Tribhuvan Gand - 13 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 13

૧૩

કેદારેશ્વરમાં શું બન્યું?

મુંજાલ અને જયસિંહદેવ કેદારેશ્વરના મંદિરમાં પહોંચ્યા. સંકેત પ્રમાણે દેશળ આંહીં આવવાનો હતો. 

આ મંદિર જંગલના એકાંત ભાગમાં હતું. દિવસે પણ હિંસક પશુઓનો ત્યાં ભય લાગતો. પૂજારી પણ ત્યાં ઠેરતો નહિ. પૂજા કરીને ઘર ભણી પાછો જતો રહેતો, એટલે સંકેતસ્થાન તરીકે એ સરસ હતું. રાજા અને મંત્રી બે ક્ષણ પણ ત્યાં ઉભા રહ્યા હશે, એટલામાં પાછળના ભાગમાંથી કાંઇક પાંદડાં ખરવાનો અવાજ તેમને કાને પડ્યો. 

‘મહારાજ! પણ આપણે એને સકંજામાં લેવો પડશે, નહિતર એ આપણને બનાવી જશે!’ મુંજાલે મહારાજને પોતાની વાત સ્વીકારાય એવી ભૂમિકા માટે તૈયાર કરવા માંડ્યા.

‘મુંજાલ, પહેલાં તો તું જ વાત જાણી લે; હું પેલા થાંભલાની પાછળ ઊભો છું. એની શી વાત છે એ તો આપણે પહેલાં જાણો!’

મુંજાલ પ્રત્યુત્તર આપે તે પહેલાં તો જયસિંહદેવ મહારાજ ત્વરાથી સરી ગયા હતાં. એક સ્તંભની પાછળ એમને જતાં મુંજાલે જોયા. હવે વખત રહ્યો ન હતો. એ પોતે સ્વસ્થ થાય એ પહેલાં જ એને કાને અવાજ આવ્યો. તેણે અવાજ ઓળખી કાઢ્યો: દેશુભા આવ્યો હતો.

‘દેશળભા! આમ આવો, ભા! આમ,’ તેણે જવાબ વાળ્યો. ‘આંહીં કાંઈ વાંધો નથી, મેં ચકલુંય આસપાસમાં રહેવા દીધું નથી; તોય પાસે સારા. ભીંતને કાન ઊગે ત્યારે તો કંઈકના હાંડલાં ખાટાં થઇ જાય છે. આંહીં આવો – આંહીં જગ્યા પણ ચોખ્ખી છે, ને જંગલકેડીની સનસા પણ નજરે પડે!’ મુંજાલે દેશળને કહ્યું.

મહારાજ જયદેવ સઘળું સાંભળી શકે તેવી ગોઠવણ થઇ જાય તે માટે તેણે દેશળને આ બાજુ બોલાવ્યો. તેણે નજર ફેરવી, તો મહારાજ ત્યાં પાસે જ ઊભેલા હોય તેમ જણાયું.

દેશળ ત્યાં આવીને બેઠો. મુંજાલ તેની સામે બેઠો.

‘મહારાજ નથી?’ દેશળને જરાક શંકા પડી ને ગભરામણ પણ થઇ. ‘તમે તો સંકેતમાં મહારાજને મળવાની વાત કરી હતી ને?’

‘મહારાજને અત્યારે મીનલબા આવવા દે ખરાં? એ કોઈ દી બને? મહારાજ તો અત્યારે સોમનાથના સાંનિધ્યમાં બેઠા હશે; રાશિજીએ જપનું અનુષ્ઠાન સૂચવ્યું લાગે છે. આ અમારે સુખ – નહિ જપ કે તપ કે લપન કે છપન! પણ તમે નિર્ભય રહેજો . મહારાજને કાને વાત નંખાઈ ગઈ છે. બોલો, ખેંગારજી આવ્યા?’

‘હા, ખેંગારજી આવ્યા છે ને! ખેંગારજી છે ચંદ્રચુડ છે. બીજા પણ સૈનિકો છે. ભા દેવુભા છે. સોઢલ છે!’

‘ત્યારે તો આખો દુર્ગ આવ્યો છે તેમ કહો ને!’

‘ના એમાં બે જણ નથી!’

‘કોણ કોણ?’

‘દુદો ને હમીર!’

મુંજાલને બંને નામ પરિચિત હતાં. દુર્ગરક્ષણમાં એ બંને અદ્વિતીય ગણાતા. ગિરનારી દુર્ગના એ અદભુત દ્વારપાલ હતાં. મુંજાલે એમની ખ્યાતિ સાંભળી હતી.

‘જેમના ઉપર રા’ અત્યંત વિશ્વાસ મૂકે છે – ’

‘વિશ્વાસ મૂકે છે એ ખરું, વિશ્વાસ તો ઘણા ઉપર મૂકે છે. પણ આ બંને દુદો ને હમીર – બે બંને મળીને એક કિલ્લો થાય છે; ભા! એ તસુએ તસુ જમીનના જાણકાર રહ્યા. તમે આખો ડુંગરો ખૂંદી વળી ને એ બેય ભોરંગ જેવા ક્યાં બેઠા હોય ઈની તમને ગતાગમ ન પડે, દુદો ને હમીર તો સોરઠના શણગાર આપણે એમને સૂતા રાખવા પડશે!’

‘એ નથી આવ્યા, કાં?’

‘ના, એ નથી આવ્યા. પણ જુઓ. મહાઅમાત્યજી! આ રમત્યું, હવે અમારે તો માથાસટોસટની થાતી આવે છે. મેં તો કીધું, મહારાજ આવ્યા હશે – ત્યાં મહારાજ પોતે જ આવ્યા નથી!’

‘પણ હું છું ને, દેશળભા! તમારી વાતો અંકોડેઅંકોડો મહારાજને અકબંધ પહોંચાડું, પછી?’

‘અરે, ઈ તો ઠીક, પણ અમારે માથાં હાથમાં રાખીને આ જુગાર ખેલવાનો છે. આ જુગાર જ છે, ભા! ગિરનારનો અટંકી કિલ્લો કોઈએ હજી સુધી તો લીધો જાણ્યો નથી. અમારે માથે અત્યારે કેવી વીતે છે એ અમે જ જાણીએ છીએ. ચોકે ચોકી ઊપર નજર અમારી; ઉપરટકે; પણ વિશ્વાસ અમારો કોઈને નહિ. અમારી ઉપર હવે નજરબંધીની રમત્યું હાલે છે! હું આ આંહીં આવ્યો છું. પણ સૌ ત્યાં જપજાપમાં બેઠા ન બેઠા, સંકેત તમારો ઉકેલ્યો ન ઉકેલ્યો, ને તરત ભાગ્યો છું. પાછો સમુદ્રસ્નાનમાં પાણી ઉડાડવા સૌની હારે પહોંચી જાશ. આ એવી વાત છે. આ વાતની ખબર પડે તો જીવતાં ઘાણીએ જાવાનું છે ને ગિરનારનો ડુંગર, એ તો કોઈ માનો જણ્યો એમ ને એમ જીતે – એ વાતમાં કાંઈ માલ નથી!’

મુંજાલને દરેક પળનો ઉપયોગ હતો. દેશળ પોતાનું મહત્ત્વ સ્થાપી રહ્યો હતો. તેની આકાંક્ષા એવી રીતે સોરઠનું આખું રાજ મેળવવા લાગી. મુંજાલે એને દોરડું પણ આપ્યું ને આંબાઆંબલી બતાવ્યાં.

‘જુઓ દેશુભા! દુર્ગ ગિરનારનો એક વખત અજેય ગણાતો હશે. આજ તો તમે મહારાજની આકાશી સિદ્ધિ દેખી નાં? એની પાસે કોઈ વસ્તુ હવે અજેય રહી શકે ખરી? પણ અમારે જૂનોગઢને રોળીટોળી નાખવો નથી; અમારે એના કિલ્લાનો મહિમા એવો ને એવો રહેવા દેવો છે. એનો કિલ્લેદાર પણ રહેવા દેવો છે. જૂનોગઢનો રા’ પાટણના દરબારમાં દમામભેર બેસે એમાં તો અમારી શોભા છે. બોલો, દેવુભા! તમે મહારાજને સંદેશો મોકલાવ્યો છે. હું તમને સીધી જ વાત કરું: તમે અંદર રહીને અમને મદદ કરશો કે બહાર આવીને?’

‘બહાર આવીને!’

‘તો તમે મદદ કરી રહ્યા, ને અમે મદદ લઇ રહ્યા! એમ તો તમે કાંઈ નહિ કરી શકો.’

‘કેમ!’

‘કેમ? તમે હમણાં શું કહ્યું? રા’ તમારો વિશ્વાસ કરે છે? હીરાની પણ ગાંઠ તો પડી ગઈ નાં? રા’ પાછો તમારો વિશ્વાસ કેમ કરે એ કરવું પડશે. લીલીબા આંહીં સોમનાથમાં બેઠાં છે. જે રસ્તે થઈને એ ભાગ્યાં એ રસ્તો...’

‘હું તમને એ જ કહેતો હતો: મહાઅમાત્યજી! એ એક જ રસ્તો એવો છે, જેની જાણ માને છે, રા’ને છે. બીજા કોઈને – દુદાહમીરને પણ – એની જાણ નથી! રાજદુર્ગના રાજમહેલના અંદરના ખંડમાં ક્યાંક એની પગદંડી નીકળે છે!’

મુંજાલ વિચારમાં પડી ગયો. તે બે ક્ષણ બોલ્યો નહિ. ‘તમારા નસીબમાં રા’નું પદ ચોક્કસ છે, તમે એક કામ કરી શકશો?’

‘શું?’

‘તમે ગમે તેમ કરીને લીલીબાને પાછાં જૂનોગઢ ભેગાં કરી દ્યો. રાશિજીને વચ્ચે નાંખો, રા’ને મનાવો, લીલીબાને મનાવો, પણ એમને જૂનોગઢ ભેગાં કરો.’

‘તો...? તો શું થાય?’

‘ભૂલી ગયા? સંજીવની વિદ્યા પેલો કચ શી રીતે શીખ્યો હતો? પેટમાં પેસીને પગ પહોળા કરવાના. આ તો તમે રા’ને ચેતવી દીધો છે. અને જો હવે તમે એને નહિ મારો તો તમને ચોક્કસ મારી નાખશે. નહિ મારે તો એ ગાંડો ગણાશે. લીલીબાનું સમાધાન કરવા રા’ પ્રેરાય – તમે જ એની પાસે વાત મૂકો – લીલીબા મને-કમને એ સ્વીકારે, વાત જાણે થાળે પડી જાય, પછી ધીમે રહીને અંદર બેઠા પગ પહોળા કરો, તો તમારો વિજય થાય! નહિતર હું તમારું ગમે તે ક્ષણે મૃત્યુ જ જોઈ રહ્યું છું!’

‘એ કામ હું કરી દઉં; એ કામ સારું. રાશિજી પોતે જ ખેંગારજીને કહેવરાવશે. પછી કોઈને કાંઈ કહેવાપણું રહેશે?’

‘વાહ વાહ! તો તો સોળ વાલ ને એક રતિ!’

‘તમે લીલીબાને ક્યારે મળશો? શી રીતે મળશો?’ થોડી વાર પછી મુંજાલે પૂછ્યું.

‘આહીંથી – આ ઉપડ્યો! રાશિજીને પણ શોધવા પડશે. એમને તો પાછું લપસિંદર હશે! પણ એ થઇ જાશે. બોલો, પછી?’

‘જુઓ, દેવુભા! તમને મહારાજ વેણ આપે...’

‘મહાઅમાત્યજી! આ કામ વેણમાં કરી નાખું એવો હું મૂરખ નથી. આ તો ગિરનારની કાળમીંઢ ડુંગરમાળા છે. મહારાજના વાળ કાળા છે. તે આંહીં ધોળા થઇ જશે, પણ એ નહિ ડગે તો નહિ જ ડગે, પછી તો તમે જાણો.’

‘દેશુભા! મહારાજનું વેણ, જેને ઘેર પાટણની રાજગાદી છે.’

‘એ બધું સાચું – પણ મને તો તાંબાના પતરે જૂનોગઢની ગાદી લખી દેવી પડે, તો વાત બને; નહિતર તમે તમારે ઘેર મજો કરો, હું મારે ઘેર મજો કરું.’

મુંજાલ આ વસ્તુસ્થિતિ માટે તૈયાર ન હતો. મહારાજ એ વસ્તુ કબૂલ કરે એ પણ શક્ય ન હતું. પણ આ શઠને હવે જાવા દેવામાં લાભ ન હતો; માત્ર લાલચ આપવાથી એ માને તેમ ન હતો. તેણે નવો માર્ગ કાઢ્યો.

‘દેશુભા! અમારે તમારું કામ બગાડવું નથી. પણ બગાડવું હોય તો આટલી વાર લાગે!’ મુંજાલે દેશુભાનો વસ્ત્રલેખ તેની સામે ધર્યો: ‘આ ખેંગારજીને પહોંચાડીએ એટલી વાર. તમારી તો ગડકબારી થઇ જાય, અમારું કામ થાય. તમારે ત્યાં ફાટફૂટ પડે.’ મુંજાલે દેશળની રેવડી થાય એ ભય બતાવ્યો; ને પછી સમાધાનીનો રસ્તો દર્શાવ્યો. ‘પણ અમારી રાજનીતિ જુદી જ છે. અમારે તો અમારો મિત્ર હોય એવો રા’ આંહીં જોઈએ છે, એ મળી જાય એટલે આ યુદ્ધ પૂરું થયું, અમારે કિલ્લાની પડી નથી. તમારા ઉપર મહારાજની નજર ઠરી છે. ગમે તેમ પણ તમે અમારા ભાયાત છો, તમે આંહીં હશો તો પાટણનું ગૌરવ જળવાશે. તમે કહેશો તો એમ તાંબાને પતરે કરી આપીશું, પણ કોક કોતરવા બેશે નાં? કોક લખવા બેસશે નાં? પછી? દેશુભા! એ વાત ચાર કાનની નહિ રહે હોં! એનો વિચાર કરી જુઓ. તમે બુદ્ધિશાળી ખરા – હજી જરાક અનુભવ ઓછો! અમારે નામ  આપવું નથી, પણ તમે જ કામ કરી આપો છો એ કામ કરી આપનારો તમારો જ કોઈ ભાઈ વહેલેમોડે અમને મળી રહેશે; મળી રહેશે શું – મળ્યો છે. પણ તમે નક્કી કરો – બોલો. મારે પાછો મહારાજને ઉત્તર આપવો પડશે!’

દેશુભા ઉપર ધારી અસર થઇ. એ પોતે ખૂટલ હતો એટલે બીજો કોઈ ખૂટ્યો જ છે – એ મુંજાલની વસ્તુનો ભેદ આનાથી પકડી શકાયો નહિ. એને થયું કે, પોતે નહિ તો બીજો કોઈક પણ જૂનોગઢમાંથી ખૂટશે! વહેલેમોડે ખૂટશે! ત્યારે એને રા’પદ મળશે. એના કરતાં અત્યારે આ તક મળી છે તો કાં જવા દેવી? બે-ચાર કાને વાત જાય ને કાચું કપાય, એ પણ શા કામનું? મુંજાલની વાત એને ગળે ઉતરી રહી, પણ પાછળથી આ અંગૂઠો બતાવે તો? એના મનમાં શંકા થઇ. મુંજાલે એ શંકાની ગંધ પકડી લીધી. 

‘જુઓ દેશુભા! તમે કોઈ દિવસ જૂનોગઢ બહારની રાજરમત જોઈ નથી. તમને શંકા રહેવાની. તમે તમારો વિશ્વાસુ લખનારો માણસ શોધી લાવો. હું તો વાત કાચી કપાય માટે તમને ચેતવી રહ્યો હતો – તમારા પોતાના હિત માટે અંદર રહીને કામ કરવું છે. અમે તો બહાર છીએ!’

‘મહાઅમાત્યજી! તમે આ સોમનાથની સાખે બોલ્યા છો. એટલું યાદ રાખજો.’

મુંજાલે કાન પકડ્યો: ‘દેશુભા! દીધાં વેણ કાંઈ ફોક થાશે?’

‘પણ મહારાજની મુદ્રા તો અમને મળવી જોઈએ.’

‘એક કે બે?’

‘કેમ બે?’

‘તમે ને વિશુભા બે છો, તમને મળશે તો એને ખોટું લાગશે. એને મળશે તો તમને શંકા પડશે.’

મુંજાલે એક નવો જ તુક્કો ઉભો કર્યો.

‘એમ કરો ને – લીલીબાને આપવાની: હું આંહીંથી ત્યાં જ જાઉં છું.’

‘હું પણ ત્યાં આવું છું....’

‘લીલીબા મને સોમનાથનાં પાછલા આથમણા ભાગમાં દરિયાકાંઠે મળવાનાં છે!’

‘જ્યાં સ્તંભતીર્થના વહાણ ઉભાં રહે છે, ત્યાં?’

‘હા, ત્યાં!’

દેશુભા એક ક્ષણમાં ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો કે તરત મુંજાલ પાસેના સ્તંભ તરફ મહારાજને વાત કહેવા માટે દોડ્યો.

‘મહારાજ...’તે એક શબ્દ બોલ્યો ન બોલ્યો ને ચમકીને હઠી ગયો.

મહારાજ જયસિંહદેવ સિદ્ધરાજ ત્યાં હતાં નહિ.