમણાં શું કામ કઢાવવા તમે મને મોકલો છો, તે મને સમજાતું નથી. જ્યાં સુધી સમજાશે નહિ ત્યાં સુધી કાંઈ કરવાની નથી. તમારી ભલમનસાઈનાં બહુ ફળ ચાખ્યાં.' બોલતાં બોલતાં હંસાને શ્વાસ ભરાઈ આવ્યો. આંખે અંધારાં આવ્યાં; તેણે લમણે હાથ મૂક્યા; તેના અશક્ત શરીરને આટલું બોલવાની તસ્દી પણ ઘણી પડી.

એટલામાં નીચે, રાજગઢના પાછલા ચોકમાં એકદમ મોટો કોલાહલ જાગ્યો. મીનળને તે અપિરિચત લાગ્યો. જે ઓરડામાં તે હતી ત્યાંની બારીઓ બંધ હતી. માત્ર બે લાકડાની જાળીઓ નીચેના ચોકમાં પડતી, તે જાળી તરફ મીનળ ગઈ; નીચે ચોક પાસેના ઓટલા પર ઉઘાડે માથે જયદેવ ઊભો હતો. તેના હાથમાંથી રુધિર વહેતું હતું. એક સૈનિક તેને પાટો બાંધવાની તૈયારી કરતો હતો. જયદેવનો હાથ એક તીરે ઘવાયો હોય, એમ લાગતું હતું. તેની નાની તલવાર તેના પગ આગળ પડી હતી, સામેના ચોકમાં દાનેશ્વરી કર્ણનું ભવ્ય સૌંદર્ય અને વીરતા દાખવતો એક જુવાન હાથમાં નાગી તલવાર લઈ ઊભો હતો. એની આંખમાં ઝનૂન હતું. એના સીના પર સત્તા હતી. દશપંદર સૈનિકો એના તરફ ધસવા પ્રયત્ન કરતા હતા. એકલે હાથે, કાંઈક અભિમન્યુનો ખ્યાલ દેતો બધાને ડરાવતો હતો. રાણીએ તેને તરત ઓળખ્યો. હંસાની મુખરેખાઓ એ છોકરા પર ચોખ્ખી રીતે ચિતરાઈ રહી હતી. તે ત્રિભુવનપાળ હતો.

ત્રિભુવનને જોતાં રાણીની ભ્રૂકુટિ ચડી. તરત એક વિચાર આવ્યો. ચિંતાતુર હૈયામાં હર્ષના અંકુર ફૂટ્યા. અત્યારની ભયંકર વિટંબણામાંથી છૂટવાને તત્પર થઈ રહેલી તેની સ્વાર્થબુદ્ધિ રસ્તો ખોળવા સમર્થ થઈ હતી. સારી લાગણીઓ તેણે બધી દબાવી; રાક્ષસી હૃદયની શક્તિ તેની મદદે આવી; તે હંસા તરફ ફરી.