૧૨. સાળો અને બનેવી
હિંમતવાન શિકારી પ્રાણીઓને શરતમાં ઉતારતાં તેઓને ખરું પાણી આવે છે. પહેલાં શાંત, નરમ દેખાય છે, પણ જ્યાં રસાકસીમાં તે ઊતરે કે તે બદલાઈ જાય છે. આંખોમાંથી તણખા ખરે છે, નસકોરાં ફાટે છે અને ગમે તે બહાને જીતવા તરફ જ તેની નજર ચોંટે છે. મીનળદેવીમાં આવાં પ્રાણીઓનો સ્વભાવ હતો, શરત શરૂ થઈ હતી. હિંમતથી મુંજાલની અને મંડલેશ્વરની સાથે તે બાથાબાથીમાં ઊતરી હતી. કેટલાં વર્ષો થયાં દબાવી રાખેલી શક્તિઓ બહાર કાઢી, તેણે રાજ્યની લગામ હાથમાં લીધી અને રાજગઢના પહેરાવાળાથી માંડીને તે મેરળના લશ્કર સુધી બધે પોતાનું ધ્યાન આપવા લાગી. અનુભવી મુંજાલની મદદ વગર તેણે અને જતિ બે જણે બધો કારભાર હાથમાં લીધો; પણ મીનળદેવી આખરે સ્ત્રી હતી. આ ગોઠવણમાં મુંજાલને ખીજવવાનો, કે મીનળદેવી એકલે હાથે રાજસત્તા ચલાવી શકે છે એ તેને બતાવવાનો ઘણે ભાગે હેતુ હતો. આટલાં વર્ષે જે ગુરુની શીખે તે ચાલતી, તેને પાઠ પઢાવવાની હોંશ તેને થઈ. તેની સાથે જરા ખિન્નતા પણ આવી. મુંજાલને આપેલો અન્યાય તેના હૃદયમાં સાલતો અને તે એ અન્યાય કેવી રીતે સ્વીકારે છે, તે જોવા તેને ઘણું મન થયું. એકબે ઘડી વાટ તેણે જોઈ. હમણાં ફફડતો મુંજાલ આવશે; હમણાં ગુસ્સામાં દેદીપ્યમાન થઈ રહેલી તેની કાંતિ તે જોશે; પણ તે આવ્યો નહિ. સૂર્ય તપવા માંડ્યો, પણ મુંજાલનું મોઢું તેણે દીઠું નહિ. રાણીને ચિંતા થઈ.
'દાસી ! જો તો બહાર કોણ છે ?'
'હા જી !' દાસી બહાર જોઈ પાછી આવી બોલી : 'બાર સમરસેન ચોપદાર છે. બોલાવું ?'
‘હા.’
સમરસેન આવ્યો અને હાથ જોડી ઊભો રહ્યો.
‘સમર ! મુંજાલ મહેતા ક્યાં છે, તે જોઈ આવ તો. કોઈને કહેતો નહિ. તરત પાછો આવ.'
'જેવી બાની મરજી !' કહી તે ગયો.
સમરસેન પાછો આવ્યો ત્યાં સુધી મીનળે જોસભેર હીંચકા ખાધા. તેની આતુરતા વધતી જતી હતી, એટલામાં ચોપદાર પાછો આવ્યો.
'કેમ સમર ?“
'બા ! મંત્રી મહારાજે હમણાં જ હિસાબ કરી ચોપડા શાંતિચંદ્ર શેઠ પર મોકલાવ્યા, અને મધુપુર જવા માટે ઘોડો મંગાવ્યો છે.'
મીનળદેવી કચવાઈ. આ કર્તવ્યપરાયણતા કરતાં મુંજાલ ચિડાયો હોત તો વધારે સારું. તેણે કરેલા અન્યાય માટે મુંજાલ શું તેને શિક્ષા આપતો હતો ? શું ફરીથી મંત્રીનું સ્નેહભર્યું સ્મિત નહિ જ જોવા મળે ? મીનળદેવીનું હૃદય શુદ્ધિના બખ્તરમાં હંમેશાં ફરતું; તેમાં મુંજાલ જ ઘા મારી શકે, એટલી જગ્યા હતી. મુંજાલે ઘા કરવો શરૂ કર્યો હતો. મીનળદેવીને કાંઈ ચેન નહિ પડ્યું.
'સમર ! મુંજાલ મહેતાને કહે કે અહીંયાં આવીને જાય.' જરા આતુરતાથી તેણે કહ્યું.
'જી.' કહી આજ્ઞાંકિત ચોપદાર પાછો ગયો.
રાણીની અધીરાઈ વધતી જતી હતી; હીંચકા મોટા ને મોટા આવતા. સમરસેન પાછો આવ્યો.
'બા ! મુંજાલમંત્રી કહે છે કે, વખત મળે તો આવું છું. કહે છે કે મધુપુર જવાની વાર થાય છે.'
'મધુપુર ચૂલામાં ગયું ! કહે કે હમણાં ને હમણાં બોલાવે છે,' દાંત પર દાંત પીસી મીનળદેવીએ કહ્યું.
દરેક પળ તેને ઝેર જેવી લાગી. થોડી વારમાં તેને બહાર પગલાં સંભળાયાં; તે ઓળખ્યાં; મુંજાલ આવ્યો. પોતે બતાવેલી સત્તાનો સ્વાદ ચાખવા તેણે સ્વાસ્થ્ય મેળવ્યું. મુંજાલને પણ તેણે ઠેકાણે કર્યો હતો, તેનું તેને જરા અભિમાન આવ્યું.
બારણામાંથી મુંજાલ આવ્યો. તે જ રૂપ, તે જ ગૌરવશીલ મોઢું, તે જ ચાલ; ફેરમાં ફક્ત આંખો ભાવહીન, સખત લાગતી હતી : હુકમને તાબે થતાં પણ પોતાની શક્તિની સાક્ષી તે પૂરતી હતી. નીચે મોઢે હાથમાં હાથ રાખી તે ઊભો.
'કેમ મહેતા ! અત્યારે નીકળવાની શી જરૂર છે ?'
'મુંજાલ હુકમને તાબે થતાં શીખે છે,' મગરૂરીથી મુંજાલે કહ્યું.
રાણી જરા હરખાઈ. ઘણે દિવસે આજે મુંજાલ પર હકૂમત ચલાવવા તે ભાગ્યશાળી થઈ હતી.
'કેમ, તને આ ગોઠવણ નહિ ગમી ' તેણે પૂછ્યું.
‘નોકરોને ગમતું-અણગમતું શું ? હુકમ થયો એટલે તાબે થવાનું.'
'ત્યારે આટલો કઠોર કેમ થઈ ગયો છે ?' જરાક ખોટું હસતાં રાણીએ પૂછ્યું.
'મને તિરસ્કાર આવ્યો છે.'
'કોના પર? "
‘મારા ૫૨. મૂર્ખ મુંજાલ નાનપણથી પોતાને વિમલમંત્રીનો સમોવડિયો ધારતો. મને હવે ખાતરી થઈ, કે તેના પગની ટચલી આંગળી સમાન પણ હું નથી.'
‘વારું, પણ મધુપુર જઈને શું કરશે ?' રાણીએ પોતાની સત્તાનું પ્રદર્શન કરવા પૂછ્યું.
'જે દંડનાયકનો હુકમ થશે તે.’
'આમ ને આમ શું કહ્યા કરે છે ? બરોબર બોલ ને ?'
'શું બોલું ? સેવકોની ભાષા મારી જીભે ચડવી સહેલી નથી, છતાં બને તેટલું બોલું છું.'
'અત્યારે તું છેક નકામો થઈ ગયો છે.'
મુંજાલ મૂંગો રહ્યો. રાણીને શું વાત કરવી તે સૂઝયું નહિ. ‘ત્યારે ૨જા ?' શાંતિથી મુંજાલે પૂછ્યું.
'હા, પધારો,' જરા ચિઢાઈ રાણી બોલી : ભોગ છે મારા કે આવે વખતે પણ કોઈ વિશ્વાસપાત્ર નથી.’
મુંજાલે એક ભયંકર તીક્ષ્ણ સાર્થક દૃષ્ટિ નાંખી. તે જરા વધારે ટટાર થયો, ધીમે અવાજે બોલ્યો : 'દેવી ! વિશ્વાસુ માણસો સંઘરતાં નથી આવડતાં. વારુ, એક વાત કહું. રાત્રે આ મહેલમાં રહેશો તો કાવતરાંબાજો જયદેવકુમારને ઉપાડી જશે.'
રાણી આ શબ્દોનો અર્થ સમજે ને તે શબ્દની ભયંકરતા ગ્રહણ કરે, તે પહેલાં મુંજાલ ત્યાંથી ચાલ્યો ગયો. ગભરાયેલી રાણીને શું કરવું તે સૂઝ્યું નહિ. માથે હાથ દઈ તે બેસી ગઈ; અત્યારે મુંજાલ હાજર હોત તો રાણી વિનયની મર્યાદા છોડી રડી પડત. અત્યારે એકલી, સલાહ વગરની, ગૂંચવાયેલી રાણી વિચારના વમળમાં પડી ગઈ. હીંચકા પરથી ઊઠી તેણે બારી ઉઘાડી, થોડી વાર તે ત્યાં ઊભી રહી. થોડાક રસાલા સાથે મુંજાલને જતાં તેણે જોયો. તે જોઈ એક નિસાસો નાખ્યો. તેણે પોતે યોજેલી રચના જોઈએ તેવી સહેલી નહિ લાગી.
તરત તેને એક વિચાર આવ્યો. ‘અરે ! હા, પેલીને બીજે ઠેકાણે સંતાડું. મુંજાલ પણ વખત છે ને સામો થાય. એ તો મારું બ્રહ્માસ્ત્ર છે. હવે તો બેવડું ખપ લાગશે,' કહી મીનળદેવી અંદરના ખંડમાં ગઈ.
મુંજાલ ઝપાટાભેર મોઢેરી દરવાજા તરફ ચાલ્યો. મધ્યાહ્નને હજુ બેત્રણ ઘડીની વાર હતી. બજારુઓના જય ગોપાલ' સ્વીકારતો મંત્રી ચૌટામાંથી ચાલ્યો જતો હતો. ગામમાં એનું જવાનું નક્કી થવાની બીક પેદા થઈ હતી. લોકોનાં ટોળાં ઠેકાણે ઠેકાણે ઊભાં રહી વાતો કરી રહ્યાં હતાં અને હડતાળ પાડવાની વાતો ચાલતી હતી, એટલામાં પાસેની ગલીમાંથી એક બીજો રસાલો નીકળ્યો. દેવપ્રસાદ અને ત્રિભુવન પણ ચારપાંચ માણસો સાથે મોંઢેરી દરવાજે જતા હતા. નાના સરખા રસ્તામાં બે ૨સાલા સામસામા થઈ ગયા, અને કયો આગળ જાય, એ પ્રશ્ન ઊભો થયો. પ્રાચીનકાળમાં આ પ્રશ્ન હંમેશાં આવી વખત ઊભો થતો અને ઘણી વખત મારામારીઓ પણ થતી, અને લોહી રેડાતાં. દેવપ્રસાદ સ્વભાવનો આકળો હતો, અને એવી બાબતોમાં ઘણો મમતીલો હતો. તેણે મૂછને આંકડા ચઢાવ્યા, તરવારની મૂઠ પર હાથ મૂક્યો અને એડ મારી પોતાની કાઠી ઘોડી આગળ કરી; તેની પાછળ તરત ત્રિભુવન આવ્યો. મુંજાલ પાછો ફર્યો, મમતી રજપૂતોનો ઇરાદો પારખ્યો અને તેણે પાછળ આવતા સવાર પાસે તલવાર માંગી લીધી. દુકાનો પર લોકો જોવા મળ્યા.
‘ભીમદેવનો પ્રપૌત્ર પહેલાં જશે.' મગરૂરીથી દેવપ્રસાદ બોલ્યો, અને તેણે મૂછ મરડી. મુંજાલના સેવકો લડવા તત્પર થઈ ગયા. મુંજાલે શાંતિથી મંડલેશ્વર સામું જોયું.
'પાટણનો નગરશેઠ પાટણમાં પહેલો,' એક પળ સુધી બેએ એકમેકની સામે જોયા કર્યું. વનરાજ કેસરી ગરુડરાજનાં તેજસ્વી નયનો તરફ પોતાની વિકરાળ નજર ફેરવે એમ લાગતું. બાળપણના કટ્ટા વેરી આજે સામસામા મળ્યા. વૈર, દ્વેષ, દબાયેલી લાગણીઓ ઊછળી રહી; કેટલાં વર્ષનાં અણીવીસરેલાં વૈર આજે તાજાં થયાં.
દેવપ્રસાદે તલવાર મ્યાનમાંથી કહાડી : જોઉં છું પહેલો કોણ જાય છે !' મંડલેશ્વર ! આ વખત આમ કપાઈ મરવાનો છે ?' મુંજાલે ધીમેથી પૂછ્યું. તે બહાદુર હતો, સાથે શાણો પણ હતો.
દેવપ્રસાદ જરા હસ્યો. ધીમેથી બબડ્યો : ‘વાણિયો !'
મુંજાલે તે સાંભળ્યું. તેની આંખોમાં તેજ વધારે ધારદાર થયું સોલંકી ! મુંજાલની હિંમત તો બધી દુનિયા જાણે છે, પણ અત્યારે?'
ત્રિભુવન વચ્ચે આવ્યો; 'બાપુ ! સોલંકી આગળ જાય કે નગરશેઠ એ વાત તો બાજુ પર રહી, પણ સાળોબનેવી સાથે જાય.' આ ભૂલેલું સગપણ આવી અચાનક રીતે સાંભળતાં બંને જણા ચમક્યા. તેમના મોં ઉપર ગ્લાનિ છવાઈ; બંને પાછા પડ્યા, તલવાર પરથી હાથ છોડી દીધો, ત્રિભુવન તરફ જોઈ રહ્યા. બંનેએ તેની મુખરેખામાં તેની માની સુંદર રેખાઓ જોઈ. દીનવદને ત્રિભુવન જોઈ રહ્યો. સાળોબનેવી પીગળ્યા.
દેવપ્રસાદ પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો : “મુંજાલ ! તારા જુલમે તો મારું આખું જીવન બાળી મૂક્યું.' તેણે દિલગીરીમાં માથું હલાવ્યું. દેવપ્રસાદ ભોળો હતો; આવે પ્રસંગે તે વૈર તરત ભૂલી જતો.
મંડલેશ્વર !” ખેદયુક્ત અવાજે મુંજાલે કહ્યું : “દુનિયામાં ભૂલ કોણ નથી કરતું ? અત્યારે હું જોઉં છું, કે મારા જેવો હતાશ બીજો કોઈ નથી.' મંત્રીનો મોહ ઊતર્યો હતો. ધીમે ધીમે તેના વિચારશીલ મગજમાં પોતાની કરેલી ભૂલો સ્પષ્ટ દેખાતી હતી; તેનાં પાપોનો પશ્ચાત્તાપ કરવાનું તેણે શરૂ કર્યું હતું. બન્નેનાં મન આગળ એક જ રમ્ય મૂર્તિ ખડી થઈ.
દેવપસાદે જરા ઘોડી આગળ લીધી. મુંજાલ પણ સાથે આવ્યો. બધાથી દૂર જઈ મંડલેશ્વરે ધીમેથી પૂછ્યું : 'ત્યારે હંસા ખરેખર ગઈ જ ?'
મુંજાલ વધારે ફિક્કો થઈ ગયો. તેના હોઠ પર દુઃખનો કંપ પળવાર રહ્યો. 'ભાઈ !' હિંમતવાન મુંજાલની આંખમાં આસુ હતાં : ‘એક વખત મેં હંસા તમારી પાસેથી લઈ લીધી, આજે તેને પાછી આપું છું; તે જીવે છે.'
'ક્યાં છે?' આતુરતાથી મંડલેશ્વરે પૂછ્યું. તેનું હૃદય ધબકી ઊઠ્યું.
'રાજગઢના ઈશાન ખૂણાની પાછલી બારી છે ને ? તેની સામેના માળ પર.'
'હેં ! ત્યારે હું જઈ આવું,' દેવપ્રસાદે દૃઢતાથી કહ્યું.
'તમને ખબર છે કે પાટણના દરવાજા મધ્યાહે બંધ થાય છે ?'
'હા, પણ હજુ બે ઘડી છે. તેમાં તો આ જઈને આવ્યો. 'ઠીક ત્યારે, હું તો જઈશ.”
“મુંજાલ ! આજે સાથે મળ્યા તેના પહેલાંના મળ્યા હોત તો ?" મંડલેશ્વરે ઇચ્છા દર્શાવી.
ગુજરાતનાં ભાગ્ય જ ફરી જાત. વિધિના લેખ ! બીજું શું ? પણ હજુ સાથે મળી ઘણુંયે થાય એમ છે.
'હા, મુંજાલ ! ખુશી છું. તારી અને મારી બંનેની હાલ તો ગ્રહદશા સારી નથી. પણ બોલ, ક્યાં મળીએ?'
'મેરળથી બે કોશ દૂર વાઘેશ્વરી માતાનું મંદિર છે; ત્યાં કાલે સૂર્યોદયે મળજો. બીજી વાતો કરીશું.'
'ત્યારે કાલ સવાર સુધી રામ રામ,' મોટેથી દેવપ્રસાદે કહ્યું. તેને ભાન નહિ રહ્યું. કે આસપાસના લોકોએ તે સાંભળ્યું.
મુંજાલ ત્યાંથી ઝપાટાબંધ પોતાના રસાલા સાથે શહેર બહાર ચાલ્યો ગયો. અત્યાર સુધી વિનયી ત્રિભુવન દૂર ઊભો રહ્યો હતો, તેની તરફ મંડલેશ્વર ફર્યોઃ બેટા ! હજુ મધ્યાહને થોડી વાર છે. હું જરા રાજગઢ જઈ આવું.'
દીકરો થોડુંઘણું સમજ્યો. 'બાપુ ! કહો તો હું સાથે આવું. વખત છે ને કામ પડે.'
'નહિ રે! હું હમણાં આવ્યો.' કહી દેવપ્રસાદે ઘોડી મારી મૂકી. તેનું લોહી ઊકળે ત્યારે તેની હિંમત બધું કરવા સમર્થ હતી. પાણીદાર ઘોડી પણ માલિકનો વિચાર સમજી ગઈ હતી; તે પવનવેગે રાજગઢ પહોંચી. ત્યાં બધું સ્મશાન જેવું શૂન્ય લાગતું. રાજગઢના ઈશાન ખૂણાની બારી એક ઉજ્જડ ભાગમાં પડતી હતી. દેવપ્રસાદે સાંકળ ખખડાવી. એક બખ્તરમાં સજ્જ થયેલા કરકટિયાએ બારી અરધી ઉઘાડી.
'કોણ છે ?' તેણે બારીમાંથી ડોકું બહાર કહાડતાં કહ્યું.
'કેમ, આ રાજગઢ છે કે બંદીખાનું ? ઉઘાડ.'
'અહીંયાંથી કોઈને આવવાનો હુકમ નથી. ક્ષમા કરજો, મંડલેશ્વર ! આવવું હોય તો મોટે દરવાજે આવો,' કહી કરકટિયો બારી બંધ કરવા ગયો, પણ મંડલેશ્વરને સમજાવવો સહેલ વાત ન હતી. જેવી બારી અડધી દેવાઈ, કે તેણે એકદમ જોરથી લાત મારી. આખા ગુજરાતના મહાબાહુના અપ્રતિમ જોરે બારી ઉઘાડી નાંખી; પાછળનો કરકટિયો ભૂસ દઈ પડી ગયો, અને મંડલેશ્વર બારીમાં દાખલ થયો. તે અંદરના મહેલ તરફ દોડ્યો. તેને યાદ આવ્યું, કે પરમ દિવસે રાત્રે આ જગ્યાએ હંસાને અંતર્ધ્યાન થતાં તેણે જોઈ હતી. એક પળમાં તે પગથિયાં ચડી ગયો. પાછળ ધૂળ ખંખેરતો કરકટિયો દોડી આવ્યો.
'પ્રભુ ! અન્નદાતા ! બાનો સખત હુકમ –'
ફરીથી સપાટો ચાખવો છે ?' કહી દેવપ્રસાદે તલવાર કહાડી. માણસ બીધો, મૂંગો થઈ ઊભો રહ્યો. ઝડપથી દેવપ્રસાદ સાંકડો દાદરો ચડી ગયો. તેની ભ્રૂકુટિ ચડેલી હતી; આંખો ચમકી રહી હતી.
‘હંસા ! હંસા !' શાંત ઓરડામાં કાંઈ જવાબ મળ્યો નહિ. દેવપ્રસાદે ઓરડામાં એક જ બારણું હતું તે હચમચાવ્યું. અંદરથી કોઈએ તે દીધું હતું. તેણે તે ઠોક્યું; પણ કાંઈ જવાબ મળ્યો નહિ. દેવપ્રસાદે લાત મારી. ત્રીજી લાતે સાંકળ તૂટી ગઈ અને બારણું ઊઘડી ગયું.
તે અંદર ધસ્યો – અંદર કોઈ ન હતું. આમતેમ એકબે સફેદ વસ્ત્રો અને એક માળા ભોંય પર પડી હતી. કોઈ બૈરીનો વાસ અહીંયાં હોય તેમ લાગ્યું. ‘હંસા ! હંસા !' નિર્જન શાંતિમાંથી ઊઠતા પ્રતિશબ્દે જ માત્ર જવાબ આપ્યો. તે ધોંશભેર અંદર દોડ્યો – બધે નિર્જનતા. બેત્રણ ખંડ વટાવ્યા, પણ કોઈનું નામ કે નિશાન દીઠું નહિ. દેવપ્રસાદની આતુરતાનો પાર રહ્યો નહિ. એક તરફથી પળેપળ જતાં મધ્યાહ્ન પાસે આવતો હતો. હંસા ! હંસા !' તેણે બૂમ પાડી.
‘કોણ છે ?” એક જાણીતા અવાજે જવાબ દીધો. દેવપ્રસાદ ચમકીને ઊભો. બીજી પળે મીનળદેવી ત્યાં આવી ઊભી રહી. મંડલેશ્વર શરમિંદો પડ્યો.
‘કોણ ? મંડલેશ્વર ? કેમ શું થયું છે, કે આટલા ધોંશભર્યા દોડ્યા આવો છો ?' જરા સખ્તાઈથી તેણે પૂછ્યું.
'કાકી ! કાકી ! મારી હંસા આપો. મને આપો.' કરગરતાં, શ્વાસ ઘેરાઈ ગયો હોવાથી જેમતેમ મંડલેશ્વર બોલ્યો.
'હજી તારું ગાંડપણ નથી ગયું ?
'ગાંડપણ નથી. કાકી ! કાકી ! મને શું કામ રિબાવી મારો છો ? મારી પ્રિયતમા આપો. મારે કોઈ નથી જોઈતું. જે જોઈએ તે લો. મારી પ્રાણેશ્વરી પાછી આપો.'
‘એમ કાંઈ મૂઆં જીવતાં થાય ? શું આપવા તૈયાર છો ?” શાંતિથી મીનળે પૂછ્યું.
'શું જોઈએ ?'
દેવસ્થલીનું મંડલ, મેરળ આગળ પડેલું લશ્કર, બે સ્વાધીન કરો. અને હમણાં ગઢમાં નજરકેદ રહો.' શાંતિથી મીનળદેવીએ કહ્યું
દેવપ્રસાદે શરત સાંભળી. તેના ઊકળતા મગજમાં વધારે આગ પેઠી. હંસા મેળવવાની તેની ઇચ્છા સબળ હતી. મહામુશ્કેલીએ શાંત રહેતાં તેણે કહ્યું : 'કાકી ! તમારી જીદ તેની તે છે ! લો, મંડલ આપું, મને દંડનાયક નીમો તમારી પહેલાંની શરત કબૂલ છે.'
'તે વખત ગયો. હવે તો બૈરી જોઈતી હોય તો એક જ રસ્તો છે.'
'ત્યારે તો મને અને મારી હંસાને બેઆબરૂ કરતાં વિયોગ વધારે વહાલો છે.' હોઠ પર હોઠ બીડી ભયંકર આંખોની પ્રભા મીનળ પર એકાગ્ર કરતાં તે બોલ્યો : ‘કાકી ! રાક્ષસી કાકી ! જુઓ, હવે તમે મારો પણ હાથ. અત્યાર સુધી હું પાટણ માટે મરવા તૈયાર હતો, હવે જોજો કે પાટણના ગઢ ક્યાં સુધી રહે છે ?'
મીનળદેવી મૂંગી ઊભી. એટલામાં ગઢનાં ચોઘડયાં શરૂ થયાં. મધ્યાહ્ન થવા આવ્યો છે, એમ મંડલેશ્વરને ભાન આવ્યું; મધ્યાહ્યે તે કેદ થશે, એમ યાદ આવ્યું
'કાકી ! હવે જાઉં છું. ફરી મળીશું યમને ઘેર,' કહી મંડલેશ્વર પાછો ફર્યો અને ઉતાવળથી પાછલો દાદર ઊતરી રાજગઢમાં નીકળ્યો. મધ્યાસનાં ચોઘડિયાં ગગડી રહ્યાં હતાં. આડું કે અવળું જોયા વિના દેવપ્રસાદે પોતાની ઘોડીને એડ મારીને દોડાવી મૂકી.