Khushee - The Puppy in Gujarati Short Stories by Bhavinkumar Mistry books and stories PDF | ખુશી - ધ પપી

Featured Books
Categories
Share

ખુશી - ધ પપી

ખુશી - ધ પપી 

માણસ તકલીફમાં, સ્ટ્રેસસમાં હોય છે ત્યારે હીલિંગ માટે ઘણાં બધા રસ્તાઓ શોધતો હોય છે ઘણી બધી તકનીકો અપનાવતો હોય છે. કોઈક સારા સ્પીકરનાં પોડકાસ્ટ સાંભળવા, આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા, ધ્યાન કરવું, એક્સરસાઇઝ કરવી કે કોઈ સારું પોતાના મનગમતા લેખકનું પુસ્તક વાંચવું વગેરે. કોઈક ને કોઈક રીતે પોતાની મેન્ટલ હેલ્થને સુધારવા તથા પોતાના ટેન્શનમાંથી ડાયવર્ટ થવા માટે નવા નવા રસ્તાઓ શોધતો હોય છે. કેટલીકવાર આ બધા સાધનો કારગર સાબિત થાય પણ અને ના પણ થાય પરંતુ એક મૂક જીવ તમને કામના સ્ટ્રેસ, ટેન્શનથી મુક્ત કરી શકે છે એ પણ એક સાબિત થયેલો બાબત છે. ઘણી વખત આપણને ઘરમાં પાલતું પશુ રાખવા નથી ગમતા પણ થયેલા કેટલાક મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં સાબિત થયું છે કે ‘Pets are the best healers - પાલતું પશુ શ્રેષ્ઠ હીલર હોય છે.’ 

હકીકત કહું તો મને આ બાબત ખુશીને મળ્યા પછી સમજાઈ! લોકડાઉન પછી વેલનેસ સેન્ટર પર બધાને મળવા માટે હું ગયો ત્યારે મારું સ્વાગત કઈંક અલગ જ થયું. મને ખુશી એ વેલકમ કર્યો! એની રીતે ! જે રીતે કોઈપણ પપી અજાણ્યા માણસને જોઈને કરતું હોય એમ ખુશી એ મને આવકાર્યો એની જૂની અને જાણીતી શૈલીમાં ભસીને! હું ક્ષણપુરતો હેબતાઈ ગયો. મને એમ થયું કે આ ક્યાં આવી ગયો હું! આ નવા સભ્ય વિષે કોઈ જ પૂર્વ જાણકારી મને ના હતી. અને સાચું કહું તો કૂતરા સાથે મારા ભૂતકાળના અનુભવો થોડા કડવા છે એટલે ડરીને હું બેસી તો ગયો. પણ હવે કરવું શું? એ વારે વારે મારી પાસે આવે, મને સ્મેલ કરે, મારા પગ-હાથને ચાટવા પ્રયત્ન કરે, આ બધુ મને થોડું ડરાવનું લાગતું હતું. એટલે આ જોઈ ને પીયૂષભાઈ એ ખુશીને કહ્યું ‘ખુશી, સીટ !’ એટલે એ બેસી તો ગઈ પણ હજી એની નજર મારી સામે જ હતી. જરા પણ હું હલવાનો કે ખસવાનો પ્રયત્ન કરું એટલે એ ભાસવાનું શરૂ કરીદે! આમ જોવા જાય તો ફક્ત અડધો કલાક માટે હું ત્યાં ગયો હતો પણ મારે બે કલાક સુધી બેસી રહેવા પડ્યું. કારણ ખુશી! 

પછી બીજી વખત જ્યારે હું સેન્ટર પર ગયો ત્યારે પણ ખુશી તો હતી જ પણ આજે થોડો માહોલ કઈંક અલગ હતો. જેવો હું પ્રવેશ્યો એ સામે આવી ખરી પણ આજે ભસી નહીં. જોઈ ને સૂંઘીને બેસી ગઈ. પછી સમયાંતરે જવાનું થતું રહ્યું ને એની સાથે મિત્રતા થતી ગઈ! આજે જ્યારે પણ સેન્ટર પર જાવ છું. એટલે દરવાજો ખોલતાની સાથે જ એ પાસે આવી જાય. એના પાછલા બે પગ પર ઊભી થઈ જાય અને જ્યાં સુધી એના માથા પર હાથ ના ફેરવો ત્યાં સુધી એ ખશે નહીં! ખરેખર કહું તો આજે ખુશી મારા માટે સ્ટ્રેસબુસ્ટરનું કામ કરતી હોય એવું લાગે છે. સાંભળ્યું તો હતું કે પાલતુ પશુઓ પણ હીલરનું કામ કરતાં હોય છે પણ આજે ખરેખર અનુભવી પણ રહ્યો છું. 

આજે પણ ઘણીવાર સેન્ટરની મુલાકાત માટે જાઉં છું તો પેહલો સ્વાર્થ તો ખુશીને મળવાનો જ હોય છે. સેન્ટર પર જાઉં અને ખુશી ના દેખાય એટલે સહજ પૂછાઈ જાય કે ‘ખુશી ક્યાં છે?’ અને પીયૂષભાઈ કહે હવે તમને પણ આદત પડી ગઈ લાગે છે ખુશીની! પેહલા ડરતા હતા હવે ખુશી ના દેખાય તો એનું પેહલા પૂછો છો! સાચી વાત છે કે પેટ્સ તમને અલગ પ્રકારનું જ હીલિંગ આપતા હોય છે. એમની પાસે આપણી જેમ બોલવાની શક્તિ નથી પણ વફાદારી, સમજણ અને પ્રેમ આપણાં કરતાં વધુ એની પાસે હોય છે.

 

 

- ભાવિન મિસ્ત્રી