૨૮
દેશળનો સંદેશ
મહારાજ જયદેવની આજ્ઞા પ્રમાણે, બરાબર નિર્મિત તિથીએ ને સમયે પૃથ્વીભટ્ટ આવી ગયો હતો. પરશુરામ પણ ત્યાં આવ્યો હતો. ઉદયન હતો. દોઢસો જેટલા જંગલયુદ્ધના અનુભવી જોધ્ધા હતાં. ધુબાકો હતો. આડેસર હતો. કૃપાણ હતો. ક્યાં જવાનું છે ને શી વાત છે એની હજી કોઈને ખબર ન હતી. સજ્જન મહેતો અને મુંજાલ એ બંને તો હવે ધારાગઢ મોરચે પડ્યા હતા. આવતી પૂનમે એક મોટો હલ્લો કરવાના સમાચાર ત્યાંથી આવી ગયા હતા. મહારાજ પોતે પણ ત્યારે ધારાગઢ જવાના હતા, એમ વાત ચાલતી કરી હતી. આ બાજુ આ વાત થઇ રહી હતી; ઉદયનને કાંઈ સમજણ પડી નહિ.
જયસિંહદેવ બહાર આવ્યો. તેણે એક નિશાની કરી. તદ્દન શાંતિ થઇ ગઈ. થોડી વારમાં આખો સંઘ પગદંડીના ભયંકર જંગલમાર્ગે આગળ વધ્યો.
‘પરશુરામ! આપણે ક્યાં જવું છે? આ શું છે? તને કાંઈ કહ્યું છે મહારાજે?’ ઉદયને હવે જાણવાના હેતુથી કહ્યું.
‘કાકા! હવે બોલતા નહિ,’ પરશુરામે ધીમેથી કહ્યું, ‘તમે સંકેતનું જે કહ્યું છે તે વાત ઉપર મહારાજનો મદાર છે.’
પરશુરામનું અનુમાન સાચું હતું. કેદારેશ્વરમાં દેશળ મળ્યો ત્યાર પછી, આજે આ સંકેત મહારાજે મેળવ્યો હતો. કેદારેશ્વરના સ્તંભ પાછળથી તો પોતે અરધી વાતે અદ્રશ્ય થઇ ગયા હતાં. ત્યાર પછી એ વસ્તુ પર મહારાજે વિચાર જ કર્યો ન હતો. પણ એક એવો રસ્તો હતો, જેની જાણ માત્ર લીલીને હતી અને એ રસ્તો છેક દૂર્ગમાં રાજમહાલયમાં નીકળતો હોવો જોઈએ, એ વસ્તુસ્થિતિ એની સ્મૃતિમાં રહી ગઈ હતી. જ્યારે ખેંગારને હંફાવવાની વાત ઉદયને કરી, એને હણશો તો એ કોઈ દિવસ નહિ હારે, પણ માથે લટકતી નજરકેદ રાખશો તો જ સફળ થવાશે, એમ કહ્યું ત્યારે મહારાજને એ વસ્તુ સાચી લાગી અને એમણે લીલીબા ને દેશળના સંકેતનો મર્મ પકડ્યો.
આમાં એક પ્રકારનું જોખમ રહ્યું હતું, છતાં જયદેવે નિશ્ચય કર્યો. મુંજાલને ધારાગઢ જ રહેવા દીધો. પોતે આ સાહસિક પગલું ભર્યું.
ઉદયનને એ ગમ્યું. પણ મહારાજ ક્યાં જઈ રહ્યા છે – એ વાત હજી સૌનાથી અજાણી હતી. પરશુરામને કાંઈ વિશેષ ખબર લાગી નહિ. તેને ચટપટી થઇ.
‘પણ વખત છે ને અલ્યા પરશુરામ! હું સંકેત જ ખોટો સમજ્યો હઈશ તો? મહારાજે જે મર્મ પકડ્યો એ ખોટો હશે તો?’
‘એ બધી વાત હવે નકામી છે, કાકા! એમને એક ક્ષણમાં કરેલો નિશ્ચય – એની પાસે તમારો વર્ષોનો અનુભવ પાણી ભરે. અડગ આત્મશ્રદ્ધા – એટલે મહારાજ જયસિંહદેવ. જયદેવ મહારાજનો તમને હવે પરિચય પડ્યો છે – તો અનુભવ લ્યો કાકા! એ તમારી સલાહ લેવા પણ થોભે નહિ!’
‘ત્યારે જો મારી આ સંકેતની વાત નકામી હોય કે કામની, પણ આ જુદ્ધ તું જીત્યો હોત.’
‘પણ લીલીના આ સમાચાર સૌથી પહેલા મેં પકડ્યા. આજ તો તમને પ્રવેશ મળી ગયો હતો! પણ હવે એ વાતનો પસ્તાવો શા કામનો?’
બોલ્યાચાલ્યા વિના જંગલકેડીએ સૌ આગળ ચાલતા રહ્યા.
જયદેવ સૌથી આગળ વધી રહ્યો હતો. કેટલોક વખત ચાલ્યા પછી એ અચાનક અટકી ગયો. આકાશમાંથી ચંદ્રમા નીકળવાની તૈયારી હતી.
‘પરશુરામ!’ મહારાજે સાદ દીધો.
‘પ્રભુ!’
‘જો, હવે જરા પણ અવાજ ન થાય. સૈનિકો આસપાસ વેરાવા માંડે. આપણે આગળ વધતા રહેશું. સૈનિકો, ઝાડને આધારે કે ઝાડ ઉપર, જેમ ઠીક પડે તેમ, જુદે જુદે સ્થળે બેસવા માંડે. આડેસર સંકેત કરે તો જ ભેગા થવાનું છે.’
‘પ્રભુ!’ ઉદો પાછળની હરોળ સાચવતો આવો રહ્યો હતો, તે એકદમ આગળ દોડ્યો: ‘પણ આપણે ક્યાં જઈ રહ્યા છીએ?’
‘ઉદા મહેતા!’ મહારાજે બહુ જ ધીમેથી કહ્યું, ‘આપણે બર્બરકની સહાય લેવા જતા નથી – તમે એ બાબતમાં નિશ્ચિત રહેજો. દેશુભાએ તીર ફેંકીને તે પહેલાં એક વખત સંદેશો મોકલ્યો હતો; બરાબર એ જ માર્ગે આપણે આગળ જઈ રહ્યા છીએ, આજ પણ આ માર્ગે સંદેશો મળશે, મહેતા!’
મહારાજનો સ્વર એકદમ ધીમો હતો. ઉદયનને હવે સમજણ પડી – દેશુભાએ તીરના ભાથા ઉપર હાથ કેમ સેરવ્યો હતો તે. મહારાજનો નિશ્ચય એ સંકેતને આધારે હતો. તે વાતનું ઊંડાણ સમજતાં છક્ક થઇ ગયો.
એટલામાં પૃથ્વીભટ્ટ આવ્યો.
‘તને યાદ છે, પૃથ્વીભટ્ટ! રસ્તો તો આ જ છે નાં?’ જયદેવે ધીમેથી કહ્યું.
‘હા, પ્રભુ! મને બરાબર યાદ છે.’
‘થયું ત્યારે, સૌ ચારેતરફ શાંત રીતે બેસવાનું શરુ કરી દો. ધુબાકાને ને આડેસરને આગળ મોકલો. હવે જરા પણ અવાજ ન થાય. છેલ્લી સોરઠી ચોકી આટલામાં જ ક્યાંક છે. જો આડેસર ઘુવડ બોલાવે તો તમારે એ અવાજ ઉપર એકદમ દોડવાનું છે. ધુબાકા! તું ને આડેસર આગળ જાઓ. જરાક પણ હિલચાલ, શંકા પડતી લાગે, તો જ નિશાની આપજો.’
ધુબાકો ને આડેસર જંગલમાં છૂ થઇ ગયા, ઉદયનને વાતનું ઊંડાણ સમજાયું. ગુપ્ત હલ્લો ક્યાંય લઇ જવાનો ન હતો; સંકેતના મર્મ ઉપર જ સૌ ચાલી રહ્યા હતાં. પણ સંકેતના એ વિચારે એનું હ્રદય બેસી ગયું: પોતે સંકેત જ ખોટો સમજ્યો હોય તો? એમાંથી જ દગો નીકળે તો કેવી ફજેતી થાય! પરશુરામે કહ્યું તે સાચું હતું: રાજા અતિ સાહસિક હતો. પણ હવે શું થાય?
‘પ્રભુ! આપણે હજી આગળ જવું છે?’ તેણે હાથ જોડીને બહુ જ ધીમેથી કહ્યું.
‘પરશુરામ! પૃથ્વીભટ્ટ! ઉદા મહેતા! તમે મારી સાથે ચાલો. કૃપાણ! તું ત્યાં પેલા રૂખડાના ઝાડ પાસે ઊભો રહેજે.’
‘પણ મહારાજ! વખત છે, ને સંકેત બરાબર સમજાયો નહિ હોય કે કાંઇક દગો હશે તો?’ ઉદયન બોલ્યો.
‘તોપણ આપણે પહોંચી વળીશું. ચાલો, હવે શંકા છોડો. પગલું ભર્યું છે – હવે એનો તાગ લ્યો!’
‘પ્રભુ, સૈનિક આગળ જાય; પછી મહારાજ જાય. આપણને હજી ખાતરી નથી.’
‘એમ ન હોય, મહેતા! તમે રાજનીતિના ક્યાં જાણકાર નથી? ચાલો, ચાલો, આપણે આગળ વધો! આપણો એક દુશ્મન અવાજ છે; બીજો શંકા. ચાલો, મહેતા!’
બીજી જ ક્ષણે ચારે જણા ગુપચુપ આગળ વધી રહ્યા.
ઘોર અંધારામાં પણ થોડો થોડો ઉજાસ થતો આવતો હતો. છતાં બધે ભયંકરતા વ્યાપી ગઈ હતી, આખું જંગલ તમરાંના અવાજથી ગાજી રહ્યું હતું.
સૌ બોલ્યા વિના ચાલતા જ રહ્યા. થોડી વારે જયદેવ અટકી ગયો. તેણે પૃથ્વીભટ્ટનો હાથ દબાવ્યો. બહુ જ ધીમેથી કહ્યું: ‘પૃથ્વીભટ્ટ! સામે જો તો! પેલા ઝાડ પાસે કોઈ ઊભું જણાય છે?’
‘દેખાય છે તો માણસ! પ્રભુ, કોઈ આવવાનું હતું?’
ઉદયને એ સાંભળ્યું. એ આગળ વધ્યો. એના મગજમાં એક વિચાર આવી ગયો: પરશુરામ બાળક હતો; રાજા સાહસિક હતાં, પણ પોતે નાનો હતો? પોતે આ સાહસ કેમ કર્યું? કાંઇક દગો હશે તો? ધુબાકો ક્યાં હશે? આડેસર પણ બોલતો નથી! તે મહારાજની પડખોપડખ ઊભો રહ્યો. મહારાજે એને શાંત રહેવાની હાથની જરાક નિશાની આપી.
જયદેવ પણ વિચાર કરી રહ્યો હતો; તેને બહુ શાંત અવાજે કહ્યું: ‘કોણ હોઈ શકે, ઉદા?’
‘મહારાજ! દગો તો નહિ હોય?’
‘દગો નથી. એક ક્ષણ થોભો.’
એટલામાં સુસવાટ કરતું એક તીર એના કાન પાસેથી આગળ ચાલ્યું ગયું. જયદેવ શાંતિથી બે ડગલાં પાછો ખસી ગયો. ઉદયનનો હાથ મહારાજના હાથમાં હતો – શાંતિ જાળવવાની સૂચના આપતો. થોડી વાર થઇ, બીજું તીર આવ્યું. એક ક્ષણ વીતી ત્રીજું તીર આવ્યું. પાછી ઘોર શાંતિ થઇ ગઈ. એટલામાં પેલો માણસ જેવો લાગતો હતો તે પણ અદ્રશ્ય થઇ ગયો.
‘પૃથ્વીભટ્ટ! એક તીર આંહીં લાવ તો. જો પેલા ઝાડ સાથે અફળાયું. ત્યાં ચોટ્યું હશે!’
પૃથ્વીભટ્ટ ત્વરાથી તીર લાવ્યો. મહારાજે ખાંખાખોળા કર્યા. ત્યાં વસ્ત્રલેખ ન હતો.
બીજું તીર શોધ્યું. એ પાસે જ પડ્યું હતું. એમાં પણ કાંઈ ન હતું. ત્રીજું પણ ખાલી હતું.
‘પેલો માણસ ક્યાં ગયો, પૃથ્વીભટ્ટ?’
‘પ્રભુ! એ તો અદ્રશ્ય થઇ ગયો લાગે છે.’ કોઈને કાંઈ સમજણ પડી નહિ.
જયદેવે માથા ઉપર જરાક હાથ ફેરવ્યો. અચાનક એ આગળ વધ્યો.
‘અરે! મહારાજ!’
‘ઉદા મહેતા! હવે તમે સૌ આંહીં થોભો. પૃથ્વીભટ્ટ! તું પાછળ આવ – તલવાર તૈયાર રાખજે!’
‘અરે! પણ પ્રભુ!...’
‘મહારાજ!’
‘ઉદયન મહેતા! તમારો એક જરાક વધુ પડતો અવાજ અત્યારે શું પરિણામ લાવશે એ ખબર છે? તમે આંહીં શાંત ઊભા રહો. હું આ આવ્યો!’
કોઈ રોકે તે પહેલાં સિદ્ધરાજ અદ્રશ્ય થઇ ગયો. પરશુરામ ને ઉદયન એકબીજા સામે જોઈ રહ્યા: ‘પરશુરામ!’
‘કાકા! હવે બોલતા નહિ. મહારાજનાં નિર્ણયમાં આત્મશ્રદ્ધાનો રણકો વાગે છે ત્યારે કોઈ કાંઈ બોલી શકતું નથી – રાજમાતા પણ.’
ઉદયનને લાગ્યું કે મહારાજ વિષે આ પરશુરામ થોડીઘણી ઘેલછા રાખતો લાવે છે! તે શાંત ઊભો રહ્યો.
થોડી વાર થઇ. મહારાજ તદ્દન અદ્રશ્ય થઇ ગયા જણાયા. ઉદયન ઉતાવળો થયો, પણ પરશુરામ શાંત હતો. એટલામાં પૃથ્વીભટ્ટ શ્વાસભેર આ તરફ આવતો જણાયો. ‘મંત્રીશ્વર! એ તો દેશળ પોતે હતો!’ પૃથ્વીભટ્ટે આવીને તરત સમાચાર આપ્યા.
‘કોણ પેલો માણસ?’
‘હા, હા! પણ – આ –’
પૃથ્વીભટ્ટે તાળીનો સહેજ અવાજ પકડી લીધો હતો. તે એકદમ પાછો દોડ્યો ગયો. થોડી વાર પછી તે પાછો ફર્યો: ‘મહારાજ બોલાવે છે, પ્રભુ! પરશુરામ! તમે અહીં સાવધ રહેજો સોરઠી છેલ્લી ચોકી આટલામાં જ છે!’
ઉદયન પૃથ્વીભટ્ટ સાથે ચાલ્યો. એણે મહારાજ જયદેવ વિશે જે ખ્યાલ પોતાના સ્તંભતીર્થમાં બાંધ્યો હતો એનાંથી આંહીં જુદી જ વાત નીકળી પડી હતી. તે વિચાર કરતો મહારાજ તરફ આગળ વધ્યો.
‘ઉદા મહેતા!’ મહારાજે કહ્યું, ‘હવે જરા પણ અવાજ કરતા નહિ. આ દેશુભા પોતે આવ્યા છે!’
સામે પૂજારીના વેશમાં એક માણસ ઊભો હતો. તેને કપાળે ત્રિપુંડ હતું. હાથમાં બેરખો હતો. તેણે કમંડળ ધારણ કર્યું હતું. ઉદયનને જોઇને તેણે બે હાથ જોડ્યા; ઉદયને તેની સામે હાથ જોડ્યા.
મહારાજે એનો હાથ દબાવ્યો. ઉદયન એનો મર્મ પકડવા મથી રહ્યો. મહારાજ ધીમેથી બોલી રહ્યા હતાં: ‘મહેતા! દેશુભા પોતે આંહીં આવ્યા છે. આપણે મુંજાલને ધારાગઢની આસપાસ હલ્લાની ગોઠવણ માટે રાખેલ છે. એટલે આપણે આંહીં આવ્યા, એ વાત મેં એને કહી. સમયમાં ફેરફાર થયો ને – એ વાત તો મુંજાલને પહોંચાડી દીધી છે, એટલે એનો વાંધો નથી. હવે રહી રા’પદની વાત. આપણે મન તો – આજથી જ, હવે દેશુભા રા’. આપણા સગા પણ છે! બોલો દેશુભા હવે તમારે બરાબર ચોકસી રાખવી; બીજું શું? કાં મહેતા?’
ઉદયન સમજી ગયો: દેશળે ર’પદનું વેણ માંગ્યું હશે. મુંજાલને જે સંકેત એણે આપ્યો હશે, તેમાં હવે સમયનો ફેરફાર થયો. ખાતરી કરવા દેશળ પોતે જોખમ વેઠીને આવ્યો હોવો જોઈએ – પૂજારીના વેશનો એ ભેદ છે.
‘દેશુભા હોય નહિ ને આ વાત થાય નહિ!’ ઉદયને ધીમેથી કહ્યું, એણે પોતાનો પાઠ પકડી લીધો: ‘મુંજાલ મહેતાએ તો, મહારાજને પહેલેથી જ એ વાત કરી હતી!’
‘પણ અમારું – વાંહેથી શું, ભૈ? પછી અંગૂઠો બતાવીને ઊભા રહો તો?’
‘જુઓ, ભા! બે વરસનું બચ્ચુંય સમજે એવી વાત છે: આ દુર્ગ અખંડ હશે. અને તમે રા’ હશો, તો હાથે કરીને પણ લાભ છે! ત્યારે તમને અંગૂઠો બતાવવો એ તો હાથે કરીને બેસવાની ડાળ કાપવાની વાત થાય. એવી મૂરખાઈ કોણ કરે? અને તમે શું અમારા સગા નથી? પણ જુઓ, દેશુભા! હવે આ લાંબુ થાશે એમ નબળું પડશે! વખતે કોઈ ફૂટ્યું તો?’
‘હું પણ એ કહું છું, મહેતા! વાત લંબાવશો તો વેડફાશે. વળી કોક નવો ફણગો ફૂટશે!’
‘અરે; નવો ફણગો શું? દેશુભા! આ તમે વાત જાણતાં હો ઈ રસ્તો જ અચાનક બંધ થઇ જાય, પછી? તમે તો ત્રણ બદામના થઇ જાવ ના! કિંમત તો આ પળની છે, આ કોઈ , કે કાલની પળ તમારી નથી. વિચાર કરી જુઓ –!’
આ વાત દેશળ ઉપર અસર કરી ગઈ. એ સમજી ગયો: એક વખતે પરિસ્થિતિ ઉપરનું વર્ચસ્વ એ ગુમાવી બેસશે, પછી એ કયાંયનો નહિ રહે. જાપ્તો તો અત્યારે જ સખ્ત હતો.
‘ત્યારે જુઓ, ભા! હું તો તમારા વેણ ઉપર આધાર રાખું છું!’
‘દેહુભા! તમે નાહકના મૂંઝાવ છો. તમને શંકા ખાઈ જશે. અમને તો વળી બીજો ઉપાય પણ મળશે –’ ઉદયને કહ્યું. ‘બાકી, તમને વેણ કીધું હોય એ પાળવું – એ અમારો કોલ, બીજુ શું જોઈએ, બોલો.’
‘દેશુભા! તમે સગા છો, તમે પહેલા. વહેલો ઈ પહેલો એવી વાત છે.’ સિદ્ધરાજે કહ્યું.
દેશુભાને શંકા પડી: મહારાજ પાસે બીજા પણ કોઈ વાત ચલાવતા હોય તો ના નહિ! એટલે હવે પોતાનું તીર નકામું થઇ જાય તે પહેલાં વાપરી લેવું જોઈએ.
‘મહારાજ! તે ધીમેથી બોલ્યો; ‘પછી હું બનું નહિ, હોં!’
‘અરે! દેહુભા! કેવી નાખી દેવાની વાત કરો છો! મહારાજે વેણ દીધું હોય – તો – ઈ વેણ ફેરવશે તો તો થઇ રહ્યું નાં! સૂરજ ઊગી રહ્યો, ભા!’
‘દેશુભા! વાત સમજો. અમારે આંહીં કોકને રાખવો તો પડશે નાં? અમે તો રહેવા નવરા નથી. તો તમને સગાને નહિ રાખી અને બીજાને રાખશું? પણ: તમે હવે પળ પળ લંબાવો છો – ને શું જોખમ ખેડી રહ્યા છો, એ તમને ખબર છે? દેશુભા!’
‘મહારાજ! ત્યારે આ વાત એવી છે –’
દેશળે સિદ્ધરાજનો હાથ જરાક દબાવ્યો. તે એક બાજુ પાછળ સર્યો. મહારાજ પણ પાછળ ગયા. ઉદયને અવાજ પકડ્યો – પણ વાત કાંઈ સમજની નહી. થોડી વારમાં મહારાજ પાછા આવ્યા: ‘મહેતા! ચાલો, એમને ખાતરી થઇ ગઈ છે. આપણે વેણ આપ્યું હોય – એ આપણે પાળવાનું. એનું કામ એણે કરવાનું. દેશુભા! ત્યારે જય સોમનાથ! પણ જોજો હો, અમારે ત્યાં આ વાત કોઈ નહિ જાણે, તમે આંહીંનું સંભાળજો. ને લીલીબાને કહેજો – અરે હા, વિશુભાને સંભારજો. ને ખબર છે નાં! બહુ તાર લંબાય – એ તૂટે!’
‘હવે એમાં ફેરફાર નથી પણ! ઉદયન મહેતા!’ દેશુભાએ બે હાથ જોડ્યા.
ઉદયને સામે નમસ્કાર કરવા બે હાથ જોડ્યા. એટલામાં તો દેશુભા જંગલકેડીએ અદ્રશ્ય થઇ ગયો.
‘પ્રભુ! જાપ્તો તો રા’નો ભારે છે. એમાં આ આવ્યો શી રીતે?’
‘એક જ એવો રસ્તો છે. એની માને – લીલીબાને – જાણમાં છે. એ રસ્તો મંદિરમાં નીકળે છે. એટલે ત્યાંના પૂજારીના વેશે આ પોતે જ આંહીં આવી ગયો. પણ હવે આંહીં આવી શકે તેમ નથી!’
‘પણ એ રસ્તો રા’ બંધ કરાવે તો?’
‘તો એનું સૈન્ય સૂઈ જાય. આ તો બધાં જાદવકુળના આહીરડા. ભેશુંનાં દૂધ પીને તલવારી જુદ્ધના ઘા ખમવાવાળા મહેતા! એને સૌને માળવાના અફીણનો આહાર છે! અફીણ ઉપર દૂધનો મારો ને દૂધના હાડ ઉપર એના તલવારના જુદ્ધ. એનું રણાંગણ સાંઢણી ઉપર. આપણે એનો તાગ મેળવ્યો છે –!
‘પણ ક્યાંક મહારાજ –’
‘આ ફસાવે, એમ?’
‘હા.’
‘એક જૈન મુનિએ અમને કથાવાર્તા કહી’તી, ઉદયન મહેતા!’
‘શી? પ્રભુ!’ ઉદયનને રાજાની વાતમાં રસ આવ્યો. સિદ્ધરાજની આંખ અંધારામાં દેખાય તેમ ન હતી. નહિતર એમાં રહેલ હાસ્યનું ઊંડાણ જોઇને ઉદયન પણ ધ્રુજી ઊઠત.
‘એ કથાવાર્તામાં એમ કહેતા: સઘળું ડૂબે છે – લોભમાં!’
‘પણ પ્રભુ...! ઉદયન મૂંગો થઇ ગયો. રાજાએ કાંઇક અવાજ પકડ્યો લાગ્યો. તે શાંત થઇ ગયો.
પરશુરામ દેખાયો. ‘કેમ પરશુરામ?’
‘મહારાજ! વાર બહુ થઇ, એટલે હું આવ્યો –’
‘હવે એમ સ્થાન છોડતો નહિ ગાંડા ભાઈ! ચાલ – પાછો વળ – કાંઈ નથી –’ રાજાએ હેતથી તેનો ખભો થાબડ્યો.
પણ વાતનો તંતુ અધ્ધર રહી ગયો, એની ચટપટી ઉદયનને મનમાં રહી હતી. જૈન મુનિની જે વાત રાજાએ કહી એ એના અંતરને સ્પર્શી; અંધારામાં એનું મન બોલી રહ્યું હતું: ‘જોઈએ, રાજા છે અત્યંત વિચિત્ર પણ કોઠાવિદ્યા કોને વશ ન કરી શકે?’