મિતાંશ જીદપૂર્વક સાંવરીને કહી રહ્યો છે કે, "ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ નહિ જીવી શકું એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઇએ ત્યાં મારે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડસ સાથે જેટલો સમય છું તેટલો સમય શાંતિથી પસાર કરવો છે અને તું મને છોડી દે. કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લે.અને સેટ થઇ જા એટલે મારા જીવને શાંતિ થાય.હું તને દુઃખી નહિ જોઇ શકું માટે તું મારી વાત માની જા..તને મારી સોગંદ છે....
હવે આગળ....
મિતાંશ: મેં મારી ફાઈલ શોધી કાઢી અને તેમાં બધું જ વાંચી લીધું છે. પછી પાછી ત્યાં જ તારા વોર્ડડ્રોબમાં મૂકી દીધી છે.
સાંવરી: ઓકે, હવે તું મારી વાત શાંતિથી સાંભળજે.
મિતાંશ: ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ જીવવાનો નથી તેવી મને ખબર પડી ગઈ છે એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઈએ મારો છેલ્લો સમય હું મારા મમ્મી પપ્પા સાથે અને ફ્રેન્ડસ સાથે પ્રેમથી અને શાંતિથી પસાર કરવા માંગુ છું અને તું મને છોડી દે અને કોઈ સારો છોકરો શોધીને તેની સાથે લગ્ન કરી લે તું તારા ઘર પરિવાર સાથે ખુશ હોય તો મારા મનને શાંતિ મળે.
મિતાંશને વચ્ચે જ અટકાવતાં સાંવરી બોલી કે, "એક વાત કહું મીત તને યાદ છે એ દિવસ આપણે બંને ઓફિસમાંથી સાથે જ બહાર નીકળ્યા હતા અને એકદમ વરસાદે વરસવાનું ચાલુ કરી દીધું હતું અને મારું એક્ટિવા સ્ટાર્ટ થતું નહોતું ત્યારે તે પણ તેને સ્ટાર્ટ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સ્ટાર્ટ જ નહતું થયું અને પછી તે મને તારી ગાડીમાં લીફ્ટ આપી હતી અને તું મને મારા ઘર સુધી મૂકવા માટે આવ્યો હતો અને આપણે બંને પોણાભાગના પલળી ચૂક્યા હતા" અને મિતાંશ વચ્ચે જ બોલી ઉઠ્યો કે, "હું તો તારા પ્રેમમાં પૂરેપૂરો પલળી ચૂક્યો હતો."
અને પછી પાછું સાંવરીએ બોલવાનું શરૂ કર્યું કે, "પછી આપણે રસ્તામાં એક નાનકડી ચાની કીટલી ઉપર આદુવાળી ગરમાગરમ ચા પીવા માટે રોકાઈ ગયા હતા અને એ દિવસે કેવું મસ્ત એટમોશફીઅર હતું..!! વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે એવું મિશ્રણ હતું...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યાં હતાં. તરસી ધરતી જાણે તૃપ્ત થઇને સુગંધ ફેલાવીને બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આપણાં બંનેના હ્રીદીયાના મિલનની સમગ્ર અસ્તિત્વ જાણે નોંધ લઈ તેમાં સામેલ હોય તેમ મોર ટહુકા કરી રહ્યો હતો અને કોયલ પોતાના મીઠાં મધુરા અવાજમાં આપણાં મિલનના જાણે ગીત ગાઈ રહી હતી. કેટલી અદ્ભૂત અને સુંદર એ સાંજ હતી....!!
(સાંવરી અને મિતાંશની આંખો એકમેકમાં પરોવાઈ ગઈ હતી અને બંને જાણે એકબીજાની અંદર ઉતરી ગયા હતા. બંનેના પ્રેમાળ હાથ એકબીજાના સ્પર્શથી સાત જન્મોના સાથની સાબિતી આપી રહ્યા હતા.)
કદાચ તે ક્ષણની કુદરત પણ રાહ જોઈ રહી હતી. પ્રકૃતિ પણ આપણને સાથ આપી રહી હતી અને આજુબાજુ રહેલા ઝાડપાન તારા એ પ્રેમભર્યા મીઠાં શબ્દોને સાંભળવા પોતાના કાન સરવા કરીને જાણે આપણી ઉપર ઝૂકી રહ્યા હતા એ દિવસે તારી આંખોમાં મારા માટેનો ગજબનો જે નિર્દોષ પ્રેમ મેં જોયો હતો હું તો મનોમન જાણે તે જ ક્ષણે તારી થઈ ચૂકી હતી અને તે સમયે તે મને પ્રપોઝ કર્યું હતું. એ ક્ષણ, એ દિવસ, એ જગ્યા હું કઈરીતે ભૂલી શકું...??"
(અને સાંવરીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી મિતાંશની આંગળીઓ આપોઆપ સાંવરીના મુલાયમ ગાલ સુધી પહોંચી ગઈ અને તેના ગાલ ઉપરથી આંસુ લુછવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી.)
મિતાંશ: સાવુ આ બધી વાતો મને યાદ કરાવીને મારા મક્કમ નિર્ધાર ઉપરથી મને હટાવવાની તું કોશિશ ન કરીશ.
અને સાંવરીના હાથને મિતાંશના ગરમ ગરમ અશ્રુએ સ્પર્શ કર્યો અને સાંવરી ડરી ગઈ કે, ના ના, મારે મિતાંશને આમ ભાંગી પડવા નથી દેવાનો મારે તો તેની હિંમત બનવાનું છે અને તે બોલી પડી કે, " મીત, હું એક ભારતીય સ્ત્રી છું તને મારી તાકાતની હજુ ખબર જ નથી. કદાચ, યમરાજા તને મારી પાસેથી છીનવી પણ લે ને તો પણ હું તને ત્યાંથી પણ પાછી લાવી શકું તેટલી મારા પ્રેમમાં તાકાત છે. તું બધુંજ મારી ઉપર છોડી દે. તું ફક્ત દવા લેવામાં મને સાથ આપ અને આમ ભાંગી ન પડીશ. ખૂબજ હિંમત રાખ. તને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે મૃત્યુ પણ નહીં..!!
મિતાંશ: સાવુ, હું તને દુઃખી નહીં જોઈ શકું. તને મારી સોગંદ છે મારી વાત માની જાને ?
સાંવરી પોતાની વાત ઉપર અડગ છે અને મિતાંશ પોતાની વાત ઉપર... હવે સાંવરી મિતાંશના આ અનોખા પ્રેમની જીત થાય છે કે નહિ ?? તે તો ઉપરવાળો જાણે... વધુ આગળના
ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/8/23