Patanni Prabhuta - 5 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 5

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 5

૫. મીનળદેવી

મુંજાલ આનંદસૂરિને મૂકી રાણીના ઓરડામાં પેઠો, ત્યારે તેની ચાલ અને સ્વરૂપ કાંઈક બદલાયાં. તેનો મગરૂર, સત્તાદર્શક દેખાવ જરા નમ્ર અને સ્નેહભીનો થયો.

'દેવી ? ક્યાં છો?'

'કોણ મહેતા ? અહીંયાં છું.' અંદરની ઓરડીમાંથી અવાજ આવ્યો. નાની ઓરડીમાં એક ત્રીસેક વર્ષની સ્ત્રી પાટ પર બેઠી બેઠી માળા ફેરવતી હતી. તેની આંખો જરા લાલ અને વદન મ્લાન લાગતાં. મુંજાલ સામા ઉંમરા પર બેઠો. સ્ત્રીએ માળા ઊંચી મૂકી, અને નાનાં પણ તેજસ્વી નયનો મંત્રી પર ઠેરવ્યાં તેનું રૂપ સાદું અને રંગ શ્યામ હતો.

'મુંજાલ ! શી નવાજૂની છે ? નવાજૂનીમાં તો વાદળાં ઘેરાય છે.'

'કેમ '

'દેવપ્રસાદ અહીંયાં આવ્યો છે,' મુંજાલે કહ્યું.

'શું કહે છે ? વગર રજાએ ?'

'એમાં ૨જા શું કામ જોઈએ ? કાકા મરવા પડે ત્યારે ભત્રીજો જોવા ન આવે ?”

'અને આપણું બધું લૂંટી લે ? અત્યારે એમને તો કશું ભાન નથી ને કાંઈ કહી દેશે તો વળી પંચાત થશે.

'કાંઈ નહિ થાય. તમે બેફિકર રહો. પણ આ ઘડી એને છેડાય એમ નથી. નહિ તો હું ચૂકું ? મારે તો હજુ એની સાથે ઘણો હિસાબ ચૂકવવાનો છે.'

'મહેતા ! ચૂકવતાં ચૂકવતાં પંદર વર્ષ થયાં, હજુ કાંઈ થયું નથી.'

'તમારે વાસ્તે.'

'મારે વાસ્તે ?'

'હા ! તમારા જયદેવને માટે પાટણ રહે, તેટલા માટે મારું વેર અને સ્વાર્થ છોડી, આ ઘટમાળામાં ગૂંથાઈ રહ્યો છું.'

'તેમાં કર્યું શું ?' જરા કચવાઈ મીનળદેવીએ કહ્યું, તેર વર્ષ ૫૨ ગુજરાતમાં પગ મૂક્યો અને જેવી સત્તા વિનાની શોભાની રાણી હતી, તેવી જ આજે હું છું. તારા પર વિશ્વાસ રાખતાં તો હવે ઘરડી થઈ.'

અન્યાયભર્યાં વેણથી થયેલા આઘાતને લીધે દબાયેલા સ્વરે મુંજાલે કહ્યું : 'દેવી ! દેવી ! આવું કહો છો ? તેર વર્ષ પર પૂરું પાટણે તમારું ન હતું. આજે મોટા ગ્રાસો અને મંડળો સિવાય બધે તમારી આણ વર્તે છે. ચંદ્રાવતીએ પણ આપણે માટે લશ્કર તૈયાર કર્યું છે. અને જો કોઈ વધારે ન થયું હોય તો તમારે લીધે જ.'

‘તમારી એ ફરિયાદો સાંભળતાં સાંભળતાં તો હું થાકી ગઈ.'

'અને હજી વધારે થાકશો. રાજ્યસત્તા ગમે તેવી રીતે સ્થાપવી, એ મારા મગજમાં નથી ઊતરતું.'

'ના, ત્યારે મારે બધાંનાં ઓશિયાળાં થઈ રહેવું ? તમારા અન્નદાતા ભલા છે, તેથી આખો અવતાર શોભાની સત્તા ભોગવીને કાઢ્યો, પણ મારાથી કેમ રહેવાય ?'

'હું ક્યાં કહું છું કે કાઢો ? પણ શા માટે ગમે તેવી રીતે એકબીજા પક્ષોને લડાવી સત્તા બેસાડવી ? ગરાસિયાઓ અને મંડલેશ્વરોની સત્તા નબળી કરવા શા માટે રાજપૂતોને હલકા પાડી, શ્રાવકોને શ્રેષ્ઠતા આપવી ? તેથી પાટણ સત્તાવાન થશે ? એ તો સ્વપ્ન છે, દેવી !'

'મને તો આ તારું સ્વપ્નું લાગે છે. જ્યાં સુધી આ બે પક્ષો એકબીજાને નિર્બળ કરશે નહિ ત્યાં સુધી રાજનો કોણ હિસાબ ગણવાનું છે ?'

‘નિર્બળતા ઉપર રાજ્ય રચવું, એ તો રાંડીરાંડોની રમત છે. પરિણામ શું થશે, તેની ખબર છે ? અમારા શ્રાવકોએ પાટણથી કંટાળી ચંદ્રાવતી સ્થાપ્યું, અને અહીંયાં પણ તેમનું ચાલે તો રાજાને ઉઠાવી મહાજનનું રાજ્ય સ્થાપે તે આખરે કરશે, પણ તે આજે નથી થયું, તે પણ મારા જ પ્રતાપ,' મગરૂરીથી મહામંત્રીએ કહ્યું.

શું કરવા ડરે છે ત્યારે ? અહીંયાં મહાજનનું રાજ્ય થશે તો નગરશેઠ પણ તું જ છે ને ? પછી તારા માસા વિમળમંત્રીએ ચંદ્રાવતીનું રાજ્ય કર્યું; તારી બીજી માસીનો સૌભાગ્ય હમણાં ત્યાં રાજ્ય કરે છે; અને તું અહીંયાં કર.' જરા કટાક્ષથી રાણીએ કહ્યું.

'હું કેમ નથી કરતો તેનાં કારણો તમે કર્યા નથી જાણતાં ?' કહી મુંજાલે વિચિત્ર રીતે મીનળ સામું જોયું. મીનળે જરાક નીચું જોયું. થોડી વાર બન્ને મૂંગો રહ્યાં. અને બીજું કારણ એ કે,' જાણે પહેલું કારણ કહ્યું હોય તેમ મુંજાલે કહ્યું,

'ઠેરઠેર ચંદ્રાવતીઓ કરવી, તેમાં શો ફાયદો? એકલા વેપારીઓની સત્તામાં પ્રભાવ શો ? સત્તા આખા દેશની જોઈએ. મૂળરાજદેવની એ રાજનીતિ હતી. આખા ગુજરાતને એક રાજ્યને તાબે કરી બધી પ્રજાને સબળ બનાવીએ, તો જ આપણા પાટણનો ડંકો દેશદેશાંતર વાગે. જ્યારથી બીજી જાતના વિચારો અહીં પેઠા છે; ત્યારથી બધું બગડ્યું છે; અને જે માળવા અને કચ્છ મૂલરાજદેવને નામે થરથરતાં હતાં, તે આજે દર વર્ષે કાંઈ ને કાંઈ પડાવી લે છે; અને કઈ પળે પાટણ પર સવારી લાવશે, તે સમજાતું નથી.'

‘કેમ, માલવરાજ પણ તૈયાર થયો છે કે શું?'

'ક્યારે નહોતો ? અવંતીમાં તો આ ગુજરાત માળવાનું મંડળ છે, એમ લેખાય

તેથી જ પ્રસન્નનું કરવા માગું છું ને ?'

'મને તેમાંથી બહુ સારાં ફળ દેખાતાં લાગતાં નથી. પણ હું તો એટલું જ કહું છું, તેર વર્ષ વિશ્વાસ રાખ્યો તો હવે થોડો વખત વધારે રાખો; મારી રીતે મને કામ કરવા દો; જયદેવ સમસ્ત ગુજરાતનો ધણી થશે.’

'પણ આ મંડલેશ્વરનું શું કરશું?'

'તે એની મેળે સીધો થશે. કાંઈ તોફાન જાગશે તો એનો હાથ જબરો થઈ જશે. ગામેગામના રાજપૂતો એના તરફ વળશે. તેના કરતાં એના બાહુ એવા નબળા કરીશ અને એના જ માણસોને એવી ખાતરી કરી આપીશ કે તેને છોડી તે બધા પાટણના નરપતિના નોકરો થઈને રહેશે.'

'ધારો છો એવું એ સહેલું નથી.'

'ઘણું સહેલું છે, જો રાજ્યનીતિ લોકોના લાભની રાખશું તો માલવરાજ જોડે લડાઈ સહેલાઈથી શરૂ કરીશું; અને આપણી ઉત્સાહી પ્રજાનું ધ્યાન જો તે તરફ ગયું તો પાંચ વર્ષમાં આખો દેશ તમારો.આપણામાં ઉત્સાહ છે, શક્તિ છે, પણ તે દાખવવાનો અવસર ઊભો થતો નથી.'

'મહેતા ! મહેતા ! મને તો બધું સ્વપ્ન જેવું લાગે છે.' 'સ્વપ્ન કાલે સવારે ખરાં કરું, જો મારું એક માનો તો.'

'શું?'

વિમલશાહ પછી કોઈ દંડનાયક આપણે ત્યાં નિમાયો નથી, દેવપ્રસાદ ફાંફાં મારી મરી ગયો, પણ અન્નદાતાએ તેને બનાવ્યો નહિ, મને દંડનાયક નીમો, અને પછી જુઓ.'

'મુંજાલ ! આવી પદવીનો લોભ તને કારનો થયો ? તને ઓછું શું છે ?' ઠપકાભર્યા અવાજે મીનળે પૂછ્યું.

'ઓછું તો બધું જ.' કહી મુંજાલે દયામણી નજરે જોયું; ને ફરી ઉમેર્યું : 'દેવી !તમને ખબર નથી, કે પદવીઓની મને કોઇ પરવા નથી ! ઓછું તો એટલું જ કે આ રાજ્યમાં એક કઢંગી રીત પડી છે કે સત્તા એક હાથે રહેતી નથી, અને બધા ધ્યાનમાં આવે તેમ વર્ત્યા જાય છે.'

'તારી સત્તા શી ઓછી છે કે આમ બોલે છે ?'

'સત્તા ઓછી પડે છે, કારણ કે તમારા રાજ્યતંત્રમાં એકતાનતા નથી. દેવપ્રસાદ સેનાપતિ નામનો, તે આપણો દુશ્મન; શાંતિચંદ્ર મંત્રી અને કોષાધ્યક્ષ, તે ચંદ્રાવતીના પક્ષનો, ઉદયબાનો ભાઈ મદનપાલ કર્ણાવતીનો દુર્ગપાલ, એટલે ત્યાંની રાજા : હું પાટણનો દુર્ગપાલ એટલે -'

'તું અહીંયાંનો રાજા,'

'ના, મારાથી કાંઈ થતું નથી; કારણ કે તમારો પંથ દહાડે દહાડે જુદો થાય છે, શાંતિચંદ્રનો તો છે જ, એટલે હું અહીંયાં શોભાનો.'

'છતાં તું જ ખરું રાજ કરે છે !'

'કારણ કે કોઈનામાં અક્કલ નથી. પણ જો બધા કોઈ એકની સત્તા નીચે આવે, અને તે પાટણનો દુર્ગપાલ હોય તો જરૂર તમારા રાજ્યની સત્તા વધે.'

'કે ઘટે ?'

'તે જ દુઃખ છે ને,’ જરા દિલગીરીભર્યા અવાજે મુંજાલે કહ્યું, ‘આટલાં આટલાં દુઃખો રહેતાં, આટલી આટલી સેવા કરતાં તમને વહેમ છે કે મને સત્તા આપશો તો હું દુરુપયોગ કરીશ.'

'ના, ના, મહેતા ! એવું કાંઈ નથી.'

'જોજો, વિચાર કરી જોજો; હજુ થોડો વખત છે. પણ અન્નદાતાનો પ્રાણ જશે કે બીજી જ પળે તમારે કાંઈક કરવું પડશે; નહિ તો પછી છે તેના કરતાં યે વધારે અંધારું ફરી વળશે અને જે કાંઈ પણ કર્યુંકારવ્યું છે, તે નકામું જશે.'

ત્યારે ચંદ્રાવતીમાંથી લશ્કર મંગાવ્યું છે, તેનો સેનાપતિ કોણ થશે ?'

'હા, એ વિચારવા જેવું છે. શ્રાવક સિવાય કોઈને તો તે ગાંઠે નહિ ને આપણી સત્તાની બધી કૂંચી પણ તે જ છે. મારા ધારવા પ્રમાણે જો શાંતિચંદ્રને નીમો તો દીક રહેશે.'

'કેમ ?' રાણીએ પૂછ્યું.

કારણ કે ત્યાંના લોકો એને તેમનો માને છે. વળી એ વયોવૃદ્ધ છે, એટલે વજન પડશે; અને સોલંકીઓ પ્રતિ તેની રાજભક્તિ અચળ છે, એટલે તે તમારું કહ્યું માન્યા વિના નહિ રહે.'

'ઠીક, જોઈશું. પ્રભુ કરે ને એ વખત આવતાં વિલંબ થાય.'

'દેવી ! બીજું, સૌભાગ્યભાઈએ એક જતિ અહીં મોકલ્યો છે અને લખ્યું છે કે તેને રાજસેવાની ઇચ્છા છે. અત્યારે તેને મળશો કે સવારે?'

'કાંઈ પાણીવાળો છે?'

'લાગે છે હોશિયાર, અને સૌભાગ્યભાઈ તો તેનાં ઘણાં વખાણ કરે છે.'

'ઠીક, તો અત્યારે જ મળીશ.'

આપણને એક રીતે કામ તો લાગશે. શાંતિચંદ્ર અને ચંદ્રાવતી પર એને લીધે આપણો કાબૂ રહેશે. પણ જોજો હો, એ ચંદ્રાવતીનો પગ ન પેસાડે.'

'મુંજાલ ! મારા પર વિશ્વાસ નથી?'

'ના, છે, પણ તમારી આ લડાવી મારવાની રાજનીતિમાં મને શ્રદ્ધા નથી.'

‘નહિ, નહિ, જા બોલાવ. પણ મુંજાલ ! " રાણીએ ધીમે અવાજે કહ્યું : 'દેવપ્રસાદ અહીંયાં છે, અને કાંઈ તોફાન થાય, તેથી તેને અહીંયાં લાવીને રાખીએ તો કેમ ?' મુંજાલનું મોં ઊતરી ગયું. તેના કપાળ પર કરચલીઓ પડી.

'કોને?'

'પેલીને,' કહી રાણીએ બારી તરફ આંગળી કરી. મુંજાલની આંખમાંથી જ્વાળા નીકળી.

'દેવી ! નજરમાં આવે તેમ કરો. મને એ વાત કરશો નહિ આ જતિને સોંપું ? એ અજાણ્યો છે, એટલે વહેમાયા વગર કામ કરશે.'

'જેમ ફાવે તેમ કરો,' કહી ઉતાવળથી મુંજાલ બારણા આગળ ગયો, અને આનંદસૂરિને બૂમ પાડી. આનંદસૂરિ અંદર આવ્યો.