Tribhuvan Gand - 7 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 7

યુદ્ધનો વિશેમકાલ

પરશુરામ થોડી વારમાં જ મહાઅમાત્યના વસ્ત્રાપુર પાસે આવી પહોંચ્યો. અનેક માણસોની ત્યાં ભીડ જામી હતી. ઘોડેસવારો, પાલખીવાળા, સૈનિકો, સરદારો – કેટલાક મળવા આવી રહ્યા હતાં; કેટલાક મળીને પાછા જતા હતાં; ઘણા મળવાની તક શોધતા ઉભા હતાં. મહાઅમાત્ય જે માર્ગે નીકળવાનો સંભવ હતો, તે માર્ગે પણ દૂરદૂર સુધી માણસોની ઠઠ જામી હતી. મુખદ્વાર ઉપર બે જબરદસ્ત ભાલાધારી સૈનિકો ઉભા રહી ગયા હતા. આસપાસના ચારેતરફ અશ્વદળના સૈનિકો નજરચોકી કરતા ફરી રહ્યા હતા. પાસેના એક વિશાળ વડ નીચે મહાઅમાત્યનો ગજેન્દ્ર ડોલી રહ્યો હતો. ગુજરાતના મહામંત્રીશ્વર જેવા સ્થાન ઉપર બેઠેલો પુરુષ ગમે તે ક્ષણે અહિના કોઈ ને કોઈ માણસના ઝપાટામાં આવી જાય – એવી જરા પણ અસાવધતા આવા જુદ્ધ સમે તે ભયંકર થઇ પડે. આસપાસ ક્યાંક કોઈ રબારી પોતાની ગાય પાસે ડાંગ લઈને ઊભો હતો; થોડે છેટે પલાશના ઝાડ નીચે ભેખધારી બાવાઓ ધૂણી ધખાવીને બેઠા ગપ્પાં હાંકતા હતા. કોઈને પણ ખબર ન પડે તેવી રીતે ચરપુરુષો મહાઅમાત્યના નિવાસસ્થાનમાં આવનાર-જનારની નજર રાખી રહ્યા હતા. પરશુરામે એના ઉપર એક સહેજ દ્રષ્ટિ ફેરવી લીધી – તે આગળ વધ્યો. હરેક સ્થાનમાંથી ગુજરાતના મહાસમર્થ મહાઅમાત્યની સ્પષ્ટ ચાપ ઊઠતી હતી. પટ્ટનગરની પાછળ આવી રહેલી ઊંચી ટેકરી ઉપર એક નાની સરખી પથરાની મઢી હતી. તેના ઉપર દૂર સુધીના વનવાટના હરેકેહરેક રસ્તા ઉપર દ્રષ્ટિ રાખી રહેલો એક તીરંદાજ ચોકી કરતો ઉભો હતો. મઢીની ઉપર એક જબરદસ્ત દંડને અદાહારે હવામાં લેરખી લેતો સોલંકીઓનો રાજધ્વજ ફરકી રહ્યો હતો. સૂર્યમુખીનું સોનેરી ફુલ્લપ્રફુલ્લ ફૂલ તેમાં લહેરાતું હતું, ‘અને પ્રભાતની નેકી પુકારનાર કુક્કૂટની સામે જાણે પ્રસન્નતાથી હસી રહ્યું હતું.

પરશુરામ એક પણ આ દ્રશ્ય જોઈ રહ્યો. આ રણધ્વજને બંગભૂમિ સુધી ફેલાવવાનાં એને સ્વપ્નાં આવતાં હતાં, પણ એના સાહસિક સ્વભાવને, હરપળે સાવધ રહેવા મથતા મહાઅમાત્યનો તાપ ભારે પડી જતો. અત્યારે પણ એને જે માટે બોલાવવામાં આવ્યો હતો તેમાં કદાચ આ વસ્તુ જ મૂળમાં હોવાનો સંભવ હતો. અનેક ગજરાજો સૂંઢો ડોલાવતા અત્યારમાં જ આવીને મહાઅમાત્યના દ્વાર પર બંને બાજુ ખડા થઇ ગયેલા તેણે દીઠા. જ્યારથી દુર્ગનું વિશેમ યુદ્ધ શરુ થયું, ત્યારથી ગુજરાતમાં ગજસેનાનું સ્થાન અત્યંત મહત્વનું બન્યું હતું. પાયદળ ને અશ્વદળ કરતાં ગજદળના સેનાધીશનો અધિકાર પણ જેવો તેવો ન હતો; અધિકારમાં એ કેવળ મહાઅમાત્યથી જ નીચે ગણાતો. પણ મહારાજના અંગત વિશ્વાસુ તરીકે તો એ અનન્ય હતો. અત્યારે એ સ્થાન મુંજાલ પોતે સાચવી રહ્યો હતો. પાટણમાં મહારાજનાં શ્રીકલશ સિવાય બીજા કોઈ રાજ અધિકારીના ગજરાજના દર્શન ભાગ્યે જ થતાં; એ જમાનો જ જાણે ચાલી ગયો હતો. અત્યારે તો તાલીમ પામેલી ગજસેના એ ચૌલુક્યોનું એક સામર્થ્ય મનાતું. હરેક સેનાપતિ ગજયુદ્ધની કુશળતા મેળવતો અને કર્ણાટક તથા માલવા જેવા ગજસેનામાં ઉત્તમ ગણાતાં રાજ્યો પણ પાટણની સેનાને ભયથી અને ચિંતાથી જોતાં શીખ્યાં હતાં. ગજયુદ્ધ એ માલવાની પેઠે જ પાટણની વિશિષ્ટતા બનતી જતી હતી. – જોકે એ ગજસેના આંહીં તો શોભાની બની રહી  હતી. આંહીંના દુર્ગની વિશિષ્ટતાએ સૌને મહાત કર્યા હતા.

શી રીતે વાત ઉપાડવી, ને શી રીતે વાતનો વળાંક લેવો, એ વિશે વિચાર કરતો પરશુરામ આગળ વધ્યો. તે મુખદ્વારમાંથી અંદર પ્રવેશ કરવા જતો હતો, ત્યાં બે જબરદસ્ત ભાલાધારીઓએ એનો માર્ગ રોકી લીધો. પરશુરામે તેમની સામે જોયું, પણ માણસ બંને તદ્દન નવા હતાં.

‘ખબર છે, કોને રોકે છે? ક્યાંથી આવ્યો છે – કોઈ નવો લાગે છે? – અંદર ખબર કર – સેનાપતિ પરશુરામ આવવા માંગે છે?’

‘અંદર જવાની મના છે – કોઈ પણ હોય, બહાર થોભો. અંદર સોમનાથના મઠપતિ મહારાજ પોતે આવ્યા છે!’

‘સોમનાથના મઠપતિ? કોણ? કૈલાસરાશિજી? પરશુરામ આશ્ચર્ય પામ્યો. થોડી વાર તો સ્તબ્ધ થઇ ગયો: ‘એમાં શું? તું તારે અંદર જઈને કહે, સેનાપતિ મળવા માંગે છે.’

દ્વારપાળે પ્રત્યુત્તર ન આપતાં માત્ર નિશાની કરી: ‘પ્રભુ! પાછળ જુઓ, ત્યાં રાજમાતાની પાલખી આવતી દેખાય છે!’

પરશુરામ ત્વરાથી એક બાજુ ખસી ગયો. બે હાથ જોડીને રાજમાતાને પ્રણામ કરવા તૈયાર થયો ન થયો, એટલામાં તો રૂપેરી ઘંટડીઓના નાદ કરતાં ભોઈઓની ડાંગનો અવાજ સંભળાયો. પાલખી જરાક આગળ વધીને જ થોભી ગઈ. મીનલદેવી તેમાંથી નીચે ઉતરી. ચારેતરફના સશસ્ત્ર સૈનિકો, ભાલાધારીઓ અને ઘોડેસવારો તેને નમી રહ્યા હતા. તેમણે બે હાથ જોડી સહેજ માથું નામાવતી તે ધીમી પગલે આગળ ચાલી. પરશુરામને લાગ્યું કે હવે અત્યારે મહાઅમાત્ય એને નહિ મળે – તે પાછો ફરવાનો વિચાર કરતો હતો એટલામાં તો એક સૈનિક દોડતો આવ્યો:

‘પ્રભુ! રાજમાતા તમને બોલાવે છે...’

પરશુરામ આભો બન્યો. રાજમાતાની એના તરફ દ્રષ્ટિ વળી એ એને નવાઈ લાગી. એણે પાલખીને નમન કર્યું હતું, પણ એની દ્રષ્ટિએ કોઈ પડ્યું જ ન હતું. મીનલદેવીની આ વિચક્ષણ દ્રષ્ટિએ એને અત્યારે વધારે ગભરાટ આપ્યો. કૈલાસરાશિ આવ્યો હતો અને કદાચ એ સોમનાથના બનાવ માટે જ આવ્યો હોય.

‘કોને, મને બોલાવે છે?’

‘હા,પ્રભુ!’ પરશુરામ અંદર ગયો. પટ્ટકુટીમાં પેસતાં તેણે જે દ્રશ્ય જોયું એ દ્રશ્યે તેને આભો બનાવી દીધો. એક મહામૂલ્યવાન ઊંચા આસન ઉપર કૈલાસરાશિ બેઠો હતો. તેની બંને પડખે બે-ત્રણ બાવાઓ હતા. તેની પડખે શંખ પડ્યો હતો. નીચે એક બાજુ રાજમાતા મીનલદેવી હતાં. થોડે દૂર મહાઅમાત્ય મુંજાલ હતો. અંદર કોણ આવે છે એ મુંજાલની દ્રષ્ટિમાં તરત આવી જાય એવી રીતે, એણે પોતાની જગ્યા ગોઠવી હતી. બીજી તરફ દંડનાયક ત્રિભુવનપાલ દેખાતો હતો. તેના પગ પાસે લાંબી તલવાર પડી હતી. પરશુરામ આગળ વધ્યો. તેણે બે હાથ જોડી નમન કર્યું: ‘લ્યો, આ આવ્યો પરશુરામ. પરશુરામ! આમ આવ, આમ. તારી સામે ફરિયાદ છે!’ રાજમાતાએ જ વાત ઉપાડી.

‘કોની?’ પરશુરામને રાશિની શંકા આવી.

‘કોની શું? આ અમારા સૌની. સજ્જન મહેતા હમણાં ક્યાં, પાટણમાં છે નાં? કોક સંદેશો મોકલીને વહુને તેડાવી લે. વહુને આવું જુદ્ધ પછી કે’દી જોવા મળે? ગુજરાતણ જુદ્ધની કાયર તો ન હોય...!

રાજમાતાનો ઉપાલંભ હતો, વિનોદ હતો, કે કટાક્ષ હતો તે પરશુરામ એકદમ કળી શક્યો નહિ. થોડી વારમાં અર્થ સમજતાં એ ઘા ખાલી ગયો. ‘ઓત્તારીની, આ તો મારે બેટે બાવે, વાતનું વતેસર કર્યું લાગે છે. પેલી નારીની વાતને જુદું જ રૂપ આપી દીધું. મારો બેટો! પણ અત્યારે એ ભેદ પ્રગટ કરવા માંગતો ન હતો, ને તેના મૌનનો જુદો જ અર્થ થતો હતો. શું કહેવું તે એ સમજી શક્યો નહિ. મુંજાલ મહેતાએ એની મુશ્કેલી સમજી લીધી: ‘સજ્જન મહેતા ક્યાં, પાટણમાં છે પરશુરામ? કે સ્તંભતીર્થમાં?’

‘પાટણમાં.’

‘તે પહેલાં તો સ્તંભતીર્થમાં દેરાસરની કાંઇક માપણી કઢાવતા હતા કેમ?

‘હા. પણ અત્યારે તો પાટણમાં જ છે!’

‘ત્યારે તો ઠીક!’

‘પ્રભુ... મારે એક વાત કરવાની છે...’ પરશુરામે બે હાથ જોડ્યા. મુંજાલ કળી ગયો. ‘ક્યાંક આ કાંઇક બાફી મારે નહિ –’ મુંજાલે મોટેથી કહ્યું: ‘યુદ્ધને લગતી હોય તો પછી કહેજો. આંહીં તો આવતી પૂનમના ખગ્રાસી ચંદ્રગ્રહણ માટે મઠપતિ કૈલાસરાશિ મહારાજ પોતે પધાર્યા છે – અત્યારે એ માટેની વાત ચાલે છે ને તને બોલાવ્યો છે પણ એટલા માટે.’

‘મને તો સેનાપતિજી ઓળખે છે. કેમ પરશુરામજી? આપણે તો મળ્યા પણ છીએ!’

‘અને હજી પણ મળીશું!’

‘હમણાં તો હંમેશા મળવું પડશે, પરશુરામ!’ મુંજાલે પરશુરામનો કટાક્ષ ઉડાડી દેવા પ્રયત્ન કર્યો; પણ મીનલદેવીએ વસ્તુ તરત પકડી લીધી: ‘પાછા મળીશું – એમ શા આધારે તું બોલ્યો, પરશુરામ? રાશિજી સાથે કાંઈ સંકેત કર્યો લાગે છે!’

પરશુરામ ઉત્તર આપવા જતો હતો એટલામાં દંડનાયકે જ કહ્યું: ‘પરશુરામજી! એ ભગવાન સોમનાથના મઠપતિ છે. સોલંકીના દરેક સિંહાસની પુરુષે એમને ગુરુ ગણ્યા છે, એમની પ્રતિષ્ઠા એ પાટણની પ્રતિષ્ઠા છે, એમનું ગૌરવ એ રાજનું ગૌરવ છે. તમે ત્યાં જઈ આવ્યા એ વાત મઠપતિએ કરી...’

‘ત્રિભુવનપાલજી...!’ પરશુરામનો અવાજ જરાક ઘેરો, તીખો ને કડક હતો.

મુંજાલે ફરીને વાતને પાટે ચડાવી દીધી: ‘દંડનાયકજી! આ તો જુદ્ધનો સમો છે... પણ આપણે તો અત્યારે તો વિવા છે એનું જ ગાણું કરો ને. વાત જાણે એમ છે, પરશુરામ! કે રા’ખેંગાર પાસે જવા માટે રાશિજી પોતે આવ્યા છે. ચંદ્રગ્રહણી સમુદ્રસ્નાન કરવા રા’ જાય ને આપણે વગર હરકતે એને જવા દેવો. સુદ બારશની સાંજથી તમામ શસ્ત્રધારીઓનાં શસ્ત્ર ભગવાન સોમનાથને ચરણે મૂકી જાય અને વદ બીજની મધરાત પછી એ શસ્ત્ર ઉપડે, આમાં કાંઈ કહેવું છે તારે? તને બોલાવ્યો છે જ આટલા માટે. કેમ દંડનાયકજી! આ જ વાત છે નાં?’

ત્રિભુવનપાલે ડોકું ધુણાવ્યું. તે પરશુરામની સામે જોઈ રહ્યો.

‘સુદ બારશની સાંજથી વદ બીજની મધરાત સુધી કોઈ કોઈની સાથે યુદ્ધ ન કરે – આવી ગોઠવણ કરવાની છે?’

‘હા, બસ, એમ. કોઈ કોઈની સાથે યુદ્ધ ન કરે. જેને જે રસ્તે ઠીક પડે તે રસ્તે સમુદ્રકિનારા તરફ જઈ શકે – રા’ જાય, રા’ના સૈનિકો જાય, જૂનોગઢ આખું ભલે જાય – આપણે ચારે તરફના ચોકીપહેરા ઉઠાવી લેવાના! સોમનાથ જવાનો દરેક માર્ગ દરેક માટે ખુલ્લો!’

‘અને કાંઈ દગો થાય તો? કોણ, દંડનાયકજી વાત માથે લે છે? મહારાજ પોતે શું કહે છે?’

‘ઉસમેં મહારાજ ક્યા કહેંગે?’ કૈલાસરાશિ બોલ્યો: ‘સમુદ્રસ્નાન આદિ સે હોતા હૈ – જૂનોગઢકા રા’ સ્નાન કરે ઉસકે પીછે સબકા સ્નાન હો! સોમનાથ કી વો અચળ પ્રણાલિકા હૈ.’

‘અને આ તો રા’ જૂનોગઢનો છે, પરશુરામજી! દગાની વાત જવા દો, એવી વાત કરીને નાના આપણે દેખાશું!’ ત્રિભુવને કહ્યું.

‘જૂનોગઢમાંથી કાંઈ બહાર નહિ લઇ જવાય ને જૂનોગઢમાં કાંઈ અંદર પણ નહિ લવાય!’ પરશુરામ વિચાર કરતાં બોલ્યો.

‘વો તો બરાબર –’

‘માણસની ગણતરી થાશે, ને જાશે તે સંકેતચિહ્ન રાખશે; પાછો ફરશે તે પણ એ પ્રમાણે કરશે!’

‘વો ભી બરાબર –’

‘તો મહારાજ આજ્ઞા આપે એટલે ડિંડમિકાઘોષ કરીએ.’

‘મુંજાલ! રાશિજી જઈ આવે, રા’નું વેણ લાવે. પછી ઘોષની વાત રાખજો. સાથે કોણ જાય છે? શ્વેત ધ્વજનો સંદેશો લઈને આગળ જશે ત્યારે યુદ્ધ થોડી વાર અટકશે નાં?’

‘સાથે જશે દસોંદી લાલ ભાટ,’ મુંજાલે કહ્યું. સીને એ વાત રૂચી ગઈ લાગી. 

‘એ બરોબર છે,મહેતા! દસોંદી. વળી બારોટ, દેવીપુત્ર એટલે બંને બાજુને પૂછવાલાયક. એને કહેવરાવી દીધું છે?’ મીનલે કહ્યું.

‘એ તો તૈયાર જ હશે. પણ રાશિજી? તમે દુર્ગમાંથી ક્યારે સાંજે પાછા ફરશો? અમારે ક્યાં સુધી રાહ જોવી? રા’ને કાંઈ ખાતરી જોઈતી હોય ને કોઈને મોકલવો ઘટે તમારી સાથે તો ભલે મોકલે, મહારાજની એ ઈચ્છા છે કે યુદ્ધ છતાં ધર્મમર્યાદાનો લોપ ન થાય!’ મુંજાલ બોલ્યો.

‘પણ વખત છે ને રા’ વેણ ન સ્વીકારે – સમુદ્રસ્નાન કરવાની જ ના પાડી દે – તો પછી અમારે શું કરવાનું?’ પરશુરામે પૂછ્યું.

કૈલાશરાશિ જરાક બોલતાં થોભ્યો: ‘પરશુરામજી! યે સમુદ્રસ્નાન આદિ સે હોતા હૈ. રા’ જૂનોગઢ કા સ્નાન ન કરે – ઐસે ચંદ્રગ્રહણ જૈસે મહાપર્વણિસમે – એ ન ભૂતો ન ભવિષ્યતિકી બાત હુઈ. રા’ જૂનોગઢના તો આવે વખતે સોમનાથ ભગવાનના ચરણે, હીરા-માણેક-મોટી ભેટ ધરતા આવ્યા છે. રા’ ગ્રહરિપુએ ભેટ ધરેલો હીરો હજી મહાદેવના ચરણમાં છે! રા’ આવેગા જરૂર આવેગા! – ન આવે યહ હો નહીં શકતા!’

‘થયું ત્યારે. પાટણને સોમનાથ આરાધ્ય દેવ છે. વિરામકાળ પૂરો થાશે કે યુદ્ધ પાછું શરુ થાશે!’ મુંજાલે કહ્યું.

‘પરશુરામજી! હવે કાંઈ કહેવાનું બાકી છે? કૈલાસરાશિના શબ્દમાં ઊંડો કટાક્ષમય મર્મ હતો.

પરશુરામે તરત પ્રત્યુતર ન વાળ્યો. તે પોતાના મનમાં ઘાટ ઘડી રહ્યો હતો: ‘બારશને તો હજી વાર છે. એટલામાં તો એ પોતાનો માર્ગ કરી લેશે!’ તે કાંઈ બોલ્યો નહિ. તેણે માત્ર નકારદર્શક ડોકું ધુણાવ્યું.

થોડી વાર પછી મહાઅમાત્યની છાવણીમાંથી એક સુખાસન બહાર નીકળ્યું. એની સાથે જટાધારી બાવાઓનું જૂથ હતું. કોઈ શંખ વગાડતા હતા. કોઈ નાદ કરતા હતા. કેટલાક ‘જય સોમનાથ’ની ધૂન મચાવી રહ્યા હતાં. એમની પડખે બે ઘોડેસવારો ચાલી રહ્યા હતા. સૌથી આગળ દસોંદી લાલ ભાટ હતો. તેણે શ્વેત ધ્વજ ધારણ કર્યો હતો. 

આખું મંડળ જૂનોગઢના કિલ્લા તરફ જઈ રહ્યું હતું.