Tribhuvan Gand - 22 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 22

૨૨

કેશવનું વિષપાન

કૃપાણ આવ્યો. દેખીતી રીતે તેની પાસે અતિ અગત્યના સમાચાર હોય તેમ લાગતું હતું. તે મહારાજને પ્રણામ કરી બોલ્યા વિના જ ઊભો રહી ગયો. મહારાજે એની સામે જોયું.

‘મહારાજ!’ કૃપાણ એક ક્ષણભર બોલવું કે ન બોલવું તેનો વિચાર કરી રહ્યો. મુંજાલ એની સામે જોઈ રહ્યો હતો. ઉદયને એની દ્વિધાવૃત્તિમાં કાંઇક ભેદ દીઠો. મહારાજના આજ્ઞાદર્શક સ્વરે એણે બે હાથ જોડીને માથું નમાવ્યું અને પછી કાંઇક અપ્રિય વસ્તુ કહેતો હોય તેમ ધીમેથી ઉમેર્યું: ‘મહારાજ! કેશવ નાયક આવેલ છે!’

કાંકરી પડે તો સંભળાય એવી ગંભીર શાંતિ એક ક્ષણભર વ્યાપી ગઈ. કેશવ નાયકને મહારાજે ગોધ્રકમંડલમાં મોકલી દીધો હતો, એ સૌને ખબર હતી. કેશવ નાયક સોરઠી મોરચે આવે એ મહારાજની ઈચ્છાવિરુદ્ધની વાત હતી. જાણે સાંભળતો ન હોય તેમ મુંજાલ શાંત બેઠો રહ્યો. ઉદયન આ ભેદને પામવા પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિને વધુ સતેજ કરી રહ્યો. જયદેવ મહારાજનો ચહેરો પહેલાં જરાક સખ્ત થયો – પછી ધીમેધીમે એમાં કુમાશ પ્રગટી.

‘ક્યાં છે?’ તેણે ધીમેથી કહ્યું.

‘મહારાજ! બહાર ખડા ઊભેલ છે. પાટણથી ઘડિયા જોજની ઓઢી એમને લઈને આવ્યો છે!’

‘કોણ છે ઓઢી? ધાંધલ, કે ઓઢલ!’

‘ઓઢલ!’

‘આવવા દે... એને, જા!’

કૃપાણ બહાર સર્યો... પણ પછી કાંઇક શંકા પડી હોય તેમ એ ધીમે પગલે પાછો આવ્યો. 

‘મહારાજ! કોને આવવા...’

‘કેશવ નાયકને આંહીં મોકલ... મેં ન કહ્યું? મારે એની સાથે થોડી એકલા પણ વાત કરવાની છે!’

હડડુ કરતું મંત્રીમંડળ મહારાજનાં શબ્દે ઊભું થયું. મુંજાલને એ રુચ્યું લાગ્યું નહિ, રાજમાતા ધીમેથી ઊભાં થયા. થોડી વારમાં જયદેવ મહારાજ ત્યાં એકલા રહ્યા.

બે પળ ગઈ ને પ્રણામ કરતો કેશવ નાયક ત્યાં આવીને ઊભો રહ્યો. એનો ચહેરો કાંઇક શ્યામ થયો હતો. તેજસ્વિતા સહેજ ઝંખવાઈ ગઈ હતી. પણ એના દ્રઢ શરીરબંધ હજી પણ એટલો જ આકર્ષક લાગતો હતો. અદભુત સૈનિકની એની પ્રણાલિકા હજી જળવાઈ રહી હતી.

એને જોઇને, આ આખું યુદ્ધ એને લીધે જન્મ્યું છે, એ વિચાર રાજાને આવ્યો. એના ચહેરા ઉપર આવતું ઝાંખું સ્મિત તરત કઠોરતામાં છુપાઈ ગયું. તેણે બાળપણનાં સંસ્મરણો ભૂલી જવા પ્રયત્ન કર્યો, કેશવ એ કળી ગયો.

‘કેમ?’

રાજાએ ‘કેશવ’ કે ‘નાયક’ બેમાંથી એકે સંબોધન વાપર્યું ન હતું. કેશવનું હ્રદય હ્રદયમાં બેસી ગયું. પણ એને સૈનિકની દ્રઢતાથી – પોતાનો એક જ ધર્મ, એનો રાજધર્મ, એને ઓઢી રહેલાં સૈનિકની અડગતાથી – જવાબ વાળ્યો:

‘મારી વાત આપ એકને માટે જ છે!’

‘આંહીં બીજું કોઈ નથી,’ રાજાએ ટૂંકો ભાવહીન પ્રત્યુત્તર વાળ્યો. રાજાની પોતાની પ્રત્યે હજી એવી જ તીવ્ર અપ્રસન્નતાનું કેશવને વધુ ભાન થયું. પણ એણે એ જ સ્વરમાં વાત આગળ ચ ચલાવી: ‘મહારાજ! હું તો રાજસિંહાસનને દ્વારે ઊભેલો ખડો ચોકીદાર છું – મારા મનથી, એટલે કે અચળ આત્મશ્રદ્ધાથી. માલવાની તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે. હવે એ હરકોઈ પળે આવશે. અત્યારે એની બંને પાંખ – કર્ણાટક અને ચેદિ – અત્યારે મિત્રતાભરી છે. ગુજરાત ઉપર એની નજર ક્યારની છે. જે પળ જાય છે, એ હરેક પળ અમૂલ્ય છે. સાંતૂ મહેતાને આ ખબર આપવા, મહારાજ! હું તો પાટણમાં આવ્યો હતો, ત્યાંથી વસ્તુનું મહત્વ મહારાજને જ નજર કરવા આંહીં આવ્યો છું!’

‘ગોધ્રકમંડળ કાંઈ નહીં કરે?’

‘ગોધ્રકમંડળ અડગ ખડકની પેઠે ઊભું રહેશે; પણ એટલું બસ નથી. વળી એક બીજી વસ્તુ પણ છે.’

‘શી?’

એક ક્ષણભર કેશવ વિચારમાં પડી ગયો. માલવાના સમાચારની ગંભીરતા ઠસાવવા એ સાંતૂ પાસે આવ્યો હતો. એણે માલવા તરફથી આવતા ભુવનેશ્વરીના સમાચાર સાંભળ્યા હતાં. અવંતીભરમાં એની અદભુત રસજ્ઞતાનો વિશેય લોકકંઠે હતો. કેવળ વીરવિક્રમી જમાનાની એ સ્વપ્નશિલ્પી સ્ત્રી, જ્યાં રહેતી ત્યાં, પોતાના સાંનિધ્યથી વાતાવરણને ફેરવી નાખતી, એમ કહેવાતું. તેણે જયદેવ મહારાજને અદભુત મોહિની લગાડી હતી એમ મનાતું. પણ એ માલવાની હતી. માલવા તૈયારી કરી લે, એટલો વખત એ ગુજરાતમાં રહેવાની હોય, એમ પણ હોય; એમ કેમ ન હોય? ને પરિણામ શું આવે?

કેશવને સાંતૂ મહેતાએ પણ એ જ કહ્યું હતું. આંહીં હજી મહારાજ આ યુદ્ધમાં ખૂંચ્યા હતાં; રજપૂતી ગૌરવથી દુર્ગ લેવાનું સ્વપ્ન સેવતા હતાં. ખેંગાર અડગ હતો; માલવા તૈયાર હતું. દરેક આંતરિક હકીકત માલવાને પૂરી પાડવા માટે, આ સ્ત્રી આંહીં હોય, કે વખતે મહારાજને જુદે પંથે દોરવા માટે પણ હોય.

એને ખબર મળ્યા હતા કે મહારાજનાં આગ્રહી સ્વભાવને અને મુંજાલની રાજનીતિનો મેળ મળતો નથી.

એટલે ઉદયન, લક્ષ્મીદેવી, સૌ આ તરફ ઢળ્યાં હતાં.

એનો આ વિશેય ન હતો. એના વચનની અત્યારે કાંઈ કિંમત ન હતી. એને ખબર હતી કે, મહારાજ એની હાજરી અહીં ઈચ્છતા નથી, પણ સોલંકી સિંહાસન પાસે ઊભા રહેવાના પોતાના અચળ સૈનિકધર્મથી પ્રેરાઈને જ એ આંહીં આવ્યો હતો – અપમાન મળે તો એ સહેવા, અપમાનનું પણ વિશેપાન કરી લેવા.

મહારાજના પ્રશ્ને એને તો એક ક્ષણભર તો સંક્ષુબ્ધ કરી દીધો, પણ તુર્ત એના સ્વભાવની સિંહપ્રકૃતિ એને પ્રોત્સાહન આપી રહી. ‘કેશવ! તું તો સૈનિક છે, સિંહાસની દ્વારપાલ છે, તારે શું છે? તું સૈનિક છે, મુત્સદ્દી નહી. તારે તારો ધર્મ છે!’

તેણે બે હાથ જોડ્યા: ‘પ્રભુ! માલવા આપણું પરંપરાગત અરિ છે. અત્યારે આંહીં જુદ્ધ છે. પાટણ ઉપર ભય છે, મારા કરતાં વધારે સમર્થ પુરુષો આંહીં બેઠા છે. આપને કહી ચૂક્યા પણ હશે, આજ હું સોલંકી સિંહાસનના એક અકિંચન દ્વારપાલ લેખે આ કહેવા માંગુ છું!’

જયદેવ તેની તરફ જોઈએ રહ્યો: ‘કોની વાત છે?’

‘મહારાજ! ભુવનેશ્વરી – એને આંહીં અત્યારે ન રાખી શકાય!’

જયદેવે પ્રત્યુત્તર ન વાળ્યો. ઉપેક્ષાથી એની સામે જોયું: ‘આ સિવાય કાંઈ કહેવાનું છે?’

‘એ નારી પાસે એક મહાન સ્વપ્ન છે. એ સ્વપ્નની છાયામાં રહેનારા નાના વિજયો મેળવતા નથી અને મહાન સિદ્ધિને ઝંખતા કદાપિ આળસી શકતાં નથી.’    

‘હશે; આના સિવાય કાંઈ છે?’

કેશવને અચાનક એક વિચાર આવ્યો. એણે ઉદયનને આંહીં જોયો હતો – મુંજાલ સાથે. શા માટે એનો ઉપયોગ ન કરવો? રાજા જયદેવને પોતે અત્યારે જે કાંઈ કહેશે – તે અફળ જવાનું છે. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! મારું કામ પૂરું થયું! મને લાગ્યું કે માલવાના ભય વિશે જ મારે જ મહારાજને ખરો ખ્યાલ આપવો!’

‘બરોબર!’

સામાન્ય વિવેક પૂરતો રાજાનો પ્રત્યુત્તર કેશવના હ્રદયને આરપાર વીંધી નીકળ્યો.

પણ એનામાં સોલંકી વંશ પ્રત્યે અજબ શ્રદ્ધા હતી. તેણે બે હાથ જોડ્યા. ‘તો પછી, મહારાજ! હું રાજા લઉં. કાલે સવારે હું જઈશ!’

‘ગોધ્રકમંડલને તૈયાર રાખજે...’

જયદેવ ઊભો થયો.

કેશવ ભારે હ્રદયે ઝાંખા અંધકારમાં બહાર નીકળી ગયો. તેને રસ્તામાં ઉદયન જેવું કોઈક અથડાયું. તેણે ઉતાવળે કહ્યું: ‘કોણ, મહેતા? ઉદયન મહેતા છે?’

‘હા; કેમ? કોણ તમે?’

‘હું કેશવ નાયક!’

ઉદયનને એની સાથે વાત કરવામાં અત્યારે રસ ન હતો. ગમે તેમ પણ મહારાજની અવકૃપાની છાયાનો અંધકાર એના ઉપર હતો.

પણ એટલામાં તો કેશવ ધીમેથી બોલ્યો: ‘મારે તમને મળવું છે!’

‘આવજો ને... સવારે...’

‘સવારે તો હું ઊપડી જઈશ.’

‘કેમ? બસ?’

‘આંહીંનું પતી ગયું!’

શું આવ્યો ને શું ઊપડ્યો – એ જાણવું હોય તો ઉદયનને માણસ વાતો કરવા જેવો લાગ્યો: ‘તો આવજો, આ મંત્રણાસભા પૂરી થાય કે હું આ આવ્યો. ડાબે હાથે બે નાડા વા આમ જોશો કે, આપણો મુકામ...’

કેશવ ઉતાવળે હકારાત્મક ડોકું ધુણાવતો ચાલી નીકળ્યો.