Tribhuvan Gand - 6 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

ઝાંઝણે વાત મેળવી

કૈલાસરાશિ સામે પરશુરામે ખામોશી પકડી હતી તે વાત આગળ આવી ગઈ. તે છતાં પાછા ફરતાં આખે રસ્તે પરશુરામને એના જ વિચારો આવ્યા કર્યા. વહેલી પ્રભાતે તે જ્યારે છાવણીમાં આવી પહોંચ્યો ત્યારે પણ હજી તે સોમનાથની અસરમાંથી તદ્દન મુક્ત થયો ન હતો. એને પોતાના મનમાં સોએ સો ટકા ખાતરી હતી કે એ નારી પાસે અમૂલ્ય માહિતી હોવી જોઈએ. કોઈ પણ સોલંકી સૈનિકને હાથે સોમનાથની જરા જેટલી મર્યાદાનો ભંગ અત્યારે થાય તો એ વાત જુદું જ રૂપ પકડે; એવી લોકવાયકા ઉડે તો સોરઠ આખાની પ્રજા હાલકડોલક થઇ જાય; એટલે એણે કૈલાસરાશિને તે વખતે વધારે કાંઈ ન કહેતાં ચાલતી પકડી હતી, પણ એનું અશાંત મન હજાર જાતના ઘોડા ઘડી રહ્યું હતું. એક પળે તો એને એવો વિચાર પણ આવ્યો કે જે થાય તે, પણ થોડું સેન લઇ પાછું સોમનાથ તરફ ઉપડવું – કોઈને કહ્યા વિના – ને એ નારીને હાથ કરવી. છાવણીમાં આવ્યો ત્યારે એ સાહસિક વિચાર એના મગજમાંથી છેક ચાલ્યો ગયો ન હતો. 

મહારાજ જયસિંહદેવે એને સોરઠી જુદ્ધ સોંપ્યું હતું. એનો અંતિમ વિજય જો એ પોતે જ મેળવે, તો મહારાજને એની ઉપર વધારે શ્રદ્ધા બેસે. આટલી નાની વયમાં આ પદ મળતાં કુદરતી રીતે જ એની મહત્વાકાંક્ષા જાગી ઊઠી હતી. એને પણ ગુજરાતના મહાઅમાત્ય થવાના કોડ હતાં. એથી આગળ વધીને એને તો ભારતવર્ષમાં પોતાનું નામ કાઢવું હતું. પણ હવે દંડનાયક ત્રિભુવનપાલ આ જુદ્ધ માટે આવી રહ્યો હતો. પરમાર જગદેવ પણ ખગ્રાસી ચંદ્રગ્રહણ પછી આવવાનો હતો. પરશુરામને એ રુચ્યું ન હતું. એણે મહાઅમાત્યને એ વાત કરી પણ હતી. પણ જવાબમાં એક મુરબ્બીવટ ભરેલા હાસ્યનો પડઘો જ માત્ર સંભળાયો હતો. એટલે પોતાની આ વાત કોઈને ન કહેવામાં પરશુરામને સલામતી લાગી; મુંજાલ મહેતાને પણ, કહેવાની જરૂર ન પડે તો ન જ કહેવી. પોતે જૂનોગઢી દુર્ગની જરા જેટલી પણ માહિતી મેળવી શકે, તો વિજય હાથવેંતમાં જ હતો. પરશુરામની કપના ઉત્તેજિત થઇ. એમ થાય તો સોરઠી સેનના વિજયી સેનાપતિ, સમુદ્રગુપ્તના મહામંત્રી હરિષેણની પેઠે, ગુજરાતના ગજેન્દ્રોને કાવેરી ગંગાના નીરમાં સ્નાન કરાવે! પરશુરામને તો જીવન-સ્વપ્ન સિદ્ધ કરવાની તાલાવેલી હતી.

કારણ કે પરશુરામ જુવાન હતો. તરંગી હતો. મહત્વાકાંક્ષી હતો. ઉત્સાહે અને અધીરાઈએ એને નિખાલસ બનાવ્યો હતો. બિનઅનુભવે એનામાં આશાવાદ સીંચ્યો હતો. જાતવિશ્વાસે એ જગતને નાનું ગણતો થયો હતો. મુંજાલ મહેતામાં પણ એને ઘણી વખત સાહસની ખામી જણાતી – મંત્રીશ્વર સમર્થ સેનાપતિના રણયશને બદલે મહાચાણક્યનો યુક્તિપ્રયુક્તિવાદ અપનાવતો લાગતો. જુવાન પરશુરામને થયું કે, મુંજાલ પાસે પણ અતિ નાનું સ્વપ્ન છે. તે પોતે પોતાના મહાન સ્વપ્નનો સર્જક, દ્રષ્ટા, નેતા અને ભક્ત થઇ રહ્યો. અત્યારે પણ એની કલ્પના કોણ જાણે બંગના કયા બાગમાં એના મત્ત ગજેન્દ્રોને દોરી જાત – પણ એટલામાં એણે ઝાંઝણને પોતાની તરફ આવતો દીઠો.

તે વિચારી રહ્યો: મહાઅમાત્ય એને અત્યારમાં બોલાવે તો તે માત્ર એક જ કામે હોઈ શકે: યુદ્ધસંચાલન. હજી ત્રિભુવન આવ્યો ન હતો. એટલે પોતે સોમનાથ વિશે અંતરમાં નિર્ણય કરી લે ત્યાર પછી જ કોઈ નિશ્ચિત પગલું લેવું એવો એણે સંકલ્પ કરી લીધો. એટલામાં તો ઝાંઝણ એની પાસે આવી ચડ્યો. પરશુરામની મુખમુદ્રા ઉપરથી જ એ પામી ગયો કે કોઈ મહત્વના નિર્ણયની ગડમથલ એના અંતરમાં ચાલી રહી છે. અત્યારમાં એ ક્યાંક જઈને આવ્યો લાગે છે. ક્યાં ગયો હશે? ઝાંઝણે અનુમાન કરવા માંડ્યું. પણ એકે અનુમાન બંધ બેઠું નહિ. કોઈના અંતરની વાત કળી જવી, એ ઝાંઝણનો પોતાનો જ વિશેય હતો.

એણે પરશુરામનું માપ કાઢી લેવાનો નિશ્ચય કરી લીધો. હમણાંહમણાં હવામાં એક હજાર ને એક વાત ઊડતી હતી. દરેક વાતની યુદ્ધ ઉપર નિર્ણયાત્મક અસર પડે એમ પણ જણાતું. પરશુરામની મહત્વાકાંક્ષા ઝાંઝણથી પણ અજાણી ન હતી. તેણે પહેલાં તો બે હાથ જોડી એને નમાવ્યું, પછી ધીમેથી વાત ઉપાડી:

‘પ્રભુ! અત્યારમાં રા’નો ગઢ ઉપાડવો છે કે શું? આ તૈયારી તો એવી લાગે છે!’

‘તું કોની પાસેથી – મહાઅમાત્યજી પાસેથી – આવે છે?’ લેશ પણ ગંધ આને આપવી નથી, એ નિશ્ચયથી વાતમાં ખેંચાયા વિના જ પરશુરામે કહ્યું.

ઝાંઝણ એ કળી ગયો.

‘પ્રભુ! મહાઅમાત્યજી તમને યાદ કરે છે!’ એણે સીધી વાત શરુ કરી દીધી: ‘હું તમને એ કહેવા જ આવ્યો છું!’    

‘અત્યારમાં? એમ? કોઈ આવ્યું છે?’

‘દંડનાયકજી ત્રિભુવનપાલ મહારાજ!’

પરશુરામને પેટમાં ધ્રાસકો પડ્યો. પણ તે સાવધ બની ગયો. તેણે પોતાના ઉપર તલવાર લટકતી દીઠી. છતાં કાંઈ જ ન હોય તેમ સ્વસ્થ જ રહ્યો. ત્રિભુવનપાલ આવ્યો હોય તો એનો અર્થ જ એટલો કે એનું પોતાનું સ્થાન ગૌણ બન્યું. મહાઅમાત્યે કદાચ અત્યારમાં એને એ વાત કહેવા માટે જ તેડાવ્યો હોય. તેણે પોતાના મનમાં તરત દ્રઢ સંકલ્પ કરી લીધો: એક રાત આ સમાચારને મોડા પ્રગટ કરવા. એક રાત હજી એની હતી અને એક રાતમાં તો રામચંદ્રની ગાદી ગઈ હતી!

‘ત્યાં લાટમાં બધું સમુંસુતર છે નાં?’ તેણે ઝાંઝણને પૂછ્યું.

‘ગણો તો છે – અને ન ગણો તો નથી!’ ઝાંઝણે જવાબ વાળ્યો.

‘કેમ એમ બોલ્યો? પડ પાછું જાગે એવું લાગે છે?’

‘જાગે તો શું હવે? ત્યાં કોણ છે? જગાવનાર તો આંહીં આવી ગયા. દંડનાયકજીની ખમીરવંતી રાજપૂતીએ મહારાણી લક્ષ્મીદેવી જેવાંને આપણાં પાટણનાં બનાવી દીધાં – પછી ત્યાં લાટમાં બીજું તો કોણ મોરચો માંડવાનું હતું? એમ ગણો તો તો પ્રભુ! આ તમારું સોરઠી જુદ્ધ આપણને – પાટણને તો ફળ્યું!’

ઝાંઝણે જૂનીનવી વાતના મિશ્રણ વડે પરશુરામ પાસેથી એની વાત કઢાવવાની ભૂમિકા રચી; પણ પરશુરામ હજી સાવધ હતો. તે બોલ્યા વિના મોં મલકાવીને જ એને આગળ વધવા ઉત્તેજી રહ્યો. ઝાંઝણ આગળ વધ્યો: ‘એ તો એવું છે, પ્રભુ! આ સોરઠી જુદ્ધ લંબાણું – અતિ લંબાણું – તો રાજમાતાએ લાટના લક્ષ્મીદેવી માટે ભૂમિકા તૈયાર કરી. ત્રિભુવનપાલ મહારાજે યોજના રચી. મહારાજે સદભાગ્યે હા કરી. લક્ષ્મીદેવીએ જોગાનુજોગ આ તરફ વળ્યાં તો આજે લાટ તરફની શાંતિ છે અને આ તમારું જુદ્ધ ચાલે છે. નહિતર આંહી તો હવે સરપે છછૂંદર ગળ્યા જેવું થયું છે: નથી યુદ્ધ મુકાતું, નથી એ જિતાતું: જીત આવતી નથી, અને હાર સ્વીકારવી નથી. દુર્ગ ડગતો નથી અને ખેંગાર હઠ મુકતો નથી. – ’

‘ખેંગારનું સુઝ્યું પછી કાંઈ?’ અચાનક પરશુરામે પોતાના વિચારમાંથી જાગીને વાતને તદ્દન બદલી નાખી.

ઝાંઝણ એ કળી ગયો. પણ તેણે એટલી જ ધીરજથી પાછી વાત શરુ કરી: ‘એનું બીજું તો શું સૂઝવું’તું પ્રભુ? ગિરનારના ખડક ડગે તો ખેંગાર ડગે!’ 

‘એ તો ઠીક હવે – ’ પરશુરામે કંઈક આવેગથી કહ્યું, ‘હું તો પૂછતો હતો – ખગ્રાસ ચંદ્રગ્રહણ ઉપર સોમનાથસમુદ્રમાં ખેંગાર સ્નાન કરવા જવાનો હતો તેનું શું થયું એ વિશે. સોમનાથ જશે કે નહિ? મારે એને સંદેશો મોકલવાનો હતો – મહારાજની આજ્ઞા હતી – પણ એનું સૂઝ્યું છે કાંઈ કે નહિ?’

‘ખેંગારના આટલા અનુભવ પછી એમાં હવે કાંઈ પૂછવા જેવું હોય, પ્રભુ! આવા ચંદ્રગ્રહણ જેવા મહાપર્વણિસમે સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા ન જાય – તો એ ખેંગાર શાનો? એ જાવાનો જ!’

પરશુરામ કાંઇક વિચાર કરી રહ્યો. ઝાંઝણ એની સામે જોઈ રહ્યો. તેણે પોતાના મનમાં ગાંઠ વાળી લીધી – તે મનમાં જ બોલ્યો: ‘ને તમારી વાત ન મેળવું તો હું ઝાંઝણ શાનો?” ‘પ્રભુ!’ તે મોટેથી બોલ્યો: ‘આ સોરઠનો રા’ છે એના જેવો દુરાગ્રહી હજી બીજો કોઈ મહારાજને પણ મળ્યો નથી. એ સોમનાથ જવાનો જ અને હવે તો આ ત્રિભુવનપાલ દંડનાયકજી આવ્યા છે – એમની રજપૂતી એ ન જતો હોય તોપણ એને પરાણે મોકલે એવી ખમીરવંતી છે, એટલે અત્યારે તો પ્રભુ! હવામાં હજાર વાત આવે છે અને હજાર જાય છે; પરંતુ ગમે તે થાય, ખેંગાર ગયા વિના તો નહિ જ રહે. બોંતેર પેઢીના પિતૃઓની નજર પોતાના સમુદ્રસ્નાન ઉપર રહી છે – એમ એ માનનારો. ખેંગાર ન જાય એ ન જ બને; એ જાવાનો જ.’ ઝાંઝણે જાણી જોઇને ખેંગારના જવા વિશે વધુ ભારસૂચક વાક્ય કહ્યું.

પરશુરામનું સેનાપતિ તરીકેનું સ્વમાન ઘવાયું: ‘અને આંહીં આ હજારોની સોલંકી સેના સૂની પડી છે તેનું શું?’

‘સોલંકીની સેના ભલે ને પડી; એ જોતી રે’શે!’ ઝાંઝણે એને ઉશ્કેર્યો.

‘કેમ? ઈજારો એને એકને ત્યાં જ લાગે છે –’ પરશુરામે કરડાકીથી કહ્યું ને થોડી વાર પછી ઉમેર્યું: ‘- વીરત્વનો.’

‘અત્યારે તો એમ છે, સેનાપતિજી! આવતીકાલે પછી ભલે જે થવું હોય તે થાય પણ હવે એના દી ભરાઈ ગયા છે. કાલે તો પ્રભુ! જૂનોગઢ આખામાં એક વાત ઉડી હતી.’

‘શી?’ પરશુરામે ઉતાવળે કહ્યું. ને પેલી સ્ત્રીના ભણકારા વાગ્યા.

‘અત્યાર સુધી પાટણનો રાજા સેન લઈને લડવા આવ્યો છે, એમ લોકમાં કહેવાતું હતું. એને માટે માન પણ હતું. ગઈ કાલે એ વાત ફરી ગઈ: હવે એ રાક્ષસ લઈને લડવા આવ્યો છે એમ બધે વાત ચાલી છે. સેન ને જુદ્ધે ભુલાઈ ગયા; રાક્ષસ ને જાદુ ચાલુ થયાં!’

‘કેમ એમ? કોણે એવું ફેલાવ્યું?’

‘ફેલાવે કોણ –? પણ કોટકિલ્લા, વાવ, પુલ, નદીના બંધ, તળાવ, નવાણ રસ્તા એ બધાંની રચનામાં બર્બરકની સહાય લેવાતી હતી, ત્યાં સુધી તો ઠીક હતું; પણ હવે ધર્મયુદ્ધની મર્યાદાનો લોપ થવાનો ભય ઉભો થયો છે!’

‘શા ઉપરથી તું એમ કહે છે? એવું કાંઈ બન્યું છે?’

‘મહારાજ લાંબા જુદ્ધથી કંટાળ્યા છે – એમને જુદ્ધ ટૂંકાવવું છે. ને જૂનોગઢ આખામાં વાત ફેલાઈ છે...’ ઝાંઝણે વાતમાં મોણ નાખ્યું: ‘પણ પ્રભુને તો ખબર હશે નાં – બર્બરકની સિદ્ધિની?’

‘કોને, મને? હું મહારાજને બર્બરક વિશેની સલાહ આપું એમ? કોઈ નહિ ને હું? હું તો જોદ્ધો છું... ને જો મારું ચાલે... તો આવતાં થોડા દિવસોમાં હું તો આ જુદ્ધ પૂરું પણ કરું, ઝાંઝણ!’

ઝાંઝણ ચમકી ઉઠ્યો. પરશુરામ પાસે ચોક્કસ કાંઇ અગત્યના સમાચાર છે. તેણે પરશુરામને વાતમાં વધુ આગળ ખેંચ્યો.

‘સલાહ તો મહારાજને કોઈ આપે કે ન આપે – એ વસ્તુની અત્યારે ક્યાં અગત્ય જ રહી છે? એ જમાનો જ જાણે ગયો. એ બાબતમાં કર્ણદેવ મહારાજ – એના જેવા સીધા રાજવી બીજા કોઈ નહિ. મંત્રીઓ કહે તે સોળ વાલ ને એક રતી. દંડનાયકજીને ને મહારાજ તો, કહે છે કે આ આ વાત ઉપર ભારે મતભેદ ઉભો જ છે!’

‘ખરેખર? કઈ વાત ઉપર?’ પરશુરામને રસ પડ્યો. એ રસ પડતાં અસાવધ થયો. ઝાંઝણે એ જોયું. તે આગળ વધ્યો. 

‘પ્રભુને તો એ ખબર હશે નાં?’

‘મને ક્યાંથી ખબર હોય? મેં તો આજે છાવણીનું મોં જોયું!’

‘ત્રણ દિવસે? ઝાંઝણે સહજ પૂછતો હોય તેમ, પૂછ્યું.

‘ત્યારે નહિ? ત્રણ દિવસ ધડ ઉપર માથું જ કોને હતું? પણ તું શું કહેતો હતો?’

‘પ્રભુ! આ તો ઉડતી વાત છે – કર્ણોપકર્ણ ચાલતી આવે છે.’

‘કે?’ પરશુરામને રસ પડ્યો હતો ઝાંઝણે એ જોયું. તે વધુ પાસે સર્યો, ચારેતરફ થોડી વાર જોતો રહ્યો. પછી તે ધીમેથી વિશ્રંભ કથા કહેતો હોય તેમ બોલ્યો: ‘પ્રભુ! વાત કોઈને જણાવવા જેવી નથી; પણ સૌ બોલી રહ્યા છે કે બર્બરકે એક આકાશી રથ તૈયાર કર્યો છે!’

‘હં? ખરેખર? તો તો ભારે થશે!’

‘ભારે થશે શું? ભારે થઇ છે!’

પરશુરામને આ માહિતી ઘણી ઉપયોગી લાગી. તે સાવધ બની ગયો. તેણે વાતમાં વધુ રસ લેવા માંડ્યો.

‘શી ભારે થઇ?’

‘દંડનાયકજી આવ્યા. એમણે આ સાંભળ્યું. એ તો મહાધાર્મિષ્ઠ પુરુષ છે, શંકરના ત્રીજા લોચન જેઈ ઉગ્ર જ્વાલાથી પોતાના હરેક કાર્યની અગ્નિપરીક્ષા આજ દિવસ સુધી કરતા આવ્યા છે. એના જેવા અટંકી નરની પ્રતિષ્ઠાએ તો લાટની રાજલક્ષ્મી લક્ષ્મીદેવીને આંહીં તમારે ત્યાં આણ્યાં છે દંડનાયકજી તો રહ્યા, જોગંકર જેવા. મહારાજને નામે શિર ઉતારી દેતાં એમનું રૂંવાડું ન ફરકે – પણ એવી અચળ રાજભક્તિના પુરુષને પણ આ સાંભળીને લાગી આવ્યું!’

‘કેમ? મહારાજે અપમાન કર્યું?’

‘અપમાન નહિ – પણ અપમાનનો ભાઈ. વાત એમણે કરી, મહારાજે સાંભળી, આકાશી રથ જેવી આસુરી સિદ્ધિ અત્યારે આ યુદ્ધમાં ન વપરાય – એમ કહ્યું. પણ મહારાજ પોતે કયે વખતે શું કરશે એની શી ખબર? ખેંગાર સોમનાથસ્નાન કરવા જાય ને હલ્લો કરે તો? જોગંદર મૂંઝવણમાં છે, મુંજાલ મહેતા જેવાને પણ મહારાજની વાતમાં બે ઘડી વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. એ મહાઅમાત્ય છે ખરા. પણ એ ‘મહા’ છે કે નહિ એ હજી નક્કી થવું બાકી છે: ને એ અમાત્ય છે કે નહિ તે મહારાજ નક્કી થવા દેતા નથી.’

‘કેમ આવું બોલે છે, ઝાંઝણ?’

‘પ્રભુ! સાચું જ કહું છું, એક વખત એ અમાત્ય જેવા લાગે; બીજી વખત મહાઅમાત્ય જેવા લાગે પણ ત્રીજી વખત બેમાંથી એકે ન લાગે! મહારાજની પોતાની શક્તિ ગજબ છે. એની વિચિત્રતા એના કરતાં પણ ગજબ છે! મહારાજની કલ્પના, આખા ભારતવર્ષને પામી લેવાની – ને આંહીં તો સોરઠવિજયનાં પણ ઠેકાણાં નથી – એટલે મહારાજ અધીરા થયા છે!’

‘ભારતવર્ષને પામી લેવાનું મહારાજને હોય – તેમ બીજાને પણ સ્વપ્ન હોય. પણ સોરઠવિજયનાં ઠેકાણાં હોય ક્યાંથી?’

‘કેમ એમ બોલ્યા, પ્રભુ? દંડનાયકજી આવ્યા છે, તમે છો, પરમાર છે – એક મહાસમર્થ હલ્લાની યોજના તો ઘડી શકાય તેમ છે!’  

‘પણ એ યોજના ક્યારે પાર પડે? આંહીં આવું જુદ્ધ ચાલે ને આહીંથી બાર જ જોજન છેટે દેવપટ્ટણમાં કૈલાસરાશિ બેઠો સત્તા ચલાવે – અનિયંત્રિત સત્તા ચલાવે – આ રીત ક્યાંની? મારે તો આજે મહાઅમાત્યને કહેવું છે. એ, સોમનાથી વિસ્તારમાં રહેનારને પણ જુદ્ધનો નિયમ તો પાળવો જ પડે – નહિતર હરકોઈ ભાગીને ત્યાં પહોંચ્યું. એટલે થઇ રહ્યું!’

ઝાંઝણ વાત પામી ગયો: આને કૈલાસ સાથે કાંઇક ઘર્ષણ થયું છે. પણ એ વાત એ જ માર્ગમાં આગળ ખેંચી: ‘પ્રભુ! ત્યારે એ કૈલાસરાશિના અભિમાનથી તો મહાઅમાત્ય પોતે પણ ઘા ખાઈ ગયા છે!’

‘કેમ, થયું છે કાંઈ? હું ત્યાંથી જ આવ્યો.’

‘સોમનાથથી?’

પરશુરામ બોલતાં બોલી ગયો; પણ હવે કાંઈ ન હોય તેમ એણે જવાબ વાળ્યો: ‘હા સ્તો!’

‘સોમનાથ તો...? આ ચંદ્રગ્રહણ માટે...’

‘અરે ભૈ – મારે તો ચંદ્રગ્રહણની કાંઈ પડી નો’તી. આંહીં તો – કોઈક ભાગી હતી – પણ બાવો મને? ધરાર ન માન્યો!’

‘હા... પણ એ નારી કોણ? કંઈ પત્તો લાગ્યો?’ ઝાંઝણે સહજ વાતની જેમ જ વાત ચલાવી.

‘ભાગી આંહીંથી – જૂનોગઢમાંથી. કોણ છે એ ખબર નથી, ક્યાં છે એ તને કહું – આ બાવા પાસે...’

પણ ઝાંઝણે સત્વ મેળવી લીધું હતું. તેણે અતને તરત જ અકૃત્રિમ રીતે સંકેલવા માંડી: ‘ત્યારે આ બાવાજીએ તો રાજમાતાને પણ કહેવરાવ્યું છે...’

‘શું?’

‘કે રા’ જૂનોગઢનો ચંદ્રગ્રહણી સ્નાન માટે ન આવે તો સમુદ્રસ્નાન બંધ રહે. રા’ તો વંશપરાપરાથી આવે વખતે સમુદ્રસ્નાન કરતા આવ્યા છે. સોમનાથ ભગવાનને ચરણે ભેટ ધરતા આવ્યા છે. રા’ને અભયવચન આપીને સમુદ્રતટે ચંદ્રગ્રહણ સમે, આવવાનો માર્ગ આપી દેશો તો સમુદ્રસ્નાન થશે... નહિતર નહિ થાય!’

‘હવે નહિ થાય તો નહિ થાય!’

‘અરે! સેનાનાયકજી! બોલતાં સંભાળજો હોં – આજકાલ તો એક અક્ષર બોલવામાં ફેર પડ્યો કે, ઉડ્યો જ છે. તમે સાંભળ્યું તો હશે?’

‘શું?’

‘કૈલાસરાષીએ આ કહેવરાવ્યું છે; ને સાથે રાજમાતાને આકર્ષ્યા પણ છે! પછી બાવાજી તમને શેના દાદ દે? દીધી દાદ?’

‘ના.’

‘સંભળાવી ને નાં – કે એ નારી તો સોમનાથની છે?’

‘હા, એમ જ થયું.’

‘આંહીં રાજમાતાને પણ એમ જ સકંજે લીધાં છે – એ જબરો છે!’

‘કેમ, છે, કાંઈ?’ પરશુરામે ધીમો અવાજ કાઢ્યો.

ઝાંઝણે ચારેતરફ દ્રષ્ટિ કરી. ખાખરાના જેવાં નાનાંનાનાં ઝાડ-ઝાંખરાંથી ઢંકાયેલું આસપાસનું પગદંડી જેવું મેદાન ગમે તેને છુપાઈ રહેવાનું મન થાય તેવું હતું. તે અત્યંત ધીમેથી છાની વાત કહેતો હોય તેમ બોલ્યો: ‘મહારાણી લક્ષ્મીદેવીને દિવસ ચડ્યા છે!’

‘કોને – લાટવાળાંને?’

‘ત્યાં બીજાં વળી ક્યાં છે - ? તમે પણ મારા ભૈ – એમને દિવસ ચડ્યાં છે – ને મહારાણીબા મીનળદેવીને, સિદ્ધરાજ મહારાજનો કુમાર ખોળામાં રમાડવો છે. કૈલાસરાશિ કહે છે કે ભગવાન સોમનાથની કૃપા મેળવે તો જ પુત્ર થાય, નહિતર પુત્રી આવે – કૈલાસરાશિનો અત્યારે ગજ વાગે છે એનું આ કારણ. મહાઅમાત્યજી તો કેટલુંક સંભાળે: પ્રભુ? અત્યારે એમને ધડ માથે માથું નથી. બીજો કોઈ હોત તો ક્યારનો લંગોટી વાળીને ભાગી ગયો હોત! અત્યારે હવામાં કેટલી વાતો ગાજે છે એ ગણવા માંડો ને. આ બર્બરકનું આકાશી રથવાળું ગાજે છે. દંડનાયકનું ગાજે છે. આ વેળા મઠપતિ કૈલાસરાશિનું ગાજે છે. રા’નું તો ગાજે જ છે. સાંતૂ મહેતાએ કહેવરાવ્યું છે કે, ચેતતા રહેજો, માલવાનું નગારું પણ ગાજે છે અને હવે વળી એક નવી વાત હવામાં ગાજે છે – એક કોઈ યોગેશ્વરી સોમનાથમાં છે, તેણે વળી અગમવાણી ભાખી છે: ઉજ્જેનના મહાકાલિમંદિરમાં પાટણપતિ દર્શને જાય, તો એને ત્યાં વંશવેલો પાંગરે! બોલો હવે! ત્યાં તમે વળી આ ઈદંતૃતીયમ વાત લાવ્યા. આંહીંથી ભાગી – પણ એ ભાગી ક્યાંથી? કિલ્લામાંથી કે આપણી છાવણીમાંથી?’

‘હજી સમજ્યો નહિ?’

‘ના.’ ઝાંઝણે બોઘા જેવો જવાબ વાળ્યો.

‘ત્યારે જો, ભાગી રા’ના કિલ્લામાંથી એ ચોક્કસ. કિલ્લામાંથી એક ચકલું પણ ન પેસે કે ન બહાર નીકળે, એવો ચારેતરફ ચોકીપહેરો છે; એમાં એ કિલ્લામાંથી નીકળી શી રીતે? નીકળી તો ભલે, પણ નીકળી શા માટે? ને આમ સોમનાથ ગઈ તો ત્યાં ગઈ શું કરવા? ત્યાંથી ભાગી જવાની હશે? એ કોણ હોઈ શકે?’

‘તમે તો એક જબરદસ્ત વસ્તુ લાવ્યા છો, પ્રભુ! પણ એ કોણ છે – કોણ લાગે છે? પેલી યોગેશ્વરી કહે છે એ તો નહીં હોય?’

‘ના રે, યોગેશ્વરી કેવી ને વાત કેવી! ગમે તે હોય – પણ મારે તો આજ રાતે...’ પરશુરામ વાત ગળી ગયો. પણ ઝાંઝણને એના ઉતાવળા સ્વભાવની જાણ હતી, એણે અનુમાન કરી લીધું: આજ રાતે ચોક્કસ આ કાંઈ નવાજૂની કરવાનો. એના મનમાં પણ એક મહાન પ્રશ્ન થયો. તે સ્ત્રી કોણ હોવી જોઈએ. તરત એક બીજો વિચાર પણ આવ્યો આ વાત મહાઅમાત્યજીને હમણાં – પરશુરામના પણ પહેલાં – પહોંચાડી દેવી. એણે ત્વરાથી ચાલવા માંડ્યું.

‘કેમ, ઝાંઝણ?’

‘પ્રભુ! મારે બીજે પણ જવાનું છે. અમાત્યજી ત્યાં જ છે – એમના વસ્ત્રાપુરમાં, હું પણ આ આવ્યો!’

એક ક્ષણમાં ઝાંઝણ ઝાડીઝંખરીમાં અદ્રશ્ય થઇ ગયો.