Tribhuvan Gand - 35 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 35

૩૫

રા’ હણાયો કે મરાયો?

ખેંગાર સ્વપ્નની માફક ઊડી ગયો હતો. સિદ્ધરાજે એ જોયું અને એના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો પણ અંધારઘેરા અજાણ્યે રસ્તે એની પાછળ જવાનો કાંઇ જ અર્થ ન હતો. દેશુભાને દોડાવવા એ પણ નકામું હતું. એની યોજનામાં એ દોડી ગયો હતો. એ રાણકદેવીની રણવાસગઢીથી તૈયાર થઈને નીકળે, અને સોઢલની ગઢી તરફ કે બીજી તરફ મુખ્ય સૈન્ય સાથે એનો ભેટો થાય તે પહેલાં રસ્તામાં જ હવે એને રોકી દેવો જોઈએ, લીલીબાના કહેવા પ્રમાણે તો એ એ તરફ જ આવવો જોઈએ. આંહીં સોલંકી સૈન્યને હઠાવ્યા વિના રા’ માટે બીજો કોઈ ઉપાય જ ન હતો. સિદ્ધરાજે તરત સોઢલની ગઢી તરફ જવાનો નિર્ણય કરી લીધો: ‘દેશુભા! રા’ ભલે ઊપડી ગયો; આપણે સોઢલની ગઢી તરફ વળો. ઉદયન મહેતો ત્યાં આવી ગયા હશે. સોઢલની ગઢીએ રા’ પહોંચી જાય નહિ એ જોવું પડશે. પરશુરામે આંહીં શું કર્યું – એ ખબર પડે... તો પછી ઊપડીએ.’

એટલામાં પરશુરામ પોતાના સૈનિકોને દોરીને આ બાજુ આવતો જણાયો. એણે રા’ના ચોકીદારોને હઠાવ્યા હતાં. શસ્ત્રાગારની ફરતી કોટકિલ્લેવાળી ઉપર સોલંકીઓની ચોકી ગોઠવાઈ ગઈ હતી.

તરત સોઢલની ગઢી ઉપર જવાનો નિશ્ચય થયો, મહારાજનો અશ્વ આવ્યો. આખી સવારી નીકળી. આંહીં જે રસ્તેથી પોતે આવ્યા હતા તેણે બરાબર જાપ્તામાં રાખવા ચોકી મૂકી દીધી. હનુમાનમંદિર તરફ જવા માટે પણ થોડા વિશ્વાસુ સૈનિકોને સૂચના દઈને રવાના કર્યા. સજ્જન મહેતાને વધારે માણસો લઈને જલ્દી આ મોરચે આવવાનો સંદેશો મોકલ્યો.

તૈયારી કરીને સોઢલની ગઢી તરફ જવા માટે ઊપડ્યા. ત્યાં મોંસૂઝણું થવા આવ્યું હતું. એટલામાં ઉદયનનો માણસ દોડતો આવ્યો. ઉદયને ધારાગઢની મોટી ચોકીના સૈનિકોને વિખેરીને સોઢલની ગઢી ઉપર હલ્લો શરુ કરી દીધો હતો. ગઢીમાં સોઢલ પોતે હતો. એની ગઢી એકદમ મચક આપે તેમ ન હતી. ઉદયને મહારાજને એ સંદેશો મોકલી ગઢીને ઘેરવાની અગત્ય જણાવી હતી. ત્યાં પહોંચ્યાં કે તરત ગઢીને ચારે તરફથી ઘેરવા માટે તૈયારી કરી. એક નાનકડી જગ્યામાં ગઢીની એવી અભેદ્ય રચના હતી કે જૂનોગઢનો આખો દુર્ગ હાથ પડે તોપણ ગઢી અજેય રહી શકે! અને આ ગઢી અજેય હોય ત્યાં સુધી રણવાસની ગઢી પણ અજેય જેવી જ રહે એટલે સોલંકી સૈન્યે અંદર પ્રવેશ કર્યો હતો. પણ એને રા’ને હણવો જોઈએ કે હાથ કરવો જોઈએ, અને આ ગઢી પાડવી જોઈએ – તો જ સંપૂર્ણ વિજય મળે. રા’ ખેંગારને રોકવા માટે સિદ્ધરાજ પોતે નીકળ્યો. ડુંગરાઓ ઉપર સૂરજના કિરણ ડોકાતાં હતાં. રા’ને આ તરફ આવ્યા વિના છૂટકો જ ન હતો, એ ચોક્કસ હતું. એટલે પરશુરામ, પૃથ્વીભટ્ટ, સિદ્ધરાજ જુદેજુદે ઠેકાણે એકબીજાને સંકેત અપાય એટલે અંતરે રા’ની રાહ જોતાં એના ચારેતરફનો માર્ગ રોકીને ઊભા રહ્યા.

એટલામાં શંખનાદથી આકાશ ગાજી ઊઠ્યું. રણશિંગા સંભળાયા. ચારણભાટની બિરદાવલિની વાણીથી હવા જાગી ગઈ. રણભેરીના નાદે ડુંગરેડુંગરા પડઘા દેવા માંડ્યા, સૌ સમજી ગયા: રા’ આ બાજુ આવી રહ્યો હતો. સિદ્ધરાજને લીલીના શબ્દોના ભણકારા હજી વાગતા હતા. આને ગઢી પાસે જવા દેવામાં આવે તો તે રાતવળોટ ગમે ત્યારે ગઢીમાં પેસી જાય એવો ચતુર હતો. અને પછી કાં તો ત્યાંથી ઊપડી જાય અને કાં મજેવડી દરવાજે ડોકું કાઢે! અત્યારે રા’નું સૈન્ય વિભક્ત હતું; મોટો ભાગ મજેવડી દરવાજે હતો અને ત્યાં મુંજાલની સામેથી ચસકીને આ બાજુ આવી શકે તેમ ન હતું. ઉદયને ધારાગઢનું સેન વેરવિખેર કર્યું હતું, ત્રીજું સૈન્ય આ સોઢલની ગઢીનું. એ વ્યવસ્થિત ને ઊંચા ખમીરવંતુ હતું. રા’ની સામે જઈને એને રોકી દેવામાં લાભ હતો. 

સિદ્ધરાજે તરત ઉદયનને સંદેશો મોકલ્યો. એના સૈન્યનો એક ભાગ ગઢીને ઘેરીને હલ્લો કરતો રહે. પરશુરામ બીજો ભાગ લઇ આંહીં રોકાય. ઉદયન સોઢલને સંભાળે કે પીઠ પાછળનો ઘા એ મારી ન જાય. અને પોતે રા’ને સામેથી રોકવા ઊપડે.

થોડી વારમાં જ રા’ખેંગાર આવતો દ્રષ્ટિએ પડ્યો. એની સાથે ઘોડેસવારોનું દળ હતું. સિદ્ધરાજે એને આવતો દીઠો. એને ખાતરી હોય કે સામેનું દળ વીંધીને નીકળી જવાયો છે અને સૌ ધૂળચાટતા રહેવાના છે એવી અડગ આત્મવિશ્વાસની અજબ ખુમારીમાં એ હાલ્યો આવતો હતો. દેખાય એટલો નજીક એ આવ્યો કે તરત એણે હવા ભરી દેતી ગર્જના કરી: ‘જેસંગભા! ટારડું લઈને આવ્યા, ભા! ઈ સારું કર્યું ભા! આંઈ તો; બાપ! ડુંગરની ધારું. આમાં તમારું ગજું નૈ રખડવાનું લ્યો; દેવુભા! જેસંગભા આવ્યા છે!’

‘તે આવે, ભા, આવે. આંહીં કુંડ દામોદરનો, સૌને બાપ! સમશાની હાડકાં આંઈ બોલવાનું મન થાય! લ્યો ઉપાડો, બાપ!’

સનસનાટ કરતું એક તીર દેવુભાના કાન પાસેથી નીકળી ગયું. આ સોરઠી વાતૂડિયા મહા નખેદ હતાં. વાતું ને વાતુમાં જંગ જીતી લેવાની એમનામાં કરામત હતી. સિદ્ધરાજે એક પળ ન ગુમાવતાં કે પ્રત્યુત્તર ન વાળતાં તીરથી રંગજંગની શરૂઆત કરવામાં જ લાભ દીઠો.

ધડોધડ તીર, ભાલાં ને તલવાર નીકળી પડ્યાં, ગદાઓ ઊછળી.ઘોડાં કૂધ્યાં. પાયદળ સામેસામે ભટકાયાં. ગોફણિયા શરુ થયા. જબ્બર ઘમાસાણ વળ્યું ને બે ક્ષણમાં તો સેળભેળ થઈને રણક્ષેત્ર હાકોટા, ધાકોટા છાકોટા અને ગોકીરાથી ગાજવા મંડ્યું. 

‘પૃથ્વીભટ્ટ! તું દેવુભા તરફ જા; ને એક જણાને મોકલ, પરશુરામ પણ હવે આવી પહોંચે! હું રા’ને પકડું છું!’

સિદ્ધરાજે સીધો રા’ ઉપર જ હલ્લો લીધો. ખેંગાર એ માટે તૈયાર હતો. રા’નું મોટામાં મોટું શસ્ત્ર એની ચપળતા છે એ સિદ્ધરાજ જાણી ગયો હતો. તેણે લેશ પણ તક રા’ને મળે નહિ માટે આંખની ઈશારત કરી દીધી. આડેસર ને ધુબાકો એનો પાછળનો ભાગ દબાવતા આવી રહ્યા હતા.

રા’ખેંગારની ઘોડેસવારી ગજબની હતી. એની તલવાર એની પોતાની હતી. પરશુરામ આવ્યો ત્યારે મહારાજ જયદેવને પોતાને, રા’ ખેંગારની સામે જોઇને, એ સ્તબ્ધ થઇ ગયો. એ તલવાર ફેરવતો મહારાજ તરફ દોડ્યો. એટલામાં એક જબરદસ્ત બુમરાણ થયું. પૃથ્વીભટ્ટે ચંદ્રચૂડને પટકી નાંખ્યો હતો. એણે પહાડમાં પડઘા પડે એવા અવાજે રા’નો ભાઈ ગયો! ઘોડો! ઘોડો રા’નો ભાઈ ગયો!’ એવી કોલાહલી વાણીમાં શૂરવીરનો ઉત્સાહવઢ કરી નાખવા મોટો શંખનાદ કર્યો!

પણ એ અવાજથી તો હજારોગણું શૂરાતન આવ્યું હોય એમ ખેંગારે તલવારનો એક જનોઈવઢ ઝાટકો જયસિંહદેવના માથા ઉપર તોળ્યો: ‘અલ્યા! જેસંઘ! સંભાળજે ભોડકું હો – એ ન આ હેઠું ગયું!’ કહીને પોતાના કેકાણની ચપળ ગતિ સાથે જ, એણે જયસિંહદેવના માથા ઉપર જબરદસ્ત ઘા કર્યો. પણ જયદેવનો ઘોડો એક છ આંગળના તફાવતે આમ ફર્યો, કે રા’એ પોતાના અડગ વિશ્વાસી નિશ્ચિત ઘામાં જે બળ મૂક્યું હતું, એને લીધે, જરાક ઘા તરતો અફળ જતાં જ, એ પોતાના ઘોડા ઉપર થડકતો  એક બાજુ આમ ઢળકી પડ્યો. પણ એ ઢળકી પડ્યો લાગ્યો કે તરત એના ઉપર. એને ગળે પકડીને  નીચે ખેંચનારી ભયંકર ભીંસ આવી ગઈ છે. જયસિંહદેવે રા’નો ઘા ચૂકવ્યો હતો, પણ એના ઘોડાને રા’ના ઘા એ અડધો ઘાયલ થઈને નીચે ઢાળી દીધો હતો. પણ એ નીચે પડ્યા પહેલાં જ, સિદ્ધરાજે એક જબ્બર કૂદકો મારીને રા’ની ડોકને, એક નાગચૂડી ભીંસમાં ખેંચીને એક ક્ષણમાં, તલવારી તુરંગી જુદ્ધને પોતાના અનુપમ કૌશલ્યથી મલ્લયુદ્ધમાં પલટાવી નાખ્યું. રા’ ખેંગાર એની ભીંસમાંથી છૂટવા માટે દાવ અજમાવે તે પહેલાં એના ઘોડાનો તંગ ફટાક કરતો આડેસરે તોડી નાખ્યો. ને એ જ વખતે માથા ઉપરના એક જબરદસ્ત ગદાઘાએ રા’ખેંગારને મૂર્છિત અવસ્થામાં નીચે ઢાળી દીધો.

‘અલ્યા, કોણ એ?’ જયસિંહદેવ મહારાજ એ બોલ્યા ન બોલ્યા એવામાં તો ચારેતરફથી ધસ્યા આવતાં સોરઠીઓને મોખરેથી, ભયંકર કેસરીની ત્રાડ સમો – ભા દેવુભાનો પડકારી અવાજ આવ્યો: ‘ઊભો રે’જે અલ્યા! જેસંઘ!’ અને એક  ક્ષણમાં તો ત્યાં પાછું મોટું બાથંબા ઘમાસાણ મચી ગયું.

મહારાજ જયદેવને આ ઘમાસાણની પાછળ રાખવા મથતા પટ્ટણીઓ આગળ ધસ્યા. હમણાં જ આવી ચડેલા ઉદયન અને સજ્જન મોખરે પડ્યા. પરશુરામ પણ આગળ રણભૂમિમાં દોડ્યો. ચારે તરફથી આ ધસારો છૂટ્યો.

જયસિંહદેવ પાછળ પડી ગયો. ધસારાની જગ્યા જયદેવે બદલાતી દીઠી કે એણે એકદમ આડેસરને કહ્યું:

‘વૈદ ને પાલખી, આડેસર! પહેલાં આ રા’ને આહીંથી ઉપાડી જાઓ, જલદી કરો. લાવો. પહેલાં એ કરો. પૃથ્વીભટ્ટ, તું સાથે જા! ધારાગઢની બહાર વાડીમાં એને પહોંચતો કરી દ્યો. આંહીં આ ઘમાસાણમાં એની સારવાર પણ નહિ થાય. જલદી કરો – કોઈની દ્રષ્ટિ પડે તે પહેલાં જ રવાના થઇ જાઓ. સૈનિકો સાથે રાખજે. આડેસર! ધુબાકા! તમે સૌ ત્યાં સાથે પહોંચી જાવ. જોજો, છટકે નહિ હો! વૈદ ને પાલખી હાથ કરો પહેલાં. આ પેલો આડેસર આવ્યો. લે ઉપડી જા ઝટ. બંદોબસ્ત બરોબર કરજે હોં. એ રા’ નથી, હવા છે!’

પૃથ્વીભટ્ટ પાલખી સહીત ધીમેથી ઝાડના ઝુંડ પાછળ સરી ગયો. 

રા’ની આસપાસનું ઘમાસાણ રા’ને છોડીને આગળ-પાછળ વધી ગયું હતું. રા’ પડ્યો કે શું થયું. એ કોઈને સમજાતું ન હતું. ધૂળની ડમરીમાં કાંઈ દેખાતું ન હતું. કંકુ, ચૂનો, ધૂળ, મરચાં ને તમાકુનો વરસાદ જાણે પડતો હતો. કોઈ ક્યાં છે એ હાકોટામાંથી કંઈક કળાતું હતું. ઝાટકા પડીને અનેક જોદ્ધાઓના શબ થતા હતાં. દેવુભાની ત્રાડ ગાજી રહી હતી. રા’ખેંગારને લઈને પૃથ્વીભટ્ટ ઝાડી જંગલને આડેઅવળે માર્ગે અદ્રશ્ય રીતે એકદમ રવાના જ થઇ ગયો.

ખેંગાર પડ્યો હતો એ સ્થળે હજી ઘમસાણ વધતું જતું હતું એટલામાં ઉદયનના નવા સૈનિકો આવી ચડ્યા, એટલે સોરઠીઓને પાછા હઠવું પડ્યું. ભા દેવુભાની સિંહત્રાડો આઘી ને આઘી થતી ગઈ અને તરત મહારાજ જયસિંહદેવે પોતે બીજા ઘોડા ઉપર બેસીને જયનાદ કર્યો: ‘રા’ખેંગારજી પડ્યા છે! રા’ પડ્યા છે! વીરની જેમ પડ્યા છે! જુદ્ધ બંધ કરો – બંધ કરો. ખેંગારજી પડ્યા છે!’ અને ખેંગારની પાઘડી હવામાં ભાલા ઉપર ઉંચે રાખીને સૌને દેખાડી: ‘ખેંગારજી પડ્યા! ખેંગારજી પડ્યા! એનો કેકાણ આ રહ્યો! પાઘ આ રહી. જુદ્ધ બંધ કરો!

અને તરત ચારણભાટ ને રણકવિઓ જયસિંહદેવની ખેંગાર હણાયાની બિરદાવલિથી આકાશ ગજવી મૂક્યું.