Tribhuvan Gand - 30 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

૩૦

વદી ત્રીજે મુંજાલે શું જોયુ?

મુંજાલને ખાતરી હતી: જયસિંહદેવ એખ વખતે જાગ્યો, પછી એનો ઉત્સાહ નિ:સીમ બની જતો. એ જાગ્યો હતો. હવે એ પોતાના જ પ્રકાશથી પોતાનો પંથ ઘડવાનો. એમાં એને દોરવાની ઈચ્છા રાખનારને થપ્પડ મળે તેવું હતું. તેણે હમણાં શાંત રહેવામાં સાર જોયો; સમયની પ્રતીક્ષા કરવામાં ડહાપણ દીઠું. જયસિંહની આજ્ઞા પ્રમાણે એ મજેવડી દરવાજે પોતાની  કુશળ વ્યૂહરચના કરી રહ્યો હતો. રા’એ એની સામે તૈયારીઓ માંડી હતી. એટલું છતાં, પૂર્ણિમાના દિવસે, એણે પોતાની વાત નાણી જોવાનો નિશ્ચય તો રાખ્યો હતો. એ પ્રમાણે એ પોતે એકલો પૂર્ણિમાને દિવસે, ધારાગઢના જંગલમાં ગુપચુપ આવી ગયો. એને ખબર હતી કે જે રસ્તો લીલીબાની જાણમાં હતો એ જ રસ્તો માત્ર અંદર જવા માટે હતો. દેશુભાએ નવો સંકેત આપ્યો તેમાં પણ વાત એની એ હતી. માત્ર સમય ફર્યો હતો. ઉદયનને તેડાવ્યો એમાંથી આ થયું. આખી યોજના પોતાની હોય તેમ એણે માથે ઓઢી હતી – જોકે હજી એમાં શું છે ને શું નથી, એની કોઈને જ ખબર ન હતી.

એટલે પોતે, પોતાની મૂળ વાત પૂરતો પૂનમને દિવસે ધારાગઢ પહોંચી ગયો.

ચંદ્રોદય થયો. જંગલ, ગઢ ને ગિરનાર અજવાળામાં પ્રકાશી ઊઠ્યાં. કાષ્ઠમંડપિકામાં મુંજાલ એકલો શાંત બેઠો હતો; ક્યાંકથી જરાક સંકેત મળે તો એ પકડી લેવા માટે એક પગે તૈયાર હતો. ઝાંઝણ ઘોડો છુપાવીને નીચે જંગલમાં એની આજ્ઞા સાંભળવાની રાહ જોતો હતો.

પળ ઉપર પળ જવા માંડી. એક ઘટિકા રાત્રી ચાલી ગઈ. જયસિંહદેવના કહ્યા પ્રમાણે જ થયું: કોઈ ફરક્યું ન હતું – જાણે આ તરફ હલ્લો જ ન હોય તેમ. કોઈ પ્રકારની હિલચાલ ન લાગી. મુંજાલ નિરાશ થયો. તે કાષ્ઠમંડપિકા ઉપરથી ઉતર્યો. ‘રાંડનો શો વિશ્વાસ?’ તે મનમાં ને મનમાં ખિજાયો; એક પણ શબ્દ બોલ્યા વિના નીચે ઊતર્યો.

‘ઝાંઝણ, મજેવડી દરવાજે ઊપડો, તેં જોઈ કોઈ હિલચાલ?’

‘ના, પ્રભુ! આ બાજુ તો જાણે જુદ્ધ જ નથી, એવું લાગે છે; એ શું? જ્યારે આપણી બાજુ, મજેવડી તરફ તો ભારે ગોકીરો છે!’

‘ઠીક, ચાલો, આપણે જુદ્ધ માંડવું છે, આંહીં ક્યાં સુધી એમ ને એમ બેઠા રહીશું?’ 

એમ ને એમ વદી ત્રીજ આવી. ગિરનારના દુર્ગમાં તે દિવસે જબરદસ્ત હિલચાલ જોવાતી હતી. ગોકીરો વધ્યો હતો. રણહાકો વધુ ગાજતી હતી. શંખનાદ સંભળાતા હતાં. રણશિંગાના વીરધ્વનિથી આકાશ જાગી ઊઠ્યું હતું. ચારે તરફ ગોફણિયાનો, તીરોનો અને આગભડકામણાનો વરસાદ વરસતો હતો. રા’એ જાણે મજેવડી દરવાજે બધું ધ્યાન રોક્યું હોય તેમ, મુંજાલે જરાક આગળ વધવાનો પ્રયત્ન કર્યો ત્યાં, જંગલની કેડીએ કેડી ને ડુંગરાની ટેકરીએ ટેકરી જાગી ઊઠી. તેણે થોડી વાર લોલ નદીના કાંઠાના આધારે શાંતિ પકડી લીધી. એ સમજી ગયો: સામે રા’એ કેસરિયાં માંડ્યાં હતાં! એક એક તસુ માટે જુદ્ધ આપવું પડે તેમ હતું.

જયસિંહદેવની આજ્ઞા પ્રમાણે પરશુરામ પૂર્વ દિશાના જંગલમાં વાઘેશ્વરીના ડુંગરની પછવાડે, દોઢસો માણસો લઈને પડ્યો હતો. સોનરેખને મળવા જતો સરસ્વતીનો ઝરો એની એક બાજુ ઉપર આવ્યો હતો. આ ઘોર જંગલમાં એણે ગઈ કાલની સાંજથી પડાવ નાખ્યો હતો. કોઈને શંકા ન પડે એટલા માટે એણે પોતાના માણસોને થોડે થોડે અંતરે નાના નાના જૂથમાં વહેંચી દીધા હતાં. એક જણા પાસે સિંહનાદી વિદ્યા હતી – એ સૌ માટે સંકેત સમાન હતો: સિંહના જેવો અવાજ થાય કે તરત સૌએ ધારાગઢી જંગલને માર્ગે આગળ વધવાનું હતું, ને વાઘેશ્વરના થાનકના ડુંગરા પાસે થોભવાનું હતું.

એક પ્રહર રાત્રિ વીતી. જંગલના જાગતા ચોકીદારીના અવાજ આવી રહ્યા હતા. ધારાગઢ ભણી પણ સળવળાટ હતો. જંગલના જંગલ ધ્રુજાવે એવો સિંહનો નાદ થોડી વારમાં સંભળાયો. તરત પરશુરામ તૈયાર થઇ ગયો. એક કેડીને માર્ગે ધારાગઢી જંગલ તરફ બહુ ચુપકીદીથી ઊપડ્યો. એના માણસો  ચારે તરફથી ગુપચુપ એ તરફ જવા માટે આગળ વધી રહ્યા હતા.

વાઘેશ્વરી પાસે એ સૌ શ્વાસ લેવા થોભ્યા. પછી ધીમેથી, નીચે ને નીચે જતા માર્ગે, આગળ વધ્યા. અચાનક ભરજંગલમાં એણે એક તાપણું ઝબકીને ઠરી જતું જોયું. તેણે પોતાની સાથેના તમામને સંકેત આપી દીધો: તે હનુમાનમંદિરની નજીકમાં હતા. 

પરશુરામ ત્યાં પહોંચ્યો તો ત્યાં એક ઝરાને કાંઠે એક નાનું સરખું મંદિર એણે જોયું. તેનું શિખર ભાગ્યે જ જમીનથી દોઢ બે હાથ ઊંચું હશે. ઝાડની ઘટા વચ્ચે મંદિર એવી રીતે છુપાયું હતું કે, તાપણું ન થયું હોત તો એ શોધવું મુશ્કેલ હતું. એક ક્ષણ પરશુરામ ત્યાં ઊભો હશે. એટલામાં એણે ભૂગર્ભમાંથી એક માણસને આવતો દીઠો.

પરશુરામને લાગ્યું કે, મંદિરનાં પગથિયાં અંદર જમીનમાં ઊતરતાં હોવા જોઈએ. તેણે પેલા માણસ સામે જોયું. એણે બે હાથ જોડીને એને નમસ્કાર કર્યા. એણે એ જોયા નહિ એ કોણ જાણે પણ છેક એના કાન પાસે એનું મોં આવ્યું: ‘પરશુરામજી! મહારાજ તો હજી આંહીં નથી આવ્યા, એ શું? આપણે તો ચોરીછૂપીથી જલદી પતાવવાનું છે. મુંજાલ મહેતો આવ્યા છે!’

પરશુરામના ઘરણ મરી ગયા. મુંજાલ મહેતો! અત્યારે આંહીં?

‘ક્યાં છે?’ તેણે ધીમેથી કહ્યું.

‘ત્યાં અંદર મંદિરમાં ઊભા છે!’

‘કોણ?’

પરશુરામ અવાજ આવતાં ચમક્યો. એની પાછળ મહારાજ જયસિંહદેવ પોતે હતા. પૃથ્વીભટ્ટ ખુલ્લી તલવારે આગળ આવી રહ્યો હતો.

‘પ્રભુ! મુંજાલ મહેતા આવ્યા લાગે છે!’ પરશુરામે ધીમેથી કહ્યું.

‘મુંજાલ મહેતા? એ આંહીં છે? ત્યારે મજેવડીએ કોણ?’

પણ એક પણમાં એના અવાજમાં ફેર પડી ગયો, એને કાંઇક સાંભર્યું: મુંજાલ રહી શક્યો નહિ હોય; કદાચ માએ જ એને કહ્યું હશે આમાં કાંઈ દગાની ગંધ આવી હશે. સામે દેશળ હતા. સંકેત પ્રમાણે એ સૌ આંહીં આવ્યા તો હતા. પણ આનો વિશ્વાસ કેટલો? મુંજાલ એ માટે જ આવ્યો હોવો જોઈએ. પણ દેશળને એ વાતની ગંધ આવવી ન જોઈએ. ‘એ તો મેં કહ્યું’તું, પરશુરામ! વખત છે ને દેશુભાને કાંઈ પૂછવા કારવવાનું હોય!’ તે દેશુભાના પૂજારીવેશ સામે જોઈ રહ્યો.

‘દેશુભા! આમ કેમ?’

‘ખબર નથી, પ્રભુ? ખરો તો આમાં છે...’ તેણે એક પડખે ભંડકિયા જેવું બંધ બારણું બતાવ્યું. ત્યાંથી કાંઇક અવાજ પણ આવતો હતો.

‘કોણ છે એમાં?’

‘જે આંહીં આજે બેસવાનો હતો તે. એ પૂજારી રા’ના અંદરના મંદિરનો છે. આવું કોઈ માલવાવાળાનું ખાસ આવવાનું હોય ત્યારે આ રસ્તો ઊઘડે કોક દી. આ રસ્તો સંકટ સામે રા’ના ખપનો. માને ખબર હતી કે, પૂજારી આંહીં બેસવાનો છે. મને કહ્યું હતું કે તું જાજે. પૂજારી ત્યાં ભંડકિયામાં મજા કરે છે. મેં નો’તું કહ્યું, મહારાજ? – માલવાવાળાને રોકજો – એ વહેલાં આવી ચડે, ને જો હું આવ્યો ન હોઉ, તો કામ રોળાઈટોળાઈ જાય. હવે તો આ આપણું પતી જાશે – પછી ભલે ને એ પણ આવતા!’

જયદેવને વાત સાચી લાગી. તે આગળ વધ્યો: ‘આપણે હવે કેટલી વાર છે, દેશુભા?’

‘વાર નથી, પ્રભુ! પણ અંદર માંડ વીસ-પચીસની જગ્યા છે. મુંજાલ મહેતા પણ એ જ ચિંતામાં છે. અંદર છે એમાંથી એક એક જણથી જવાશે.’

‘એક એકથી જવાશે?’ જયદેવ જરાક ખંચકાયો.

‘રસ્તો જ એટલો માંડ છે!’

‘તો તો આરો ક્યારે આવશે? આપણા તો દોઢસો જણા હશે!’

‘જવાશે બધાથી – પણ એક એક જણ.’

‘ચાલો તો, પૃથ્વીભટ્ટ! ચાલો, પરશુરામ!’

અંધારામાં દેશળ આગળ ચાલ્યો. સૌ ધીમેથી પગથિયાં ઊતરી નીચે ગયા. છેલ્લે પગથિયે પગ મૂક્યા પછી થોડું ચાલવાનું આવ્યું. ગુફા જેવા મંદિરના અંદરના ભાગમાં હનુમાનની એક મોટી મૂર્તિ દેખાણી. અંધારામાં એની આંખમાં બે હીરા પ્રકાશ આપતા શોભી રહ્યા હતાં. સિદ્ધરાજે બે હાથ જોડીને મૂર્તિને નમન કર્યું. 

દેશળ આગળ ગયો. તેણે ભીંતસરસી ઊભેલી હનુમાનની મૂર્તિને પૂંછડેથી જરાક પકડીને પોતાના તરફ ફેરવી. ફરતાં ચક્ર ઉપર ગોઠવણી કરી હોય તેમ એ અર્ધ ગોળાકારી ફરી ગઈ. મૂર્તિના ફરવાથી થયેલી જગ્યામાં નીચે જઈ શકાય તેવાં. પગથિયાં દેખાયાં.

એક ધીમો ઝાંખો દીવો અંદર બળી રહેલો લાગ્યો.

‘અંદર છે કોઈ?’

‘ના, પ્રભુ! દીવો છે, ત્યાંથી પછી પગથિયાં ઉપર ને ઉપર જાય છે, પછી અંધારી ગૂફાનો સીધો મારગ ચાલ્યો જાય છે!’

જયદેવ આગળ વધ્યો.

મુંજાલ ધીમેથી એની પડખે આવ્યો, તેણે સિદ્ધરાજનો હાથ પકડ્યો, ‘પ્રભુ!’ તેણે ધીમેથી કહ્યું.

‘મહેતા! તમારી વાત હું સમજ્યો છું. દેશુભા! તમે આગળ થાઓ. પૃથ્વીભટ્ટ! ચાલો અંદર, પરશુરામ! તું આંહીં થોભજે, સૌ આવી જાય, પછી તું આવજે, તારા અંદર આવ્યા પછી મહેતા ઊપડશે! ચાલો –’

‘તો તો પછી, મહારાજ પોતે જ સૌથી છેલ્લે જાય,’ મુંજાલે બીજી વાત રજૂ કરી.

 ‘તમારે જે મોરચો સાચવવાનો છે મહેતા, એમાં ઉતાવળ કરવી પડશે!’ સિદ્ધરાજે કહ્યું પછી તે દેશુભા તરફ ફર્યો: ‘દેશુભા! તમે આગળ ચાલો – રસ્તાની સમજણ પડી જાય. આંહીં આપણે ડગુમગુ થઈએ એ ઠીક નહિ. તમે મારતે ઘોડે થાનકે પહોંચી જાજો મહેતા. પૃથ્વીભટ્ટ! કેમ ઊભો? અંદર ખાબકી પડ – જો ત્યાં દેશુભા જાય.’

એક ક્ષણમાં પૃથ્વીભટ્ટ અંદરના પગથિયાં ઊતરતો દેખાયો, એની પાછળ તરત સિદ્ધરાજ ઊતરી પડ્યો, મુંજાલ એની પછળ જતો હતો, ત્યાં એને કાને અંદરથી અવાજ આવ્યો, એટલે તે અટકી પડ્યો: ‘મહેતા! હવે આંહીં એક પળ ન ગુમાવતા. આંહીં બધું બરોબર છે. સૈનિકોને આવવા દો, પરશુરામ!’

મુંજાલનો પગ પાછો ખેંચાયો તે આઘો ખસી ગયો હતો; હવે એને ખસ્યા વિના છૂટકો ન હતો.

દેશુભાની સાથે સૌ ગુપચુપ આગળ વધવા માંડ્યા.

સિદ્ધરાજ વિચાર કરી રહ્યો હતો: અત્યારે સૌનો આધાર આ દેશુભા ઉપર હતો. એના મનમાં જરાક પણ દગો હોય તો સૌ આ ભંડકિયામાં ભંડારાઈ જાય! એટલે એણે આ વસ્તુસ્થિતિનો અંત લાવવા દેશુભાને કહ્યું: ‘દેશુભા! રસ્તો બધે સમથળ છે કે?’

‘હા, પ્રભુ! રસ્તો બધો જ સમથળ છે!’

‘તો તો ઝડપ કરો, પૃથ્વીભટ્ટ! પગ ઉપાડવાનું રાખો. આ પસાર કરી દો. મને ડર છે. આપણે મોડા પડીશું!’

‘પ્રભુ! બીજો તો કાંઈ ભો નથી, પણ આનું એક મોં નીકળશે ધારાગઢ પાસે, દરવાજા બાજુની દોઢીના ઓટલામાં, ત્યાં બે જણા પહોંચી જઈશું ને દુદા હમીરને રોકી દઈશું; પછી કોઈ જાતનો વાંધો નથી. દોઢીમાં બહુ માણસો નહિ હોય ને મોટી ચોકી આઘે છે.’

‘પણ રા’ વખતે મહેલ છોડી જશે ને યુદ્ધમાં રોકી જશે – મને ભય એનો છે: રા’નો પત્તો નહિ લાગે તો! દુદા-હમીરને આ મારગની ખબર છે?’

‘આજ સુધી તો ન હતી, હવે પડી હોય તો ના નહિ!’

‘ત્યારે એ સામેનો ભય ઊભો છે!’ જયદેવે વિચાર કર્યો. તે બોલ્યો નહિ. ઝપાટાભેર આગળ વધવા લાગ્યો. સૌ એકદમ શાંત હતાં. પગલાનાં ધીમા અવાજ સિવાય કોઈ અવાજ સંભળાતો ન હતો. એમના ઉપર કોણ જાણે કયો ડુંગર ખડકાયો હતો. એક માણસ શાંતિથી ઊભો ઊભો ચાલ્યો જાય એટલો મોટો માર્ગ હતો.

તેઓ એમ ને એમ ચાલતા રહ્યા.

‘દેશુભા!...’

‘આપણે હમણાં બે ઘડી મહેલમાં – કાકા! સામે ઊજાસ તો દેખાય...’

એટલામાં અચાનક સામેથી કોઈકનાં પગલાં આ તરફ આવતા જણાયાં. સિદ્ધરાજ એકદમ સ્થિર થઇ ગયો. તેણે પૃથ્વીભટ્ટને સ્થિર થઇ જવાનો સંકેત આપી દીધો.

‘કાકા!’ દેશુભા અત્યંત ધીમેથી બોલ્યો: ‘કોઈક આવતું લાગે છે!’

‘કાં, ભા દેશુભા! આવ્યા કે?’ સામેથી અવાજ આવ્યો.

‘કાં, ભા! સાવજ કે શિયાળ? માલ કેમ આજે બહુ મોડો પડ્યો?’

સામે બે જણા લાગ્યા.

દેશુભાનો અત્યંત ધીમો અવન સિદ્ધરાજે સાંભળ્યો: ‘પ્રભુ! જરાક થોભી જજો –’

પાછળ સિદ્ધરાજે પૃથ્વીભટ્ટના હાથને જરાક નિશાની આપી દીધી. એકદમ અટકી જવાની નિશાનીએ તરત આખી મંડળીને એકદમ સજ્જ થઇ ગઈ.

સ્મશાનશાંતિની જેમ તમામ ત્યાં ઊભા રહી ગયા.

મહારાજને દેશળ કાં દગાખોર લાગ્યો. કાં મૂર્ખ લાગ્યો. તે એકદમ સજ્જ થઇ ગયો.

તેણે લેશ પણ અશાંતિ દેખાડ્યા વિના દેશુભાના હાથને જરાક સ્પર્શ કર્યો; બહુ જ ધીરેથી: ‘દેશુભા!’

દુદો ને હમીર છે, પ્રભુ!’