"મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે ,
શુભ થાઓ આ સકળ જગતનું એવી ભાવના નિત્ય રહે."
મિત્રતા, મૈત્રી એ એક એવો ભાવ છે કે જે હ્દયની લાગણીઓથી જોડાયેલો છે. લોહી ના સબંધ વગર જોડાયેલ દુનિયાનો શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા.
"મિત્રતાની વ્યાખ્યા આપવી જ અશક્ય છે."હાથ લંબાવી ને ત્યાં તો હૈયું આપી દે એ મિત્ર."
"મિત્રતા એટલે પ્રેમ, લાગણી ,મસ્તી ,મદદ અને હુંફનું હરતું ફરતું જીવંત સ્મારક."
"મિત્રતા એટલે નિખાલસ નિર્દોષ આનંદનું સરનામું."
આ દુનિયા ફક્ત તર્ક કે લોહીના સંબંધોની લાગણીઓથી નથી ટકી શક્યો એટલે જ માણસને કદાચ મિત્રતા વગર નથી ચાલ્યું .કદાચ આ સજીવ સૃષ્ટિની રચના સાથે જ મૈત્રીનો પણ આરંભ થયો હશે! કારણ કે હરખ અને ઉમળકો ધરાવતુ હૈયું પોતાના જેવા જ હરખ અને ઉમળકા થી છલકાતા હ્દયને ઝંખે જ છે. ઈશ્વરે પણ સાચા મિત્ર ની ઝંખનાને હંમેશા જ જરૂરી બતાવી છે વિશ્વ નિર્માણમાં જેમ પાણીનું જે સ્થાન છે તે સ્થાન માનવ જીવનમાં મિત્રતાનું છે.
મિત્ર શબ્દ બોલીએ એટલે સૌથી પહેલું નામ કૃષ્ણનું જ યાદ આવે કૃષ્ણ- સુદામા ,કૃષ્ણ- અર્જુન,કૃષ્ણ -દ્રોપદી
કૃષ્ણ તો મિત્રતાના દેવ છે.
કૃષ્ણ અને દ્રોપદીની મિત્રતા તો એવી હતી કે પાંચ પાંચ પતિઓની પત્ની હોવા છતાં જ્યારે જ્યારે પણ અગત્યનાં નિર્ણયો લેવાના થતા ત્યારે દ્રોપદી હંમેશાં જ શ્રીકૃષ્ણનો પાસે જતી હતી અને તેમના જીવનમાં જ્યારે જ્યારે પણ તેમને મદદની જરૂર પડી હતી ત્યારે કૃષ્ણએ પણ તેમને મદદ કરી જ હતી .આપણે જાણીએ છીએ કે ભરી સભામાં જ્યારે દ્રોપદીના ચીરહરણ થતાં રોકવામાં તેમના પાંચ પાંચ પતિઓ નિષ્ફળ ગયા ત્યારે દ્રોપદી એ શ્રીકૃષ્ણ ની જ પુકાર કરી હતી. મિત્ર એવા ભગવાને દ્રોપદીના ચીર પૂરી ને તેમની લાજ બચાવી હતી. તો મહાભારત ના યુધ્ધમાં મિત્ર અર્જુન ના સારથી બની તેને હિંમત ,હુંફ અને માગૅદશૅન પુરું પાડ્યું હતું. મિત્રતા નિભાવામાં કૃષ્ણ હંમેશા શ્રેષ્ઠ જ રહ્યા છે. જ્યારે સુદામા દ્વારિકાની અંદર આવે છે ત્યારે શ્રીકૃષ્ણ બધું જ ભૂલીને તેમને ભેટવા માટે દોડી જાય છે. આ બધા જ પ્રસંગો આપણને મિત્રતાનું મહત્વ સમજાવે છે .મિત્રતા એટ એવો સંબંધ છે જેમાં માં કોઈ જ ભેદભાવ નથી હોતા .ધર્મ ,જાતિ,નાત-જાત, ગરીબ અમીર કોઈ જ વસ્તુ મહત્વની હોતી નથી .
"મિત્રતા એટલે એક અલૌકિક લગાવ." કે જે બે હૃદયને , બે આત્માના જોડાવાથી બંધાયેલો હોય છે.
મિત્રતા એટલે મેઘ ધનુષ્ય નો એવો રંગ જેના વગર તો જીવન જાણે રંગવિહીન જ છે. જેમની પાસે તમે હૈયુ ખોલીને વાત કરી શકો. તમારું તમામ દુઃખ ભૂલી અને ખડખડાટ હસી શકો .જેને મળતા જ જાણે સમગ્ર વસ્તુ ભુલાઈ જાય અને મિત્રમય બની જવાય એ જ સાચો મિત્ર.
જીવનમાં જયારે જવાબદારીઓના ભાર તળે જીવન જીવવાનુ ભૂલી જઈએ ત્યારે ઈરાદાપૂર્વક તમને જીવંતતા ની હારમાળા સર્જી જીવાડનાર સંબંધ એટલે મિત્રતા .
માણસ સંજોગોવસાત જ્યારે લોહીના સંબંધોમાં પ્રેમ, લાગણી કે હુંફ નથી મેળવી શકતો ત્યારે તેમના જીવનમાં તમામ રંગો પુરી મેઘધનુષ રચનાર વ્યક્તિ એટલે જ મિત્ર.
મિત્રતાનો કોઈ દિવસ ન હોય મિત્રતા તો બારે માસ હોય .મિત્ર એટલે કોઈ વ્યક્તિ જ હોય તેવું જરૂરી નથી પૃ પૃથ્વી પર અનેક તત્વો છે જે આપણા મિત્ર સમાન છે. હવામાં રહેલો ઓક્સિજન કે જે આપણા જીવન જીવવા માટેનું પર્યાય છે .પાણી કે જે આપણા જીવનને ચાલતું રાખે છે. વૃક્ષો કે જે ખુદ તપ કરીને આપણને હરિયાળી બક્ષે છે. સૃષ્ટિના અનેક નિર્જીવો અને સજીવો આપણા માટે મિત્ર સમાન છે .જીવનના દરેક તબક્કે અને દરેક સંબંધોમાં મિત્રતા તો હોવી જ જોઈએ. જ્યારે નાના બાળક સાથે અને વૃધ્ધ વડીલ સાથે મિત્રતા કરવી એ એક ઉતમ લ્હાવો છે.
મિત્રતા એ કોઈ સંબંધ નું નામ નથી
"મિત્રતા એ તો સંવેદનાઓનું એક લય છે. એક લાગણીઓનો ઉછળતું સરોવર છે. હુફ અને પ્રેમનું વિશાળ આકાશ છે કે જેને ક્યાંય માપી જ શકાતું નથી. 'મિત્રતા' આ સંબંધનું કોઈ નામ જ હોતું નથી અને મિત્રતાની કોઈ વ્યાખ્યા જ થતી નથી . નિખાલસ અને નિર્દોષ ભાવ સાથે જ્યારે બે વ્યક્તિ જોડાય ત્યારે મિત્રતાનો નાતો રચાય છે. મિત્રતા વગરનું જીવન નકામું છે.
મિત્ર એટલે ખુશીઓનો ખજાનો
મિત્ર એટલે હ્દયનો મજાનો.
હાથ ફેલાવી ત્યાં હૈયું આપે એ મિત્ર.
ફ્રેન્ડશીપ એટલે વહાણ સરીખો સંબંધ જે ખુદ તરીને તારનાર છે એ જ ફ્રેન્ડશીપ.